તરલા/ભૂજંગલાલ

વિકિસ્રોતમાંથી
← બે હરીફ તરલા
ભૂજંગલાલ
ભોગીન્દ્ર દિવેટીયા
સ્ટેશન ઉપર. →




પ્રકરણ ૧૦ મું.
ભૂજંગલાલ

ભૂજંગલાલે ગૃહજીવનનો બીલકુલ્ અનુભવ લીધો નહોતો. એમના મનથી તો ઘર એ એક જાતની બેડી હતી. મરજીમાં આવે ત્યારે અને ફાવે ત્યાં ફરવું, એ જ ઉચ્ચ જીવન માનતો. અને દુર્ભાગ્યે સંયોગો પણ એવા જ મળ્યા હતા. ભૂજંગલાલની માતા નંદા યુવાવસ્થામાં અત્તરભરી રહેતી, એક એક કીમતી સાળુ રોજ બદલતી, રસ્તામાં જતાં ઉંચા અત્તરથી ચોગરદમ સુગંધ ફેલાવતી, અને અનેક ભમરા એ સુગંધથી આકર્ષાઈ ફરતા. ભૂજંગલાલનો જન્મ થતાં જ પતિ ગુજરી ગયા અને અઢળક પૈસાનાં નંદા શેઠાણી સ્વતંત્ર માલીક થયાં. વૈધવ્યનાં ચાર વર્ષ શોક પાળ્યો-ખૂણે પાળ્યો, કાળો પોશાક અને સાત્વિક ખોરાક રાખ્યો. સમય જતાં પુત્રને ઉછેરવા, પુત્રમાં પતિનો આત્મા માનવા ચાર સહીયરો–પાડપાડોશીઓએ કહ્યું. ખરતાં આંસુ અને ધડકતે હૃદયે નંદાએ શોક મૂક્યો અને કમાનરૂપ મન બીજે છેડે જઈ બેઠું. બહાર ફરવા હરવા લાગ્યાં. પૈસાને લીધે બા, બા થવા લાગ્યાં, ખુશામત પ્રિય થઈ પડી. મંદિર, દેવદર્શન અને લગ્ન, પાર્ટીમાં ધીરે ધીરે જવા માંડયું.

સોસાયટીમાંથી નિમંત્રણ આવવા લાગ્યાં, આગૃહ થવા લાગ્યો અને નંદા હવે નિશ્ચિત ફરવા હરવા લાગ્યાં. વૈધવ્યનો પણ ફેશનેબલ ડ્રેસ પહેરવા માંડયો. સોનાની નાજુક બંગડી, કાળો કિવા સાવ સફેત સાલ્લો, ઉંચી ફલાલીનની ચોળી, તે ઉપર દોઢસો રૂપીઆની શાલ, પગમાં કાળા મુખમલના બૂટ, હાથમાં પૈસાની મખમલની બેગ એ નંદાનો વૈધવ્યનો પોશાક હતા. ભૂજંગલાલને માટે અનેક સારા ખોટા પુરૂષને મળતાં, પૈસાના મદમાં ગમે તેમ બોલતાં અને સધવા વૈધવ્ય બોગવતાં હોય તેમ જનસમાજને લાગતું. ભૂજંગલાલને કેળવવા માસ્તરો રાખ્યા હતા. નિશાળે જતા ભાઈને પાણી પાવા,  ખાવાનું ખવડાવવા એક માણસ નિરંતર પાસે રહેતો. એ જાતે ગરાસીયો હતો, યુવાન હતો, સહેલાણું હતો. ગાડીમાં જતાં જતાં, નિશાળે બે વાગ્યે છૂટીમાં, સાંજના ઘેર આવતાં ગાડી જુદે જુદે રસ્તે હંકાવતો અને ભૂજંગલાલને મુંબઈનો અનુભવ આપતો. ભૂજંગલાલનો પિતા નહોતો, પણ મુંબઈમાં ભણેલા તેમજ અભણ હજારો શેઠીયા પૈસાદાર છે, જેઓ છોકરાં બગડી ન જાય માટે માણસે રાખે છે, ગાડી કિંવા મોટરમાં નિશાળે મૂકવા મોકલે છે. તે જે માણસે રાખે છે એ જવાબદારી પણ ન સમજે તેવા, હલકા, ઓછા પગારના માણસો રાખતા હોવાથી, આટલી દેખીતી કાળજી છતાં બીચારાં છોકરાંનાં જીવતર બરબાદ જાય છે. ત્હેમના હૃદયમાં અનીતિનાં બીજ વવાય છે. ભૂજંગલાલનું પણ એમ જ થયું. મૂળ માતાના સંસ્કાર પડેલા તેમાં સ્વતંત્ર જીવન અને હલકી સંગત પછી પૂછવું શું ?

ભૂજંગલાલ જેમ તેમ કરતાં કોલેજ સુધી પહોંચ્યો. સોસાઈટીમાં ખપાવું હોય, એના લાભ લેવા હોય તેટલા માટે પણ હાલમાં કોલેજના શિક્ષણની જરૂર છે, અને ભૂજંગલાલે તે શિક્ષણ લીધું હતું. ખાનદાન કુટુંબ, જાગીરદાર એટલે 'કેડેટકોર' માં દાખલ થયો હતો, અને જરૂર પડે લશ્કરી નોકરીમાં સરકાર તરફથી હાજર રહેવા ફરમાન આવતું. સુરતમાં જાગીર સંભાળવી એમને પસંદ નહોતું, મુંબાઈનો મોહ હતો. કોલેજ જીવનમાં મોહમયી મુંબાઈએ જાળ પાથરી હતી એટલે મુંબાઈ–મુંબાઇનાં સ્વપ્નમાં આવતાં હતાં. આખરે માતાને સમજાવી મુંબઈ આવ્યો! ક્યાં સુરત અને કયાં મુંબાઈ ! ભૂજંગલાલને મુંબઈ-અલબેલી મુંબાઈ, ઇંદ્રપુરી કરતાં પણ સરસ લાગે એમાં શી નવાઈ! નહિ, નહિ, પણ થોડીએ લાજ કાઢતી, આવું ઓઢતી, મર્યાદા રાખતી, પુરૂષ વર્ગ સાથે ન બોલાય એમ માનતા સુરતની સ્ત્રીઓ ક્યાં અને સોસાઈટીમાં, પાર્ટીમાં, મોટર, ગાડી, બેન્ડસ્ટેન્ડ કે ચોપાટી ઉપર વિના સંકોચે હરતી ફરતી, 'અપ ટુ ડેટ' ફેશનનાં કપડાં પહેરતી, ગમે તેની સાથે નિડરતાથી વાત કરતી મુંબાઈની સુંદરીઓ ક્યાં? મુંબાઈ આવતાં જ એ સુપ્રસિદ્ધ ક્લબ, સંસ્થાઓનો મેમ્બર થયો. એ મેમ્બર થતાં જ આમંત્રણપત્રો આવવા મંડ્યા, અને મહિના માસમાં અનેક લલનાઓના પ્રસંગમાં આવ્યો. પોતે બુદ્ધિશાળી, શરીરે સૌંદર્યવાન, કપડામાં ઠીકઠાક અને બોલવામાં, સભ્યતામાં ચતુર એટલે ભૂજંગલાલ સર્વેમાં પ્રિય થઈ પડ્યો. ભૂજંગલાલ વિનાની પાર્ટી સુષ્ક, નિરસ લાગતી. સુરત, રડતી સુરત જ લાગ્યું, અને મોહમયી મુંબાઈ અલબેલી મુંબાઈ જ લાગી. ભૂજંગલાલે આવતાંની સાથે જ નિમિત્ત કહાડી જ્ઞાતિનું સંમિલન કર્યું અને તે દ્વારા સ્વજ્ઞાતિમાં જાણીતો થયો. મુંવાઈમાં પોતાની જ્ઞાતિનાં કોણ કોણ છે તેથી વાકેફ થયો અને તે જ દિવસે લીલા નજરે પડી. ક્લબમાં અને ઘણી વાર લીલાને ત્યાં જ ભૂજગલાલ લીલાને મળતો. અંતે દિવસ જતાં લીલાનું હૃદય ભૂજંગલાલ તરફ આકર્ષાયું. અરવિન્દ ચાલ્યો ગયો હતો. બીજી વાર અરવિન્દ ખોળતો આવશે એવો ખ્યાલ પણ નહોતો. ભૂજંગલાલ ન્યાતીલો હતો, કુવારો હતો, પૈસાદાર હતો, સર્વ રીતે મનને રૂચીકર હતો, તો પછી લીલા જેવી આકર્ષાય એમાં આશ્ચર્ય શું ? એ આકર્ષણ સ્નેહમાં બદલાય, સ્નેહનું રૂપ લે એ અસંભવિત નથી. પરન્તુ ભૂજંગલાલનું કેમ ? ભૂજંગલાલ બાલ્યાવસ્થાથી જ સ્વતંત્ર રીતે ઉછર્યો હતો ઘરમાં પણ માતાને સ્વતંત્ર જોઈ હતી. પતિપત્ની એક બીજાના અંકુશમાં હોય છે અને એ અંકુશની છાપ નિર્દોષ દેખાતા બાળકના ઉપર જાણે અજાણે પડે છે. નંદાના સંબંધમાં એમ નહોતું. ભૂજંગલાલને પણ અંકુશ જોઈતું નહોતું. બંધન વિના જ મનમાન્યો આનંદ કરવો એ જ જીવનને હેતુ હતો. દુનિયા આગળ વધતી જાય છે. સુધરેલા મલકમાં છેડાછુટકા વધતા જાય છે. નજીવા લાગતાં કારણથી પતિ પત્નીનો સંબંધ તૂટે છે, કેવળ અજ્ઞાનમાં જુમતા દેશોમાં લગ્ન એ મરણ પર્ય્ંતનું બંધન છે. જો એ બંધન રાખવું હતું તો પશુ પ્રાણીમાં એ બંધન પરમેશ્વરે કેમ ઉત્પન્ન કર્યું નથી ? તે પછી મનુષ્યને એ બંધન શા માટે જાઇએ? જેમ માણસો સુધરતા જશે, એમની સ્વતંત્ર બુદ્ધિ ખીલશે, તેમ તેમ લગ્નબંધન ઓછાં થશે, અને થવાં જ જોઈએ એમ ભૂજંગલાલ માનતો. લીલાની સાથે લગ્નથી બંધાવું એ એનો જરા વિચાર નહોતો. એક બાલક એક રમકડા સાથે રમતું હોય ને ત્યાં બીજું રમકડું જુવે, પેલું નાખી દે ને બીજું લે, ત્રીજું આવતાં બીજું નાખી દે અને પેલા કે બીજા માટે જરાયે દિલગીર ન થાય, તેમ ભૂજંગલાલનું હતું. ઘડીભર મોજ-વાર્તાવિનોદ કરવાનું સાધન સ્ત્રી શિવાય બીજું શું હોય ? એટલું જ માની ક્લબમાં અથવા બીજે સ્થળે યુવતીઓ સાથે હાસ્ય વિનોદ તે કરતો. જો કોઈએ એને એમ કહ્યું હતું કે 'પરણવાનો વિચાર છે માટે લગ્નદિવસ નક્કી કરો, એ ન પૂછવાથી લીલા દીલગીર થાય છે' તો ભૂજંગલાલ માનત નહી. લગ્ન પહેલાં જે આનંદ હોય છે, જે હોંશ, ઉમંગ, સુખનાં સ્વનાં હોય છે તે આનંદ-તે હોંશ–ઉમંગ-સુખનાં સ્વપ્નાં પછી નહી રહે એમ એને શંકા હતી, અને તેટલા જ માટે માટે એ આશા નિરાશ ન થાય એમ ઈચ્છતો. આટલા જ માટે લગ્નનું નામ આવતાં ચમકતો. ભૂજંગલાલને મન લગ્નવાળી પરણેલી જીંદગી કેદખાનું હતું– હાસ્યજનક હતી.

લીલાની માતા ને લીલા તે એમ જ સમજ્યાં હતાં કે ભૂજંગલાલ લગ્નની વાત છેડશે, પણ તેમાંનું કાંઈ જ થયું નહી, અને માતા ને પુત્રી કાંઈક નિરાશ થયાં. આથી ઉલટું ભૂજંગલાલ વધારે ઉત્સાહિત બન્યો હતો. મુંબાઈમાં આવ્યા પછી પોતાની જ્ઞાતિની તેમ જ બીજી યુવતીઓના પરિચયમાં ભૂજંગલાલ આવ્યો હતો. એમની સાથે લીલાને સરખાવતાં લીલા વધારે નિર્દોષ, વધારે ખુબસુરત, વધારે પવિત્ર, લાગી. ઉંમર લાયક સ્ત્રીઓ, અવિવાહિત કન્યાઓ, આટલી પવિત્ર, આટલી નિર્દોષ હશે એ આજે જ જાણ્યું. પોતે તેવું જગત એમ માનનાર ભૂજંગલોલ ઢીલો થયો. ખરેખર, પુરૂષો કરતાં સ્ત્રીઓ હજાર દરજ્જે નિર્મળ હોય છે એ વાત આજે સમજ્યો, અને લીલાના સહવાસમાં–એ પવિત્ર દેવીના પરિચયમાં–પોત્ત સુધર્યો-સુધરશે એમ ક્ષણવાર લાગ્યું. લીલાના પરિચયમાં આવતાં સાંજ ક્યાં ગાળવી એ પ્રશ્ન નહોતો રહેતો. બીજી ક્લબમાં, બીજી યુવતીઓની વાતોમાં, એમના સંગાતમાં ભૂજંગલાલને મજાય જ નહોતી પડતી. લીલા વિનાનો દિવસ રાત્રી સમાન હતો, લીલા વિનાની ક્લબ શુન્યવત ભાસવા માંડી. લીલા વિના જગતમાં કોઈ યુવતી જ નથી એમ માનવા લાગ્યો.