તરલા/તરલા અને ભૂજંગલાલ.

વિકિસ્રોતમાંથી
← લીલા અને તરલા તરલા
લીલા અને તરલા
ભોગીન્દ્ર દિવેટીયા
પાર્ટી. →


પ્રકરણ ૧૪ મું.
તરલા અને ભૂજંગલાલ.

ગોળ મેજ ઉપર ચાહના પ્યાલા મુકાયા અને ચંદા દાખલ થઈ. સામે બારણેથી વસન્તલાલ નિકળ્યો.

'તરલા બ્હેન ! અહીં તમને ટાઢ વાશે. તમારું સુવાનું બીજા ઓરડામાં રાખીશું?'  'ભાભી ! મ્હારી ફિકર ન કરશો. મ્હને તે ગમે ત્યાં અને ગમે ત્યારે ઉંધ આવે છે.'

એટલામાં વસન્તલાલ પાછળથી આવ્યો અને ચંદાને ખભે હાથ મૂકી બોલ્યો,

'શું છે?'

તરલા ભાઈભાભીના સામું જોઈ જ રહી. પોતે નાની હતી અને ભાઈભાભીની ચીઠી લઈ જતી. 'તરલા ! ત્હારી ભાભીને બોલાવ્ય!' 'તરલા બ્હેન ! એમને બોલાવોને!' એ સઘળી વાત સાંભરી આવી. ભાઈભાભીની રીસ ઉતરી છે કે કેમ તે સમજી શકી નહી, અને આટલી તાણ વેઠી મુંબઈ આવી તેનું ફળ થયું કે નહી તે જાણવા અધીરી થઈ ગઈ

ચંદાએ કાંક ભવાં ચઢાવી ઉત્તર આપ્યો,

'તરલા બહેનને બીજો ઓરડો આપવો છે ને હું જાતે જ એમાં વ્યવસ્થા કરીશ.'

'ચંદા! તું નકામી માથાકુટ ન કરીશ. એ તો હું કરીશ.'

ચંદાથી હસાઈ જવાયું ને બોલીઃ 'હં ! હું જાણું છું તમારી લુચ્ચાઈ! બ્હેન આગળ વહુનો વાંક કાઢવો હશે, ભાઈ સારા ને ભાભી જ ખરાબ. કેમ ખરું ને? અગર રામાને કહી પોતાને બહાર જવું એટલે રામો ન કરે તો ભાભીનો વાંક નિકળે એમ ને ?'

'હાશ ! સમાધાન થઈ ગયું લાગે છે. પરમેશ્વરનો ઉપકાર.'

આટલું થતાં જ તરલાના માં ઉપર આનંદ છવાયો. મુંબઈ આવ્યાનું સાર્થક થયું લાગ્યું. કુટુંબમાં આનંદ, હસાહસ, ગપાટા શરૂ થયા અને ક્ષમાની આપલેથી પતિ પત્નીનાં હૃદય વધારે સંયોજાયાં. મ્હારા ઉપર ઉદાર દીલ દર્શાવી ક્ષમા આપી વહાલ સાબીત કર્યું, મ્હારા હતા ને મ્હારા થયા, ગયા હતા ને આવ્યા એમ પતિ પત્નીને થતાં, બન્નેનાં મન વધારે જોડાયાં અને એ જોડનાર તરલા ઉપર બન્નેની પ્રીતિ વધી.

ચાહ પીવાઈ ગઈ ને આડી અવળી વાત ચાલતી હતી, ત્યાં એક ન્હાનો પણ મ્હોટો બનાવ બન્યો. સુરતની વાત નિકળતાં જ્ઞાતિના એક પ્રતિષ્ઠિત પુરૂષની વાત થઈ. એની છબી તરલાની પેટીમાં હતી, એ છબીનું આલબમ લેવા તરલા ઉઠી અને કોઈક આવ્યાની ઘંટડી વાગી.

'કોણ હશે?'

'ચંદા બ્હેન! મ્હને તેડવા આવ્યું હોય. પણ મને કાંઈ બહુ વાર થઈ થઈ નથી. બીજું કોઈ મળવા આવ્યું હોય. પણ અત્યારે કોણ આવે ?'

'લીલા! ત્હારે માટે કોઈ નહી હોય, એ તો ઓફીસનું કે જરૂરનું કામ લઈ કારકુન કે પટાવાળો આવ્યો હશે.' તરલા હાથમાં છબીઓનું આલ્બમ લઈ દાદર ચડતી હતી ત્યાં બારણું ઉઘડ્યું અને ભૂજંગલાલ ઉપર તરલાની નજર પડી. ભૂજંગલાલને જોતાં જ ભય અને આનંદની લાગણી તરલાના હૃદયમાં થઈ. ભૂજંગલાલ સામે જ ઉભો હતો. ગજવામાં કાંઈ ખોળતો હતે. તરલા અને ભૂજંગલાલની આંખ મળી. તરલા અને ભૂજંગલીલ બન્ને એકબીજાને બોલાવવા ઉત્સુક હતાં પણ બેમાંથી એક્કેને બોલવાની હિમત જ રહી નહી. એમની જીભ જ ઉપડી નહી. તરલા બોલવા જતી હતી ત્યાં ઉપરથી ભૂજંગલાલને વસન્તલાલે બૂમ પાડી. ભૂજંગલાલ ઉપર જતાં ખંચકાતો હતો. તરલા આલ્બમ લઈ એમને એમ નીચે ઉતરી અને ભૂજંગલાલ ઉપર ગયો. આવતી કાલે એક પ્રતિષ્ઠિત ગૃહસ્થના માનમાં પાર્ટી થવાની હતી તેનો વખત કહેવા આવ્યો હતો. એટલું કહી ચાલ્યો ગયો. અને તરલા ભૂજંગલાલ હજી ઉપર જ હશે એમ માની આલ્બમ મૂકી ઉપર આવી જુવે છે તો ભૂજંગલાલ ન મળે. વસન્તલાલથી બોલાયા વિના ન રહેવાયું. 'ભૂજંગલાલ તે કેવો માણસ! બે મીનીટ બેસવા કહ્યું તે પણ નહીં. કેવો શરમાળ !'

લીલા શરમાઈ. પોતે અહીં છે ને મુરબ્બીની વચ્ચે ભૂજંગલાલ ન આવે એ સ્વાભાવિક છે એમ લાગ્યું. 'એના આવવાનું કારણ પણ હું જ. ઘેર ગયા હશે ને મ્હને ઘરમાં ન દેખી મ્હારી શોધમાં જ અહીં આવ્યા હશે. પણ મને એકલી ન દેખી એમને એમ ચાલ્યા ગયા.' ભૂજંગલાલ પોતાને માટે જ બાનું કાઢી આવ્યો હતો એમ માની લીલા મલકાતી હતી. આવા નજીવા કારણ માટે ભૂજંગલાલ ન આવે એ વસન્તલાલ જાણતો હતો એટલે એ વિચારમાં પડયો હતો. તરલા વળી વધારે મુંજાઈ હતી. ભૂજંગલાલ એક મિનિટ આવ્યો શું ને ગયો છું. એની સાથે બોલ્યો જ નહી. છતાં બન્નેની આંખ મળી તે વખતે બને બોલવા ઈચ્છતાં હતાં. એ સઘળું સંભારી ભૂજંગલાલની આ વર્તણુંક એને વિચિત્ર લાગી.