દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/વિવેકનો બદલો – ખૂની કાયદો
← લડાઈ પછી | દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ વિવેકનો બદલો – ખૂની કાયદો મોહનદાસ કરમચંદ ગાંધી |
સત્યાગ્રહનો જન્મ → |
પરવાનાઓની રદબદલ થઈ ત્યાં સુધીમાં ૧૯૦૬ની સાલને આપણે પહોંચી ગયા હતા. ૧૯૦૩ની સાલમાં હું ટ્રાન્સવાલમાં ફરી દાખલ થયો હતો. તે વરસના લગભગ મધ્યમાં મેં જોહાનિસબર્ગમાં ઓફિસ ખોલી, એટલે બે વરસ એશિયાટિક અૉફિસના હુમલાઓની સામે હાથ દેવામાં જ ગયાં. અમે બધાએ માની લીધું કે પરવાનાઓનું ઠેકાણે પડતાં સરકારને પૂરો સંતોષ મળશે ને કોમને કંઈક શાંતિ મળશે, પણ કોમને નસીબે શાંતિ હતી જ નહીં. મિ. લાયનલ કર્ટિસની ઓળખાણ હું પાછલા પ્રકરણમાં કરાવી ગયો. તેમને લાગ્યું કે હિંદી કોમે નવા પરવાના કઢાવ્યા એટલેથી ગોરાઓનો હેતુ સિદ્ધ થતો નથી. તેમની દૃષ્ટિએ, મહાન કાર્યો અરસપરસની સમજૂતીથી થાય એ બસ નહોતું; એવાં કાર્યોની પાછળ કાયદાનું બળ જોઈએ. ત્યારે જ એ શોભી શકે, અને તેના મુદ્દાઓ જળવાઈ શકે. મિ. કર્ટિસનો ઈરાદો એવો હતો કે હિંદીઓ ઉપર અંકુશ મૂકવાને સારુ કંઈક એવું કાર્ય થવું જોઈએ કે જેની અસર આખા દક્ષિણ આફ્રિકા ઉપર પડે અને છેવટે બીજાં સંસ્થાન તેનું અનુકરણ પણ કરે. જ્યાં સુધી દક્ષિણ આફ્રિકાનું એક પણ બારું હિંદીઓને માટે ખુલ્લું હોય ત્યાં સુધી ટ્રાન્સવાલ સુરક્ષિત ગણાય નહીં. વળી તેમની દૃષ્ટિ પ્રમાણે સરકાર અને હિંદી કોમની વચ્ચેની સુલેહથી તો હિંદી કોમની પ્રતિષ્ઠા વધી ગણાય. મિ. કર્ટિસનો ઈરાદો એ પ્રતિષ્ઠા વધારવાનો નહીં પણ ઘટાડવાનો હતો. એમને હિંદીઓની સંમતિની જરૂર ન હતી. એ તો હિંદીઓ પર બાહ્ય અંકુશ મૂકી કાયદાના રોબથી કોમને થરથરાવવા ઈચ્છતા હતા. તેથી તેમણે એશિયાટિક એક્ટનો મુસદ્દો ઘડ્યો અને સરકારને સલાહ આપી કે એ મુસદ્દા પ્રમાણે જ્યાં સુધી કાયદો પસાર ન થાય ત્યાં સુધી છૂપી રીતે ટ્રાન્સવાલમાં હિંદીઓ દાખલ થવાના જ, અને એવી રીતે દાખલ થાય તેમને બહાર કાઢવાને સારુ ચાલુ કાયદાઓમાં કંઈ પણ સાધનો નથી. મિ. કર્ટિસની દલીલો અને મુસદ્દો સરકારને ગમ્યાં અને મુસદ્દા પ્રમાણે ત્યાંની ધારાસભામાં દાખલ કરવાનું બિલ ટ્રાન્સવાલ સરકારી ગેઝેટમાં પ્રગટ થયું.
આ બિલની વિગત પર હું આવું તે પહેલાં એક મહત્ત્વનો બનાવ બન્યો તે થોડા જ શબ્દોમાં વર્ણવી જવો એ જરૂરનું છે. સત્યાગ્રહનો પ્રેરક હું હોવાથી મારી સ્થિતિઓ વાંચનાર પૂરી રીતે સમજી શકે એ અગત્યનું છે. આમ ટ્રાન્સવાલના હિંદીઓ ઉપર અંકુશો મૂકવાના પ્રયત્નો થઈ રહ્યા હતા તે જ અરસામાં નાતાલના હબસીઓ – ઝૂલુનું બંડ નાતાલમાં જાગ્યું. એ ઝઘડાને બંડ તરીકે ગણી શકાય કે નહીં એ વિશે મને શંકા હતી; આજે પણ શંકા છે; છતાં એ જ નામથી એ બનાવ નાતાલમાં હમેશાં ઓળખાયો છે. એ વખતે પણ નાતાલમાં રહેનારા ઘણા ગોરાઓ સ્વયંસેવક તરીકે એ બંડ શમાવવામાં દાખલ થયા. હું પણ નાતાલનો જ રહીશ ગણાતો; તેથી મને લાગ્યું કે મારે પણ તેમાં નોકરી કરવી જોઈએ. તેથી કોમની રજા લઈને ઘવાયેલાની સારવાર કરનારી ટુકડી ઊભી કરવા દેવાને મેં સરકારને કહેણ મોકલ્યું, એ કહેણ કબૂલ થયું. તેથી ટ્રાન્સવાલનું મારું ઘર છોડયું, બાળબચ્ચાંને નાતાલમાં જે ખેતર ઉપર 'ઈન્ડિયન ઓપીનિયન' નામનું છાપું ચલાવવામાં આવતું હતું અને જ્યાં મારા સહાયકો રહેતા હતા, ત્યાં મોકલી આપ્યાં. અૉફિસ ચાલુ રાખી હતી. હું જાણતો હતો કે મારે લાંબી નોકરી નહીં કરવી પડે.
વીસપચીસ માણસની નાની ટુકડી ઊભી કરી હું ફોજની સાથે જોડાઈ ગયો. આ નાની ટુકડીમાં પણ લગભગ બધી જાતિઓના હિંદુસ્તાની હતા. આ ટુકડીએ એક મહિનો નોકરી કરી. અમારા હાથમાં જે કામ આવ્યું તેને સારુ મેં હમેશાં ઈશ્વરનો અનુગ્રહ માનેલો છે. જે હબસીઓ જખમી થતા તેમને અમે ઉપાડીએ તો જ તે ઊપડે, નહીં તો એમ ને એમ રિબાય એ મેં અનુભવ્યું. આ જખમીઓના જખમની સારવાર કરવામાં કોઈ પણ ગોરાઓ સહાય થાય જ નહીં. જે શસ્ત્રવૈદ્યના[૧] હાથ નીચે અમારે કામ કરવાનું હતું તે પોતે અત્યંત દયાળુ હતો. જખમીઓને ઊંચકીને ઈસ્પિતાલમાં આવ્યા પછી તેમની સારવાર કરવી એ અમારા ક્ષેત્રની બહાર હતું, પણ અમારી દૃષ્ટિએ તો જે કંઈ મજૂરી સોંપે તે અમારા ક્ષેત્રમાં જ છે એમ સમજીને અમે ગયા હતા. એટલે આ ભલા દાકતરે અમને કહ્યું કે તેને કોઈ પણ ગોરો સારવાર કરનારો મળતો નથી, એ કોઈને ફરજ પાડી શકે એવી તેની શક્તિ નથી, અને અમે જો આ દયાનું કામ કરીએ તો તે ઉપકાર માનશે. અમે એ કામને વધાવી લીધું. કેટલાક હબસીઓના જખમ પાંચ પાંચ છ છ દિવસ થયા દુરસ્ત કરવામાં આવ્યા જ ન હતા, તેથી વાસ મારતા હતા. એ બધા સાફ કરવાનું અમારે માથે આવ્યું અને અમને એ બહુ જ ગમ્યું. હબસીઓ અમારી સાથે બોલી તો શું જ શકે ? હબસીઓની ચેષ્ટા અને તેઓની આંખો ઉપરથી અમે જોઈ શકતા હતા કે તેઓને મદદ કરવા કેમ જાણે અમને ઈશ્વરે મોકલ્યા ન હોય, એમ તેઓને લાગતું હતું. આ કામમાં કેટલીક વેળાએ દિવસમાં ચાળીસ ચાળીસ માઈલનો પંથ પણ અમારે કરવો પડતો.
એક મહિનામાં અમારું કામ પતી ગયું. અમલદારોને સંતોષ થયો. ગવર્નરે ઉપકારનો કાગળ લખ્યો. આ ટુકડીમાં ત્રણ ગુજરાતી, જેઓને સાર્જન્ટનો અધિકાર આપવામાં આવ્યો હતો, તેમનાં નામ જાણી ગુજરાતીઓ ખુશી થશે જ. તેમાંના એક ઉમિયાશંકર શેલત, બીજા સુરેન્દ્રરાય મેઢ અને ત્રીજા હરિશંકર જોશી. ત્રણે કસાયેલા શરીરના હતા અને ત્રણેએ ઘણી સખત મહેનત કરેલી. બીજા હિંદીઓનાં નામ અત્યારે મને યાદ નથી આવતાં, પણ એક પઠાણ પણ તેમાં હતો એટલું મને બરાબર યાદ છે. અને તેના જેટલો જ બોજો અમે બધા ઊંચકી શકતા અને કૂચ કરવામાં પણ અમે સાથે રહી શકતા એ તેને આશ્ચર્યકારક લાગતું, એ પણ મને યાદ છે.
આ ટુકડીના કામને અંગે મારા બે વિચારો, જે મનમાં ધીમે ધીમે પાક્યા કરતા હતા, એ પાકીને ઊતર્યા એમ કહી શકાય. એક તો એ કે સેવાધર્મને પ્રધાનપદ આપનારે બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ અને બીજો એ કે સેવાધર્મ કરનારે ગરીબી સદાયને સારુ ધારણ કરવી જોઈએ. તે કોઈ એવા વ્યવસાયમાં ન પડે કે જેથી સેવાધર્મ કરવામાં ક્યાંયે તેને સંકોચ થવા વખત આવે અથવા જરાયે અટકાયત થઈ શકે.
આ ટુકડીમાં હું કામ કરતો હતો ત્યાં જ ટ્રાન્સવાલ જેમ બને તેમ જલદી જવા વિશે કાગળો અને તારો આવી જ રહ્યા હતા. એટલે ફિનિક્સમાં સૌને મળીને હું તુરત જોહાનિસબર્ગ પહોંચી ગયો, અને ત્યાં હું ઉપર જણાવી ગયો તે બિલ વાંચ્યું. બિલવાળું ગેઝેટ હું અૉફિસથી ઘેર લઈ ગયો હતો. ઘરની પાસે એક નાની સરખી ટેકરી હતી ત્યાં મારા સાથીને લઈને એ બિલનો તરજુમો 'ઈન્ડિયન ઓપીનિયન'ને સારુ કરી રહ્યો હતો.. જેમ જેમ એ બિલની કલમો હું વાંચતો ગયો તેમ તેમ હું કાંપતો હતો. હું એમાં હિંદીઓના દ્વેષ સિવાય કંઈ જ ન જોઈ શકયો. મને એમ લાગ્યું કે જો આ બિલ પસાર થઈ જાય અને હિંદીઓ તેને કબૂલ રાખે તો દક્ષિણ આફ્રિકામાં હિંદી કોમનો જડમૂળથી પગ ઊખડી જાય. હું સ્પષ્ટ રીતે જોઈ શકયો કે હિંદી કોમને સારુ આ જીવવા-મરવાનો સવાલ છે. મને એમ પણ ભાસ્યું કે કોમ અરજીઓ કરીને સફળ ન થાય તો મૂંગી બેસી ન જ શકે. એ કાયદાને શરણ થવું તેનાં કરતાં તો ભલે મરવું પણ મરાય કેમ ? એવા ક્યા જોખમમાં કોમ ઊતરે અથવા ઊતરવાની હિંમત કરે કે જેથી તેની સામે યા તો જીત અથવા તો મોત એ સિવાય ત્રીજો રસ્તો રહે જ નહીં ? મારે સારુ તો એવી ભયંકર દીવાલ ખડી થઈ કે રસ્તો સૂઝયો નહીં. જે ખરડાએ મને આટલો બધો હલમલાવી દીધો તેની વિગત વાંચનારે જાણવી જ જોઈએ. તેનો સાર નીચે પ્રમાણે છે :
ટ્રાન્સવાલમાં રહેવાનો હક ધરાવનાર દરેક હિંદી પુરુષ, સ્ત્રી અને આઠ વરસ અથવા અાઠ વરસની ઉપરનાં બાલક-બાલિકાએ એશિયાઈ દફ્તરમાં પોતાનાં નામ નોંધાવી પરવાના મેળવવા. એ પરવાના લેતી વખતે જૂના પરવાના અમલદારને સોંપી દેવા. નોંધાવવાની અરજીમાં નામ, ઠામ, જાત, ઉંમર વગેરે આપવાં. નોંધનાર અમલદારે અરજદારના શરીર ઉપર મુખ્ય નિશાનીઓ હોય તે નોંધી લેવી. અરજદારનાં બધાં આંગળાંની અને અંગૂઠાની છાપ લેવી. ઠરાવેલી મુદતની અંદર જે હિંદી સ્ત્રીપુરુષ આ પ્રમાણે અરજી ન કરે તેના ટ્રાન્સવાલમાં રહેવાના હક રદ થાય. અરજી ન કરવી એ કાયદેસર ગુનો ગણાય. તેને સારુ જેલ મળી શકે, દંડ થઈ શકે અને કોર્ટની મુનસફી મુજબ હદપાર પણ કરવામાં આવે. બચ્ચાંઓની અરજી માબાપે કરવી જોઈએ, અને નિશાનીઓ, અાંગળાં વગેરે લેવાને સારુ બચ્ચાંને અમલદારોની સમક્ષ રજૂ કરવાની જવાબદારી પણ માબાપની ઉપર. જે માબાપે તે જવાબદારી અદા ન કરી હોય તો સોળ વરસની ઉંમરે પહોંચતાં તે જવાબદારી બાળકે પોતે અદા કરવી જોઈએ, અને જે જે સજાને પાત્ર માબાપ થાય તે સજાને પાત્ર સોળ વરસની ઉમરે પહોંચેલા જુવાનિયા પણ ગણાય. જે પરવાના અરજદારને આપવામાં આવે તે હરકોઈ પોલીસ અમલદારની પાસે જ્યારે અને જ્યાં માગવામાં આવે ત્યારે અને ત્યાં હાજર કરવા જ જોઈએ . એ પરવાના હાજર ન કરવા એ ગુનો ગણાય અને તેને સારુ કેદ અથવા દંડની સજા કોર્ટ કરી શકે. આ પરવાનાની માગણી રસ્તે ચાલતા મુસાફરની પાસે પણ કરી શકાય. પરવાનાઓ તપાસવાને સારુ અમલદાર ઘરપ્રવેશ પણ કરી શકે, ટ્રાન્સવાલ બહારથી દાખલ થતાં હિંદી સ્ત્રીપુરુષે તપાસ કરનાર અમલદારની પાસે પોતાના પરવાના રજૂ કરવા જ જોઈએ. અદાલતોમાં કંઈ કામસર જાય અથવા મહસૂલ અૉફિસમાં વેપારની કે બાઈસિકલ રાખવાની રજાચિઠ્ઠી લેવા જાય, ત્યાં પણ અમલદાર પરવાના માગી શકે. એટલે કે કોઈ પણ સરકારી ઓફિસની અંદર, તે અૉફિસને લગતું કંઈ કામ લેવાને જાય, તો અમલદાર હિંદીને દાદ આપતાં પહેલાં હિંદીની પાસેથી તેનો પરવાનો માગી શકે. આ પરવાના રજૂ કરવાનો, અથવા પરવાનો રાખનાર માણસની પાસેથી તે વિશેની જે કંઈ પણ હકીકત અમલદાર માગે તેનો ઈનકાર કરવો એ પણ ગુનો ગણાય, અને તેને સારુ પણ કેદ અથવા દંડની સજા કોર્ટ કરી શકે.
આવી જાતનો કાયદો દુનિયાના કોઈ પણ ભાગમાં સ્વતંત્ર માણસોને સારુ હોય એવું મેં જાણ્યું નથી. નાતાલના ગિરમીટિયા હિંદી ભાઈઓને વિશે પરવાનાના કાયદા ઘણા સખત છે એ હું જાણું છું, પણ તેઓ તો બિચારા સ્વતંત્ર ગણાય જ નહીં. છતાં તેઓના પરવાનાના કાયદા અા કાયદાના પ્રમાણમાં હળવા છે એમ કહી શકાય, અને એ કાયદા તોડવાના ગુનાની સજા આ કાયદાની સજાની પાસે તો કંઈ જ નહીં. લાખો રૂપિયાનો વેપારી એ આ કાયદાની રૂએ દેશપાર થઈ શકે. એટલે કે એની આર્થિક સ્થિતિનો જડમૂળથી નાશ થઈ શકે એવી સ્થિતિ પણ એ કાયદાના ભંગથી પેદા થઈ શકે. અને ધીરજવાન વાંચનાર આગળ જતાં જોઈ શકશે કે એવા ભંગને સારુ દેશપાર થવાની સજાઓ પણ થઈ ચૂકેલી છે. ગુના કરનારી કોમોને સારુ હિંદુસ્તાનમાં કેટલાક આકરા કાયદાઓ છે. આ કાયદાની સરખામણી એ કાયદાઓની સાથે સહેજે થઈ શકે એમ છે, અને એકંદર સરખામણી કરતાં સખતીમાં આ કાયદો કોઈ પણ રીતે ઊતરે એમ ન કહી શકાય. જે દસે આંગળાં લેવાની આ કાયદામાં કલમ હતી તે દક્ષિણ આફિકામાં કેવળ નવી જ વાત હતી. આ બાબતનું સાહિત્ય વાંચવું જોઈએ એમ વિચારીને એક પોલીસ અમલદાર મિ. હેનરી 'અાંગળાંની નિશાનીઓ' (ફિંગર ઈમ્પ્રેશન્સ) એ નામનું પુસ્તક લખ્યું છે તે હું વાંચી ગયો. તેમાં મેં જોયું કે આમ કાયદેસર અાંગળાં કેવળ ગુનેગારોની પાસેથી જ લેવામાં આવે છે એટલે જબરદસ્તીથી દશ અાંગળાં લેવાની વાત અતિશય ભયંકર લાગી. સ્ત્રીઓએ પરવાના લેવા એ પ્રથા પણ આ ખરડામાં પહેલી દાખલ થઈ અને તે જ પ્રમાણે સોળ વરસની અંદરનાં બાળકોનું.
બીજે દિવસે આગેવાન હિંદીઓને ભેળા કરી મેં તેમને અા કાયદો અક્ષરેઅક્ષર સમજાવ્યો. પરિણામે જે અસર મારા ઉપર થઈ હતી તેવી જ અસર તેઓની ઉપર પણ થઈ. અને તેમાંના એક તો આવેશમાં બોલી ઊઠયા કે, “મારી ઓરતની પાસેથી પરવાનો માગવા આવે તે માણસને હું તો ત્યાં ને ત્યાં ઠાર જ કરું, પછી ભલે મારું ગમે તે થાય.” મેં તેમને શાંત પાડયા અને બધાને કહ્યું : “આ મામલો ઘણો જ ગંભીર છે. આ બિલ જ પસાર થાય અને આપણે તેને કબૂલ રાખીએ તો તેનું અનુકરણ આખા દક્ષિણ આફ્રિકામાં થવાનું. મને તો એનો હેતુ જ એ લાગે છે કે અાપણી અહીંની હસ્તી નાબૂદ કરવી. આ કાયદો એ કંઈ છેલ્લું પગથિયું નથી, પણ આપણને રિબાવીને દક્ષિણ આફ્રિકામાંથી નસાડવાનું પહેલું પગથિયું છે. એટલે આપણી ઉપર જવાબદારી માત્ર ટ્રાન્સવાલમાં વસતા દસપંદર હજાર હિંદીઓની જ છે એમ નથી, પણ દક્ષિણ આફ્રિકાના હિંદીમાત્રને વાસ્તે છે. વળી જો આપણે આ ખરડાનું રહસ્ય પૂરું સમજી શકીએ તો તો આખા હિંદુસ્તાનની પ્રતિષ્ઠાની જવાબદારી પણ આપણી ઉપર આવે છે. કેમ કે આ બિલથી આપણું જ અપમાન થાય છે એમ ન કહેવાય, પણ આખા હિંદુસ્તાનનું અપમાન એમાં રહેલું છે. અપમાનનો અર્થ એ છે કે નિર્દોષ માણસના માનનો ભંગ થવો, આપણે આવા કાયદાને પાત્ર છીએ એમ કહવાય જ નહીં. આપણે નિર્દોષ છીએ, અને પ્રજાના એક પણ નિર્દોષ અંગનું અપમાન તે આખી પ્રજાના અપમાન બરોબર છે. એટલે આવે કઠિન પ્રસંગે આપણે ઉતાવળ કરીશું, અધીરા થઈશું, ગુસ્સે થઈશું, તો તેટલાથી કંઈ આ હુમલામાંથી નહીં બચી શકીએ. પણ જો આપણે શાંતિથી ઈલાજ શોધી વખતસર તે લઈશું, એકત્ર રહીશું, અને અપમાનની સામે થતાં પડે તે દુ:ખ પણ સહન કરીશું તો, હું માનું છું કે, આપણને ઈશ્વર જ મદદ કરશે." સૌ બિલનું ગાંભીર્ય સમજી શકયા, અને એવો ઠરાવ કર્યો કે એક જાહેર સભા ભરવી અને કેટલાક ઠરાવો રજૂ કરી તે પસાર કરાવવા. યહૂદીઓની એક નાટકશાળા ભાડે રાખી ત્યાં સભા બોલાવવામાં આવી.
હવે વાંચનાર સમજી શકશે કે આ પ્રકરણને મથાળે 'ખૂની કાયદો” એવા નામથી આ બિલને કેમ ઓળખાવવામાં આવ્યું છે. એ વિશે પણ મેં એ પ્રકરણને સારુ નથી યોજેલું, પણ એ વિશેષણનો ઉપયોગ દક્ષિણ આફ્રિકામાં જ એ કાયદાને ઓળખવાને સારુ પ્રચલિત થઈ ગયો હતો.
- ↑ દા. સેવેજ.