જેલ-ઑફિસની બારી/જોર કિતના ?

વિકિસ્રોતમાંથી
← એક નવી યોજના જેલ-ઑફિસની બારી
જોર કિતના ?
ઝવેરચંદ મેઘાણી
હરામના હમેલ →





જોર કિતના ?

નં. 4040 જ્યારે અહીં ઓફિસમાં આવે છે ત્યારે હું ખુશખુશાલ બની રહ્યું છું. એ તો મહારાજા બન્યો છે, મહારાજા. એનો ડ૨ ગયો છે. કેદીઓને થરથરાવી ઢીલા પાડી નાખનારી તમામ સજાઓનો સ્વાદ એણે કરી લીધો છે. સજારૂપી તમામ તરવારોની ધારને એણે બૂઠી બનાવી નાખી છે.

એક પછી એક સજાને હસતે મોંએ વધાવીને ‘ઔર કુછ ?'-’ કહી નવનવા સરપાવ માગતા જતા એ કેદીએ જેલની સત્તાને છોટી કરી બતાવી. તમામ સજા એક પછી એક અથવા તો સામટી, જેમ ફરમાયેશ થઈ તેમ તેણે ભોગવી બતાવી. નં. 4040 મરણિયો બન્યો એટલે તો ઊલટું એનામાં પડેલું ગુપ્ત દૈવત પોલાદ જેવું અભેદ્ય બન્યું.

આજે એ સહી લેવાની શક્તિએ એને જગતના ચક્રવર્તીની ખુમારી આપી છે. એ કોઈ મુકાદમને, વૉર્ડરને, જેલરને કે સુપરિન્ટેન્ડેન્ટને ગણકારતો નથી. કારાગારના કરવતના દાંતા એણે એક પછી એક ભાંગી નાખ્યા છે.

હવે તો પગમાં બેડી પહેર્યા વિના એને ગમતું નથી. એક જ પગે બાંધવામાં આવેલી દસ શેર સાંકળના રણઝણાટ કરતો એ જ્યારે દરવાજે આવે છે અને દરવાનો એની સામે જોઈ રહે છે, ત્યારે એ અફસોસ કરતો કહે છે કે –

“નહિ નહિ, આ એક જ પગની બેડીથી મને મજા નથી પડતી, ચાલવામાં દમામ ક્યાં દેખાય છે ? અરે યારો, મુઝકો દોનું પાંવમેં આડાબેડી દિલવા દો !આહ, આડીબેડી પહેરીને પહોળા પગલે ચાલવામાં કેસી તબિયત ખુશ હોતી હે ! છાતી કાઢીને પહેલવાનની માફક ચાલી તો શકાય ! આદમીના બદન જેવો મરોડ લાગે !”

– ને સાચેસાચ એ નવો ગુનો કરીને આડીબેડી મેળવ્યે જ રહે છે. પણ એ શું કમ શોખીન છે ! સારામાં સારા વિલાયતી નળિયાનાં ઠીકરાં વીણીને એનો છૂંદો કરી પછી નં. 4040 પોતાના આરામના સમયમાં બેડીને ઘસ્યા જ કરે છે. પણ ઠીકરાંથી કાઢેલો ચળકાટ એને સંતોષી શકતો નથી. માથું ધુણાવીને એ બબડે છે: “નહિ નહિ, આ નહિ ચાલે. રૂપાની ચમક ના આવે ત્યાં સુધી જિગર ન માને.”

દીપડા જેવી પોતાની આંખે એ ચારેય તરફ નજર કરે છે. પછી એને ઈલમ યાદ આવે છે. લુહારકામના કારખાનામાં જઈને એ કાનસની ચોરી કરે છે.

કાનસની ચોરી ! ભયંકર ગુનો ! જેલના સળિયા કાપીને નાસી જવાની કોશિશ ! જેલના અનેક કેદીઓ એક કાનસની મદદથી પલાયન કરી ગયા છે. નં. 4040 ! તું પકડાઈશ તો તને ભારી આકરી નશ્યત કરશે, હો !

“છો કરે ! પણ હું નં. 4040 ! હું કાટેલી, કાળી, કદરૂપી બેડી તો નહિ પહેરું. કરવી તો બાદશાહી કરવી, યાર ! નહિ તો જિંદગી શા કામની ! જીવવું તો મરદની રીતે જીવવું !”

એમ એ કાનસથી ઘસીને બેડીમાંથી ઝળાંઝળાં તેજ ચળકાવે છે. પછી જ્યારે એ બહાર નીકળે છે ત્યારે રાજરાજેન્દ્રનેય ઈર્ષ્યા કરાવે તેવું ગૌરવ એ છાંટતો જાય છે. આવ આવ, ભાઈ નં. 4040 ! આજ તારી મુલાકાત આવે તો હું કેટલી ભાગ્યશાળી બનું ! તને તો હું નીરખી નીરખીને જોવા ચાહું છું.

ભાઈ નં. 4040 ! જેલર સા’બ દરવાજે જ ઊભા છે, છતાં એની સફેદ ગાદીવાળી ખુરશી ઉપર બેસીને તું કેવી હાકેમી ભોગવી શકે છે ! સહુના શ્વાસ ઊંચા ચડી જાય છે, બધાને ફફડાટ લાગે છે કે જેલર સા’બ હમણાં જ આ તરફ નજર કરશે અને નં. 4040ને શું-નું શું કરી નાખશે !

“શું કરી નાખશે ?” નં. 4040નો નીડર આત્મા પૂછે છે સહુને કે “કરી કરીને શું કરી નાખશે ? એના ખિસ્સામાં દસ-બાર સજાઓ પડી છે તે આપશે ને ? તેની તો અજમાવેશ થઈ ગઈ છે, યારો ! ન ગભરાઓ.”

પોતાની પછવાડે શું બની રહ્યું છે તે રજેરજ જાણતો છતાંય જેલર બાપડો જાણે કે બહેરો બની ગયો છે. કોઈ પણ વાતે નં. 4040 ત્યાંથી ખસે એવી વાટ જોતો જેલર દરવાજાની બહાર ચાલી નીકળે છે.

કમબખ્તી થઈ, ભાઈ નં. 4040 ! તારી ખુમારીનો ચેપ પ્રસરતો-પ્રસરતો બીજા તારા જેવાઓને લાગ્યો તે તો ઠીક, પણ એ તો જતો ચોંટ્યો છે આ નવા મુંડાયેલા બાલકેદીઓને પણ. વીફરવા માંડ્યા છે પેલા નમૂછિયા છોકરાઓ. નં. 4040ની માફક એ લોટ ફાકી જતા નથી, કાનસ ચોરતા નથી, બીજા ગુના કરતા નથી; પણ અપમાનકારક હુકમો ન ઉઠાવવાની ખુમારી બતાવે છે. ઉભડક પગે ‘ફાઈલ’માં બેસવા સુધીની વિધિ ખમી ખાય છે, પણ એની ઉપર જ્યારે ‘પાંવ પર હાથ !’ એવી હાકલ મુકાદમ મારે છે, ત્યારે આ છોકરાઓનું કોણ જાણે કઈ ઊંડી હૃદયગુફામાં સૂતેલું સ્વમાન જાગી જાય છે.

“નથી મૂકતા, પગના પોંચા પર હાથ મૂકીને અમે આ ખૂનીડાકુઓના સર્કસમાં ભળવા નથી માગતા.”

“નીચી મૂંડ નથી રાખવાના અમે.”

“ઇન્સ્પેક્શનને ટાણે હોઠ લાંબા તાણી રાખીને દાંત બતાવવાની ડ્રીલ અમે નથી કરતા.”

“નથી કરતા, નથી કરતા, નથી કરતા એ બધી અમારી માનવતાને નીચે પછાડનારી ક્રિયાઓ. જા, તારાથી થાય તે કરી લે.”

“ચલો, ચલો ખટલા કરના હે તુમારા !”

‘ખટલો’ એટલે તોહમતનામું અને નશ્યત. દર રવિવારની રાત એટલે આ નમૂછિયા લડવૈયાઓને માટે કતલની રાત. કેમ કે સોમવારે પ્રભાતે તેઓનું સુપરિન્ટેન્ડેન્ટને હાથે ઇસ્પેક્શન. એ ઈન્સ્પેક્શનને ટાણે બસ ‘ખટલા’નો કોઈ હિસાબ નહિ.

સા’બ ! યે હુકમ નહિ માનતા.

સા’બ ! યે કામ નહિ કરતા.

સા’બ ! યે સામને બોલતા.

કોઈ અનુભવી અને કાબેલ સોર્ટરના હાથમાંથી ફેંકાતા કાગળોની ઝડપે અમારા હાકેમસાહેબના હોઠમાંથી એક પછી એક સજાઓ વછૂટે છે. અને આ નમૂછિયાઓ ‘નથી કરતા. બસ, નથી કરતા !’ એવો તોર રાખી કેવી-કેવી સજાઓ સ્વીકારી લે છે ! સજા તો સ્વીકારે છે, પણ સજાની ઠેકડી કરીને આપણા સહુનો મોભો હણે છે, ઓ મુકાદમ ભાઈઓ !

ટાટ કપડાં આપીએ છીએ, તો ‘ચાઈના સિલ્ક’ કહીને પહેરે છે.

કેદીનાં ચગદાં ચોડવા આપીએ છીએ, તો ચકચકિત માંજીને મોં જોવાના અરીસા બનાવે છે !

‘એકલખોલી’માં પૂરીએ છીએ તો ચોપડીઓ વાંચવાનો વૈભવ માણે છે. જે ભજનપ્રાર્થના આપણે બુરાકોમાં ગાવા નથી દેતા તે તો તે લફંગાઓ બેવડી દાઝે ત્યાં પડ્યા પડ્યા ગાય છે. અને અફસોસ, આકાશનાં ચાંદરડાં સાથે મુંગી વાતો કરે છે. બારણાના કાળા કિટોડા જેવા સળિયા સાથે મહોબત કરે છે અને… આપણા ઝીણાબોલા જેલરને તેઓ ‘ફઈબા’ નામ આપીને જુલમોની તમામ કડવાશનો વિનોદ બનાવી કાઢે છે.

હવે બસ, એક ફટકાની સજા તેના ઉપર પડવી બાકી રહે છે.

પણ ઓ મારી ત્રિપગી ઘોડીબહેન ! તારો મોભો જો તૂટશે, તો ડર જેવું શું બાકી રહેશે આ આપણી દુનિયામાં !

નં. 4040નો રંગ ચડતો જાય છે, આ નમૂછિયાઓને. ‘એકેએક સજાનો સ્વાદ અમારે લઈ જોવો છે’ એવું એ બધા અંદરોઅંદર બોલ્યા કરે છે. પાંચ જ ફટકે ભાન ચાલ્યું જતું હોવાની વાત જાણ્યા પછી તો તેઓ ખૂબ જોશમાં આવી ગયા છે. હસતા હસતા તેઓ ગાય છે કે –

દેખ લેંગે જોર કિતના
બાજુએ કાતિલમેં હૈ !

તમે બધા ત્રાડો પાડીને પીઠ ફેરવો છો ત્યાં જ એ બધા હસી પડે છે.

કીનો લેવાની ભયાનક શક્તિ તે ટીખળ છે. સત્તા સામે હસતાં શીખ્યો તેનો વિજય છે. હાય રે ! આ ખભે રૂમાલો નાખીને ઊભેલા, સુકોમળ મુખાકૃતિવાળા નમૂછિયા છોકરાઓએ આજ ઉપહાસ આદર્યો ! એ ઉપહાસ તારો નથી થયો, ઓ વીરા મુકાદમ ! આ ઠેકડી તો થઈ રહેલ છે જગતની સર્વ શ્રેષ્ઠ માનવ-સત્તાની.

આપણો મોભો તૂટી ગયો, ઓ રાજરાજેન્દ્ર ! આપણો વક્કર નીકળી ગયો. આપણી બાંધી મૂઠીનો ભરમ ઊઘડી ગયો.

નમૂછિયા છોકરાઓ ! કાનમાં મને એકલીને તો જરા કહેતા જાઓ ! – આ ઠેકડીના હાસ્ય તળે તમે કયો અગ્નિ સંઘરી રહેલ છો ?

આછી-આછી ધુમાડાની શેડ્ય નીકળે છે. હું માનું છું, ધુમાડાની શેડ્ય જ છે. ફક્ત ગૂંચળાં નથી, ગોટેગોટ નથી. ફક્ત એક દોરા જેવી રેખા !

“ડોકરી ! રાંડ ! તારો એ મતિભ્રમ છે.”

કોણ બોલ્યું એ ?