તરલા/સ્ટેશન ઉપર

વિકિસ્રોતમાંથી
← ભૂજંગલાલ તરલા
સ્ટેશન ઉપર
ભોગીન્દ્ર દિવેટીયા
નણંદ ભોજાઈ. →


પ્રકરણ ૧૧ મું.
સ્ટેશન ઉપર.

નંદા ગુજરાત મેલમાં આવનાર હતી એટલે ત્હેને લેવા ભૂજંગલાલ સ્હવારના ગ્રાન્ટ રોડ સ્ટેશન ઉપર ગયો. પ્લેટફોર્મ ઉપર દાખલ થતાં જ ગાડીને કેટલી વાર છે એની તપાસ કરી, ઘડિયાળ જોઈ વખત હેવાથી પ્લેટફોર્મ્ ઉપર ફરવા લાગ્યો. ભૂજંગલાલ પોતાના સૌદર્યના, પોતાના પોશાકના, પોતાની મનકામનાના વિચાર કરતો, ફૂલાતો આમતેમ ફરતો હતો, ત્યાં સામેથી વસંતલાલ આવ્યો. એક બીજાને ઓળખતાં જ શેકહેન્ડ થઈ અને ભૂજંગલાલ બોલ્યો,

‘વસન્તલાલ ! અત્યારમાં ક્યાંથી ?'

'તરલા આવે છે તેને લેવા. તરલાને ઓળખે તો છે ને ?'

તરલાનું નામ કાને પડતાં જ ભૂજંગલાલ ચમક્યો. એણે તરલાને જોઈ હતી, તરલાની ખુબસુરતી વિશે સાંભળ્યું હતું. તરલા અત્યારે જ નજર આગળ ઉભી હોય એમ લાગ્યું, અને તરલ [૧] આંખે તરલાનું ગૌરવદન, સ્મીત હાસ્ય અને માંસલ શરીર નિહાળતાં ચિત્તવૃત્તિનો ખળભળાટ અનુભવવા લાગ્યો.

'હા ! ઘણું કરીને મ્હેં જોઈ છે ખરી.'

'તરલાને વખતે હમણાં નહી જોઈ હોય પણ એના ભવિષ્યના પતિ સુમનલાલને તો ઓળખતા જ હશો, એ તો જાણીતા છે.' 'હા, એમને ન ઓળખું એમ હોય ?'

મ્હોટા માણસને આપણે ઓળખીએ, એ ન ઓળખે તો એ મોટા માણસ. મનુષ્ય સ્વભાવ જ છે, અને ત્હેમાં પણ યુવાવસ્થાનો પ્રભાવ જ ઓર છે. પોતાની ભાવિ પત્ની, જેના સાથે આપણે લગ્નમાંથી બંધાવાના હોઈએ અગર તરત જ બંધાયા હાઈએ તેનાં સગાં, તેના ભાઈ, બહેન તરફ આપણે વધારે આકર્ષાઈએ છીએ. એમની સાથે વાત કરવામાં, એમની મશ્કરી સહવામાં આનંદ આવે છે, તે માત્ર અનુભવથી જ સમજાય એમ છે. વસન્તલાલ લીલાનો બનેવી એટલે ભૂજંગલાલને વસન્તલાલ સાથે પરિચય પાડવા, એની સોસાયટીમાં રહેવા ઉત્સુક્તા હતી અને આ પ્રસંગ મળ્યો.

'ભુજંગલાલ ! અરવિન્દને મળ્યા ?'

'હા, પણ એ તો વહેલા જતા રહ્યા.'

‘બહુ ભલો માણસ ! કેમ ખરું ને?'

'તે હશે, પણ તમને એમ નથી લાગતું કે મુંબઈના લોકોના મગજમાં જ સ્વતંત્રતાનો પવન ખરો. તમારા જેવા તો અપવાદ રૂપ જ હોય. બીજાને ઉપદેશ આપતા હોય તેમ જ બોલવાના, અમે જ બધું સમજીએ છીએ એવો ફાંતો તો ખરો.'

વસન્તલાલને હસવું આવ્યું ને બોલ્યો – 'તમે કહો છો તેમાં કાંઈક સત્ય હશે, પણ અરવિન્દના સબંધમાં તમે તદન ખોટા પડશો. અરવિન્દ બીચારો બહુ લાગણીવાળો છે, અને તેથી કોઈ વાર મુંજી થઈ જાય છે એ વાત ખરી; પણ જ્યારે આનંદમાં હોય છે, ત્યારે તે એની સાથેની વાતમાં ઓર જ મજાહ પડે છે. હમણાં કદાચ વધારે આનંદી કે ગમગીન લાગતો હશે, તેનું તો કારણ છે.'

તમારી સાળીનું માગું કર્યું છે માટે કે?’

'તે સંભવિત છે. લીલાને ઘણું સમયથી તે ચાહ્ય છે.'

' હુ ! ............ હું ધારતો હતો....' તમારી પ્રિય વસ્તુ બીજો લેવા આવે તો કેવી સંતાડી દો છો ? એ વસ્તુનો કોઈ હકદાર જાગે છે જાણી તમને કેવો આઘાત થાય છે? ભૂજંગલાલને એવો જ આઘાત થયો. પોતાના હાથમાંથી લીલા ઝુટાઈ જતી હોય–અત્યારે જ ગઈ હોય એમ લાગ્યું, અને એનો આનંદ ક્ષણવાર ઉડી ગયો. પરંતુ ભૂજંગલાલ પહોંચેલ, દુનિયાનો અનુભવી હતો એટલે ઠાવકું મોટું રાખી બોલ્યો,

'ચાલો ! ટ્રેઈન આવી.'

ટ્રેન આવી અને સ્ટેશન ઉપર ધમાલ ચાલી. મજુરની બુમાબુમ, તેડવા આવેલા પોતાના પ્રિયજનને બોલાવતા, બુમો પાડતા આમતેમ દોડવા લાગ્યા. ગાડી ઉપડી જશે ને હમે રહી જશું એ બીકે ઉતારૂઓને ગભરાટ રોજના મુસાફરને હસાવવા બસ હતા. ભૂજંગલાલ સેકન્ડ કલાસના ડબા પાસે આવ્યો અને પોતાની માતાને જઈ નંદા. ભૂજંગગલાલની માતા હતી એટલે જ ભૂજંગલાલ નંદા પ્રત્યે કાંક માન રાખતો; બાકી એની સાથે પરિચય પડ્યા પછી એના પ્રત્યે શુદ્ધ લાગણી કે મળવાની ઉત્સુકતા રહે એમ નહોતું. માતાપુત્ર એક બીજાના ગુણદોષ સમજતાં હતાં અને એ જ પ્રમાણે વર્તતાં હતાં.

માતાને ઉતારવા બારણું ઉઘાડે છે ત્યાં એક યુવાન, સુઅંદર્યયુક્ત કન્યા ઉતરી. ઉતરતાં પેલી કન્યાએ સામું જોયું, એ બન્નેની ક્ષણવાર આંખ મળી. પેલી કન્યાના નેત્ર મારફત હૃદયમાં ભૂજંગલાલની છબી પડી. પણ એ છબી કાચ ઉપર ઉઠી કે નહિ તે કહી શકાતું નથી. આ ચહેરો જોયો હોય-વખત છે તરલા જ હોય એમ ભૂજંગલાલને લાગ્યું પણ અત્યારે એનો વિચાર કરવાનો સમય નહોતો. જાજરમાન માતા હજી ડબ્બામાં હતી, એને એનો સામાન ઉતારવાનો હતો અને ગાડી બહુ વાર ઉભી રહે એમ નહોતું. નંદા પુત્રને જોતાં જ તૈયાર થઈ પાસે પડેલી પૈસાની થેલી હાથમાં લટકતી રાખી, રૂમાલ વડે મ્હોં લ્,ંઉય્ઓ અને સામાન ગણી લેવા મજુરને કહી નીચે ઉતરતાં પુત્રને કહ્યું, 'મારો તાર તો પહોંચ્યો હતો ને ભૂજંગ ?' ભૂજંગલાલ ડબ્બાની પાસે ઉભો રહી માતાની સાથે વાત કરતો સામાન ઉતરાવતો હતા ત્યાં પેલી કન્યા પાછી આવી. એને જોતાં જ નંદાએ ભૂજંગલાલની સાથે વાત કરવી પડતી મુકી.

'કેમ તમારા ભાઈ આવ્યા છે ને ?'

નંદાના આ પ્રશ્નની સાથે જ ભૂજંગલાલના મગજ ઉપર પડદો ફાટ્યો અને આ જ તરલા છે એવી ખાત્રી થઈ.

'વસન્તલાલ આવ્યા છે, અહિં જ છે. માફ કરજો, હેં ત્હમને ઓળખ્યાં નહિ. ઘણી વખત ઉપર જોયેલાં એટલે.' ભૂજંગલાલે કહ્યું.

તરલાએ સ્મિત હાસ્ય કર્યું.

'એમાં કાંઈ નહિ. મ્હેં તો ત્હમને તરત જ ઓળખ્યા હતા. ગાડીમાં તમારાં માજી સાથે તમારે વિશે અમારે બહુ બહુ વાત થઈ હતી. પણ ભાઈ કયાં?'

ગમે તે રીતે સ્ત્રીઓને ખુશ રાખવામાં હમેશાં તત્પર રહેતો ભૂજંગલાલ એકદમ પૅટફૉર્મ ઉપર દોડ્યો. ટોળામાંથી બહેનને ખોળતા વિસન્તલાલને પકડી ખેંચી લાવ્યો.

ભાઈ બ્હેન મળ્યાં. આ બન્નેને મળતાં જોઈ——એ બન્નેના મ્હોં ઉપર આનંદ છવાતાં જોઈ ભૂજંગલાલ ઉભો જ રહ્યો. પોતે માને તેડવા આવ્યો છે એ વાત જ વિસરી ગયો. જતાં જતાં તરલા નંદા પાસે આવી ને બોલી,

'નંદા બ્હેન! ગાડીમાં મ્હેં મારી વાત કહી કંટાળો આપ્યો છે, પણ માફ કરજો. તમને તમારો પુત્ર મળ્યો, મને મ્હારો ભાઈ મળ્યો.'

‘તરલા ! એમ ન બોલો. એમાં માફ શું કરવાનું છે? તમારા નાના ભાઈ માટે થાય એ સ્વાભાવિક છે, પણ શું કરીએ ? ભૂજંગ ! તરલાને એક છ વર્ષનો નાનો ભાઈ છે. નાનપણથી જ તરલાની સાથે રહે છે એટલે આ ફેરી મુકીને આવવું પડ્યું છે તે તેનો જીવ જાણે છે. પેટના છોકરા જેવું છે.' ઝાંપા આગળ ભીડ હતી અને મજુરો સામાન બહાર લઈ જતા હતા, એટલે બધા પ્લૅટફૉર્મ ઉપર જ ઉભા રહ્યા. ગાડી ઉપડી, પણ બીજી જ પળે બુમાબુમ થઈ રહી. લાલ વાવટા હાલવા લાગ્યા. સ્ટેશનના સત્તાધારીઓ દોડાદોડી કરી રહ્યા, અને લોકોમાં ગભરાટ ફેલાયો. કાંઈક અકસ્માત થયો હોય એમ લાગ્યું. શું થયું ? કોણ પડ્યું? કોણ ચગદાયું એ જાણવા સર્વ દોડવા લાગ્યાં. ઉભી રહેલી ટ્રેનમાંથી કે ડોકીયાં કાઢી જોવા લાગ્યાં. નંદા અને તરલાની છાતી ધબકવા લાગી. એમની નજર આગળ જ કોઈ ચગદાઈ ગયું હોય અને લોહી વહેતું હોય એમ એમને ભાસ્યું. ભૂજંગલાલ અને વસન્તલાલ તપાસ કરવા ગયા. સામેના પ્લૅટફૉર્મ ઉપરથી એક જણ ઉતરી આમ આવતો હતો ત્યાં એન્જીન તળે આવી ગયો અને તરત જ કપાઈ મુવો. ભૂજંગલાલે અને વસન્તલાલે આ ગરીબ નિર્ભાગી માણસને કચરાતાં, છુંદાતાં, તરફડતાં, ચીસ પાડતાં જોયો. લોહીની છોળ ઉડી, નાળીયેરના કકડા થાય એમ એની ખાપરીના કકડા થયા. બન્ને પાછા આવ્યા અને 'ખરેખર, છાતી ફાટ દેખાવ ! તરલા ! ત્હેં જોયું હત તો તો શું થાત!; એટલું બોલ્યા.

ભૂજંગલાલ ચૂપ થઈ ગયો. ગંભીર બન્યો એટલું એ જ. 'અને તરલા ! વધારે દુઃખની વાત તો એ છે કે એની સ્ત્રી ત્યાં જ હતી. પોતાના પતિને ચગદાતાં–ચગદાયેલ જોઈ એકદમ તૂટી પડી. એને - મડદાને ઉપાડતાં ત્રાયતોબા થઈ. કહે છે કે બિચારાને મોટું કુટુમ્બ છે. આખા કુટુમ્બમાં એ જ કમાનાર હતો. ગરીબ બિચારો !'

તરલાએ ભાઈના શબ્દો સાંભળ્યા કે તરત જ એ કુટુમ્બની દયા આવી. પોતાની જ એ સ્થિતિ હોય, પોતાનો પતિ ચગદાયો હોય અને પોતે-પોતાનાં છોકરાં નિરાધાર થઈ ગયાં હોય એમ એને લાગ્યું, ને ધડકતે હૃદયે બોલી,

'એ ગરીબનિરાધાર બાઈ અને છોકરીને આપણે કાંઈ મદદ ન આપી શકીયે ?' તરલાનું આ વાક્ય પૂરું થયું નહિ ત્યાં તો 'આવું છું' કહી ભૂજંગલાલ ગયો.

નંદા ઘેર જવાને ઉતાવળી થઈ હતી, પણ ભૂજંગલાલ આવે ત્યાં સુધી એને ઉભા રહેવું પડ્યું, અને વસન્તલાલની વાતોમાં જાણે રસ પડતા હોય એમ ડાફરીયાં મારતી હુંકારા ભણવા લાગી.

ભૂજંગલાલ આવ્યો, માને ચાલવા કહ્યું અને સહુથી આગળ થયો. ભૂજંગલાલ, નંદા, તરલા અને વસન્તલાલ પ્લૅટફૉર્મ બહાર નિકળવા ચાલ્યાં ત્યાં સામેથી સ્ટેશન માસ્તર ઉતાવળે આવ્યા અને ભૂજંગગલાલને સાહેબજી કરી પૂછયું –

'મારા ડેપ્યુટી સ્ટેશન માસ્તરના જણાવ્યા પ્રમાણે તમે બસો રૂપીઆ આપ્યા છે, એનું શું કરવું છે?'

આટલું સમજતા નથી એમ મનમાં તિરસ્કાર આણી ભૂગલાલ બોલ્યો, 'એ પેલી વિધવા અને છોકરાને માટે છે. એમાંથી એ બિચારાને અવલમંજલનું જે ખરચ થાય તે આપવું, બાકી વિધવાને મળે. એમાં પૂછવા જેવું શું છે ? કાંઈ તમને કે ડેપ્યુટીને આપ્યા નથી.'

વસન્તલાલ પાછળ હતો તે ભૂજંગલાલની વાત સાંભળી એકદમ આગળ આવ્યો ને બોલ્યો 'ભૂજંગાલ! બસો રૂપીઆ તમે આપ્યા ? તરલા ! કેવું દિલ ! કેવો ઉમદા માણસ ! માણસ તો આવા જ જોઈએ !'

બધાં પ્લૅટફૉર્મ બહાર નિકળ્યાં. નંદા અને ભૂજંગલાલ પોતાની ગાડીમાં બેસી ગયાં. લોકો ભૂજંગલાલની ગાડી પાસે ઉભા રહી 'આણે બસો રૂપીઆ આયા! એમનું ભલું થજો.' એમ બોલતા વિખરાયા. પોતાના શરીરનું–મનનું તરલાને જરાયે ભાન નહોતું. સ્ટેશન ઉપર બનેલો અકસ્માત, પેલા ગરીબ માણસનું મૃત્યુ, એના શરીરનો ત્રાસદાયક દેખાવ, એની પત્નીનું કલ્પાન્ત, ભૂજંગલાલનું ઉમદા વર્તન: આ બધું એની નજર આગળ તરી આવ્યું. ભય, ત્રાસ, દયા, સ્નેહ, માન એમ જુદી જુદી લાગણીઓ થઈ આવી. એની છાતી ધબકતી હતી, હોઠ ફફડતા હતા અને આંખમાં આસું આવું આવું થઈ રહ્યાં હતાં. ભાઈ બ્હેન સામેના પ્લેટફોર્મ ઉપર જઈ દાદર જવા લોકલમાં બેઠાં.

'તરલા ! શું છે? આમ ગભરાઇ કેમ ગઈ છે?'

'ભાઈ ! હું આવી તે જ દિવસે સ્ટેશન ઉપર જ આ બનાવ બન્યો. મ્હને તો વહેમ આવે છે. શું થશે ?'

'નોનસેન્સ. એવા વહેમ શા ? એમાં શું થાય છે ? આજ તારી સાથે ગાડીમાં જેટલા લોકો આવ્યા તે બધા મરી જશે કે ? ગાંડી, ચાલ, મનમાંથી એ વાત જ કાઢી નાખ. મુંબાઈ જેવા શહેરમાં એવા હજારો માણસો શેઠીયાની મોટર તળે ચગદાઈ જાય છે, એમને ને જરાયે થતું નથી. ગરીબ માણસો તો શેઠીયાની ગાડી તળે ચગદાય જ. એ તો એમ જ, એમ તેઓ માને છે. તારા ઉપર તો મ્હેં બહુ બહુ આશા બાંધી છે.'

'ભાઈ ! ભૂજંગલાલને તમારે જુનું ઓળખાણ છે?'

'હા, ભૂજંગલાલ લીલાને પરણશે એમ લાગે છે.'

'એમ ! લીલાને !' લીલાનું નામ લેતાં તરલાના હૃદયમાં કાંક થયું. પણ શું થયું, શાથી થયું તે સમજી નહિ. લીલા ભૂજંગલાલને યોગ્ય નથી એટલું તો થયું જ, પણ હૃદયની વ્યથા દૂર કરવા, આ વિચારો મનમાંથી કાઢી નાખવા તરલાએ યત્ન કર્યો અને બીજી જ વાત કહાડી.

'ભાઈ ! તારું શું છે? તારો કાગળ આવ્યો ને તરત જ હું આવી.'

'તરલા! મ્હેં તને લખ્યું હતું તેમ મ્હારી સઘળી આશા તારામાં છે.'

'પહેલાં મને અથથી તે ઈતિ કહે.'

વસન્તલાલે પોતાના ઘરનો ઇતિહાસ કહ્યો. બ્હેને ભાઈને ધીરજ આપી. દાદરનું સ્ટેશન આવતાં ઉતયાંં અને ઘરમાં દાખલ થયાં. વસન્તલાલ ઑફીસનો સમય થવા આવેલ હોવાથી પરવારી મુંબાઈ જવાની તૈયારી કરવા લાગ્યો.

-- . ....

  1. ૧ ચંચળ.