તરલા/નણંદ ભોજાઈ

વિકિસ્રોતમાંથી
← સ્ટેશન ઉપર તરલા
નણંદ ભોજાઈ
ભોગીન્દ્ર દિવેટીયા
લીલા અને તરલા. →


પ્રકરણ ૧૨ મું.
નણંદ ભોજાઈ.

જ્યારે તરલા બંગલામાં દાખલ થઈ ત્યારે ચંદા પોતાના નાના છોકરાને બીજી ચોપડીનો પાઠ વંચાવતી હતી. હૃષ્ટપુષ્ટ, ગોરો, હસમુખો પણ મસ્તીખોર છોકરો હસતો રમતો પાઠ વાંચતો હતો, અને ચંદા લડાવતી, ધમકાવતી વંચાવતી હતી. ચંદા અત્યારે સ્વસ્થ હતી. 'નણંદ-તરલા આવે છે તે ભલે આવે. મ્હારે શું ? હું કઈ કરવાની નથી.' એમ એણે વસન્તલાલને ચોખ્ખે ચોખ્ખું જણાવ્યું હતું. આમ છતાં તરલા નાતજાત સોસાયટીમાં જાણીતી છે, એક ખુબસુરત, ભણેલી સ્ત્રી છે, લોકોમાં તેને માટે માન છે, મોટાની પુત્રી છે, અને સુમનલાલ જેવા અધિકારીની ભવિષ્યની પત્ની છે, એ ચંદા સારી રીતે સમજતી. 'આવે તો ભલે આવે' એમ ચંદા બોલી હતી પણ તે ઉપરનું જ. મનમાં તો એમજ થતું હતું કે–એમાં બિચારી તરલાનો શો વાંક ? મારા ઉપર તો એને અથાગ સ્નેહ છે. નણંદ ભોજાઈ કરતાં બે બ્હેનો જેવાં છીએ. એ બિચારી આટલે દૂરથી ચાલી ચલાવી આવી છે તો શા માટે આવકાર ન આપવો ? મ્હારી વાતમાં માથું ન મારે અને મને ધીરજ આપવા કે સલાહ આપવા ન આવે એટલે બસ. પ્રભુ ઉપર વિશ્વાસ રાખી બેસતાં અને સહન કરતાં તો મને આવડે છે, એમાં એ શું કહેતી હતી ?'

છોકરાને ભણાવતી હતી પણ વાંચવામાં શી ભૂલ કરે છે ? 'મોટા ભાઈ, આજે ગોકળ આઠમનો મેળો છે' એમ વાંચવાને બદલે 'મોટા ભાઈ, આજે ગોળઆઠમનો મેળો છે' એમ છોકરાએ વાંચ્યું, પણુ ચંદાને ત્હેનું ભાન નહોતું. ત્હેની નજર ઘડિયાળ તરફ હતી. ગાડી આવી હશે, લોકલમાં બેઠાં હશે, લોકલ આવી–હમણાં આવશે. આમ વિચારમાં હતી ત્યાં બારણું ઉઘડ્યું અને 'ભલે આવે એમાં મ્હારે શું ?' કહેનારી ચંદા તરલાને જોતાં જ ઉમંગભર ઉઠી અને સામી જઈ બોલી, 'તરલા ! તું આવી ?'

ભાભી ! ખરે, ત્હમને મળી આજ બહુ આનંદ થયો. કેટલે વખતે મળ્યાં ?'

રખેને તરલા અહીંની વાત જાણતી હોય–રખેને જાણી ગઈ હોય એમ બ્હીક રાખતી, પરાણે હસતી ચંદા બોલી, 'બ્હેન ! મ્હને પણ એમ જ થતું કે તરલા આવે તો સારું. બ્હેન! તરલા!'

તરલાના ચહેરા ઉપરથી જ ચંદા સમજી ગઈ કે એ બધું જાણે છે, અને ત્હેમાં જયારે તરલાએ કહ્યું કે- 'ચાલો ત્હમારા ઓરડામાં' ત્યારે તો ચંદાને જરાયે શક ન રહ્યો. વાત જ ન ઉપડે. તરલા પોતાના ભાઈનું ઉપરાણું જ લેશે એમ ચંદાને થયું.

તરલાની નજર બટુક ઉપર પડી, અને એકદમ બટુકને ઉપાડી બચ્ચીઓથી નવડાવી દીધો. નણંદ ભોજાઈ કોચમાં બેઠાં. તરલા ખુબસુરત, આનંદી, નિશ્ચિંત તરલાને જોતાં ચંદાને કાંઈક અદેખાઈ આવી અને બોલી,

'તરલા ! તું કેટલી સુખી અને આનંદી લાગે છે ?'

'હા, ભાભી ! છે તો એમ. અને જો આ કીકી આવી. કીકી મારા મનુ જેવડી લાગે છે. ભાભી, છોકરાં ક્યાં ગયાં ? મારે બધાં છોકરાં જોવાં છે.'

છોકરાનું નામ આવતાં ચંદાને છોકરાના પિતા સાંભર્યા અને એક ઉંડો નિશ્વાસ નાખ્યો. 'તરલા ! બધાં બતાવીશ. અત્યારે ને અત્યારે તો જતી નથી ને? નાની તો ઉંધે છે. જરાક ચાહ કૉફી તો પીઓ !'

નણંદ ભોજાઈ ઉઠયાં. બીજા ઓરડામાં નાની છોકરી ઘોડીયામાં ઉંધતી હતી તેને ઘોડીયામાં ને ઘોડીયામાં જ તરલાએ બચીઓ કરી. લુગડું બદલ્યું અને આગલા ખંડમાં આવી ચા પીવાની તૈયારી કરી. નોકર ચાહના પ્યાલા મૂકી ગયો ને નણંદ ભોજાઈ એકલાં પડયાં ને તરલાએ વાત ઉપાડી.

'ભાભી ! ભાઈએ મને બધી વાત કરી છે.'

તરલા આશ્વાસન આપશે, ભાઈનો વાંક કહાડશે અને રસ્તો બતાવશે એમ ચંદાને આશા હતી, પણ એમાંનું કાંઈ ન મળતાં ચંદા નિરાશ થઈ. તરલા ચંદાની અંદરની લાગણી સમજી અને બોલી,

'ભાભી ! હું મારા ભાઈનો બચાવ કરતી નથી તેમ જ ત્હમને ધીરજ આપવા ઈચ્છતી નથી. બન્ને થાય એમ નથી. પણ ખરેખર! ત્હમારી મનની સ્થિતિ સમજી મ્હને ત્હમારે માટે બહુ માન થાય છે.' આટલું કહેતાં તરલાની આંખમાં ઝળઝળીયાં આવ્યાં. ચંદાની પાસે ગઈ અને ત્હેને બહેનની માફક છાતી સાથે દબાવી. ચંદા જરા પણ સામી થઈ નહીં.

'તરલા ! આ દુનિયામાં મને કોઇ શાન્ત કરે એમ નથી. હવે મ્હારા સુખનો તો અંત જ આવ્યો.”

તરલાએ ભાભીનો હાથ પોતાના હાથમાં લીધે. સ્નેહથી પંપાળ્યો અને બોલીઃ 'ભાભી ! શું કરવું? આનો રસ્તો શો ?'

'રસ્તો ! રસ્તો કાંઈ જ નહી. ઘણીવાર થાય છે કે સાહેબ લોકો કે પારસીઓ માફક છૂટાછેડા કરવાનો રીવાજ હતો તો સારું, હું છૂટી થાત. પણ વળી થાય છે કે એ છૂટાછેડાના રીવાજથી ખરી શાંતિ મળે ખરી ? ખરી ખૂબી સહન કરી સંસાર સુધારવામાં છે કે આમ ન સહન કરી છેડાછુટકા કરવામાં છે તે સમજણ નથી પડતી. પણ તરલા ! મ્હારા સુખને તો છેડો જ છે. શું કરું છોકરાં છે, નહીં તો પીયર જઈ રહેત. આટલી ઉમરે છોકરાંને મૂકી ત્યાં રહું તે ખોટું કહેવાય. તરલા! હવે તે એમને જોઉં છું ને મ્હને કાંઈ કાંઈ થઈ જાય છે. છોકરાને મૂકી જવાતું નથી, અને એમને જોઈ પહેલાનો સ્નેહ સંભારી દુઃખી થાઉં છું.' 'ભાભી ! ભાઈએ મ્હને બધી વાત કરી છે. હવે તમારે જે કહેવું હોય તો કહે. જરાયે જરા કહો.'

તરલાના શબ્દમાં, તરલાની આંખોમાં, તરલાના ચહેરામાં એવી તીવશ, એવો સ્નેહ, એવી લાગણી હતી કે ચંદાને એમ જ થયું કે તરલા આવી તે સારું જ થયું. તરલા સામાન્ય સ્ત્રી નથી પણ શાન્તિદેવી છે.

'તરલા! સાંભળ. મારા વિવાહ થયો ત્યારે ત્હારો તો જન્મે નહીં અને હું બહુ નાની. આપણા રીતરીવાજ પ્રમાણે મ્હને ભણાવી ગણવી. મ્હને દુનિયાનો અનુભવ જ નહી. પતિવ્રતપણા માટે મ્હેં બહુ વાંચેલું, સાંભળેલું, પણ પુરૂષોએ પત્નીવ્રત રાખવું એ સંબંધી બહુ વાંચેલું નહી. હું તો એમજ સમજતી કે જેમ પત્નીએ પતિવ્રત રાખવું તેમ પુરૂષોએ પત્નીવ્રત રાખવાનું હશે. સરખેસરખી છોકરીઓ મળીયે ને કદી કઈ છોકરાની વાત નીકળે તો બધાં અમને લડતાં. વર સિવાય કોઈની વાત થાય જ નહીં. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ ફરતાં ફરતાં પરણ્યા પછી જોયું તો પુરુષ બીજી સ્ત્રીઓની ગમે તેવી વાત કરે ને કોઈ એમ ના કરવા કહે જ નહી, એક ઉપર બીજીની વાતો થાય. માંદી પડે ત્યાંથી બીજી ખોળાય, એ તો બધું ઠીક, પણ બીજી પરણેલી સ્ત્રીઓની પણ પોતે પરણેલા છતાં વાત કરે તે જાણે મહત્વની વાત જ નહી, અને કદાચ કોઈ સ્ત્રી અમથી જ પુરૂષો દેખતાં મોટેથી હસી હેય તો ત્હેની અથાગ નિંદા થાય. બ્હેન ! આપણે પતિવ્રત પાળીયે ને પુરૂષોએ પત્નીવ્રત ન પાળવું ? ખેર ! તરલા! જો મ્ંહે ત્હમારા ભાઈ શિવાય કોઈનાએ વિચાર કર્યા હોય તો મારા જીવના સમ, અને એમના મનમાં પાપ હશે તે હું જાણતી નહી. પરણેલા પુરુષો બીજી સ્ત્રીનો વિચાર કરતા હશે, કરે તો લોકનિન્દા નહી થતી હોય એનો મને વિચાર પણ નહી. એમને હું પરમ પવિત્ર માનતી. અમારાં જેવાં પવિત્ર–સ્નેહાળ દંપતી કોઇ જ નહિ હોય એમ માનતી. આવી માન્યતા હોય, સ્નેહ હોય, ત્યાં અણવિશ્વાસ છે. એક અપવિત્ર છે એ જાણતાં બીજાની શી સ્થિતિ થાય તે સમજી શકાય એમ નથી. મ્હારા શિવાય-મ્હારા બદલે બીજીને સ્થાન આપ્યું છે એ જાણતાં જ મ્મહારું હદય ચીરાઈ જાય–ગયું તરલા? આખું આભ તૂટી પડયું. હું મ્હારા પતિ માટે, પતિના સ્નેહ માટે, અભિમાન કરતી પણ જ્યારે તેમના જ ઉપર કોઈ બીજીને–ચાર બદામની મહેતીજીનો કાગળ આવ્યો–મ્હેં તે વાંચ્યો ત્યારે શું થયું હશે તે, બ્હેન ! ત્હારાથી સમજાય એમ નથી. તરલા ! આપણે પણ એ રસ્તો પકડીયે તો આપણા પતિને પણ એમ જ થાય. કેટલો વિશ્વાસ! કેવો વિશ્વાસ! પિંગળાના વિશ્વાસમાં ફસાયેલા ભર્તુહરીને તેની બેવફાઈ જાણીને ધા લાગ્યો હતો તેવો જ ઘા મને લાગ્યો છે.'

ચંદા બોલતાં બોલતાં ઉશ્કેરાઈ ગઈ હતી. આંખમાંથી ચોધાર આંસું ચાલતાં હતાં. સ્નેહ સંભારી સંભારી રોતી હતી.

'તરલા! હું મ્હારા પતિને બેવફા નહોતી માનતી. મારે કાને વાત આવી તો મ્હેં એકદમ માની નહીં–માની નહોતી. માણસ જાત છીયે, પાપથી ભરેલાં છીએ, કે પ્રસંગને લીધે મનોનિગ્રહ ન હોવાને લીધે ભૂલ કરી, તેમ એમણે કરી હશે, પરંતુ મારા ઉપરનો સ્નેહ તો કાયમ જ હશે. પણ જ્યારે કાગળથી જણાયું કે આવો છૂપો સંબંધ ઘણા દિવસનો છે ત્યારે તો મ્હારી હિમત ન રહી. સ્નેહીને દગો! એક નિર્દોષ, વિશ્વાસુ પત્નીના સ્નેહ ઉપર કાતર! તરલા ! આટલે વર્ષે, મ્હોટાં છોકરાંની નજરે મારી અને એમની શી આબરૂ?'

'ભાભી! ભાભી ! છાનાં રહો. હું તમારી સ્થિતિ સમજું છું, પણ મારે પણ કહેવું જોઈએ કે ભાઈ હવે બહુ પસ્તાય છે. એમના સામું જોવાનું નથી. મારો ભાઈ ઉંચેથી નીચે જોનારો નહી તે જ નીચેથી ઉચે જોઈ શકતા નથી. ભાભી ! જે કીકી-ગનુ વગર ભાઈને ગમે નહીં તે જ ભાઈ છોકરાંને જોઈ આંખમાં પાણી લાવે છે. તમારો ગુન્હેગાર છે, પત્નીના હૃદયને પોતે ચીરી નાખ્યું છે, એમ તે સમજે છે, અને ભાભી એની ભૂલ છે, ગંભીર દોષ છે, છતાં ત્હમને ચાહતો નથી એમ નહી. પેલો સ્નેહ નથી માત્ર પાપવાસના છે. એ વાસના ઉપર હવે એ જય મેળવશે–મેળયો છે. પતિતને પાવન કરવાનું સાધન સ્ત્રીઓ છે–પવિત્ર સ્ત્રીઓ છે. ભાભી, ત્હમારી પવિત્રતા, ત્હમારી પ્રીતિથી એ ત્હમારો છે ને ત્હમારો થશે. ત્હમે એને માફ આપશો કે કેમ ?

“હતાં તેવાં પાછાં વરવધુ અમે તે થઈ ગયાં.”

“એમ તમે થશો કે કેમ એ હજાર વાર પૂછે છે.'

ચંદા તરલાના સામું જ જોઈ રહી ને બોલી, 'તરલા ! એમને હવે થાય છે એ જાણું છું અને પાપ કરનારને અંતઃકરણનો ચાબુકનો માર ઓછો નથી. પણ ક્ષમા? એ ક્ષમા કેવી રીતે અપાય ? શું હું મારી જાતે બીજીની સાથેનો વ્યવહાર જોઈ રહું? તરલા! પતિના સ્નેહનો ત્હમને હજી પુરેપુરો અનુભવ નથી. લગ્ન પહેલાના સ્નેહનો અનુભવ છે પણ પતિ પત્નીના સ્નેહનો અનુભવ નથી. પતિ કે પત્નીથી પોતાની પ્રિય વસ્તુ બીજાની થાય તે ન જોવાય હો ! શું એને ભૂલી જશે? મ્હને પાછી હૃદયમાં રાખી શકશે? હવે જે પહેલાં સુખ હતું તે જ દુઃખ છે. શું પુરૂષો વાસ્તવિક રીતે સ્ત્રીને ચાહ્ય છે ખરા ? એ અમારા સ્નેહના ભૂખ્યા છે કે અમારા યૌવનના-રૂપના ? અમારું રૂપ, અમારું સૌદર્ય. અમારી શક્તિ ગયાં હોય તો ત્હેના જવાબદાર પુરૂષ જ છે. તેમ ન હોય તો પછી અમને છોડી બીજે શા માટે જાય ? પત્ની તરીકે, ગૃહિણી તરીકે એમનાં છોકરાંની માતા તરીકે મારામાં જે હતું તે મ્હેં એમને માટે વાપરી નાખ્યું. હવે જ્યારે મ્હારામાં કાંઈ રહ્યું નથી ત્યારે એ બીજી– તરલા ! એનો વિચાર જ આવતાં કંપારી છૂટે છે. અરે ! મ્હારા જ - ઘરમાં એમણે મ્હારી અનેકવાર ટીકા કરી હશે. તરલા ! ના. નહી બને! એમનો ઢોંગ છે, એ મને છેતરે છે. હવે એ મને ચાહ્ય છે ? ન બને. આ જ ગનુને ભણાવતાં પહેલાં મ્હને કેટલો આનંદ પડતો, અત્યારે એ જ ભારરૂપ લાગે છે. હું શા માટે ભણાવું? છોકરાં ન હત તો કેવું સારું! પશ્ચિમમાં સ્નેહનો તિરસ્કાર થાય છે. આમ જ એકબીજાનાં ખૂન થાય છે. ને થાય જ. લાગણીનું જોર એવું જ છે. હું આર્યદેશમાં ઉછરી છું. ખૂનામરકી અમારું કામ નહી. ક્ષમા ? તરલા ! તમે શા માટે આવ્યાં?'

'ભાભી! તમે અત્યારે ઉશ્કેરાઈ ગયાં છે, અને એને લીધે તમે ખરી વાત જોઈ શકતાં નથી.”

ચંદા ધીરી પડી, શાંત થઈ ને બોલી

'તરલા ! ત્યારે તું જ કહે મારે શું કરવું? મને તે કાંઈ જ રસ્તે જડતો નથી.’

'ભાભી! હું મારા વિચાર કરું છું. હા, એ મારો ભાઈ છે એટલે હું એનો સ્વભાવ જાણું છું. એ નબળા મનનો છે. એનામાં સ્વામા થવાની શક્તિ નથી. અને શું કરે છે ત્હેનું ત્હેને ભાન રહેતું ન હોવાથી પાછળથી પસ્તાય છે. એ શું કરે છે ત્હેનું ત્હેને ભાન જ નથી. પહેલાં જ એણે જ્યારે મને વાત કરી ત્યારે હું જ બરાબર સમજી નહતી. મને એટલું જ લાગ્યું કે તમારા બે વચ્ચે કાંઈ ખટપટ જાગી છે, ને હું ખરેખર દિલગીર થઈ. પણ જ્યારે મ્હારે ત્હમારી સાથે વાત થઈ––એક સ્ત્રી બીજી સ્ત્રીની સાથે વાત કરે ને હૃદય ખૂલ્લું થાય એમ થયું ત્યારે જ સમજી–તમને શું દુઃખ થાય છે તેની ખબર પડી. પણ ભાભી, એક વાત પૂછું ? તમે ભાઇને ચાહો છે ? શુદ્ધ સ્નેહથી ચાહો છે ? એક સ્નેહી પોતાના પ્રિયજનને ક્ષમા ન આપે? સ્નેહ ક્ષમા ન આપે તો પછી સ્નેહ શો ? ત્હમારો સ્નેહ નથી?

'ના, નથી.'

'ભાભી ! હું તમારાથી નાની છું પણ મને જુદો અનુભવ છે. ત્હમારા ઉપર સ્નેહ નથી એ હું માનતી નથી. સ્નેહ જુદી જ વાત છે. ભાઈએ ન કરવાનું કર્યું છે, તે બીજીને ચાહ્ય છે માટે નહીં પણ લાગણી કબજામાં ન રહેવાથી–મન ઉપર કાબુ ન રાખી શકવાથી. એવા અનેક દાખલા મળી આવશે કે જેમાં સ્ત્રી કિંવા પુરૂષનાં વર્તન નિંદાપાત્ર હોય છતાં એમનાં ગૃહજીવન સરળ-શાન્ત રીતે ચાલે છે. આ સ્થિતિ વખાણવા લાયક નથી. પણ ભાભી, સ્નેહ નથી એમ નહી. એ આડે જતા બળદીયાને આર મારી રસ્તે લાવો. ઘોડો આડે રસ્તે જાય એટલે કંટાળી છોડી દેવામાં બહાદુરાઈ-મ્હોટાઈ નથી. એને સામ, દામ, ભેદથી રસ્તે ચડાવવામાં જ મ્હોટાઇ છે-ખૂબી છે.'

‘પણ તરલા ! એ પેલીને ચાહ્ય છે!'

'ભાભી હું હવે મોટી થઈ, પણ મને મારું નાનપણ સાંભરે છે. 'નાની નણંદ' થઈ તમારી પાસે આવતી, ભાઈ તમારે માટે ગાંડા થતા, તમે જ્યાં જતાં ત્યાં પાછળ પાછળ ફરતા, વરઘોડામાં બાનાં કાઢી બૈરાં ભેગાં તમને જોવા આવતા, અનેક વાર 'તરલા! તારી ભાભીને આ ચીકી આપી આવ !' કહેતા તે બધું સાંભરે છે. રાતના છાનામાના ખાવાનું–ફુલ લાવતા તે હું ભૂલી ગઈ નથી. ભાભી તે જ ભાઈ એવા ને એવા આ મ્હારી ભાભીની પાછળ આટલે વર્ષ ગાંડા છે ને થશે. ભાભી ! રસ્તે જતાં કઈ કાંતો વાગે તેમ અચાનક આ કાંટો જ છે. એ કાંટો દૂર કરવો તમારા જ હાથમાં છે.'

'પણ તરલા! કદાચ એવો કાંટો આવે તો ?'

'આવે જ નહીં. તમારા જેવાં ચતુર ભાભીના રસ્તામાં કાંટો હોય જ નહિ.'

'તરલા ! મારી જગાએ તમને આવું થયું હોય તો?'

'ભાભી ! મ્હને અનુભવ નથી. શું કહું? ભૂતકાળ ભૂલી જાઉં ને માફી આપું.'

'ભૂલી ન જવાય તો પછી માફી આપી કે ન આપી તે સરખું જ છે. તરલા ! તું–તમે આવ્યાં તે સારું થયું છે ? આજ મને નિરાતે ઉંઘ આવશે. નાની નણંદે ફરીને ભાઈ આણી આપ્યા હો ! 'ત્હમે ને સુમન—

'ચુપ રહો ભાભી.'