છેલ્લું પ્રયાણ/એ પ્રાણ હજુ મર્યો નથી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એ દુનિયા હજુ દૂર નથી ગઈ છેલ્લું પ્રયાણ
એ પ્રાણ હજુ મર્યો નથી
ઝવેરચંદ મેઘાણી
સજણ ગિયાં ને શેરીયું રહી ! →


[]

એ પ્રાણ હજુ મર્યો નથી

ગીત મેં ગાગરમાં ભરી રાખ્યાં છે;
ઇચ્છું ત્યારે ઢાંકણુ ઉઘાડી નાખું,
એટલે ગીતોની ધાર થાય.

ધરતીની ધૂળમાંથી ય
ગીતો હું બનાવી શકું છું.
એક પૂરું થયું નો'ય
ત્યાં તો બીજું હાજર !

ગાનારાંને માટે
ચોખી ને અજવાળી રાત રૂડી:
પણ સજણાને કાજે તો સારેરી
અંધારપછેડે ઢાંકેલી રાત.

આ મોં તારું તું શા વડે ધૂએ છે અલિ!
તે તાજું ને તાજુ જ દિસે છે?
હું તો ધોઉં છું ચોખે જળે,
બાકીનું બધું ભગવાન કરે છે.

તને મેં ફૂલ સમી કહી,
સરખામણી સાચીસ્તો :
કારણ તારા પર બધા યે મોહે,
તને મોહ કોઈ પર નહિ.

હટ ! રસ્તે પડ પાગલી!
તું તો છે દેરાંની ટકોરી જેવી:
જે આવે તે વગાડે.

સ્પેનિશ લોકગીતોના અંગ્રેજી અનુવાદોવાળા મારા ટાંચણનું આ ગુજરાતી કરીને આપું છું. ૧૯૨૯ ની એ સાલ છે. જ્યારે રોયલ એશિયાટિક સોસાયટીના ગ્રંથાગારમાં બેઠા બેઠે થોથાં ઉથલાવતાં હતો, ને ક્ષુધાતુર જેમ ખાય તેમ ઉતારા કરતો હતો. 'સ્પેનિશ ફોક્સોન્ગ્ઝ'- (એસ. ડે. મેડેરીઆગા) આ મેડેરીઆગા નરવાચક નામ હશે કે નારીવાચક ? જાણી શકાયું નથી, પણ છે તો કોઈક સમાનધર્મી જીવડો ! લોકગીતની પાછળ પાગલ બનેલા વિના તો આવું કેણ લખે કેઃ

'બુદ્ધિ તો ગુમાની છે. માનવીનો પ્રાણ સત્ય અને સૌંદર્યને ઊંબરે, વિચારનાં વણેલાં રાંઢવાની સીડીને માર્ગેથી નહિ પણ એથી ટૂંકે માર્ગે પણ પહોંચી શકે છે એ વાતને બુદ્ધિ તો મહામુશ્કેલીએ નિહાળી શકે છે. સ્પેનિશ પ્રજાએ સત્ય અને સૌંદર્યની શોધમાં નીકળી પડવામાં, એના સુધારકોએ એને છાપાં વાંચનારા વિદ્વાનોની કક્ષાએ પહોંચતાં કર્યાં ત્યાં સુધી વાટ જોઈને બેસી રહેવું ગણકાર્યું નથી. એમણે તે ઉઘાડી આંખે ચોપાસ નજર કરી અને સહૃદયતાભેર ગાયે રાખ્યું. પરિણામે નીપજી આ લોકકવિતા, કે જેને ટપી જાય તેવું બીજું કંઈ હજુ નથી. સમૂહ-શાયર લેખે જોઈએ તે સ્પેનિશ જનતા એ યુરોપના સર્વોત્તમ સર્જક કવિઓની હરોળમાં બિરાજે છે.'

એ સર્વોત્તમ કવિતાનાં બાહ્યાભ્યતર લક્ષણે બતાવતી અને તુલના કરી આપતી એ મેડેરીઆગાની પ્રવેશિકાનો મારા ટાંચણમાં ટપકેલો પાનાંબંધ ભાગ અહીં ઉતારીને વાચકને વિવેચનથી ગુંગળાવી નાખવા કરતાં તો સારી વાત એ જ છે કે આ સ્પેનિશ લેકવિતાને પોતાને સ્વયંપ્રતીત બનવા દઉં. ટાંચણમાંનાં એ મુક્તકોને જ ગુજરાતી ગદ્યમાં મૂકું--

¤

તકદીરે જુદાં પાડેલાં
એ ઝાડ જેવાં તું ને હું:
વચ્ચે પડ્યો છે રસ્તો,
પણ ડાળીઓ આપણી ગૂંથાઈ ગઈ છે ઊંચે.

¤

ઓ માડી!
પાણી-સર્યે એણે મારું બેડું ફોડયું.
બેડાનું મને દુઃખ નથી,
દુખ તો છે ગામગપાટાનું.

¤

બે જણીઓ જોડે મને જોઈને
રસ્તે જતી તું થડકતી ના;
મેળે તો ઘણા ય જાય,
પણ એ તે જોવા–વોરવા નહિ.

¤

છે ના કંઈ અચરજની બાત !
બે જ દા'ડા પર એની ઓળખાણ થઈ.
આ જ તો મારી મા કરતાં ય વહાલેરી લાગે છે.

¤

તું કહેછ કે એને તું ચાહતો નથી,
તેમ નથી તું એને મળવા જતો;
પણ તો પછી એના ઘરની કેડીએ
ઘાસની સળી યે ઊગતી નથી શાથી!

¤

મારી રાણીના બાગમાં
વાવી ગોડી ને સીંચી તો હું તૂટીમૂઓ;
ગુલાબો ચૂંટવાની મોસમ આવી
ને બીજો માળી પેસી ગયો.

¤

તારે હોઠે છે તુચ્છકાર,
નેણામાં છે પ્યાર.
હોઠ કહે છે 'ચાલ્યો જા,'
નેણાં કહે છે 'આવ.'

¤

પાણી જેમ નદીને શોધે છે,
ને નદી જેમ દરિયાવને;
તેમ તારે મને શોધવા તો આવવું નથી,
ને કહેવું છે કે મને પ્રેમ કાં કરતી નથી ?

¤

ઈર્ષા થાય છે એ પંખીડાંની,
તારી બારીને સળીએ બેસી એ ગાય છે;
હું ગાઉં છું એકલો ને ઉદાસ,
ગાન મારાં પવનને જ ભળાવું છું.

¤

રડો નયનાં, રડો,
કારણ કળ્યા વિના યે રડો.
નારીને ખાતર નરે રડવું
એ કોઈ શરમની બાત નથી.

¤

તારો પ્યાર ખાબોચિયા જેવો છે,
ને મારો છે ઝરા જેવો.
સૂરજ તપે ત્યારે ખાબોચિયું સુકાય,
ઝરો તો વહેતો જ રહે છે.

¤

દરિયાને તળિયે
મોતી યે સલામત નથી;
તો કાંઠે ઊભેલી તું શી રીતે
હેમખેમ જવાની આશા કરે !

¤

ખરાખરીનું ગાવાની ખેવના હોય,
તો ગાજે કલેજુ ઘવાય તે ટાણે;
છો ને ગાવાનું જરીકે ન આવડતું હોય,
વેદના જ કળાનું સ્થાન લેશે.

¤

એક રૂપાળી બાળા
ગોખે અઢેલીને ઊભી હતી.
એણે મારો આતમ માગ્યો;
મેં એને હૈયુ આપ્યું.
એણે મારો આતમ માગ્યો
મેં એને રામરામ કર્યા.

¤

ઓ જાય વાયરામાં લહેરાતા
મારા પ્રીતમના નિ:શ્વાસ,
ઓ જાય હવામાં
ઓ જાય–ઓ જાય.

¤

સફેદ નાનું પારેવું
હિમ જેવું સફેદ,
હરિયાળીમાં ઊતર્યું;
નહાવું છે એને.
સોનાની પાંખો,
દૂધ જેવું મોઢું;
સરસવ સમી આંખો.
હરિયાળીમાં જઈશ ના પંખી,
આવ મારી સંગે,
હરિયાળીમાં જઈશ ના પંખી,
કારણ કે મને તું વિસરાતું નથી.

તાલ કે સૂરના બાહ્ય સુશોભનથી વેગળું પાડીને જે સૌન્દર્ય આ તરજુમો આપણને બતાવે છે તે શું ઓછું છે? મેડેરીઆાગાના શબ્દો સાર્થ બને છેઃ 'સ્પેનિશ લોકકવિતા એ કોઈ અન્ય સાહિત્યની પેટા-નીપજ નથી પણ સ્વયંસ્વાધીન, સ્વાયત્ત વસ્તુ છે. એમાં પ્રભાતની તાજગી છે, સભાન વ્યક્તિગત કલાવિધાન પ્રત્યે લાપરવાહી છે, ઉચ્ચારણની સચ્ચાઈભરી ઉત્સુકતા છે અને ઘડીક કોઈ પ્રાચીન આકારનું અનુકરણ કરતી તો ઘડીક મૌલિક ઘાટ ઉતારવા મથતી, ઘડીક ચમક લાવવા ઉદ્યમ કરતી તો ઘડીક કોઈ ઉદેશ અગર વિચારની હિમાયત માટે ઉદ્યત થતી એવી બૌદ્ધિક કવિ-રચનાથી વેગળી બેસીને આ સ્પેનિશ લેકકવિતા નિરુદેશપણે સર્જાય છે,અનુભવના વૃક્ષ પરથી પાકા ફળની પેઠે ટપકી પડે છે, અને વિના યત્ને એક કાતિલ પરિપૂર્ણતાને પ્રાપ્ત કરે છે.'

¤

રો○ એ○ સો○ ના ગ્રંથાગારમાં સાંપડેલી આ સ્પેનિશ સમધર્મીની દોસ્તીને તાજી કરતો પાનું ફેરવું છું ત્યાં સામા મળે છે 'ઉન્નડ ખુમાણ ક્રાંકચના.' ભાઈબંધી પણ આ પરિભ્રમણની વાટે કેવી પચરંગી પામ્યો છું ! કોઈક ભાઈએ મુંબઈમાં મને શોધી કાઢ્યો અને સંદેશ દીધો: 'કુડલા ગામના એક ગૃહસ્થ તમને સેન્ડહર્સ્ટ રોડના અમુક મકાને મળવા માગે છે. એની પાસે જોગીદાસ ખુમાણ વિશેની એક ઘટના છે.'

સોનેરી પટાવાળી લાલરંગી ચક્કરઘાટ પાઘડી પહેરીને બેઠેલા એ ગૃહસ્થ, જીભની કશીક ખોટને લીધે પ્રત્યેક શબ્દ ચીપી ચીપીને ત્યાં મને નીચેનો કિસ્સો કહી બતાવ્યો: –

'અમારા જ કુટુંબની આ વાત છે. કુંડલામાં અમારા દાદા જીવા પારેખ થઈ ગયા. ઠાકર વજેશંગજીના કાળમાં એ કુંડલા મહાલનો ઈજારો રાખતા, મહારાજના કૃપાપાત્ર હતા, રાણી નાનીબાએ ભાઈ કહી રાખેલા. એમણે ૪૦૦૦ રૂપિયાના બે સોનાના તોડા નાનીબાને ભેટ આપેલા. નાનીબાએ તેમને ઈજારો કાયમ રખાવેલ. જીવા પારેખના દીકરા જૂઠાભાઈ, માધવજીભાઈ, ગિરધરભાઈ, ભગવાનભાઈ ને રામજીભાઈ.

'એક દિવસ એક ઘોડેસવાર સાંજને ટાણે બજારમાં આવી ઊભો રહ્યો, પૂછયું:

'આ દુકાન ગિરધર શેઠની?'

'કહ્યું: 'હા.'

'લ્યો આ ચિઠ્ઠી.'

'ચિઠ્ઠી હાથોહાથ દઈ, દુકાનની દીવાલમાં બંદૂકનો ભડાકો કરી ઘેડેસવારે ઘોડી ઉપાડી મૂકી.

'થોરના દૂધથી ચોડેલી એ ચિઠ્ઠીમાં લખ્યું હતું. 'તને મારવો હોય તો આટલી વાર. પણ ન મારું. તું પારેખનું ખોરડું. તું ઠાકોરને જલદી મનાવજે.'

'કુંડલામાં આરબની બેરખ રહેતી; ચાઉસ જમાદાર કહે કે, ચાલો એની પાછળ ચડીએ.

'ગિરધર પારેખ કહે: 'ના, ના.'

'ઓ પારેખ, તમે આ શું કહો છે? ચડ્યા વિના ન ચાલે.'

'ના, ના.' 'બહારવટિયો તો ચાલ્યો ગયો. ગિરધર પારેખ મહારાજ પાસે ગયા. મહારાજે કહ્યું: 'તમે ઉતાવળ ન કરો. વષ્ટિ ચાલે જ છે. અમારે પણ બહારવટું લાંબું ચાલે તે પાલવે નહિ.'

'એવામાં ગિરધર પારેખના દીકરા જમનાદાસ પરણે. જાન ડેડાણ કીકાણીને ત્યાં જાય. કુંડલાથી ડેડાણ દસ ગાઉં. રસ્તો ઘણો ખરાબ. જાનમાં એકસો ગાડાં. અઢીસો વેળાવીઆ, વાણિયા પચાસ. બહારવટિયા સાથે વેર એ બીકથી આટલો બંદોબસ્ત.

'ડેડાણમાં વિચાર થયો, આપણે દુશ્મનાવટ પાર પાડીએ. કોઈની સાથે બહારવટિયાને કાગળ મોકલીએ.

'ભગવાનભાઈ કહે કે, 'ના, ના, હું જ બહારવટિયાની પાસે જઈશ.'

'અરે, મારી જ નાખે.'

'મારે નહિ.'

'એક બેલગાડી લીધી, એમાં વીશ મણ લાડવા લીધા, ને પહોંચ્યા સાણાને ડુંગરે.

'ડુંગર પર ચાડિકો બેઠેલ.

'એને ભગવાનભાઈએ નિશાની કરી, ધોળા ખેસથી.

'ચાડિકે આવવા ઈશારત કરી, ગયા, ને કહ્યું: 'આપાને ખબર આપો.'

'ગયા ડુંગરાની અંદર, બહારવટિયાના રહેઠાણમાં. બધા જોઈ રહ્યા.  'બહારવટિયે પૂછયું: 'કેમ આવવું પડયું, પારેખ ?'

'કહે કે, પિરસણું લઈને.' એમ કહી વીસ મણ લાડવા હાજર કર્યા.

'અરે પણ આટલું બધું ?'

'હા, જોવે.'

'બીક ન લાગી ?'

'ન લાગે. કળ કોણ?'

'પછી પાછા ફરી ગયા.'

¤

એ સેન્ડહર્સ્ટ રોડ પરના મકાનમાં આ વાત કહેનારનું નામ મળે છે ટાંચણમાં: એ હતા જીવા પારેખના પૌત્ર દ્વારકાદાસ પારેખ. એમની ચોકસાઈ પણ કેટલી બધી હતી ! પાછળથી એમણે મને કહેવરાવ્યું કે આ કિસ્સો જોગીદાસ ખુમાણનો નહિ પણ એમની પછીના બહારવટિયા, ક્રાંકચના ઉન્નડ ખુમાણનો છે.

પારેખના પુત્ર ભગવાનભાઈનું જિગર કેટલું જબરું હશે! હાડોહાડ વૈરથી ભરેલા બહારવટિયાની સાવઝ-બોડમાં જનાર એ વણિકને બાન પકડાવાની પૂરી સંભાવના હતી. ને બાનને બહારવટિયા ખતમ પણ કરતા. એ જાણ્યા છતાં પોતે ચાલ્યા અને દીકરાનાં લગ્ન વચ્ચે આવી હામ ભીડ. વણિકના રક્તમાં રાજપૂતી હતી.

મારા મેઘાણી કુટુંબનો જ એક કિસ્સો યાદ ચડે છે. પ્રેમજી મેઘાણી, ભાયાણી કાઠીએાના કામદાર, ધણીના કટ્ટર શત્રુ ધાનાણી કાઠીઓના ગામ લાખાપાદરની બજાર સોંસરા નીકળે છે. ગાડું હતું સાથે, પણ બજારમાં પોતે હેઠા ઊતરી ચાલતા હતા. હાથની આંગળીમાંથી સોનાનો વેઢ પડી જાય છે. પણ એની ખેવના કર્યા વગર પોતે ચાલ્યા જ જાય છે. ધાનાણીઓનો ભરચક દાયરો બેઠો છે. એમાંથી એક જણે વેઢ પડી ગયેલો જોયો, સાદ પાડ્યો, 'અરે કામદાર, આ વેઢ પડી ગયો.'

પ્રેમજી મેઘાણીએ પાછળ ફરી, પલ વાર ઊભા રહી, પ્રત્યુત્તર વાળ્યો:

'જાણું છું, પણ હું ભાયાણીનો કામદાર, ધાનાણીની ધૂડમાં હાથ નાખું નહિ.'

ચાલ્યા ગયા. એવા તિરસ્કાર શબ્દો પણ શત્રુ હદમાં પડેલી ઉમદા લાગણીને સ્પર્શયા. ડાયરામાંથી કોઈ એ સામો હરફ ન કાઢ્યો. જવા દીધા.

¤

એ વણિક સંસ્કાર, જેના ઉપર વર્ષોથી 'વાણિયાગત'ના કુસંસ્કારનો પોપડો બાઝી ગયો છે, તેની ચમક, વર્તમાન યુગમાં ફરી બહાર આવી છે. બરમા, જાપાન અને મલાયામાં રુંધાઈ રહેલા વણિક યુવાનના કેટલાક કાગળો વાંચવા સાંપડ્યા છે. કોઈ જુવાનો વિણપરણ્યા ગયા હતા ને ત્યાં જ રોકાઈ રહ્યા. કોઈ તાજા લગ્ન કરી, મહેકતું જોબન લઈ એકાકી દરિયો ઓળંગી ગયા, પાછળ નવવધૂઓ ફફડતી  બેઠી રહી. ન સામે પારથી તાર કે ટપાલ, ન રેડિયો દ્વારા ય પતો! ત્રણચાર વર્ષે જાણ પડે છે કે એ જીવતા છે, સુભાષ બોઝનો સંજીવની-સ્પર્શ પામ્યા છે, સમગ્ર સત્ય કોઈ ગુલાબી સ્વપ્નસમું બની સમેટાઈ ગયું છે, આઝાદો હતા તે કારાગારમાં ધકેલાયા છે ને કારાગારમાંથી એમને છોડાવવાના પ્રયત્નો ચાલે છે. એની વચ્ચે એક કાગળ વાંચવા મળે છે. નામું લખવામાં જેટલી સુઘડતા તેટલી જ સુઘડતાવાળા મરોડદાર અક્ષરોમાં લખ્યું છે –

......... (બર્મા)
૧૪–૩–૪૬, ગુરુવાર

પૂ. ..ભાઈ,

જય હિંદ. એક સ્નેહ મારફતની ચોપડી વાંચવા મળેલી. સત્યકથા પર રચાઈ છે એટલે દિલને અસર કરે એ સ્વાભાવિક છે. અંગ્રેજોએ હિંદીઓ પર કરેલ ત્રાસ વર્ણવાયો નથી. હશે. લાખો હિંદીઓ ભાગતાં ભાગતાં મરી ગયાં, અગ્નિસંસ્કાર પણ ન અપાયો.

“હજુ એ દિવસ દૂર છે કે જ્યારે દેશ માટે લાખની સંખ્યામાં મરણિયાઓ નીકળે. બંગાળના દુષ્કાળની કથા આથી ય ભયંકર છે. કાગડા કૂતરાનું મોત ભલે થાય, પણ હજુ ય દેશ ખાતર શહીદ થવાનું કેમે ય ગળે ઊતરતું નથી. વારુ, ક્યારેક સમજ આવશે.

"હમણાં હું બારસો સાથીઓ સાથે કારાગૃહમાં છું. બધા આઝાદ હિંદવાળા છીએ. દસેક મહિના થયા. હજુ દેશ છેલ્લું વરસ પૂરું થઈ જશે. અંગ્રેજો ખરે જ ભાગેડુ અને ડરપોક છે એવી ખાતરી છેલ્લાં ત્રણ વરસમાં થઈ. આઝાદ હિંદ ફોજે અંગ્રેજોને જે ઝડપથી ભગાડયા છે, તે પણ એક અભિમાનની કથા છે. દેશ આવીશ ત્યારે વાત. પૂર્ણ સ્વરાજ એ હિંદમાં સ્વપ્ન છે, પૂર્વ એશિયામાં સિદ્ધિ હતી. આટલાં વર્ષોની ખરી આઝાદી બાદ ગુલામ દેશમાં આવવાનો વિચાર સુખમય તે નથી જ. જન્મભૂમિ છે એટલે જીવન અને મરણ ત્યાં જ ઠીક છે. મારી જેવા ભાજીખાઉ જૈન માણસો પણ માણસને કાપતા થયા છે, તે પણ સમયની બલિહારી છે. ખૂબ મજા આવે છે લડાઈમાં. મારો અને મરો. બસ કોઈ ચિંતા નહિ. સહકુટુમ્બ આનંદમાં હશો. હું મજામાં છું.

જય હિંદ.

લિ................'

સામાન્ય ભણતર ભણેલા, બિલકુલ વેપારી જ ધંધા વાળા એક ગ્રામવાસી વૈશ્યપુત્રનો આ કાગળ છે. ઉઘાડા નાનકડા પોસ્ટકાર્ડમાં પડેલી એ વાણી એને ભણતરે નહિ પણ ભાવનાએ સંપડાવી છે: 'હું ભાયાણીનો કામદાર, ધાનાણીની ધૂડમાં હાથ નાખું નહિ.' એ ભાષાનું પણ એમ જ હતું.

¤

વનવિહારી મારા હૃદયવિહંગ, ફરી પાછા માળામાં ચાલો, ટાંચણ-પાનું ફરી એક વાર રો○ એ○ સો○ના ગ્રંથાગારમાં બોલાવી રહ્યું છે. અજાણ્યો અંગ્રેજ આલ્ફ્રેડ વિલિયમ્સ તને યાદ કરે છે. એના દેશની, સોગંદ ખાવા જેવી એક જ મહાનદીના ઉપરવાસના પ્રદેશમાં આથડીને એણે 'ફોક્સોંગ્ઝ  ઓફ અપર ટેમ્સ' સંગ્રહ્યાં છે. આપણો એ સમકાલીન: એનો સંગ્રહ પણ ૧૯૨૩નો. એના પ્રવેશકમાંથી એક ધારે ઉતારા કર્યા છે, એ કહે છે કે-

'મારે નિસર્ગ અને જીવન બેઉ જેવાં હતાં. મેં યત્ન કર્યો છે સુંદર તેમ જ વાસ્તવિક ઉભયનું આલેખન કરવાનો.

'મારે માટે ત્યાં ગીતોની હસ્તી જોયા ભેળી જ પકડાય તેવી નહોતી. સેંકડો ગામોમાં તમે ફરી વળો,આંખો ઉઘાડી ભલે હોય ને બુદ્ધિ જાગ્રત ભલે હોય, છતાં એક પણ ગીત જડે નહિ. ગીતો કંઈ ધોરી રસ્તા પર રાહ જોતાં નથી હોતાં. એ તો લપાયાં હોય છે ખૂણે ને ખાંચરે. આથી જ એ સામાન્ય પ્રવાસીઓની આંખે ચડતાં નથી.

'સાદી વસ્તુઓ જ મહાન હોય છે અને પ્રાથમિક વસ્તુઓ પાયાની હોય છે. ઇમારતનો ઉપલો ભાગ વિલુપ્ત થયો હશે ત્યારે એ પાયાની સામગ્રી જ ટકી રહેશે.

'હમેશાં એવું બન્યું છે કે જ્યારે કલા, સાહિત્યમાં કે ચિત્રમાં ઊતરી ગઈ હોય છે, ઝાંખી પડી ગઈ હોય છે અથવા સાચે માર્ગેથી ચાતરીને અર્ધગતિને પામી હોય છે, ત્યારે એનો પુનરુદ્ધાર મૂળનાં પ્રાથમિક સ્વરૂપનું જ શરણ લેવાથી થઈ શકયો છે. આજે પણ આપણું સાહિત્ય, વિશેષે કરીને આપણી કવિતા,-ઊર્મિકાવ્યોની તેમ જ મહાકાવ્યોની– એ જ માર્ગે નવસંસ્કરણ માગે છે. નવા ભાવોદ્રેકને આપણે મારવો કે રૂંધવો નથી, પણ જૂની નસોમાં નવું રુધિર ભરવું છે, નવી નસોમાં જૂનું લોહી નહિ. 'જે મરણ પામ્યું છે તેને ઢંઢોળ્યે કશો લાભ નથી. સારું કે નરસું, મર્યું છે તે છે મર્યું. પણ એના પર વિસ્મૃતિની ધૂળ વાળી દેતાં પહેલાં ખાતરી કરજો કે ખરેખર એમાંથી પ્રાણ ચાલ્યા ગયા છે?

'મારો દાવો છે, કે જૂનાં લોકગીતોને જન્માવનાર 'સ્પિરિટ' હજુ મર્યો નથી, મરી જઈ શકે નહિ, અને ભલે બહિરંગ ઘાટે આકારે નહિ તો પણ ભાવિ કાર્યના પાયા લેખે એ જૂના સ્પિરિટની નવજાગૃતિ કરવી એ હિતાવહ છે.'