જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે
લોયણ


હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી‚
એ જી તમે મન રે પવનને બાંધો રે હાં…
હે જી રે લાખા ! નુરતે નીરખો ને સુરતે પરખો જી
તમે સુરતા શુન્યમાં સાંધો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦

હે જી રે લાખા ! નાદ રે બુંદની તમે ગાંઠ રે બાંધો
મૂળ વચને પવન થંભાવો રે હાં…
હે જી રે લાખા ! ઉલટા પવન થંભાવો એને સુલટમાં લાવો જી
એવી રીતે એક ઘરમાં આવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૧

હે જી રે લાખા ! ઈંગલા પીંગલા સુષમણા રે સાધો જી
તમે ચંદ્ર સૂર્ય એક ઘરમાં લાવો રે હાં…
હે જી રે લાખા ! ત્રીવેણીનાં મોલમાં દેખો તપાસી જી
પછી જોતમાં જ્યોત મીલાવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૨

હે જી રે લાખા ! અનભે પદને ઓળખાવાને માટે
તમે જ્યોત ઓળાંડી આઘા ચાલો રે હાં…
હે જી રે લાખા ! શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં
તમે અકતા ના ઘરમાં આવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૩