લખાણ પર જાઓ

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ખાણના માલિકો પાસે અને પછી

વિકિસ્રોતમાંથી
← મજૂરોની ધારા દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
ખાણના માલિકો પાસે અને પછી
મોહનદાસ કરમચંદ ગાંધી
ટ્રાન્સવાલમાં પ્રવેશ →


'તમે પરિણામ જાણો છો ?'

'હું સાવધાન છું. મારી જવાબદારીનો મને પૂરો ખ્યાલ છે.'

'હાસ્તો, તમારું શું જવાનું છે ? પણ જે નુકસાન આ ભોળવાયેલા મજૂરોને થાય છે એ તમે આપશો કે ?'

'મજૂરોએ સમજપૂર્વક અને નુકસાનને ધ્યાનમાં રાખીને આ હડતાળ પાડી છે. સ્વમાનહાનિ કરતાં બીજું વધારે મોટું નુકસાન હું સમજી શકતો નથી. મજૂરો આ વાત સમજ્યા છે એ જ મને સંતોષ છે.'

આવા પ્રકારની વાતો થઈ. આખી વાત મને આ વેળા યાદ નહીં આવી શકે. મને જે મુદ્દાઓ યાદ રહ્યા છે તે મેં ટૂંકામાં આપ્યા છે. માલિકોને પોતાનો કેસ લૂલો લાગ્યો એમ તો હું જોઈ શાક્યો; કેમ કે તેઓની મસલત સરકાર સાથે તો ચાલતી જ હતી.

જતાં ને વળતાં મેં જોયું કે ટ્રેનના ગાર્ડ વગેરેની ઉપર આ હડતાળની અને લોકોની શાંતિની છાપ પણ બહુ સારી પડી હતી. મારી મુસાફરી તો ત્રીજા વર્ગમાં ચાલતી હતી. પણ ત્યાંયે ગાર્ડ વગેરે અમલદારો મને ઘેરી લેતા, ખંતપૂર્વક હકીકત પૂછતા ને સૌને ફતેહ ઇચ્છતા. મને અનેક પ્રકારની ઝીણી સગવડો કરી આપતા. મારો તેમની સાથેનો સંબંધ હું નિર્મળ રાખતો. એક પણ સગવડને સારુ તેઓને લાલચ ન આપતો. પોતાની ઇચ્છાએ વિનય જાળવે તો મને રુચિકર હતું, પણ વિનય વેચાતો લેવાનો પ્રયત્ન જ નહોતો કર્યો, ગરીબ, અભણ, અણસમજુ મજૂરો આટલી દૃઢતા જાળવી શકે એ તેમને આશ્ચર્યકારક લાગ્યું. ને દૃઢતા તેમ જ બહાદુરી એવા ગુણ છે કે જેની છાપ વિરોધીઓની ઉપર પણ પડયા વિના નથી રહતી.

હું ન્યૂકૅસલ પાછો પહોંચ્યો. લોકોની ધારા તો ચાલી જ રહી હતી. લોકોને બધી વાત ઝીણવટથી સમજાવી, તેમને પાછા જવું હોય તો જઈ શકે છે એમ પણ કહ્યું, માલિકોની ધમકીની વાત પણ કરી; ભવિષ્યમાં રહેલાં જોખમોનું વર્ણન પણ કરી બતાવ્યું. લડાઈ કયારે પૂરી થશે એ પણ ન કહી શકાય. જેલનાં દુ:ખો સમજાવ્યાં, પણ લોકો અડગ રહ્યા. 'તમે લડવા તૈયાર હશો ત્યાં લગી અમે હારવાના જ નથી, અમે દુઃખ સમજીએ છીએ, અમારી ચિંતા ન કરજો.' એવો નિર્ભય જવાબ મને મળ્યો.

મારે હવે તો કૂચ કરવાનું જ બાકી રહ્યું હતું. એક દિવસ મળસકે ઊઠીને કૂચ કરવાનું લોકોને કહી દીધું. રસ્તે ચાલવાના નિયમો સંભળાવ્યા. પાંચછ હજારનું ટોળું સાચવવું એ જેવી તેવી વાત ન હતી. તેઓની ગણતરી તો મારી પાસે હતી જ નહીં. નહોતાં નામઠામ. જે રહ્યા તે રહ્યા એ હિસાબ હતો. સૌને સવા શેર રોટી અને અઢી રૂપિયાભાર ખાંડ સિવાય બીજો ખોરાક આપવાની શક્તિ ન હતી. આ ઉપરાંત રસ્તામાં જો હિંદી વેપારીઓ કંઈ આપે તો તે માગી લઈશ એમ કહ્યું હતું. પણ લોકોએ રોટી અને ખાંડથી સંતોષ વાળવાનો હતો. મને બોઅર લડાઈ તથા હબસીની લડાઈમાં મળેલો અનુભવ ખૂબ કામમાં આવ્યો. સાથે જોઈ તે કરતાં વધારે કપડાં ન જ રખાય એ શરત તો હતી જ. રસ્તામાં કોઈનો માલ ન લેવાય, અમલદારો અથવા કોઈ અંગ્રેજ મળે, ગાળો દે અથવા માર પણ મારે તે સહન કરવો, કેદ કરે તો થઈ જવું, હું પકડાઈ જાઉં તોપણ તેઓએ કૂચ ચાલુ રાખવી વગેરે વાતોની સમજણ પાડી એક પછી એક માણસો મારી અવેજીમાં કોણ કોણ નિમાશે એ પણ જણાવ્યું.

લોકો સમજ્યા. કાફલો સહીસલામત ચાર્લ્સટાઉન પહોંચ્યો. ચાર્લ્સટાઉનમાં વેપારીઓએ ખૂબ મદદ કરી. પોતાનાં મકાનોનો ઉપયોગ આપ્યો. મસ્જિદના ફળિયામાં રસોઈ કરવાની રજા આપી. કૂચને વખતે જે ખોરાક અપાતો તે સ્થાયી મુકામમાં ન જ હોય એટલે રસોઈનાં વાસણો જોઈએ જ. તે પણ તેઓએ ખુશીથી આપ્યાં. ચોખા વગેરે તો મારી પાસે ખૂબ થઈ ગયા હતા. તેમાં પણ વેપારીઓએ પોતાનો હિસ્સો આપ્યો.

ચાર્લ્સટાઉન નાનું સરખું ગામડું ગણાય. તેમાં આ વેળા ભાગ્યે ચારપાંચ હજારની વસ્તી હશે; તેમાં આટલા માણસોને સમાવવા મુશ્કેલીની વાત હતી. બૈરાંછોકરાં વગેરેને જ મકાનોમાં રાખ્યાં. ઘણાંને તો મેદાનમાં જ મૂકી દીધાં હતાં.

અહીંનાં મધુર સ્મરણો ઘણાં છે ને કેટલાંક કડવાં પણ છે. મધુર સ્મરણમાં મુખ્યત્વે ચાર્લ્સટાઉનના આરોગ્યખાતાનું ને તેના આરોગ્યખાતાના અમલદારનું છે. તેઓ આવડી વસ્તી વધેલી જોઈ ગભરાયા, પણ કંઈ પણ આકરા ઉપાય લેવાને બદલે મને જ મળ્યા, ને કેટલીક સૂચનાઓ કરીને મને મદદ કરવાનું પણ કહ્યું. ત્રણ વસ્તુની સંભાળ યુરોપના લોકો રાખે છે, આપણે નથી રાખતા. પાણીની સ્વચ્છતા, રસ્તાની અને પાયખાનાની સ્વચ્છતા. મારે પાણી ના ઢોળાવા દેવું, જ્યાંત્યાં લોકોને લઘુશંકા ન કરવા દેવી અને કયાંયે કચરો ન નાખવા દેવો; તેઓ બતાવે તે જ જગ્યાએ લોકોને મારે રાખવા અને ત્યાંની સ્વચ્છતાને સારુ મારે જવાબદાર થવું, આ બધું મેં ઉપકાર સાથે કબૂલ કર્યું. મને પૂરી શાંતિ થઈ.

આપણા માણસોની પાસે આ નિયમોનું પાલન કરાવવું એ ઘણું કઠિન કામ છે. પણ લોકોએ અને સાથીઓએ તે સહેલું કરી મૂકર્યું. મારો અનુભવ સદાય એવો છે કે, સેવક સેવા કરે ને હુકમ ન કરે તો ઘણું થઈ શકે છે. સેવક પોતે પોતાનું શરીર વાળે તો બીજા પણ વાળશે. આનો પૂરતો અનુભવ આ છાવણીમાં મળ્યો. મારા સાથીઓ અને હું ઝાડુ વાળવાનું, મેલું ઉપાડવાનું વગેરે કામ કરતાં જરાયે અાંચકો ન ખાતા. તેથી લોકો તે કામ હોંશે ઊંચકી લેતા. આમ ન કરીએ તો કોને હુકમ કરાય ? સૌ સરદાર થઈને બીજાને હુકમ કરે ને છેવટે કામ થાય જ નહીં. પણ જ્યાં સરદાર પોતે જ સેવક બને ત્યાં બીજા સરદારીનો દાવો જ કેમ કરી શકે ?

સાથીઓમાં કૅલનબૅક પહોંચી ગયા હતા. મિસ શ્લેશિન પણ હાજર થઈ ગઈ હતી. એ બાઈની મહેનત, કાળજી ને પ્રામાણિકપણાની સ્તુતિ જેટલી કરું તેટલી ઓછી છે. હિંદીઓમાં મરહૂમ પી. કે. નાયડુ અને ક્રિસ્ટોફરનાં નામ મને અત્યારે તો યાદ આવે છે, બીજા પણ હતા. તેઓએ પણ ખૂબ મહેનત કરીને મદદ દીધી. રસોઈમાં ચોખા ને દાળ અપાતાં. લીલોતરી ખૂબ આવી પડી હતી, પણ તે નોખી રાંધી શકાય તેવી સ્થિતિ જ નહોતી એટલે તે દાળમાં નાખવામાં આવતી. નોખું રાંધવાનો વખત ન મળે, તેટલાં વાસણ પણ ન હોય. રસોડું ચોવીસ કલાક ચાલતું, કેમ કે માણસો ભૂખ્યાંતરસ્યાં ગમે ત્યારે આવી પહોંચે. ન્યૂકૅસલમાં કોઈને રહેવાપણું જ ન હતું. બધાને રસ્તાની ખબર હતી એટલે ખાણમાંથી નીકળીને સીધા ચાર્લ્સટાઉન પહોંચે.

માણસોની ધીરજનો ને સહનશીલતાનો વિચાર કરું છું ત્યાં મારી આગળ ઈશ્વરનો મહિમા ખડો થાય છે. રસોઈ કરનારમાં મુખિયો હું રહ્યો. કોઈ વેળા દાળમાં વધારે પાણી પડે તો કોઈ વેળા તે કાચી રહે. કોઈ વેળા શાક ન ચડયું હોય ને કોઈ વેળા ભાત પણ કાચો રહી જાય. આવું ખાણું હસતે ચહેરે લઈ જમનારા મેં જગતમાં ઘણા ભાળ્યા નથી. એથી ઊલટું દક્ષિણ આફ્રિકાની જેલમાં એવો પણ અનુભવ લીધો કે સારા શિક્ષિત ગણાતાનો મિજાજ જરા ઓછું કે મોળું કે કાચું મળ્યું છે તો ગયો છે.

રાંધવા કરતાં પીરસવાનું કામ વધારે મુશ્કેલ હતું; અને તે તો મારે હસ્તક જ રહે. કાચાપાકાનો હિસાબ તો મારે જ આપવો રહ્યો. ખોરાક ઓછો હોય ને માણસો વધી પડે ત્યારે ઓછું આપી સંતોષવાનું પણ મારે હાથ જ રહ્યું. એ બહેનો કે જે મેં ઓછું આપ્યું હોય ત્યારે પળ વાર મારા સામું ઠપકાની નજરે જોઈને પછી મને સમજી હસીને ચાલતી થાય એ દૃશ્ય જિંદગીભર ન ભુલાય તેવાં છે. હું કહી દઉં કે, 'હું લાચાર બન્યો છું. મારી પાસે પકાવેલું થોડું છે ને જણાં ઘણાં છે એટલે મારે ભાગે પડતું જ આપવું રહ્યું.' આટલું સમજે એટલે “સંતોષમ્' કહી હસીને રવાના થાય.

આ તો બધાં મધુર સ્મરણો. કડવાં એ હતાં કે, માણસોને ઘડી નવરાશ મળી એટલે માંહોમાંહ ટંટાના અને તેથી પણ નઠારા વ્યભિચારના દાખલા મળી આવે. સ્ત્રીપુરુષોને સાથે રાખવાં જ પડતાં હતાં. ભીડ પણ એટલી જ. વ્યભિચારીને શરમ તો હોય જ શાને ? આ દાખલાઓ બનતાં હું જઈ પહોંચ્યો. માણસો શરમાયા. તેઓને અલગ રાખ્યા. પણ મારી જાણમાં નહીં આવ્યા હોય એવા કિસ્સા કેટલા બન્યા હશે તે કોણ કહી શકે ? આ વસ્તુનું વધારે વર્ણન કરવું નિરર્થક. બધું સીધું જ સીધું ન હતું એ જણાવવા ખાતર, તેમ જ આવા કિસ્સા બન્યા ત્યારે પણ કોઈએ ઉદ્ધતાઈ નથી વાપરી એ બતાવવા, મેં આટલું વર્ણન દાખલ કર્યું છે. જંગલી જેવા, નીતિ-અનીતિનો ભેદ બહુ ન જાણનારા લોકો પણ સારા વાતાવરણમાં કેવા સીધા ચાલે છે એ મેં આવે અનેક સમયે અનુભવ્યું છે. અને એ જાણવું વધારે આવશ્યક ને લાભદાયી છે.