ઠગ/અજાણ્યો યુવક
ઠગ રમણલાલ દેસાઈ ૧૯૩૮ |
આ જંગલમાં મુકામ નાખ્યે લગભગ છ મહિના થઈ ગયા હતા. ઠગ લોકોના છેલ્લા ભયંકર અત્યાચાર પછી અમે અમારી છાવણી જંગલમાં જ રાખી; આથી તેમના કાર્યવ્યવહાર ઉપર અમે ભારે અંકુશ સ્થાપ્યો. પરિણામે આ છ માસમાં ઠગ લોકોનો જરા પણ ઉપદ્રવ જણાયો નહિ. ઊલટું કેટલાક એવા માણસોને અમે પકડ્યા કે જેમની પાસેથી ઠગ લોકો વિષે અમને ઘણી બાતમી મળી શકશે એવી અમને આશા ઊપજી.
હવે અમે લગભગ નિર્ભય થઈ ગયા હતા અને અમારા લશ્કરને અહીંથી ક્યારે બોલાવી લેશે તેની જ રાહ જોતા હતા. સ્થળ અને યોજના મારી મરજી અનુસાર પસંદ થયાં હતાં, એટલે આ નિર્ભય વાતાવરણ માટે હું જાતે જ મગરૂર હતો. મારા સૈનિકો વખતોવખત શિકારે જતા અને પાછા ફરતા. હું પણ છેવટના ભાગમાં થોડા સોબતીઓ લઈ શિકાર રમવા નીકળી પડતો.
ઈંગ્લૅન્ડમાં જન્મેલા ગોરાઓને હિંદુસ્તાનનો શિયાળો ઘણો જ પસંદ પડે છે. આજે સવારે ખાસ વધારે ઠંડી હતી; અને બીજું કાંઈ કામ ન હોવાથી નાસ્તા પછી શિકાર કરવા જવાનો મને વિચાર સ્કુર્યો. પાંચેક સમોવડિયાઓને મેં સાથે લીધા, અને હથિયારથી સજ્જ થઈ નજીકના ઝાડીવાળા ડુંગર તરફ અમે ઉતાવળે ચાલ્યા. ઠગ લોકોની શોધખોળમાં અમે આ પ્રદેશના સારા ભોમિયા થઈ ગયા હતા.
સૂર્ય મધ્યાકાશે પહોંચ્યો પણ આજ એકે શિકાર હાથ લાગ્યો નહિ. સાથે લીધેલો ખોરાક તો ખલાસ કર્યો, અને કાંઈ બાકી ન રહેવાથી અમે શરત બકી કે અમારામાંથી જે સહુથી પહેલો શિકાર કરી લાવે તેને ઠગ પકડવામાં મળતાં ઇનામ જેટલી રકમની મિજબાની બીજાઓએ આપવી.
ઝાડી વધારે ઘટ્ટ થતી ચાલી, અને સ્વાભાવિક રીતે અમે છૂટા પડી ઊંચાનીચા ટેકરાઓમાં જેમ ફાવ્યું તેમ ધૂમવા લાગ્યા. દૂરના એક ઊંચા ટેકરા ઉપર કોઈ જાનવરનો ફરતો આકાર મને જણાયો, એને પહેલા શિકારનું માન ખાટી જવા હું છુપાતો છુપાતો તે ટેકરા ઉપર ચડી ગયો. શિકારીની નજરમાં તેનો શિકાર ભાગ્યે જ છૂપી શકે છે; પરંતુ મારી કેળવાયેલી આંખને ચારે ખૂણે ફેરવવા છતાં મારો ધારેલો શિકાર મારા જોવામાં આવ્યો નહિ. હું ખૂબ રખડ્યો. સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. અંતે હું નિરાશ થઈ એક મોટા પથ્થરની ઓથે આડો પડ્યો. આખો દિવસ રખડવાથી થાક લાગ્યો હતો, અને પથ્થરને છાંયે સૂતાં શીળો પવન લાગ્યો અને મારી આંખો ઊંઘથી ઘેરાઈ.
હું કેટલો વખત ઊંધી ગયો હોઈશ તેની મને ખબર નથી. પરંતુ એ બહુ લાંબો વખત તો નહિ જ હોય; કારણ સૂર્ય આથમ્યા છતાં સંધ્યાનું અજવાળું પૂરતું હતું. ઓથારથી હું દબાયો હોઉં એવી ભયભીત વૃત્તિ સાથે હું જાગી ગયો, અને જોઉ છું તો પંદર હાથ છેટે આવેલી ઝાડીમાંથી બે અંગારા મારી સામે ચમકતા દીઠા. શિકારી આ અંગારાને ઝટ ઓળખી શકે છે. એક જ છલંગે મારો ઘાત કરે એટલે નજીક એક ભયંકર વાઘ મેં ઊભેલો જોયો.
મને સહજ કમકમી આવી. ઠગ લોકોને માત કરનાર સેનાપતિ પરદેશમાં એક વાઘના પંજામાંથી ક્ષણભરમાં મૃત્યુ પામશે અને તેનું શરીર કબરમાં દટાશે પણ નહિ એ ખ્યાલથી હું લાચાર બની ગયો. વાઘ મેં પૂરેપૂરો જોયો. વાઘે પોતાનું ભયંકર પુચ્છ હલાવ્યું; કૂદકો મારવા તૈયારી કરવા તે ભોંયસરખો લપાયો; અને હું લગભગ મારું ભાન ભૂલ્યો !
એકાએક બૂમ પડી : ‘રાજુલ, બસ !’ એ બૂમનો પડઘો વિરમ્યો નહિ એટલામાં તો ફાળ ભરવા તત્પર થયેલો વાઘ પેંતરા ફેરવી ઊભો. પાછો વળ્યો અને અદૃશ્ય થયો. જતાં જતાં તેના ઘર્ઘર થતા ઉચ્ચાર મેં સાંભળ્યા, અને એ ઝાડી પાસેથી જ એક યુવકને મેં મારા તરફ આવતો જોયો. દરમિયાન હું બેઠો થયો. યુવકે પાસે આવી સલામ કરી મને કહ્યું :
‘સાહેબ ! બીશો નહિ. એ તો મારો પાળેલો વાઘ હતો. શિકારની પાછળ આટલે દૂર ચાલી આવ્યા ?’
તેનો કંઠ મને ઘણો મીઠો લાગ્યો. અંગ્રેજો વાઘથી ગભરાય છે એમ તેને લાગવા દેવું મને દુરસ્ત ન લાગ્યું, એટલે મેં જણાવ્યું :
'સારું થયું કે તમારા વાઘને તમે પાછો બોલાવ્યો. આ છરો કાઢવાની તૈયારીમાં જ હું હતો. તમારો વાઘ બચી ગયો છે !’
વાઘને પાળનાર આ યુવકને મારી બડાઈ ખરી લાગી કે નહિ તે હું કહી શકતો નથી. પરંતુ તેણે સહજ હાસ્ય કર્યું અને તે મારી પાસે બેઠો. ચોવીસ-પચીસ વર્ષથી વધારે ઉંમર તેની લાગી નહિ. તેનું મુખ ઘણું જ સુંદર અને નાજુક હતું. તેની સ્વસ્થતા આકર્ષક હતી. જાણે પોતાના ઘરમાં કોઈ ઓળખીતા પાસે તે બેઠો હોય એવી સ્વસ્થતાથી તે બેઠો. હિંદવાસીઓ ગોરાઓ પાસે સામાન્યતઃ ગભરાતા બેસે છે એ હું જાણતો હતો, તેથી આ યુવકની સ્થિરતા મને ખરેખર આકર્ષક લાગી. છતાં હું શિકારની પાછળ આટલે દૂર આવ્યો હતો તે આ અજાણ્યા છોકરાએ કેમ જાણ્યું ? મેં તેને તે વિષે પૂછ્યું. તેણે સરળતાથી જવાબ વાળ્યો :
‘સાહેબ ! આપને હું બરાબર ઓળખું છું. કર્નલ સ્લિમાનસાહેબને કોણ ન ઓળખે ? ઠગ લોકોનો નાશ કરવા કંપની સરકારે આપને નીમ્યા છે. આખું હિંદુસ્તાન આપને ઓળખે છે અને હું ન ઓળખું ?'
આવી ભયંકર એકાન્ત જગામાં મારા નામ અને હોદ્દા સાથે મને પિછાનતો એક હિંદી મારી સામે બેઠો છે એ વિચાર મને કંપાવવા માટે બસ હતો. ઠગ લોકોનું મુખ્ય મથક આ પ્રદેશમાં જ હતું એમ હું જાણતો હતો. અને એટલા જ કારણે મારા લશ્કરની છાવણી આટલામાં નાખી હતી. શું મારી સામે કોઈ ઠગ બેઠો હતો ? વાઘના કરતાં પણ ભયંકર હાસ્ય હસતો ઠગ અને ગળે ફાંસી દેવા માટે છુપાયેલા રેશમના રૂમાલની મને કલ્પના ખડી થઈ. હું એકલો હતો, મારું હૃદય સહજ ધડક્યું.
હવે તો અંધારું થવા આવ્યું છે અને આપનો તંબુ અહીંથી ઘણો જ દૂર છે. અત્યારે આપનાથી જઈ શકાશે નહિ. રાત અહીં જ મારી સાથે ગાળો. હું આટલામાં જ રહું છું. પેલી ખીણ ઊતરશું એટલે તુરત મારું ઘર આવશે.' તેણે કહ્યું.
આ યુવકની ભયંકર સરળતાથી હું ગભરાયો. તેના વિષે થતી શંકા મને દૃઢ થઈ ગઈ, અને મેં અનેક બહાનાં કાઢવા માંડ્યા. મુસાફરોમાં વિશ્વાસ ઉપજાવી મધુરતાભર્યા આમંત્રણોને અંતે તેમનો ઘાત કરવા ઠગના આગેવાનોથી હું છેક અજાણ્યો નહોતો. પરંતુ અહીં હું અને પેલો યુવક બે એકલા જ હતા. મારા સાથીઓનો પત્તો નહોતો અને યુવક તો પોતાનું સ્થાન પાસે જ બતાવતો હતો. બહાનાં કાઢ્યા સિવાય બીજો માર્ગ મને દેખાયો નહિ. મારા સૈનિકો રાહ જોતા હશે ! મને રાત્રે નહિ દેખે તો તેઓ અનેક કલ્પનાઓ કરી બેસશે ! કદાચ ઠગના હાથમાં જ હું ફસાઈ પડ્યો હોઈશ એવા ભયમાં પણ તેઓ પડશે અને ધાંધળ કરી મૂકશે ! આવી આવી કેટલીક વાતો કહી તેના આમંત્રણમાંથી કેમ છુટાય તેની પેરવી મેં કરવા માંડી. મારાં બહાનાં સાંભળી યુવકના મુખ ઉપર સ્મિત તરી આવ્યું. તેણે કહ્યું :
‘સ્લિમાનસાહેબ ! હું રાતમાં જ આપને આપના મુકામ ઉપર લઈ જાત, પરંતુ મારાથી આજે અનેક કારણોને લીધે આવી શકાય એમ નથી. બીજો કોઈ ભોમિયો માણસ પણ નથી કે જેને આપની સાથે મોકલું. આપ એકલા જશો તો હિંસક પ્રાણીઓ અને જંગલી ભીલોના પંજામાંથી જીવતા જઈ શકશો કે કેમ એની મને ખાતરી નથી. આપને મારો પરિચય નથી એટલે મારે માટે પણ આપને શંકા આવતી હશે. પરંતુ હું મારી આ સમશેરના સોગન ખાઈને કહું છું આપનો વાળ પણ વાંકો નહિ થવા દઉં ! અને આવતી કાલ પ્રભાતમાં તો આપ આપના તંબુમાં પહોંચી ગયા હશો.'
આટલું બોલતાં બરોબર તેણે એક તાળી પાડી. એ તાળીના અવાજ સાથે ટેકરાઓને ઓથેથી ચાર માણસો અચાનક ફૂટી નીકળ્યા. એ ચારે જણા અમારી સામે અત્યંત અદબ વાળીને ઊભા. યુવકે તેમને આજ્ઞા કરી:
‘સાહેબને આપણા મઠમાં ઉતારો. તરત હું આવું છું. સાહેબને કશી વાતની અડચણ પડે નહિ. એ જોજો.'
મારે તો કાંઈ લાંબે જવાનું હવે રહ્યું નહિ. ચાર હથિયારબંધ ભયંકર માણસોની સાથે ગમે તેમ કરીને પણ મારે જવું જ રહ્યું. હું નિરાધાર સરખો ઊઠ્યો, અને હુમલો ઉઠાવવાની મને બિલકુલ ટેવ નહિ. છતાં પેલા યુવકની આજ્ઞા કચવાતે હૃદયે સ્વીકારી. પેલા માણસોએ મને રસ્તો બતાવવા માંડ્યો.
‘સાહેબ ! જરા પણ શંકા લાવશો નહિ. બેધડક મારા સ્થાન ઉપર જાઓ. બે ઘડીમાં હું આપને આવી મળીશ.' જતે જતે તે યુવકે કહ્યું.
અમે ચાલવા માંડ્યું. યુવક હજી પોતાને સ્થાને એકલો જ ઊભો હતો. તેનું આકર્ષક મુખ અને અત્યંત વિનયભરેલું વર્તન મારા સરખા પરદેશીને ચકિત કરી નાખવા માટે બસ હતાં.
એ કોણ હશે ?