દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પ્રાસ્તાવિક

વિકિસ્રોતમાંથી
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રાસ્તાવિક
મોહનદાસ કરમચંદ ગાંધી
ભૂગોળ →


પ્રાસ્તાવિક

દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સત્યાગ્રહની લડત આઠ વર્ષ ચાલી. 'સત્યાગ્રહ' શબ્દ તે લડતને અંગે શોધાયો ને યોજાયો. એ લડતનો ઇતિહાસ મારે હાથે લખાય એમ હું ઘણા વખત થયાં ઈચ્છતો હતો. કેટલુંક તો હું જ લખી શકું. કઈ વસ્તુ કયા હેતુથી થઈ એ તો લડાઈનો ચલાવનાર જ જાણી શકે. અને મોટા પાયા ઉપર રાજ્યપ્રકરણી ક્ષેત્રમાં આ અખતરો પહેલો જ હતો એટલે એ સત્યાગ્રહના સિદ્ધાંતનો વિકાસ લોકો જાણે, એ ગમે તે પ્રસંગે આવશ્યક ગણાય.

પણ આ વેળા તો હિંદુસ્તાનમાં સત્યાગ્રહનું વિશાળ ક્ષેત્ર છે. વિરમગામની જકાતની નાનીસરખી લડતથી તેનો અનિવાર્ય ક્રમ શરૂ થયો છે.

વિરમગામની જકાતની લડતમાં નિમિત્ત વઢવાણનો સાધુચરિત પરગજુ દરજી મોતીલાલ હતો. વિલાયતથી આવેલો ૧૯૧૫ની સાલમાં હું કાઠિયાવાડ જતો હતો. ત્રીજા વર્ગમાં હતો. વઢવાણ સ્ટેશને આ દરજી પોતાની નાનીશી ટુકડી લઈને આવ્યો હતો. તેણે વિરમગામની થોડી વાત કરી મને કહ્યું:

'આ દુ:ખનો ઈલાજ કરો. કાઠિયાવાડમાં જન્મ લીધો છે એ સફળ કરો.' તેની અાંખમાં દૃઢતા ને કરુણા બંને હતાં.

મેં પૂછયું : 'તમે જેલ જવા તૈયાર છો ?'

તુરત જવાબ મળ્યો : 'અમે ફાંસી જવા તૈયાર છીએ.'

હું : 'મને જેલ જ બસ છે, પણ જોજો વિશ્વાસઘાત ન થાય.'

મોતીલાલ બોલ્યો : 'એ તો અનુભવે ખબર પડશે.'

હું રાજકોટ પહોંચ્યો, વધારે વિગતો મેળવી, સરકારની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. બગસરા વગેરેનાં ભાષણોમાં વિરમગામની જકાત વિશે સત્યાગ્રહ કરવો પડે તો કરવા તૈયાર રહેવાની સૂચના કરી. એ ભાષણ સરકારી દફતરે તેની વફાદાર છૂપી પોલીસે પહોંચાડ્યું, પહોંચાડનારે સરકારની સેવા કરી ને કોમની પણ અજાણતાં સેવા કરી. છેવટે લૉર્ડ ચેમ્સફર્ડની સાથે તે વિશે વાત થઈ ને તેમણે આપેલું વચન પાળ્યું. બીજાઓએ પ્રયાસ કરેલો હું જાણું છું, પણ આમાંથી સત્યાગ્રહ થશે એવો સંભવ હતો તેથી જકાત રદ થઈ એવો મારો દૃઢ અભિપ્રાય છે.

વિરમગામ પછી ગિરમીટનો કાયદો. એ રદ કરવાને સારુ ખૂબ પ્રયાસ થયા હતા. તે લડતને સારુ જાહેર ચળવળ સારી પેઠે થઈ હતી. મુંબઈમાં થયેલી સભામાં ગિરમીટ બંધ કરવાની તારીખ ૩૧મી જુલાઈ, ૧૯૧૭ ઠરાવવામાં આવી હતી. તે તારીખ કેમ મુકરર થઈ તેનો ઈતિહાસ અહીં ન અપાય. તે લડતને અંગે વાઈસરૉય પાસે પહેલું બહેનોનું ડેપ્યુટેશન ગયું. તેમાં મુખ્ય પ્રયાસ કોનો હતો એ લખ્યા વિના ન જ રહી શકાય. ચિરસ્મરણીય બહન જાઈજી પિટીટનો એ પ્રયાસ હતો. એ લડતમાં પણ કેવળ સત્યાગ્રહની તૈયારીથી જ વિજય થયો, પણ તેને અંગે જાહેર ચળવળની જરૂર હતી એ ભેદ યાદ રાખવા જોગ છે. ગિરમીટનો અટકાવ વિરમગામની જકાત કરતાં વજનદાર હતો. લૉર્ડ ચેમ્સફર્ડૅ રૉલેટ એક્‌ટ પછી ભૂલો કરવામાં મણા નથી રાખી. છતાં તે શાણા વાઈસરૉય હતા એમ મને હજુયે લાગે છે. સિવિલ સર્વિસના સ્થાયી અમલદારોના પંજામાંથી છેવટ લગી કયો વાઈસરૉય બચી શકે ?

ત્રીજી લડત ચંપારણની. તેનો વિગતવાર ઇતિહાસ રાજેન્દ્રબાબુએ લખ્યો છે. આમાં સત્યાગ્રહ કરવો પડ્યો. કેવળ તૈયારીથી બસ ન હતું, પણ સામેના પક્ષનો સ્વાર્થ કેટલો બધો હતો ! ચંપારણમાં લોકોએ શાંતિ કેટલી જાળવી એ નોંધવા યોગ્ય છે. નેતાઓએ બધાએ મનથી, વચનથી ને કાયાથી સંપૂર્ણ શાંતિ જાળવી એનો હું સાક્ષી છું. તેથી જ આ સૈકાઓનો સડો છ માસમાં નાબદ થયો.

ચોથી લડત અમદાવાદના મિલમજૂરોની. તેનો ઇતિહાસ ગુજરાત ન જાણે તો કોણ જાણે ? મજૂરોની કેવી શાંતિ ! નેતાઓને વિશે મારે કંઈ કહેવું હોય? છતાં આ જીતને મેં સદોષ ગણી છે, કેમ કે મજૂરોની ટેક જાળવવા સારુ થયેલો મારો ઉપવાસ માલિકો પર દબાણરૂપ હતો. તેમની અને મારી વચ્ચેનો સ્નેહ ઉપવાસની અસર તેઓની ઉપર પાડે જ. એમ છતાં લડતનો સાર તો ચોખ્ખો છે. મજૂરો શાંતિથી ટકી રહે તો તેમની જીત થાય જ ને તેઓ માલિકોનાં મન હરણ કરે. તેઓ માલિકોનાં મન હરણ નથી કરી શકયા, કેમ કે મજૂરો મન, વચન, કાયાથી નિર્દોષ – શાંત ન ગણાય. તેઓ કાયાથી શાંત રહ્યા એ પણ ઘણું મનાય.

પાંચમી લડત ખેડાની. આમાં બધા નેતાઓએ કેવળ સત્ય જાળવ્યું એમ હું નથી કહી શકતો, શાંતિ તો જળવાઈ રૈયતવર્ગની શાંતિ કંઈક મજૂરોના જેવી કેવળ કાયિક જ હતી. તેથી માત્ર માન જ રહ્યું. લોકોમાં ભારે જાગૃતિ આવી, પણ ખેડાએ પૂરો શાંતિપાઠ નહોતો લીધો; મજૂરો શાંતિનું શુદ્ધ સ્વરૂપ સમજ્યા નહોતા; તેથી રોલેટ એક્‌ટના સત્યાગ્રહ વેળા લોકોને સહન કરવું પડ્યું, મારે મારી હિમાલય જેવડી ભૂલ કબૂલ કરવી પડી ને ઉપવાસ કરવા-કરાવવા પડયા.

છઠ્ઠી લડત રૉલેટ કાયદાની. તેમાં આપણામાં રહેલા દોષો ઊભરાઈ આવ્યા. પણ મૂળ પાયો સાચો હતો. દોષો માત્ર કબૂલ કર્યા; પ્રાયશ્ચિત્ત કર્યું. રૉલેટ કાયદાનો અમલ તો કદી ન થઈ શકયો ને છેવટે એ કાળો કાયદો રદ પણ થયો. એ લડતે આપણને મોટો પાઠ આપ્યો.

સાતમી ખિલાફત, પંજાબ ને સ્વરાજની લડત. તે ચાલી રહી છે. તેમાં એક પણ સત્યાગ્રહી સાબૂત રહે તો વિજય છે જ એ મારો વિશ્વાસ અડગ છે.

પણ ચાલુ લડત મહાભારત છે. તેની તૈયારી અનિચ્છાએ કેમ થઈ તેનો ક્રમ હું આપી ગયો છું. વિરમગામની જકાત વખતે મને શી ખબર કે બીજી લડતો લડવાની રહેશે ? વિરમગામની પણ મને દક્ષિણ આફ્રિકામાં થોડી જ ખબર હતી ? સત્યાગ્રહની એ ખૂબી છે. તે આપણી પાસે આવી પડે છે, તેને શોધવા જવું પડતું નથી. એ તેના સિદ્ધાંતમાં જ રહેલો ગુણ છે, જેમાં કાંઈ છૂપું નથી, જેમાં કાંઈ ચાલાકી કરવાપણું નથી રહેતું, જેમાં અસત્ય તો હોય જ નહીં, એવું ધર્મયુદ્ધ તો અનાયાસે જ આવે છે; અને ધર્મી તેને સારુ હંમેશાં તૈયાર જ હોય છે. પ્રથમથી રચવું પડે તે ધર્મયુદ્ધ નથી. ધર્મયુદ્ધનો રચનાર અને ચલાવનાર ઈશ્વર છે. તે યુદ્ધ ઈશ્વરને નામે જ ચાલી શકે અને જ્યારે સત્યાગ્રહીના બધા પાયા ઢીલા થઈ જાય છે, તે છેક નિર્બળ બને છે, ચોમેર અંધકાર વ્યાપે છે, ત્યારે જ ઈશ્વર સહાય કરે છે. મનુષ્ય જ્યારે રજકણથી પણ પોતાને નીચો માને છે ત્યારે ઈશ્વર સહાય કરે છે. નિર્બળને જ રામ બળ આપે છે.

આ સત્યનો અનુભવ તો આપણને થવાનો છે તેથી દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ આપણને મદદરૂપ છે એમ હું માનું છું.

જે જે અનુભવો આપણને આજ લગી ચાલુ લડતમાં થયા છે તેને લગતા અનુભવો દક્ષિણ આફ્રિકામાં થયેલા વાંચનાર જોશે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ આપણને એ પણ બતાવશે કે હજી સુધી આપણી લડતમાં નિરાશાનું કારણ એક પણ નથી. વિજયને સારુ કેવળ આપણી યોજનાને દૃઢતાપૂર્વક વળગી રહવાની જ જરૂર છે.

અા પ્રસ્તાવના હું જૂહુમાં લખી રહ્યો છું. ઇતિહાસનાં ૩૦ પ્રકરણો યરોડા જેલમાં લખ્યાં. હું બોલતો ગયો ને ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિકે લખ્યાં. બાકીનાં હવે પછી લખવા ધારું છું. જેલમાં મારી પાસે આધારોને સારુ પુસ્તક ન હતાં. અહીં પણ તે એકઠાં કરવા હું ઇચ્છતો નથી. વિગતવાર ઈતિહાસ આપવાને સારુ મને અવકાશ નથી અને નથી ઉત્સાહ કે ઈચ્છા. ચાલુ લડાઈમાં મદદરૂપ થઈ પડે અને નવરાશવાળા સાહિત્યવિલાસીના હાથથી એ ઇતિહાસ વિગતવાર લખાય તો તેના કાર્યમાં મારો પ્રયત્ન સુકાનરૂપ થઈ પડે એ આશય છે. જોકે આધાર વિના લખેલી વસ્તુ છે તોપણ તેમાં એક પણ હકીકત બરોબર નથી અથવા એક પણ જગ્યાએ અતિશયોક્તિ છે એમ કોઈ ન સમજે એવી વિનંતી છે.

જુહૂ, બુધવાર,

સં. ૧૯૮૦, ફાગણ વદ ૧૩, ઈ. સ. ૧૯૨૪, ૨ જી એપ્રિલ વાંચનાર જાણે છે કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ઉપવાસાદિ કારણોને લીધે હું ચાલુ નહોતો રાખી શકયો. તે હવે પાછો આ અંકથી શરૂ કરું છું. મારી ઉમેદ છે કે હું તે હવે નિર્વિઘ્ને પૂરો કરી શકીશ.

એ ઈતિહાસનાં સ્મરણો ઉપરથી હું જોઉં છું કે, આપણી આજની સ્થિતિમાં એક પણ વસ્તુ એવી નથી કે જેનો અનુભવ નાના પાયા ઉપર દક્ષિણ આફ્રિકામાં મને ન થયો હોય. અારંભનો એ જ ઉત્સાહ, એ જ સંપ, એ જ અાગ્રહ; મધ્યમાં એ જ નિરાશા, એ જ અણગમો, આપસઆપસમાં ઝઘડા ને દ્વેષાદિ; તેમ છતાં મૂઠીભર લોકોમાં અવિચળ શ્રદ્ધા, દૃઢતા, ત્યાગ, સહિષ્ણુતા તેમ જ અનેક પ્રકારની ધારેલી-અણધારેલી મુસીબતો. હિંદની લડતનો અંતિમ કાળ બાકી છે. એ અંતિમ કાળની હું તો જે સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં અનુભવી ચૂકયો છું, તેની જ આશા અહીં પણ રાખું છું. દક્ષિણ આફ્રિકાની લડતનો અંતિમ કાળ વાંચનાર હવે પછી જોશે. તેમાં કેવી રીતે વણમાગી મદદ આવી પડી, લોકોમાં કેવી રીતે અનાયાસે ઉત્સાહ આવ્યો અને છેવટે હિંદીઓની સંપૂર્ણ જીત કેવી રીતે થઈ, એ બધું વાંચનાર જેશે.

અને જેમ દક્ષિણ આફ્રિકામાં તેમ અહીં થશે એવો મારો દૃઢ વિશ્વાસ છે. કેમ કે તપશ્ચર્યા પર, સત્ય પર, અહિંસા પર મારી અડગ શ્રદ્ધા છે. હું અક્ષરશ: માનનારો છું કે સત્યનું સેવન કરનારની આગળ આખા જગતની સમૃદ્ધિ ખડી થાય છે ને તે ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે. અહિંસાના સાનિધ્યમાં વેરભાવ નથી રહી શકતો, એ વાકય પણ હું અક્ષરેઅક્ષર ખરું માનું છું. દુઃખ સહન કરનારાઓને કશું અશકય નથી હોતું, એ સૂત્રનો હું ઉપાસક છું. આ ત્રણે વસ્તુઓનો મેળ હું કેટલાયે સેવકોમાં જાઉં છું. તેઓની સાધના નિષ્ફળ ન જ થાય એવો મારો નિરપવાદ અનુભવ છે.

પણ કોઈ કહેશે કે, દક્ષિણ આફ્રિકામાંની સંપૂર્ણ જીતનો અર્થ તો એ જ કે હિંદીઓ હતા તેવા થઈને બેઠા. આવું કહેનાર અજ્ઞાની કહેવાય. જો દક્ષિણ આફ્રિકામાં લડત ન લડાઈ હો તો આજે દક્ષિણ આફ્રિકામાંથી જ નહીં પણ બધાં અંગ્રેજી સંસ્થાનોમાંથી હિંદીઓનો પગ નીકળી ગયો હોત ને તેની ભાળ સરખી પણ ન લેવાઈ હોત. પણ આ જવાબ પૂરતો અથવા સંતોષકારક ન ગણાય. એવી દલીલ પણ થઈ શકે કે, જે સત્યાગ્રહ ન થયો હોત પણ લેવાય તેટલું કામ સમજૂતીથી લઈને બેસી ગયા હોત તો આજે જે સ્થિતિ છે તે ન હોત. આ દલીલમાં જોકે કાંઈ વજૂદ નથી છતાં જ્યાં કેવળ દલીલોના અને અનુમાનોના જ પ્રયોગ થાય ત્યાં કોની દલીલ કે કોનાં અનુમાનો ઉત્તમ એ કોણ કહે ? અનુમાનો કાઢવાનો સહુને હક છે. ઉત્તર ન દઈ શકાય એવી વાત તો એ છે કે જે શસ્ત્ર વડે જે વસ્તુ લેવાય તે જ શસ્ત્ર વડે તે વસ્તુ રાખી શકાય.

'કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ્ય વહી બાણ.'

જે અર્જુને શિવજીને હરાવ્યા, કૌરવોનો મદ ઉતાર્યો, તે જ અર્જુન જ્યારે કૃષ્ણરૂપી સારથિરહિત થયો ત્યારે એક લૂંટારાની ટોળીને પોતાના ગાંડીવ ધનુષ્યથી ન હરાવી શકયો ! તેવું જ દક્ષિણ આફ્રિકાના હિંદવાસીઓનું છે. હજુ તો ઝૂઝી રહ્યા છે. પણ જે સત્યાગ્રહ વડે તેઓ જીત્યા, તે શસ્ત્ર જે ખોઈ બેઠા હોય તો તેઓ અંતે બાજી હારી જવાના. સત્યાગ્રહ તેમનો સારથિ હતો ને તે જ સારથિ તેમને સહાય કરી શકે તેમ છે.

नवजीवन, પ-૭-૧૯૨૫

મોહનદાસ કરયમચંદ ગાંધી