તરલા/બે હરીફ

વિકિસ્રોતમાંથી
← આ કે તે? તરલા
બે હરીફ
ભોગીન્દ્ર દિવેટીયા
ભૂજંગલાલ. →


પ્રકરણ ૯ મું.
બે હરીફ.

અરવિન્દ દાદર ઉપર પગ મૂકે છે ત્યાં લીલાની માતા સામેના ઓરડામાંથી આવી. એક જ પળમાં લીલાના ઓરડામાં, અરવિન્દ તરફ નજર કરી, સઘળી વસ્તુસ્થિતિ સમજી ગઈ. લીલા બહાર આવી. અરવિન્દે પ્રણામ કર્યા. લીલાને જોતાં જ તે મનમાં બોલી:

'હાશ. ના પાડી લાગે છે.'

જાણે કાંઈ બન્યું જ નથી એમ ડોળ કરી અરવિન્દ સાથે કાઠીયાવાડની જાગીરની વાત કરવા લાગી. ભોળો અરવિન્દ દેખાતા વિવેકમાં ફસાયો અને અંતરનો શોક વિસરી વાતમાં પડ્યો. લીલા પાસે જ ઉભી હતી, પરંતુ શબ્દ સરખો ઉચ્ચારતી નહોતી. હરેક બહાને હસતી, એના સામું જોતી, તે લીલા આજ મુંગી મુંગી નીચું મોં રાખી ઉભી જ રહી હતી.

લીલા હજી ન આવી એમ વાટ જોતી થાકી ખબર કાઢવા એની બ્હેનપણી વિનોદ આવી. વિનોદને પરણ્યાંને થોડા જ મહિના થયા હતા. તે શરીરે પાતળી હતી. ક્ષણે ક્ષણે ઉશ્કેરાઈ જતી અને રસિક નવલકથાઓની શોખીન હોવાથી એનું જીવન પણ વિલાસમય હતું. નાનપણથી વર, સાસરું, પરણવું એ જ વાતનો વિષય હતો. પરણવા જેટલી ઉત્સુક હતી તેટલી જ ઉત્સુક પોતાની સખીઓને પરણેલી જેવા ચાહતી. ભૂજંગલાલ જ લીલાને યોગ્ય છે, એમ તેને લાગતાં વાતમાં પણ તે ભૂજંગલાલના ગુણ ગાતી અને અરવિન્દને તે જ્યારે દેખે ત્યારે મશ્કરીમાં જ ઉડાવતી. સ્વતંત્રતામાં ઉછરેલી અને જીભની છૂટી એટલે તેને જરાપણ સંકોચ આવતો નહીં અને અરવિન્દની નજરમાં પોતે નાલાયક છે, હલકી છે, એમ લાગવાથી બન્ને વચ્ચે  અંતર વધ્યું હતું, અને વાત પણ સાચી હતી. અરવિન્દને વિનોદ માટે માન નહોતું એટલું જ નહિ પણ તેને માટે બહુ જ ખરાબ અભિપ્રાય હતો. વિનોદનું જીવન જ વિનોદમય હતું. ક્ષણભર મોજ, ખાવું, પીવું અને સંસારસુખ ભોગવવું એ શિવાય બીજું શું કરવાનું છે? એ એનો પ્રશ્ન હતો. ક્ષણિક જીવનમાં ક્ષણિક યુવાવસ્થાના આનંદ ન ભોગવીયે તો પછી ભોગવવા ક્યારે ? આ એના જીવનને હેતુ હતો.

અરવિન્દને જોતાં જ બટકબોલી વિનોદ બેલી, 'ઓહોહો! અરવિન્દકુમાર ! આ નર્કાપુરી વગર ચાલ્યું નહી કે ? નહોતા આવવાના ને ક્યાંથી આવ્યા ? આ નર્કાપુરી સ્વર્ગ બની ગઈ કે તમે બગડ્યા?' આટલું બોલી વિનોદ લીલા સામું જોતી ખડખડાટ હસી.

'વિનોદ બહેન ! આટલે વર્ષે મારા શબ્દ મ્હને સંભારી આપો છો તે તમારો ઉપકાર! ખરે એ શબ્દ જબરી અસર કરી હો!'

'તો ! હું તો દરેકે દરેક વાત ધ્યાનમાં રાખું છું. સમજ્યા ? કેમ લીલા ! વાટ્ય જોવડાવીને આવી નહિ ? મયદાનીઆમાં ગઈ હતી ?'

બે સખી વાતમાં પડી અને અરવિન્દ ઉઠવા જતો હતો ત્યાં લીલાની માતા બોલી,

'અરવિન્દ ! મુંબાઈમાં ક્યાં સુધી રહેવું છે ? બહુ વખત નહિ રહેવાના હો. ત્હમારી જાગીર તમારા વિના સૂની પડશે, કેમ ખરું ને? વળી તમે ત્યાંના ઓનરરી માજીસ્ટ્રેટ પણ ચો ને ?

'ના જી. એનું તે મ્હેં રાજીનામું આપી દીધું છે. હું અહીં થોડા દિવસ રહીશ.'

એટલામાં બે ચાર જણનાં પગલાં સંભળાયાં અને લીલાનું બેન્ડસ્ટેન્ડ ઘરમાં જ થયું.

આ આવનારાઓમાં એક તરફ લીલા, વિનોદ અને લીલાની માતાની નજર હતી. એને જોતાં જ વિનોદ–પરણેલી વિનંદનું હૈયું ઉછળવા લાગ્યું, આંખ વિશાળ થઈ, મ્હોં મલકાયું. લીલાને હૃદયમાંથી સંતાપ ગયો, પણ તેને બદલે શરમ સ્પષ્ટ દેખાઈ. એની આંખો નીચી નજરે એ મૂર્તિને જોવા લાગી. અને લીલાની માતા તો ઘડીમાં અરવિન્દ તરફ તે ઘડીમાં એની તરફ જોઈ સરખામણી કરવા લાગી.

અરવિન્દને તરત જ લાગ્યું કે એજ ભૂજંગલાલ હોવો જોઈએ. અરવિન્દ દુશ્મનને પણ અન્યાય કરે એવો નહતો. ભૂકંગલાલને જોતાં જ-એને પોતાની જાત સાથે સરખાવતાં જ લાગ્યું કે ભૂજંગલાલ દેખાવે એવો હતો કે સ્ત્રી જાતને પ્રિય થઈ પડ્યા વિના રહે જ નહી. ઉંચો, બાંધી દડીનો, ગૌર વદનનો, માંસલ શરીરનો, મોહક ચહેરાનો ભૂજંગલીલ નેત્ર અને હૃદયને ઠારે એમ હતું. એનો ડેસ, એની વાળ ઓળવાની છટા, એની ઘડીયાળમો અછોડો, એનો રૂમાલ, એનો કફ, કોલર એના સૌદર્યમાં વધારે કરતા હતા. ઈશકી જવાનને બદલે એક હોંશીયાર, બુદ્ધિશાળી, રાજકુમારમાં ખપી જાય એવો હતો. ભૂજંગલાલે વિનોદ-લીલાને નમસ્કાર કર્યા. અરવિન્દ પોતાના હરીફ અને લીલાના ચહેરા સામે જોતો ઉભો રહ્યો, એટલામાં લીલાની માતાએ આવી એકબીજાની ઓળખાણ કરાવી.

'અરવિન્દ! આ ભૂજંગલાલ !'

'ભૂજંગલાલ! આ અરવિન્દ !'

તે બન્નેએ શકહેન્ડ કર્યા.

'અરવિન્દ હું તમને આવ્યો તેવામાં જ મળવાનો હતા, પણ એટલામાં તે તમે ચાલ્યા ગયા.'

ભૂજંગલાલના આ શબ્દ વિનોદને કાને પડ્યા અને અરવિન્દને ચ્હીડવવામાં આનંદ માનતી વિનોદ બોલી ઊઠી–

'અરવિન્દ કુમારને શહેરમાં રહેતાં કીડી ચડે છે. આ નર્કાપૂરી લાગે છે. એમને તો ગામડું એ જ સ્વર્ગ લાગે છે.'

ભૂજગલાલે વિનોદ તરફ જોયું, સહેજ સ્મિત હાસ્ય કર્યું ને અરવિન્દને કહ્યું:

'ત્યારે તો સામાન્ય રીતે ગામડાનું જીવન ગમે છે એમને ? એ નિરસ, નિરૂદ્યમી નથી લાગતું? શિયાળામાં તો લાગતું જ હશે.'  'એવું કાંઈ જ નહીઃ નિરૂદ્યમી ને નિરસ લાગે, તે તો શહેરમાં પણ એજ.'

આમ વાતો ચાલી. આ વાતમાં વિનોદ, ભૂજંગલાલ અને માતાને રસ પડતો. લીલા ભૂજંગલાલને ચહાતી, પણ પોતાના પ્રિય અરવિન્દને વિનોદ ચ્હીડવતી તે જરાયે ગમતું નહિ. અરવિન્દને જવાનું મન હતું, પરંતુ એ એટલા નબળા મનનો હતો કે જવાની રજા માગતાં પણ ગભરાતો. એટલામાં લીલાનો પિતા અંદર આવ્યો, અને એકદમ અરવિન્દ્ર પાસે ગયો. 'ઓહો! અરવિન્દ ! ત્હમે કયારના આવ્યા છો ? મ્હને કેમ કહેવરાવ્યું નહી ? મારા રૂમમાં આવવું હતું. મ્હને ખબર જ નહી, તમે આવ્યા તે ઠીક થયું. આજ અહીં જ રહેજો.

લીલા પોતાના પિતાના સામું જ જોઈ રહી હતી. એક વખતના પ્રિય અરવિન્દને પિતાને આમ સ્નેહથી બોલાવતા જોઈ વિચાર કરવા લાગી. 'પિતા એમ માને છે કે હું અરવિન્દની થઈશ! અરેરે ! મ્હારી ના કહેવા પછી પિતાનો આ સત્કાર એમને કેવો લાગતો હશે! ભૂજંગલાલને ના કહું, ભૂલ સૂધારૂં? આ વિચાર કરે છે ત્યાં હૃદયમાં પવિત્ર વિચાર આવતાં સેતાન, પાપવૃત્તિ બળવાન થાય તેમ ભૂજંગલાલ આવ્યો ને લીલાની નજરેથી–હૃદયમાંથી અરવિન્દ ખસી ગયો.

આવતા અઠવાડીયામાં સંગીત પારી છે એ વાત ચાલી. 'લીલા ! એ સંગીત પાર્ટીમાં આવશો ને ?' આટલા શબ્દ અરવિન્દને કાને પડ્યા. અરવિન્દને હવે અહીં રહેવું એ ભારે થઈ પડ્યું. જેને માટે સ્વર્ગ છોડી નર્કાપૂરીમાં આવ્યું હતું, જે આશાને લીધે જીવન હતું તે આશા નષ્ટ થઈ–તે લીલાએ ના કહી–પછી પોતાની જ સન્મુખ પોતાની પ્રિયને અન્યની સાથે હાસ્યવિનોદ કરતી કેમ જોઈ શકાય? જતાં જતાં અરવિન્દે પાછું જોયું. લીલા અને ભૂજંગલાલ વાત કરતાં હતાં, હસતાં હતાં અને ત્હેની સામું જોતાં હતાં. શંકિત હૃદયને એમજ થયું કે એ ત્હેને બનાવતાં હતાં. ભૂજંગલાલ તો બનાવે, પણ લીલા! એક વખતની પ્રિય લીલા, ત્હેને ચાહનારી લીલા પણ બનાવે ! કોણ સાચું? શું સાચું ?