તાર્કિક બોધ/૪. ઈશ્વરી ચોપડી વિષે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩. લોકોને સુધારવાનું દૃષ્ટાંત તાર્કિક બોધ
૪. ઈશ્વરી ચોપડી વિષે
દલપતરામ
૫. લખેલી વાત માનવા વિષે →ईश्वरी चोपडी विषे. ४.

વિદ્યાધર અને વિચારધરનો સંવાદ.

વિચારધર—આવો પ્યારા મિત્ર, તમે ઘણે દિવસે આજ મારા ઉપર કૃપા કરીને મારે ઘેર પધાર્યા.

વિદ્યાધર—ભાઈ મારા મનનો એક સંશય મટાડવા સારૂ આજ તો હું આવ્યો છું. તે સંશય એ કે, મેં ઘણાં પુસ્તકો વાંચ્યાં, તેથી મારા મનમાં ઉલટા ઘણા સંશય પેઠા. અને હું તેથી ગભરાટમાં પડ્યો છું, તેથી મેં ધાર્યું કે મારા મિત્ર વિચારધર પાસે હું જઈશ તો તે મારા મનનું સમાધાન કરશે, એમ જાણીને હું આપની પાસે આવ્યો છું.

વિચારધર—શી વાતનો સંશય તમારા મનમાં છે ? તે મને કહો. અને મારા ઘરમાં મેં સૈંકડો પુસ્તકો એકઠાં કર્યાં છે. માટે તમારો જે સંશય હશે, તેનો ખુલાસો હું શાસ્ત્રમાંથી કરી આપીશ.

વિદ્યાધર—અરે ભાઈ, મેં ઉપદેશમાં, તથા નિતીનાં ઘણાં પુસ્તક વાંચ્યાં, તેથી મારા મનમાં એવો વિચાર આવ્યો કે, માણસ માત્રને માથે મરણનો ભય છે. માટે મુઆ પછી પરમેશ્વરને શો જવાબ દેઈશું ? તેની મને ઘણી ફિકર થાય છે. તેથી પરમેશ્વરને ઓળખવાનાં પુસ્તકો વાંચવાની હું ઘણી ચાહના રાખું છું પણ જુદા જુદા કવિયો જુદા જુદા પરમેશ્વર બતાવે છે, અને પ્રભુને પ્રસન્ન કરવાની રીત પણ જુદી જુદી લખી ગયા છે. તેમાંથી હું કેની વાત સાચી, અને કેની જુઠી માનું ?

જો પરમેશ્વરે પોતાને હાથે એક પુસ્તક લખીને આકાશમાં લટકાવી રાખ્યું હોત—તે એવું કે કોઈ માણસથી તેવું બની શકે જ નહિ. તો મારા જેવા બિચારા માણસ કોઈ આવી ફિકરમાં પડત નહિ.

વિચારધર—એક પુસ્તક પરમેશ્વરના જ હાથનું છે, તે હું તમને વંચાવીશ; તેથી તમારા મનને શાંતિ થશે.

વિદ્યાધર—(હશીને કહે છે) એમ તો ઘણા લોકો કહે છે કે, આ મારી પાસે પુસ્તક છે, તે પરમેશ્વરે પોતે જ રચેલું છે. પણ તેની સાબીતી કોઈ કરી આપી શકતા નથી. અને હું જોઉં છું ત્યારે માણસના હાથના અક્ષરથી તે લખેલું હોય છે; માટે મારી ખાતરી નથી.

વિચારધર—હું તો તમને ખાતરી કરી આપીશ કે, તે પુસ્તક કોઈ માણસના હાથથી લખાયેલું નથી; પરમેશ્વરે જ લખેલું છે.

વિદ્યાધર—પરમેશ્વરના દેશમાં કેવા અક્ષરો લખાતા હશે ? હિંદી, ફારશી, અંગરેજી, કે આરબી ?

વિચારધર—એ તમામ જાતના અક્ષરો પરમેશ્વરના દેશમાં ચાલે છે ખરા; પણ હું જે કહું છું તે પુસ્તક પ્રભુએ સઉથી જુદી તરેહના અક્ષરોથી લખેલું છે. અને તેનાં ટીકાઓ માણસોએ પોતપોતાની દેશી લીપીઓમાં લખેલી છે.

વિદ્યાધર—કેટલાંક પૃષ્ટનું એ પુસ્તક છે ?

વિચારધર—ચાર પૃષ્ટનું છે. અને તે આકાશમાં અધર લટકાવી રાખેલું છે. તે એવી યુક્તિથી રચેલું છે કે, એની મેળે તેનાં પૃષ્ટ ફરતાં જાય છે. કોઈને ફેરવવાં પડતાં નથી.

વિદ્યાધર—એ તો તમે મારી મશ્કરી કરો છો. કેમ કે, એવું પુસ્તક જો હોત, તો કોઈ માણસ ભ્રમણામાં પડત નહિ. અને દુનિયામાં ધર્મ પણ એક જ ચાલત.

વિચારધર—હું કોઈની મશ્કરી કરતો નથી. એ પુસ્તક હું તમને દેખાડીશ. એ વાંચવા સારૂં ચમત્કારી ચશ્મા જોઈએ. અને ભણાવનાર પણ હુંશીઆર જોઈએ.

વિદ્યાધર—(હશીને કહે છે) તે કેવા રંગની રૂશનાઈથી લખેલું છે ? સોનેરી, કે રૂપેરી રંગની રૂશનાઈથી ? અને શી રીતે લખેલું છે ?

વિચારધર—તરેહ તરેહ રંગની રૂશનાઈથી લખેલું છે. માહીં વેલ બુટ્ટા કાઢેલા છે. અને હીરા માણક, પનાંથી પણ મોંઘાં જેવરથી એ પુસ્તક શણગારેલું છે. અને ગમે તેવો લહીઓ હુશીઆર હોય, પણ પરમેશ્વરના પુસ્તક જેવું પુસ્તક લખી શકનાર નથી એવું છે.

વિદ્યાધર—વિલાયતના કવિયો, મોટી મોટી ઈમારતના, ઝાડના, પશુના, પક્ષીના, અને પૃથ્વીના નકશા પુસ્તકમાં ચીત્રે છે, તેવા નકશા એ પુસ્તકમાં છે કે ?

વિચારધર—હરેક જાતના નકશા. અને ચિત્રો તેમાં છે. અને એ પુસ્તકમાં ન લખેલી હોય એવી કોઈ બાબત બીજાં પુસ્તકમાં મળનારી જ નથી.

વિદ્યાધર—કેવી રીતથી તેમાં શબ્દો લખેલા છે ? તે વિષે મને કાંઈ સમજાવો.

વિચારધર—સાંભળો. આપણી લખવાની રીતે તો તમે જાણો છો. માટે જુઓ “ત્ર”. આમ હોય ત્યાં તમે શું વાંચો છો ?

વિદ્યાધર—“ત્ર.” હોય ત્યાં આપણે ત્રવાડી વાંચીએ છૈએ.

વિચારધર—વારૂ, જેમ “ત્ર.” એ એક અક્ષરમાં તમે ત્રણ અક્ષર વાંચ્યા; તેમ પરમેશ્વરના પુસ્તકમાં એક એક અક્ષરથી હજારો, અથવા લાખો, કે અસંખ્ય અક્ષરો વંચાય છે.

વિદ્યાધર—ત્યારે એ પુસ્તક મેહેરબાની કરીને મને વંચાવો.

વિચારધર—જુઓ, જેમ આપણા બાવન અક્ષરોમાં ઓંકાર મુખ્ય ગણાય છે; તેમ પરમેશ્વરના પુસ્તકમાં આ સૂર્ય છે તે મુખ્ય અક્ષર ગણાય છે. એ અક્ષર પરમેશ્વનો લખેલો છે. અને એનાથી જગતમાં પ્રકાશ થાય છે. એ જ પરમેશ્વનો મહિમા આપણે જોઈને સમજવાનો છે. એની જ રોજ રોજની ગતિ બાબતના વરણનનું જ્યોતિષ શાસ્ત્ર છે, તે એ અક્ષરની ટીકા છે, તે માણસોએ બનાવેલી છે. માટે તેઓનો ભરૂંસો ન હોય તો, સઉનાં મત વાંચીને પછી તમારી બુદ્ધિ પ્રમાણે તમે પણ ટીકા બનાવો. પછી આ સગળા તારા આકાશમાં દેખાય છે, તે પરમેશ્વના લખેલા અક્ષરો છે એમ જાણો. તે આકાશનાં બે[૧] પૃષ્ટ આપણે દેખીએ છૈએ. તેમ જ પૃથ્વીનાં પણ બે પૃષ્ટ છે. એમ થઈને ચાર પૃષ્ટનું એ પુસ્તક છે.

માણસ, પશુ, પક્ષી, અને વનસ્પતિ વગેરે તમામ જે દેખાય છે, તે હરેક વસ્તુ વિષે તમે ધારો કે, એ પરમેશ્વના લખેલા અક્ષરો છે. વૈદકશાસ્ત્ર માણસોએ લખેલું છે, તે વનસ્પતિની ટીકા છે. શરીરવિદ્યા, તે શરીરની ટીકા છે. એ જ રીતે માણસોએ લખેલાં સગળાં પુસ્તકો છે, તે પરમેશ્વરના પુસ્તકની ટીકાઓ છે. તે ટીકાઓમાં જુદાં જુદાં મત હોય તેની કાંઈ ફિકર નહિ. પણ પરમેશ્વરના પુસ્તકનો સિદ્ધાંત એક જ છે. અને પરમેશ્વરના બાંધેલા કાયદા એ જ પરમેશ્વરનો બાંધેલો ધર્મ છે; તે એવો કે, પગે ચાલવું, મોઢે ખાવું, આંખે જોવું, અને કાને સાંભળવું, ઇત્યાદિ. હવે જેને આપણે ફાયદો કરીશું, તે આપણને ફાયદો કરશે. એવું છે, માટે માણસજાતિ સાથે આપણે સંપ કરીશું, તો તે આપણી સાથે સંપ રાખશે. અને માણસોએ બાંધેલા કેટલાએક કાયદા માણસજાતને સુખકારી છે, અને તે બરાબર અમલમાં આવે, તે સારૂં લખ્યું છે કે, આ કાયદો તોડનાર પરમેશ્વરનો ગુનેહગાર થાય છે. તે વિષે એવું સમજવું કે, જેમ કોઈ માણસ એવી પ્રતિજ્ઞા લખે કે, મારા વંશ પરંપરામાં કોઈ આ કરાર તોડે તો, તે પરમેશ્વરનો ગુનેહગાર છે. એવી જ મતલબથી લખેલું છે એમ જાણવું. અને માણસ જાતમાં સંપ તુટે, ને કપાઈ મરે, એવું કરવાથી પરમેશ્વર નારાજી થાય એમાં કાંઈ સંશય પણ નથી. માટે માણસોમાં ખોટા રસ્તે ચાલ્યા હોય તો, સમજાવી સમજાવીને સારે રસ્તે ચલાવવાનો ઉપાય કરવો પણ ઘણું નુકશાન થાય, એવી રીતે એકદમ સંપ, સલાહ, તુટી જાય તેમ જુના રસ્તા તોડવા નહિ એવી ઈશ્વરની મરજી હોય, એમ ઈશ્વરી કાયદા ઉપરથી મને ભાસે છે.

તમે પરમેશ્વરનું પુસ્તક વાંચી વાંચીને જેમ જેમ વિચાર કરશો, તેમ તેમ તમને ઈશ્વરનો ઘણો મહિમા સમજાશે. અને તેને પ્રસન્ન કરવાની રીત ઈશ્વરી કાયદા ઉપરથી જ તમને માલુમ પડશે.

વિદ્યાધર—વાહ વાહ ભાઈ, હવે મારો બધો સંશય મટ્યો. આ પુસ્તક તમે મને બહુ સારૂં દેખાડ્યું. હવેથી હું એ જ વાંચીશ. ને વિચારીશ. અને પરમેશ્વરને રાજી કરવાની રીત આમાંથી જ મને જડશે. એમ કહીને ગયો. એ વાત સાંભળીને.

ક્રૂરચંદ—ત્યારે લખેલાં પુસ્તકો બધાં સાચાં માનવાં કે જૂઠાં ?

સુરચંદ—ભાઈ, જેવી જેની મરજી, તે પ્રમાણે અસંખ્ય પુસ્તકો લખેલાં છે. તેમાં કેટલાંક તો નરમેઘ યજ્ઞ કરીને માણસ મારવાથી પ્રભુ રાજી થાય, એવી મતલબનાં પણ છે. માટે વિચાર કરીને લખેલી વાત માનવી. તે વિષે વાત કહું તે સાંભળ.
  1. એક આપણા માથા ઉપરનો આકાશ, અને બીજો પૃથ્વી નીચે.