તરલા/નાના પત્રે મચાવેલી ધમાલ

વિકિસ્રોતમાંથી
તરલા
નાના પત્રે મચાવેલી ધમાલ
ભોગીન્દ્ર દિવેટીયા
તાર. →



તરલા

અથવા

ઊર્મિનો આવેગ. *[૧]
ભાગ પહેલો.
પ્રકરણ ૧ લું.
નાના પત્રે મચાવેલી ધમાલ.


“શું કરું ? ક્યાં જાઉં? છોકરાંને લઇ પીયર ચાલી જાઉં ? પીયરમાં શું કરું ? આટલી ઉમરે ફજેતી. બીજું કોઈ નહી ને પંદર રૂપૈયાની મહેતીજી ! લાવ ચાટલું જોઉં? મ્હારામાં શો ફેર થયો છે? નથી એ ભણેલી, નથી એ મ્હારા કરતાં ગોરી. નથી એ મારા કરતાં તંદુરસ્ત, ત્યારે ? લુગડાંમાં શું પૂળો મુકું ? મ્હારે માટે કાંઈ નહી–એને માટે લાવ્યા હશે તેને નહી ગમી હોય એટલે મ્હને વળગાડતા હશે. હું રોજ ના કહેતી હતી કે આપણે નહી. છોકરાને ભણાવવાનું તો બહાનું જ ને! હાય ! હાય! મ્હારાથી એ કેમ ખમાય ! પુરૂષો કોઈ દિવસ કોઈના થયા છે કે થશે ? બાયડીએ આમ કરવું ને તેમ કરવું, ત્યારે પુરૂષોને તો સઘળા હક હશે ખરા ને ? અમે મરી જઇએ ને બીજી લાવે તે તો જાણે ઠીક, પણ આ તો જમ જેવી બેઠી છું, કાલ વહાણે પરણાવવા જેવાં છોકરાં છે. આટલાં વર્ષ ગમી ને હવે ન ગમી ? હાય ! હાય ! લગ્ન પહેલાના અને પછીના થોડા દિવસો કેવા આનંદમાં ગયા હતા! અમે બે સાથે રહેતાં, એ મ્હારે ત્યાં આવતા, હું એમને ત્યાં જતી. હોળી દિવાળીના દિવસોમાં જમવાનું આવતું ને હું જતી તે વખતે કેવા વ્હાલથી, કેવા ઉમંગથી બ્હારીયે જોતા, આડાઅવળા થઈ ચીઠી આપી જતા, લઈ જતા. અરે ! ઘેર રહ્યા પછી પણ પહોર સુધી શું હતું? પેલી મળી ત્યારથી બાજી બગડી. એ રાંડ પણ ચીઠી લખતાં શીખી. હું તો જાણે હિસાબમાં જ નહી. આમ ચીઠી મોકલતી થઈ. અરે રામ ! આ બંગલા, આ લુગડાં, આ આનંદ જોવો ગમતો નથી. વ્હાલા ! વ્હાલા ! ત્હમને આ શું સુજ્યું? મ્હારામાં કાંઈ કવાણો દેખ્યો ? મ્હેં તો ત્હમારા શિવાય કોઈનો સ્વપ્નમાં પણ વિચાર કર્યો નથી. બસ, શા માટે કાલાવાલા કરવા ? હું પવિત્ર છું પછી મ્હારે પણ શી પડી છે? જીવીશ ત્યાં સુધી લોચો ધાન ખાઈ પડી રહીશ, પણ હવે અહીં ઘડી ગમે ખરું ! નોકર ચાકર પણ હવે મ્હારૂં શેનું માને?” એક પાંજરામાં પુરેલી સિંહણ ઉછળ્યા કરે તેમ ચંદા આ વિશાળ એકાન્ત બંગલામાં, પોતાના સૂવાના ઓરડામાં હાથમાંની એક નાની ચીઠી ચોળતી ફરતી હતી. વસન્તલાલ સીનેમેટોગ્રાફ જોવા ગયો હતો અને છેલ્લી બારની લોકલમાં આવવાનો હતો.

વસન્તલાલની પાડોશમાં આજ દશ બાર મહિના થયાં એક ગુજરાતી ટ્રેઈન્ડ સ્ત્રી શિક્ષક આવી હતી. વસન્તલાલ ઉપર ભલામણપત્ર લઈ આવી હતી અને વસન્તલાલના નાના છોકરાને ખાનગી ટ્યુશન આપતી. આ સ્ત્રી શિક્ષક વિધવા હતી, શરીરે દેખાવડી અને સ્વભાવે ચાલાક હતી. હિંદુસ્તાનમાં સ્ત્રીઓ નોકરી કરે, જાહેર કામમાં ભાગ લે, એ એટલો નવિન માર્ગ છે કે સામાન્ય રીતે એવી સ્ત્રીઓની નિંદા થવાની જ. આ સ્ત્રી શિક્ષક ચકોર વિશેષ હતી. સ્ત્રી કરતાં પુરૂષો સાથે વાત કરવાની ટેવ એને વિશેષ હતી એટલે કિંવા વસન્તલાલના અંતઃકરણમાં કાંઈ વિકાર હોય, પણ ગમે તે કારણથી વસન્તલાલ અને એ સ્ત્રી શિક્ષકનો સંબંધ ચર્ચાનો વિષય થયો હતો. જતાં આવતાં લોકો આંગળી કરતા હતા. કાળે કરી આ વાત ચંદાને કાને આવી. પતિનો દોષ કાને પડતાં પવિત્ર ચંદા છંછેડાઈ. અને છંછેડાય એમાં આશ્ચર્ય શું ? કોણ જાણે જનસમાજની ઘટના જ એવી થઈ ગઈ છે કે પુરૂષ અનીતિમાન હોય તો તે જેટલો નિંદાપાત્ર મનાય છે તેથી બલ્કે સો ગણી નિંદાપાત્ર અનીતિમાન સ્ત્રી લેખાય છે. એક પુરૂષ ખરાબ જીવન ગાળે ને સ્ત્રીઓ ટીકા કરે તો પુરૂષ વર્ગ બચાવ કરવા તત્પર થશે. શુદ્ધ જીવન ગાળવાની ફરજ જેટલી સ્ત્રીની છે તેટલી જ પુરૂષની છે. ચંદાને મનમાં અનેક તર્કવિતર્કો થયા કરતા હતા. મહેતીજી નામનો ઉચ્ચાર ત્હેના હૃદયને બાળી નાખતું હતું. પરંતુ આ સર્વે લોકવાયકા જ હતી. વસન્તલાલનું વર્તન જરા પણ ફર્યું નહોતું. એ તો એવો ને એવો પ્રેમાળ પતિ-સ્નેહાળ પિતા હતો. આમ છતાં, હૃદયમાં એક શંકા દાખલ થતાં એ શંકા પુરાવા ખોળે છે, હૃદયની શાન્તિનો નાશ કરે છે, અને જે હાસ્ય, જે મીઠા બોલ પ્રેમના લાગતા તે જ હાસ્ય, તે જ મીઠા બોલ ચીડવવાના–બનાવવાના લાગે છે. ચંદાની હૃદયશાન્તિ ગઈ હતી. હમેશની શાન્ત, ઠરેલ ચંદા નોકરો ઉપર, છોકરાં ઉપર ગુસ્સે થતી, અને નોકર માણસો પણ કંટાળી ગયાં હતાં. ધૃણાતા છાણાના આકરા તાપનો આજ ભડકો થયો હતો. શંકા, શંકા મટી સાચી વાત ઠરી હતી. મહેતીજીનો પત્ર અચાનક એના હાથમાં આવ્યો હતો, અને એ પત્ર વાંચતાં પતિને શુદ્ધ દિલે ચાહનારી પત્ની નિરાશ થઈ ગઈ હતી, ત્રાસ પામી ગઈ હતી. પતિ પ્રત્યે અણગમો, તિરસ્કાર થયો હતો, જીવનનો રસ ઉડી ગયો હતો. અત્યાર સૂધી પતિ અને પોતાની વચ્ચે કોઈ અંતરાય નહોતો, હવે બે વચ્ચે મહાસાગર હોય એમ લાગ્યું. વસન્તલાલ સીનેમેટોગ્રાફની એક પછી એક ફિલ્મ જોઈ ઘડીમાં હસતો, ઘડીમાં ઉશ્કેરાતો ત્યારે તે જ વખતે દાદરના પોતાના બંગલામાં પોતાની પ્રિય પત્ની, મહેતીજીનો પત્ર ચોળતી ગુસ્સે થતી બેઠી હતી. ચંદા બે ચાર વખત પથારીમાં પડી, પણ ઉંઘ ક્યાંથી આવે ? નાનામાં નાના બાળકને પણ પોતાની વસ્તુ બીજાના હાથમાં જતાં શાન્તિ વળતી નથી તો પછી માબાપે આપેલો, ધર્મક્રિયાથી લગ્નની ચોરીમાં શરીરે અને હૃદયે સ્વીકારેલો, બાલકોરૂપી સીલથી મજબૂત થયેલા પ્યારવાળો પોતાનો વ્હાલો પતિ, પોતાના જીવતાં બીજાનો થાય એ કેમ જોઈ રહેવાય?

વસન્તલાલ સીનેમેટોગ્રાફના દેખાવોના ભણકારામાં તલ્લીન થતો આનંદભેર બંગલામાં દાખલ થયો. લુગડાં કાઢી દરરોજના નિયમ પ્રમાણે ચંદાને ખોળતો એના ઓરડામાં ગયો. ચંદા આરામ ખુરશી ઉપર પડી હતી. તેને જોતાં વસન્તલાલ સ્નેહભર દોડ્યો. જે ચંદા પતિ આવતાં, પતિનાં દર્શન થતાં, અનેક સંસારસુખ ભોગવ્યા છતાં એવી ને એવી સ્નેહાળ રહી હતી અને તેથી પતિના સ્હામી જતી. સ્મિતહાસ્યથી ઉછળતા હૃદયે અને સ્નેહભીના હૃદયે પતિને સંતોષતી તે જ ચંદા આજ પતિને આવતાં જોઈ એક ફેણ માંડતો, કરડવા આવતો કાળો નાગ હોય તેમ ઉઠી ત્રાડ પાડી બોલી ઉઠી, “આઘા રહો, મને અડશો નહીં. આનો શો અર્થ?”

વસન્તલાલ તો આભો જ બની ગયો. ક્ષણવારમાં ચીઠી ઉપર નજર ફેરવી. છાતીમાં છરી ખોસતા ખૂનીનું કાંડું પોલિસ પકડે ને ખૂનીની જે સ્થિતિ થાય તે સ્થિતિ વસન્તલાલની થઈ ગઈ. ન એનાથી બોલાયું કે ન એનાથી ખસાયું.

“બોલો, શું કહેવું છે ? આ જ ત્હમારૂં વ્હાલ ને ? ત–ત–પ–૫ રહેવા દો. મ્હારે નથી સાંભળવું. આજથી મ્હને બોલાવવી નહી.”

“પણ મ્હારૂં સાંભળ તો ખરી.”

“મ્હારે નથી સાંભળવું.” આટલું બોલતાં જ ચંદા દોડી એક બીજા ઓરડામાં જઈ બારણાને સાંકળ વાસી પલંગ ઉપર પડી. વસન્તલાલ પાછળ ગયો, પણ બારણાં બંધ હતાં. માત્ર અંદરથી રોવાનો અવાજ અને ડુસકાનો અવાજ આવતો હતો.



  1. * લાગણીનું જોર.