લખાણ પર જાઓ

તરલા/તાર

વિકિસ્રોતમાંથી
← નાના પત્રે મચાવેલી ધમાલ. તરલા
તાર.
ભોગીન્દ્ર દિવેટીયા
રીસ. →



પ્રકરણ ૨ જું.

તાર.

ત્રણ ચાર દિવસ વહી ગયા. ચંદા ઘરકામ કરતી, છોકરાં નિશાળે જતાં આવતાં, વસન્તલાલ જતો, નોકરો હરતા ફરતા, પરંતુ ગૃહદેવીનું અપમાન થતાં તે દેવી ઉપરનું તેજ જતું રહ્યું હતું. સવારે નાસ્તા વખતે, બપોરે જમતી વખતે અને રાતના વસન્તલાલ, ચંદા અને છોકરાં બેસતાં, છોકરાં પાસે કવિતા બોલાવતાં, ચંદા કોઈ કોઈ વાર ગાતી, વસન્તલાલ ન્યૂસપેપર વાંચી સંભળાવતો. આ સઘળું ભૂતકાળના ભણકારા સમાન થઈ ગયું. ચંદા અંધારીયાની ચંદા માફક દિવસે દિવસે નિસ્તેજ થતી હતી. માથું દુખે છે, જીવ ડોળાય છે, કહી એરડામાં ભરાઈ રહેતી. કોઈ અજાણ્યું માણસ આવતું ત્યારે ન છૂટકે ધણીધણીયાણી સાથે બેસતાં, હસીને વાત કરતાં. પણ તે એટલી જ ઘડી. ચંદ્રમા અસ્ત પામતાં સર્વત્ર અંધારું થાય તેમ એકલાં પડતાં થતું. પતિ પત્ની હસ્યાં નહોતાં, બોલ્યાં નહોતાં. બાલકો–નિર્દોષ બાલકો અંદર અંદર માબાપના રીસાવાની વાતો કરતાં અને અમને ક્યારે બોલાવે એમ એમના મનમાં થયા કરતું.

વસન્તલાલ ચાહ પી બહાર જવાની તૈયારી કરતો હતો ત્યાં રામો તાર લઈ દાખલ થયો. વસન્તલાલે તાર ઉઘાડ્યો, વાંચ્યો ને રામાને કહ્યું, “રામા ! બ્હેન કાલે આવે છે.”

રામો વસન્તલાલનો જુનો અને વિશ્વાસુ નોકર હતો. તરલા બ્હેન આવે છે એ જાણતાં જ એનો આનંદ છૂપાઈ શક્યો નહી. ઘરમાં શાન્તિ ફેલાવનાર કોઈ સમર્થ હોય તો તે તરલા બહેન જ છે એમ તે માનતો, અને તરલા બ્હેનને બોલાવવા તલપાપડ થઈ રહ્યો હતો ત્યાં શેઠે વધામણી આપી.

“બહુ સારું, સાહેબ ! હું બહુ રાજી થયો. ભલે આવે. બ્હેન એકલાં આવે છે કે કેમ?”

 "એકલાં. રામા ! તરલાને જરાયે અગવડ ન પડે એમ તજવીજ રાખજે. એને સુવા બેસવાનો ઓરડો સાફસુફ કરાવી રાખજે. આ તાર ત્હાર શેઠાણીને બતાવી આવ.”

રામો તાર લઈ ગયો પણ અડધી મીનીટ થઈ નહી હોય ત્યાં તાર લઈ પાછો આવ્યો.

“સાહેબ ! શેઠાણી કહે છે કે, ‘મ્હારે તારને શું કરવો છે ? હું તો જાઉં છું અને તમારે ફાવે તેમ કરો.’”

વસન્તલાલ જુના જાણીતા પણ નોકરની આગળ ફજેતી થતી જોઈ ચ્હીડાયો. પાછો શાન્ત થયો અને સહજ હસીને બોલ્યો, “રામા ! કેમ કરવું?”

“સાહેબ ! કરવું શું ? બ્હેન ક્યાં મહેમાન છે ? બધી ગોઠવણ થઈ જશે.”

“થશે ?”

“એમાં શું શક ?”

એટલામાં છોકરાંને ભણાવવા આવેલી મહેતીજી દાખલ થઈ ને રામો બહાર ચાલ્યો ગયો. મહેતીજીને જોતાં જ વસન્તલાલ–અકળાયેલો વસન્તલાલ– ગુસ્સે થયો અને બોલ્યો:—

“વળી આજે ત્હમારૂં અહીં શું કામ હતું? જાણતા નથી કે ત્હમારે લીધે મારા ઘરમાં હોળી સળગી છે? બોલો શું કામ છે ?”

“કામ એટલું જ કે ત્હમે ભાભી પાસે જાવ, એમની માફી માગો, એમને શાન્ત કરો. છોકરાં બીચારાં ગાભરાં ગાભરાં ફરે છે. ભાભીને શાન્ત નહી કરો તો મરી જશે. મ્હારાથી એમના મ્હોં સામુંએ જોવાતું નથી.”

“પણ એ મ્હારું સાંભળે છે ક્યાં ? પા કલાક પાસે બેસે કે બેસવા દે તો ને?”

“પણ ત્હમારી ફરજ છે કે ત્હમારે એમની પાસે જવું. આજથી હું ત્હમારે ત્યાં નહીં આવું. મ્હારે લીધે ઘરનો આનંદ ગયો તે માટે દિલગીર છું. પરમેશ્વર મ્હેને અને ત્હમને માફ કરશે. જે ઘરમાં સ્ત્રીઓ વિના કારણે દુઃખ પામે છે ત્યાં સુખ સ્વપ્ને પણ નથી રહેતું. પાપીને ક્ષમા !” ને આટલું કહી મહેતીજી ચાલી ગઈ.

“હું જાઉં છું, અંતઃકરણપૂર્વક ક્ષમા માગીશ. આવી રીતે ઘરસુખનો નાશ થતો હોય તો પછી બીજાં બહારના ક્ષણિક સુખ શા કામનાં ?......ચંદા ! વહાલી ચંદા ! ક્ષમા આપ. આજથી આ વસન્તલાલ જુદો જ છે.... પણ માનશે? એનો સ્વભાવ હઠીલો છે. તરલા સમજાવે ને સમજે તો. અરે રામ! અનીતિ–અનીતિના વિચાર દાખલ થતાં એના એ ઘરમાં કેટલો ફેર થઈ જાય છે ? આજ છોકરાં, આજ ચંદા અને હું પોતે કેટલાં સુખી હતાં, એ સુખ ક્યાં ગયું ? હવે નહીં મળે ? શું પતિત પશ્ચાત્તાપ કરે–જીવન સુધારે તે દયાને, સ્નેહને પાત્ર નથી ? તો શું હું ને ચંદા ફરીને એકવાર, હંમેશને માટે હતાં તેવાં નહી થઈએ ?”