તાર્કિક બોધ/૩. લોકોને સુધારવાનું દૃષ્ટાંત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૨. વિશ્વાનુભવસ્વપ્ન તાર્કિક બોધ
૩. લોકોને સુધારવાનું દૃષ્ટાંત
દલપતરામ
૪. ઈશ્વરી ચોપડી વિષે →


એક દેશમાં એક દહાડે એવો વરસાદ વરશો કે, તેના છાંટા જે જે લોકોને ઉડ્યા, તે સગળા દીવાના થઈ ગયા. તેઓ માંહોમાંહી લડવા લાગ્યા, અને માથેથી પાગડીઓ નાખી દીધી. પોતાના શરીરને દુઃખ થાય તેનું પણ તેઓને ભાન રહ્યું નહિ. એ સમે જે લોકો ઘરમાં હતા, તેઓને તે વરસાદના છાંટા ઉડ્યા નહિ, અને તેઓ દીવાના થયા નહિ.

એક હવેલીમાં ૨૫ માણસોની સભા બેઠી હતી. તેમાંના એક બે જણ જરૂખે જઈને શેહેરના ચ‌ઉટા સામી નજર કરીને જુએ છે તો, સઘળા લોકો ઉઘાડે માથે કુદતા અને ચિત્તભ્રમ થયેલા દીઠા. ત્યારે તેણે સઘળા સભાસદોને બોલાવીને લોકોની એવી અવસ્થા દેખાડી.

સભાસદોને દયા આવી, અને વિચાર કર્યો કે, આપણે દેશી ભાઈઓનું જે રીતે આ દુઃખ મટે, અને ભ્રમના ટળે, એવા ઉપાય આપણે ખરા દીલથી કરવા. પછી હવેલીથી હેઠા ઉતરીને, ભમેલા એક માણસને ઘણી શીખામણ, તથા હિંમત દેવા માંડી પણ તેણે કાંઈ વાત માની નહિ; અને ઉલટું એવું કહ્યું કે તમે દીવાના છો.

સભાસદોએ તેને લઈ જઈને એક તળાવમાં ન્હવરાવ્યો. તેથી વરસાદના છાંટાની અસર જતી રહી. એટલે તેને શરીરનું ભાન આવ્યું. પછી તે પણ હુશિયાર થઈને બીજા લોકોની ભ્રમણા મટાડવાના ઉપાય કરવામાં સામેલ થયો, પછી સભાસદોએ એવો ઠરાવ કર્યો કે, આપણી મંડળીના ચાર પાંચ ભાગ થઈને શેહેરના જુદા જુદા ભાગમાં જઈએ. અને જે ઉપાય આપણને જડ્યો છે, તે ઉપાયથી લોકોને સુધારીએ. અને સાંઝ પડતાં આપણે સઘળાએ આ જગ્યામાં એકઠા થવું. એવો ઠરાવ કરીને જુદી જુદી ટુકડીઓ શેહેરમાં જુદે જુદે ઠેકાણે ગઈ, પછી સાંઝ પડતાં તે સ‌ઉ જ્યારે એકઠા થયા, ત્યારે જુએ છે તો કેટલાએક વૃદ્ધ સભાસદો, દશ વીશ માણસોને ડાહ્યા કરીને પોતાની સાથે લાવ્યા. અને કેટલાક તો જુવાન સભાસદો નિરાશ થઈને પાછા આવેલા, વળી તેઓનાં માથાં ફુટેલાં. અને લુગડાં ફાડી નાંખેલાં હતાં. તેઓને વૃદ્ધ સભાસદોએ પુછ્યું કે, તમને આ રીતે કેમ થયું ? તેઓએ જવાબ દીધો કે અમે તો જ્યાં જ્યા ગયા, ત્યાં કોઈ લોકોએ અમારૂં કહ્યું માન્યું નહિ.

અમે કહ્યું કે - તમે સમજતા નથી.
લોકો - તમે સમજતા નથી.
અમે - તમને ભ્રમના થઈ છે.
લોકો - તમને ભ્રમના થઈ છે.
અમે - તમે ઠીક ચાલતા નથી.
લોકો - તમે ઠીક ચાલતા નથી.

પછી છેલ્લી વારે તે લોકો અમારી સાથે દ્વેષ રાખીને લડવા લાગ્યા. અને અમારા સામા પથરા ફેંક્યા, તેથી અમને વાગ્યું. એ લડાઈમાં અમારાં લુગડાં ફાટ્યાં; અને અમે તો કાયર થઈ ગયા. મરો; હવે આપણે તે લોકોનું શું કામ છે ? આપણે જુદો વાસ વસાવીને સુખેથી રહીશું. અને તેઓ સાથે અમારે પકું વેર બંધાયું. માટે હવે એમાંનો કોઈ અમારામાં ભળે એવું જણાતું નથી. પણ તમે આટલા લોકોને શી રીતે સમજાવ્યા ? તે અમને કહો.

વૃદ્ધ સભાસદો : અમે લોકોને સમજાવવા ગયા, ત્યારે તેઓએ કહ્યું કે તમે તમારે માથેથી પાઘડી કાઢી નાખો, તો અમારી મંડળીમાં તમને ગણીશું, નહિ તો ગણીશું નહિ. પછી અમે પાગડીઓ કાઢી નાંખી. વળી તેઓએ કહ્યું કે ખાસડાં કાઢી નાંખો, કેમેકે જુઓ અમારી મંડળીવાળા કોઈ ખાસડાં પહેરતા નથી. માટે તમે પહેરશો તો, અમારી મંડળીમાંથી તમને કાઢી મુકીશું. ત્યારે અમે ખાસડાં પણ કાઢી નાંખ્યાં. વળી કહેતા હતા કે, તમે અંગરખાં કાઢી નાખો; અથવા માફ માગો તો પહેરવા દેઈશું, ત્યારે અમે તેઓને સમજાવતા હતા કે , તમારામાંના કોઈ કોઈ અંગરખાં પએરે છે, માટે અમે પહેર્યાં છે. વળી અમે માફ પણ માગતા હતા ત્યારે તેઓ અમારી વાત સાંભળવા લાગ્યા. તો પણ તેઓને, તમે દીવાના છો, કે તમે નથી સમજતા, એવું અમે કહેતા નહોતા. ઉઘાડે માથે ફરવું, અને ઉઘાડે પગે ચાલવું, તે અમને શરમ જેવું લાગતું હતું ખરૂં. પણ અમે ધાર્યું કે આમ કર્યા વિના આપણે અતડા પડીશું, તો સ્વદેશીઓનું દુઃખ મટાડી શકશું નહિ. અને આપણી વાત તેઓ માનશે નહિ. એ લોકોમાંથી સૈંકડે એક માણસ અમારી વાત સાંભળતો હતો. અને તે સાંભળનારથી સૈંકડે એકે અમારી વાત માની. તો પણ અમને હિંમત છે કે, આ રીતે થોડા થોડા લોકોની ભ્રમના મટાડીશું તો કોઈ વાર આખા શહેરના લોકોની ભ્રમના મટશે ખરી. તે કરતાં તે લોકો થોડા રહેશે, અને આપણી મંડળીમાં ઝાઝા લોકો મળશે, આપણે આપણી મરજી પ્રમાણે પાઘડી બાંધવા ચહાશું તો બાંધી શકશું. કદાપિ આપણી ઉંમરમાં આખું શહેર સુધરેલું આપણે નહિ દેખીએ, તો પણ હિંમત છોડશું નહિ; એવો અમે ઠરાવ કર્યો છે. માટે અમે ધારિયે છૈએ કે પરમેશ્વરની સહાયતાથી અમારો ઉદ્યોગ સુફળ થશે.

પછી તેઓનો ઉદ્યોગ સુફળ થયો. માટે એવી રીતે હલતા મળતા રહીને લોકોને સુધારવા જોઈએ. ક્રૂરચંદ બોલ્યો, કે વારૂ ભઈ, આપણે એ જ રીતે લોકોને સુધારીશું પણ એક સંશય મારા મનમાં છે, તે તમે મટાડો.

સુરચંદ : સો સંશય છે ?

ક્રૂરચંદ : આ પૃથ્વી ઉપર કવિયોએ અનેક પુસ્તકો રચેલાં છે. તેમાં કેટલાએકનાં મત એકબીજાથી વિરૂદ્ધછે. માટે હું કિયા પુસ્તકોનો ભરૂસો રાખું ?

સુરચંદ : ભાઈ ઈશ્વરી ચોપડીનો ભરૂંસો રાખો. તે વિષે વિદ્યાધર અને વિચારધરનો સંવાદ કહું તે સાંભળ.

* * *