ઠગ/અણધારી હાર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← મૂંઝવણ ઠગ
અણધારી હાર
રમણલાલ દેસાઈ
૧૯૩૮
આયેશા →
 
અણધારી હાર
 


મારા ચિત્તને બિલકુલ ચેન નહોતું. ખજાનો લૂંટાય જ કેમ ? મારે નીચું જોવા પ્રસંગ આવ્યો. ઠગ લોકોને નાબૂદ કરવાનું તો બાજુએ રહ્યું, પણ નાબૂદ કર્યાની જાહેરાત કરવા બરોબર ઊલટ અમારો જ ખજાનો તેમના હાથમાં ગયો ! જે બ્રિટિશ પ્રજાએ પેશ્વાઈનો અંત આણ્યો હતો, જેણે સિંધિયા-હોલ્કર નિઝામ વગેરેને પોતાના અંકુશમાં રાખ્યા હતા, જેણે ટીપુ સુલતાન જેવાને હણી તેનું રાજ્ય બીજાને બક્ષિસ કર્યું હતું, એવી પ્રજાનો હું પ્રતિનિધિ શું ઠગ જેવા મિસ્કીનોથી હારી બેસીશ ?

‘નહિ, નહિ !' હું લગભગ બોલી ઊઠ્યો. જાતિઅભિમાને મારા હૃદયને દૃઢ બનાવ્યું. જાતિઅભિમાને અમારી પ્રજા પાસે અનેક મહાન કાર્યો કરાવ્યાં છે. હરકત નહિ, હું પણ એ જ બ્રિટિશરોમાંનો એક છું. મારા બાહુમાં બળ છે અને હૈયામાં હિંમત છે. એવા લાખો ઠગ હશે તોપણ શું ? મોટાંમોટાં રાજ્યોને નમાવ્યાં તો આવા ચોરીછૂપીથી રહેનારા ઠગ લોકોની શી વિસાત ?

‘આમ જાતિઅભિમાનના પ્રફુલ્લ પ્રેરક વિચારોમાં મેં મારી નિરાશા દબાવી. વચ્ચે વચ્ચે પેલા ગૂઢ યુવકના વિચારો પણ આવતા હતા એ કહેવું જોઈએ. સંધ્યાકાળ થવા આવ્યો પરંતુ મોકલેલી ટુકડીઓમાંથી એક પણ પાછી ન આવી. મારી ખાતરી હતી કે પોતાનું કામ સાધ્યા વિના તેમનાથી પાછું અવાય જ નહિ.

અચાનક મારી છાવણીમાં ભયનું રણશિંગુ વાગ્યું. હું ચમક્યો. વળી શી આફત આવી હશે ? તંબુની બારી મેં ઉઘાડી અને જોઉ છું તો અંધકારમાં સમાતી મારી છાવણીમાં ચારે બાજુએથી ભડકા ઊઠી રહ્યા છે !

આગ લાગી શું ? હું બહાર દોડી આવ્યો. મારાં રહ્યાંસહ્યાં માણસોએ કોલાહલ મચાવ્યો, હથિયારથી સજ્જ થયેલા કેટલાક સૈનિકો મારું રક્ષણ કરવા મારી પાસે આવી ગયા, મને શક પડ્યો કે દુશ્મનો અહીં આટલામાં જ હશે અને આ ગભરાટનો લાભ લઈ અમારા ઉપર તૂટી પડ્યા હશે. એક બાજુએથી અગ્નિ અને બીજી બાજુએથી દુશ્મન, એમ બંને સામે યુદ્ધ કરવાનો ભયંકર પ્રસંગ અમારે માટે આવ્યો. માણસો પૂરતા હતા નહિ છતાં મેં હુકમ કર્યો :

‘આગ બુઝાવી નાખો. તંબુઓ તોડી પાડો અને જે અજાણ્યો માણસ લાગે તેને જીવતો જવા ન દેશો !’

હું આટલું કહી રહ્યો એટલામાં છાવણીની એક બાજુએથી માણસો ધસતાં હોય એવો આભાસ થયો. મારા સૈનિકોને મેં એકદમ તે બાજુએ દોડાવ્યા અને તત્કાળ મારા તંબુમાં જ અગ્નિનો એક મોટો ભડકો નીકળી આવ્યો. હું પાછો ફરી તંબુમાં પેઠો. મારી વહાલી ચીજો તંબુમાં પડેલી હતી, તે કાઢી લેવાની મને તીવ્ર લાલસા થઈ. અંદરથી જ્વાલાઓ બહાર આવતી દેખાવા લાગી છતાં એ લાલસાને હું રોકી શક્યો નહિ, અને હુકમ આપી હું તત્કાળ તંબુમાં દોડ્યો. તંબુમાં જતાં બરોબર મેં શું જોયું ?

મારા બેસવાના સ્થાન આગળ શાંતિથી પેલો યુવક ઊભો હતો. આશ્ચર્ય અને ક્રોધની લાગણી અચાનક મારા હૃદયમાં ઉદ્દભવી. શું મારી વ્યથાની મશ્કરી કરવા આમ હસતું મોં રાખી તે ઊભો હતો ?

‘શયતાન !’ હું એકદમ પુકારી ઊઠ્યો. 'શયતાન ! તારું હવે આવી બન્યું માનજે !’

‘ના જી, હજી આવી બનવાને વાર છે.' તેણે સ્વસ્થતાથી કહ્યું. ક્રોધના આવેશમાં હું થરથરી રહ્યો, અને મારે કહેવાનું હું કહી શક્યો નહિ. તે આગળ વધ્યો અને વધતે વધતે બોલ્યો :

‘આપ શયતાન કહો કે ફિરસ્તો ! પરંતુ આપ ભૂલી જાઓ છો, કે મેં પ્રથમથી જ આ છાવણી ઉઠાવવાની સૂચના આપને કરી હતી.'

'હરામખોર !’ હું આવેશમાં બોલ્યો, ‘તારી સૂચનાની મને જરૂર નથી. અમે અમારું ફોડી લેવા શક્તિમાન છીએ. અહીંથી ચાલ્યો જા નહિ તો-'

હું અટકી ગયો. મારી પાસે કાંઈ જ હથિયાર નહોતું.

‘હું ચાલ્યો જઈશ. પણ તે પહેલાં તમારે તંબુની બહાર જવું પડશે.' તેણે ઉદ્ધતાઈથી જવાબ આપ્યો.

'કાળા માણસોના હુકમ માનવા અમે સર્જાયા નથી. તેમના ઉપર તો હુકમ કરવાને જ અમે સર્જાયા છીએ !’ મારો આવેશ રોકાતો નહોતો.

તે હસી પડ્યો અને બોલ્યો : ‘રાવણને પણ એવું જ અભિમાન હતું ! હુકમ માનો અગર ન માનો, પણ જુઓ, આ અગ્નિ તમારી નજીક આવી પહોંચે છે. બહાર નીકળો, જલદી બહાર નીકળો -'

‘હું બળી જઈશ પણ બહાર નહિ જાઉં.' હું મમતે ચડ્યો. મમત ઘણી વખત સત્ય વસ્તુને સ્વીકારતાં અટકાવે છે.’

‘મારાં માણસો ક્યાં મરી ગયાં ?' મેં ફરી બૂમ મારી.

યુવકની આંખો સ્થિર થઈ, તેના મુખ ઉપરની રેખાઓ સખત થઈ. હાથ તલવારની મૂઠ તરફ વળ્યો. અને અગ્નિના પ્રકાશમાં બીજી જ્વાલા નીકળતી હોય તેમ તેની લાંબી ચમકતી શમશેર મ્યાનમાંથી બહાર આવી.

‘આપને હું મારા કેદી બનાવું છું. એકદમ તંબુની બહાર જાઓ. તંબુના પાછલા ભાગમાં બે ઘોડા છે. વિશ્વાસ રાખી એક ઘોડા ઉપર બેસી જાઓ અને બીજો ઘોડેસ્વાર જ્યાં લઈ જાય ત્યાં એકદમ જાઓ ! પાછું ફરી જોશો તો શિર તમારું નથી.’

આવો રુઆાબ મેં કોઈ પણ ક્રૂર રાજા કે નવાબમાં જોયો નથી. હું તાબે થવા તૈયારી કરતો હતો, પરંતુ ગોરા તરીકેનું મારું અભિમાન પાછું તરી આવ્યું અને હું ઊભો રહ્યો. મને ઊભેલો જોતાં તે વધારે સખત થયો, પરંતુ ખેંચેલી તલવાર તેણે મ્યાનમાં મૂકવા માંડી અને મને કહ્યું :

‘આપણે મિત્ર છીએ એ વાત ભૂલવાની નથી.’

હું જરા શરમાયો. અને તેના કહેવા પ્રમાણે તંબુની બહાર ગયો. ચારે પાસ, ભડભડ અગ્નિ લાગી રહ્યો હતો. તંબુના પાછલા ભાગમાં જતા યુવકના કહેવા પ્રમાણે બે સુંદર અશ્વો સજ્જ થયેલા મેં જોયા.

અશ્વની પાસે જ મેં ભગવાં વસ્ત્રધારી સાધુને ઊભેલો જોયો. આ જ સાધુના મઠમાં મને પેલો યુવક અમારા પરિચયના પ્રથમ દિવસે લઈ ગયો હતો, એનો જ હું મહેમાન હતો અને એણે મને ભોજન અપાવ્યું હતું. તેણે મને જોતાં જ બૂમ પાડી :

‘સાહેબ ! પધારો. આ ઘોડા ઉપર બેસી જાઓ. આ મુશ્કેલીમાંથી હું તમને સહીસલામત બહાર લઈ જઈશ.’

હું ઘોડા ઉપર બેસી ગયો. વૃદ્ધ સાધુ પણ એક જ છલંગે ઘોડેસ્વાર થયો, અને થનથનતા આ બંને અશ્વો આગળ વધ્યા. છાવણીના એક ખૂણામાંથી અમને માર્ગ મળ્યા અને બળતે હૃદયે બળતી છાવણી એમ ને એમ મૂકી હું બહાર આવ્યો. મેં ઘોડો થોભાવ્યો, મને શરમ આવી.

‘મારા માણસોનું શું થશે ? મેં મોટેથી પૂછ્યું.

‘ઈશ્વરને સોંપી દો !’ વૃદ્ધ સાધુએ કહ્યું. અને આપ પણ તેને જ યાદ કરી આગળ વધો ! અહીં વધારે રહેવું સલામતીભર્યું નથી.’

ઘોડાને એડી મારી, પણ તે એકાએક આગળ ન વધ્યો.

જોતામાં એક ટોળું અમારી આગળ આવી રસ્તો રોકી ઊભું. આગ, ઝપાઝપી અને બુમરાણની ગૂંચવણ વચ્ચે વૃદ્ધ સાધુએ પેગડા ઉપર ઊભા થઈ મારી ટોપી મારે માથેથી ખેંચી લીધી. અંધારું આ જગાએ વિશેષ હતું અને પાછળ બળતા તંબુઓનું અજવાળું કોઈને પણ ઝંખવી નાખે એવી સ્થિતિ ઊભી કરતું હતું.

‘દૂર હઠો ! અહીં કેમ ફાંફાં મારો છો ? તમારું સ્થાન તો લશ્કરીઓ સામે છે.' સાધુએ મોટેથી ત્રાડ પાડી.

ટોળું અટક્યું - સાધુને ટોળાનાં માણસો ઓળખતા લાગ્યાં.

‘જય નારાયણ !’ ટોળામાંથી એક અવાજ આવ્યો. ‘સાહેબ તંબુમાંથી નાસી ગયા લાગે છે. તેની ખોળમાં છીએ.'

‘અરે હા ! તે હમણાં જ છટકી ગયો. એને પકડતાં એની ટોપી મારા હાથમાં આવી, અને એ નાસી છૂટ્યો. અમે એની પાછળ જ છીએ. ચાલો, ખસી જાઓ વચમાંથી ! તમારે એની પાછળ પડવાની જરૂર નથી.' આટલું બોલી વૃદ્ધ સાધુએ મારી ટોપી ટોળા તરફ ફેંકી અને ઘોડાને એડી મારી તે આગળ વધ્યો, તેને જવાની જગા થઈ. હું ટટાર થયો અને તેની જોડે જોડે જ મેં પણ ઘોડાને આછા અંધકારમાં દોડાવી મૂક્યો.