દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટૉલ્સટોય ફાર્મ-૩

વિકિસ્રોતમાંથી
← ટૉલ્સ્ટોય ફાર્મ-ર દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
ટૉલ્સટોય ફાર્મ-૩
મોહનદાસ કરમચંદ ગાંધી
ગોખલેનો પ્રવાસ →


૧૧. ટોલ્સ્ટોય ફાર્મ – ૩

આ પ્રકરણમાં ટૉલ્સ્ટૉય ફાર્મનાં ઘણાં સ્મરણોનો સંગ્રહ હશે. એટલે તે સ્મરણો અસંબદ્ધ લાગશે. તેને સારુ વાંચનાર ક્ષમા બક્ષે.

શિક્ષણ માટે જે વર્ગ મને મળ્યો હતો તેવો ભાગ્યે કોઈને નસીબે આવ્યો હશે. સાતેક વર્ષનાં બાળકો અને બાળિકાઓથી માંડીને વીસ વર્ષના જુવાનિયા ને બારતેર વર્ષની બાળાઓ આ વર્ગમાં હતી. કેટલાક છોકરા જગલી ગણી શકાય તેવા હતા, તોફાન પણ ખૂબ કરે.

આ સંઘને શું શીખવવું? બધા સ્વભાવને કેમ અનુકૂળ થવું? વળી બધા જોડે કઈ ભાષામાં મારે વાતો કરવી ? તામિલ ને તેલુગુ છોકરાં કાં તો તેમની માતૃભાષા સમજે અથવા તો અંગ્રેજી. થોડું ડચ પણ જાણે. મારે તો અંગ્રેજીથી જ કામ લેવું રહ્યું હતું. ગુજરાતી જોડે ગુજરાતીમાં અને બાકીના જોડે અંગ્રેજીમાં એમ વિભાગ પાડયા. મુખ્ય ભાગે તેઓને કંઈક રસિક વાતો કહેવી અથવા વાંચી સંભળાવવી એમ ગોઠવણ રાખી. તેઓને એકસાથે બેસતાં, મિત્રભાવ – સેવાભાવ – કેળવતાં કરી મૂકવાં એટલો ઉદ્દેશ રાખ્યો હતો. થોડું ઈતિહાસ-ભૂગોળનું સામાન્ય જ્ઞાન આપવું ને થોડું લખતાં શીખવવું. કેટલાકને અંકગણિત. આમ ગાડું રેડવતો. પ્રાર્થના અર્થે કેટલાંક ભજન શીખવાતાં. તેમાં તામિલ બાળકોને પણ ભળવા લલચાવતો.

બાળકો અને બાળાઓ છૂટથી સાથે બેસતાં. ટૉલ્સ્ટૉય ફાર્મમાં મારો આ પ્રયોગ વધારેમાં વધારે નિર્ભય હતો. જે છૂટ હું ત્યાં આપી તેમ જ કેળવી શકયો હતો તે છૂટ આપવાની કે કેળવવાની મારી હિંમત પણ આજે ન ચાલે, તે વેળા મારું મન આજ છે તેના કરતાં વધારે નિર્દોષ હતું એમ મને લાગ્યા કર્યું છે. આનું કારણ મારું અજ્ઞાન હોઈ શકે. ત્યાર બાદ હું ડંભાયો છું. મને કડવા અનુભવો થયા છે. જેને હું છેક નિર્દોષ સમજતો તે દોષિત નીવડયા છે. મારામાં પણ મેં ઊંડે ઊંડે વિકારો ભાળ્યા છે. તેથી મન રાંક બન્યું છે.

મને મારા પ્રયોગને વિશે પશ્ચાત્તાપ નથી. એ પ્રયોગને લીધે તો કંઈ જ ખરાબી નથી થઈ એમ પણ મારો આત્મા સાક્ષી પૂરે છે. પણ જેમ દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ તેવું મારે વિશે ગણી શકાય.

મનુષ્ય શ્રદ્ધા કે હિંમત બીજા પાસેથી ચોરી નથી શકતો.संश्ययात्मा विनश्यति। ટૉલ્સટૉય ફાર્મમાં મારી હિંમત અને શ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચેલાં હતાં, એ શ્રદ્ધા ને હિંમત કરી આપવા હું ઈશ્વરને વીનવી રહ્યો છું. પણ તે સાંભળે ત્યારે ના ! તેની પાસે તો મારા જેવા અસંખ્ય ભિખારીઓ છે. આશ્વાસન માત્ર અ છે ખરું કે જેમ તેને અસંખ્ય ભિખારી છે, તેમ તેને અસંખ્ય કાન પણ છે. એટલે તેના ઉપર મારી શ્રદ્ધા પૂરી છે. જ્યારે હું યોગ્ય બનીશ ત્યારે તે મારી અરજ સાંભળશ અમ પણ હું જાણું છુ. આ મારો પ્રયોગ :

લુચ્ચા ગણાતા છોકરાઓ ને નિર્દોષ જુવાન બાળાઓને હું સાથે નાહવા મોકલતો.. બાળકોને મર્યાદાધર્મ વિશે ખૂબ સમજાવ્યું હતું. મારા સત્યાગ્રહથી તેઓ બધાં પરિચિત હતાં. મારો તેઓના પ્રત્યેનો સ્નેહ માના જેટલો જ હતો એમ હું તો જાણતો જ હતો, પણ તે છોકરાંઓ પણ માનતાં હતાં. વાંચનાર પેલો પાણીનો ઝરો યાદ રાખે. રસોડાથી તે દૂર હતો. ત્યાં આવો સંગમ થવા દેવો ને નિર્દોષતાની આશા રાખવી ! મારી અાંખ તો જેમ માની અાંખ દીકરીની પાછળ જ ફર્યા જ કરે તેમ પેલી બાળાઓની પાછળ ફરતી જ રહેતી. વખત નિમાયેલા હતા. નાહવા બધા છોકરા ને બધી છોકરીઓ સાથે જતાં. સંઘમાં એક પ્રકારની સુરક્ષિતતા રહેલી છે તે અહીં હતી. કયાંયે એકાંત તો ન જ હોય. ઘણે ભાગે એ જ વખતે હું તો પહોંચેલો જ હોઉં.

ખુલ્લી ઓશરીમાં બધાં સૂતાં. બાળકો, બાળાઓ મારી આસપાસ પડયાં હોય, પથારીઓની વચ્ચે ભાગ્યે જ ત્રણેક ફૂટનું અંતર હોય. પથારીના ક્રમમાં સાવધાની હતી ખરી. પણ દોષિત મનને એ સાવધાની શું કરી શકે ? આ બાળકો અને બાળાઓ વિશે પ્રભુએ જ લાજ રાખી એમ હવે જોઉં છું. બાળાઓ અને બાળકો આવા નિર્દોષપણે સાથે ભળી શકે એવી માન્યતાથી મેં આ પ્રયોગ કર્યો. માબાપોએ મારા પર અનહદ વિશ્વાસ મૂકી તે પ્રયોગ કરવા દીધો.

એક દિવસ આ બાળાઓએ જ કે કોઈ બાળકે મને ખબર આપી કે એક જુવાનિયાએ આ બે બાળાઓની મશકરી કરેલી. હું ધ્રૂજ્યો. મેં તપાસ કરી. વાત ખરી હતી. જુવાનિયાને સમજાવ્યું. પણ એટલેથી બસ ન હતું. બંને બાળાઓના શરીર ઉપર મેં એવું ચિહ્‌ન ઈચ્છયું કે જેથી દરેક યુવક સમજી શકે અને જાણે કે એ બાળાઓ ઉપર કુદષ્ટિ કરાય જ નહીં. બાળાઓ પણ સમજે કે પોતાની પવિત્રતા ઉપર કોઈ હાથ નાખી જ ન શકે. સીતાને વિકારી રાવણ સ્પર્શ સરખો ન કરી શકયો. રામ તો દૂર હતા. એવું કયું ચિહ્‌ન હું એ બાળાઓને આપું કે જેથી તેઓ પોતાને સુરક્ષિત સમજે અને બીજા તેમને જોઈ નિર્વિકાર રહે ? રાત જાગ્યો, સવારમાં બાળાઓને વીનવી, તેઓને ભડકાવ્યા વિના સમજાવીને સૂચવ્યું કે તેઓએ પોતાના સુંદર લાંબા વાળ કાપી નાખવાની મને રજા આપવી. ફાર્મ પર હજામત અને વાળ કાપવાનું અમે અરસપરસ કરી લેતા. તેથી સંચાકાતર અમારી પાસે રહેતાં. પ્રથમ તો તે બાળાઓ ન સમજી. મોટી સ્ત્રીઓને સમજાવી મૂકી હતી. તેમનાથી મારી સૂચના સહન તો ન થઈ પણ તેઓ મારો હિતુ સમજી શકી હતી. તેઓની મને મદદ હતી.. છોકરીઓ બંને ભવ્ય હતી. અહો ! એક આજે નથી. તે તેજસ્વિની હતી. બીજી હયાત છે. તે પોતાનો ગૃહસંસાર ચલાવી રહી છે. છેવટે તે બંને સમજી, તે જ ક્ષણે જે હાથ આ પ્રસંગ ચીતરી રહેલ છે તે હાથે આ બાળાઓના વાળ પર કાતર ચલાવી ! ને પછી વર્ગમાં આ કાર્યનું પૃથકકરણ કરી બધાને સમજાવ્યું. પરિણામ સુંદર અાવ્યું. ફરી મેં મશકરીની વાત ન સાંભળી. એ બાળાઓએ કંઈ ખોયું તો નહીં જ. કેટલું મેળવ્યું તે તો દેવ જાણે. યુવકો આજ પણ આ પ્રસંગ યાદ કરતા હશે અને પોતાની દૃષ્ટિને શુદ્ધ રાખતા હશે એમ હું આશા રાખું છું.

આવા પ્રયોગ અનુકરણને સારુ નથી નોંધાતા. કોઈ પણ શિક્ષક આવા પ્રયોગનું અનુકરણ કરે તો તે મોટું જોખમ વહોરે. આ પ્રયોગની નોંધ મનુષ્ય કયાં સુધી અમુક સ્થિતિમાં જઈ શકે છે તે બતાવવા તથા સત્યાગ્રહની લડતની વિશુદ્ધતા સૂચવવા લીધી છે. એ વિશુદ્ધતામાં જ વિજયનું મૂળ હતું. એ પ્રયોગને સારુ શિક્ષકે મા અને બાપ બંને થવું જોઈએ ને પોતાનું માથું કોરે મૂકીને જ તેવા પ્રયોગ થાય. તેની પાછળ કઠણ તપશ્ચર્યા જોઈએ.

આ કાર્યની અસર ફાર્મવાસીની તમામ રહેણીકરણી ઉપર થયા વિના રહી નહીં. ઓછામાં ઓછા ખર્ચથી રહેવું એ હેતુ હોવાથી પોશાકમાં પણ ફેરફાર કર્યો. ત્યાં શહેરોમાં સામાન્ય રીતે આપણા પુરુષવર્ગનો પોશાક યુરોપિયન ઢબનો જ હોય; સત્યાગ્રહીઓનો પણ હતો. ફાર્મ પર એટલાં કપડાંની જરૂર ન હોય. અમે બધા મજૂર બન્યા હતા, તેથી પોશાક રાખ્યો મજૂરનો પણ યુરોપિયન ઢબનો; એટલે કે કેવળ મજૂરિયા પાટલૂન અને મજૂરિયા ખમીસ. આમાં જેલનું અનુકરણ હતું. જાડાં આસમાની કપડાંના સરતાં પાટલૂન ને ખમીસ મળતાં તે સહુ વાપરતા, ઓરતોમાં ઘણીખરી સીવણનું કામ સુંદર રીતે કરી શકતી, તેઓએ બધું સીવણકામ માથે લીધું.

ખોરાકમાં ચોખા, દાળ, શાક અને રોટલી, અને કોઈ વેળા ખીર, એમ સામાન્ય નિયમ હતો. આ બધું એક જ વાસણમાં પીરસાતું. વાસણમાં થાળીને બદલે જેલના જેવી તાંસળી રાખી હતી અને લાકડાના ચમચા હાથે બનાવી લીધેલા. ખોરાક ત્રણ ટંક અપાતો. સવારના છ વાગ્યે રોટી અને ઘઉંની કૉફી, અગિયાર વાગ્યે દાળભાત તથા શાક અને સાંજે સાડા પાંચ વાગ્યે ઘેંશ અને દૂધ અથવા રોટી ને ઘઉંની કાફી. રાત્રિના નવ વાગે એટલે સહુએ સૂઈ જવું જોઈએ. જમ્યા પછી સાત કે સાડા સાત વાગ્યે પ્રાર્થના, પ્રાર્થનામાં ભજન. કોઈ વેળા રામાયણ હોય, અને કંઈક ઈસ્લામનાં પુસ્તકોમાંથી. ભજનોમાં અંગ્રેજી, હિંદી ને ગુજરાતી, કોઈ વેળા ત્રણેમાંથી તો કોઈ વેળા એક જ.

ફાર્મ પર ઘણાં એકાદશી વ્રત પાળતાં. ત્યાં ભાઈ કોતવાલ પહોંચ્યા હતા. તેમણે ઉપવાસ આદિ ઠીક કેળવ્યાં હતાં. તેમનું જોઈ ઘણાએ ચાતુર્માસ કરેલા. આ જ અરસામાં રોજા પણ આવતા હતા. અમારામાં મુસલમાન જુવાનિયા હતા. તેમને રોજા રાખવામાં ઉત્તેજન આપવું એ અમને ધર્મ લાગ્યો. તેમને સરગીની તેમ જ રાત્રિભોજનની સગવડ કરી આપી. તેમને સારુ રાત્રે ખીર ઈત્યાદિ પણ રંધાતાં. માંસાહાર તો નહોતો જ. કોઈએ માગણી પણ નહોતી કરી. એમના માન અર્થે અમે એકટાણું રાખતા અને પ્રદોષ કરતા. સામાન્ય નિયમ સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનો હતો. ને મુસલમાન છોકરા થોડા જ હતા તેથી બીજા સૂર્યાસ્ત પહેલાં ખાઈને તૈયાર થઈ જતા એટલો જ તફાવત હતો. મુસલમાન નવયુવકોએ પણ પોતાના રોજા રાખતાં એટલો બધો વિનય વાપર્યો કે કોઈને વધારે પડતી તકલીફ ન આવવા દીધી. પણ આમ ગેરમુસ્લિમ બાળકોએ તેઓને ખાવાના સંયમમાં સાથ આપ્યો તેની અસર સહુની ઉપર સરસ પડી. હિંદુ-મુસલમાન બાળકો વચ્ચે ધર્મને લીધે ઝઘડો કે ભેદ થયો એવું મને એક પણ સ્મરણ નથી. એથી ઊલટું હું જાણું છું કે બધા પોતપોતાના ધર્મમાં ચુસ્ત રહેતા છતાં એકબીજા પ્રત્યે સંપૂર્ણ માનથી રહેતા હતા અને એકબીજાને પોતાના ધર્મની ક્રિયા કરવામાં મદદ દેતા હતા .

એટલે દૂર રહેતાં છતાં, માંદગીને સારુ સામાન્ય સગવડો રાખવામાં આવે છે તેવી કંઈ જ રાખી ન હતી. એ વેળા બાળકોની નિર્દોષતા વિશે મને જે શ્રદ્ધા હતી તેવી શ્રદ્ધા માંદગીમાં કેવળ કુદરતી ઉપાયો લેવા વિશે પણ હતી. સાદા જીવનને અંગે માંદગી હોય જ શેની, પણ આવશે તો તેને પહોંચી વળાશે એમ લાગતું. મારું આરોગ્યનું પુસ્તક મારા પ્રયોગોની અને મારી તે વેળાની શ્રદ્ધાની નોંધપોથી છે. મારે તો માંદા પડવાપણું જ ન હતું એમ હું અભિમાન રાખતો. કેવળ પાણીના, માટીના કે ઉપવાસના પ્રયોગોથી ને ખોરાકના ફેરફારોથી બધી જાતની માંદગીને પહોંચી વળાય એમ માનતો. અને ફાર્મમાં એક પણ માંદગીના સમયે દવાનો કે દાક્તરનો ઉપયોગ કર્યો જ નહોતો. એક સિત્તેર વર્ષનો બુઢ્ઢો ઉત્તર હિંદુસ્તાનનો હતો તેને દમ અને ખાંસી હતાં, તે પણ કેવળ ખોરાકના ફેરફારથી અને પાણીના પ્રયોગથી મટયાં. પણ એવા પ્રયોગો કરવાની હિંમત હવે હું ખોઈ બેઠો છું અને હું પોતે બે વેળા માંદો પડયા પછી અધિકાર પણ હારી બેઠો છું એમ માનું છું.

ફાર્મ ચાલતું હતું તે જ દરમ્યાન સ્વ. ગોખલે દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. તે મુસાફરીના વર્ણનને સારુ તો નોખું પ્રકરણ જોઈશે. પણ એક કડવુંમીઠું સ્મરણ છે તે આપી દઉં. અમારું જીવન તો વાંચનારે જાણ્યું. ફાર્મમાં ખાટલા જેવી વસ્તુ ન હતી. પણ ગોખલેજીને સારુ એક માગી આણ્યો. તેમને સંપૂર્ણ એકાંત રહે તેવી કોટડી ન હતી. બેસવાને નિશાળના બાંકડા હતા. આવી સ્થિતિમાંયે નાજુક શરીરવાળા ગોખલેજીને ફાર્મ પર લાવ્યા વિના કેમ ચાલે ? તેમ તેઓ તે જોયા વિના પણ શેના રહે ? મારા મનમાં એમ હતું કે તેમનું શરીર એક રાતની અગવડ સહન કરી શકશે ને તેઓ સ્ટેશનથી ફાર્મ સુધી – દોઢેક માઈલ ચાલી પણ શકશે. મેં પૂછી મૂકયું હતું ને પોતાની સરળતાને લીધે તેમણે વગર વિચાર્યે મારા પર વિશ્વાસ રાખીને બધી વ્યવસ્થા કબૂલ કરી લીધી હતી. ભોગજોગે તે જ દિવસે વરસાદ પણ આવ્યો. મારાથી એકાએક કશો ફેરફાર ન થઈ શકે તેમ હતું. આમ અજ્ઞાનમય પ્રેમને લીધે મેં તે દિવસ તેમને જે કષ્ટ આપ્યું તે કદી વીસર્યો નથી. આટલો બધો ફેરફાર સહન ન જ થાય. તેમને તો ટાઢ ચઢી. તેમને ખાવાને રસોડે ન લઈ જઈ શકાય. મિ. કૅલનબૅકની ઓરડીમાં તેમને ઉતારો આપ્યો હતો. ત્યાં જમવાનું પહોંચાડતાં ઠંડુ તો થાય જ. તેમને સારુ હું ખાસ 'સૂપ' બનાવતો. ભાઈ કોતવાલ ખાસ લોટની રોટી બનાવતા. પણ તે ગરમ કેમ રહી શકે ? જેમ તેમ કરી સંકેલ્યું. તેમણે મને કંઈ જ ન સંભળાવ્યું. પણ તેમના ચહેરા ઉપરથી હું સમજી ગયો ને મારી મૂર્ખતા પણ સમજી ગયો. જ્યારે તેમણે જાણ્યું કે અમે બધા ભોંય ઉપર સૂતા હતા ત્યારે તેમને પોતાને સારુ ખાટલો હતો તે દૂર કરાવી પોતાની પથારી પણ ભોંય ઉપર કરાવી. એ રાત્રિ મેં પશ્ચાત્તાપમાં ગાળી. ગોખલેને એક ટેવ હતી, જેને હું કુટેવ કહતો. તે નોકરની જ ચાકરી લેતા. આવી મુસાફરીમાં નોકરને સાથે ફેરવતા નહીં. મિ. કૅલનબૅકે, મેં તેમના પગ ચાંપવા દેવા બહુ વીનવ્યા. તે એકના બે ન થયા. અમને સ્પર્શ સરખો ન કરવા દીધો. ઊલટા અરધા ખીજમાં અને અરધા હાંસીમાં કહે: “તમે બધા એમ જ સમજતા લાગો છો કે દુઃખ અને અગવડ ભોગવવા એક તમે જ જન્મ્યા છો ને અમારા જેવા તમારે પંપાળવા સારુ જ જન્મ્યા છીએ. આ તારી અતિશયતાની સજા આજે તું પૂરી ભોગવી લે. હું તને મારો સ્પર્શ જ નહીં કરવા દઉં. તમે બધા નિત્યક્રિયા કરવા દૂર જશો ને મારે સારુ તમે પેટી રાખશો એમ કે ? હું ગમે તેટલી અગવડ ભોગવીશ, પણ તમારો ગર્વ ઉતારીશ.” વચન તો વજ્ર સમ હતાં. કૅલનબૅક અને હું ખિન્ન થયા. પણ તેમના મુખ ઉપર હાસ્ય હતું એટલું આશ્વાસન હતું. અર્જુને કૃષ્ણને અજાણપણે બહુયે દૂભવ્યા હશે, એ કંઈ કૃષ્ણે યાદ રાખ્યું હોય ? ગોખલેએ તો સેવાનો ભાવ જ યાદ રાખ્યો. સેવા તો કરવા ન જ દીધી. તેમનો મોમ્બાસાથી લખેલ પ્રેમળ કાગળ મારી છાતીમાં કોતરાઈને અંકિત છે.. તેમણે દુ:ખ વેઠયું, પણ જે સેવા અમે કરી શકતા હતા તે છેવટ લગી ન જ કરવા દીધી. ખાવાનું વગેરે તો અમારે હાથે ન લે તો જાય કયાં ? બીજે દિવસે સવારે ન આરામ લીધો પોતે, ન દીધો અમને. પોતાનાં ભાષણો જે અમે પુસ્તકરૂપે છાપવાના હતા તે બધાં સુધાર્યા. કંઈક પણ લખવાનું હોય ત્યારે તેમને અાંટા મારી તે વિચારી લેવાની ટેવ હતી. એક નાનો સરખો કાગળ લખવાનો હતો. મેં માન્યું કે તે તો તરત લખી નાખશે, પણ નહીં. મેં ટીકા કરી એટલે મને વ્યાખ્યાન મળ્યું : “મારું જીવન તું શેનો જાણે ? હું નાનામાં નાની વસ્તુ પણ ઉતાવળે નથી કરતો; તેનો વિચાર કરું, તેનું મધ્યબિંદુ વિચારું; વિષયને લગતી ભાષા વિચારું ને પછી લખું. એમ બધા કરે તો કેટલો વખત બચી જાય ? ને પ્રજા પણ આજે તેને જે અધકચરા વિચારો મળી રહ્યા છે તેના મારમાંથી બચે.'

જેમ ગોખલેની મુલાકાતના વર્ણન વિના ટૉલ્સટૉય ફાર્મનાં સ્મરણો અધૂરાં ગણાય તેમ કૅલનબૅકની રહેણીને વિશે કહી શકાય. એ નિર્મળ પુરુષનો પરિચય હું આગળ કરાવી ગયો છું. મિ. કૅલનબૅકનું ટૉલ્સટૉય ફાર્મમાં આપણા લોકોના સમુદાયમાં તેને જેવા જ થઈને રહેવું, એ જ આશ્ચર્યકારક વસ્તુ હતી. ગોખલે સામાન્ય વસ્તુથી આકર્ષાય એવા ન હતા. પણ કૅલનબૅકના જીવનના મહાન પરિવર્તનથી એ પણ અત્યંત આકર્ષાયા હતા. કૅલનબૅકે કોઈ દહાડો ટાઢતડકો સહન કર્યા જ નહોતાં. એક પણ પ્રકારની અગવડ ન ભોગવેલી. એટલે કે સ્વચ્છંદને ધર્મ કરી મૂકયો હતો. દુનિયાના વૈભવ ભોગવવામાં કશી ઊણપ નહોતી રાખી. દ્રવ્ય જે વસ્તુ મેળવી શકે તે વસ્તુ પોતાના સુખને સારુ મેળવવામાં તેણે કદી પાછી પાની ન કરી હતી.

આવા માણસનું ટૉલ્સટૉય ફાર્મમાં રહેવું અને સૂવુંબેસવું, ખાવુંપીવું અને ફાર્મવાસીઓની સાથે ઓતપ્રોત થઈ જવું, એ જેવી તેવી વસ્તુ ન હતી. આપણા લોકોને આનું સાનંદાશ્ચર્ય થયું અને કેટલાક ગોરાઓએ મિ. કૅલનબૅકને 'મૂરખ' અથવા તો દીવાના ગણી મૂકયા. બીજા કેટલાકનું તેની ત્યાગ કરવાની શક્તિને લીધે તેમના પ્રત્યેનું માન વધ્યું. કૅલનબૅકે પોતાના ત્યાગને કદી દુ:ખરૂપ ન માન્યો. જેટલો આનંદ તેમણે પોતાના વૈભવમાંથી મેળવ્યો તેના કરતાં વિશેષ તેમને તેમના ત્યાગમાંથી મળ્યો. સાદાઈના સુખનું વર્ણન કરતાં તે તેમાં તલ્લીન થઈ જતા અને ક્ષણવાર તો સાંભળનારને પણ એ સુખ ભોગવવાની ઈચ્છા થઈ જતી. નાનાંમોટાં બધાંની સાથે એ એટલા પ્રેમથી ભળી જતા કે તેમનો અ૯પ વિયોગ પણ સૌને સાલ્યા વિના ન રહે. ફળઝાડનો અત્યંત શોખ હોવાથી માળીનું કામ મિ. કૅલનબૅકે પોતાના હાથમાં રાખ્યું હતું. અને હંમેશાં સવારે બાળકો અને મોટાંઓની પાસેથી ફળઝાડને સમારવાનું કામ લેતા. મહેનત પૂરી કરાવે અને છતાં તેમની સાથે કામ કરવું સૌને ગમે, એવો હસમુખો ચહેરો અને આનંદી સ્વભાવ એમનો હતો. જ્યારે જ્યારે સવારના બે વાગ્યે ઊઠીને ટૉલ્સ્ટૉય ફાર્મથી જોહાનિસબર્ગની મુસાફરી કરનારા નીકળે ત્યારે ત્યારે મિ. કૅલનબૅક એ ટોળીમાં હોય જ.

એમની સાથે ધાર્મિક સંવાદો હંમેશાં થાય. મારી પાસે અહિંસા, સત્ય ઇત્યાદિ યમો સિવાય બીજી વાત તો શી હોઈ શકે ? સર્પાદિ જાનવરોને મારવામાં પાપ છે એ વાતથી પ્રથમ તો જેમ મારા બીજા અનેક યુરોપિયન મિત્રોને થયું તેમ મિ. કૅલનબૅકને પણ આઘાત પહોંચ્યો પણ છેવટે તાત્ત્વિક દૃષ્ટિએ એ સિદ્ધાંત તેમણે કબૂલ કર્યો. જે વસ્તુનો બુદ્ધિ સ્વીકાર કરે તે વસ્તુનો અમલ કરવો યોગ્ય છે અને ધર્મ છે, એમ તેમણે અમારા સંબંધના આરંભમાં જ સ્વીકારી લીધું હતું અને તેથી જ તેઓ પોતાના જીવનમાં મહત્ત્વના ફેરફારો એક ક્ષણમાં વગર સંકોચે કરી શક્યા હતા. હવે જે સર્પાદિને મારવા એ અયોગ્ય હોય તો તેમની મિત્રતા કેળવવાની મિ. કૅલનબૅકને ઇચ્છા થઈ. પ્રથમ તો જુદી જુદી જાતના સર્પોની ઓળખ કરવાની ખાતર સર્પો વિશેનાં પુસ્તકો તેમણે એકઠાં કર્યા. તેમાં તેમણે જોયું કે બધા સર્પો ઝેરી નથી હોતા અને કેટલાક તો ખેતરોના પાકની રક્ષા કરનારા હોય છે. અમને બધાને સર્પોની ઓળખ કરતાં શીખવ્યું અને છેવટે એક જબરદસ્ત અજગર જે ફાર્મમાંથી મળી આવ્યો હતો તેને પાળ્યો. એને હંમેશાં પોતાને હાથે ખાવાનું આપે. નરમાશથી મેં મિ. કૅલનબૅકની સાથે દલીલ કરી કે, 'જોકે તમારો ભાવ શુદ્ધ છે, છતાં અજગર તેને ન ઓળખી શકે, કેમ કે તમારી પ્રીતની સાથે ભય રહેલો છે. એને છૂટો રાખી એની સાથે ગેલ કરવાની તમારી કે મારી કોઈની હિંમત નથી. અને જે વસ્તુ આપણે કેળવવા ઇચ્છીએ છીએ એ તો એવા પ્રકારની હિંમત. તેથી આ સર્પને પાળવામાં હું સદ્દભાવ જોઉં છું પણ તેમાં અહિંસા નથી. આપણું કાર્ય તો એવું હોવું જોઈએ કે જેને એ અજગર ઓળખી શકે. પ્રાણીમાત્ર ભય અને પ્રીતને ઓળખે છે એવો તો આપણો હંમેશનો અનુભવ છે. વળી એ સર્પને તમે ઝેરી તો માનતા જ નથી. એની રીતભાત, એની ટેવો ઇત્યાદિ જાણવાને ખાતર એને કેદ કરેલો છે. એ એક પ્રકારનો સ્વચ્છંદ છે. મૈત્રીમાં એને પણ સ્થાન નથી.'

મિ. કેલનબેક આ દલીલને સમજયા. પણ એ અજગરને ઝટપટ છૂટો કરવાની એમને ઇચ્છા ન થઈ. મેં કશા પ્રકારનું દબાણ તો નહોતું જ કર્યું. સર્પના વર્તનમાં હું પણ રસ લેતો હતો અને બાળકો તો અત્યંત આનંદ લઈ રહ્યાં હતાં. તેની પજવણી કરવાની સૌને મનાઈ હતી. પણ આ કેદી પોતે જ પોતાનો રસ્તો કાઢી રહ્યો હતો. પાંજરાનું બારણું ઉઘાડું રહી ગયું હશે કે યુક્તિથી પોતે તેને ખોલી શકયો હશે, ગમે તે કારણ હોય – બે ચાર દિવસની અંદર જ એક સવારે મિ. કૅલનબૅક તેના કેદી મિત્રની મુલાકાત લેવા જાય છે તો તેમણે પાંજરું ખાલી જોયું. એ રાજી થયા અને હું પણ રાજી થયો. પણ આ અખતરાથી સર્પ એ અમારી વાતનો હંમેશનો વિપય થઈ પડ્યો હતો. મિ. કૅલનબૅક એક ગરીબ જર્મનને ફાર્મ પર લાવ્યા હતા. એ ગરીબ હતો તેમ અપંગ પણ હતો. તેની ખૂંધ એટલી બધી વળી ગઈ હતી કે લાકડીના ટેકા વિના તે ચાલી જ ન શકે. તેની હિંમતનો પાર ન હતો. શિક્ષિત હોવાથી સૂક્ષ્મ વાતોમાં બહુ રસ લેતો. ફાર્મમાં તે પણ હિંદીઓના જેવો જ થઈને સહુની સાથે હળીમળીને રહેતો. તેણે નિર્ભયપણે સર્પોની સાથે ખેલવું શરૂ કર્યું. અને નાનકડા સર્પોને પોતાના હાથમાં લઈ આવે, અને હથેળી ઉપર રમાડે પણ ખરો. જે ફાર્મ લાંબા વખત સુધી ચાલ્યું હોત તો આ જર્મન જેનું નામ અૉલ્બર્ટ હતું તેના અખતરાનું શું પરિણામ આવત તે તો દૈવ જાણે.

અા અખતરાઓને પરિણામે જોકે સર્પ બાબતનો ભય ઓછો થયો, છતાં કોઈ એમ ન માને કે ફાર્મની અંદર કોઈને સર્પનો ભય જ ન હતો અથવા તો સર્પાદિને મારવાની સહુને મનાઈ હતી. અમુક વસ્તુમાં હિંસા છે અથવા પાપ છે એ એક સ્થિતિ છે અને તે પ્રમાણે આચરણ કરવાની શક્તિ હોવી એ બીજી સ્થિતિ છે. જેનામાં સર્પનો ભય રહ્યો છે, અને જે પોતે પ્રાણત્યાગ કરવા તૈયાર નથી, તે ભીડમાં અાવ્યે સર્પને છોડવાનો નથી. ફાર્મમાં એવો એક કિસ્સો બન્યો હતો તે મારા સ્મરણમાં છે. ત્યાં સર્પોનો ઉપદ્રવ ઠીક હતો એમ તો વાંચનારે કલ્પી લીધું હશે. આ ફાર્મમાં જ્યારે અમે ગયા ત્યારે કાંઈ જ વસ્તી ન હતી. અને કેટલોક કાળ થયાં તે નિર્જન હતું. એક દિવસ મિ. કૅલનબૅકની જ કોટડીમાં એક સર્પ એવી જગ્યાએ જોવામાં આવ્યો કે જ્યાંથી તેને ભગાડવો અથવા પકડવો અસંભવિત જેવું લાગ્યું. ફાર્મના એક વિદ્યાર્થીએ તેને જોયો. મને બોલાવ્યો અને પૂછયું કે હવે શું કરવું? મારવાની તેણે પરવાનગી માગી. એ પરવાનગી વિના સર્પને તે મારી શકતો હતો, પણ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ કે બીજાઓ પણ આવું પગલું મને પૂછયા વિના ન ભરે. મારવાની રજા દેવાનો હું ધર્મ સમજ્યો અને મેં રજા દીધી. આ લખતી વેળાએ પણ મને એમ નથી લાગતું કે મેં રજા દેવામાં કાંઈ પણ ખોટું કર્યું હતું. સર્પને હાથે પકડવાની અથવા ફાર્મવાસીઓને બીજી કોઈ પણ રીતે નિર્ભય કરવાની મારામાં શક્તિ ન હતી અને આજ લગી તે કેળવી શકયો નથી.

ફાર્મમાં સત્યાગ્રહીઓની ભરતીઓટ થયાં કરે એ વાંચનાર સહેજે સમજી શકશે. કેદમાં જનારા અને કેદમાંથી છૂટેલા એવા સત્યાગ્રહીઓ કોઈ ને કોઈ હોય જ. તેમાંના બે એવા આવી પહોંચ્યા કે જેમને મૅજિસ્ટ્રેટે જાતમુચરકા પર છોડયા હતા અને જેઓને સજા સાંભળવાને સારુ બીજે દિવસે હાજર રહેવાનું હતું. વાતો કરતા બેઠા હતા ત્યાં જે છેલ્લી ટ્રેન લેવાની હતી તેનો સમય ભરાઈ જવા આવ્યો અને ટ્રેન પકડી શકાશે કે નહીં એ પ્રશ્ન થઈ પડયો. બંને જુવાનિયા હતા અને કસરતમાં કુશળ હતા. તેઓ અને અમે કેટલાક વળાવનારા દોડયા. રસ્તામાં જ ટ્રેન આવવાની સીટી મેં સાંભળી; ટ્રેન ચાલવાની સીટી થઈ ત્યાં અમે સ્ટેશનની બહાર લગી પહોંચ્યા. આ બંને ભાઈઓ તો વધારે ને વધારે દોડતા જ જાય. હું પાછળ પડી ગયો. ટ્રેન ચાલી. અા બંનેને દોડતા જોઈ સ્ટેશનમાસ્તરે ચાલતી ટ્રેનને રોકી અને જુવાનોને બેસાડી લીધા. મેં પહોંચીને તેનો ઉપકાર માન્યો. આ વર્ણન આપતાં હું બે વસ્તુ જણાવી ગયો છું. એક સત્યાગ્રહીઓની જેલમાં જવાની અને પોતાની પ્રતિજ્ઞા પાળવાની ધગશ અને સ્થાનિક અમલદારોની સાથે સત્યાગ્રહીઓએ કેળવેલો મીઠો સંબંધ. આ જુવાનિયા જે એ ટ્રેન ન પકડી શકયા હોત તો બીજે દિવસે કોર્ટમાં હાજર ન રહી શકત. તેઓના કોઈ બીજા જામીન નહીં હતા, કે નહોતા તેઓની પાસે કાંઈ પૈસા મુકાવ્યા. માત્ર તેઓની સારમાણસાઈ પર છોડેલા. સત્યાગ્રહીઓની શાખ એવી પડી ગઈ હતી કે તેઓ જેલમાં જવાને આતુર હોવાથી તેઓની પાસેથી જામીન લેવાની જરૂર કોર્ટના અમલદારો ન માનતા. આ કારણથી જુવાન સત્યાગ્રહીઓને ટ્રેન ચૂકવાના ભયથી ઘણો ખેદ થયો હતો; તેથી તેઓ પવનવેગે દોડયા. સત્યાગ્રહના આરંભમાં અમલદારો તરફનો કંઈ ત્રાસ હતો એમ કહી શકાય. જેલના અમલદારો કોઈ કોઈ જગ્યાએ અતિશય કડક હતા એમ પણ કહી શકાય. પણ જેમ જેમ લડત આગળ વધતી ગઈ તેમ તેમ એકંદરે અમે જોયું કે અમલદારો ઓછા કડવા થયા અને કેટલાક મીઠા પણ થયા. અને જ્યાં તેઓ જોડે લાંબો પ્રસંગ થતો ત્યાં આ સ્ટેશનના અમલદારની માફક મદદ કરતા પણ થયા. કોઈ વાંચનાર એમ ન માને કે સત્યાગ્રહીઓ અમલદારોને કોઈ પ્રકારની લાંચ આપીને તેમની પાસેથી સગવડ મેળવતા હતા. એવી અયોગ્ય સગવડ મેળવવાની કદી ધારણા જ નહોતી રાખી. પણ સભ્યતાની સગવડ લેવાની કોને હોંશ ન હોય ? અને તેવી સગવડો સત્યાગ્રહીઓ ઘણી જગ્યાએ મેળવી શકયા હતા. સ્ટેશનમાસ્તર ઊલટો થાય તો નિયમોની હદમાં રહેવા છતાં ઘણી કનડગત કરી શકે. આવી કનડગતની સામે ફરિયાદ પણ ન થઈ શકે અને સવળો થાય તો નિયમોની અંદર રહેવા છતાં ઘણી સગવડો આપી શકે. આવી બધી સગવડો અમે આ ફાર્મની નજીક લૉલી સ્ટેશનના સ્ટેશનમાસ્તર પાસેથી મેળવી શકયા હતા. અને તેનું કારણ સત્યાગ્રહીઓનો વિવેક અને તેઓનું ધૈર્ય તથા દુઃખ સહન કરવાની શક્તિ હતી. એક અપ્રસ્તુત પસંગની નોંધ અહીં લેવી અયોગ્ય નહીં ગણાય. મને ખોરાકના સુધાર અને અખતરાઓ ધાર્મિક, આર્થિક અને આરોગ્યની દૃષ્ટિએ કરવાનો શોખ લગભગ ૩૫ વરસ થયાં છે. એ શોખ હજીયે મંદ પડયો નથી. એ અખતરાઓની અસર મારી આસપાસનાઓ ઉપર તો પડે જ. એ અખતરાઓની સાથે સાથે દવાઓની મદદ લીધા વિના કુદરતી – જેવા કે પાણીના અને માટીના – ઉપચારોથી દરદ મટાડવાના અખતરાઓ પણ હું કરતો વકીલાત કરતો તે વખતે અસીલોની સાથે મારો સંબંધ કૌટુંબિક જેવો થઈ જતો, તેથી તેઓ પોતાના સુખદુઃખમાં મને ભાગીદાર બનાવતા. કેટલાક આરોગ્ય વિશેના મારા અખતરાઓથી માહિતગાર હોઈ તે વિષયમાં મારી મદદ લેતા. ટૉલ્સટૉય ફાર્મ પર આવી મદદ લેનારા કોઈ કોઈ વખત ચડી આવતા. આમાંનો એક ઉત્તર હિંદુસ્તાનનો પ્રથમ ગિરમીટમાં આવેલો લુટાવન નામનો બુઠ્ઠો અસીલ હતો. તેની ઉંમર સિત્તેર વરસ ઉપરની હશે. તેને ઘણાં વરસનો દમ અને ઉધરસનો વ્યાધિ હતો. વૈદોની ફાકી અને દાકતરોની ખાટલીનો તેણે પુષ્કળ અનુભવ મેળવ્યો હતો. એ વખતના મારા ઉપચારો વિશેના મારા વિશ્વાસનો પણ પાર ન હતો. જે મારી બધી શરતોનું પાલન કરે અને ફાર્મ પર રહે તો તેની ઉપર મારા અખતરા અજમાવવાનું મેં કબૂલ કર્યું. તેની દવા કરવાનું મેં કબૂલ કર્યું એમ તો કેમ જ કહી શકાય ! તેણે મારી શરતો કબૂલ કરી. લુટાવનને તમાકુનું ભારે વ્યસન હતું તમાકુ છોડવી એ શરતોમાંની એક શરત હતી. લુટાવનને એક દિવસનો ઉપવાસ કરાવ્યો. હંમેશાં બાર વાગ્યે તડકામાં કયુની બાથ આપવાનો આરંભ કર્યો. ત્યારની ઋતુ તડકામાં બેસી શકાય તેવી હતી. ખોરાકમાં થોડો ભાત, થોડું ઓલિવ ઓઈલ (જેતૂનનું તેલ), મધ અને સાથે કોઈ વખતે ખીર અને મીઠી નારંગી અથવા દ્રાક્ષ તથા ભૂંજેલા ઘઉંની કાફી; નિમક અને મસાલામાત્ર બંધ હતા. જે મકાનમાં હું સૂતો હતો તે જ મકાનમાં પણ અંદરના ભાગમાં લુટાવનની પથારી હતી. પથારીમાં બધાને બે કામળા રહેતા, એક પાથરવાનો અને એક ઓઢવાનો; અને લાકડાનો તકિયો. એક અઠવાડિયું ગયું. લુટાવનના શરીરમાં તેજ આવ્યું. દમ ઓછો થયો. ખાંસી પણ ઓછી થઈ, પણ રાતના દમ અને ખાંસી બન્ને ઊપડે. મને તમાકુ વિશે શક ગયો. મેં તેને પૂછયું. લુટાવને કહ્યું : 'હું નથી પીતો.' એક બે દિવસ ગયા, હજુ ફેર ન પડયો એટલે લુટાવનને છૂપી રીતે તપાસવાનો મેં નિશ્ચય કર્યો. બધા ભોંય પર સૂએ, સર્પાદિનો ભય તો ખરો જ. તેથી મિ. કેલનબેકે મને વીજળીની ચોરબત્તી આપી હતી અને પોતે પણ એ રાખતા. એ મશાલ પાસે રાખીને હું સૂતો. એક રાતે પથારીમાં પડયાં પડયાં જાગવાનો મેં નિશ્ચય કર્યો. દરવાજાની પાસે બહાર ઓસરીમાં મારી પથારી હતી, અને દરવાજાની અંદર પડખે જ લુટાવનની હતી. લુટાવને મધરાતે ખાંસી ખાધી. દીવાસળી સળગાવી બીડી શરૂ કરી. એટલે ધીમેથી હું તેની પથારી પાસે ઊભો અને પેલી બત્તીની ચાંપ દાબી. લુટાવન ગભરાયો, સમજી ગયો, બીડી બંધ કરી બેઠો થયો અને મારા પગ ઝાલ્યા. 'મૈંને બડા ગુના કિયા. અબ મૈં કભી તમાકુ નહીં પીઊંગા. આપકો મૈંને ધોખા દિયા. મુઝકો અાપ માફ કરે.' એમ કહેતાં કહેતાં લુટાવન ગળગળો થયો. મેં આશ્વાસન આપ્યું અને કહ્યું કે બીડી નહીં પીવામાં તેનો સ્વાર્થ હતો. મારી ગણતરી પ્રમાણે ખાંસી મટવી જ જોઈતી હતી તે ન મટી તેથી મને શક ગયો. લુટાવનની બીડી ગઈ અને તેની સાથે બે કે ત્રણ દિવસમાં દમ અને ખાંસી મોળાં પડયાં, અને એક માસની અંદર બન્ને બંધ થયાં. લુટાવનમાં ખૂબ તેજ આવ્યું, અને તેણે વિદાયગીરી માગી.

સ્ટેશનમાસ્તરના દીકરાને – બે વર્ષનો હશે - ટાઈફૉઈડ તાવ હતો. તેને પણ મારા ઉપચારોની ખબર હતી જ. મારી સલાહ માગી. એ બાળકને મેં પહેલે દિવસે તો કાંઈ જ ખાવાનું ન આપ્યું. અને બીજે દિવસથી અડધું કેળું – ખૂબ છુંદેલું, તેમાં એક ચમચી ઑલિવ ઑઈલ અને થોડાં લીંબુનાં ટીપાં; એ સિવાય બીજે બધો ખોરાક બંધ. એ બચ્ચાને પેટે રાત્રે માટીના પાટા બાંધ્યા. એને પણ આરામ થઈ ગયો. એમ હોઈ શકે કે દાક્તરોનું નિદાન ખોટું હતું અને એ તાવ ટાઈફૉઈડ ન હતો.

આવા તો ઘણાયે અખતરા મેં ફાર્મમાં કરેલા. એકેમાં નિષ્ફળતા થઈ એવું સ્મરણ નથી. પણ આજે એ જ ઉપચારો કરવાની મારી હિંમત ન ચાલે, ટાઈફૉઈડ થયેલા દરદીને ઑલિવ ઑઈલ અને કેળું આપતાં તો મને ધ્રુજારી જ છૂટે. ૧૯૧૮માં હિંદુસ્તાનમાં મને મરડો થયો તેનો જ ઉપાય હું નહોતો કરી શકયો. અને આજ લગી મને ખબર નથી કે, જે ઉપચારો દક્ષિણ આફ્રિકામાં સફળ થતા હતા તે જ ઉપચારો એટલે અંશે અહીં સફળ નથી થતા તેમાં મારા આત્મવિશ્વાસની ન્યૂનતા હશે કે અહીંના વાતાવરણને તે ઉપચારો પૂરા અનુકૂળ નહીં હોય, એ હશે. એટલું જ હું જાણું છું કે આવા ઘરગથ્થુ ઉપચારોથી અને ટૉલ્સટૉય ફાર્મમાં દાખલ કરેલ સાદાઈથી કોમના કંઈ નહીં તોયે બેત્રણ લાખ રૂપિયા બચી ગયા, રહેનારાઓમાં કૌટુંબિક ભાવના ઉત્પન્ન થઈ, સત્યાગ્રહીઓને શુદ્ધ આશ્રયસ્થાન મળ્યું, અપ્રમાણિકતા અને દંભને અવકાશ ન રહ્યો; મગ અને કાંકરી નોખાં પડી ગયાં.

ઉપરના કિસ્સાઓમાં આવી ગયેલ ખોરાકના અખતરા અારોગ્યની દૃષ્ટિએ થયેલા. પણ આ ફાર્મની અંદર જ મેં મારી ઉપર એક અત્યંત અગત્યનો અખતરો કર્યો. તે કેવળ આધ્યાત્મિક દૃષ્ટિએ થયેલો.

નિરામિષ ભોજન કરનાર તરીકે દૂધ લેવાનો અધિકાર આપણને કેટલો છે અથવા નથી, તેનો વિચાર તો મેં ખૂબ કરેલો, તે વિશે ખૂબ વાંચેલું પણ. પણ ફાર્મમાં રહેતી વખતે મારા હાથમાં કાંઈ પુસ્તક અથવા તો છાપું આવેલું તેમાં મેં જોયું કે કલકત્તામાં ગાય-ભેંસોને નિચોવીને તેનું દૂધ કાઢવામાં આવે છે. એ લખાણમાં ફૂંકવાની ઘાતકી અને ભયાનક ક્રિયાનું પણ વર્ણન હતું. એક સમયે મિ. કૅલનબૅકની સાથે દૂધ લેવાની આવશ્યકતા વિશે ચર્ચા ચલાવી રહ્યો હતો તેને અંગે આ ક્રિયાની વાત પણ મેં કરી. દૂધના ત્યાગના બીજા કેટલાક આધ્યાત્મિક ફાયદાઓ પણ મેં વર્ણવ્યા, અને દૂધનો ત્યાગ થઈ શકે તો સારું એમ પણ મેં કહ્યું. મિ. કૅલનબૅક અતિશય સાહસિક હોવાથી દૂધ છોડવાનો અખતરો કરવા તરત તૈયાર થઈ ગયા. તેમને મારી કરેલી વાત બહુ પસંદ પડી. અને તે જ દિવસે અમે બન્નેએ દૂધ છોડયું, અને છેવટે અમે બન્ને જણા કેવળ સૂકાં અને લીલાં ફળની ઉપર આવીને ઊભા. રાંધેલો ખોરાક પણ બંધ કર્યો. એ અખતરાનો અંત શો આવ્યો એનો ઈતિહાસ આપવાનું આ સ્થળ નથી, પણ એટલું તો કહી જાઉં કે કેવળ ફળાહાર ઉપર જ હું પાંચ વર્ષ સુધી રહ્યો તેથી મેં નથી અનુભવી નબળાઈ કે નથી અનુભવ્યો કોઈ પણ જાતનો વ્યાધિ. વળી એ દરમ્યાન મારામાં શારીરિક કામ કરવાની સંપૂર્ણ શક્તિ હતી, તે એટલે સુધી કે હું એક દિવસની અંદર પગે ચાલીને પપ માઈલની મુસાફરી કરી શકયો હતો – ૪૦ માઈલની મુસાફરી સહેજ વાત હતી. એ અખતરાનાં આધ્યાત્મિક પરિણામ ઘણાં સુંદર આવ્યાં હતાં એવો મને દૃઢ વિશ્વાસ છે. એ અખતરાનો થોડે અંશે ત્યાગ કરવો પડયો એનું મને હંમેશાં દુ:ખ રહ્યું છે, અને જે હું રાજપ્રકરણી વ્યવસાયોમાં જેટલે દરજજે ગૂંથાયેલો પડયો છું તેમાંથી મુક્ત થઈ શકું તો ફરીથી આટલી ઉંમરે અને શરીરને જોખમે અાધ્યાત્મિક પરિણામ તપાસવાની ખાતર આજે પણ એ અખતરો હું કરી જોઉં. દાક્તરો અને વેદોમાં આધ્યાત્મિક દૃષ્ટિનો અભાવ એ પણ મારા માર્ગમાં અમને વિઘ્નકર્તા થઈ પડેલ છે.

પણ હવે આ મધુર અને અગત્યનાં સ્મરણોની સમાપ્તિ થવી જોઈએ. આવા સખત પ્રયોગો આત્મશુદ્ધિની લડતને અંગે જ થઈ શકે. છેવટના યુદ્ધને સારુ ટૉલ્સ્ટૉય ફાર્મ એ આધ્યાત્મિક શુદ્ધિનું અને તપશ્ચર્યાનું સ્થાન નીવડયું જો આવું સ્થાન ન મળ્યું હોત અથવા ન મેળવ્યું હોત તો આઠ વરસ સુધી લડત ચાલી શકત કે નહીં, વધારે પૈસા મળી શકત કે નહીં, અને છેવટે જે હજારો માણસોએ લડતમાં ભાગ લીધો એ એ ભાગ લેત કે નહીં એ વિશે મને સંપૂર્ણ શંકા છે. ટૉલ્સટૉય ફાર્મની નોબત વગાડવાનો નિયમ રાખ્યો જ નહોતો. એમ છતાં જે વસ્તુ દયાને પાત્ર ન હતી તે વસ્તુએ લોકોના દયાભાવને જાગ્રત કર્યો, પોતે જે વસ્તુ કરવાને તૈયાર નથી અને જેને પોતે દુઃખ માને છે તે વસ્તુ ફાર્મવાસીઓ કરી રહ્યા છે એમ લોકોએ માન્યું. આ તેઓનો વિશ્વાસ એ ૧૯૧૩ની સાલમાં જે મોટા પાયા પર ફરી લડાઈ શરૂ થઈ તેને સારુ ભારે મૂડીરૂપ થઈ પડ્યો. એવી મૂડીના વળતરનો હિસાબ નથી થઈ શકતો. વળતર કયારે મળે છે તે પણ કોઈ કહી જ ન શકે. પણ મળે જ છે એને વિશે મને તો શંકા નથી જ અને કોઈ શંકા ન કરે.