લખાણ પર જાઓ

તરલા/લીલા અને તરલા

વિકિસ્રોતમાંથી
← નણંદ ભોજાઈ તરલા
લીલા અને તરલા
ભોગીન્દ્ર દિવેટીયા
તરલા અને ભૂજંગલાલ. →




પ્રકરણ ૧૩ મું.
લીલા અને તરલા.

તરલા ભાઈના પત્ર ઉપરથી નાની નણંદનું કામ સાધવા, ભાઈભાભીની આંટીઘૂંટી કહાડવા આવી હતી. કાંઈ મુંબાઈ જોવા અગર સંબંધીઓને મળવા આવી નહોતી. આવતાં વાર જ કપડાં પણ બદલ્યા પહેલાં, થાક પણ ન લેતાં ભાભીના હૃદયમાં શાન્તિ પ્રસારી ત્યારે જ એને પણ શાન્તિ મળી. આટલા જ માટે કોઈને તે દિવસે મળી નહોતી. વસન્તલાલ તરલા અને ચંદા એકલાં પડે, નિરાંતે ઉભરા કહાડે ને ઠંડા પડે એટલા માટે જાણી જોઈને જ બહાર ગયો હતો અને જમવાનું પણ બહાર રાખ્યું હતું, તરલાએ પોતાના કાર્યમાં પોતે સફળ થઈ કે તરત જ ભાઈને ચીઠી લખો ઘેર બોલાવ્યા. વસન્તલાલમાં ચંદા માટે ભાવ નહોતો એમ નહી. થતાં થઈ ગયું પણ હવે પસ્તાતો હતો. ચંદા જેવી પ્રેમાળ ગૃહિણીને અસંતોષનું કારણ અપાયું તે માટે પોતાની જાતને ધિક્કારતો હતો. ક્ષમા મળે, હૃદયમાં પાછું સ્થાન મળે તો એ રસ્તે કદી જાય નહીં એવી પ્રતિજ્ઞા કરી હતી અને સત્ય હતું. મનુષ્યને દરેક પળે સેતાન પજવે છે. લાલચથી દૂર રહેવામાં જેટલી મહત્તા નથી તેટલી મહત્તા લાલચો આવતાં ત્હેના સામા થવામાં અને તેથી પણ આકર્ષક લાલચમાં ફસાયા પછી મનોબળ દર્શાવી તેમાંથી છૂટવામાં છે. વસન્તલાલની આ સ્થિતિ હતી. આ સમયે મનુષ્યહૃદય સમજનારાં ક્ષમા આપે તો આત્મા વધારે પવિત્ર થાય છે. આમાં જ ક્ષમાનો ઉપયોગ અને હેતુ સમાયો છે. વસન્તલાલને એ ક્ષમા મળશે કે કેમ એ શંકા હતી; પરન્તુ તરલાના પ્રયાસે ક્ષમા મળી અને એક પતિત આત્માનો ઉદ્ધાર થયો. એક પતિપત્નીનું જોડું વધારે સ્નેહથી મજબૂત થયું. એક કુટુંબમાં ફરીને શાન્તિ-સ્નેહ પ્રગટયાં. જે કાર્ય છેડાછૂટકાની પદ્ધતિ ન કરી શકત, સ્વતંત્ર, સમાન હક ન કરી શકત તે કાર્ય પ્રેમ બદલ ક્ષમાએ કર્યું. ચંદા, તરલા ને વસન્તલાલ જમવા બેઠાં. ચંદાના મનમાં રીસ હતી પરંતુ આટલી વયે પણ જમતાં જમતાં આડી આંખે વસન્તલાલ તરફ જેવાતું હતું. વસન્તલાલ પણ ચંદા તરફ જોતો અને બન્નેનાં મોં મલકાતાં. ચતુર તરલા સમજતી અને પોતાનું દૂતીકાર્ય સફળ થયું માની સંતોષાતી.

જમી પરવાર્યા પછી બપોરના તરલા આવી છે જાણી લીલા બહેનને ત્યાં આવી. લીલાએ તરલાના સૌંદર્યની, તરલાની પ્રેમકક્ષાની વાત સાંભળી હતી. જૂના જમાનામાં ન્યાતજાતમાં મળ્યાં પણ હતાં. તરલા લીલાને જોતાં જ, એના નિર્દોષ સ્વભાવનો અનુભવ થતાં જ, એનું સૌંદર્ય જોતાં જ કાંક સ્ત્રીસ્વભાવની અદેખાઈ થઈ પણ બીજી જ પળે તે શાન્ત થઈ. પોતાની નાની બ્હેન હોય તેમ તરલા લીલાની સાથે વર્તવા લાગી અને આ બે જાણે ઘણાં વર્ષોથી પરિચયમાં હોય તેમ થઈ રહ્યું.

ચંદા કીકીને લેવા અંદર ગઈ અને બ્હેને ભાઈને કાનમાં કહ્યું, “ભાઈ, સૌ સારાં વાનાં થશે. અંદર જાવ તો.” વસન્તલાલ સમજ્યો અને ચંદાની પાછળ જ ઓરડામાં ગયો. તરલાની આસપાસ છોકરાં ફરી વળ્યાં હતાં. ફોઇનો સ્વભાવ જ મળતાવડો હતો અને તેમાં ફોઇના આવ્યા પછી મા અને બાપ સાથે બેઠાં હતાં, જમતાં જમતાં સ્હેજ હસ્યાં હતાં એટલે અણસમજુ પણ સમજુ બાળકો ફોઈને સ્નેહથી જોવા લાગ્યાં હતાં.

'લીલા ! પાર્ટી કયારે છે ?'

'આવતા અઠવાડીયામાં. ખરે, પાર્ટી મોટી અને સારી થશે, કારણ બંગલો વિશાળ છે. બંગલાના પ્રમાણમાં પાર્ટીની મજાહ રહે છે એ ત્હેને ખબર નથી. જોન્ર્ તે દિવસે પહેલાં પેલા તુલસીદાસના બંગલામાં ઠરાવ્યું હતું, પણ પછી જ્યારે હર્મીટમાં પાર્ટી થઈ ત્યારે જ લાગ્યું કે તુલસીદાસના બંગલામાં આવી મજા ન આવત.'

'તે હશે! મારે મન તો એવી પાર્ટીઓ સરખી જ છે. કોઈમાં વધારે કંટાળો આવે તો કઈમાં ઓછો એટલો જ ફેર.” ‘તરલા ! પાર્ટી-ક્લબમાં કંટાળો ! એ હોય જ કેમ? નવી નવી જાતનાં કપડાં-ઘરેણાં જોવાનાં મળે, કાંઈ કાંઈ તરેહનાં સ્ત્રીપુરુષોનો સહવાસ થાય, ઘરમાં એકની એક વસ્તુથી કંટાળો આવે. પાર્ટીમાં તો ઉડતો આનંદ પડે ને ત્હૈમાં તરલા ! ત્હારા જેવી તરલાને તો આનંદ જ પડવો જોઈએ.’

તરલાનાં આત્મવખાણ થતાં તરલા શરમાઈ અને બોલી,

'ના, ના, મ્હને તો પાર્ટી ગમતી જ નથી.'

'પણ તરલા, આ ફેરીની પાર્ટીમાં નહી આવે ?'

'મુંબઈમાં છું એટલે આવ્યા વિના નહી ચાલે.'

'ખરે, તરલા! ત્હારા વિના પાર્ટીની મજાહ જ નહી આવે.'

'ચાલ, એટલોએ સંતોષ. પણ મને આવવાનો આટલો આગ્રહ કરે છે તે કાંઈક અવનવું બનવાનું હશે.'

‘ત્હેં કેમ જાણ્યું? વાત સાચી છે.’

'લીલા ! મ્હેં પણ થોડી ઘણી દુનિયા જોઈ છે.'

લીલાને હસવું આવ્યું. તરલા હજી પરણી નથી એ વાત ખરી પરંતુ બીજી કન્યાઓની માફક વર ખોળવાનોને નથી. સુમનલાલ નક્કી છે–એની સાથે જ રહે છે તો પછી એણે શા અનુભવ મેળવ્યા હશે ? તરલાને પૂછું? એના અનુભવની વાત સાંભળવામાં આનંદ પડશે? હા, પહેલેથી વિવાહ કરી રાખ્યો છે એ એને ગમતો હશે કે કેમ ? એ વિષે ન્યાતમાં વાત થાય છે, પણ તરલાના મનમાં શું હશે ?

'લીલા ! તારી વાત હું જાણું છું. મારા ભાઈએ બધી વાત કરી છે. અને ભૂજંગલાલ આજ સવારે જ સ્ટેશન ઉપર મળ્યા હતા. ભૂજંગલાલને જોઈ ખુશ થઈ છું.’

ભૂજંગલાલનું નામ સાંભળતાં જ લીલાના ચહેરા ઉપર ભાવનો રંગ ફરી વળ્યો. ‘તરલા ! એ સ્ટેશન ઉપર આવ્યા હતા. વસન્તલાલે ત્હને શું કહ્યું?' 'અમસ્તા ગામગપાટા. ગઈ કાલે આખો દિવસ હું અને નંદા ગાડીમાં સાથે હતાં અને ભૂજંગલાલની જ વાત થઈ હતી. દીકરાને લાડ બહુ લડાવતાં લાગે છે. ભૂજંગલાલની વાતો સાંભળી મ્હને એમ જ થયું કે એ બહુ જ સારા અને મળતાવડા અને સોસાયટીમાં ગમે એવા હશે' અને ત્હેના જેવા ઉદાર મ્હેં કોઈ જોયા નથી.’ આ વખતે ભૂજંગલાલનો હસતો ચહેરો અને ગ્રાન્ટરોડના સ્ટેશન ઉપર અકસ્માત વખતે એકદમ આપેલા બસો રૂપીઆ નજર આગળ તરી આવ્યા, અને તરલાના હૃદયમાં ભૂજંગુલાલ માટે થયેલી લાગણી ત્હેના ચહેરા ઉપર ખુલે ખુલી દેખાઈ.

લીલા–-ભૂજંગલાલની સાથે પરણનારી લીલા, આમ પોતાના મ્હોં આગળ પોતાના ભવિષ્યના પતિનાં એક બીજી યુવાન કન્યા વખાણ કરે તે સહન કરી શકી નહીં. તરલાની સગાઈ થઈ હતી, લગ્ન નહોતું થયું એ વાત ખરી, પણ જ્ઞાતિના નિયમ પ્રમાણે સગાઈ તોડાય એમ નહોતું, છતાં તરલા ભૂજંગલાલને લઈ ગઈ એમ ક્ષણ વાર લીલાને લાગ્યું, અને આ શંકામાં તરલાના પછીના શબ્દે વધારો કર્યો.

'લીલા ! નંદા બ્હેને એમને ઘેર મને બોલાવી છે અને હું કાલે જવાની છું. વસન્તભાઈ આજ તો ભાભીની સાથે બહુ વાતોમાં પડયા લાગે છે. છો કરે ! સારું.’

આટલું બોલી તરલા ભત્રીજાને રમાડવા લાગી અને લીલા ઈર્ષા, ચિન્તા અને શ્ંકામાં ગોથાં ખાતી જ બેસી રહી.