ઠગ/ચમકાવતી સાબિતી
← મારા તંબુમાં | ઠગ ચમકાવતી સાબિતી રમણલાલ દેસાઈ ૧૯૩૮ |
મૂંઝવણ → |
‘જુઓ, તમે ઠગ છો એ વાત કબૂલ કરી બધી હકીકત મને જણાવશો તો તમને બચાવી લઈશ. અને... અને જાગીર અપાવવાની પણ સરકારને ભલામણ કરીશ.’ મેં લાલચ બતાવી.
‘શું મને ટોંકનો નવાબ બનાવશો ?’ રીસ ચડે એવા ઉચ્ચારે તેણે પૂછ્યું. પીંઢારાઓના એક સરદારને જાગીર આપી મેળવી લીધો હતો. એ વાત હજી તાજી જ હતી. મને રીસ ચડી છે એમ ખાતરી કર્યા પછી જાણે વધારે રીસ ચડાવવી હોય એમ તેણે મને પૂછ્યું :
‘અને હું નહિ કહું તો ?'
મને લાગ્યું કે મારે પૂરેપૂરું રૂપ બતાવવું પડશે. એકદમ મારી કમરેથી ચકચકતો છરો મેં ખેચી કાઢ્યો અને આંખ મીંચી ઊઘડે એટલામાં તો તેની ખુરશી પાસે ફાળ ભરી તેની છાતી સામો છરો ધરી હું ઊભો.
‘જો નહિ કહે તો આ મારો છરો બધી હકીકત કહેવડાવશે. ગોરા લોકો પાસે છિછલ્લાપણું કે છોકરવાદી ચાલશે નહિ. ફરજની વાતમાં અમારું કોઈ સગું કે મિત્ર છે જ નહિ !’
‘છરાનો ઉપયોગ આપને ફાવશે ? ગોરાઓ તો ગોળીબારે જીતે છે !' તેણે કહ્યું. તેના મુખ ઉપર સહજ પણ ફેરફારનાં ચિહ્ન જણાયાં નહિ. તેની નિર્ભયતા જોઈ હું ખરેખર ચકિત થઈ ગયો. છાતી સામે મૃત્યુ ચમકતું હતું છતાં એ યુવક ઉપર અસર ન થઈ એમાં તેની બહાદુરી આગળ તરી આવતી હતી કે તેની ફિલસૂફી ?
‘છરાનો ઉપયોગ કરવામાં હું પાછો નહિ પડું.' મેં જવાબ આપ્યો.
છાતી સામે છરો હોવા છતાં તેને કશી જ અસર કેમ ન થઈ એનો હું વિચાર કરું તે પહેલાં તો તેણે ચપળતાથી અને સહજ ગાંભીર્યથી મને કહ્યું: ‘આપની પાછળ સહજ જુઓ. મને મારતાં તમને શું થશે તેનો સહજ વિચાર કરો.'
મેં દૃષ્ટિ સ્વાભાવિક રીતે જરા પાછી ફેરવી, અને વીજળીની ઝડપ તથા વજ્ર્ના ભારનો મારા હાથને અનુભવ થયો. ખુરશી ઉપર બેઠે બેઠે પેલા યુવકે મારી પાછી પડેલી દૃષ્ટિનો લાભ લઈ મારા હાથને મજબૂત પકડ્યો. આટલું બળ આ છોકરામાં હશે એમ મેં ધાર્યું નહોતું. હાથને સખત ઝાટકો લાગતાં મારી પકડ હલકી થઈ ગઈ અને છરો નીચે પડ્યો.
છરો નીચે પડ્યો અને હું લેવા ગયો. પરંતુ તરત જ યુવકે મારો હાથ છોડી દીધો. મને હિંમત આવી. મેં ફરી ગંભીરતાથી કહ્યું : ‘મને છેતરીને મારો છરો તમે પડાવી નાખ્યો છે, પરંતુ તમે તંબુમાં છો એ યાદ રાખજો. મને પૂરી હકીકત જણાવ્યા વિના તમે અહીંથી સહીસલામત જઈ શકશો નહિ.’
‘હું કોઈને જ છેતરતો નથી !' તેણે કહ્યું. ‘એ કામ ગોરાલોકો વધારે સારી રીતે કરી શકતા લાગે છે.’
તેના મહેણાથી હું જરા શરમાયો. પરંતુ હજી તેને ડરાવવા મારું મન લલચાતું હતું. તેની સ્થિરતા મને ક્રુદ્ધ બનાવી રહી હતી. મેં આંખ કપરી કરી કહ્યું :
‘તમને ગોરા લોકો ન ગમતા હોય તો હું તત્કાળ તમને કાળા માણસોને સોંપી દઈશ.’
આથી ધમકીનો અર્થ પણ સરશે, અને બહાર મારા માણસો તૈયાર છે કે નહિ તેની ખાતરી પણ થશે, એવા વિચારે હું પાછો ફર્યો અને તંબુના દ્વાર તરફ જવા મેં એક ડગલું ભર્યું.
ડગલું ભરતાં જ એક ભયાનક વાઘ મારી પાછળ ઊભેલો મેં જોયો, અને હું ભયભીત થઈ ગયો. અલબત્ત મને યાદ આવ્યું કે ગઈ કાલે આવો જ એક વાઘ યુવકના કહેવાથી ચાલ્યો ગયેલો મેં જોયો હતો; છતાં હું એકાએક મારી ખુરશી ઉપર બેસી ગયો.
યુવક મારી આ ગભરાયલી સ્થિતિનો લાભ લેવા માગતો ન હોય તેમ મને કહેવા લાગ્યો :
‘સાહેબ ! આપ ઉતાવળા ન થાઓ. હું કોણ છું એ આપ વખત આવ્યે જાણી શકશો. દરમિયાન હું તમારો દુશ્મન નથી પરંતુ મિત્ર છું એમ ખાતરીથી માનીને ચાલજો.’
‘હું ઠગ લોકોને મારા મિત્ર તરીકે કેમ ગણી શકું?' મેં જવાબ આપ્યો.
‘હું ઠગ છું એવું તમે શા ઉપરથી કહો છો ?' તેણે પ્રશ્ન કર્યો.
‘ગઈ રાતનો ફાંસો હજી મારી પાસે કાયમ છે.' મેં જણાવ્યું.
‘ડાકુઓ અને ખૂનીઓ છરા રાખે છે અને છરાનો ઉપયોગ પણ કરે છે. આપે પણ તે વાપરવા આજે પ્રયત્ન કર્યો. હું શું તમને ખૂની કે ડાકુ તરીકે ઓળખાવી શકીશ ?' તેણે મને ગૂંચવણમાં નાખતો પ્રશ્ન કર્યો.
‘તો શું તમે ઠગ નથી ? મને ખાતરી આપશો ?' મેં પૂછ્યું. આવી ભયંકર શક્તિવાળો યુવક સરળતાથી મારો મિત્ર બને તો વધારે સારું લાગે એમાં નવાઈ નહોતી.
‘હું ઠગ છું કે નહિ તે નક્કી કરવાની આપને જરૂર નથી. હું આપનો મિત્ર છું એટલું ખાતરીથી માની રાખજો. હું આવ્યો છું તે આપને એક સલાહ આપવા આવ્યો છું.’
આટલું બોલી તેણે ચપટી વગાડી અને મારી પાછળ ધ્રુરકી રહેલો પેલો ભયંકર વાઘ અત્યંત ગરીબાઈથી આગળ આવી યુવકના પગ પાસે બેસી ગયો.
‘હું તો આવા મિત્રો રાખું છું.’ તેમણે હસતાં હસતાં કહ્યું. ‘વાઘ અને માણસની દોસ્તી અશક્ય માની શકાય. છતાં આ મારા રાજુલ જેવો નિમકહલાલ મિત્ર હજી મને મળ્યો નથી. આપની સાથેની દોસ્તી પણ આવા પ્રકારની અશક્ય લાગે એવી છતાં તે વફાદારીની જ રહેશે.'
નીચે બેઠેલા વનરાજ ઉપર પ્રેમથી હાથ ફેરવતા યુવકને જોઈ મને એક પ્રકારનું સાનંદાશ્રર્ય ઉત્પન્ન થયું. અલબત્ત, વાઘનો ભય છેક દૂ२ તો નહોતો જ થયો.
મેં પૂછ્યું : 'તમે શી સલાહ આપવા માગો છો ?’
‘આપે આપની છાવણી અહીંથી ઉઠાવવી પડશે.’ તેણે કહ્યું.
મને શક પડ્યો કે આ યુવક જાણી જોઈને મારી આ મજબૂત કરેલી જગામાંથી મને દૂર કરવા પ્રયત્ન કરે છે. મારા મનમાં ચાલતો વિચાર જાણે તે સમજી ગયો હોય તેમ તે બોલ્યો :
‘આપને શંકા પડે એ સ્વાભાવિક છે. પરંતુ અહીં રહ્યે આપ ઠગ લોકોને નાબૂદ નથી કરી શકવાના.’
'કારણ ?’ મેં પૂછ્યું. ‘અત્યારે તો મારા અહીં આવવાથી ઠગ લોકોનો ઉપદ્રવ નરમ પડ્યો છે.'
‘આપ શું એમ માનો છો કે ઠગ લોકો એક જ જગાએ રહે છે ? મારે આપને જણાવવું જોઈએ કે એવા ભ્રમમાં આપ કદી પણ રહેશો નહિ. ઠગબિરાદરી હિન્દુસ્તાનના કયા ભાગમાં વેરાયલી નથી એ કહેવું મુશ્કેલ છે. હું તો એટલે સુધી પણ કહીશ કે દેશમાં ગામેગામમાં ઠગ લોકો રહે છે. વળી આપની છાવણીમાંથી પણ હું ઠગ લોકોને બતાવી શકું એમ છું. કદાચ આપના અંગરક્ષકો જ ઠગ હોય તો ? અને આવતી કાલ આપ જાતે જ ઠગ લોકોના સહાયક નહિ બની જાઓ એની કોઈ ખાતરી ?’
તેનાં આા ગંભીર વચનો ચમકાવનારાં હતાં.
‘શું તમે મારે જ માટે શંકા લઈ શકો છો ?’ મેં પૂછ્યું. મને ખાસ પસંદ કરી ઠગ લોકો સામે યોજ્યો હતો. એટલે મારે માટે તેણે આવો શંકાશીલ અભિપ્રાય આપ્યો તે મને બિલકુલ ગમ્યો નહિ.
‘આપના કરતાં પણ વધારે મોટા માણસો ઉપર શંકા લઈ શકાય એમ છે.’ આપ કહેતાં કહેતાં તેણે પોતાના અંગરખાના ખિસ્સામાંથી કાંઈક ચમકતી ચીજ કાઢી પોતાની હથેલીમાં મૂકી મને બતાવી. ‘કહો સાહેબ ! આ ચીજને ઓળખી શકો છો ?’
નાના લીંબુ જેવડો અતિશય ચમકારા મારતો આ સુંદર ‘ચંદ્રિકા’ નામનો હીરો મેં તરત જ ઓળખ્યો અને હું બૂમ પાડી ઊઠ્યો :
‘અરે, નામદાર હાકેમસાહેબનાં પત્નીનો આ ચોરાયેલો હીરો તમારી પાસે ક્યાંથી ?’
‘હાકેમસાહેબનાં પત્ની પાસે આ હીરો કેમ આવ્યો તે જાણો છો ?’ તેણે મને પૂછ્યું.
મેં કહ્યું : ‘હા. હા, હું બરાબર જાણું છું. બેગમ સાહેબાએ તેમને તે ભેટ આપેલો.’
‘બેગમસાહેબાને શું હાકેમનાં પત્ની ઉપર એટલો બધો ઉમળકો આવી ગયો હતો કે આવા બેનમૂન હીરાની તેમને ભેટ કરવી પડી ?' તેણે ઝીણી આંખ કરી પ્રશ્ન પૂછ્યો.
હું આ પ્રશ્નનો મર્મ સમજી ગયો. બેગમ સાહેબાનો દીકરો ખરો નથી એવી બૂમ ઊઠતાં તપાસ થઈ, અને તેમના તથા તેમની વિરુદ્ધના એમ બંને પક્ષે અઢળક પૈસા વાપર્યા છતાં દીકરો ખરો નથી એમ સાબિત થવાનો પ્રસંગ આવ્યો ત્યારે યુક્તિ કરી બેગમ સાહેબાએ હાકેમનાં પત્નીને પોતાનાં મહેમાન તરીકે બોલાવ્યાં અને પોતાના દીકરાની ગાદી ચાલુ રહે એ માટે આ હીરો તેમને ભેટ આપવા જણાવ્યું.
હીરાની ચમકે તેમના હૃદયને એટલું આકર્ષ્યું કે ભેટ ન મળે ત્યાં સુધી આ કામમાં બેગમસાહેબની તરફેણમાં વચ્ચે ન પાડવાનો હાકેમનાં પત્નીએ નિશ્ચય કર્યો હતો. કમનસીબે જે દિવસે હીરો તેમને મળ્યો તે જ દિવસે બેગમસાહેબાનો દીકરો ખોટો સાબિત થઈ તેમનું રાજ્ય ખાલસા કરવાનો સરકારનો હુકમ આવી ગયો હતો. હીરો મળતાં સુધી કાંઈ કર્યું નહિ અને હીરો મળ્યો ત્યારે કાંઈ પણ કરી શકાય એમ રહ્યું નહિ; કારણ હુકમ બહાર પડી ચૂક્યો હતો.
આવી પરિસ્થિતિમાં હીરાની ભેટ પાછી વાળવી જોઈએ, અને પ્રામાણિકપણે તેવી તજવીજ કરવા હાકેમસાહેબનાં પત્નીએ પોતાના પ્રાઇવેટ સેક્રેટરીને આજ્ઞા પણ કરી દીધી. પ્રાઇવેટ સેક્રેટરીએ ઘણી સંભાળથી તે હીરાને ખજાનામાં સુરક્ષિત રીતે મૂક્યો. રાતમાં જ ખજાનાના ચોકીદારને ગળે ફાંસો દેવાઈ તેનું કોઈ ઠગે ખૂન કર્યું અને આ નામાંકિત ‘ચંદ્રિકા’ને કોઈ ચોરી ગયું.
આ બધી હકીકત જાણીતી હતી અને તે મેં એ યુવકને સંભળાવી. મને નવાઈ લાગી કે આ હીરો યુવક પાસે ક્યાંથી આવ્યો હશે ! અને તે નવાઈ મેં પ્રદર્શિત કરી.
‘તમને શું લાગે છે ?' તેણે પૂછ્યું. ‘મારી પાસે આ હીરો કેવી રીતે આવ્યો હશે ?'
‘તમે ઠગ છો એ બાબતની મારી ખાતરી વધારે દૃઢ થતી જાય છે.' મેં કહ્યું.
‘કદાચ હાકેમસાહેબનાં પત્ની અગર તેમના સેક્રેટરી જ ઠગ પુરવાર થાય તો ?' તેણે ભાર મૂકી જણાવ્યું અને હું આ સાંભળી આભો બન્યો.
‘તમે ઘણા જ ભયંકર છો !’ મારાથી બોલાઈ ગયું.