દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/વચનભંગ
← ગોખલેનો પ્રવાસ (ચાલુ) | દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ વચનભંગ મોહનદાસ કરમચંદ ગાંધી |
વિવાહ તે વિવાહ નહીં → |
હું નિશ્ચયપૂર્વક કહી શકું છું, અને તેથી ઘણીયે વેળા મેં કહ્યું છું કે સત્યાગ્રહીને સારુ એક જ નિશ્ચય હોય. તે નથી ઓછું કરી શકતો, નથી વધારે કરી શકતો, તેમાં નથી ક્ષયને અવકાશ કે નથી વૃદ્ધિને અવકાશ. મનુષ્યો જે માપ પોતાને સારુ આંકે તે માપથી જગત પણ તેને અાંકતું થઈ જાય છે. આવી સૂક્ષ્મ નીતિનો સત્યાગ્રહી દાવો કરે છે એમ સરકારે જાણ્યું એટલે, જોકે એવું નીતિનું એકે ધોરણ પોતાને લાગુ ન પડે છતાં, સરકારે સત્યાગ્રહીઓને તેઓએ રચેલા માપથી માપવાનું શરૂ કર્યું, અને બેચાર વેળા નીતિભંગનો આરોપ સત્યાગ્રહીઓ ઉપર મૂકયો. કાળા કાયદા પછી હિંદીઓની સામે નવા ધારા ઘડાય તેનો સમાવેશ લડાઈમાં થઈ શકે છે એ બાળક પણ સમજી શકે એવી વાત છે, છતાં જ્યારે નવા દાખલ થનાર હિંદીઓ ઉપર નવો અંકુશ મૂકવામાં આવ્યો ને તેને લડાઈના હેતુમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે સરકારે નવી વસ્તુઓ ભેળવ્યાનો આરોપ મૂકયો. એ તદ્દન અયોગ્ય આરોપ હતો. જે નવા દાખલ થનાર હિંદીઓને પૂર્વે ન હતી એવી અટકાયત કરવામાં આવે તો તેઓને પણ લડાઈમાં દાખલ કરવાનો હક હોવો જોઈએ અને તેથી સોરાબજી વગેરે દાખલ થયા એ આપણે જોઈ ગયા. સરકારથી આ સાંખી ન શકાય, પણ નિષ્પક્ષપાત લોકોને આ પગલાંની યોગ્યતા સમજાવતાં મને જરાયે મુશ્કેલી નહોતી આવી. આવો પ્રશ્ન ગોખલે જતાં ફરી ઉત્પન્ન થયો. ગોખલેએ તો ધાર્યું હતું કે ત્રણ પાઉંડનો કર એક વર્ષની અંદર રદ થશે જ, અને તેના જવા પછી બેસનારી દક્ષિણ આફ્રિકાની પાર્લમેન્ટમાં રદ કરવાનો કાયદો દાખલ થશે. તેને બદલે જનરલ સ્મટ્સે તે પાર્લમેન્ટમાં એમ જાહેર કર્યું કે, નાતાલના ગોરાઓ એ કર રદ કરવા તૈયાર ન હોવાથી દક્ષિણ આફ્રિકાની સરકાર તે રદ કરવાનો કાયદો પસાર કરવા અસમર્થ છે. વસ્તુતઃ એવું કાંઈ નહોતું. યુનિયન પાર્લમેન્ટમાં ચાર સંસ્થાનો છે તેમાં એક નાતાલના સભ્યોનું કાંઈ ચાલી શકે તેમ નહોતું. વળી પ્રધાનમંડળે રજૂ કરેલો કાયદો પાર્લમેન્ટ નામંજૂર કરે ત્યાં લગી તેણે પહોંચવાની આવશ્યકતા હતી. તેમાંનું કાંઈ જનરલ સ્મટ્સે નહોતું કર્યું. તેથી અમને આ ઘાતકી કરને પણ લડાઈના કારણમાં દાખલ કરવાનો શુભ પ્રસંગ સહેજે પ્રાપ્ત થયો, કારણો બે મળ્યાં. ચાલતી લડાઈ દરમિયાન સરકાર તરફથી જે કાંઈ વચન આપવામાં આવે તે વચનનો ભંગ થાય તો તે ચાલુ સત્યાગ્રહમાં દાખલ થાય એ એક, અને બીજું હિંદુસ્તાનના ગોખલે જેવા પ્રતિનિધિનું એવા વચનભંગથી અપમાન થાય અને તેથી સમસ્ત હિંદુસ્તાનનું અપમાન ગણાય અને તે અપમાન ન સાંખી શકાય. જે માત્ર પહેલું જ હોત અને સત્યાગ્રહીઓની શક્તિ ન હોત તો કરને રદ કરવાને સારુ સત્યાગ્રહના શસ્ત્રનો ઉપયોગ કરવાનું તેઓ છોડી શકત, પણ હિંદુસ્તાનનું અપમાન થાય એ વસ્તુને સાંખવાનું તો ન જ બની શકે તેથી ત્રણ પાઉંડના કરને લડાઈમાં દાખલ કરવાનો સત્યાગ્રહીઓનો ધર્મ સમજાયો, અને જ્યારે ત્રણ પાઉંડના કરને લડાઈમાં સ્થાન મળ્યું ત્યારે ગિરમીટિયા હિંદીઓને પણ સત્યાગ્રહમાં ભાગ લેવાનું સ્થાન મળ્યું. આજ લગી એ લોકોને લડાઈની બહાર રાખવામાં આવ્યા હતા એ વાંચનારે ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે એક તરફથી લડાઈનો બોજો વધ્યો અને બીજી તરફથી લડવૈયા પણ વધવાનો સમય દેખાયો.
ગિરમીટિયાઓમાં આજ લગી સત્યાગ્રહની કાંઈ પણ ચર્ચા કરવામાં નહોતી આવી; તેઓને તેની તાલીમ તો કયાંથી અપાય જ ? તેઓ નિરક્ષર એટલે 'ઇન્ડિયન ઓપીનિયન' અથવા તો બીજાં છાપાં કયાંથી વાંચે ? એમ છતાં મેં જોયું કે એ ગરીબ લોકો સત્યાગ્રહનું નિરીક્ષણ કરી રહ્યા હતા, જે ચાલી રહ્યું હતું તે સમજતા હતા અને તેમાંના કેટલાકને લડાઈમાં દાખલ ન થઈ શકવાનું દરદ પણ થતું હતું. પણ જ્યારે વચનભંગ થયો ત્યારે અને ત્રણ પાઉંડનો કર પણ લડાઈના હેતુમાં દાખલ કરવાની નોટિસ આપવામાં આવી ત્યારે, તેઓમાંના કોણ દાખલ થશે એની મને મુદ્દલ ખબર નહોતી.
વચનભંગ થવાની વાત મેં ગોખલેને લખી. તેમને અત્યંત દુઃખ થયું. તેમને મેં લખ્યું કે તમારે નિર્ભય રહેવું, અમે મરણપર્યત ઝૂઝીશું અને કર રદ કરાવીશું. માત્ર એક વર્ષની અંદર મારે હિંદુસ્તાનમાં જવાનું હતું તે ટળ્યું અને પછી ક્યારે જઈ શકાય તે કહેવું અશક્ય થઈ પડયું. ગોખલે તો આંકડાશાસ્ત્રી હતા. તેમણે મારી પાસે વધારેમાં વધારે અને ઓછામાં ઓછા લડવૈયાઓનાં નામ માગ્યાં. મેં મને અત્યારે યાદ છે તે પ્રમાણે ૬૫ કે ૬૬ વધારેમાં વધારે નામ મોકલ્યાં, અને ૧૬ ઓછામાં ઓછાં, આટલી નાનકડી સંખ્યાને સારુ હિંદુસ્તાનથી પૈસાની મદદની હું અપેક્ષા નહીં રાખું એ પણ જણાવ્યું. અમારે વિશે નિશ્ચિંત રહેવા અને પોતાના શરીરને ઘસી ન નાખવાની પણ વિનંતી કરી. દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પાછા ફર્યા પછી તેમની પર નબળાઈ ઇત્યાદિના કેટલાક આક્ષેપો મૂકવામાં આવ્યા હતા તેનું મને વર્તમાનપત્રો દ્વારા તેમ જ બીજી રીતે જ્ઞાન થઈ ચૂકર્યું હતું, તેથી હું ઇચ્છતો હતો કે હિંદુસ્તાનમાં અમને પૈસા મોકલવાની કંઈ પણ હિલચાલ એઓ ન કરે. પણ ગોખલેનો કડક ઉત્તર મને મળ્યો : 'જેમ તમે લોકો તમારો ધર્મ દક્ષિણ આફ્રિકામાં સમજો છો તેમ અમે પણ કાંઈક અમારો ધર્મ સમજતા હોઈશું. અમારે શું કરવું યોગ્ય છે એ તમને નહીં કહેવા દઈએ. મેં તો માત્ર ત્યાંની સ્થિતિ જાણવાને ઇચ્છયું હતું. અમારા તરફથી શું થવું જોઈએ એ વિશે સલાહ નહોતી માગી.' આ શબ્દોનો ભેદ હું સમજ્યો. મેં ત્યાર પછી કોઈ દિવસે આ વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં, લખ્યો નહીં. તેમણે એ જ કાગળમાં મને આશ્વાસન આપ્યું હતું અને ચેતવણી પણ આપી હતી. જ્યારે આ રીતે વચનભંગ થયો ત્યારે લડત બહુ લંબાશે એવો તેમને ભય રહ્યો અને ખોબા જેટલા માણસથી કયાં લગી ટકકર ઝીલી શકાશે એ વિશે તેમને શંકા રહી. અહીં અમે તૈયારીઓ માંડી. હવેની લડાઈમાં શાંતિથી બેસવાનું તો હોય જ નહીં. જેલ લાંબી ભોગવવી પડશે એ પણ સમજાયું. ટૉલ્સટૉય ફાર્મ બંધ કરવાનો નિશ્ચય થયો. કેટલાંક કુટુંબો પોતાનો પુરુષવર્ગ જેલમાંથી છૂટયા બાદ પોતપોતાને ઘેર ગયાં. બાકી રહેનારામાં મુખ્ય ભાગે ફિનિક્સના હતા. એટલે હવે પછી સત્યાગ્રહીઓનું મથક ફિનિકસ કરવું એવો નિશ્ચય થયો. વળી ત્રણ પાઉંડની લડતની અંદર જો ગિરમીટિયા ભાગ લે, તો તેઓને મળવું વગેરે પણ નાતાલમાં વધારે સગવડવાળું થઈ શકે તેથી પણ ફિનિક્સ થક કરવાનો નિશ્ચય કર્યો.
હજી લડત શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી તેટલામાં એક નવું વિઘ્ન આવી પડયું, જેથી સ્ત્રીઓને પણ લડાઈમાં દાખલ થવાની તક મળી. કેટલીક બહાદુર સ્ત્રીઓએ તેમાં ભાગ લેવાની માગણી પણ કરી હતી, અને જ્યારે ફેરીના પરવાના બતાવ્યા વિના ફેરી કરી જેલમાં જવાનું શરૂ થયું હતું ત્યારે ફેરી કરનારની સ્ત્રીઓએ પણ જેલમાં જવાની ઈચ્છા બતાવી હતી. પણ તે વખતે પરદેશમાં સ્ત્રીવર્ગને જેલમાં મોકલવાનું અમને સૌને અયોગ્ય લાગ્યું. જેલમાં મોકલવાનું કારણ પણ નહીં જણાયું અને તેઓને જેલમાં લઈ જવાની મારી તો તે વખતે હિંમત પણ નહોતી. અને તેની સાથે એમ પણ જણાયું કે જે કાયદો મુખ્યત્વે કરીને પુરુષવર્ગને જ લાગુ પડતો હોય તે કાયદાને રદ કરાવવામાં સ્ત્રીઓને હોમવી એમાં પુરુષવર્ગને હીણપત પણ લાગે. પણ હવે એક બનાવ એવો બન્યો કે જેમાં સ્ત્રીઓનું ખાસ અપમાન થતું હતું, અને જે અપમાન દૂર કરવાને સારુ સ્ત્રીઓ પણ હોમાય તો ખોટું નહીં એમ જણાયું.