લખાણ પર જાઓ

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ગોખલેનો પ્રવાસ

વિકિસ્રોતમાંથી
← ટૉલ્સટોય ફાર્મ-૩ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
ગોખલેનો પ્રવાસ
મોહનદાસ કરમચંદ ગાંધી
ગોખલેનો પ્રવાસ (ચાલુ) →


૧૨. ગોખલેનો પ્રવાસ

આમ ટૉલ્સટૉય ફાર્મમાં સત્યાગ્રહીઓ પોતાનું જીવન ગાળી રહ્યા હતા, અને પોતાને નસીબે જે કાંઈ નિર્માયું હોય તેને માટે તૈયાર થઈ રહ્યા હતા. કયારે લડત પૂરી થશે તેની તેઓને ખબર ન હતી, ન તેની ચિંતા હતી. તેઓની પ્રતિજ્ઞા એક જ હતી. કાળા કાયદાને વશ ન થવું અને તેમ કરતાં જે કાંઈ દુ:ખ પડે તે સહન કરવું, લડવૈયાને સારુ લડવું એ જ જીત છે, કારણ કે તેમાં જ તે સુખ માને છે, અને લડવાનું પોતાને હાથ હોવાથી હારજીતનો અાધાર અને સુખદુ:ખનો આધાર પોતાની ઉપર રહે છે. અથવા તો દુ:ખ અને પરાજય જેવી વસ્તુ તેના શબ્દકોશમાં હોતી નથી. ગીતાના શબ્દોમાં કહીએ તો તેને સુખદુઃખ, હારજીત સમાન છે.

છૂટાછવાયા સત્યાગ્રહી કેદમાં જતા હતા. એવો પ્રસંગ ન આવતો હોય ત્યારે ફાર્મની બાહ્ય પ્રવૃત્તિ જોઈને કોઈ એમ માને નહીં કે અહીં સત્યાગ્રહીઓ રહેતા હશે, અથવા તેઓ લડાઈની તૈયારી કરી રહ્યા હશે. તે છતાં કોઈ નાસ્તિક આવી ચડે ત્યારે મિત્ર હોય તો અમારી ઉપર દયા આણે અને ટીકાકાર હોય તો અમને નિંદે. 'આળસ ચડયું છે તેથી અને જંગલમાં પડયાં પડયાં રોટલો ખાઓ છો, જેલથી હારી ગયા છો, તેથી સુંદર ફળવાડીમાં વસી નિયમિત જીવન ગાળી શહેરની જંજાળમાંથી છૂટી ભોગ ભોગવી રહ્યા છો.' આવા ટીકાકારને કેમ કરી સમજાવાય કે સત્યાગ્રહી અયોગ્ય રીતે નીતિનો ભંગ કરી જેલમાં જઈ શકતો જ નથી. એને કોણ સમજાવે કે સત્યાગ્રહીની શાંતિમાં, તેના સંયમમાં લડાઈની તૈયારી છે. એને કોણ સમજાવે કે સત્યાગ્રહીએ મનુષ્યસહાયનો વિચાર સુધ્ધાં છોડી કેવળ ઈશ્વરનો જ આશરો લીધેલો હોય છે. પરિણામ પણ એવું આવ્યું કે કોઈએ નહોતા ધાર્યા એવા સંજોગો આવી ચડ્યા અથવા ઈશ્વરે મોકલ્યા. નહોતી ધારી એવી મદદ પણ આવી પડી. અને અણધાર્યે કસોટી આવી અને છેવટે દુનિયા સમજી શકે એવો બાહ્ય વિજય પણ થયો.

દક્ષિણ આફ્રિકામાં આવીને હિંદીઓની સ્થિતિનો અભ્યાસ કરવા હું ગોખલેને અને બીજા નેતાઓને વીનવી રહ્યો હતો. પણ કોઈ આવશે કે નહીં એ વિશે મને સંપૂર્ણ શંકા હતી. મિ. રિચ કોઈ પણ નેતાને મોકલવાની કોશિશ કરી રહ્યા હતા. પણ જ્યારે લડાઈ છેક મંદ પડી ગઈ હોય તેવે સમયે આવવાની હિંમત કોણ કરે ? સન ૧૯૧૧ની સાલમાં ગોખલે વિલાયતમાં હતા. તેમણે દક્ષિણ આફ્રિકાની લડતનો અભ્યાસ તો કરેલો જ હતો. વડી ધારાસભાઓમાં ચર્ચાઓ પણ કરી હતી, અને ગિરમીટિયાઓને નાતાલ મોકલવાનું બંધ કરવાનો ઠરાવ પણ ધારાસભામાં લાવ્યા હતા, જે પાર થયો હતો. તેમની સાથે મારો પત્રવ્યવહાર ચાલુ જ હતો. હિંદી વજીરની સાથે તેઓ મસલતો પણ ચલાવી રહ્યા હતા, અને દક્ષિણ આફ્રિકા અાવી અાખા પ્રશ્નનો અભ્યાસ કરવાની વાત હિંદી વજીરને જણાવી હતી. વજીરે તેમનો તે ઈરાદો પસંદ કર્યો હતો. ગોખલેએ છ અઠવાડિયાંના પ્રવાસની યોજના ગોઠવવા મને લખી મોકલ્યું અને દક્ષિણ આફ્રિકા છોડવાની છેલ્લામાં છેલ્લી તારીખ પણ મોકલી. અમારી ખુશાલીનો તો પાર જ ન રહ્યો. કોઈ પણ નેતાએ હજી સુધી દક્ષિણ આફ્રિકાની મુસાફરી કરી નહોતી. દક્ષિણ આફ્રિકાની તો શું પણ હિંદુસ્તાનની બહારના એક પણ સંસ્થાનની મુલાકાત ત્યાં વસતા હિંદીઓની સ્થિતિ તપાસવાના હેતુથી કરી ન હતી. એટલે અમે બધા ગોખલે જેવા મહાન નેતાની મુલાકાતનું મહત્ત્વ સમજી શકયા. બાદશાહને પણ કોઈ દિવસ માન ન અપાયું હોય એવા પ્રકારનું માન ગોખલેને આપવું એવો નિશ્ચય કરવામાં આવ્યો. દક્ષિણ આફ્રિકાનાં મુખ્ય શહેરોમાં તેમને લઈ જવા એવો ઠરાવ થયો. સત્યાગ્રહીઓ અને બીજા હિંદીઓ સ્વાગતની તૈયારીઓમાં ખુશીથી જોડાયા. આ સ્વાગતમાં ગોરાઓને જોડાવાનું પણ નિમંત્રણ કરવામાં આવ્યું અને લગભગ બધી જગ્યાએ તેઓ જોડાયા. જ્યાં જ્યાં જાહેર સભાઓ થાય ત્યાં ત્યાં તે જગ્યાના મેયર જે કબૂલ કરે તો ઘણે ભાગે તેને જ પ્રમુખસ્થાન આપવું એ પણ ઠરાવ થયો અને જ્યાં જ્યાં ટાઉનહૉલનો ઉપયોગ મળી શકે ત્યાં ટાઉનહૉલમાં જ સભા ભરવી એમ નિશ્ચય થયો. મુખ્ય સ્ટેશનો પણ રેલવે ખાતાની રજા લઈ શણગારવાનું કાર્ય અમે માથે લીધું. અને ઘણાંખરાં સ્ટેશનોની ઉપર શણગાર કરવાની પરવાનગી પણ મળી. સામાન્ય રીતે આવી પરવાનગી આપવામાં નથી આવતી. પણ સ્વાગતની અમારી ભારે તૈયારીઓની અસર સત્તાવાળાઓ ઉપર થઈ અને તેમાં જેટલી સહાનુભૂતિ આપી શકાય તેટલી તેઓએ આપી. દાખલા તરીકે, જોહાનિસબર્ગમાં જ તેના રેલવેસ્ટેશન ઉપર શણગાર કરવાને સારુ અમે લગભગ ૧૫ દિવસ લીધા હશે. કેમ કે ત્યાં એક સુંદર ચીતરેલો દરવાજે બનાવ્યો હતો.

દક્ષિણ આફ્રિકા શું છે તેનો અનુભવ ગોખલેને વિલાયતમાં જ મળ્યો. દક્ષિણ આફ્રિકાની સરકારને હિંદી વજીરે ગોખલેનો દરજ્જો, તેમનું સામ્રાજ્યમાં સ્થાન ઇત્યાદિ જણાવી મૂકયાં હતાં, પણ સ્ટીમર કંપનીની ટિકિટોનું અથવા તો કેબિનની સગવડ કરવાનું કોઈને કેમ સૂઝી શકે ? ગોખલેની તબિયત નાજુક તો રહે જ એટલે તેમાં સારી કૅબિન જોઈએ, એકાંત જોઈએ. એવી કૅબિન જ નથી એવો રોકડો જવાબ મળ્યો ! મને બરાબર યાદ નથી કે ગોખલેએ પોતે કે તેમના કોઈ મિત્રે ઇન્ડિયા ઓફિસમાં ખબર આપી. કંપનીના ડિરેક્ટરને ઈન્ડિયા ઓફિસ તરફથી કાગળ ગયો અને નહોતી ત્યાં ગોખલેને સારુ સારામાં સારી કૅબિન તૈયાર થઈ ! આ પ્રારંભિક કડવાશનું પરિણામ મીઠું આવ્યું. સ્ટીમરના કૅપ્ટન ઉપર પણ ગોખલેનું સુંદર સ્વાગત કરવાની ભલામણ થઈ હતી. તેથી ગોખલેના અા મુસાફરીના દિવસો આનંદમાં અને શાંતિમાં ગયા. ગોખલે જેટલા ગંભીર હતા તેટલા જ આનંદી અને વિનોદી હતા. તેઓ સ્ટીમરની રમતોગમતોમાં સારી પેઠે ભાગ લેતા અને સ્ટીમરના મુસાફરોમાં ખૂબ લોકપ્રિય થઈ પડયા હતા. યુનિયન સરકારે ગોખલેને તેમના પરોણા થવાનું અને સરકાર તરફથી રેલવેનું સ્ટેટ સલૂન સ્વીકારવાનું કહેણ મોકલ્યું હતું. સલૂનનો અને પ્રિટોરિયામાં સરકારી પરોણાગતના સ્વીકારનો નિશ્ચય મારી સાથે મસલત કર્યા પછી તેમણે કર્યો. ઊતરવાનું બંદર કેપટાઉન હતું. ગોખલેની તબિયત હું ધારતો હતો તેના કરતાં અતિશય નાજુક હતી. તેમનાથી અમુક ખોરાક જ લઈ શકાતો હતો, અને ઘણો પરિશ્રમ વેઠી શકે એવી પણ તબિયત નહોતી. ઘડેલો કાર્યક્રમ તેમને સારુ અસહ્ય હતો. બની શકે તેટલા ફેરફાર તો કર્યા જ. જો ફેરફાર ન જ થઈ શકે તો તબિયતને જોખમે પણ આખો કાર્યક્રમ રાખવા તેઓ તૈયાર થયા. તેમને પૂછયા વિના કઠિન કાર્યક્રમ ઘડી નાખવામાં મેં કરેલી મૂર્ખતાનો મને બહુ પશ્ચાત્તાપ થયો. કેટલાક ફેરફારો તો કર્યા, પણ ઘણું તો જેમનું તેમ કાયમ રાખવું પડયું. ગોખલેને અત્યંત એકાંત આપવાની આવશ્યકતા હતી એ હું નહોતો સમજી શકયો. એ એકાંત આપવામાં મને વધારેમાં વધારે મુસીબત પડેલી; પણ મારે નમ્રતાપૂર્વક એટલું તો સત્યની ખાતર કહેવું પડશે કે, મને માંદાની અને વડીલોની સારવાર કરવાનો અભ્યાસ અને શોખ હોવાથી મારી મૂર્ખતા જાણ્યા પછી એટલે સુધી સુધારા કરી શકયો કે તેમને પુષ્કળ એકાંત અને શાંતિ આપી શકયો હતો. આખી મુસાફરીમાં તેમના મંત્રીનું કામ તો મેં જ કર્યું હતું. સ્વયંસેવકો એવા હતા કે જે કાળી રાતે પણ જવાબ આપી શકે. એટલે સેવકોને અભાવે તેમને દુઃખ કે અગવડ વેઠવાં પડયાં હોય એવો મને ખ્યાલ નથી. કૅલનબૅક પણ એ સ્વયંસેવકોમાંના એક હતા.

કેપટાઉનમાં સારામાં સારી સભા થવી જોઈએ એ તો સ્પષ્ટ હતું. શ્રાઈનર કુટુંબ વિશે હું પ્રથમ ખંડમાં લખી ચૂકયો છું. તેમાંના મુખ્ય ડબલ્યુ પી. શ્રાઈનરને પ્રમુખપદ લેવાની વિનંતી કરી તે તેઓએ સ્વીકારી. વિશાળ સભા થઈ. મોટી સંખ્યામાં હિંદીઓ અને ગોરાઓ આવ્યા. મિ. શ્રાઈનરે મધુર શબ્દોમાં ગોખલેનું સ્વાગત કર્યું, અને દક્ષિણ આફ્રિકાના હિંદીઓ પ્રત્યે પોતાની દિલસોજી જાહેર કરી. ગોખલેનું ભાષણ ટૂંકું, પકવ, વિચારોથી ભરેલું, દૃઢ તેમ જ વિનયી હતું. તેથી હિંદીઓ રાજી થયા અને ગોખલેએ ગોરાઓના મનનું હરણ કર્યું. એટલે એમ કહી શકાય કે ગોખલેએ જે દિવસે દક્ષિણ આફ્રિકાની ભૂમિમાં પ્રવેશ કર્યો તે જ દિવસે તેના પચરંગી લોકોના હૃદયમાં પ્રવેશ કર્યો. કેપટાઉનથી જોહાનિસબર્ગ જવાનું હતું. બે દિવસની રેલવેની મુસાફરી હતી. લડાઈનું કુરુક્ષેત્ર ટ્રાન્સવાલ હતું કેપટાઉનથી આવતાં ટ્રાન્સવાલનું સરહદી મોટું સ્ટેશન ક્લાકર્સડોર્પ આવતું. ત્યાં હિંદીઓની વસ્તી પણ સારા પ્રમાણમાં હતી. તેથી ક્લાકર્સડોર્પમાં તેમ જ જોહાનિસબર્ગ પહોંચતા પહેલાં આવતાં એવાં જ બીજાં શહેરમાં રોકાવાનું અને સભામાં હાજર થવાનું હતું, તેથી ક્લાકર્સડોર્પથી સ્પેશિયલ ટ્રેન કરવામાં આવી હતી. બન્ને જગ્યાએ તે તે ગામના મેયર પ્રમુખ હતા. અને એકે જગ્યાને એક કલાકથી વધારે સમય આપવામાં નહોતો આવ્યો. જેહાનિસબર્ગ ટ્રેન ઠીક વખતસર પહોંચી, એક મિનિટનો પણ ફરક નહોતો પડયો. સ્ટેશન ઉપર ખાસ ગાલીચા વગેરે બિછાવ્યા હતા. એક માંચડો પણ બનાવવામાં આવ્યો હતો. જોહાનિસબર્ગના મેયર અને બીજા ગોરાઓ હાજર હતા. તેમણે ગોખલેને જોહાનિસબર્ગના નિવાસ દરમ્યાન પોતાની મોટર વાપરવા આપી. ગોખલેને માનપત્ર સ્ટેશન ઉપર જ અાપવામાં અાવ્યું હતું. દરેક સ્થળે માનપત્ર તો હતાં જ. જોહાનિસબર્ગનું માનપત્ર દક્ષિણ આફ્રિકાના લાકડા ઉપર જડેલી જોહાનિસબર્ગની ખાણમાંથી નીકળેલા સોનાની હૃદયના આકારની તકતી ઉપર કોતરવામાં આવ્યું હતું, લાકડાની ઉપર હિંદુસ્તાનના કેટલાક દેખાવોનું સુંદર કોતરકામ હતું. ગોખલેની બધાની સાથે ઓળખાણ કરવી, માનપત્ર વંચાવું અને તેનો જવાબ અને બીજાં માનપત્ર લેવાં, એ બધી ક્રિયા વીસ મિનિટની અંદર ઉકેલવામાં આવી હતી. માનપત્ર વાંચતાં પાંચ મિનિટથી વધારે નહીં ગઈ હોય એટલું તે ટૂંકું હતું. ગોખલેનો જવાબ પાંચ મિનિટથી વધારે નહીં જ હોય. સ્વયંસેવકોનો બંદોબસ્ત એટલો બધો સુંદર હતો કે પ્લૅટફૉર્મ ઉપર ધારેલા માણસો કરતાં વધારે નહોતા આવ્યા. ઘોંઘાટ મુદ્દલ નહોતો. બહાર લોકોની ઠઠ હતી. છતાં કોઈને આવજા કરવામાં કશી મુશ્કેલી આવી નહીં.

તેમનું રહેવાનું મિ. કૅલનબૅકની જોહાનિસબર્ગથી પાંચ માઈલ પર એક ટેકરી ઉપર આવેલી સુંદર બંગલીમાં હતું. ત્યાંનો દેખાવ એટલો બધો ભવ્ય હતો, ત્યાંની શાંતિ એટલી આનંદદાયક હતી અને બંગલી સાદી છતાં એટલી બધી કળાથી ભરેલી હતી કે ગોખલેને તે અતિશય ગમી ગઈ હતી. બધાંને મળવાનું શહેરમાં રાખ્યું હતું. અને તેને સારુ ખાસ ઑફિસ ભાડે રાખવામાં આવી હતી. તેમાં એક ઓરડી તેમને ખાસ આરામ લેવાને સારુ, બીજી મુલાકાતને સારુ અને ત્રીજે એક ઓરડો મળવા આવનારાઓને સારુ, જોહાનિસબર્ગના કેટલાક નામાંકિત ગૃહસ્થોની ખાનગી મુલાકાતને સારુ પણ ગોખલેને લઈ જવામાં આવ્યા હતા. આગેવાન ગોરાઓની પણ એક ખાનગી સભા કરી હતી, જેથી તેમના દૃષ્ટિબિંદુને ગોખલેને પૂરો ખ્યાલ આવી શકે. સિવાય જોહાનિસબર્ગમાં તેમના માનમાં એક મોટું ખાણું પણ આપવામાં આવ્યું હતું. ૪૦૦ માણસોને નિમંત્રણ હતું. તેમાં લગભગ ૧પ૦ ગોરાઓ હશે. હિંદીઓ ટિકિટથી જ આવી શકતા હતા; તેની કિંમત એક ગીની રાખવામાં આવી હતી. તે ટિકિટમાંથી એ ખાણાનું ખર્ચ નીકળ્યું. ખાણું કેવળ નિરામિષ અને મદ્યપાનરહિત હતું. રસોઈ પણ કેવળ સ્વયંસેવકોએ જ બનાવી હતી. અા વસ્તુનો ચિતાર અહીં આપવો મુશ્કેલ છે. દક્ષિણ આફ્રિકામાં આપણા લોકો હિંદુ, મુસલમાન છૂતઅછૂતને જાણતા નથી, સાથે બેસીને ખાય છે. નિરામિષ-આહારી હિંદીઓ પોતાનું નિરામિષ-આહારીપણું જાળવે છે. હિંદીઓમાં કેટલાક ખ્રિસ્તીઓ પણ હતા. તેઓની સાથે પણ મારો તો બીજાઓ જેટલો જ ગાઢ પરિચય હતો. તેઓ ઘણાખરા ગિરમીટિયા માબાપની પ્રજામાંથી હોય છે. અને તેઓમાંના ઘણા હોટલોમાં રસોઈનું અને પીરસવાનું કામ કરે છે. આ લોકોની મદદથી આટલા માણસની રસોઈને પહોંચી વળાયું. પંદરેક વાનીઓવાળું ભોજન હશે. દક્ષિણ આફ્રિકાના ગોરાઓને સારુ આ તદ્દન નવો અને અજાયબીભરેલો અનુભવ હતો. આટલા બધા હિંદીઓની સાથે એક પંક્તિએ ખાવા બેસવું, નિરામિષ ભોજન કરવું અને મદ્યપાન વિના ચલાવવું – ત્રણે અનુભવો તેમાંના ઘણાને સારુ નવા; બે તો બધાને સારુ નવા.

આ મેળાવડા આગળ દક્ષિણ આફ્રિકામાંનું ગોખલેનું મોટામાં મોટું અને મહત્ત્વનું ભાષણ થયું. ગોખલે બરાબર ૪૫ મિનિટ બોલ્યા. એ ભાષણની તૈયારીને સારુ તેમણે અમારી પુષ્કળ હાજરી લીધી હતી. સ્થાનિક માણસોના દૃષ્ટિબિંદુની અવગણના ન થાય અને તેને મળી શકાય એટલે દરજ્જે મળવું, એ એમનો જિંદગીભરનો નિશ્ચય જણાવ્યો, અને તેથી મારી દૃષ્ટિએ હું તેમની પાસેથી બોલાવવા શું ઇચ્છું તે માગે. એ મારે ઘડીને આપવું જોઈએ અને તેની સાથે એ શરત કે, તેમાંનું એક પણ વાક્ય અથવા વિચારનો ઉપયોગ તેઓ ન કરે તો મારે દુઃખ ન માનવું, ન લાંબુ કર્યું પાલવે, ન ટૂંકું, છતાં કોઈ પણ અગત્યની હકીકત ન રહી જાય. એ બધી શરતોનું પાલન કરીને એમને સારુ મારે ટાંચણ બનાવવાં પડતાં હતાં. મારી ભાષાનો તો એમણે મુદ્દલ ઉપયોગ ન કર્યો એમ કહી નાખું. અંગ્રેજી ભાષામાં પારંગત થયેલ ગોખલે મારી ભાષાનો ક્યાંયે ઉપયોગ કરે એવી આશા હું રાખુંયે શેનો ? મારા વિચારોનો તેમણે ઉપયોગ કર્યો એમ પણ હું ન કહી શકું. પણ મારા વિચારોનું ઉપયોગીપણું તેમણે સ્વીકાર્યું, તેથી મેં મનને મનાવી લીધેલું કે વિચારોનો કોઈ પણ પ્રકારે તેમણે ઉપયોગ કર્યો હશે. પણ તેમની વિચારશ્રેણી એવી હતી કે, તેમાં કઈ જગ્યાએ આપણા વિચારને સ્થાન આપ્યું છે અથવા આપ્યું છે કે નહીં તેની આપણને તો ખબર ન જ પડે. ગોખલેનાં બધાંયે ભાષણ વખતે હું , હાજર હતો, પણ મને એવો પ્રસંગ યાદ નથી કે જ્યારે મેં એમ ઇચ્છયું હોય કે અમુક વિચાર અથવા અમુક વિશેષણ તેમણે ન વાપર્યું હોત તો સારું. તેમના વિચારની સ્પષ્ટતા, દૃઢતા વિનય ઇત્યાદિ તેમના અત્યંત પરિશ્રમને અને સત્યપરાયણતાને આભારી હતાં.

જોહાનિસબર્ગમાં કેવળ હિંદીઓની જંગી સભા પણ થવી જોઈએ જ. માતૃભાષાની મારફતે જ બોલવું, અથવા તો રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીની મારફતે જ બોલવું, એ મારો આગ્રહ પૂર્વકાળથી જ ચાલુ છે. એ આગ્રહથી દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સાથેનો મારો સંબંધ સરળ અને નિકટ થઈ શકયો. એથી હું ઇચ્છતો હતો કે હિંદીઓની પાસે ગોખલે પણ હિંદુસ્તાની ભાષામાં બોલે તો સારું. આ બાબતમાં ગોખલેના વિચારો હું જાણતો હતો. ભાંગીતૂટી હિંદીથી તો પોતાનું કામ ન જ ચલાવે એટલે કાં તો મરાઠીમાં અથવા તો અંગ્રેજીમાં જ બોલે. મરાઠીમાં બોલવું તેમને કૃત્રિમ લાગ્યું અને તેમાં બોલે તોયે ગુજરાતીઓને સારુ અને ઉત્તર હિંદુસ્તાનના નિવાસી શ્રોતાઓને સારુ તેનો હિંદુસ્તાનીમાં તો તરજુમો કરવો જ રહ્યો. તો પછી અંગ્રેજીમાં કાં નહીં? સારે નસીબે મરાઠી બોલવાને સારુ ગોખલે સ્વીકારી શકે એવી એક વિશેષ દલીલ મારી પાસે હતી. જોહાનિસબર્ગમાં કોંકણના ઘણા મુસલમાનો વસતા હતા. થોડા મહારાષ્ટ્રી હિંદુઓ તો હતા જ. એ બધાની ગોખલેનું મરાઠી સાંભળવાની બહુ ઈચ્છા હતી. અને તેમને મરાઠીમાં બોલવા વીનવવા તેઓએ મને કહી રાખ્યું હતું. મેં તેમને કહ્યું, 'તમે મરાઠીમાં બોલશો તો એ લોકો રાજી થશે અને તમે બોલશો તેનો હિંદુસ્તાનીમાં તરજુમો હું કરીશ.' એટલે એ ખડખડ હસી પડયા. 'તારું હિંદુસ્તાનીનું જ્ઞાન તો મેં ખૂબ જાણી લીધું. એ હિંદુસ્તાની તને મુબારક હજે. પણ હવે તારે મરાઠીનો તરજુમો કરવો છે ? કહે તો ખરો કે એવડું મરાઠી કયાંથી શીખ્યો ?' મેં કહ્યું, 'જેમ મારા હિંદુસ્તાનીનું કહ્યું તેમ મારા મરાઠીનું સમજવું. મરાઠીનો એક અક્ષરે હું બોલી ન શકું, પણ વિષયનું મને જ્ઞાન છે તે વિષય ઉપર તમે મરાઠીમાં બોલશો તેનો ભાવાર્થ હું જરૂર સમજી જવાનો. લોકોની પાસે તેનો અનર્થ નહીં જ કરું એ તમે જોશો. બીજા જેઓ મરાઠી સારી રીતે જાણે છે તેવા તરજુમા કરવાવાળાને તો હું અવશ્ય મૂકી શકું છું પણ એ તમે પસંદ કરવાના નથી. એટલે મને નિભાવી લેજો, પણ મરાઠીમાં જ બોલજો. જેમ કોંકણીભાઈઓને છે તમે મને પણ તમારું મરાઠી ભાષણ સાંભળવાની હોંશ છે.' 'તારો કક્કો જ તું ખરો રાખજે. અહીં તારે પનારે પડયો છું એટલે મારાથી થોડું જ છૂટી શકાય તેમ છે ?' એમ કહી મને રીઝવ્યો અને ત્યાર પછી આવી સભાઓમાં છેક ઝાંઝીબાર સુધી તેઓ મરાઠીમાં જ બોલ્યા અને હું તેમનો ખાસ નિમાયેલો ભાષાંતરકાર રહ્યો. બની શકે ત્યાં સુધી માતૃભાષા મારફતે જ અને વ્યાકરણશુદ્ધ અંગ્રેજીના કરતાં વ્યાકરણરહિત ભાંગીતૂટી હિંદીમાં બોલવું એ ઈષ્ટ છે, એ હું તેમને ગળે ઉતારી શકયો કે નહીં એ તો હું જાણતો નથી. પણ એટલું જાણું છું કે, દક્ષિણ આફ્રિકામાં તો કેવળ મને રીઝવવાની ખાતર તેઓ મરાઠીમાં બોલેલા. બોલ્યા પછી એનું પરિણામ તેમને પણ ગમ્યું એ હું જોઈ શકયો, અને જ્યાં સિદ્ધાંતનો પ્રશ્ન ન હોય ત્યાં સેવકોને રીઝવવામાં ગુણ છે એમ ગોખલેએ દક્ષિણ આફ્રિકામાં પોતાના અનેક પ્રસંગે કરેલા વર્તનથી બતાવી દીધું હતું.