તાર્કિક બોધ/૧૨. જુના તથા હાલના નઠારા ચાલ વિષે
← ૧૧. ઠગસાચાની વાત | તાર્કિક બોધ ૧૨. જુના તથા હાલના નઠારા ચાલ વિષે દલપતરામ |
૧૩. દેશી રાજાઓ વિષે → |
जुना तथा हालना नठारा चाल विषे. १२.
૧. રાજાના ઘરને જ મેડી હતી, પણ રઇયતના ઘરમાં મેડી ચણવા દેતા નહિ. કદાપિ મેડી કરે તો તેની બારીઓ તે ઘરની પડશાળમાં મુકે. કે તેથી તે ઘરને મેડી છે. એવું બહારથી જણાય નહિ.
૨. રાજાઓ ધાડ પાડીને, પોતાનાં પારકા ગામ લૂંટતા હતા.
૩. નબળી દશામાં લોકો છોકરાંને વેચતા હતા. તથા કેટલાક લોકો છોકરાં ચોરી જઈને પર જીલ્લમાં વેચી દેતા હતા.
૪. પરણાવાનું ખર્ચ ઘણું થાય, માટે રજપુતો દીકરીઓને મારી નાખતા હતા.
૫. ગૌશીતળતા કાઢનારને દેખીને લોકો છોકરાંને સંતાડતા હતા, અને ત્રાસ પામતા હતા.
૬. ગુનેહગારને ધિકતા ગોળા ઝલાવતા હતા. એ વાતમાં ઘણી ઠગાઈ હતી તોપણ ઘણા વર્ષો સુધી તે ઠગાઈ કોઈના જાણવામાં આવી નહિ.
૭. કેટલાક એક રાજાના મડદા સાથે હજામ, ખવાસ વગેરેને જબરદસ્તીથી જીવતા બાળતા હતાં.
૮. કેટલીયેક બાયડીઓ ધણીના મડદા સાથે બળી મરતી હતી. તેમાં કેટલીએક તો વ્યભિચારિણીઓ હતી.
૯. કાનામાત્ર વિના બોડીયા અક્ષરોથી ખતપત્ર લખાતાં હતાં.
ઇત્યાદિ ઘણા જંગળી ચાલ બંધ પડ્યા. અને હજી કોઈ કોઈ
ઠેકાણે તેમાંનો કોઈ એક ચાલ દેખાય છે, પણ તે થોડી મુદ્દતમાં બંધ પડી જશે.
૧. સો વર્ષ પછી લોકો હશીને વાતો કરશે. કે ખાળનાં પાણી જવાની નીકને ઠેકાણે , અને શેરીમાં રસ્તા વચ્ચે પત્રાળી માંડીને આપણા લોકો જમતા હતા. એવો નઠારો ચાલ હતો.
૨. સાત વર્ષનાં અજ્ઞાની બાળકને પરણાવતા હતા.
૩. ઘરબાર વેચીને પણ નાતવરા કરવાનો ચાલ હતો.
૪. પુરુષ, બે ત્રણ વાર પરણતા, અને છોડી નહાની ઉંમરમાં રાંડે તોપણ તેને આખી ઉંમર રંડાયો ગાડવો પડતો હતો.
૫. વગર ભણેલા રાજા અમલદારી કરતા હતાં.
૬.ભૂતની અને જાદુની વાતો સાચી માનતા હતા.
૭. દેવની માનતા કરવાથી દીકરા આવે, એવું લોકો માનતા હતા.
૮. ગૃહસ્થોની સ્ત્રિયો પણ વગર ભણેલીઓ હતી.
૯. કીમીયાની વાતો સાચી માનતા હતાં.
૧૦.ઘરમાં કચરો, અને આંગણામાં કાદવ હતો.
૧૧. વ્યસની, દરીદ્રી, દુરાચારી, અને મૂર્ખ હોય, તો પણ તે કુળવાન ગણાતાં હતાં.
૧૨. દીકરીને પરણાવીને માબાપ પૈસા લેતાં હતાં.
૧૩. ઠાકોર ખાટલા પર બેઠા હોય, તો ચાકર લોકો ઊંધા ખાટલા નાખીને સૂતા હતા; કેમકે ઠાકોર બરાબર ઉંચે આસને બીજા કોઈથી સુવાતું નહિ. ઇત્યાદિ બાબતો સંભારીને એ વખતના લોકો કહશે કે ૧૦૦ વર્ષ ઉપર ઘણા ભોળા લોકો હશે. અને તેઓ કાંઈ વિચાર કરતા નહિ હોય કે શું ?
ફૂરચંદ—ભાઈ, દેશનો સુધારો રાજાઓથી થઇ શકે, માટે આપણા દેશમાં અસલ કેવા રાજા હતાં ?અને હાલમાં કેવા છે ? તથા તેઓને કેમ સુધરવું જોઈએ. તે વિષે થોડું કહો.
સુરચંદ—સાંભળ તે વાત કહું.