દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનું આગમન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઇતિહાસ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનું આગમન
મોહનદાસ કરમચંદ ગાંધી
મુસીબતોનું સિંહાવલોકન (નાતાલ) →


૩. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનું આગમન

આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા કે નાતાલમાં અંગ્રેજો આવી વસ્યા. તેઓએ ઝૂલુઓની પાસેથી કેટલાક હકો લીધા. અનુભવે તેઓ જોઈ શકયા કે નાતાલમાં શેરડી, ચા અને કૉફીનો પાક સુંદર થઈ શકે છે. બહોળા પ્રમાણમાં એ પાક ઉતારવો હોય તો હજારો મજૂરો જોઈએ. પાંચપચીસ અંગ્રેજ કુટુંબો એવી સહાય વિના આવા પાક તૈયાર ન કરી શકે. તેઓએ હબસીઓને કામ કરવાને લલચાવ્યા, ડરાવ્યા, પણ હવે ગુલામીનો કાયદો રહ્યો ન હતો તેથી સફળતાને સારુ જોઈએ એટલું બળ તેઓ હબસીઓ ઉપર અજમાવી ન શકયા. હબસીઓને બહુ મહેનત કરવાની ટેવ નથી. છ મહિનાની સામાન્ય મહેનતથી તેઓ પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે. તો પછી કોઈ માલિકની સાથે લાંબી મુદતને સારુ કેમ બંધાય ? અને જ્યાં સુધી સ્થાયી મજૂરી ન મળી શકે ત્યાં સુધી અંગ્રેજો પોતાની નેમ પૂરી કરી ન શકે. તેથી એ લોકોએ હિંદી સરકારની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો, અને મજૂરને સારુ હિંદુસ્તાનની મદદ માગી. હિંદી સરકારે નાતાલની માગણી કબૂલ રાખી, અને ૧૮૪૦-'પ૦ દરમિયાન પહેલી[૧] આગબોટ હિંદી મજૂરોને લઈને નીકળી. મારી દૃષ્ટિએ હિંદી સરકારે આ માગણી મંજૂર કરવામાં પુખ્ત વિચાર ન કર્યો. અહીંના અંગ્રેજ અમલદાર જાણ્યેઅજાણ્યે નાતાલના પોતાના ભાઈઓની તરફ ઢળ્યા. અલબત્ત, બની શકે એટલી મજૂરોની રક્ષા કરવાની શરતો કરારનામામાં દાખલ કરી. ખાવાપીવાની સામાન્ય સગવડ જળવાઈ. પણ આમ દૂર ગયેલા અભણ મજૂરો જે પોતાની ઉપર કંઈ દુ:ખ પડે તો કેમ મુક્તિ મેળવી શકે તેનો ખ્યાલ પૂરો તો ન જ રહ્યો. તેઓના ધર્મનું શું થશે, તેઓ પોતાની નીતિ કેમ જાળવશે, એનો તો વિચાર પણ ન થયો. અમલદારોએ એ પણ ન વિચાર્યું કે જોકે કાયદામાં ગુલામી ન રહી પણ માલિકોના હૃદયમાંથી બીજાઓને ગુલામ બનાવવાનો લોભ નાબૂદ થયો ન હતો. અમલદારોએ સમજવું જોઈતું હતું પણ ન સમજ્યા, કે મજૂરો દૂર દેશ જઈ મુદતના ગુલામ બનશે. સર વિલિયમ વિલસન હંટર જેણે આ સ્થિતિનો ઊંડો અભ્યાસ કર્યો હતો તેણે એની સરખામણી કરતાં બે શબ્દો અથવા શબ્દસમૂહ વાપર્યા હતા. નાતાલના જ હિંદી મજૂરો વિશે લખતાં એક વેળા તેમણે લખેલું કે તે અર્ધ ગુલામગીરીની સ્થિતિ છે. બીજી વેળા એને પત્રની અંદર લખતાં લગભગ ગુલામગીરીની હદને પહોંચનારી એ સ્થિતિ છે એવું વર્ણન તેમણે આપેલું અને નાતાલના એક કમિશનની પાસે જુબાની આપતાં ત્યાંના મોટામાં મોટા ગોરાએ એટલે મરહૂમ મિ. એસ્કંબે એવું જ કબૂલ કરેલું. આવા તો ઘણા પુરાવાઓ નાતાલના અગ્રેસર ગોરાઓને મુખેથી જ આપી શકાય એમ છે. અને તેમાંના ઘણાખરા હિંદી સરકારને થયેલી એ વિષયની અરજીઓમાં એકઠા થયેલા છે. પણ થનાર હતું તે થયું. અને જે સ્ટીમર આ મજૂરોને લઈ ગઈ તે જ સ્ટીમર સત્યાગ્રહના મહાન વૃક્ષનું બીજ પણ સાથે લઈ ગઈ. મજૂરોને નાતાલના અહીંના હિંદી દલાલોએ કેવા છેતર્યા, કેમ ભોળવાઈને એ લોકો નાતાલ ગયા, નાતાલ પહોંચતાં તેઓની અાંખ કેવી ઊઘડી, અાંખ ઊઘડતાં છતાં તેઓ કેમ નાતાલમાં રહ્યા, કેમ બીજાઓ પણ તેમની પાછળ ગયા, ત્યાં જઈને કેમ તેઓએ બધા ધર્મનાં અને નીતિનાં બંધનો તોડી નાખ્યાં, અથવા તો કેમ એ બંધનો તૂટી ગયાં, કેમ વિવાહિત અને વેશ્યા વચ્ચેનો ભેદ સુધ્ધાં ન રહ્યો - એની કહાણી તો આ નાના પુસ્તકમાં લખાય જ નહીં.

આ મજૂરો એગ્રીમેન્ટમાં ગયેલા મજૂરોને નામે નાતાલમાં ઓળખાય છે તે ઉપરથી મજૂરો પોતાને ગિરમીટિયા તરીકે ગણાવવા લાગ્યા. તેથી હવે એગ્રીમેન્ટને આપણે ગિરમીટને નામે ઓળખીશું અને તેમાં ગયેલા મજૂરોને ગિરમીટિયાને નામે ઓળખીશું.

જ્યારે નાતાલમાં ગિરમીટિયા ગયા છે એવી ખબર મોરીશિયસમાં ફેલાઈ ત્યારે એવી જાતના મજૂરોની સાથે સંબંધ રાખતા હિંદી વેપારીઓ નાતાલ જવા લલચાયા. મોરીશિયસ નાતાલ અને હિંદુસ્તાનની વચ્ચે છે. મોરીશિયસના ટાપુમાં હજારો હિંદીઓ વસે છે; મજૂરો અને વેપારી. તેઓમાંના એક વેપારી મરહૂમ અબુબકર આમદે નાતાલમાં પોતાની પેઢી રાખવાનો ઈરાદો કર્યો. એ વખતે નાતાલના અંગ્રેજોને પણ હિંદી વેપારીઓ શું કરી શકે તેનું ભાન ન હતું, દરકાર પણ ન હતી. તેઓ ગિરમીટિયાની મદદથી શેરડી, ચા, કૉફી વગેરેનો ઘણો નફાકારક પાક ઉગાડી શકયા, શેરડીની ખાંડ બનાવી અને દક્ષિણ આફ્રિકાને આશ્ચર્ય પમાડે એટલી ટૂંકી મુદતમાં થોડા થોડા પ્રમાણમાં આ ત્રણે વસ્તુ પૂરી પાડવા લાગ્યા. પોતાની કમાણીમાંથી તેઓએ મહલ બનાવ્યા અને જંગલમાં મંગલ કરી બેઠા. એવે સમયે શેઠ અબુબકર જેવો એક સરસ સાદો અને બાહોશ વેપારી વચમાં આવી વસે તે તેઓને ન ખૂચે ? વળી એમની સાથે તો એક અંગ્રેજ પણ જોડાયો ! અબુબકર શેઠે વેપાર ચલાવ્યો, જમીન ખરીદી અને તેની સારી કમાણીની અફવા તેમના વતન પોરબંદર અને તેની આસપાસનાં ગામોમાં ફેલાઈ, એટલે બીજા મેમણ નાતાલ પહોંચ્યા. તેમની પાછળ સુરત તરફના વહોરાઓ પણ પહોંચ્યા. તેઓને મહેતાઓ તો જોઈએ જ. તેથી ગુજરાત કાઠિયાવાડના હિંદુ મહિતાઓ પણ ગયા. આમ નાતાલમાં બે વર્ગના હિંદીઓ થયા : (૧) સ્વતંત્ર વેપારી અને તેનો સ્વતંત્ર નોકરવર્ગ, અને (ર) ગિરમીટિયા કાળે કરીને ગિરમીટિયાઓની પ્રજા થઈ. ગિરમીટના કાયદા પ્રમાણે આ પ્રજા પણ જોકે મજૂરી કરવા તો બંધાયેલી નહીં, છતાં એ કાયદાની કેટલીક આકરી કલમો નીચે તો રહી જ ગુલામીનો ડામ ગુલામની પ્રજાને લાગ્યા વિના કેમ રહે ? આ ગિરમીટિયા પાંચ વરસના કરારથી જતા હતા. પાંચ વરસ વીત્યા બાદ મજૂરી કરવા તેઓ બંધાયેલા ન હતા, પોતાને સ્વતંત્ર મજૂરી અથવા વેપાર કરવો હોય અને નાતાલમાં સ્થાયી થવું હોય તો તેને તેમ કરવાનો હક હતો. આ હકનો ઉપયોગ કેટલાકોએ કર્યો અને કેટલાક હિંદુસ્તાન પાછા ફર્યા. જેઓ નાતાલમાં રહી ગયા તેઓ “ફી ઈન્ડિયન્સ'ને નામે ઓળખાતા. તેમને આપણે ગિરમીટમુક્ત અથવા ટૂંકામાં મુક્ત હિંદી કહીશું. અા ભેદ સમજી લેવાની જરૂર છે. કેમ કે જે હક કેવળ સ્વતંત્ર હિંદી – જેનું વર્ણન ઉપર આવી ગયું તે – ભોગવતા હતા તે બધા આ મુક્ત થયેલા હિંદીઓને ન હતા. જેમ કે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાને ઈચ્છે તો તેઓએ પરવાનો લેવો જ જોઈએ. તેઓ વિવાહ કરે અને વિવાહને કાયદેસર ગણાવવા ઈચ્છે તો તે વિવાહ તેણે ગિરમીટિયાઓનું રક્ષણ કરવાને નિમાયેલા અમલદારના દફતરમાં નોંધાવવો જોઈએ, ઈ૦ આ સિવાય બીજા પણ આકરા અંકુશ તેઓની ઉપર હતા. ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટમાં ૧૮૮૦ – '૯૦ની સાલમાં બોઅર લોકોનાં પ્રજાસત્તાક રાજ્ય હતાં. પ્રજાસત્તાક રાજયનો અર્થ પણ અહીં સ્પષ્ટ કરી દેવો આવશ્યક છે. પ્રજાસત્તાક એટલે ગોરાસત્તાક, તેમાં કંઈ હબસી પ્રજાને લેવાદેવા હોય જ નહીં.. હિંદી વેપારીઓએ જેયું કે માત્ર ગિરમીટિયાઓ અને ગિરમીટમુક્ત હિંદીઓમાં જ પોતે વેપાર કરી શકે એમ કંઈ ન હતું, પણ હબસી લોકોની સાથે પણ તેઓ વેપાર કરી શકે. હબસી લોકોને હિંદી વેપારી તો ભારે સગવડરૂપ થઈ પડ્યા. ગોરા વેપારીથી એ અતિશય ડરે. ગોરા વેપારી તેની સાથે વેપાર કરવા ઈચ્છે, પણ હબસી ઘરાકને મીઠી જીભે બોલાવે એ અાશા ઘરાકથી રખાય જ નહીં. જો પોતાના પૈસાનો પૂરતો અવેજ મળે તો તે ઘણું થયું માને. પણ કેટલાકને એવો કડવો અનુભવ પણ થયેલો જોવામાં આવ્યો છે કે ચાર શિલિંગની વસ્તુ લેવાની હોય, એક પાઉંડ બાંક ઉપર મૂકયો હોય, પાછા તેને સોળ શિલિંગને બદલે ચાર શિલિંગ મળે અથવા કંઈયે ન મળે ! પેલો ગરીબ ઘરાક વધારો પાછો માગે અથવા બાદબાકીની ભૂલ દેખાડે તો અવેજમાં ભૂંડી ગાળ મળે. તેટલેથી જ છૂટે તોયે કંઈક સંતોષ, નહીં તો ગાળની સાથે મુક્કો અથવા લાત પણ હોય ! આવું કંઈ બધા અંગ્રેજ વેપારીઓ કરે એમ કહેવાનો જરાય આશય નથી. પણ એવા દાખલાઓ ઠીક સંખ્યામાં મળે એમ તો અવશ્ય કહી શકાય. આથી ઊલટું હિંદી વેપારી મીઠી જીભે તો બોલાવે જ; તેની સાથે હસે. હબસી ભોળા અને દુકાનની અંદર જોવાચૂંથવા ઈચ્છનારા હોય, એ બધું હિંદી વેપારી સહન કરે. પરમાર્થદષ્ટિએ નહીં એ ખરું, તેમાં તેની સ્વાર્થદષ્ટિ હોય; લાગ ફાવે તો હિંદી વેપારી હબસી ઘરાકોને છેતરતાં ન ચૂકે. પણ હિંદી વેપારીની હબસીઓમાં પ્રિયતાનું કારણ તેની મીઠાશ. વળી હબસી હિંદી વેપારીથી બીએ તો નહીં જ; ઊલટા એવા દાખલા મોજૂદ છે કે જ્યારે કોઈ હિંદી વેપારીએ હબસી ઘરાકોને છેતરવાનો પ્રયત્ન કર્યો છે અને તે પેલો જાણી ગયો છે ત્યારે તેને હાથે વેપારીએ માર ખાધો છે ! અને ગાળો તો ઘણીયે વાર સાંભળી છે. એટલે હિંદી હબસીના સંબંધમાં બીવાનો પ્રસંગ કેવળ હિંદીને જ રહ્યો. છેવટે પરિણામ એ આવ્યું કે હિંદી વેપારીને હબસીઓની ઘરાકી બહુ લાભદાયક જણાઈ. હબસીઓ તો આખા દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા જ હતા. હિંદી વેપારીઓએ સાંભળ્યું હતું કે ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટમાં બોઅર લોકોની સાથે પણ વેપાર થઈ શકે છે. બોઅર લોકો સાદા, ભોળા અને આડંબર વિનાના હોય છે, તેઓ હિંદીઓના ઘરાક બનતાં લજવાશે નહીં. અાથી કેટલાક હિંદી વેપારીઓએ ટ્રાન્સવાલ અને ફ્રી સ્ટેટ તરફ પણ પ્રયાણ કર્યું દુકાનો ખોલી. ત્યાં એ અવસરે આગગાડી વગેરે ન હતાં તેથી નફા બહુ મોટા મળી શકતા હતા. વેપારીઓની કલ્પના સાચી ઠરી અને તેઓને બોઅર તેમ જ હબસીઓની ઘરાકી પુષ્કળ મળવા માંડી. રહ્યું કેપ કૉલોની. ત્યાં પણ કેટલાક હિંદી વેપારી જઈ પહોંચ્યા અને ઠીક કમાણી કરવા લાગ્યા. આમ થોડી થોડી સંખ્યામાં ચારે સંસ્થાનોમાં હિંદી પ્રજા વહેંચાઈ ગઈ અને હાલ સમસ્ત સ્વતંત્ર હિંદીની સંખ્યામાં પણ આ લખતી વેળાએ કંઈક ઘટાડો થયો હશે પણ વધારો તો નહીં જ.

  1. હિંદી મજૂરોની પહેલી આગબોટ ઈ. સ. ૧૮૬૦ના નવેમ્બરની ૧૬મી તારીખે નાતાલ પહોંચી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઈતિહાસમાં આ તારીખ નોંધવાયોગ્ય ગણાય, કેમ કે આ પુસ્તક અને તેની વસ્તુનાં મૂળ એ બનાવમાં રહેલાં હતાં.