દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/વક્ર રાજનીતિ અથવા ક્ષણિક હર્ષ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વિલાયતમાં ડેપ્યુટેશન દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
વક્ર રાજનીતિ અથવા ક્ષણિક હર્ષ
મોહનદાસ કરમચંદ ગાંધી
અહમદ મહમદ કાછલિયા →


૧પ વક્ર રાજનીતિ અથવા ક્ષણિક હર્ષ

કેપટાઉન ઊતરતાં અને વિશેષમાં જોહાનિસબર્ગ પહોંચતાં અમે જોયું કે મદિરામાં અમને મળેલા તારની જે કિંમત અમે અાંકી હતી તે કિંમત તેની નહોતી, તેમાં મોકલનાર મિ. રિચનો દોષ ન હતો. તેમણે તો જે પ્રમાણે કાયદો નામંજૂર થવા વિશે સાંભળ્યું તે જ પ્રમાણે તાર કર્યો. આપણે ઉપર જોયું કે એ વખતે, એટલે ૧૯૦૬ની સાલમાં ટ્રાન્સવાલ સલ્તનતી સંસ્થાન હતું, એવાં સંસ્થાનોના એલચીઓ હંમેશાં સંસ્થાનોના પ્રધાનને માહિતગાર રાખવા વિલાયતમાં રહે છે. ટ્રાન્સવાલની વતી એલચી સર રિચર્ડ સોલોમન દક્ષિણ આફ્રિકામાં પ્રખ્યાતિ પામેલા વકીલ હતા. ખૂની કાયદો નામંજૂર કરવાનો ઠરાવ સર રિચર્ડ સોલોમનની સાથે મસલત કરીને લૉર્ડ એલ્ગિને કરેલો. ૧૯૦૭ના જાન્યુઆરીની પહેલી તારીખથી ટ્રાન્સવાલને જવાબદાર સત્તા મળવાની હતી. તેથી લોર્ડ એલ્ગિને સર રિચર્ડ સોલોમનને વિશ્વાસ આપ્યો કે, "આ જ કાયદો જો જવાબદાર ધારાસભામાં પસાર થશે તો વડી સરકાર તે નામંજૂર નહીં કરે, પણ જ્યાં સુધી ટ્રાન્સવાલ સલ્તનતી સંસ્થાન ગણાય છે ત્યાં સુધી આવા ભેદભાવવાળા કાયદાને સારુ વડી સરકાર સીધી જવાબદાર ગણાય છે. અને વડી સરકારના બંધારણમાં ભેદવાળી રાજ્યનીતિને સ્થાન નથી અપાતું. તેથી એ સિદ્ધાંતને માન આપવા ખાતર મારે હાલ તો આ કાયદો નામંજૂર રાખવાની જ સલાહ બાદશાહને આપવી જોઈએ."

અામ નામની ખાતર માત્ર કાયદો રદ થાય અને સાથે ટ્રાન્સવાલના ગોરાઓનું પણ કામ થાય તો સર રિચર્ડ સોલોમનને કંઈ હરકત ન હતી, – કેમ હોઈ શકે ? આ રાજ્યનીતિને મેં 'વક્ર' વિશેષણથી ઓળખાવી છે. પણ ખરું જોતાં એનાથી વધારે તીખું વિશેષણ વાપરીએ તોપણ એ નીતિ ચલાવનારાઓને કશો અન્યાય ન થાય એવી મારી માન્યતા છે. સલ્તનતી સંસ્થાનના કાયદાઓ વિશે વડી સરકારની સીધી જવાબદારી છે. તેના બંધારણમાં રંગ અને જાતિભેદને સ્થાન નથી. એ બંને વાત તો બહુ સુંદર છે. જવાબદાર રાજસત્તા ભોગવતાં સંસ્થાનોએ ઘડેલા કાયદા એકાએક વડી સરકાર રદ ન કરી શકે એ પણ સમજાય એવું છે. પણ સંસ્થાનના એલચીઓની સાથે છૂપી મસલતો કરવી, તેમને પહેલેથી વડી સરકારના બંધારણ વિરુદ્ધના કાયદાઓને નામંજૂર ન કરવાનું વચન આપવું, એમાં જેઓના હક છીનવાતા હોય તેઓના તરફ દગો અને અન્યાય નથી ? લોર્ડ એલ્ગિને વચન આપીને ખરું જોતાં ટ્રાન્સવાલના ગોરાઓને તેઓની હિંદીઓ વિરુદ્ધની હિલચાલ જારી રાખવાનું ઉત્તેજન આપ્યું એમ જ કરવું હતું તો હિંદી પ્રતિનિધિઓની સાથે ચોખવટ કરવાની જરૂર હતી. વસ્તુતાએ, જવાબદાર સંસ્થાનોના કાયદાને સારુ પણ સલ્તનત જવાબદાર તો છે જ. બ્રિટિશ બંધારણના મૂળ સિદ્ધાંતો જવાબદાર સંસ્થાનોએ પણ કબૂલ રાખવા જ પડે છે. જેમ કે, કોઈ પણ જવાબદાર સંસ્થાનથી કાયદેસર ગુલામગીરીની પદ્ધતિનો પુનરુદ્ધાર ન કરી શકાય. જો ખૂની કાયદો અયોગ્ય છે એમ ધારીને લોર્ડ એલ્ગિને તે રદ કર્યો હોય – અને એમ ધારીને જ રદ કરી શકાય – તો લોર્ડ એલ્ગિનની ચોખ્ખી ફરજ હતી કે તેણે સર રિચર્ડ સોલોમનને ખાનગીમાં બોલાવીને એમ કહેવું જોઈતું હતું કે, આવો અન્યાયી કાયદો જવાબદારી મળ્યા પછી ટ્રાન્સવાલની સરકાર નહીં ઘડે, અને જો ઘડે એવો તેમનો વિચાર હોય તો વડી સરકારે જવાબદારી સોંપવી કે નહીં એ ફરી વિચારવું પડે અથવા તો હિંદીઓના હકો પૂરા જાળવવાની શરતે જ જવાબદાર સત્તા ટ્રાન્સવાલને આપવી જોઈતી હતી. આમ કરવાને બદલે લૉર્ડ એલ્ગિને બહારથી હિંદીઓની હિમાયત કરવાનો ડોળ કર્યો, અને તે જ વખતે અંદરથી ટ્રાન્સવાલ સરકારની ખરેખર હિમાયત કરી, અને જે કાયદો પોતે રદ કર્યો તે જ ફરી પસાર કરવા તેને ઉશ્કેરી. આવી વક્ર રાજનીતિનો આ એક જ અથવા પહેલો દાખલો નથી. બ્રિટિશ સલ્તનતનો સામાન્ય અભ્યાસી પણ એવા બીજા દાખલાઓ યાદ કરી શકે છે.

તેથી જોહાનિસબર્ગમાં અમે એક જ વાત સાંભળી. લોર્ડ એલ્ગિને અને વડી સરકારે આપણને છેતર્યા. અમને તો મદિરામાં જેટલો ઉમંગ થયો હતો તેટલી જ દક્ષિણ આફ્રિકામાં નિરાશા થઈ. છતાં આ વક્રતાનું તાત્કાલિક પરિણામ તો એ આવ્યું કે કોમમાં વધારે જુસ્સો ફેલાયો અને સૌ કહેવા લાગ્યા, "હવે આપણને શી ફિકર છે ? આપણે ક્યાં વડી સરકારની મદદ ઉપર ઝૂઝવાનું છે ? આપણે તો આપણા બળ ઉપર ને જેને નામે પ્રતિજ્ઞા લીધેલી છે તે ઈશ્વરના આશ્રય ઉપર ઝૂઝવું છે. અને જો આપણે ખરા રહીશું તો વાંકી નીતિ પણ સીધી જ થઈ જશે."

ટ્રાન્સવાલમાં જવાબદાર સત્તા સ્થપાઈ. એ જવાબદાર ધારાસભાનો પહેલો કાયદો બજેટ હતો, અને બીજો કાયદો ખૂની કાયદો અને એક કે બે શબ્દના ફેરફાર[૧] સાથે જેવો એ પ્રથમ ઘડાયો હતો અને પાસ થયો હતો તેવો જ પાસ થયો. આ શબ્દફેરને કાયદાની સખતીની સાથે કશોયે સંબંધ ન હતો. તે તો જેવી હતી તેવી જ કાયમ રહી. એટલે કાયદો રદ થયો હતો, એ તો કેવળ સ્વપ્નવત્ થઈ ગયું. હિંદી કોમે રિવાજ મુજબ અરજીઓ વગેરે તો કર્યા, પણ એ તૂટીનો અવાજ કોણ સાંભળે એમ હતું? એ કાયદા પ્રમાણે નવા પરવાના લેવાનું શરૂ કરવાની તારીખ એ જ વર્ષ(૧૯૦૭)ની પહેલી ઓગસ્ટ[૨] રાખવામાં આવી હતી. એટલી મુદત રાખવાનું કારણ કોમની ઉપર મહેરબાની ન હતું, પણ એ કાયદામાં ધોરણ પ્રમાણે વડી સરકારની પણ સંમતિ હોવી જોઈએ. તેને કંઈક વખત જાય. વળી તેના પરિશિષ્ટ પ્રમાણે પત્રકો, ચોપડીઓ, પરવાનાઓ વગેરે તૈયાર કરાવવાં, જુદે જુદે ઠેકાણે પરવાનાની ઓફિસો ખોલવી વગેરેમાં પણ વખત જાય. તેથી એ પાંચછ મહિનાની મુદત ટ્રાન્સવાલ સરકારે પોતાની જ સગવડને ખાતર લીધી હતી.

  1. એ ફેરફાર આ હતો : કાયદાની એક કલમમાં તારીખ નાખેલી હતી; તે તારીખ ફેર તો કરવો જ જોઈએ. એટલે એ તારીખનો જ માત્ર ફેરફાર કરવામાં આવ્યો હતો. ૧૯૦૭ના માર્ચની ૨૧મી તારીખે એક જ બેઠકમાં ધારાસભાએ તે કાયદાના બધા વિધિ પૂરા કરી તે પસાર કરેલો.
  2. તારીખમાં આ ફેરફાર છે : એ કાયદો ૧૯૦૭ના જુલાઈની ૧લીથી લાગુ થતો જાહેર કરેલો; અને હિંદીઓએ ૩૧મી જુલાઈ પહેલાં પરવાના કઢાવવા અરજી કરવી એમ હુકમ હતો.