દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/વિલાયતમાં ડેપ્યુટેશન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સત્યાગ્રહ વિ૦ પૅસિવ રિઝિસ્ટન્સ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
વિલાયતમાં ડેપ્યુટેશન
મોહનદાસ કરમચંદ ગાંધી
વક્ર રાજનીતિ અથવા ક્ષણિક હર્ષ →


૧૪. વિલાયતમાં ડેપ્યુટેશન

ટ્રાન્સવાલમાં ખૂની કાયદાની સામે અરજી ઈત્યાદિનાં જે જે પગલાં ભરવાં જોઈએ તે તો લઈ લીધાં. ધારાસભાએ ઓરતો વિશેની કલમ કાઢી નાખી. બાકી ખરડો જેવો બહાર પડયો હતો તેવો જ લગભગ પસાર કર્યો એમ કહી શકાય. કોમમાં એ વખતે તો ઘણી હિંમત હતી અને તેટલો જ એકસંપ અને એકમતી હતાં એટલે કોઈ નિરાશ ન થયું. એમ છતાં કાયદેસર જે જે પગલાં ભરવાનાં હોય તે તો લેવાં જ, એ નિશ્ચય કાયમ રહ્યો. અા બાબતે ટ્રાન્સવાલ “ક્રાઉનકૉલોની' હતું. ક્રાઉનકૉલોનીના શબ્દાર્થ સલ્તનતી સંસ્થાન, એટલે એવું સંસ્થાન કે જેના કાયદા, વહીવટ વગેરે સારુ વડી સરકાર પસાર કરે તેમાં બાદશાહી સંમતિ કેવળ વ્યવહાર અને વિવેકને જાળવવાની ખાતર જ મેળવવાની હોય છે એમ નહીં, પણ પોતાના પ્રધાનમંડળની સલાહથી બાદશાહ, જે કાયદા બ્રિટિશ તંત્રના સિદ્ધાંતની વિરુદ્ધ હોય, તેવા કાયદાને સંમતિ આપવાનો ઈન્કાર કરી શકે, અને એ પ્રમાણે કરવાના પ્રસંગો પણ ઘણા મળી આવે. આથી ઊલટું, જવાબદાર સત્તાવાળાં સંસ્થાન (એટલે 'રિસ્પૉન્સિબલ ગવર્નમેન્ટ”)ની ધારાસભા જે કાયદાઓ પસાર કરે તેમાં બાદશાહી સંમતિ મુખ્યત્વે કેવળ વિવેકને સારુ જ લેવાય છે.

ડેપ્યુટેશન વિલાયત જાય તો કોમ પોતાની જવાબદારી વધારે સમજે એ બતાવવાનો બોજો મારે શિર જ રહ્યો હતો. તેથી મેં અમારા મંડળની પાસે ત્રણ સૂચનાઓ રજૂ કરી. એક તો એ કે, જોકે પેલી નાટકશાળાવાળી સભામાં પ્રતિજ્ઞાઓ લેવાઈ હતી તોપણ ફરી પાછી છેવટે મુખ્ય મુખ્ય હિંદીઓની વ્યક્તિગત પ્રતિજ્ઞા મેળવી લેવી જોઈએ, કે જેથી જો લોકોમાં કંઈ પણ શંકા આવી હોય અથવા નબળાઈએ ઘર કર્યું હોય તો ખબર પડી જાય. આ સૂચના કરવાના સમર્થનમાં મારી એક દલીલ એ હતી કે ડેપ્યુટેશન સત્યાગ્રહના બળથી જાય તો નિર્ભય થઈને જાય અને નિર્ભયતાથી કોમનો નિશ્ચય વિલાયતમાં સંસ્થાનોના અને હિંદના વજીરને બતાવી શકે. બીજી એ કે, ડેપ્યુટેશનના ખર્ચનો સંપૂર્ણ બંદોબસ્ત પહેલેથી જ થવો જોઈએ. અને ત્રીજી એ કે, ડેપ્યુટેશનમાં થોડામાં થોડા માણસો જવા જોઈએ. વધારે જવાથી વધારે કામ થઈ શકે એવી માન્યતા ઘણી વાર જોવામાં આવે છે, તેથી આ સૂચના કરવામાં આવી હતી. ડેપ્યુટેશનમાં જનાર પોતાના માનને ખાતર ન જાય પણ કેવળ સેવાની ખાતર, એ વિચારને આગળ લાવવો, ખર્ચ બચાવવું, એવી વ્યવહારદૃષ્ટિ આ સૂચનામાં હતી. એ ત્રણે સૂચનાઓ મંજૂર થઈ. સહીઓ લેવાઈ. ઘણી સહીઓ થઈ. પણ તેમાં હું જોઈ શકયો કે સભામાં પ્રતિજ્ઞા લેનારાઓમાંથી પણ કેટલાક એવા હતા કે જે સહી આપતાં સંકોચાતા હતા. એક વખતે પ્રતિજ્ઞા લીધા પછી પચાસ વખતે તે જ ફરી લેવી પડે તો એમાં સંકોચ હોવો જ ન જોઈએ. એમ છતાં કોને અનુભવ નહીં હોય કે માણસો વિચારપૂર્વક પ્રતિજ્ઞા લીધી હોય તેમાં પણ મોળા પડે છે અથવા મોઢેથી લીધેલી પ્રતિજ્ઞા લખવા જતાં અકળાય છે ? પૈસા પણ, અંદાજ કાઢયો હતો તે પ્રમાણે, એકઠા થયા. સૌથી વધારે મુશ્કેલી પ્રતિનિધિઓની ચૂંટણીમાં આવી. મારું નામ તો હતું જ. પણ મારી સાથે કોણ જાય ? આમાં કમિટીએ ઘણો કાળ કાઢ્યો. કેટલીયે રાતો વીતી અને સમાજોમાં જે જે બુરી આદતો જેવામાં આવે છે તેનો અનુભવ સંપૂર્ણ રીતે થયો. કોઈ કહે હું એકલો જ જાઉં એટલે બધાનું સમાધાન થાય. એમ કરવાની મેં ચોખ્ખી ના પાડી. હિંદુ-મુસલમાનનો સવાલ દક્ષિણ આફ્રિકામાં નહોતો એમ સામાન્ય રીતે કહી શકાય ખરું, પણ બન્ને કોમ વચ્ચે જરાયે અંતર નહોતું એવો દાવો ન જ કરી શકાય. અને જો એ ભેદે કદી ઝેરી સ્વરૂપ ન પકડ્યું તો તેનું કારણ ત્યાંના વિચિત્ર સંજોગો એ કેટલેક દરજજે ભલે હોઈ શકે પણ તેનું ખરું અને નિશ્ચિત કારણ તો એ જ કે આગેવાનોએ એકનિષ્ઠાથી અને નિખાલસપણે પોતાનું કામ કર્યું અને કોમને દોરી. મારી સલાહ એ પડી કે, મારી સાથે એક મુસલમાન ગૃહસ્થ હોવા જ જોઈએ, અને બેથી વધારેની જરૂર નથી, પણ હિંદુ તરફથી તુરત કહેવામાં આવ્યું કે હું તો આખી કોમનો પ્રતિનિધિ ગણાઉં, એટલે હિન્દુ તરફથી એક હોવો જ જોઈએ. વળી કોઈ એમ પણ કહે કે એક કોંકણી મુસલમાન તરફથી, એક મેમણ તરફથી, અને હિંદુઓમાંથી એક પાટીદાર તરફથી, એક અનાવિલ તરફથી, એમ અનેક જાતના દાવા થયા કરતા હતા. પણ છેવટે બધા સમજ્યા અને એકમતે મિ. હાજી વજીરઅલ્લી અને હું એમ બે જ જણ ચૂંટાયા.

હાજી વજીરઅલ્લી અર્ધા મલાયીમાં ગણી શકાય. એમના બાપ હિંદી મુસલમાન અને મા મલાયણ હતી. એમની માદરી જબાન ડચ કહીએ તો ચાલી શકે. પણ અંગ્રેજી કેળવણી પણ એટલે સુધી લીધેલી કે ડચ અને અંગ્રેજી બંને સારી રીતે બોલી શકે. અંગ્રેજીમાં ભાષણ કરતાં એમને ક્યાંય અટકવું ન પડતું. અખબારોમાં પત્રો લખવાની આદત કેળવી હતી. ટ્રાન્સવાલ બ્રિટિશ ઈન્ડિયન એસોસિયેશનના મેમ્બર હતા; અને લાંબા વખતથી જાહેર કામમાં ભાગ લેતા આવતા હતા. હિન્દુસ્તાની પણ છૂટથી બોલી શકતા. એક મલાયી બાઈની સાથે તેમનો વિવાહ થયો હતો અને એને પરિણામે એમને બહોળી પ્રજા હતી. અમે બંને વિલાયત પહોંચ્યા કે તુરત કામમાં જોડાઈ ગયા. પ્રધાનને આપવાની અરજી તો સ્ટીમરમાં જ ઘડી કાઢી હતી એ છપાવી નાખી. લોર્ડ એલ્ગિન સંસ્થાનોના પ્રધાન હતા, લૉર્ડ મોલીં હિંદી પ્રધાન હતા. અમે હિંદના દાદાને મળ્યા. તેમની મારફતે બ્રિટિશ કમિટીને મળ્યા. એમને અમારો કેસ સંભળાવ્યો અને જણાવ્યું કે અમારે તો બધા પક્ષને સાથે રાખીને કામ લેવાનો વિચાર છે. દાદાભાઈની તો એ સલાહ હતી જ. કમિટીને પણ એ બરાબર લાગ્યું. એ જ પ્રમાણે સર મંચેરજી ભાવનગરીને મળ્યા. એમણે પણ ખૂબ મદદ કરી. એમની તેમ જ દાદાભાઈની એ સલાહ હતી કે લોર્ડ એલ્ગિન પાસે જે ડેપ્યુટેશન જાય તેમાં આગેવાન કોઈ તટસ્થ અને જાણીતા એંગ્લો-ઈન્ડિયન મળે તો સારું, સર મંચેરજીએ કેટલાંક નામો પણ સૂચવેલાં. તેમાં સર લેપલ ગ્રિફિનનું નામ હતું, વાંચનારને જણાવવું જોઈએ કે આ વખતે સર વિલિયમ વિલ્સન હંટર તો હયાત ન હતા. એ હોત તો દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિ સાથેના એમના ગાઢ પરિચયને લીધે એ જ આગેવાન થયા હોત, અથવા તો એમણે જ કોઈ ઉમરાવ વર્ગના મહાન નેતાને શોધી કાઢયો હોત.

સર લેપલ ગ્રિફિનને અમે મળ્યા. તેમની રાજ્યનીતિ તો હિંદુસ્તાનમાં ચાલતી જાહેર ચળવળોની વિરોધી જ હતી. પણ આ સવાલમાં તેમને બહુ રસ આવ્યો અને વિવેકને ખાતર નહીં પણ ન્યાયદૃષ્ટિથી જ આગળપડતો ભાગ લેવાનું તેમણે કબૂલ કર્યું. બધાં કાગળિયાં વાંચ્યાં અને સવાલથી માહિત થયા. અમે બીજા ઍગ્લો-ઈન્ડિયનોને પણ મળ્યા. આમની સભાના ઘણા મેમ્બરોને મળ્યા, અને કંઈ પણ વગ ધરાવનાર એવા બીજા જેટલા માણસો અમને મળી શકે તે બધાને અમે મળ્યા. લોર્ડ એલ્ગિનની પાસે ડેપ્યુટેશન ગયું. તેમણે બધી હકીકત ધ્યાનપૂર્વક સાંભળી. પોતાની દિલસોજી જાહેર કરી. તેની સાથે જ પોતાની મુશ્કેલીઓ બતાવી. છતાં બની શકે એટલું કરવાનું વચન આપ્યું. એ જ ડેપ્યુટેશન લૉર્ડ મોલને પણ મળ્યું. તેમણે પણ દિલસોજી બતાવી. તેના ઉદ્દગારોનો સાર હું પાછળ અાપી ગયો છું. સર વિલિયમ વેડરબર્નના પ્રયાસથી આમની સભાના હિંદુસ્તાનના કારોબારની સાથે સંબંધ રાખનારા સભાસદોની સભા અામની સભાના એક દીવાનખાનામાં મળી અને તેઓની પાસે પણ અમારો કેસ યથાશક્તિ રજૂ કર્યો. એ વેળા આઈરિશ પક્ષના મુખી મિ. રેડમંડ હતા. તેથી તેઓને પણ અમે ખાસ મળવા ગયા હતા. ટૂંકમાં આમની સભાના પણ બધા પક્ષના જે જે સભાસદોને મળી શકાય તેઓને અમે મળેલા. વિલાયતની અંદર અમને કોંગ્રેસની બ્રિટિશ કમિટીની મદદ તો પુષ્કળ હતી જ. પણ વિલાયતના રીતરિવાજ પ્રમાણે તેમાં તો અમુક પક્ષના અને અમુક મતના જ માણસો આવે. એમાં નહીં આવનારા એવા ઘણા હતા કે જેઓ અમારા કામમાં પૂરી મદદ આપતા હતા. એ બધાને જો એકઠા કરીને આ કામમાં રોકી શકાય તો વધારે સારું કામ થઈ શકે એ માન્યતાથી અને એ ઈરાદાથી અમે સ્થાયી સમિતિ નીમવાનો નિશ્ચય કર્યો. બધા પક્ષના માણસોને એ ગમ્યું.

દરેક સંસ્થાનો આધાર મુખ્યત્વે તેના મંત્રી ઉપર રહે છે. મંત્રી એવો હોવો જોઈએ કે જેનો એ સંસ્થાના હેતુ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય, એટલું જ નહીં પણ તેને એ હેતુની સફળતા મેળવવા સારુ પોતાનો ઘણોખરો વખત આપવાની શક્તિ હોય અને કામ કરવાની લાયકાત હોય. મિ. રિચ જે દક્ષિણ આફ્રિકાના જ હતા, જે મારી અૉફિસમાં જ મહેતાગીરી કરતા હતા અને જે આ વખતે લંડનમાં બૅરિસ્ટરનો અભ્યાસ કરતા હતા તેમનામાં આ બધા ગુણ હતા. તે વિલાયતમાં હતા ને આ કામ કરવાની તેમની ઈચ્છા પણ હતી. તેથી કમિટી નીમવાની અમે હિંમત કરી શકયા. વિલાયતમાં અથવા તો પશ્ચિમમાં એક એવો મારી દૃષ્ટિએ અસભ્ય રિવાજ છે કે સારાં સારાં કામનાં મુહૂર્ત ખાણાને સમયે મંડાય છે. બ્રિટિશ પ્રધાન પોતાની વાર્ષિક કારકિર્દીનું અને ભવિષ્યના પોતાના વરતારાનું, આખી દુનિયાનું ધ્યાન ખેંચનારું ભાષણ દર વર્ષે નવમી નવેમ્બરે મેન્શન હાઉસ નામના મહાન વેપારીઓના સ્થાનકમાં કરે. પ્રધાનમંડળ વગેરેને લોર્ડ મેયર તરફથી ખાણાનું નિમંત્રણ આપવામાં આવે છે, અને ત્યાં ખાણું થઈ રહ્યા પછી શરાબની બાટલીઓ ખૂલે અને યજમાન અને અતિથિની તંદુરસ્તી ઈચ્છવાને સારુ શરાબ પીવામાં આવે. અને આ શુભ અથવા તો અશુભ (સૌ પોતાની દૃષ્ટિ પ્રમાણે વિશેપણ ચૂંટી લેશે) કાર્ય ચાલતું હોય ત્યારે ભાષણો પણ થાય. તેમાં બાદશાહી પ્રધાનમંડળનો (તંદુરસ્તીનો આશીર્વાદ) 'ટોસ્ટ' પણ દાખલ થાય એ ટોસ્ટના જવાબમાં મેં ઉપર જણાવ્યું એ મુખ્ય પ્રધાનનું મહત્ત્વનું ભાષણ કરવામાં આવે છે. અને જેમ જાહેરમાં તેમ જ ખાનગીમાં જે કોઈની સાથે ખાસ મસલત કરવી હોય તો તેને જમવાને નોતરવાનો રિવાજ હોય છે, અને કોઈ વેળા જમતાં જમતાં તો કોઈ વેળા જમણ પૂરું થયા બાદ એ મસલત છેડવામાં આવે છે. અમારે પણ એક વખત નહીં પણ અનેક વખત આ રિવાજને વશ થવું પડ્યું હતું. પણ કોઈ વાંચનાર એવો અર્થ ન કરે કે અમારામાંના એકેયે અપેય પીધેલું કે અખાદ્ય ખાધેલું. એટલે અમે આ પ્રમાણે એક સવારનાં નોતરાં કાઢયાં, અને તેમાં બધા મુખ્ય સહાયકોને નોતર્યા, લગભગ સોએક નોતરાં મોકલ્યાં હતાં. આ ખાણાનું નિમિત્ત સહાયકોનો ઉપકાર માનવાનું અને તેમની વિદાયગીરી લેવાનું હતું, અને સાથે જ સ્થાયી કમિટી બનાવવાનું હતું. તેમાં પણ શિરસ્તા મુજબ ખાણા પછી ભાષણો થયાં, અને કમિટીની સ્થાપના પણ થઈ. એથી પણ અમારી હિલચાલને વધારે જાહેરાત મળી.

છએક અઠવાડિયાં આ પ્રમાણે ગાળી અમે દક્ષિણ આફ્રિકા તરફ પાછા ફર્યા. મદિરા પહોંચતાં અમને મિ. રિચનો તાર મળ્યો કે લોર્ડ એલ્ગિને જાહેર કર્યું છે કે ટ્રાન્સવાલનો એશિયાટિક એક્ટ નામંજૂર રાખવાની પ્રધાનમંડળે બાદશાહને ભલામણ કરી છે. અમારા હર્ષનું તો પછી પૂછવું જ શું હોય ? મદિરાથી કેપટાઉન પહોંચતાં ૧૪-૧૫ દિવસ લાગે છે એ તો અમે બહુ ચેનમાં ગાળ્યા અને ભવિષ્યમાં બીજાં દુ:ખો ટાળવાને સારુ શેખચલ્લી જેવા હવાઈ મહેલો બાંધવા માંડ્યા. પણ દેવગતિ ન્યારી જ છે. અમારા મહેલો કેવા ધસી પડયા એ હવે પછીના પ્રકરણમાં વિચારીશું.

પણ આ પ્રકરણ પૂરું કરતાં પહેલાં એકબે પવિત્ર સ્મરણ છોડી શકાય એવાં નથી. મારે એટલું તો કહેવું જ જોઈએ કે વિલાયતમાં એક ક્ષણ પણ અમે નકામી તો જવા દીધી જ ન હતી. ઘણા સર્ક્યુલરો વગેરે મોકલવા એ બધું એકલે હાથે ન થઈ શકે. તેમાં મદદ ખૂબ જોઈએ જ. પૈસા ખર્ચતાં ઘણીખરી મદદ મળી શકે. પણ શુદ્ધ સ્વયંસેવકની મદદ જેવી એ મદદ ઊગી નથી નીકળતી એવો મારો ૪૦ વર્ષનો અનુભવ છે, એમ કહી શકાય. સદભાગ્યે એવી મદદ અમને મળી. ઘણા હિંદી યુવકો જે ત્યાં અભ્યાસ કરતા હતા તે અમારી આસપાસ વીંટળાઈ રહેતા અને તેમાંના કેટલાક સાંજ-સવાર, ઈનામની કે નામની આશા રાખ્યા વિના, અમને મદદ દેતા. સરનામાં કરવાનું, નકલો કરવાનું, ટિકિટ ચોંટાડવાનું કે ટપાલે જવાનું – કંઈ પણ કામ પોતાના દરજજાને ન છાજે એવું છે એવા બહાનાથી યુવકોમાંથી કોઈએ ન કર્યું એવું મને યાદ જ નથી. પણ એ બધાને કોરે મૂકી દે એવી મદદ કરનાર એક દક્ષિણ આફ્રિકામાં મળેલો અંગ્રેજ મિત્ર હતો. તે હિંદુસ્તાનમાં રહેલાં, તેનું નામ સિમંડ્ઝ હતું. અંગ્રેજીમાં એક કહેવત છે કે દેવતાઓ જેઓની ઉપર વહાલ રાખે છે તેઓને તે પોતાની પાસે વહેલા લઈ જાય છે. ભરજુવાનીમાં અા પરદુ:ખભંજન અંગ્રેજને યમદૂત લઈ ગયો. પરદુઃખભંજન વિશેષણ વાપરવાનું ખાસ કારણ છે. આ ભલો ભાઈ જ્યારે મુંબઈમાં હતો ત્યારે, એટલે ૧૮૯૭ની સાલમાં, મરકીના હિંદી દર્દીઓમાં બેધડક થઈને રખડેલ, અને તેઓને તેણે મદદ કરેલ. ચેપી રોગવાળાઓને સહાય કરતાં મરણનો લેશમાત્ર પણ ડર ન રાખવો એ તો તેના ખમીરમાં ઘડાઈ ગયેલું હતું. તેનામાં જાતિ કે રંગદ્વેષનો છાંટોય ન હતો. તેનો મિજાજ અતિશય સ્વતંત્ર હતો. તેનો એક સિદ્ધાંત હતો કે નાના પક્ષ એટલે “માઈનૉરિટી”ની સાથે જ હમેશાં સત્ય વસે છે. એ સિદ્ધાંતને વશ થઈને તે જોહાનિસબર્ગમાં મારી તરફ ખેંચાયેલ, અને વિનોદમાં મને ઘણી વખત સંભળાવેલું કે જો તમારો પક્ષ મોટો હોય તો તમે ખચીત માનજે કે હું તમને મુદ્દલ સાથ ન દઉં, કેમ કે 'મેજોરિટી'ના (મોટા પક્ષના) હાથમાં સત્ય પણ અસત્યનું સ્વરૂપ લઈ લે છે, એમ હું માનનારો છું. એનું વાચન બહોળું હતું. જોહાનિસબર્ગના એક કરોડપતિ સર જ્યૉર્જ ફરનનો તે અંગત વિશ્વાસુ મંત્રી હતો. શૉર્ટહેન્ડ (લધુલેખન) લખવામાં તે એક્કો હતો. વિલાયતમાં અમે પહોંચ્યા ત્યારે તે અનાયાસે જ આવી પહોંચેલ. મને તેના ઠેકાણાની ખબર ન હતી. પણ અમે તો જાહેર માણસ રહ્યા એટલે અખબારે ચડેલા, તેથી આ ભલા અંગ્રેજે અમને શોધી કાઢયા અને જે કંઈ મદદ બની શકે તે કરવા તૈયારી બતાવી: 'મને પટાવાળાનું કામ સોંપશો તો એ પણ હું કરીશ, અને જો શોર્ટહેન્ડનો ખપ હોય તો તો તમે જાણો જ છો કે મારા જેવો કુશળ માણસ તમને બીજે ન જ મળે.' અમને તો બંને મદદ જોઈતી હતી. અને આ અંગ્રેજે રાત અને દહાડો વગર પૈસે અમારું વૈતરું કર્યું છે એમ કહવામાં હું લેશમાત્ર અતિશયોક્તિ નથી કરતો. રાતના બાર બાર અને એક એક વાગ્યા સુધી તો એ હમેશાં ટાઈપરાઈટર ઉપર હોય જ. સંદેશા લઈ જવા, ટપાલે જવું, એ પણ સિમંડ્ઝ કરે અને બધું હસતે મુખે. મને ખબર હતી કે એની કમાણી મહિનાની લગભગ ૪પ પાઉન્ડ હતી. પણ એ બધું મિત્રો વગેરેને મદદ કરવામાં એ વાપરી નાખતો. તેની ઉંમર તે વખતે ત્રીસેક વર્ષની હશે. પણ તે અવિવાહિત રહેલો અને એમ જ જિંદગી ગાળવા તેણે વિચાર રાખેલો. કંઈક પણ લેવા મેં એને ઘણો આગ્રહ કરેલો, પણ એમ કરવાની એણે ચોખ્ખી ના પાડી. 'જો હું આ સેવાનો અવેજ લઉં તો હું ધર્મભ્રષ્ટ થાઉં' એ તેનું વચન હતું. મને યાદ છે કે છેલ્લી રાત્રે અમારું બધું કામ આટોપતાં, સામાન વગેરે બાંધતાં, અમને સવારના ત્રણ વાગેલા. ત્યાં સુધી તે પણ જાગેલ. અમને બીજે દિવસે સ્ટીમર ઉપર વળાવીને જ તે અમારાથી વિખૂટો પડ્યો. એ વિયોગ બહુ દુ:ખદાયી હતો. પરોપકાર એ ઘઉવણી ચામડીનો જ વારસો નથી એ મેં તો ઘણે પ્રસંગે અનુભવેલું છે.

જાહર કામ કરનારા જુવાનિયાઓને સૂચના ખાતર હું એ પણ જણાવી જાઉં કે ડેપ્યુટેશનના ખર્ચનો હિસાબ રાખવાનું કામ અમે એટલી બધી ચોકસાઈથી કરેલું કે સ્ટીમરોમાં સોડાવોટર પીધું હોય તો તેની જે પહોંચ મળે તે પણ એટલા પૈસાના ખર્ચની નિશાની દાખલ સાચવવામાં આવી હતી. તે જ પ્રમાણે તારોની પહોંચો. વિગતવાર હિસાબમાં પરચૂરણ ખર્ચને નામે એક પણ રકમ રાખ્યાનું મને યાદ નથી. એ ધારો તો ન જ હતો.. “યાદ નથી.” એટલું ઉમેરવાનું કારણ એ જ કે કદાચ દિવસને અંતે ખર્ચ માંડતાં બેચાર શિલિંગ યાદ ન રહ્યા હોય અન પરચૂરણ તરીકે મંડાઈ ગયા હોય તો ન કહી શકાય. તેથી જ અપવાદરૂપે “યાદ નથી.” એ શબ્દો વાપર્યા છે.

આ જિંદગીમાં એક વસ્તુ મને ચોખ્ખી જણાઈ છે કે આપણે સમજણા થઈએ છીએ ત્યારથી જ ટ્રસ્ટી અથવા જવાબદાર બનીએ , છીએ. માબાપની સાથે હોઈએ ત્યાં સુધી તેઓ જે કંઈ કામ સોંપે કે પૈસા સોંપે તેનો હિસાબ આપણે તેઓને આપવો જ જોઈએ. વિશ્વાસ રાખી તે ન માગે તેથી આપણે મુક્ત નથી થતાં. આપણે સ્વતંત્ર રહીએ છીએ ત્યારે સ્ત્રીપુત્રાદિક પ્રત્યે આપણી જવાબદારી પેદા થાય છે. આપણી કમાણીના માલિક કેવળ આપણે જ નથી. તેઓ પણ ભાગીદાર છે. તેઓની ખાતર આપણે પાઈએ પાઈનો હિસાબ રાખવો જોઈએ. ત્યારે જાહેર જિંદગીમાં પડીએ પછીનું તો કહેવું જ શું? મેં જોયું છે કે, સ્વયંસેવકોમાં એક આદત પડી જાય છે કે, કેમ જાણે તેઓ પોતાના હાથમાં રહેલાં કામ અથવા નાણાંનો વિગતવાર હિસાબ આપવાને બંધાયેલા જ નથી, કેમ કે તેઓ અવિશ્વાસને પાત્ર હોઈ જ ન શકે. અા ઘોર અજ્ઞાન જ ગણાય. હિસાબ રાખવાને અવિશ્વાસ કે વિશ્વાસની સાથે કાંઈ જ સંબંધ નથી. હિસાબ રાખવો એ જ સ્વતંત્ર ધર્મ છે. તે વિના આપણું પોતાનું કામ આપણે જ મેલું ગણવું જોઈએ. અને જે સંસ્થામાં આપણે સ્વયંસેવક હોઈએ તે સંસ્થાના નેતા જે ખોટા વિવેકને કે ડરને વશ થઈને હિસાબ ન માગે તો તે પણ દોષને પાત્ર છે. કામનો અને પૈસાનો હિસાબ રાખવાની પગારદારની જેટલી ફરજ છે તેના કરતાં બેવડી ફરજ સ્વયંસેવકની છે, કેમ કે તેણે તો પોતાનું કામ એ જ પગાર માની લીધો છે. આ વસ્તુ બહુ મહત્ત્વની છે અને સામાન્ય રીતે એ બાબત ઉપર ઘણી સંસ્થાઓમાં પૂરતું ધ્યાન નથી આપવામાં આવતું એમ હું જાણું છું. તેથી મેં તેને સારુ આ પ્રકરણમાં આટલી જગ્યા રોકવાની હિંમત કરી છે.