દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટ્રાન્સવાલમાં પ્રવેશ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ખાણના માલિકો પાસે અને પછી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
ટ્રાન્સવાલમાં પ્રવેશ
મોહનદાસ કરમચંદ ગાંધી
ટ્રાન્સવાલમાં પ્રવેશ (ચાલુ) →


૧૯. ટ્રાન્સવાલમાં પ્રવેશ


આપણે હવે સન ૧૯૧૩ના નવેમ્બરની શરૂઆતમાં છીએ. કૂચ કરીએ તેના પહેલાં બે બનાવોની નોંધ લઈ જઈએ. ન્યૂકૅસલમાં દ્રાવિડ બહેનો જેલ ગઈ તેથી બાઈ ફાતમા મહેતાબથી ન રહેવાયું એટલે તે પણ પોતાની મા અને સાત વર્ષના બચ્ચા સાથે જેલ જવા ઊપડી ગઈ ! મા- દીકરી તો પકડાયાં, પણ બચ્ચાને લેવાની સરકારે ચોખ્ખી ના પાડી. બાઈ ફાતમાનાં અાંગળાંની છાપ લેવાની પોલીસે કોશિશ કરી. પણ બાઈ ફાતમા નીડર રહી અને પોતાનાં અાંગળાં ન જ આપ્યાં.

આ વખતે હડતાળ પુરજોરમાં ચાલી રહી હતી. તેમાં જેમ પુરુષો તેમ સ્ત્રીઓ પણ આવતી. આમાંની બે માતાઓ પોતાનાં બાળકડાં સહિત હતી. એક બાળકને કૂચમાં શરદી થઈ ને તે મરણને શરણ થયું. બીજીનું બાળક એક વોંકળો ઓળગતાં તેની કાખેથી પડી ગયું અને ધોધમાં તણાઈ ડૂબી મૂઉં. પણ માતા નિરાશ ન થઈ. બંનેએ પોતાની કૂચ જારી રાખી. એકે કહ્યું : 'આપણે મૂએલાંનો શોક કરીને શું કરશું ? તે કાંઈ પાછાં આવશે ? જીવતાંની સેવા કરવી એ આપણો ધર્મ છે.' આવા શાંત બહાદુરીના, આવી ઈશ્વરઅાસસ્થાના, આવા જ્ઞાનના દાખલા ગરીબોમાં મેં અનેક વેળા અનુભવ્યા છે.

આવી દૃઢતાથી ચાર્લ્સટાઉનમાં સ્ત્રીપુરુષો પોતાનો કઠિન ધર્મ પાળી રહ્યાં હતાં. પણ અમે ચાર્લ્સટાઉનમાં કંઈ શાંતિને સારુ નહોતા આવ્યા. શાંતિ જેને જોઈએ તેણે અંતરમાંથી મેળવી લેવી. બહાર તો જ્યાં જુઓ ને જોતાં આવડે તો 'અહીં શાંતિ નથી મળતી' એવાં પાટિયાં નજરે પડે છે. પણ એ અશાંતિની વચ્ચે મીરાંબાઈ જેવી ભકતાણી હાથમાં ઝેરનો પ્યાલો રાખી મોઢે માંડતી હસે છે. પોતાની અંધારી કોટડીમાં બેઠેલો સૉક્રેટિસ પોતાના હાથમાં ઝેરનો પ્યાલો રાખે છે, ને પોતાના મિત્રને ગૂઢ જ્ઞાન આપે છે અને આપણને શીખવે છે : 'જેને શાંતિ જોઈએ તેણે પોતાના હૃદયમાંથી શોધી લેવી.'

આવી જ શાંતિમાં સત્યાગ્રહીની ટુકડી છાવણી નાખી પ્રાતઃકાળે શું થશે તેની ચિંતા કરતી પડી હતી.

મેં તો સરકારને કાગળ લખ્યો હતો કે અમે ટ્રાન્સવાલમાં નિવાસ કરવાના હેતુથી પ્રવેશ નથી કરવા માગતા. અમારો પ્રવેશ સરકારના વચનભંગ સામેનો અમલી પોકાર છે; અને અમારા સ્વમાનભંગથી થતા દુ:ખની શુદ્ધ નિશાની છે. અમને તમે અહીં જ – ચાર્લ્સટાઉનમાં –પકડી લેશો તો અમે નિશ્ચિંત થઈશું. જો તમે નહીં જ કરો ને અમારામાંના કોઈ છાની રીતે ટ્રાન્સવાલમાં દાખલ થઈ જશે તો તેને સારુ અમે જવાબદાર પણ નહીં રહીએ. અમારી લડતમાં છાનું કાંઈ જ નથી, વ્યક્તિગત સ્વાર્થ કોઈને સાધવો નથી. કોઈ છાનો પ્રવેશ કરે તે અમને ન ગમે. પણ જ્યાં હજારો અજાણ્યા માણસોની સાથે કામ લેવાનું છે ને જ્યાં પ્રેમ સિવાય બીજું બંધન નથી, ત્યાં કોઈના કાર્યને વિશે અમે જવાબદાર નહીં થઈ શકીએ. વળી એટલું પણ જાણજો કે જે તમે ત્રણ પાઉંડનો કર કાઢી નાખો તો ગિરમીટિયા પાછા કામે વળગશે ને હડતાળ બંધ થશે. અમારાં બીજાં દુ:ખો મટાડવા સારુ તેમને અમે સત્યાગ્રહમાં નહીં જોડીએ.

એટલે સરકાર ક્યારે પકડે તે કહી ન શકાય એવી અનિશ્ચિત સ્થિતિ હતી. પણ સરકારના જવાબની રાહ કંઈ આવી સ્થિતિમાં દિવસો સુધી ન જોવાય. એક ટપાલ કે બે ટપાલની જ રાહ જોઈ શકાય. તેથી જે સરકાર પકડે નહીં તો તુરત જ ચાર્લ્સટાઉન છોડી ટ્રાન્સવાલમાં દાખલ થવાનો નિશ્ચય કર્યો. જો રસ્તામાં ન પકડે તો કાફલાએ હમેશાં વીસથી ચોવીસ માઈલની કૂચ આઠ દિવસની કરવાની હતી. આઠ દિવસમાં ટૉલ્સ્ટૉય ફાર્મ પહોંચવાનો ઈરાદો હતો, ને લડાઈ પૂરી થતાં લગી ત્યાં બધાએ રહેવું ને ફાર્મ ઉપર કામ કરી પોતાની આજીવિકા મેળવવી એવી ધારણા હતી. મિ. કૅલનબૅકે બધી તજવીજ કરી રાખી હતી. ત્યાં માટીનાં મકાનો બનાવવાં ને તે કામ આ કાફલાની પાસે જ કરાવવું. દરમિયાન નાની રાવટીઓ નાખી નબળાં પાતળાંનો તેમાં સમાવેશ કરવો ને જેઓ મજબૂત હોય તેમણે બહાર પડયા રહેવું આમાં અડચણ એ જ આવતી હતી કે હવે વરસાદની મોસમ શરૂ થવાની હતી, એટલે વરસાદના સમયમાં તો સહુને આશરો જોઈએ જ. પણ તેને પહોંચી વળવાની મિ. કેલનબેકની હિંમત હતી.

કાફલાએ કૂચની બીજી તૈયારીઓ પણ કરી. ચાર્લ્સટાઉનના ભલા અંગ્રેજ દાકતરે અમારે સારુ એક નાનકડી દવાની પેટી તૈયાર કરી અાપી અને પોતાનાં કેટલાંક હથિયારો મારા જેવો માણસ વાપરી શકે તે આપ્યાં. અા પેટી અમારે જાતે ઊંચકી જવાની હતી. કાફલા જોડે વાહન કંઈ જ નહોતું રાખવાનું. આ ઉપરથી વાંચનાર સમજી શકશે કે તેમાં અૌષધો અોછામાં અોછાં ને સો માણસોને પણ એકીવખતે પહોંચી શકે તેટલાં ન હતાં. આનું કારણ તો એ હતું કે અમારે દરરોજ કોઈ ગામની નજીક છાવણી નાખવાની હતી, એટલે ખૂટતાં ઔષધ મેળવી શકાય અને સાથે તો અમે એક પણ દરદી કે અપંગને રાખવાના ન હતા. તેને તો રસ્તામાં જ છોડવા એમ ઠર્યું હતું.

ખાવાનું તો રોટી અને ખાંડ સિવાય કંઈ હતું જ નહીં, પણ આ રોટી આઠ દિવસ કઈ રીતે પૂરી પાડી શકાય ? રોજની રોજ લોકોને વહેંચી દેવી જોઈએ. આનો ઉપાય તો એ જ રહ્યો કે અમને દરેક મજલે કોઈ રોટી પહોંચતી કરે. આ કોણ કરે ? હિંદી ભઠિયારા તો હોય જ નહીં. વળી દરેક ગામમાં રોટી બનાવનારા પણ ન હોય; ગામડાંઓમાં રોટી શહેરોમાંથી જાય. અા રોટી તો જે કોઈ ભઠિયારો પૂરી પાડે અને રેલવે તે પહોંચાડે તો જ મળી શકે. ચાર્લ્સટાઉન કરતાં વોકસરસ્ટ (ટ્રાન્સવાલનું ચાર્લ્સટાઉનને લગતું સરહદી મથક) મોટું હતું, ત્યાં ભઠિયારાની (બેકરની) મોટી દુકાન હતી. તેણે ખુશીથી દરેક સ્થળે રોટી પૂરી પાડવાનો કરાર કર્યો. અમારી કફોડી હાલત જાણી બજારભાવ કરતાં વધારે લેવાની પણ તેણે કોશિશ ન કરી; અને રોટી સરસ અાટાની બનાવેલી પૂરી પાડી. રેલવેમાં તેણે વખતસર મોકલી ને રેલવેવાળાઓએ (આ પણ ગોરાઓ જ તો) પ્રામાણિકપણે તે પહોંચાડી; એટલું જ નહીં, તેઓએ તે પહોંચતી કરવામાં પૂરી કાળજી વાપરી, ને અમને કેટલીક ખાસ સગવડો કરી આપી, તેઓ જાણતા હતા કે અમારે કોઈની દુશ્મનાવટ ન હતી, અમારે કોઈને નુકસાન નહોતું પહોંચાડવું અમારે તો દુઃખ વેઠીને દાદ લેવી હતી. અાથી અમારી આસપાસનું આમ વાતાવરણ શુદ્ધ થયું અને રહ્યું. મનુષ્યજાતિનો પ્રેમભાવ પ્રગટ થયો. આપણે બધા ખ્રિસ્તી, યહૂદી, હિંદુ, મુસલમાન ઇત્યાદિ ભાઈઓ જ છીએ એમ સહુએ અનુભવ્યું.

આમ કૂચની બધી તૈયારી થઈ એટલે મેં ફરી સમાધાનીનો પ્રયત્ન કર્યો. કાગળ, તાર વગેરે તો મોકલ્યાં જ હતાં. મારું અપમાન તો કરશે જ, પણ થાય તો ભલે, મારે તો ટેલિફોન પણ કરવો એમ મેં નિશ્ચય કર્યો. ચાર્લ્સટાઉનથી પ્રિટોરિયા ટેલિફોન હતો. મેં જનરલ સ્મટ્સને ટેલિફોન કર્યો. તેના મંત્રીને મેં કહ્યું, 'જનરલ સ્મટ્સને કહો મારી કૂચની બધી તૈયારી છે, વૉકસરસ્કટના લોકો ઉશ્કેરાયા છે, તેઓ કદાચ અમારા જાનને પણ નુકસાન કરે. તેઓએ એવો ડર તો બતાવ્યો જ છે. આવું પરિણામ તેઓ પણ ન ઈચ્છે. તેઓ ત્રણ પાઉંડનો કર રદ કરવાનું વચન આપે તો મારે કૂચ નથી કરવી. કાયદાનો ભંગ કરવાને ખાતર તેનો ભંગ નથી કરવો. હું લાચાર બન્યો છું. તે મારું આટલું નહીં સાંભળે?' અરધી મિનિટમાં જવાબ મળ્યો, 'જનરલ સ્મટ્સ તમારી સાથે કશો સંબંધ નથી ઇચ્છતા; તમારી ઈચ્છામાં આવે તેમ કરજો.' ટેલિફોન બંધ.

મેં ધાર્યું જ હતું. માત્ર તોછડાઈની આશા નહોતી રાખી. કેમ કે અમારો સત્યાગ્રહ પછીનો રાજકીય સંબંધ હવે છ વર્ષનો ગણાય, એટલે મેં વિનયી જવાબની આશા રાખી હતી. પણ મારે તેના વિનયથી ફુલાવાનું ન હતું, તેમ આ અવિનયથી હું ઢીલો પણ ન થયો. મારા કર્તવ્યની સીધી લીટી મારી સામે સ્પષ્ટ દેખાતી હતી. બીજે દહાડે ધારેલે ટકોરે અમે પ્રાર્થના કરી ઈશ્વરને નામે કૂચ શરૂ કરી. કાફલામાં ૨,૦૨૭ પુરુષો, ૧૨૭ સ્ત્રીઓ અને પ૭ બાળકો હતાં.