દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/લડતનો અંત

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પત્રોની આપલે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
લડતનો અંત
મોહનદાસ કરમચંદ ગાંધી
ઉપસંહાર →


ર૬. લડતનો અંત

કમિશનના રિપોર્ટ પછી થોડા જ સમયમાં જે કાયદા વડે સમાધાની થવાની હતી તેનો મુસદ્દો યુનિયન ગેઝેટમાં બહાર પડયો. એ મુસદ્દો બહાર પડતાં જ મારે કેપટાઉન જવાનું થયું. યુનિયનની ધારાસભાની બેઠક ત્યાં જ હતી, ત્યાં જ હોય છે. એ બિલમાં નવ કલમ છે. અને તે 'નવજીવન'નાં બે કૉલમની અંદર સમાઈ જાય. તેમાંનો એક ભાગ હિંદીઓ વચ્ચેના વિવાહને લગતો છે, જેની રૂએ, જે વિવાહ હિંદુસ્તાનમાં કાયદેસર ગણાય તે દક્ષિણ આફ્રિકામાં પણ કાયદેસર ગણાય એવી મતલબ છે. પણ એક કરતાં વધારે પત્ની એકીવખતે કોઈની કાયદેસર પત્ની ન ગણી શકાય. બીજા ભાગ વડે ત્રણ પાઉંડનો કર જે દરેક ગિરમીટિયાએ જો તેને સ્વતંત્ર હિંદી તરીકે રહેવું હોય તો દર વરસે આપવાનો હતો તે રદ કરે છે. અને ત્રીજા ભાગથી જેઓને દક્ષિણ આફ્રિકામાં રહેવાનાં પ્રમાણપત્ર મળતાં હતાં તે પ્રમાણપત્રની કિંમત આંકવામાં આવે છે. એટલે કે એ પ્રમાણપત્ર જેની પાસે હોય તેનો દક્ષિણ આફ્રિકામાં રહેવાનો હક એ પ્રમાણપત્રથી કેટલે દરજજે સિદ્ધ થાય છે એ બતાવવામાં આવે છે. આ બિલ ઉપર યુનિયન પાર્લમેન્ટમાં ખૂબ અને મીઠી ચર્ચા થઈ. બીજી વસ્તુઓ જેને સારુ કાયદાની જરૂર ન હતી તે વસ્તુઓની ચોખવટ જનરલ સ્મટ્સ અને મારી વચ્ચે થયેલાં પત્રવ્યવહારથી થઈ. તેમાં કેપ કૉલોનીની અંદર ભણેલા હિંદીઓને દાખલ થવાના હકની રક્ષા વિશેનો, જેઓને દક્ષિણ આફ્રિકામાં દાખલ થવાની ખાસ રજા મળે તેઓ વિશેનો, જે ભણેલા હિંદી ૧૯૧૪ પહેલાં દાખલ થઈ ચૂકયા હોય તેઓ વિશેનો અને એક કરતાં વધારે સ્ત્રીને પરણેલા હોય તેઓને પોતાની બીજી સ્ત્રી મહેરબાની દાખલ લાવવા દેવા વિશેનો, ખુલાસો થયેલો છે અને જનરલ સ્મટ્સના કાગળમાં એક નીચેની વાત પણ છે. “ચાલુ કાયદાઓને વિશે યુનિયન સરકારે હમેશાં ઇચ્છયું છે અને હાલ પણ ઇચ્છે છે કે એ કાયદાનો અમલ ન્યાયપુર:સર અને ભોગવાતા હકોને જાળવીને જ કરવામાં આવશે.” આ કાગળ ૩૦મી જૂને (૧૯૧૪) લખાયેલો હતો, અને તે જ તારીખે મેં જનરલ સ્મટ્સને કાગળ લખ્યો તેની મતલબ આ પ્રમાણે હતી :

'આપનો આજની તારીખનો કાગળ મને મળ્યો છે. જનરલ સ્મટ્સે મને ધીરજ અને વિનયપૂર્વક સાંભળ્યો તેને સારુ હું આભારી છું. હિંદીને રાહત દેનારો કાયદો અને આ આપણી વચ્ચેનો પત્રવ્યવહાર સત્યાગ્રહની લડતનો અંત લાવે છે. આ લડત ૧૯૦૬ના સપ્ટેમ્બરમાં શરૂ થઈ. એથી હિંદી કોમને ઘણું દુ:ખ અને પૈસાની નુકસાની સહન કરવાં પડયાં છે અને સરકારને પણ ચિંતામાં પડવું પડયું છે. પ્રધાન જાણે છે કે મારા કેટલાક ભાઈઓની માગણી ઘણી વધારે હતી. જુદા જુદા પ્રાંતમાં વેપારના પરવાનાના કાયદા જેવા કે, ટ્રાન્સવાલનો ગોલ્ડ લૉ, ટ્રાન્સવાલ ટાઉનશિપ્સ એક્ટ તથા સને ૧૮૮પનો ટ્રાન્સવાલનો નં. ૩નો કાયદો – તેમાં એવા કશા ફેરફાર થયા નથી, જેને લીધે રહેઠાણ સંબંધી સંપૂર્ણ હક મળે, વેપારની છૂટ મળે તથા જમીનની માલિકી ધરાવવાનો હક મળે. તેથી તેઓને અસંતોષ થયો છે. કેટલાકને તો એટલા કારણસર અસંતોષ રહ્યો છે કે એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં જવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી નથી. કેટલાકને એવો અસંતોષ થયો છે કે હિંદીઓને રાહત આપનારા કાયદામાં લગ્નના પ્રશ્નની બાબતમાં જે થયું છે તેથી વિશેષ થવું જોઈતું હતું. તેઓની મારી પાસે એવી માગણી છે કે, ઉપરની બધી બાબતો સત્યાગ્રહની લડતમાં સામેલ કરવામાં આવે. પરંતુ તેમની માગણી મેં નથી સ્વીકારી એટલે સત્યાગ્રહની લડતના મુદ્દા તરીકે જોકે આ બાબતો દાખલ કરવામાં નથી આવી, છતાં એની તો ના નહીં જ પાડી શકાય કે કોઈ દિવસ સરકારે આ બાબતનો વધુ વિચાર કરીને રાહત આપવી જોઈશે. જ્યાં સુધી અહીં વસતી હિંદી કોમને શહેરીઓ તરીકેના પૂરેપૂરા હક આપવામાં નહીં આવે, ત્યાં સુધી સંપૂર્ણ સંતોષની આશા રાખી શકાય નહીં. મારા ભાઈઓને મેં કહ્યું છે કે, તમારે ધીરજ રાખવાની છે અને દરેક યોગ્ય સાધન વડે લોકમત એવો કેળવવાનો છે કે આ પત્રવ્યવહારમાં દર્શાવેલી શરતો કરતાં પણ ભવિષ્યની સરકાર વધુ આગળ જઈ શકે. હું આશા રાખું છું કે દક્ષિણ આફ્રિકાના ગોરાઓ જ્યારે સમજશે કે હિંદુસ્તાનમાંથી ગિરમીટિયા મજૂરો આવવાનું તો હવે બંધ થયું છે, અને દક્ષિણ આફ્રિકામાં નવા આવનારને લગતા કાયદાથી સ્વતંત્ર હિંદીઓનું અહીં આવવું પણ લગભગ રોકાયું છે અને સમજશે કે હિંદીઓની મહત્ત્વાકાંક્ષા અહીંના રાજકાજમાં કોઈ જાતની દખલ કરવાની છે જ નહીં, ત્યારે મેં જણાવ્યા તે હકો હિંદીઓને આપવા જ જેઈએ અને તેમાં જ ન્યાય રહેલો છે એવું તેમને ભાસશે. દરમિયાન, આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં છેલ્લા થોડા મહિના થયા સરકારે જે ઉદાર ધોરણ પકડયું છે તે ઉદાર ધોરણ, આપના પત્રમાં જણાવ્યા મુજબ, અત્યારના કાયદાઓનો અમલ કરવામાં ચાલુ રહેશે તો મારી ખાતરી છે કે, આખા યુનિયનમાં હિંદી કોમ કંઈક શાંતિ ભોગવીને રહી શકશે અને સરકારને હેરાનગતિનું કારણ નહીં થઈ પડે.'