છાયાનટ/પ્રકરણ ૫

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૪ છાયાનટ
પ્રકરણ ૫
રમણલાલ દેસાઈ
પ્રકરણ ૬ →



પિતાને અને પુત્રને સંબંધ નથી એમ કહેવામાં શું સચ્ચાઈ હતી ? રાજા અને રૈયત, ગુરુ અને શિષ્ય, માલિક અને નોકર તથા પતિ અને પત્ની વચ્ચે સંબંધ નથી એમ કહેવામાં કદાચ સચ્ચાઈ હોય, પરંતુ પિતા અને પુત્રની સંકલનાને અમાન્ય કરવામાં આખા જીવનને અમાન્ય કરવા જેવું બને !

અલબત્ત બાહ્ય દૃષ્ટિએ બંને વચ્ચે કશો જ સંબંધ દેખાતો નહિ. ગૌતમના પિતાએ હાસ્યજનક પાઘડી પહેરી હતી. ગૌતમ કદીયે પાઘડી પહેરવાનો ન હતો; એને માથે ટોપી પણ ન હતી. પિતાએ ચારે છેડે ધોતિયું પહેર્યું હતું. ગૌતમને પહોળા લેંઘા સિવાય બીજું કાંઈ પહેરતાં આવડતું જ નહિ. ગૌરવ વધારનારું પિતાએ પહેરેલું અંગરખું ગૌતમને નાટકના રાજા જેવું લાગતું હતું; કફની સિવાય તે બીજું કાંઈ પહેરતો જ નહિ. અને દુપટ્ટો ! એનો ઉદ્દેશ ગૌતમને કદી સમજાયો નહોતો. પુરુષના મુખને પૌરુષ આપતી પિતાની મૂછો ગૌતમને મન જૂના જમા નાનો પડછાયો હતી. બંને વચ્ચે કશો જ સંબંધ દેખાતો ન હતો.

છતાં પણ પિતાની આંખમાંથી વહેતી કિરણાવલિ ગૌતમને આકર્ષી રહી.

'તું બેચાર દિવસ મારી સાથે આવ...' પિતાએ કહ્યું.

‘ત્યાં આવીને હું શું કરીશ ?’

‘તારી બહેનોને મળાશે, મનને શાંતિ રહેશે અને પ્રિન્સિપાલનો રોષ એટલામાં ઊતરી જશે.'

‘મોટાભાઈ, પ્રિન્સિપાલના જૂઠા રોષને આપણે સહુએ બરદાસ્ત કરવાનો, ખરું ?'

‘મોટા માણસ છે, હાથમાં સત્તા છે. એમની મરજી જોઈને કામ તું ન કરે તો સજા પણ કરે !’

‘મોટા માણસ ?’ ગૌતમની આંખમાંથી તિરસ્કાર વરસી રહ્યો. હિંદમાં ગરીબોનું ભક્ષણ કરતો મોટા માણસોનો એ નીચ વર્ગ જેમ વહેલો અદૃશ્ય થાય તેમ વધારે સારું, એવો ભાવ એના તિરસ્કારમાં સૂચવાયેલો હતો. ‘એની કાંઈ ના પડાય ? પગાર ભારે મળે. બંગલાઓમાં રહે, ઊંચા વર્ગમાં મુસાફરી કરે, હજારો વિદ્યાર્થીઓ ઉપર સત્તા ચલાવે ! એમને મોટા ન કહીએ તો બીજા કોને મોટા કહેવાય ?’ પિતાએ કહ્યું. મોટાઈની આ સિવાય બીજી કયી વ્યાખ્યા હોઈ શકે ?

‘પણ હું ત્યાં આવું એના કરતાં અહીં જ કશી નોકરી શોધી લઉં.’ ગૌતમે કહ્યું.

‘નોકરી તો છેવટે છે જ ને ! બધા કહે છે કે પ્રિન્સિપાલ સાહેબ ચાર દિવસમાં શાંત પડશે અને તને પાછો કૉલેજમાં દાખલ કરી દેશે.'

‘પણ મારે હવે આગળ ભણવું જ નથી.’

'આટલે આવીને ? છેલ્લું વર્ષ છે. જોતજોતામાં વખત નીકળી જશે, અને તું ગ્રેજ્યુએટ થઈ કમાતો બની જઈશ. એના વગર આપણે ચાલે ?’

‘તમે ક્યાં ગ્રેજ્યુએટ છો ?’

‘માટે તો હું હજી કારકુનીમાંથી ઊંચો નથી આવ્યો. વળી મારો વખત જુદો હતો.'

‘તમને પ્રિન્સિપાલ સાહેબે શું કહ્યું ?'

‘હમણાં તને ઘેર લઈ જવાનું.’

‘અને પછી ?’

‘પછી જોઈ લેવાશે.'

‘અને કલેક્ટર સાહેબની યાદીનો તમે શો જવાબ આપ્યો ?’

‘તારે એનો ઊંચો જીવ કરવાનું કારણ ?'

'હાસ્તો.'

'યાદી તો જોઈ ને તેં?'

‘મામલતદાર સાહેબ ઉપર ગુપ્ત લખાણ પણ હતું.’

'શું ?'

‘કે આવું તારું ધાંધળ ચાલુ રહે તો મારી નોકરી માટે વિચાર કરવો.'

‘એટલે તમને નોકરીમાંથી કમી કરવાની ધમકી, નહિ ?’

‘હાસ્તો; એમને બધો અધિકાર છે.'

‘એમના ઉપર કશી દાદ-ફરિયાદ ન ચાલે ?'

‘કોણ સાંભળે ? આવી બાબતમાં ઉપરીઓ કશું જુએ જ નહિ.’

‘એ ઉપરીઓ હિંદુસ્તાનમાં આવી આપણને ન્યાય આપવાનાં બણગાં ફુંકે છે ! તમે નોકરી જ છોડી દો તો ?’

‘શી રીતે છોડાય ? સિત્તેરનો પગાર હમણાં થયો. એમાંથી તારા ત્રીસ - પાંત્રીસ જાય. બાકી રહે તે વડે હું અને તારી બહેનો ચલાવીએ. તારી માએ તો ગુજરી જઈને પોતાના પૂરતા ખર્ચમાંથી મને બચાવી લીધો; પણ એટલુંયે ન હોય તો શું કરવું ?’

‘આવી નોકરી કરવા કરતાં ભૂખે મરવું ઠીક નહિ ?’

‘કરી જોજે કોઈ વાર. આજ તો એ પ્રશ્ન નથી. ચાલ હવે. તારે ઓરડી ઉપર જવાની પણ જરૂર નથી. સીધા ગાડીએ જ બેસીએ. દોઢ કલાકમાં ગાડી ઊપડશે.'

શું કરવું એની ગૌતમને તત્કાળ સમજણ પડી નહિ. પ્રિન્સિપાલે ગૌતમને કાઢી મૂક્યો એટલે વિદ્યાર્થીઓએ હડતાળ પાડી. ગૌતમને કચરી નાખવા તેમણે ગૌતમના પિતા ઉપર પણ સરકારી દબાણ આણ્યું. સરકારી દબાણ આવ્યું અને પિતાને ભૂખે મારવાની ધમકી અપાઈ. પિતામાં ભૂખે મરવાની તાકાત હતી એ ગૌતમ જાણતો હતો, પરંતુ પોતાનાં બાળકોને ભૂખે મારવાની કઠણાશ તેમણે કેળવી ન હતી. અને કોઈ પણ સામાન્ય પિતા જે સંજોગોમાં પુત્રને ધમકાવી તેની ખબર લઈ નાખે તે સંજોગોમાં આ પિતા પુત્રને સમજાવતા પટાવતા હતા !

કોણ મોટું ? હજારોનો પગાર ખાઈ વિદ્યાર્થીઓને ઘડવાનો નિષ્ફળ દાવો કરતો પ્રિન્સિપાલ કે ગુનો - સાચો કે ખોટો - કરી રહેલા પુત્રને પાળવા જીવનભર મજૂરી કરી રહેલો એક અર્ધ ભણેલો પિતા ?

અને યુરોપનાં રાજ્યો જેવડા પ્રાંતો ઉપર હાકેમી કરવા માટે લાખોનો પગાર લૂંટી જઈ હાથ નીચે કામ કરનારને તાબેદારીનું અસહ્ય ભાન કરાવનાર હાકેમ મોટો કે બાળકોના પાલન માટે ધમકી સહી લેતો એક ગરીબ પિતા મોટો?

બાળપણમાં ગોખેલી કવિતા ગૌતમને યાદ આવી :

' ગુરુને બાપસમા ગણો. '

કયા ગુરુને બાપ સમાન ગણવાનું મન થાય એમ હતું ? એકડિયા કે બાળપોથી શીખવતા શિક્ષકથી માંડીને કૉલેજના પ્રિન્સિપાલ સુધીની ગુરુપરંપરા તેણે યાદ કરી. પ્રાથમિક કેળવણીવાળા બેત્રણ શિક્ષકો સદ્દભાવશીલ હતા ખરા; ગુજરાતની હાઈસ્કૂલોના જૂના વિદ્યાર્થીઓમાં એક પારસી ‘વાડિયા માસ્તર’ના નામે હજી માનસિક નમન થતું તેને યાદ આવ્યું. પણ કૉલેજના પ્રોફેસરો-પ્રિન્સિપાલોમાંથી...? ઉચ્ચ કેળવણી આપવાને બહાને જીવવા મથી રહેલી લજામણી એ જાત યાદગીરીમાંથી જેટલી દૂર થાય એટલું સારું !

સરકાર તો વળી મા અને બાપ ! હિંદનાં રાજારાણીને માત્ર છબીમાં જ જોવાય ! તેમના પ્રતિનિધિઓ હિંદમાં ફરે ત્યારે હજારો માઈલની રેલ્વેને થાંભલે થાંભલે ગામડિયાઓએ તેમના રક્ષણ અર્થે ઊભા રહેવાનું ! અને તે પણ મુખ ફેરવીને ! ન રાત જોવાય, ન દિવસ; ન ટાઢ વિચારાય, ન તાપ. ગ્રામોન્નતિનાં ગપ્પાં ઠોકવાં, પોતાને ખરેખર રાજા માનતા અને મનાવતા હિંદના હવાઈ અને ચિત્રામણિયા રાજાઓના દરબાર ભરવા, અને એકાદ શિખામણ આપી એ રાજાઓને હિંદને બેવફા નીવડેલા પૂર્વજોની મૈત્રી સંભારવી, ધારાસભાના પ્રતિનિધિઓ વિરુદ્ધ હોય તે કાયદાઓ અવશ્ય પસાર કરી સત્તાનું પ્રદર્શન કરવું, અને હિંદવાસીઓના બધા જ પક્ષો સમજ વગરના છે એમ માની મનાવી ‘સહુ સલામત’ની બાંગ પોકારવી. પ્રજાને ઐક્યનો બહારથી બોધ આપી વર્ગભેદ વધે એવી ગુપ્ત મુત્સદ્દીગીરી યોજવી, અને મોગલાઈ ઠાઠ સાથે પાંચ વર્ષનું સ્વર્ગ ભોગવી હિંદની ગરીબી વધારવી ! આ સિવાય પ્રજાને સરકારનો બીજો કશો પરિચય હોય તો પ્રજા જાણે ! કે ઈલકાબધારીઓ જાણે !

એ સરકાર માબાપ !

ગૌતમને સૃષ્ટિ ફરતી લાગી, પૃથ્વી હાલતી લાગી.

શું કરવું ? પિતા સાથે જવું કે અહીં રહેવું ? તેના મિત્રો દૂરથી આવતા દેખાયા.

‘ફત્તેહ ! ગૌતમ ફતેહ !’ દીનાનાથે બૂમ પાડી.

‘એટલે ?' પાસે આવેલા દીનાનાથને ગૌતમે પૂછ્યું.

‘તું ચાર દિવસ તારા પિતા સાથે જઈ આવ. ક્રિકેટ મૅચને દિવસે પાછો આવજે. પછી તને કૉલેજમાં દાખલ કરી દેશે.' દીનાનાથે કહ્યું.

‘ખરી વાત કહો છો ?’ ગૌતમે પૂછ્યું.

‘પ્રિન્સિપાલ સાહેબના કથનનો એવો ઝોક હતો ખરો. પણ...’ રહીમે કહ્યું.

‘રહીમ તો છે જ વિચિત્ર ! ન હોય તેવો અર્થ એ કાઢવા તૈયાર હોય છે.’ શરદે કહ્યું.

‘ત્યાં બન્યું શું ?’ ગૌતમે પૂછ્યું.

‘ધાર્યા કરતાં વધારે સરળતાથી કામ થયું.’ અરવિંદ બોલ્યો. અને તેણે આખા પ્રસંગનો અહેવાલ આપ્યો. પ્રિન્સિપાલ સાહેબે ગુસ્સાને બદલે સ્મિતથી છયે જણને આવકાર આપ્યો; કૉલેજનું અને પોતાનું માન રાખવા આગ્રહ કર્યો. પ્રિન્સિપાલને મન કૉલેજના વિધાર્થીઓ પુત્રવત હતા અને એનાં તેમણે અનેક દૃષ્ટાંતો આપ્યાં, અને વગર શરતે છયે જણાંને કૉલેજમાં પાછા લેવાની ઈચ્છા દર્શાવી એક વડીલ તરીકે આ પ્રસંગ માટે શોક જાહેર કર્યો.

‘તમે છયે જણ વગર શરતે કૉલેજમાં આવી શકો છો. પછી કાંઈ ?' પ્રિન્સિપાલે જણાવ્યું.

છયે વિદ્યાર્થીઓ ઝાંખા પડ્યા. આ ઉદારતાની તેમને આશા ન હતી.

‘પરંતુ બીજા બધાએ માફીપત્ર લખી આપ્યાં છે ને ?’

‘કહો તો તે બધાં રદ કરું.’ અગર તમને મારું માન તમારું લાગતું હોય અને વિશ્વાસ હોય તો તમે પણ માફીપત્ર લખી આપો.' પ્રિન્સિપાલ સાહેબે કહ્યું.

વિદ્યાર્થીઓનાં હૃદય છેક રીઢાં બની ગયેલાં ન હતાં. સહજ માનભર્યું વર્તન તેમને ઉદારતાની ટોચે ચડાવે છે. કોનું માન વધારે રાખવું ? વિદ્યાર્થીઓનું કે પ્રિન્સિપાલનું ?

‘પરંતુ જે પ્રશ્ન ઉપર અમે હડતાલ પાડી છે તેનું નિરાકરણ તો થતું જ નથી ને ?’ નિશાએ હિંમત લાવી કહ્યું.

'કયો પ્રશ્ન ? તમે છોકરાં ઘેલાં બની ગયાં લાગો છો. તમારે જોઈએ શું તે કહેશો ?' પ્રિન્સિપાલે વાત્સલ્યથી પૂછ્યું.

‘કેમ સાહેબ ? ગૌતમને આપે...' રહીમે કહ્યું. એકાએક ગંભીરતા ધારણ કરી રહીમને બોલતો રોકી પ્રિન્સિપાલે મેજ ઉપર હાથ ગોઠવી કહ્યું:

‘તમે બચ્ચાંઓને ક્યાં કશી ખબર હોય છે ? મેં ગૌતમને માટે શું શું કર્યું છે એ તો તમે જાણશો તોય માનશો નહિ. પરંતુ તમને એક વાત સમજાવું. સામ્યવાદી સાહિત્ય અને સામ્યવાદી મંડળો ઉપર પ્રતિબંધ છે એ જાણો છો ને ?’

‘હા, જી. પણ એ પ્રતિબંધ શા માટે....?' અરવિંદ બોલ્યો.

‘એ પ્રશ્ન બીજો છે. રાજકીય ઉગ્રતાભર્યો એ પ્રશ્ન છે. અને તમે એને જેટલો ઓછો છંછેડો એટલો આપણા દેશને લાભ છે. એ વાત પણ બાજુએ મૂકો. પરંતુ તમને મારી યોજના સમજાવું ?’

'જી.'

‘ગૌતમને કાઢી મૂકવાની ધમકી ન આપી હોત તો તમે બધા હડતાલ ઉપર જાત ખરા ?'

'ના જી.'

‘હડતાળ ઉપર ન ગયા હોત તો શું થાત એ ખબર છે ?’

‘ના જી. બધું સરળતાથી ચાલ્યા કરત.'

‘તમારામાં ક્યાં સમજ છે ? હડતાલ ન પડી હોત તો ગૌતમ આજ છુટ્ટો પણ ન હોત. એને ક્યારની હાથકડી થઈ હોત.'

‘એમ ?'

‘નહિ તો ? ગૌતમ શું મારો દુશ્મન છે ? વાતાવરણ પલટી નાખી એના લાભમાં ઉતારવા તો મેં આ બધું કર્યું ! હું ક્યાં બધાને કહેતો ફરું ?’

‘તો હવે એણે શું કરવું ?’

‘બધું મારા ઉપર છોડી દો. ચાર દિવસ એ જઈ આવે એના પિતાને ઘેર. તેમને મેં સમજાવ્યા છે. પછી ભલે કૉલેજમાં આવે.'

‘પરંતુ એને તો આપે કૉલેજમાંથી કાઢી મૂક્યો છે, અને એને પાછો લેવાની ના પાડો છો !’

‘આજની પરિસ્થિતિ ભલે એમ હોય. આવતી કાલ સબળ કારણે મને એ હુકમ ફેરવતાં કાંઈ વાર લાગશે ? દરમિયાન હું બધું રાજકીય ધાંધળ શાંત પાડી દઈશ.’

પ્રિન્સિપાલની મુત્સદ્દીગીરીનો વિજય થયો. વિવેકી વિદ્યાર્થીઓના કુમળા હૃદયમાં દુઃખ ઊપજ્યું. પ્રિન્સિપાલની માફી માગવાનો પત્ર પણ લખાઈ ગયો અને ગૌતમનું ભાવિ પ્રિન્સિપાલના સદ્દભાવ ઉપર ટીંગાવવામાં આવ્યું.

ગૌતમે પોતાના છયે વફાદાર મિત્રો સામે અવિશ્વાસથી જોયું. છતાં તેમના કથનને ગ્રાહ્ય કરી ચાર દિવસ માટે ગૌતમ તે જ સાંજે પોતાના પિતા સાથે ચાલ્યો ગયો.

હડતાળનું પૂરું સમાધાન થઈ ગયું. વર્તમાનપત્રોએ વિદ્યાર્થીઓની લડતને, પ્રિન્સિપાલના માર્દવને તથા સમાધાનીઓની કુનેહને વખાણી સહુને મુબારકબાદી આપતા ખાસ વધારા બહાર પાડ્યા.

પ્રિન્સિપાલ સાહેબનાં કુટુંબીઓએ પ્રિન્સિપાલ સાહેબને ખુલ્લાં અને છૂપાં વખાણથી વધાવ્યા. તેમનાં પત્નીએ નવાં એરિંગ પહેરતે પહેરતે મળવા આવેલાં એક પ્રોફેસરનાં પત્નીને કહ્યું :

‘પેલી વાનરસેના તો ઠેકાણે પડી ગઈ.'

‘બીજું કરે શું ત્યારે ?' બંને પત્નીઓનાં મુખ ઉપર વિજય હાસ્ય છવાયું.

રાત્રે પ્રિન્સિપાલ સાહેબનું આખું કુટુંબ સિનેમા જોવા ગયું. પરદેશી ચિત્રમાં એક વિદ્યાર્થીએ દેશને માટે આપેલા ભોગનું દૃશ્ય હતું. કેળવાયલાં કુટુંબોએ તેને તાળી પાડી વધાવ્યું.

બહાર નીકળતા એક મોટા આયનામાં પ્રિન્સિપાલે પોતાનું મુખ જોયું. તેમના મુખ ઉપરની પ્રસન્નતા એટલી બધી મોહક હતી કે તેમને પોતાને જ વિચાર આવ્યો :

'છબી પડાવી હોય તો?'

યુરોપના મુત્સદ્દીને શરમાવે એવું ચકોર મુખ એમનું હતું !

ગૌતમ એ વખતે સાધારણ સ્થિતિના પિતા સાથે રેલ્વેના ત્રીજા વગમાં મુસાફરી કરતો હતો.