છેલ્લું પ્રયાણ/એ દુનિયા હજુ દૂર નથી ગઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← 'પરકમ્મા'નું નિવેદન છેલ્લું પ્રયાણ
એ દુનિયા હજુ દૂર નથી ગઈ
ઝવેરચંદ મેઘાણી
એ પ્રાણ હજુ મર્યો નથી →[૧]
એ દુનિયા હજુ દૂર નથી ગઈ


અણિયાળી આંખ્યોનો નેડો લાગ્યો માણારાજ,
વાંકડીએ નેણેનો ભામો લાગ્યો માણારાજ.

લાડી પૂછે વરલાડડા,
આવડી તે શેણે લાગી વાર?

નગર ગ્યા’તા એકલા,
ચુંદડીઉં વોરાવતાં લાગી વાર;
અણિયાળી આંખ્યોનો નેડો લાગ્યો માણારાજ!

***


અગર ચંદનની રાત,
ચાંદા પૂનમની રાત,
તારોડિયો કારે રે ઊગશે?

નાની વઉ! તોરલો સામ,
મોંઘી વઉ! તોરલો કંથ
દાદેવભા કારે રે આવશે?
નેજાળો કારે રે આવશે!

***


તરવાર જેસી ઊજળી રે ઢોલા,
તરવાર કમરમાં બિરાજે રે
પાલખીઆ વીરને,

એસી હોય તે પ્રણજો રે ઢોલા.
નીકર ફરીને પરણવું રે,
અંતરીઆ વીરને.

***

એવાં વીશેક ગીતો પેન્સિલથી ટાંક્યાં છે, ઠામઠેકાણું નથી, વર્ષ કે તિથી નથી. પણ યાદદાસ્ત તો અવળચંડી છે. ચાર દિવસ પરના ગાઢા મેળાપો ભૂલી જવાય છે.મળેલાં માણસોને ફરી દીઠે ઓળખાણ પૂછવી પડે છે,ભોંઠામણ આવે છે, માફી માગવી પડે છે: બીજી બાજુ પંદર-સોળ વર્ષનો ગાળો પણ નડતો નથી એવી તાજી ને વિગતવાર સ્મૃતિઓ સંઘરાઈ રહે છે મનને કોઈક અગોચર ઠેકાણે.

અગર ચંદણની એક રાત હતી. કાઠી જુવાનનું ઘર હતું. બે બહેનો હતી. પ્રૌઢ પિતા હતા. પિતાના જોડીદાર એક ભજનિક બ્રાહ્મણ હતા.

જુવાને જમાડ્યો, જમાડીને પછી બહેનોને એારડે બોલાવી. ‘....ભાઈ ને કાઠી લગ્ન–ગીતો સાંભળવાં છે.’ બહેનોએ અગર ચંદણની રાતના આંગણામાં લાંબી સૂરાવળ વડે ઓળીપો કરી આપ્યો.

લાંબી બિમારીએ જુવાનને ત્રણ વર્ષ પર ઉપાડી લીધેલ છે. એના જોડીદાર ભાઈ જોધાર શરીર પણ એક દિવસ ઓચિંતું પડ્યું છે. ગાનારી બહેનોમાંથી મોટેરી ગઈ છે. રહી છે નાનેરી — ‘પગ ઢાંકીને પિયરમાં બેઠેલી.’ રહ્યા છે પિતા — વેદનાઓને પચાવતા. આંસુને એની આંખોએ કદી ઓળખ્યું નથી.

આ વર્ણવું છું, કારણ કે સોરઠી સાહિત્યના મારા સંશોધનકાર્યનું એ ‘સેટિંગ’ છે. પુત્રી મૂઈ ત્યારે પિતાએ એમ નહોતું લખ્યું કે ‘તેં જેને દસ વર્ષની વયથી માવિહોણી દીઠેલી તે ગઈ’ કે ‘ત્રણ નિરાધાર ભાંડુઓને પાંખમાં રાખીને ઉછેરનારી રક્ષનારી એક, વિશાળ રાજગઢમાં પોતાનું જાણે કશુંય નથી તેવી મૂંગી નિરાધારતાને મનમાં ઘૂંટનારી ગઈ.’ કાગળમાં હતું કે ‘તને કાઠી લગ્નગીતો દેનારી હીરીબેન ગઈ.’

લોકસાહિત્યનું પ્રત્યેક સ્મરણ મને એ હડાળાના દરબારગઢમાં,એ પુત્રપુત્રીઓના પિતા દરબારશ્રી વાજસુરવાળાની પાસે લઈ જાય છે. એ અને એમનો ઘનગંભીર ઉદ્‌ગાર, “well, ઝવેરભાઈ!” : એ અને એમની યૌવન-સંગિની સિતાર : એ અને એમનાં કલાપી-સ્મરણો : એ અને કેકારવની કઈ કૃતિ કયા પ્રસંગે રચાયેલી તેની માહિતી: એ અને શોભનાને પોતે લાઠીના રાજગઢમાં પહેલી પ્રથમ બાનડી રૂપે ક્યારે જોયેલી તે પ્રસંગ: એ અને કલાપીના શોભના સાથેના લગ્નવાળા ભેદક બનાવનો એમને પોતાને ઘેર જે કરુણ પડઘો પડેલો તેનો ચિતાર :–

*

એમના જ શબ્દોમાં કહું છું. “એક દિવસ લાઠીના દરબારગઢમાં ઠાકોર સાહેબ (કલાપી) સાથે જમવા બેઠો હતો. તે વખતે બામાને (કલાપીની પુત્રીને) કેડે તેડીને એક છોકરી ત્યાં આવી. કલાપી અને એ છોકરીની ઝાંખ મળતી આવી. કાંઈક જોઈ શકાયું. છોકરી ચાલી ગઈ તે પછી ઠાકોર સાહેબને પૂછ્યું: ‘એક વાત પૂછું, બાપુ?’

‘તારે પૂછવા જરૂર નથી. તું જે સમજ્યો છે તે સાચું છે.’ એટલું જ કહીને કલાપી અટકી ગયા.

‘—ને પછી થોડાં વર્ષો બાદની એક રાત્રિએ લાઠીથી બે જુવાન ખવાસો હડાળે આવ્યા. વળતા પ્રભાતે એ બેઉ અહીં આપણે બેઠા છીએ તે જ આ દીવાનખાનામાં ઊભા હતા. મને કહે કે ઠાકોર સાહેબે અહીં અમને ઘોડા લેવા મોકલ્યા છે. એ લઈને અમે આજે પાછા જઈ શકીએ?’

‘મેં શાંતિ જાળવી. પછી મેં એ ભાઈઓને મહામહેનતે કહ્યું: ‘ગઈ કાલે રાતે, ઠાકોરસાહેબે મોંઘી સાથે પરણી લીધું છે.’

મોંઘી — શોભના.

‘હું એ બેઉ મૂંગા ઉભેલા જુવાનોની સામે જોઈ રહ્યો. એમાંના એકની આંખોમાંથી આંસુની ધાર છૂટી પડી.

‘એ હતો મોંઘીનો—કલાપીની શોભનાનો ધણી. બીજો હતો રણછોડ—શોભનાનો બનેવી. બન્ને લાઠીના મહેલના ખવાસ. હું શું આશ્વાસન આપું ? આટલું જ બોલી શક્યો: ‘થવાનું થઈ ગયું ભાઈ! હવે રડ નહિ.’

‘અમને ઘોડા લાવવાને બહાને કાઢીને આ કરવું’તું!’ જુવાનની છાતી ફાટતી હતી.

‘પાછા જવું હોય તો—’ હું વાક્ય પૂરું કરી શક્યો નહિ. એ કહે—

‘ના, ના, હવે તો અમે અમારે વતન જ જશું.’

‘મેં ખરચી આપી. તેઓ કચ્છ ચાલ્યા ગયા. પછી તો ઘણે વખતે સાંભળ્યું કે એ જુવાન મરી ગયો.’

દોષની વહેંચણી કર્યા વગર, વિધિના વિધાનની અટલતાને ઓળખનાર દરબારશ્રી વાજસુરવાળા આ પ્રસંગને સમતાપૂર્વક વર્ણવતા હતા. કલાપીના જીવન અને કવનના અંતરંગ સાહેદ આ કલાપી–મિત્ર એક નિર્મળ ઈતિહાસકારની અદાથી બનેલી વાત આગળ બોલતા હતા—

‘પણ વરસ નહોતું વીત્યું તેટલામાં અનુભવે ઠાકોર સાહેબને નિર્વેદ પાઈ દીધો. મને કહ્યું કે ‘ભાઈ, મેં ભૂલ કરી છે તે હવે હું જોઈ શક્યો છું.’ કલાપીએ અનુભવેલી વિફલતાને આ કાવ્યમાં ગાઇ છે—

સાકી! જે શરાબ મને દીધો;
દિલદારને દીધો નહિ.
સાકી! જે નશો મુજને ચડ્યો,
દિલદારને ચડ્યો નહિ.

શી દિવ્યતા? શી વિફલતા ? શી પાર્થિવતા ? એ પ્રશ્નનો વધુ વિગતવાર જવાબ દરબારશ્રી પાસેથી મળતો નથી. કહે છે કે ગોપીચંદ–જાલંધર, જેસલ–તોરલ વગેરે સંવાદોના સર્જનમાં એ પછી ઊતરી ગયેલ કલાપી જો જીવ્યા હોત તો ભજનરચનામાં જ એની કવિતા પરિપાક પામત.

વાજસુરવાળા એટલે તો જીવન–સ્મૃતિઓના મહાનિધિ. રાજકોટની કુમાર–કૉલેજના દિવસો પરથી પાંસઠ વર્ષનો પડદો ઊંચકે અને આપણને દેખાય: આઠ દસ વર્ષનો એક કુંવરડો, જેને ઓચિંતા સુરસિંહજી કલાપી નામના કિશોર ત્યાં ભેટ્યા. બે કિશોરોનાં મન મળ્યાં, બેઉની ઓળખાણ એકના મૃત્યુ સુધી ગાઢ મિત્રાચારીમાં પરિણમી. એ પડદો ઊંચકીને વાજસુરવાળા પોતાના નેકપાક અંગ્રેજ પ્રિન્સિપાલ મેક્નોટન સાહેબની પિછાન કરાવે છે. હિંદી સંસ્કારિતાનું યથાસ્થાન સમજનાર એ વિદેશી મુરશિદ પ્રત્યેનો એમનો પૂજ્યભાવ હજી જેવો ને તેવો છે.

એક વાર અન્ય કુમાર–કૉલેજની ક્રિકેટ–ટીમ રાજકોટ સામે રમવા ઊતરી, ફલેનલનાં સૂટ અને હૅટ સજેલા એ પ્રતિપક્ષીઓ બતાવી મેક્નોટન સાહેબે પોતાના દેશી પરિ- ધાનધારી કુંવરોને કહ્યું કે ‘જોઈ લો, સરખાવો, પરદેશી લેબાસમાં એ બધા કેવા લાગે છે; ને તમે તમારા સુરવાળ- સાફામાં કેવા શોભો છો !’

એકવાર કુમાર વાજસુરવાળા કૉલેજ—છાત્રાલયમાં ‘વડા નિશાળિયા’ને પદે હતા. નાનેરાઓ પર તેમને નજર રાખવાની હતી. સાથેના બીજા નિશાળિયાઓ કાંઈક વાત કરતા બેઠા છે. કૉલેજની કશીક ત્રૂટીઓની ચર્ચા કરે છે. કોઈક ચાડિયાએ પ્રિન્સિપાલના કાન ફૂંક્યા. મેક્‌નોટન સાહેબે કંઈક ભૂલભર્યું પગલું લીધું. મેક્‌નોટન પાસે જઈ વાજસુરવાળા જરા કોચવાયા, ખરી હકીકત કહી સમજાવી મેક્‌નોટન સાહેબ રડી પડ્યા. ગુરુ–શિષ્ય બેઉ રડ્યા. તે કાળના ગુરુઓની સ્મૃતિમાં એક વ્યકિત વાજસુરવાળાને હૃદયે સચોટ અંકાઈ છે. ભાવનગરના હાલના નાયબ દીવાન નટવરલાલ સૂરતીના પિતા માણેકલાલ સૂરતી. વર્ગમાં માણેકલાલભાઈ ભણાવે; કોઈ કુમારે પાઠ કર્યો ન હોય તો બીજી શિક્ષા કરવાને બદલે કોચવાઈને માણેકલાલ માસ્તર કકળી ઊઠે: ‘અરે સાહેબ, તો પછી અમને મફતના પગાર શા માટે ખવરાવો છો? તમારાં નાણાંની આમ બરબાદી કાં કરો?’

વાજસુરબાપુ બીજી એક વાત નવાનગરના મરહૂમ જામ રણજિતસિંહની કહે છે. વીભાજી જામે દત્તક લીધેલ આ ભાયાત–પુત્ર નગરના ટીલાત લેખે રાજકોટ ભણવા આવ્યા ત્યારે કેટલીક રિયાસત સાથે લાવ્યા હતા. પછી એક દિવસ જામસાહેબના આમરણ નામે તાલુકાના તાબેદાર પાટવી પણ ભણવા આવ્યા. અને રણજિતની આંખ ફાટી. આમરણના તે ખવાસ રાજા ! જામનગરના ગોલા ! (ભૂલી ગયા રણજિત, કે આમરણનો મૂળ ધણી મેરૂ ખવાસ તો એ ગોલો હતો કે જેને માટે ચારણે ગાયેલું—

ગોલા—ગોલા—ગોલા !
ગોલા ! ગોઠણ હેઠ, નરપત કંઈક નમાવિયા;
ભૂપત છોડે ભેટ, મોઢાગળ તારી મેરૂવા.)

એમાં પણ પાછો આ ગોલાનો કુંવર રણજિતસિંહ એવું નામ ધારણ કરે ! એવા કુલાભિમાનથી આમરણ–કુમારનો મૂંગો બહિષ્કાર કરાવ્યો. રાજકુમારોની પંગતમાં એ બેસી ન શકે. પરંતુ એક દિવસ એવો આવ્યો કે જ્યારે જામ રણજિતનાં પોતાનાં જ રાજચિહ્નો ઝુંટવાઈ ગયાં. નગરરાજ વિભા જામને ઘેર એક સફીઆણ મુસ્લિમ રાણીની કૂંખે કુંવર જસોજી જન્મ્યા, દત્તક રણજિત રાજકોટ બેઠે વારસપદથી રદ થયા, રિયાસત તો ઠીક પણ કૉલેજને ખર્ચ પણ કમી થઈ ગયો, અને એક અદના છાત્ર તરીકે એમને ભણવું પડ્યું.

દરબારશ્રીની પાસે જઈ આઠેક દિવસ નિરાંતે બેસું તો તો ‘સોરઠ તારાં વહેતાં પાણી’નો નવો ખંડ કરવા જેટલી રોમાંચક, ભેદી અને બહુરંગી સામગ્રી ઝંઝેડી શકું. અદ્યતન અર્વાચીનને આરે બેઠેલા વાજસુર બાપુ જૂના સોરઠની આસમાનીઓમાં પણ ખૂબ આળોટ્યા છે, આપવીતી ને પરવીતીથી ભરેલી પણ સદી એમના કોઠામાં પડી છે. પોતે અમારું માન્યું હોત તો સિત્તેર વર્ષના સૌરાષ્ટ્રને જવાબ દેતું એક ‘બેસ્ટ-સેલર’ રચી શકત; બેસ્ટ-સેલર તો ઠીક પણ એવો એમનો ગ્રંથ, એક પ્રપંચમુક્ત, નીરોગી માનસવાળા સંસ્કારવંત રાજવીનો દસ્તાવેજ હોઈને સાચા સોરઠનો માર્ગદર્શક બનત. પણ એ લખવાના આળસુ; ને અમે કેટલાક કલમવાળાઓ, તે એમની પાસે બેસવા નવરા નથી; ને નવરાશ જેમને હશે તેમની પાસે બાપુને વાતોની મોજમાં ચડાવવાની જુક્તિ નહિ હોય.

એમની પોતાની જ એક આપવીતી જોઈએ. બગસરાના ચાર ભાગીદારો પૈકીના એક દરબાર હરસુરવાળા નિઃસંતાન હતા. ઉંમર મોટી થઈ ગઈ. આખરે એમનાં એક રાણીને દીકરો અવતર્યાનું જાહેર કરવામાં આવ્યું. આ કુંવર બનાવટી છે એવી એક બાતમી એજન્સીમાં પહોંચી. એમાંથી તો એક મોટો મામલો ખડો થયો. પ્રાંતના તે સમયમાં પોલિટિકલ એજન્ટ કહેવાતા વડા ઓલીવટ સાહેબને એ હાડોહાડ વ્યાપેલી વાત બની. એ કુંવરની કહેવાતી જન્મદાત્રી રાણીનું એકાએક જાહેર થયેલું મૃત્યુ, અને એ છોકરો જે ઈતર કોમનાં માબાપનો લેવાયેલો હોવાના પુરાવા પડ્યા તે માબાપ (સ્ત્રી ને પુરુષ બેઉ)નું બદ્રી-કેદારની જાત્રાને નિમિત્તે એકાએક ગાયબ બની જવું: વગેરે ત્રાગડા ઓલીવન્ટ સાહેબના હાથમાં આવ્યા. વાજસુરવાળા તે વખતે કૉલેજ-કાળ પૂરો કરી, રાજગાદીની સોંપણી પૂર્વેની એક તાલીમ લેખે, કલાપીની સાથે હિંદના પ્રવાસે હતા. મુંબઈમાં એમને તાર મળે છે: પ્રાંત સાહેબ સોનગઢ બોલાવે છે. જાય છે. પ્રશ્નોતરી થાય છે ‘કુંવર-કેસ વિષે તું જાણે છે ને?’ ‘જી હા.’ ‘કુંવર બનાવટી ઠરે તો એ સમસ્ત ના-વારસ ગરાસ તને જ મળે તે પણ જાણે છે ને?’ ‘હા.’ ‘તો તું પણ એ મામલામાં સાક્ષી પુરાવ.’ ‘એ હું નહિ પુરાવું’ ‘આવડો મોટો તાલુકો ગુમાવીશ.’ ‘એવા તાલુકામાં મને રસ નથી. મારું છે તેટલું ઘણું છે.’

ઓલીવન્ટ સાહેબ રોષે ભરાયાઃ ‘યાદ રાખજે, તને ગાદી સોંપાવા નહિ દઉં.’ ‘તો ઈચ્છા,’ કહી દરબાર સાહેબ ચાલ્યા ગયા. ઓલીવન્ટ સાહેબે બોલ્યું કરી બતાવ્યું. યુવાન વાજકુરભાઈને બેએક વર્ષ ઘણું ભોગવવું પડેલું.

અને પેલા કુંવર-કેસનાં કાગળિયાં ‘કમ્પ્લીટ’ થયાં, એક સીસમની પેટીમાં મુકાયાં, પેટીને તાળું દેવાયું. પેટી લઈને જવાબદાર માણસ સેકન્ડ કલાસમાં રાજકોટ ઊપડે છે. વચલે એક સ્ટેશને અસલ એવી જ બનાવટની એક પેટી લઈને એ જ સેકન્ડ કલાસમાં એક બીજો પ્રવાસી ચડે છે, ને પછી જેતલસર જંકશને એ નવો પ્રવાસી પેટી લઈને ઊતરી જાય છે. સરકારી માણસ રાજકોટ પહોંચીને પોતાની પેટી લઈ કચેરીએ જાય છે, પેટી ઉઘાડવાની વેળા થાય છે ત્યારે ખબર પડે છે કે પેટી તો બદલાઈ ગઈ હતી. સરખી જ બનાવટની બીજી પેટી બની ક્યાં, જાણભેદુ કોણ, બદલાવીને લઈ ગયો ક્યાં? પત્તો મળ્યો નથી–—પેટીનો, પેલાં સ્ત્રી-પુરુષનો ને સુવાવડી ગણાવેલી કાઠિયાણીનો. ડૂમાના નવલ-પ્રદેશમાં કે શેરલોક હોમ્સની સૃષ્ટિમાં રમતા હાઈએ એવી આ સોરઠી દુનિયા હજુ ઝાઝી દૂર ગઈ નથી.

+

ઝાઝું દૂર ગયું નથી જામ વીભાનું પણ વિલક્ષણ મોત. સફીઆણ–જાયો જસોજી જામ જુવાનીમાં જ ગુજરી જાય છે. વીભા જામ પર સરકારનો કાગળ આવે છે, કે દેશવટો ભોગવતા તમારા પહેલા કુંવર કાળુભાના જ પુત્રને વારસ બનાવો એવી અમારી સલાહ છે એ કાગળ જામ વીભા ગાદી તળે દબાવી રાખે છે. રાતે જામ સાહેબ પોતાના વજીર ગોકળ ખવાસને બોલાવે છે. કહે છે: ‘હેં ગોકળભાઈ, કાળુભાના કુંવરને ગાદીએ બેસારીએ તો ઠીક નહિ?’

‘ઠીક — ઘણું ઠીક બાપુ ! એ તો બહુ પાધરું !’ ખવાસ વજીરની એવી મીઠીમધ સંમતિ મેળવીને વીભા જામ સૂએ છે—સવારે એમને ફરી ઊઠવાપણું રહ્યું નહોતું.

એ વીભાજી જામની ચિરનિદ્રા, એ વડારણ મોંઘીને શોભના કરી પરણી કાઢવા માટે કવિ કલાપીએ છેતરીને બહાર મોકલેલો મોંઘીનો વર, એ જુવાનની આંખોમાંથી હડાળાને દીવાનખાને દડેલી અશ્રુધારા, એનું અદૃશ્ય બની જવું, એ બગસરાવાળી કુંવર-બનાવટ સાથે બાઝેલી ત્રણ જીવાત્માઓની વિલોપન-કથા, અને એ કુંવર-કેસનાં કાગળિયાંની પેટીની અદલાબદલીનું કરુણ રોનકઃ મારી ત્રીજી ટાંચણપોથીનાં પ્રારંભનાં પાનાં પર પડેલાં પચીસેક કાઠી- ગીતોની પાછળ પાછળ આવડી મોટી વાત ખેંચાઈ આવી છે.

+

‘જીવણદાસજી: બાપ જલા ભગત: દીકરો દેસા ભગતઃ ભંડારી (સ્ત્રી) બેઃ (૧) જાલુ માતા જુનાગઢનાં.’

‘દાસી જીવણ’ નામે જાણીતા, પ્રેમલક્ષણા ભક્તિ ગાતા ચમાર સંત જીવણદાસ વિશેનું આ ટાંચણ ’૨૮ની સાલમાં એ સંતના ગામ ઘોઘાવદરના પ્રવાસનો સ્મરણ–ખાંભો છે. ગોંડળના વિદ્યાધિકારી, ને મારા કૉલેજ-કાળના એક સ્નેહી સહપાઠી શ્રી ચંદુલાલ બહેચરલાલ પટેલના સૌજન્યને આભારી આ ઘોઘાવદરની યાત્રા હતી. સોએક વર્ષ પૂર્વે થઈ ગયેલા આ સંતનું ઘર, ચમારોનાં બીજાં ખોરડાંની સાથે એક આંબલીઓના ઝુંડ વચ્ચે ઊભું હતું. ચામડાં ધોવાનો એ સંતનો કુંડ પણ ત્યાં બતાવવામાં આવ્યો. ટાંચણમાં એના ચહેરાનું ટૂંકું વર્ણન છે— ‘દાઢીના કાતરાઃ મોટી મૂછો: માથે રૂમાલ બાંધે.’

આંબલીઓનાં ઝૂંડ નીચે એક ચમાર બાઈ ત્યાં ઊભી હતી. મીઠે સાદે એણે તો દાસી જીવણનું પદ ગાવું શરૂ કરી દીધું—

ચકચૂર ઘેલીતૂર.
બાયું, મુંને જોગીડે કરી છે ચકચૂર,
બાયું, મુંને શામળીએ કરી છે ચકચૂર,

કો’ક તો વલાતીડે મુંને કેફ કરાયો રે,
તે દી’ની કરૂં છું ઘેલીતૂર—બાયું૦

મંત્ર તો પઢીને મુજ પર મેલ્યા રે,
ડગ નો દેવાય હવે દૂર—બાયું૦

સામું જોતાં તો મારી શુધબુધ ભૂલી ગઈ,
રાખી છે ઉરાએ ઉર—બાયું૦

દાસી જીવણ કે’ સંતો ભીમ કેરા ચરણાં,
નાથજી આગળ ખડી છું હજુર—બાયું૦

*

‘દાસી જીવણ’નું થાનક જોવા માટે જ ગયો હતો. માણસોએ ભેગા થઈ વાતો કહેવા માંડી. મુખ્ય વાત સંતની સોહામણી આકૃતિ વિષે ને મીઠા કંઠ વિષે કહી :—

‘ગામ બંધીઆમાં ગરાસીઆને ઘેર લગ્ન: દાંડીઆ– રાસ રમાય: એમાં જીવણદાસજીએ પિતે ચાર રાસ લેવરાવ્યા: મોહી પડખે કેટલીક સ્ત્રીઓ પાછળ ચાલી, (બીજે ઠેકાણે ટાંચણ છે તેમાં તો એ મેળાપ સુલતાનપુરને માર્ગે થયાનો સુદ્ધાં નિર્દેશ છે.) અને એમને પોતાના દેહ અર્પણ કરવાની વાત કહી. ત્યારે સંતે એ બાઈઓને નીચેના પદમાં ઉપદેશ દીધો—

બેની ! શું કરું સુખ પારકાં?
બેની ! માંડ્યાં હોય ઈ થાય;
એવાં શું કરવાં સુખ પારકાં બાયું!
કરમે માંડેલ થાય જી.

સામે મંદિરીએ મહીડાં ઘૂમે,
ભૂખ્યા તણું મન થાય જી;

દીઠેથી તૃષ્ણા ન છૂટે,
પત પોતાની જાય જી.

શું કરીએ સુખ પારકાં બાઈ!
માંડેલ હોય ઈ થાય જી.

રાતે મેં ઘોઘાવદરની નવી ચણાયેલી ગુજરાતી શાળાના મકાનમાં બેસી ચમાર ભજનિક પાસે ભજન ગવરાવી ગવરાવી ટાંચણ કર્યું. રાત ભાંગી ત્યાં સુધી બેઠા. આ ટાંચણમાં એક કિમતી મુદ્દો છે. લખ્યું છે કે : ‘રસ્તે જ્યારે કાવ્યની લહેર આવે ત્યારે સંત ખાખરાના પત્તામાં શૂળથી લખતા આવે. ઘેર આવીને પછી મોંયે કરી લ્યે.’

+

સૌરાષ્ટ્રના ઘોઘાવદર ગામથી મુંબઈ ઘણું દૂર છે. ક્યાં દાસી જીવણનો ચમારવાડો અને કયાં રોયલ એશિયાટિક સોસાયટીનું ગ્રંથાલય ! છતાં ટાંચણપોથીમાં બેઉ એકબીજાની નજીક નીકળી પડ્યાં ! સિત્તેરેક પાનાં ભરીને અંગ્રેજી અવતરણો છે : સ્કૉટ કવિના ‘બોર્ડર મિન્સ્ટ્ર્લી’માંથી, ‘ફોક-સોંગ્સ ઑફ અપર ટેમ્સ’ (આલ્ફ્રેડ વિલિયમ)માંથી, ‘ધ મિસ્ટિક્‌સ, એસેટિક્‌સ એન્ડ સેઈન્ટસ ઑફ ઈન્ડિયા’ (જે. કેમ્પબેલ ઉમાન)માંથી, ‘ફોક–સોંગ્સ ઑફ સર્ધન ઇંડિયા’ (ચાર્લ્સ ગોવર)માંથી, ‘સ્પેનિશ ફોક-સોંગ્ઝ (એસ. ડી. મેડેરીઆગા)માંથી.

યાદ આવે છે એ ’૨૮ ની સાલના મુંબઈના દિવસો, જ્યારે રોયલ એશિયાટિકના ગ્રંથાગારના કોઈ મિત્ર સભાસદના મહેમાન તરીકે જઈ હું ડરતો ડરતો આ બધાં પુસ્તકો કઢાવતો, કારકૂન ઘૂરકશે એવી બીક લાગતી. (ભૂલથી છત્રી અંદર લઈ ગયેલ તે પટાવાળાએ આવી બહાર મૂકી જવા ઉઠાડેલો. ) પંડિતોના મહાલયમાં પરિભ્રમણકારની થોડીક માઠી દશા હતી. બેસી બેસીને ટાંચણો ઘસડે જ ગયો હતો: ‘ફીલ્ડવર્ક’ અને ‘ટેબલવર્ક’ એ બે મારી પાંખો બની.

+
*

સંત જીવણદાસ પરથી પ્રસ્તુત વિષય પર આવું. ‘ધ મિસ્ટિક્‌સ એન્ડ સેઈન્ટસ ઑફ ઈન્ડિયા'ના વાચને મને મારા સોરઠી સંતોનું કાર્ય વિશાળ પીઠિકા પરથી જોતો કર્યો, આ લોકસંતો–ભજનિકોનું સ્થાન જગત-ઇતિહાસની ભોંય પર નિહાળવાનાં નેત્રો દીધાં. માર્ટિન લ્યુથર નામના ક્રાંતિકાર યુરોપી સંતની વાત વાંચી હતી, ઇંગ્લંડના ઇતિહાસમાં, મેટ્રીકની પરીક્ષા માટે – પણ આ સંતજાગ્રતિનું પ્રકરણ તો આંતરરાષ્ટ્રીય હતું એ કોઈએ નહોતું શીખવ્યું. માર્ટન લ્યૂથર ફરી સોળ વર્ષે જ્યારે રોયલ એ.સો.ના ગ્રંથાગારમાં મળ્યા ત્યારે તે વિદેશી ને એકાકી વીર મટી ગયો, કારણ કે પુસ્તકોમાં મેં ટપકાવેલું ટાંચણ બોલે છે આજે– ‘માર્ટિન લ્યૂથરનો યુગ એ હિંદ ખાતે પણ જોરદાર ધાર્મિક પ્રવૃત્તિનો કાળ હતો. કારણ કે એ કાળે મુખ્ય મુખ્ય હિંદુ સંપ્રદાયોના કમમાં કમ ત્રણ સ્થાપકો એવા હતા કે જે આ મહાન યુરોપી સુધારકના સમકાલીન હતા. ત્રણે ઉત્તર ભારતના હતા. વલ્લભાચાર્ય કાશીમાં પ્રબોધતા, ચૈતન્ય બંગાળાના નદિયામાં, ને નાનક પંજાબમાં.

‘વલ્લભ:–જન્મ ૧૪૭૯માં. બાળ ગોપાળની પૂજા ને પ્રતિષ્ઠા કરી. વલ્લભે એમ નિરૂપ્યું કે માનવ–આત્મા દિવ્ય સત્ત્વનો એક તણખો છે. સંપ્રદાયસ્થાપક પૂર્વગામીઓથી ઊલટી રીતે વલ્લભે દેહદમનને વિરોધ કર્યો, અને એવું સ્થાપિત કર્યું કે દેહ દમવાને બદલે સન્માનવો જોઈએ.

‘ચૈતન્ય:– એના આગમનકાળે લોકોનો ધર્મ, મહદ્ અંશે ખુલ્લેખુલ્લા દુરાચારમાં પરિણમ્યો હતો. તાંત્રિકોના વ્યભિચાર–અખાડાઓએ અને નિર્લજજપણે નગ્ન બનાવેલી સ્ત્રીની પૂજાએ ચૈતન્યનો પુણ્યપ્રકોપ જન્માવ્યો, અને પ્રજાના શીલ ઉપરના આ ઊંડા ડાઘને દૂર કરવા એની શક્તિને જાગ્રત કરી. એણે ભાગવતને એક રૂપક તરીકે ઘટાવ્યું, અને વ્યભિચારને ભાવના વડે દબાવી દેવા વિચાર્યું : એણે ભક્તિ- રાધા ઉપાસના પ્રબોધી, સખ્ત વનસ્પતિ–આહાર ને મદ્યત્યાગ પ્રબોધ્યો, પશુબલિનો નિષેધ કર્યો, અને એણે વિધવાના પુનર્લગ્નની તરફેણ કરી.

‘નાનકે હિંદુ અને ઇસ્લામ ધર્મનો સમન્વય કર્યો. ઈસ્લામનું વધતું જતું પરિબળ, કટ્ટર એકોપાસના અને મૂર્તિપૂજા પ્રત્યેનો તિરસ્કાર દેશમાં જોશથી પ્રવર્તી રહ્યાં હતાં, અને વિજેતાઓના આ વટાળપ્રધાન પંથમાં પરાધીન પ્રજાના સંખ્યાબંધ માણસો વટલી જતા હતા. હિંદુ રાજ્યો છિન્નભિન્ન થતાં હતાં, ને દેવતાની સહાય તેમ જ એના ઉન્મત્ત પુરોહિતોની શક્તિમાંથી વિશ્વાસ ગુમાવી બેઠેલી વિભ્રમમુક્ત પ્રજાની શ્રદ્ધા હજુ પણ પકડી રાખવાને માટે હિંદુ ધર્મને આકર્ષક બનાવવાની જરૂર હતી. કાં તો રાષ્ટ્રીય ધર્મને એવી રીતે સુધારવો જોઈએ કે જેથી ઇસ્લામના આગમને જાગ્રત કરેલી નવી વિચારસરણીને એ અનુકૂળ બને: અથવા એમાં એ ફેરફાર કરવો જોઈએ કે જેથી કાંઈ નહિ તો બહિરંગ પૂરતો એ મુસ્લિમ ધર્મને મળતો બને અને એ રીતે ધિક્કાર અને ધાર્મિક પીડનથી ઊગરી જાય.

‘આની ત્રણ સ્પષ્ટ અસરો જન્મી—

૧. રાધા અને કૃષ્ણ બેઉની પૂજાને સંયોજતો સંપ્રદાય ઊઠ્યો. નિમાત, રાધાવલ્લભી અને ચૈતન્યાનુયાયીઓ, એ ત્રણ આ સંપ્રદાયના છે.

૨. હિંદુ અને મુસ્લિમ ધર્મો વચ્ચેના ભેદને પૂરવાની નેમથી પ્રેરિત નાનકનો પંથ જન્મયો.

૩. મૂર્તિપૂજાના વિરોધી બે હિંદુ સંપ્રદાયોની રચના: દાદુપંથી (૧૫૫૦–૧૬૦૦) અને રામ સાન્ચી (૧૭૧૮), બન્ને રાજપૂતો.’ (મૂળ નોંધનો ગુજરાતી અનુવાદ)

ઉપલું ટાંચણ કરતા એક ખૂણાના મેજ પર બેઠો છું, તે વખતે પાંચથી વધુ તો નહિ જ હોય તેટલા  ગૃહસ્થોની એક ટુકડી અંદર દાખલ થઈ, બારી પાસેના એક મેજ ફરતા તેઓ બેસી ગયા અને પછી તેમાંથી એક સ્વચ્છ સફેદ પારસી પરિધાનધારી દાઢિયાળા વૃદ્ધ એક અંગ્રેજી લખાણ વાંચવા માંડ્યું. મારા કાન ઝબક્યા. વિષય Marriage-Songs (લગ્નગીતો)નો લોકગીતો પર અંગ્રેજી ભાષામાં આપણા કોઈક ગુજરાતી વિદ્વાનો વિવરણ કરી રહ્યા છે એથી મનમાં છૂપું આત્મગૌરવ કૂદાકૂદ કરી રહ્યું. પુસ્તક પડતું મૂકીને મેં આ વંચાતા લેખનું ટાંચણ દૂર બેઠે બેઠે કોઈ ન જાણે તેમ પોથીમાં પકડવા માંડ્યું. ટાંચણમાં લખ્યું છે કે....

‘ગ્રીસમાં લગ્નગીતો એપીથાલામિયમ્સ કહેવાતાં. પરણેલ દંપતી પોતાના શયનખંડમાં સૂવા જતાં ત્યારે નાનાં છોકરા ને છોકરીઓ ગાતાં.

‘ગ્રીસમાં સવારે ને રાત્રિએ દંપતીના શયનગૃહમાં ગીતો ગવાતાં.

‘એ ગીતો તત્કાલીન જમાનાની દૃષ્ટિએ અશ્લીલ પ્રકારનાં ગણાય તેવાં હતાં.

‘રોમન લોકોમાં ફક્ત છોકરીઓ ગાતી.

‘ઝોરસ્તર લગ્નગીતો: પ્રાચીન ઈરાનીઓમાં પણ તેમનાં લગ્નગીત હતાં.

‘ગાથાનું પ૩ મું પ્રકરણ એ એક પેગમ્બરે એની પુત્રીના લગ્નપ્રસંગે રચેલું લગ્નગીત જ છે.  'સૉંગ ઑફ સોલોમન : એમાં રચનાર જેરૂસલામની વનિતાઓને સંબોધે છે.

‘ઝોરોસ્તર તમામ વરવધૂઓને સંબંધે છે.

‘સ્પેન્સર ૧૫૯૪ માં ખુદ પોતાના લગ્નપ્રસંગે એક લગ્નગીત ગાય છે. એમાં પણ સંબોધન ‘હે વિદુષી બહેનો !’ એમ છે.’

પછી એક પારસી વક્તાએ એક ગુજરાતી ગીત ટાંક્યું–

‘ચાલો રે બાયો, ચાલો રે બાયો’
‘ચાલો રે ગીતડાં ગાયે જી.
‘બેનના શુભ લગનનાં
‘ચાલો રે ગાતાં ગાયે જી રે.’

નિબંધ વંચાતો હતો ને મારી રમૂજ વધતી હતી. મારી ઉત્સુકતા પણ માંડ અંકુશમાં રહેતી હતી. આવડા બુલંદ પંડિતની પાસે ‘ચાલો રે બાયો ચાલે રે બાયો’ એવી એક કંગાલ કૃતિ સિવાય કોઈ ગુજરાતી લગ્નગીત નહતું ! મારાં સંશોધિત લગ્નગીતોને ‘ચૂંદડી’ સંગ્રહ બહાર પડી ગયો હતો. મારી પાસે, મારા કંઠાગ્રે સો જેટલાં ચૂંટેલાં લગ્નગીતો હતાં. પંડિતોના મેજ પર પહોંચી એ ખજાનો બતાવવાની ઉત્સુકતાને માંડમાંડ રોકી રાખી હું એ ભાષણનું ટાંચણ કરતો બેસી રહ્યો.

એ વિદ્વાન વક્તાના લેખનનું મારું ટાંચણ અહીં પૂરું થાય છે. પંડિત બનવું એ પળે મને મોહક લાગ્યું. થોડીક સામગ્રી સાંપડે કે તરત તેના પર અંગ્રેજી ભાષામાં લખવું. એ ભાષા ચીંથરાની ઢીંગલીને પણ પાંડિત્યનો પોષાક પહેરાવી શકે તેવી છે.

અંગ્રેજી ભાષાની આ ગુણવત્તાનું દર્શન તે પછીનું મારું 'ફોક્સોંગ્ઝ ઓફ સધર્ન ઇન્ડિયા'નું ટાંચણ કરાવે છે. એના અંગ્રેજ લેખકની દષ્ટિમાં-

'દ્રવીડી લોકે જે સાહિત્ય ધરાવે છે તે નૈતિક દષ્ટિને હિસાબે જગતે જોયેલ સર્વોત્કૃષ્ટ સાહિત્યમાંનું એક છે. કોઈ પણ ભાષામાં આના કરતાં વધુ સામર્થ્ય અને સંક્ષિપ્તતાનો સંયોગ કદાચ નહિ જડે. અને ખુશીથી કહી શકાય કે કઈ પણ બીજી ભાષા માનવ-મનને વ્યક્ત કરવામાં આનાથી અધિક નિકટગામી અને તત્ત્વદર્શી નહિ હોય.

'પાદરી ટેલર કહે છે કે તામિલ એ સર્વ માનવબોલીઓમાંની સર્વોત્કૃષ્ટપણે સમૃદ્ધિભરપૂર, સુઘડ અને ફરસી વાણી છે.

'ડો. કાલ્ડવેલને મતે તામિલ એ એક જ એવું દેશજ ભાષા-સાહિત્ય છે કે જેણે સંસ્કૃતના અનુકરણથી સંતુષ્ટ ન થતાં એને ટપી જવાને માનભર્યો યત્ન કર્યો છે.'

તામિલ ભાષા અને દ્રવીડી સાહિત્યની આવી અદ્વિતીય સિદ્ધિઓથી આપણે બેનસીબ હોઈએ એવો ખ્યાલ ઉપલા આંગ્જલજનોની પ્રશસ્તિથી આવે છે. અંગ્રેજી ભાષામાં મુકાયેલાં આ અહોગાન સુંદર લાગે છે!

પણ આ અંગ્રેજી ટાંચણ દ્વારા હું જે શોધું છું તે તે કાઠિયાવાડના ઘોઘાવદર ગામના દાસી જીવણ અને દૂર પડેલા દક્ષિણ હિંદ વચ્ચેનો સંબંધિતંતુ છે. ટાંચણ કહે છે કે 'દક્ષિણ હિંદનાં લોકગીત રચનારાઓ અને ગાનારાઓ ઉચ્ચ વર્ણનાં લોકો નહીં પણ ધાર્મિક ભિક્ષુક જમાતોના રોટી માગતા રઝળુ સાધુઓ હતા અને એમાંના પણ મોટે ભાગે દેવદાસીઓના દીકરાઓ હતા. તેમના પિતા કોણ અને તેમની જાતિ કોણ તેની તેમને ખબર નહોતી. દેવમંદિરમાં પ્રભુને સમર્પિત થએલી નર્તકીઓના આ પુત્રો હતા. સમાજ તે નબાપાઓને પાછા અપનાવી લેતો અને લગ્નસંસાર પણ માંડવા દેતો. દેવના આ દાસોને કોઈ તિરસ્કારી શકતું નહિ, તેમ મુઠ્ઠી ભાત કે બે ચપાટી આપવાની ના પાડી શકતું નહિ. લગ્નમાં અને જમણમાં, ઉપવાસમાં અને મરણપ્રસંગમાં, વાવણી અને કાપણીનાં પર્વોમાં, પૂર્ણિમા અને સંક્રાંતિ પર આ દાસને નોતરવામાં આવતો. એનાં કીર્તનોનું શ્રવણ થતું, અને એને પુરસ્કાર અપાતો. લગ્ન વખતે એ કૃષ્ણનાં ગાન ગાતો અને મૃત્યુ પ્રસંગે યમનાં; કુમારિકાઓ પાસે કામદેવનાં અને પુરુષો પાસે રામનાં. ભીખતો ભીખતો એ શીલ અને સ્વધર્મનાં ગીતો ગાય છે.'

આ દ્રવીડી 'દેવોનો દાસ' ગુજરાતના માર્ગી સાધુને ઘણોખરો મળતો આવે છે. જેની ગુપ્ત સમૂહક્રિયાઓને માટે ઘણું ઘણું અનાચારયુક્ત સંભળાય છે તે બીજમાર્ગી સંપ્રદાયનું ફરજંદ આ માર્ગી સાધુ એકતારો લઈને ઘરેઘર ઊભું રહે છે ત્યારે દ્રવીડી દેવદાસના જેટલો જ આતિથ્યને પાત્ર બને છે. એક શબ્દનો પણ ફેરફાર કર્યા વિના આપણે નીચેનું વર્ણન આપણા આ તંબૂરાવાળા માર્ગીને લાગુ પાડી શકીએ—

+

' સાંજને શીતળ સમયે આ દાસ અન્નની અને રાતવાસાની શોધમાં એકાદ શાંત ગામડામાં પ્રવેશ કરે છે. સીધેસીધો એ 'મંટપમ' અથવા મંડપ એટલે કે મંદિરના બહુસ્થંભી ચોકમાં જાય છે, ઓટા પર બેસે છે, વીણાના તાર મેળવે છે, તુંબડાનું ભિક્ષાપાત્ર પોતાની આગળ મૂકે છે. લોકો ત્યારે થાક્યાંપાયાં ખેતરમાંથી આવતાં હોય છે. સમાચાર ઝડપથી ફરી વળે છે કે ભજનિક આવ્યો છે; એટલે સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનાં પગલાં 'મંટપમ' તરફ વળે છે. ત્યાં તેઓ ભોંય પર બેઠાં બેઠાં ભજનના પ્રારંભની વાટ જુએ છે. ભજનિક જે પદ ગાય છે તે પદ જે જાણીતું હોય તો તમામ ગામડિયાં તેનું ધ્રુવપદ ઉપાડી લે છે, અને એ સમૂહગાન સંધ્યાની લહરીઓ ઉપર પથરાઈ રહે છે. અને પછી તો પ્રત્યેક ટેકને અતિ ધ્રુવપદ વધુ ને વધુ ઘેરું બને છે; પછી એનું તુંબડું ચારે તરફ ફેરવવામાં આવે છે અને એમાં પૈસા ટપકી પડે છે. પછી અધારું થાય છે ત્યારે ગામનો પટેલ ભજનિકને નોતરે છે. પેટભરીને જમાડે છે અને પછી એને પથારી આપે છે.'

+

આ દ્રવીડી 'દેવ-દાસ' ની ગ્રામ્ય મહેમાનીના કરતાં આપણા માર્ગી સાધુની સુશ્રુષામાં એક વિશેષતા પણ સંભળાય છે. યજમાનનો છેલ્લો પ્રશ્ન સુવા ટાણે એમ હોય છે કે 'સેવામાં જેને કહો તેને મોકલું'. અતિથિ યજમાનઘરની હરકોઈ મનપસંદ સ્ત્રીની માગણી કરી શકે છે ને એ સ્ત્રીની સેવા પામી શકે છે. અનેક અતિથિઓ આવી 'સેવા'ની બિલકુલ ના પાડે છે.

ભજન–વાણીના ગાયકો આ માર્ગીઓના નામે ચડાવવામાં આવતો અનાચાર કેટલો તથ્યવાળો છે ને કેટલો કલ્પનાસર્જિત છે તેની તપાસનો મુદ્દો પ્રસ્તુત નથી, પણ આવા વ્યાપક અનાચારની સાથે વળગેલી હોવી જોઈએ તેવી ઉન્મત્તતા, તેવી નશાખોરી, માંસમદ્યાદિનો બહેકાટ, ચેનચાળા ને કુચેષ્ટાઓ જેવું કશું આપણી નજરે આવતું નથી. માર્ગીની નમ્રતા, શાંતિમયતા, મિતભાષિતા, ભજનપ્રેમ, વિગલિતપણું, સેવાપરાયણતા ને ગાંભીર્ય સર્વત્ર તરવરતાં હોય છે; લંપટપણું પોતાનાં ભોગ થઈ પડેલાંની ચોપાસ જે બિભીષિકા જન્માવે છે તે મેં માર્ગી ગૃહો-કુટુંબોમાં જોયું નથી. આગણા સ્વચ્છ, નરનાર આનંદી, સ્ત્રી શરીરો સ્વસ્થ ને સુઘડ, વાણીમાં ગંદાપણાનો સદંતર અભાવ, હેતાળ ને હસમુખાં, શ્રમપ્રધાન જીવન, અને ભજન ગાવાની ભાવપૂર્ણ છટા, એ તો નજરે જોવાતાં લક્ષણો છે. બીજે પાસે નાનો પાટ અને મોટો પાટ એ નામની તેમની સામૂહિક ધર્મક્રિયાઓ, 'મોટા પાટ'ની સાથે સંલગ્ન કહેવાતી ગુપ્તતા ને સામૂહિક વ્યભિચારની જુગુપ્સકતા, એ પણ નિશ્ચિતપણે કહેવાની બાબતો છે. મૂંઝવણ એ રહે છે, કે આ બે તત્વોનો સમન્વય શી રીતે સચવાય છે? લંપટતાનો બહેકાટ કેમ ન પ્રવર્ત્યો; દંપતીજીવન અને કુટુંબવ્યવસ્થા છિન્નભિન બનવાને બદલે સમધારણ ગતિએ શા માટે ચાલ્યા કરે છે? ગામીનાં અનાથ, રોગી કે દુઃખી જનોની પાસે જ્યારે કોઈ બીજું ન જાય તેટલી ગંદકી થઈ પડી હોય છે ત્યારે ત્યાં જઈ પહોંચીને રસી મળ મૂત્ર ધોનારા આ માર્ગીઓ જ કેમ હોય છે? ઘરઘરથી રામરોટીના ટાઢા ઊના ટુકડા ભીખી લાવીને ક્ષુધાર્તોને ખવરાવનાર આ માર્ગી જ કેમ હોય છે? માર્ગી સાધુના હૃદયનું માર્દવ સૌથી જુદું શાને પડી જાય છે? માનાપમાનના રાગદ્વેષથી એ કેમ મુક્ત હોય છે?