લખાણ પર જાઓ

છાયાનટ/પ્રકરણ ૮

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૭ છાયાનટ
પ્રકરણ ૮
રમણલાલ દેસાઈ
પ્રકરણ ૯ →


‘ગામમાં કેટલી મોટરકાર થઈ ગઈ !’ ગૌતમે કહ્યું.

‘ભાઈ, તમે કમાશો ત્યારે કાર રાખશો ને ?’ અલકે પૂછ્યું.

કાર એ હિંદમાં ધનિક તથા ઊંચા મધ્યમ વર્ગનું એક સંકેતચિહ્ન બની ગઈ છે. ધન રહિત વર્ગને ચીડવતી ખીજવતી એ પરદેશી ગડીએ જનતાના અસંતોષને અતિ તીવ્ર બનાવ્યો છે. એની ઝડપ ધનિકોની દક્ષતા કે ઉપયોગ તલપૂર પણ વધાર્યા વગર ગરીબોની મંદતાને આગળ કર્યા જ કરે છે. ગરીબીના બળવામાં કારને પહેલી બાળી નાખવામાં આવશે. એમ ગૌતમ માનતો હતો.

અલક એ પ્રશ્નમાં ભાઈનો ભાવિ વૈભવ ઈચ્છતી હતી. પરંતુ જે વૈભવ સર્વનો બની ન શકે એ વૈભવ ગૌતમને ખપે એમ ન હતું. બહેનને સામાજિક અસમાનતાની ભયંકરતા કેમ સમજાવવી તેનો વિચાર કરતાં ગૌતમે જોયું કે એક દમામદાર શણગારાયલો શૉફર તેની પાસે આવી રહ્યો હતો. શૉફરે ઝીલનારને રુચે એવી સલામ કરી કહ્યું :

‘હુઝૂર આપને સલામ કહાવે છે.'

‘કોણ હુઝૂર ?’ ધનિક વર્ગ, અમલદાર વર્ગ, સાક્ષર વર્ગ અને મુત્સદ્દી વર્ગ ન સમજાય એવી સંકેત ભાષા વાપરે છે, જે એ વર્ગ બહારના માણસોને સમજાતી જ નથી. ગૌતમને પણ ‘હુઝૂર’ અને ‘સલામ’ કહાવ્યામાં કાંઈ સમજ પડી નહિ.

‘સાહેબ બહાદુર આપને યાદ કરે છે.’ શૉફરે કહ્યું.

‘સાહેબ બહાદુર ?’

‘કલેક્ટર સાહેબ...'

'મને યાદ કરે છે ?'

'જી.'

‘હું ઓળખતો નથી.’

‘હરકત નહિ. આપ મારી સાથે ચાલો.’

‘શા માટે બોલાવે છે ?'

‘તે મને કહ્યું નથી.’

કલેક્ટર સાહેબનું આમંત્રણ સદાય માનપ્રદ ગણાય - આમંત્રણનાં કારણો પછી ગમે તે હોય. રાજકીય ચળવળિયાને ધમકી આપવા, ધનિકની પાસેથી કોઈ સહકારી સત્કાર્યમાં ફાળો ભરાવવા, માન ભૂખ્યાને તાળવે ગોળ ચોટાડવા અગર અધકચરા પક્ષવાદીને સામો પક્ષ છોડાવવા સાહેબો કંઈક સફળતાભર્યા પ્રયાસો કરે છે. ગૌતમને આ આમંત્રણમાં પહેલું કારણ દેખાયું - જોકે તેને ખબર ન હતી કે તેને હજી આટલું બધું મહત્ત્વ શા માટે આપવામાં આવતું હશે !

બહેનો અડધી રાજી થઈ. કલેક્ટર સાહેબ ઉપર છાપ પાડવાની પોતાના ભાઈની શક્તિમાં તેમને વિશ્વાસ હતો. ધવલ રંગ ઉપર બધા રંગની છાપ પડી શકે એ ખરું, પરંતુ ધવલરંગી પ્રજાઓ માટે એ સાચું ન કહેવાય એની ખબર તેમને ન હતી. ગોરું સ્વર્ગ વિશ્વમાં લાવવા મથી રહેલી ગોરી પ્રજાઓ કાળી પ્રજાને અસ્પૃશ્ય ગણે છે.

એ ગમે તેમ હોય, પણ આમંત્રણનો અસ્વીકાર શક્ય ન હતો. ગૌતમને અત્યારે ત્યજાયલી ખાદી યાદ આવી. તે ખાદી પહેરતો હોત તો સાહેબને વધારે ચીડવી શકત ! પરંતુ અત્યારે તો એ સ્વદેશીનો વિરોધી હતો. એવી નાનકડી, સંકુચિત ભાવનાને તે વટાવી ગયો હતો. પહોળી સુરવાળ, લાંબું ખમીસ, ઉપર જેકેટ અને પગમાં ચંપલ પહેરી ગૌતમ કારમાં બેસી સાહેબ પાસે પહોંચ્યો.

રસ્તામાં તેને અનેક સલામો મળી - જેનો સાચી રીતે તેને અધિકાર ન હતો. પોલીસના નોકરો સાહેબોને સલામ કરવા બંધાયલા હોય જ. પરંતુ તેમની અલિખિત ફરજ એ પણ છે કે સાહેબનાં પત્નીને તેમણે સાહેબ કરતાં પણ વધારે છટાથી સલામ ભરવી, અને સાહેબનાં બાળકો તરફ એથી પણ વધારે ઝમકદાર સલામ ફેંકવી. સાહેબો ઘણા દયાળુ હોય છે; કદાચ પોતાને પૂરી સલામ ન થઈ હોય તો તે ચલાવી લેવાની ઉદારતા દાખવી શકે; પરંતુ સાહેબોનું પ્રેમશૌર્ય -Chivalry પોતાનાં સ્ત્રીબાળકોનો માનમરતબો ન સાચવનાર અવિવેકી સિપાઈઓના દંડ કરી નાખતાં જરાય પાછું જોતું નથી. એક દેશી સાહેબનાં પત્નીને સલામ ન કરવાના ભારે અપરાધ માટે એક સિપાઈને દંડી નાખ્યા પછી સિપાઈઓએ સર્વાનુમતે ઠરાવ કર્યો હતો કે મોટરકારમાં બેસનાર સહુ કોઈને સલામ ફેંકવી ! આ ધોરણે ગૌતમને સરકારી સલામો મળી.

અને બિનસરકારી પ્રજાજનો તો વળી લળીલળી અધિકારીઓને સલામો કરવા સેંકડો વર્ષથી ટેવાયલા જ હોય છે. કારમાં બેસનાર સહુ સાહેબ અને અધિકારી ! નિદાન કારની પાત્રતા સલામ તો માગી જ લે - બેસનાર ભલે ગમે તે હોય. આ ધોરણે ગૌતમે કંઈક પ્રજાજનોની સલામો પણ ઝીલી - કે ન ઝીલી. ખરું જોતાં તેનું વાહન એ નમનની પરંપરા ખેંચી લાવતું હતું.

સાથે સાથે કારની પાછળ ઊડતી ધૂળ કાર વગરનાં સેંકડોહજારો માનવીઓનાં મનની સૂચક હતી. એક માણસને વગર જરૂરની કાર, અને લાખો માનવીઓ પગપાળા ! એક પણ માનવીને પગ ઘસવા પડતા હોય ત્યાં સુધી કોઈને પણ કાર વાપરવાનો હક્ક હોઈ શકે ખરો? જે સમાજ - જે રાજ્યઘટનામાં એક જણને ગાડી મળતી હોય અને સેંકડો માણસોને માત્ર તે ગાડી તરફ નજર જ કરવાનો અધિકાર રહેતો હોય એ સમાજ, રાજ્ય કે ઘટના માનવીની ઈર્ષ્યા, વેર અને ઝેરની વૃત્તિને સતેજ રાખે એમાં શી નવાઈ ? માનવીની અસમાનતાનાં અનેક પ્રતીકોમાંનું આ એક નવું પ્રતીક !

અને હિંદુઓ કહે છે : ‘વસુધા એ જ કુટુંબ છે.’

ખ્રિસ્તીઓ કહે છે : ‘તારા પાડોશી પ્રત્યે તારી જાત જેટલો જ પ્રેમ રાખ.'

ઈસ્લામીઓ પોતાના ધર્મને નામ આપે છે : ‘શાંતિ અને ભ્રાતૃભાવ.'

બૌદ્ધો પોકારે છે : ‘અહિંસા એ જ પરમ ધર્મ.’

કારમાં બેસી પગપાળા જગતને ઊંચી ભમ્મરોએ જોતો કયો હિંદુ હિંદુ છે ? કયો ખ્રિસ્તી ખ્રિસ્તી છે ? કયો મુસ્લિમ ઈસ્લામપૂજક છે ? કયો બૌદ્ધ બુદ્ધપૂજક છે ? એ જુદું ધર્મપાખંડ ધર્મને જ નિરર્થક ઠરાવે છે !

એક બંગલાના કમ્પાઉન્ડમાં ગૌતમની કારે પ્રવેશ કર્યો. વિશાળ કમ્પાઉન્ડમાં તંબૂઓ ખેંચેલા હતા; નાનકડું બજાર ત્યાં ભરાયું હતું; કેટકેટલા લોકો બહુ જ શાંતિભર્યું ધાંધળ કરતા હતા; ને રુઆાબદાર કારકુનો અને પટાવાળાઓ નિશ્ચિંતપણે સહુની દોરવણી કરતા હતા. કાર તંબૂ આગળ ઊભી રહી અને ગૌતમના પિતા આગળ આવ્યા. ગૌતમ નીચે ઊતર્યો. વિજયરાયે કહ્યું : ‘હમણાં ઠાકોર સાહેબ આવે છે; પછી તારે જવાનું છે. જો, સંભાળીને વાતચીત કરજે. સાહેબ બહુ સારા છે.’

‘ઠાકોર ?’

‘હા, સાહેબને મોટા મોટા રાજરજવાડા પણ સલામ કરે.'

એટલામાં જ બ્રીચીઝ, શેરવાની અને સાફો ધારણ કરી સાહેબ આગળ ધરાવેલું વીલું સ્મિત મુખ ઉપર ચાલુ રાખી રહેલા એક દરબાર અને ગુજરાતી પાઘડી-દુપટ્ટો ધારણ કરેલા તેમના ખંધા કારભારી તંબૂની બહાર નીકળ્યા. તેમની આંખને કસુંબલ રંગ તેમની રોજિંદી મદ્યપ્રિયતાનું પ્રદર્શન કરી રહ્યો હતો. તેમના દેહની સ્થૂલતા તેમના ખોરાકની અતિશયતા ઉપર ભાર દેઈ રહી હતી. અને તેમની ચાલમાંથી ફલિત થતી કોઈ લઢણ વિલાસને મોજે ચઢતા, પડતા અને અંતે થાક અને અતૃપ્તિ વચ્ચે ખેંચાતા કામીની છાપ ઉપજાવતી હતી.

‘આ ઠાકોર ?’ ગૌતમે ધીમેથી પૂછ્યું.

‘હા.' વિજયરાયે દરબારને નીચા વળી સલામ કરતાં કહ્યું. દરબારથી બહુ નીચા વળાય એમ હતું જ નહિ. તેમની સ્થૂલતા તેમને અક્કડ રાખી રહી હતી.

‘અહીં કેમ આવ્યા હશે ?'

‘સાહેબનો મુકામ થાય ત્યારે આસપાસના રાજરજવાડા નજરાણાં કરે જ; અને આ ઠાકોરને માથે તો દેવું બહુ થઈ ગયું છે એટલે જપ્તીની બીક છે.'

જપ્તી ! દેવું ! અને ઠાકોરમાંથી રાજા ! અને રાજામાંથી મહારાજા ! એક જ જાત. પાંચસો ને પચાસ રાજામહારાજા ! પાંચ હજાર અને પાંચસો જમીનદારો ! હિંદને પરદેશીઓને હાથ સોંપનાર એ તાજધારીઓનું સંગ્રહસ્થાન બ્રિટિશ સલ્તનત સાચવી રહી છે !

ઠાકોર સાહેબે જરા થાક ખાઈ શ્વાસ લેઈ મૂછે હાથ ફેરવ્યો.

ગાંધીજીએ દેશી રાજની પ્રજાને ગુલામની ગુલામ કહી છે. વાઈસરૉયના વિદૂષક, વાર્જાવાળા કે હજૂરિયાનો ભાસ આપતા. શણગારાયલા કેટલાક રાજાઓની ગર્વપૂર્વક મુદ્રિત થયેલી છબીઓ જોયાનું ગૌતમને યાદ આવ્યું, અને એકાએક ઠાકોરોની યાદ આપતો એક ઊંચો ચપરાસી તંબૂની બહાર નીકળી ગૌતમને કહેવા લાગ્યો :

‘ચલિયે. હુઝૂર યાદ કરે છે.'

‘હુઝૂર’ના તંબૂમાં ગૌતમને ચાંદીની ચપરાશ પહેરેલો પટાવાળો લેઈ ગયો ત્યારે ગૌતમના હૃદયમાં આાછો ધડકાર ઊપડ્યો. ક્ષોભ અને ભયની મિશ્ર લાગણીથી ગૌતમ હજી પાર થયો ન હતો ! અને આવા તો અનેક ‘હુઝૂરો’ના ખભા ઉપર બ્રિટિશ સલ્તનત અજર અમર ઊભી હતી ! એક હુઝૂરથી ક્ષોભ પામતો ગૌતમ અનેક હુઝૂરો સામે કેમ થઈ શકે ?

જોતજોતામાં તેણે હૃદયને શાંત પાડ્યું. લઘુતાગ્રંથિ - Inferiority complex - માનસને કેટલીક વાર તોછડું અને છિછલ્લું બનાવે છે. કલેક્ટરથી જરાય ન ડરવાનો નિશ્ચય કરી તંબૂમાં પ્રવેશતા ગૌતમે જોયું કે એ તંબૂ કોઈ ઝડપી કામ કરનાર લશ્કરીનો ચલનિવાસ નહિ પણ એક આયશી મોગલ સૂબાનો મહેલ હતો ! જાજમ, ગાલીચા, ખુરશીમેજ, છબીઓ એ ગોઠવાયેલું હતું - જોકે પાસે જ ડાકબંગલાને નામે ઓળખાતું મકાન તો વપરાશમાં આવેલું જ હતું. વરસાદથી બચવા માટેની કનાતો પણ તેમાં હતી. સવારથી સાહેબને મળેલાં ફૂલહાર પણ જુદે જુદ સ્થળે તંબૂમાં લટકતાં હતાં અને થોડો ફૂલઢગલો ખુરશી ઉપર પણ પડ્યો હતો. ગૌતમ જરા જંખવાયો.

‘આવો'નો અંગ્રેજી ભાષામાં થયેલો ઉચ્ચાર ગૌતમને સ્થિર કરી શક્યો. સામે એક સરસ ખુરશી ઉપર કલેક્ટર સાહેબ બેઠા હતા. મોટું મેજ તેમની આગળ ગોઠવાયું હતું અને પુસ્તકો તથા કાગળોના થોકડા ભરેલી નેતરની ટોપલીઓ મેજ ઉપર પડી હતી. ખુરશી છોડી કલેક્ટર સાહેબ ઊભા થયા અને આગળ આવી તેમણે ગૌતમ સાથે હાથ મિલાવ્યો ! એટલું જ નહિ, અન્ય બેઠકસમૂહમાં એ ગોઠવાયલી સારી અને સુખપ્રદ ખુરશીઓ તરફ લેઈ જઈ તેને બેસાડી સાહેબ બેઠા.

વિદ્યાર્થીઓને હડધૂત કરતો કાળો પ્રિન્સિપાલ ક્યાં અને એવા કૈંક પ્રિન્સિપાલો પાસે પગ ચંપી કરાવવાની સત્તા ધરાવતી ગોરી પ્રજાનો સત્તાધારી ક્યાં ? છતાં બંને વચ્ચેના વિવેકમાં કેટકેટલું અંતર ! અલબત્ત એ વિવેકમાં સત્તાધીશની નિશ્ચિતતા તો હતી જ. છતાં કાળા પ્રિન્સિપાલનો અછકલો સત્તાશોખ અને ફૂલણજીપણું તેમાં ન હતાં. વિવેક સર્વદા, મનુષ્યને દિપાવે છે.

‘ક્યારે આવ્યા ?' મીઠાશથી સાહેબે પૂછ્યું.

‘ગઈ રાત્રે.'

'હજી રહેશો ને ?'

‘ત્રણેક દિવસ.'

‘પરીક્ષા ક્યારે છે ?'

‘છમાસિક પરીક્ષા થોડા દિવસમાં થશે.'

‘અભ્યાસ કેમ ચાલે છે ?'

‘ઠીક છે - જો વચ્ચે વચ્ચે અશાંતિ ઊપજતી ન હોય તો.'

‘અશાંતિ ! ઓહ ! પણ એ અશાંતિમાં તમારો કેટલો હિસ્સો ?’ હસતાં હસતાં કલેક્ટર સાહેબે કહ્યું.

‘તલપૂર પણ નહિ.’

‘બે હાથ વગર તાળી પડે ખરી ?’ ‘હિંદમાં એ શક્ય છે.'

‘હિંદમાં શા માટે ?’

‘હિંદ પરાધીન છે માટે.'

‘હિંદ શા માટે પરાધીન છે ?'

‘આપે એને બંધનમાં જકડી રાખ્યું છે માટે.’

'મેં?'

‘આપ એ બંધનમાં જકડી રાખનાર સત્તાના પ્રતીક છો.'

‘એમ ? અમારો કશો ઉપકાર હિંદ ઉપર થયો નથી શું ?’

'આજ તો કશો ઉપકાર દેખાતો નથી.'

‘તમને શાંતિ અને વ્યવસ્થિત રાજ્ય આપ્યું.’

‘શાંતિ કબરસ્તાનની અને વ્યવસ્થિત રાજ્ય ગુલામો ઉપરનું.’

સાહેબ ઝીણી ઝીણી આંખ કરી વાત આગળ ચલાવતા હતા અને ગૌતમ સ્વસ્થતા મળવાથી એના સ્પષ્ટ અભિપ્રાયો ચોંકાવનારી ઢબે મૂકવા લલચાતો હતો.

વાત અનેક પ્રશ્નો ઉપર ફરી વળતી હતી અને કલેક્ટર સાહેબ બહુ જ આસાનીથી ગૌતમના વિચારો જાણી લેતા હતા. દેશને સ્વતંત્ર બનાવવાનો તેનો શુભ ઉદ્દેશ સ્વીકારવા છતાં તેમણે ગૌતમને પૂછ્યું :

‘તમારા પિતાની સ્થિતિ સાધારણ છે. તમને વગર સાધને રાજકીય કાર્યમાં ઝંપલાવવું ફાવશે ખરું ?’

‘શા માટે નહિ ? જરૂરિયાત બહુ જ થોડી છે.’

‘એ પણ મળવી જોઈએ ને ?'

‘મળી રહેશે. દુઃખ સહન કર્યા વગર કશી સફળતા મળે જ નહિ.’

‘તમારી આવડત અને બુદ્ધિનો ઉપયોગ બંધારણની રાહે જ કરો તો?'

‘એટલે ?'

‘રાજવહીવટ એ રમત નથી, દોષદર્શન નથી, ભાષણ નથી. એ એક કલા છે. માટે જે જે અમલદારશાહીને તમે વખોડો છો તેને અમે સંતુષ્ટ રાખીએ છીએ.'

‘કયી અમલદારશાહી ? સનદી ? આઈ.સી.એસ.ની ?’

'હા.'

‘આપને એક સાચી વાત સમજાવું ?’ 'જરૂર.'

‘દર માસે ચારસોથી ચાર હજારનો ખર્ચ એક ગધેડા ઉપર કરો તો તે પણ સુશોભિત અને દક્ષ બની શકે. મને એ અમલદારશાહી ચમકાવતી નથી.'

કલેક્ટર સાહેબે ઘૂંટડો ગળ્યો; ગૌતમને પણ લાગ્યું કે સાચી વાત બહુ સારી રીતે મુકાઈ નહિ.

‘સાહેબ માફ કરજો. મને લાગ્યું તે હું કહું છું.’ ગૌતમે કહ્યું.

‘તમે આપેલું પ્રમાણપત્ર હું તમારી સામે ફેંકવા નથી માગતો; પણ મારી ખાતરી થઈ ગઈ છે કે તમારી પ્રજા સ્વતંત્રતાને પાત્ર જ નથી.’

‘સ્વતંત્રતા માટે કોઈ પણ પ્રજા પાત્ર ન હોય એમ માનવું એ ભૂલભરેલું છે.'

‘ભૂલભરેલું નથી; હિંદી પ્રજા જ એના દૃષ્ટાંત રૂપ છે.’

‘અમારી અપાત્રતા તમે જ ઉપજાવી છે.'

‘તમે એવા કેવા કે તમને અપાત્ર બનાવવાની અમને સરળતા કરી આપો છો ?'

‘એ સરળતા ઘટતી જાય છે. માટે જ હું મારા પિતાને માર્ગે જવા ધારતો નથી.’

'તમારા પિતા પ્રામાણિક છે. એમની સચ્ચાઈને લીધે એમની નોકરી ચાલુ રહે છે. બાકી તમારા સરખી પ્રવૃત્તિ કરનાર પુત્રને આશ્રય આપનાર પિતાનો અમારી નોકરીમાં ખપ ન હોય.'

'મને ધમકી આપો છો ?'

‘હં ? હિંદવાસીઓને ધમકીની જરૂર છે ? પચાસ વર્ષથી તમે ચીસો પાડો છો. પશ્ચિમનો કોઈ પણ દેશ પચાસ વર્ષ સુધી પરાધીન રહ્યો નથી.'

‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય એ પચીસ વર્ષનો જ આદર્શ છે.'

‘મારા તરફનાં પાંચ વર્ષ વધારે ઉમેરો. ત્રીસ વર્ષમાં કાંઈક તો કરી બતાવશો ને ?'

‘તમારે જવું પડશે એટલામાં.’

‘અમે ટોપી ઉતારીશું. પણ... પણ એ પાંચ વર્ષમાં તમે કશું સિદ્ધ ન કર્યું તો ?'

‘તો...?'

‘અમારી અમલદારશાહીને જેમ તમે ગાળ દીધી તેમ તમારી પ્રજાસેવા માટે એકાદ ગાળ શોધી રાખજો.’ ‘એમ બનશે જ નહિ.’

'અને બને તો હું જ્યાં હોઉં ત્યાં લખી મોકલાવશો ?’

‘મારામાં મને એટલો બધો અવિશ્વાસ નથી ઊપજ્યો.'

‘મારાં અભિનંદન. તમને જતા કરું છું. પકડહુકમ તમારે માટે કાઢ્ચો હતો. પણ તમારા પિતાને નામે તમને છૂટા મૂકું છું. સાચી ક્રાન્તિ લાવશો તો મારા કરતાં વધારે રાજી કોઈ નહિ થાય.'

‘પણ આપ તો ક્રાન્તિની સામે જ ઊભા રહેવાના ને ?’

'ખાડાટેકરા અને ખડકો હોય તો જ પાણી જોરભેર ધસે ને !’ કહી સાહેબ હસતા હસતા ઊભા થયા.

ગૌતમ પણ ઊભો થયો. કલેક્ટર સાહેબ ગૌતમ કરતાં દોઢેક ફૂટ ઊંચા લાગતા હતા. તેમના દેહ આગળ ગૌતમ વહેતિયાનું ભાન અનુભવી રહ્યો.

સાહેબે હાથ લંબાવી હસતે મુખે હસ્તધૂનન કર્યું અને જાણે કાંઈ જ બન્યું ન હોય એમ પોતાની મેજ સામેની ખુરશી ઉપર બેસી કામે લાગી ગયા. એ ગૌતમે જતે જતે નિહાળ્યું.

બહાર સહુ કોઈ તળે ઉપર થઈ રહ્યું હતું. ગૌતમના પિતાની ચિંતા સહુ કરતાં વધારે તીવ્ર હતી. ગંભીરતાપૂર્વક ગૌતમ બહાર નીકળ્યો.

‘શું થયું ?’ પિતાએ પૂછ્યું.

‘કાંઈ નહિ.’ ગૌતમે કહ્યું. તેને હવે ભાસવા લાગ્યું કે કલેક્ટર સાહેબે તેની દ્વારા આખા હિંદને આહ્વાન આપ્યું હતું.

‘શિખામણ દીધી કે નહિ ?’

‘કોણે ? મેં કે સાહેબે ?'

‘સાહેબેસ્તો.’

‘સાહેબને હું ગાળ દેઈને આવ્યો.’

'ગાળ ? શું કહે છે તું?'

‘મોટા ભાઈ, મને મારા માર્ગે જવા દો. તમારી નોકરી નહિ જાય. મારી અને તમારા સાહેબની વચ્ચે એક શરત રમાય છે. હું જીતીશ તો હસતો હસતો તમારી પાસે પાછો આવીશ. હારીશ તો...’

વાતો કરતાં આગળ વધતા બાપદીકરાને મોટરકારનું ભૂગળું વાગ્યું સંભળાયું. કારને જગા આપવા તથા સાહેબ હોય તો સલામ કરવા વિજયરાય બાજુએ ઊભા. ગૌતમ પણ સાથે જ ઊભો. કાર ઊભી રહી. શૉફરે બેઠાં બેઠાં કહ્યું : ‘ચાલો, આપને મૂકી આવું.’

‘કોણે હુકમ કર્યો ?' વિજયરાયે પૂછ્યું.

‘સાહેબે.' શૉફર બોલ્યો.

‘આ તે સાહેબ કે દેવ !’ આકાશ તરફ નિહાળી વિજયરાયે ઊંડા ભાવથી કહ્યું.

અને બંને જણા કારમાં બેઠા.

‘હું કાલે સવારે નીકળી જઈશ.’ ગૌતમે કહ્યું.

‘કેમ ?'

'કૉલેજમાં જાઉ ને ? વળી મૅચ છે. મારા મિત્રો રમવાના છે.'

લાઠીધારી મુસલમાનો એક મસ્જિદમાંથી નીકળ્યા. લાઠીધારી હિંદુઓ પાસેના જ એક દેવળને ઓટલે ચડ્યા.

હિંદમાં મસ્જિદ-મંદિરની નિકટતા આજ સુધી તો સચવાઈ રહી છે.પરંતુ વિજયરાયના કહેવા પ્રમાણે હિંદુમુસ્લિમ ઝઘડાનો આ ગામે બહુ જ મોડો સંભવ ઊભો થયો હતો.

‘કારણ ?’ ગૌતમે પૂછ્યું.

ધર્મના નામે જેટલાં કારણો ઝઘડા માટે આગળ કરાય એટલાં ઓછાં છે - માત્ર ધર્મ સિવાય કેટલાંક કારણો બતાવી વિજયરાયે છેવટનું મહાકારણ સમજાવ્યું.

‘હિંદુઓ મુસલમાનોને પાકિસ્તાન આપવાની ના પાડે છે એ મોટું કારણ.'

‘ઝઘડો થયો તો નથી ને ?’

‘ના. પણ તે ગમે ત્યારે ફાટી નીકળે, અહીં નહિ તો બીજે. એ તો હિંદવ્યાપક ઝઘડો છે !’

ઘર પાસે આવ્યું. બળદોની હાર ઉપર પોઠી નાખી આગળ વધતી એક વણઝાર તેની નજરે પડી. ચાલી જતી વણઝાર પાછળ કૂતરાં ભસતાં હતાં. ! સામ્રાજ્યશોખીન સર સેમ્યુઅલ હોરની છબી ગૌતમની આખ આગળ ખડી થઈ.

કાર ઊભી રહી. વિજયરાય અને ગૌતમ નીચે ઊતર્યા અને ઘરમાં ગયા.

કૂતરાં હજી ભસતાં હતાં. !

કે કંસ, કાળયવન અને કૌરવો ભેગા મળી હિંદના મરસિયા ગાતા હતા ?

ગૌતમ ક્ષણભર ચોંકીને ઊભો રહ્યો. ‘ભાઈ, કેમ ઊભા રહ્યા ?' અલકનો અવાજ તેને કાને પડ્યો. સ્વપ્નમાંથી જાગ્રત થયેલો. ગૌતમ હસ્યો. બહેનને તેણે કહ્યું :

‘નાનપણમાં માએ કહેલી કેટલીક વાત યાદ આવી ગઈ.’

'શી વાત ?'

'અર્થ વગરની છતાં હૃદયમાં ચોંટી રહેલી.'

‘મને કહેશો નહિ ?’

‘મને એ આવડે છે. પણ... પણ. એ ભુલાઈ જાય તો બહુ સારું.’

‘કારણ ?’

‘નવીન જગત રચવામાં એ વચ્ચે આવે છે.'

‘કોણ ભાઈ ?' દેવની ઘંટડી વગાડતાં સુનંદાએ આગળ આવેલા ભાઈને પૂછ્યું.

‘આપણા જૂના સંસ્કારો.'

પાસેના ઘરમાંથી એક ગ્રામોફોન વાગી રહ્યું. નવીન સંસ્કાર !

 'નાચો નાચો પ્યારે મનકે મોર.' 

ગીતનું એ વસ્તુ ! નવીન સંસ્કારોનું એ પ્રતીક ! પાંચ વર્ષના બાળકથી માંડીને પચાસ વર્ષ સુધીના અનુભવીઓને મુખે ચડી ગયેલો એ ભાવ !

માંકડાને ડુંગડુગીથી નચાવતા મદારીનું દૃશ્ય ગૌતમની આંખ આગળ ખડું થયું.

બહેનોને આખો દિવસ રાજી રાખી, આખી રાત તેમની સાથે વાતો કરી. બીજે દિવસે તેમને રડાવી, ગૌતમ પાછો ફર્યો.

બહેનોને છોડી જતાં તેનું હૃદય પણ રડી ઊઠ્યું. સાચામાં સાચો પ્રેમ બહેનનો ! નહિ ? રેલગાડીમાં તેણે એક દૃશ્ય જોયું. બહેનને ત્રીજા વર્ગમાં બેસાડી એક શેઠસાહેબ સેકન્ડ ક્લાસનો આરામ ભોગવતા હતા.

એ ભાઈના વૈભવની વાત અત્યંત આનંદપૂર્વક તેમની બહેન એક બીજી સ્ત્રીમુસાફરને કહેતી હતી !

એ જ ડબ્બામાં ગૌતમ બેઠો હતો. ગૌતમ પોતાની બહેનને જુદા ડબ્બામાં બેસાડી શક્યો હોત ?

ગૌતમની કલ્પનામાં પણ એ વાત આવતી ન હતી.

ધન શું આમ કુટુંબમાં પણ વર્ગભેદ ઉત્પન્ન કરતું હશે ?

માનવજાતનું મહાપાપ ધન - વ્યક્તિગત હાથમાં સંતાડી દેવાતું ધન. એ વ્યક્તિગત ધનના વિનાશનો નિશ્ચય દૃઢ કરતા ગૌતમે વર્ગભેદ કુટુંબ સુધી ખેંચી લાવનાર ધનિક ભાઈનાં વખાણ અસ્પર્શ્ય બનાવાયલી બહેનને મુખે સાંભળ્યાં.