લખાણ પર જાઓ

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/અંતરની વિશેષ મુસીબતો

વિકિસ્રોતમાંથી
← ગોરા સહાયકો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
અંતરની વિશેષ મુસીબતો
મોહનદાસ કરમચંદ ગાંધી
જનરલ સ્મટ્સનો વિશ્વાસઘાત (?) →


૨૪. અંતરની વિશેષ મુસીબતો


એકવીસમા પ્રકરણમાં આપણને કંઈક અંતરની મુસીબતોનો ખ્યાલ આવ્યો. હુમલાને વખતે મારું કુટુંબ તો ફિનિક્સમાં વસતું હતું. હુમલાથી તેઓનો જીવ ઊંચો થાય એ સ્વાભાવિક હતું. મને જોવાને ફિનિક્સથી જોહાનિસબર્ગ પૈસા ખરચીને દોડી અવાય એવું તો ન જ બની શકે. એટલે સાજો થયે મારે જ જવાનું રહ્યું હતું. નાતાલ અને ટ્રાન્સવાલ વચ્ચે મારી આવજા તો કામ પ્રસંગે થયા જ કરતી. સમાધાની વિશે નાતાલમાં ખૂબ ગેરસમજૂતી ફેલાઈ હતી, એ મારી જાણ બહાર ન હતું. મારી ઉપર અને બીજાઓની ઉપર કાગળો આવતા, તેથી હું જાણતો; અને ઘણા કટાક્ષ કરનારા કાગળ 'ઈન્ડિયન ઓપીનિયન' ઉપર આવેલા તેનો થોકડો મારી પાસે હતો. જોકે હજી સુધી સત્યાગ્રહ તો ટ્રાન્સવાલના હિંદીઓને જ કરવાનો રહ્યો હતો. તો પણ નાતાલના હિંદીઓની સંમતિ અને લાગણી જાળવવી રહી હતી. ટ્રાન્સવાલના હિંદીઓ ટ્રાન્સવાલ નિમિત્તે આખા દક્ષિણ આફ્રિકાના હિંદીઓની લડત લડી રહ્યા હતા. તેથી નાતાલમાં થયેલી ગેરસમજૂતી દૂર કરવાને સારુ પણ મારે ડરબન જવાની જરૂર હતી. તેથી પહેલો જ પ્રસંગ લઈને હું ત્યાં ગયો.

ડરબનમાં હિંદીઓની જાહેર સભા ભરવામાં આવી. મને કેટલાક મિત્રોએ પહેલેથી જ જણાવી દીધું હતું કે, આ સભામાં મારી ઉપર હુમલો થવાનો છે, અને મારે કાં તો સભામાં જવાનું મુલતવી રાખવું અથવા રક્ષણને સારુ કંઈ ઉપાય લેવા. બેમાંથી એકે વસ્તુ મારાથી થઈ શકે તેમ ન હતી. સેવકને શેઠ બોલાવે અને તે બીકથી ન જાય એટલે તેનો સેવાધર્મ ગયો. અને શેઠની સેવાથી બીએ તે સેવક શાનો ? જાહેર સેવા સેવાની ખાતર કરવી એ ખાંડાની ધારે ચાલવા જેવું છે. જાહેર સેવક સ્તુતિ લેવાને તૈયાર થઈ જાય છે, તો નિંદાથી કેમ ભાગી શકે ? તેથી હું તો નીમેલે વખતે બરાબર હાજર થયો. સમાધાની કેમ થઈ એ સમજાવ્યું. સવાલો થયા તેના જવાબ પણ આપ્યા.

આ સભા રાતના આઠેક વાગ્યે થઈ હતી. કામ લગભગ પૂરું થવા આવ્યું હતું તેટલામાં એક પઠાણ પોતાની ડાંગ લઈને માંચડા ઉપર આવ્યો. તે જ વખતે બત્તીઓ ઠરી. હું સમજી ગયો. પ્રમુખ શેઠ દાઉદ મહમદ ટેબલ ઉપર ચડ્યા. લોકોને સમજાવવા લાગ્યા. મને બચાવ કરવાવાળાઓએ ઘેરી લીધો. મેં રક્ષણનાં પગલાં નહોતાં ભર્યા, પણ મેં પાછળથી જોયું કે જેઓને હુમલાની બીક હતી તેઓ તો સજ્જ થઈને આવ્યા હતા. તેમાંથી એક તો પોતાના ખીસામાં રિવૉલ્વર રાખીને આવેલો. અને તેનો એક ખાલી ભડાકો પણ કર્યો. દરમ્યાન પારસી રુસ્તમજી જેમણે હુમલાની તૈયારીઓ જોઈ હતી એઓ વીજળીને વેગે દોડયા અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઍલેકઝેન્ડરને ખબર આપી. તેણે પોતાની પોલીસની એક ટુકડી મોકલાવી. અને પોલીસ, એ ગરબડમાં રસ્તો કરી, મને પોતાની વચ્ચે રાખી, પારસી રુસ્તમજીને ત્યાં લઈ ગઈ.

બીજે દિવસે સવારે પારસી રુસ્તમજીએ ડરબનના પઠાણોને ભેળા કર્યા અને તેમને મારી સામે જે કંઈ ફરિયાદ હોય તે મારી પાસે મૂકવા કહ્યું. તેઓને હું મળ્યો. તેઓને શાંત કરવાની કોશિશ કરી, પણ મને લાગતું નથી કે તેઓને હું શાંત કરી શકયો. વહેમની દવા દલીલથી કે સમજૂતીથી થઈ શકતી નથી. તેઓના મનમાં ઠસી ગયું હતું કે મેં કોમને દગો દીધો છે, અને એ મેલ જ્યાં સુધી તેમના મગજમાંથી ન નીકળે ત્યાં સુધી મારું સમજાવવું નકામું જ હોય.

તે જ દિવસે ફિનિક્સ પહોંચ્યો. જે મિત્રો આગલી રાતે મારું રક્ષણ કરવામાં રોકાયા હતા તેઓએ મને એકલો મૂકવાની સાફ ના પાડી અને પોતે ફિનિક્સમાં પડાવ નાખશે એવું મને સંભળાવી દીધું. મેં કહ્યું, "તમે મારી ના ઉપરવટ થઈને આવવાને ઇચ્છશો તો હું રોકી નહીં શકું; પણ ત્યાં તો જંગલ છે અને ત્યાંના વસનારાઓ અમે તમને ખાવાનું પણ નહીં આપીએ તો તમે શું કરશો ?" તેમાંના એકે જવાબ આપ્યો, "અમને એવો ડર બતાવવાની જરૂર નથી. અમારી સગવડ અમે કરી શકીશું. અને અમે જ્યાં સુધી સિપાઈગીરી કરતા હોઈશું ત્યાં સુધી તમારા કોઠારની લૂંટ કરતાં પણ અમને કોણ રોકનાર હતું ?"

એવા પ્રકારનો વિનોદ કરતાં અમે ફિનિક્સ ગયા. આ ટુકડીનો મુખી એક હિંદીઓમાં પ્રખ્યાતિ પામેલો જૅક મુડલી નામે હતો. તે નાતાલમાં તામિલ માબાપને ત્યાં જન્મયો હતો. તેણે મુકકાબાજીની (બૉકિસંગની) ખાસ તાલીમ લીધી હતી, અને તે એમ માનતો હતો અને તેના સાથીઓ પણ એમ માનતા કે, મુક્કાબાજીમાં ગોરા કે કાળામાંથી કોઈ જૅક મુડલીનો હરીફ થઈ શકે એવો ન હતો. દક્ષિણ આફ્રિકામાં મારી આદત, જયારે વરસાદ ન હોય ત્યારે, ઘણાં વરસ થયાં, તદ્દન બહાર ઉઘાડામાં સૂવાની હતી. તેમાં આ વખતે ફેરફાર કરવા હું તૈયાર ન હતો. તેથી સ્વનિર્મિત રક્ષકોની ટુકડીએ રાતના મારા બિછાના પાસે પહેરા ભરવાનું નકકી કર્યું. જોકે આ ટુકડીની ડરબનમાં મેં મજાક કરેલી ને તેઓને આવતા રોકવાનો પણ પ્રયત્ન કરેલો, છતાં મારે મારી એટલી નબળાઈ કબૂલ કરવી જોઈએ કે, જ્યારે તેઓએ પહેરો શરૂ કર્યો ત્યારે મને વધારે નિર્ભયતા લાગી, અને મનમાં એમ પણ થયું કે, જો તેઓ ન આવ્યા હોત, તો હું આટલો જ નિર્ભય થઈને સૂઈ શકત ખરો ? મને એમ ભાસે છે કે કંઈ અવાજથી હું અવશ્ય ચમકી ઊઠત.

ઈશ્વર ઉપરની મારી શ્રદ્ધા અવિચળ છે એમ હું માનું છું. મોત એ મનુષ્યજિંદગીમાં એક મોટો ફેરફાર જ છે અને તે ગમે ત્યારે આવે ત્યારે આવકારદાયક જ છે, એમ પણ મારી બુદ્ધિ ઘણાંયે વર્ષો થયાં કબૂલ કરતી આવી છે. હૃદયમાંથી મોતનો તેમ જ બીજા ભયો કાઢી નાખવાને મેં જ્ઞાનપૂર્વક મહાપ્રયત્ન કરેલો છે. આમ છતાં મારી જિંદગીમાં એવા અવસરો મને યાદ આવી શકે છે કે જ્યારે મોતની ભેટનો વિચાર કરતાં, જેમ એક વિયોગી મિત્રની ભેટનો વિચાર કરતાં આપણે ઊછળીએ, તેમ હું ઊછળી શકયો નથી. આ પ્રમાણે સબળ થવા મહાપ્રયત્ન કરતા છતાં પણ મનુષ્ય ઘણી વાર નબળો રહે છે, અને બુદ્ધિમાં કરેલું જ્ઞાન અનુભવનો અવસર આવ્યે તેને બહુ ઉપયોગમાં નથી આવી શકતું. તેમાંયે વળી જ્યારે તેને બાહ્ય આશ્રય મળે છે અને તેનો તે સ્વીકાર કરી લે છે ત્યારે તો તે પોતાનું અંતરબળ ઘણે ભાગે ખોઈ બેસે છે. સત્યાગ્રહીને આવી જાતના ભયોમાંથી સદાય બચતા રહેવાનું છે.

ફિનિકસમાં મેં એક જ ધંધો કર્યો. ગેરસમજૂતી દૂર કરવા સારુ ખૂબ લખવાનું શરૂ કર્યું. અધિપતિ અને શંકાશીલ વાચકવર્ગની વચ્ચે એક કલ્પિત સંવાદ લખી નાખ્યો. તેમાં જે જે શંકાઓ અને આક્ષેપો મેં સાંભળ્યા હતા તે બધાનો, મારાથી બની શકે તેટલી વિગતથી, નિકાલ કર્યો. પરિણામ સારું આવ્યું એમ હું માનું છું. જેઓમાં ખરેખર ગેરસમજૂતી થઈ હોત અથવા રહી હોત તો દુ:ખદ પરિણામ આવત, તેઓમાં ગેરસમજૂતીએ ઘર ન કર્યું એ તો જાહેર રીતે પ્રસિદ્ધ થયું. સમાધાનીને માન આપવું ન આપવું એ કેવળ ટ્રાન્સવાલમાં વસતા હિંદીઓનું કામ હતું. તેથી તેઓનાં કાર્યો ઉપરથી તેઓની કસોટી થનાર હતી અને મારી પણ નેતા અને સેવક તરીકેની પરીક્ષા હતી. ઘણા જ થોડા હિંદી રહ્યા હશે કે જેઓએ મરજિયાત પરવાના નહીં કઢાવ્યા હોય. પરવાના કાઢનાર અમલદારોને નિરાંત ન રહે એટલા બધા માણસો પરવાના કઢાવવા જતા હતા. અને ઘણી જ ત્વરાથી કોમે સમાધાનીની શરતોમાં પોતાને પાળવાની શરતોનું પાલન કરી બતાવ્યું. આ વાત સરકારને પણ કબૂલ કરવી પડી, અને હું જોઈ શકયો કે ગેરસમજૂતીએ જોકે ઉગ્ર સ્વરૂપ પકડયું હતું પણ તેનું ક્ષેત્ર તો ઘણું જ સંકુચિત હતું. કેટલાક પઠાણોએ જયારે કાયદો પોતાના જ હાથમાં લીધો અને બલાત્કારનો રસ્તો ગ્રહણ કર્યો, ત્યારે મહા ખળભળાટ થયો. પણ તેવા ખળભળાટનું પૃથકકરણ કરવા બેસીએ ત્યારે માલૂમ પડી જાય છે કે, તેને તળિયું હોતું નથી અને ઘણી વેળા તે માત્ર ક્ષણિક હોય છે. આમ છતાં તેનું જોર આજે પણ દુનિયામાં કાયમ છે, કેમ કે ખુનામરકીથી આપણે કંપી ઊઠીએ છીએ. પણ જો ધીરજપૂર્વક વિચાર કરવા બેસીએ તો તુરત માલૂમ પડે કે, કંપવાનું કંઈ જ કારણ નથી. ધારો કે મીરઆલમ અને તેના સાથીઓના ઘાથી જ મારું શરીર જખમી થવાને બદલે નાશ પામ્યું હોત, અને સાથે એમ પણ ધારો કે કોમ ઇરાદાપૂર્વક નિશ્ચિત અને શાંત રહી હોત, મીરઆલમ પોતાની બુદ્ધિને અનુસરીને બીજું ન જ કરી શકે એમ જાણી તેના પ્રત્યે મિત્રભાવ અને ક્ષમાભાવ રાખ્યો હોત; તો કોમને નુકસાન ન થયું હોત, એટલું જ નહીં, પણ કોમને તેમાંથી અતિશય લાભ થયો હોત, કેમ કે કોમમાં તો ગેરસમજૂતીનો અભાવ હોત, તેથી કોમ બમણા જુસ્સાથી પોતાની પ્રતિજ્ઞાને વળગી રહેત અને પોતાના કર્તવ્યનું પાલન કરત. મને તો કેવળ લાભ થયો હોત. કેમ કે, સત્યાગ્રહીને પોતાના સત્યનો આગ્રહ રાખતાં સત્યાગ્રહના પ્રસંગમાં જ અનાયાસે મોતની ભેટ થાય તેના જેવું મંગલ પરિણામ બીજું તે કલ્પી જ ન શકે.

ઉપરની દલીલો સત્યાગ્રહ જેવી લડતને જ લાગુ પડી શકે છે, કેમ કે તેમાં વેરભાવને સ્થાન જ નથી. અાત્મશક્તિ અથવા સ્વાવલંબન એ જ એક સાધન છે. તેમાં એકે બીજાની સામે જોઈને બેસવાનું નથી રહ્યું. તેમાં કોઈ નેતા નથી, એટલે કોઈ સેવક નથી. અથવા તો સૌ સેવક અને સૌ નેતા છે. તેથી ગમે તેવા પીઢ માણસનું મૃત્યુ એ લડતને હળવી નથી કરતું, એટલું જ નહીં, પણ લડતનો વેગ વધારે છે.

આ સત્યાગ્રહનું શુદ્ધ અને મૂળ સ્વરૂપ છે. અનુભવમાં આપણે એવું જોતા નથી, કેમ કે બધાએ વેરનો ત્યાગ કર્યો હોતો નથી. અનુભવમાં સૌ સત્યાગ્રહનું રહસ્ય સમજતા પણ જોવામાં આવતા નથી અને થોડાનું જોઈને ઘણા તેનું મૂઢ અનુકરણ કરે છે. વળી સામુદાયિક અને સામાજિક સત્યાગ્રહનો ટ્રાન્સવાલનો અખતરો એ, ટૉલ્સટૉયના કહેવા પ્રમાણે તો, પહેલો જ ગણાય. હું પોતે શુદ્ધ સત્યાગ્રહના ઐતિહાસિક દાખલા જાણતો નથી. મારું ઐતિહાસિક જ્ઞાન નજીવું હોવાથી હું આ વિશે નિશ્ચયપૂર્વક અભિપ્રાય નથી બાંધી શકતો. પણ ખરું જોતાં આપણને એવા દાખલાઓની સાથે પણ સંબંધ નથી. સત્યાગ્રહનાં મૂળ તત્ત્વો સ્વીકારો એટલે મેં કહ્યાં એ પરિણામ તેમાં રહેલાં જ છે એમ જોઈ શકાશે. એનો અમલ કરવો એ મુશ્કેલ અથવા અશકય છે એમ દલીલ કરીને આવી અમૂલ્ય વસ્તુને ઉડાવી ન શકાય. શસ્ત્રબળના બીજા અખતરાઓ તો હજારો વર્ષ થયાં થતા જ આવ્યા છે. તેનાં કડવાં પરિણામો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. ભવિષ્યમાં તેમાંથી મીઠાં પરિણામો ઊપજવાની આશા થોડી જ બાંધી શકાય. અંધારામાંથી જો અજવાળું ઉત્પન્ન કરી શકાતું હોય તો વેરભાવમાંથી પ્રેમભાવ પ્રકટાવી શકાય.