તાર્કિક બોધ/૧૩. દેશી રાજાઓ વિષે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૨. જુના તથા હાલના નઠારા ચાલ વિષે તાર્કિક બોધ
૧૩. દેશી રાજાઓ વિષે
દલપતરામ
૧૪. રૂધિર પ્રવાહ વિષે →देशी राजाओ विषे. १३.


અશલના દેશી રાજાઓ "ધનુર્વિદ્યા" એટલે યુદ્ધ કરવા વગેરેની વિદ્યા. અથવા "કવાયદ" પોતે શિખતા હતા. પોતાની અક્કલથી ઇનસાફ કરતા હતા. વિદ્વાનોની પરીક્ષા લઈ શકતા હતા. ઝાઝો પારકો ભરૂંસો રાખતા નહિ. માટે વેષ બદલીને, રાતની વખતે નગર ચરચા જોવા નીકળતા હતા. દેશમાં કે પરદેશમાં નામાંકિત વિદ્વાનો હોય, તેને તેડાવીને હમેશાં પોતાની હજુરમાં રાખવા ચહાતા હતા. અને નવાં નવાં પુસ્તકો રચાવીને વિદ્યાનો ફેલાવ કરતા હતા.

અને હાલના રાજાઓ નહાનપણમાંથી જ વિદ્યા શિખવાને બદલે હોકો, અને કસુંબો પીવા શિખે છે. અને તેઓનાં રાજ્ય કારભારિયોની, કે રાણીઓની અક્કલથી ચાલે છે. વિદ્વાનોની પરીક્ષા જાણી શકતા નથી. અને વિદ્વાનોની ગરજ પણ રાખતા નથી. કેટલાએક રામજણીઓ રાખવાનો શોખ વધારે રાખે છે. રાજાઓને કાન હોય છે, પણ સાન હોતી નથી. વળી કેદીની પેઠે ઘરમાં બેશી રહે છે. પણ દેશાંતરમાં, કે પોતાના પરગણામાં દરવર્ષે ફરવા જતા નથી. કાળા અક્ષરને કુટી મારે છે; તેથી વર્ત્તમાનપત્રો, કે ચોપાનીઆં વાંચી શકતા નથી. રાત અને દહાડો ઉંઘમાં ગુમાવે છે.

હવે સાહેબ લોકોની ઉસકેરણથી કેટલાએક રાજકુંવરો ગુજરાતી તથા અંગરેજીનો અભ્યાસ કરે છે. જો તે અભ્યાસ છોડી દેશે નહિ, તો આશા છે કે કોઈ સમે આપણા દેશનો દહાડો વળશે. અને કેટલેક ઠેકાણે કારભારીઓ વિદ્યાના શોખવાળા છે, તેમની સલાહથી ત્યાં વિદ્યાનો વધારો, અને સુધારો થાય છે.

દેશી રાજાઓને સારા માણસોની સોબત હોય, તો તેઓ સુધરે. કહ્યું છે કે

દોહરો.

લાયક જેવા લોકથી, પૂરણ બાંધી પ્રીત.
મહિપતિએ મળવું સદા, રાખી રૂડી રીત. ૧.

દેશી રાજાઓએ સજ્જન માણસોનો મેળાપ કરવો જોઈએ. કોઈ વિદ્વાન, કે આબરૂદાર માણસ પોતાના સંસ્થાનમાં આવે, ત્યારે યથાયોગ્ય તેની મુલાકાત લેવી અને સારી સારી બાબતો વિષે વાતચીત કરવાનો અભ્યાસ રાખવો. કેટલાક ભોળા રાજાઓ, સાહેબલોકોની મુલાકાત કરતી વેળાએ મૂર્ખાઈ ભરેલા પ્રશ્ન પુછે છે, તે એવા કે -

૧. કંપની એટલે શું કોઈ બાઈડી હશે ?

૨. વિલાયતમાં બ્રાહ્મણ, વાણિયા, અને રજપુતની જાતિનાં સાહેબલોકો હશે ?

૩. મડમસાહેબ ચૂડો કેમ નહિ પહેરતાં હોય ?

૪. વિલાયતના લોકો શું ખાતા હશે ?

૫. કામરૂદેશ, અને એકટંગીઆં માણસોના દેશથી વિલાયત કેટલા ગાઉ હશે ?

એવા એવા પ્રશ્નો પુછવાથી પુછનારની મૂર્ખાઈ જણાય છે. માટે સાહેબલોકોને કેવા કેવા પ્રશ્નો પુછવા જોઈએ. તેની યાદી વિચારી વિચારીને પોતાની યાદબુકમાં લખી રાખવી જોઈએ. તે એવી કે -

૧. વિલાયતમાં કિયાં કિયાં બંદર પ્રખ્યાત છે ?

૨. કિયા કિયા વિદ્વાન તથા કારખાનાં પ્રખ્યાત છે ?

૩. હાલમાં કાંઈ નવીન હુનર કળાનો શોધ થયો છે ?

૪.વિલાયતમાં કિયાં કિતાબખાનાં પ્રખ્યાત છે ?

૫. ત્યાં કિયા કિયા નામાંકિત પુરૂષો થઈ ગયા ? તથા હાલ છે.

એવી એવી વાતો પુછવી. અને તેનો જવાબ આપે તે લખી રાખવો. સાહેબલોક ઘણું કરીને હિંદુસ્તાની ભાષા બોલે છે; પછી કેટલાએક રાજાઓને તે ભાષા બોલતાં આવડતી નથી, ત્યારે તે સાથે વાતચીત કરી શકતા નથી. માટે સર્વે રાજાઓએ એવો ઠરાવ રાખવો જોઈએ, કે જેટલા મુસલમાન પોતાના નોકરો હોય તેઓની સાથે હમેશાં મુસલમાની ભાષામાં જ બોલવું. અને ગુજરાતી નોકરો સાથે ગુજરાતીમાં બોલવું, તો તે બંને ભાષાઓ બોલવાનો મહાવરો રહેશે. વળી બની શકે તો એ જ રીતે મરાઠી ભાષાનો પણ મહાવરો રાખવો. કેટલાક કારભારિયો એવું સમજે છે, કે રાજાને સારાં માણસની મુલાકાતની વખતે બોલવા ન દેતાં વચમાં પોતે જ વાતચીત કરે, તો પોતાની હુશિયારી ગણાય. પણ એમ કરવાથી રાજાનું અજ્ઞાનપણું જણાય છે અને એ અજ્ઞાનીને કારભારી ઠગી ખાતા હશે. એવું અનુમાન થાય છે. માટે રાજાને બોલતાં ચાલતાં શિખવીને, જે કારભારી રાજાને ટેકો આપે, તો તે રાજા સમજુ ગણાય. ને કારભારી ઉપર કશો વહેમ આવે નહિ. માટે રાજાની હુશિયારી જણાયાથી કારભારીની આબરૂ વધે છે એમ જાણવું.

રાજાઓએ વર્ત્તમાનપત્રો, તથા ચોપાનિયાં વાંચવાં, પોતાના પરગણામાં દર સાલ ફરવા નીકળવું, અને સગળાખાતાનાં દફતરો તપાસવાં.

ક્રૂરચંદ—એ વાત તમે ઘણી સારી કહી. હવે એક બીજી રસિક વાત મેહેરબાની કરીને મને સંભળાવો.

સુરચંદ—રૂધિરના પ્રવાહ વિષે એક રસિક વાત કહું તે સાંભળ.