લખાણ પર જાઓ

જેલ-ઑફિસની બારી/હરામના હમેલ

વિકિસ્રોતમાંથી
← જોર કિતના ? જેલ-ઑફિસની બારી
હરામના હમેલ
ઝવેરચંદ મેઘાણી
નવો ઉપયોગ →





હરામના હમેલ

ત્રિવેણી ડોશી આવીને દરવાજાની અંદર ઓટલા ઉપર બેઠી છે. વરસાદમાં ભીંજાયેલા પંખીની માફક કાળો સાડલો સંકોડીને શિયાળાને પ્રભાત બેઠી છે. ત્રિવેણી ડોશી આડું અવળું જોતી નથી, હલતી કે ચલતી નથી. આ હું જે રીતે બેઠી છું તેવી જ નિર્જીવ રીતે બેઠી છે.

હનુમંતસિંગ દરવાન ! તમારા હાથે આજ બે લાખ ને ત્રીસ હજારમી વાર તાળામાં ચાવી ફેરવો, દરવાજાની બારી ઉઘાડો, બહાર મોટરની જેલગાડી ત્રિવેણી ડોશીને શહેરની કોર્ટમાં તેડી જવા સારુ આવી ઊભી છે.

ત્રિવેણી ડોશીને સવારની ખોરાકીના બે રોટલા અહીંથી ભેગા બંધાવ્યા છે, પણ ડોશીનો મિજાજ કાંઈ કમ છે, ભાઈ ! રોજેરોજ એ તો પિંજરાગાડીમાં ચડતી વેળાએ પોતાના બન્ને રોટલા બહાર ઊભેલાં કુતરાંને નીરી દીયે છે. આખો દિવસ એનો મુકદ્દમો ચાલશે; નહિ ચાલે તોપણ એને તો સાંજ સુધી કૉર્ટમાં તપવું પડવાનું. આમ ત્રણ-ચાર મહિનાથી ચાલે છે, હજુ કેટલાય દિવસ ચાલશે. ત્રિવેણી ડોશીનાં કોઈ સગાંવહાલાં ત્યાં આવતાં હશે તો કદાચ પહેરેગીરની રજા લઈને એને દાળિયા-મમરા દેતાં હશે; ને નહિ હોય કોઈ તો ડોશી સાંજે પાછી આંહીં આવીને રોટલામાંથી કટકી-કટકી મમળાવીને પાણીના ઘૂંટડા સાથે પેટમાં ઉતારશે. ત્રિવેણી ડોશી બામણી ખરી ને, તેથી આંહીંના રોટલા શહેરમાં લઈ જઈને શું ખાય !

ત્રિવેણી ડોશીને એના ગરીબડા દીદાર પરથી દોરવાઈને તમે કોઈ નિરપરાધી કે દયાપાત્ર ન માની લેતા હો કે ! એના ઉપર તો મુકદ્દમો ચાલે છે એક ખૂનનો. ને ખૂન પણ કંઈ જેવું તેવું ?

પઠાણ જેવા પઠાણનું ખૂન. પઠાણ બાપડો ગામડાંના દોંગા ખેડૂતોની દયા ખાઈને વ્યાજે નાણાં ધીરતો’તો અને પાક તૈયાર થાય ત્યારે ખોટુકલીખોટુકલી છૂરી દેખાડીને ખેડૂતો કનેથી વ્યાજ સુધ્ધાં નાણાં માગતો; બાપડો લાલ-લાલ ડોળા ફાડીને કાકલૂદી કરતો; ત્રેવડ ન હોય તેવા ખેડૂતો કનેથી વહુદીકરીનાં શિયળ માગી લઈને પણ ચલાવી લેતો; અને આ પાજી દગલબાજ ખેડૂતોના ફાંસલામાંથી ઊગરવા સારુ એ બાપડો ગામોગામના અમલદારોને ગાય જેવી પોતાની ગરીબ જિંદગીની રક્ષા માટે હંમેશાં સાધેલા રાખતો. સહુની સાથે એને તો હૈયા સામી હેતપ્રીત હતી.

પણ કોણ જાણે શુંયે ઝનૂન ચડી ગયું આ ત્રિવેણી બામણીને તથા એના ગામના પંદર ઘાતકી ખેડૂતોને, કે સોળે જણાંએ મળીને બાપડા, રાંકડા, બચ્ચરવાળ, હેતાળ અને પરાર્થે જીવનસમર્પણ કરી રહેલ એ શાહુકાર પઠાણનું ઠંડે કલેજે કાસળ કાઢી નાખ્યું.

ગંગા નદી નક્કી અવળી વહે છે. નહિ તો એક બ્રાહ્મણી બુઢ્‌ઢી ઊઠીને પઠાણહત્યા જેવું પાપ કેમ કરી બેસે ? એથી યે વધુ અચંબો તો મને કાલે થયો. વીસ જ વર્ષની એક બીજી બ્રાહ્મણી આવી. ઘાટીલો ગોરો દેહ: મોં ઉપર દીનતાભરી માધુરી: હાથમાં બે મહિનાનું બાળ. બે બંદૂકધારી પોલીસોએ આવીને છ મહિનાની સજાવાળી આ ઓરતને જ્યારે દરવાજે સુપરત કરી, ત્યારે અમારો જેલર એના મોં સામે તાકી રહ્યો. અણસાર પારખી, બોલી ઊઠ્યો –

“અહોહો, ત્રીજી વાર તું આવી પહોંચી. બાળકને રઝળતું ફેંકી દેવાના ગુના બદલ આ તારી ત્રીજી યાત્રા ! તને કંઈ દયા છે કે નહિ ? પેટના બાળકને તે ત્રણ-ત્રણ વાર સડક ઉપર ચગદાતું મૂક્યું !”

“નહિ સા’બ ! નહિ સા’બ !” અમારો બ્રાહાણ કારકુન મારી આરપાર પાનની એક વધુ પિચકારી ઉડાવતો બોલી ઊઠ્યો: “ઓ લડકા ઉસ્કા ધનીકા નહિ હે. યે તો હે વિધવા. ઉસ્કુ ઓર લડકાકુ ક્યા ? હોયગા કોઈ મુસલમાનકા, કોઈ ગુંડાકા, કોઈ ઉસકા જેઠકા, સસરાકા ! હા – હા – હા – હા ! ઓ વિધવા કુછ કમ નહિ હોયગી, સમજે સા’બ !”

“અરે સા’બ !” એને લાવનાર પોલીસોએ સમજ પાડી: “જડજ સા’બ જિકર કર-કર બેજાર હો ગયા, કે ઓરત, તું ઉસકા નામ દે, જીસસે યે બચ્ચા તુઝે પેદા હુવા. મેં વો સાલે કો તેરી યા બચ્ચાકી પોશાકી-ખોરાકી ભરનેકા હુકમ કરુંગા. લેકિન સા’બ, યે ઓરત કિસી મર્દકા નામ જ નહિ દેતી. તીન દફે જેલમેં આઈ, મગ૨ નામ નહિ દેતી! એસી જિદ્દી હે યે ઓરત !”

“હેં !” અમારો જેલર બરાડી ઊઠ્યો: “તું નામ કેમ નથી દેતી એ સાલા હરામીનું, હેં બેવકૂફ ? એમાં તારું શું જાય છે ? નામ દઈ દે, નામ દઈ દે !”

પરંતુ વીસ વર્ષની વિધવા બ્રાહ્મણી ડોકું ધુણાવીને નિઃશબ્દ ઊભી રહે છે. પોતાને ફસાવી ખસી જનાર પુરુષને પોતે પોતાની જોડે ડુબાવવા તૈયાર નથી.

આ કુલટા વિધવાની ખાનદાનીને ઓશીકે પુરુષ તો માથું મૂકીને નિરાંતે સૂતો હશે. એ કોણ હશે ? કોઈ આબરૂદાર સજ્જન. ન્યાતનો કોઈ અગ્રેસર હશે. ત્યજેલી અને રાંડેલી દ્વિજપુત્રીઓની જિવાઈઓ મુકરર કરાવી દેનારો જ્ઞાતિ પટેલ હશે. જેના નામનો ઉચ્ચાર આવી કોઈ કુલટાની જબાનથી ન થઈ શકે એવો કોઈ મહા કુલવાન, ઈજ્જતવાન, ધર્માવતારી ત્રિપુંડધારી હશે ! અથવા સંતાનનું પોષણ ન કરી શકે તેવો કોઈ ત્યાગી ધર્માચાર્ય હશે ? જે હોય તે: આ વિધવાની હૃદય-દાબડીમાં એનું નામ સલામત છે.

તમે આ કુલટાના માથા પર ફિટકાર વરસાવો છો ને ? વરસાવો. એ જ લાગની છે રાંડ ! ઉઘાડી પડી ગઈ એની અનાવડતને કારણે. અને પછી ખાનદાન બનવા ગઈ પેલાનું નામ છુપાવીને. ને પોતાના પેટનું ફરજંદ ફેંકનારી હૈયાવિહોણી છે એ તો. એવું હતું તો શા સારુ એણે ગર્ભને ધારણ કરી રાખ્યો પૂરા મહિના સુધી ? શા માટે વખતસર ઠેકાણે ન પાડી નાખ્યું પોતાનું પાપ ? અને આવા ગુલાબી બાળકને સંસારમાં ઉતાર્યા પછી સડક પ૨ કાં ફગાવ્યું ? ફગાવ્યું તો ધોરી રસ્તા પર જ શા માટે ? કોઈ કૂવો-તળાવ નહોતાં ? કાંટાની વાડ્ય નહોતી ? કોતરખેતર નહોતાં ? પહાડખીણ નહોતાં ?

આ મૂરખી તો બાળકને પોતાના એકના એક કોરા સાડલાના કટકામાં લપેટી, મોંમાં અંગૂઠો મૂકી, છેલ્લી બચ્ચી ભરીને ધીરેથી સુવાડી આવી ધોરી રસ્તાને કાંઠે. વળી પાછી ત્યાં ને ત્યાં ઝાડની ઓથે પોતે જોતી ઊભી રહી. ને પાછી સાદ કાઢીને રડતી હતી. બચ્ચું છાતીએથી છૂટતું તો નહોતું. છતાં કોઈક દયાવંતને વળગાડવું હતું. પોતાને સંઘરવાની ત્રેવડ નહોતી, છતાં પાછું વાત્સલ્ય એટલું છલકાઈ જતું હતું કે ત્યાં ઊભાંઊભાં જ એનું સુરક્ષણ જોવું હતું. ને એને વિજોગે રોવું હતું. શી એની લાગણીઓની લડાલડી મચી હતી!

વિધવા છતી થઈ ગઈ પોતાની જ કાબેલિયતને અભાવે. ન્યાયાધીશો એને નશ્યત કરી છ મહિનાની. ઇન્સાફ અને કાયદો આ ઝલાઈ ગયેલ અપરાધીની ઉપર ચડી બેઠા. છ મહિનાની મુદત માટે તો મા અને બાળ બેઉને રોટલી પૂરશે આ ધર્મરાજ. પણ તે પછી ? તે પછી આ માનું શું ? આ બાળકનું પેટ કોણ પૂરશે ?

ઈન્સાફ તો કહે છે કે અમારું કામ તો નશ્યત કરવાનું છે: બાળક સાચવવાનું નહિ.

છ મહિને મા બહાર નીકળશે ત્યારે બાળકના દૂધનું શું થશે ?

ઇન્સાફ – કે જેણે બાળકને રઝળતું મૂકનાર માતાને સજા કરી તે ઇન્સાફ – પાછો સજ્જ રહેશે ફરી વાર એ જનેતાની બાલ-હત્યાની નવી કોશિશને નશ્યત કરવા માટે. ખુદ બાળકને માટે શું ?

ત્રીજે દિવસે જેલરની ઑફિસમાં બૂમ લઈને ઓરતની બરાકમાં બુઢ્‌ઢી મેટ્રન આવી પહોંચી: “સાબ, પેલી જુવાન બામણી એના લડકાને ધવરાવતી નથી. ચોગાનમાં રઝળતું મૂકે છે. બોલાવતી નથી. તેડતી નથી. બાળક ચીસો પાડે છે તે તરફ પીઠ વાળીને બેઠી છે.”

– અને જેલર ઊપડે છે માથામાં ટોપો નાખી, હાથમાં લાકડી હિલોળી, રોષ કરતો ઓરતોની બરાકમાં.

“કેમ નથી ધવરાવતી ?”

“શા માટે ધવરાવું ? છ મહિના પછી જીવતું રાખીને ક્યાં લઈ જાઉં ? અહીં જ ભલે એનો અંત આવતો.”

“તારી સાથે તું જ્યાં જાય ત્યાં લઈ જજે.”

“મને તો મારાં રૂપરંગ છે ત્યાં સુધી કોઈક ને કોઈક સંઘરશે. આ સાથે હશે તો મને કોઈ નહિ ઊભી રહેવા આપે. એને પોતાના પાપ તરીકે કોઈ નહિ સ્વીકારે.”

“તું મજૂરી કરજે.”

“બામણી વિધવાને આ પાપના પોટા સાથે કોઈ મજૂરી કરવાયે નહિ છબવા આપે. વેશ્યાને ઘેર પણ જો જગ્યા માગીશ તો બાળકને બહાર ફગાવીને આવવાનું કહેશે. જેલર સા’બ ! અમે તો ઊંચા વરણનાં ઠર્યા.”

જેલર થીજી ગયો. એણે ટેલિફોન કર્યો શહેરના અનાથગૃહમાં. માએ પોતાના કલેજાનો એ જીવતો ટુકડો જુદો પાડીને અનાથગૃહે મોકલ્યો.