લખાણ પર જાઓ

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/સત્યાગ્રહનો જન્મ

વિકિસ્રોતમાંથી
← વિવેકનો બદલો – ખૂની કાયદો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
સત્યાગ્રહનો જન્મ
મોહનદાસ કરમચંદ ગાંધી
સત્યાગ્રહ વિ૦ પૅસિવ રિઝિસ્ટન્સ →


કસમ ખાઈને કહું છું કે આ કાયદાને હરગિજ તાબે નહીં થાઉં. અને આ આખી મિજલસને સલાહ આપું છું કે તેઓએ ખુદાને હાજરનાજર જાણીને કસમ લેવા.”

ટેકામાં બીજાં પણ તીખાં અને જોરાવર ભાષણો થયાં. જ્યારે શેઠ હાજી હબીબ બોલતા હતા અને કસમની વાત ઉપર આવ્યા એટલે હું તરત ચમકયો અને સાવધાન થયો. ત્યારે જ મારી પોતાની જવાબદારીનું અને કામની જવાબદારીનું મને પૂરેપૂરું ભાન આવ્યું. આજ લગી કોમે ઘણા ઘણા ઠરાવ કર્યા હતા. તેમાં વધુ વિચારે અથવા નવા અનુભવે ફેરફારો પણ કર્યા હતા. એવા ઠરાવોનો બધા અમલ ન કરે એવું પણ બનેલું હતું. ઠરાવના ફેરફારો, ઠરાવમાં સંમત થયેલાના ઈન્કાર, વગેરે વસ્તુઓ આખી દુનિયામાં જાહેર જિંદગીના સ્વાભાવિક અનુભવ છે, પણ એવા ઠરાવોમાં કોઈ ઈશ્વરનું નામ વચમાં લાવતું નથી. તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરતાં, નિશ્ચય અને ઈશ્વરનું નામ લઈને કરેલી પ્રતિજ્ઞા, એ બેની વચ્ચે કંઈ ભેદ હોવો નહીં જોઈએ. બુદ્ધિશાળી માણસ વિચારપૂર્વક કંઈ નિશ્ચય કરે તો તેમાંથી એ ડગતો નથી. તેને મન તેનું વજન ઈશ્વરને સાક્ષી રાખી કરેલી પ્રતિજ્ઞાના જેટલું જ છે. પણ દુનિયા તાત્ત્વિક નિર્ણયોથી નથી ચાલતી. ઈશ્વરને સાક્ષી રાખી કરેલી પ્રતિજ્ઞા અને સામાન્ય નિશ્ચય વચ્ચે મહાસાગર જેટલું અંતર માને છે. સામાન્ય નિશ્ચય ફેરવવામાં ફેરવનાર નથી શરમાતો, પણ પ્રતિજ્ઞા કરેલ માણસ પ્રતિજ્ઞાભંગ કરે તો પોતે શરમાય છે, સમાજ તેને ફિટકારે છે અને પાપી ગણે છે. આ વસ્તુએ એટલી બધી ઊંડી જડ ઘાલી છે કે કાયદાઓમાં પણ કસમ ખાઈને કહેલી વાત જૂઠી ઠરે તો કસમ ખાનારે ગુનો કર્યો ગણાય છે અને તેને સખત સજા મળે છે.

આવા વિચારોથી ભરેલો હું પ્રતિજ્ઞાઓનો અનુભવી, પ્રતિજ્ઞાનાં સારાં ફળ ચાખનાર, ઉપલી પ્રતિજ્ઞાની વાતથી હબતાઈ જ ગયો. મેં તેનાં પરિણામો એક ક્ષણની અંદર જોઈ લીધાં. એ ગભરામણોમાંથી જુસ્સો પેદા થયો. અને જોકે હું એ સભામાં પ્રતિજ્ઞા કરવા કે લોકોની પાસે પ્રતિજ્ઞા કરાવવાના ઈરાદાથી નહીં ગયેલો, છતાં મને શેઠ હાજી હબીબની સૂચના અત્યંત ગમી. પણ તેની સાથે મને એમ પણ થયું કે બધાં પરિણામોથી લોકોને વાકેફ કરવા જોઈએ, પ્રતિજ્ઞાનો અર્થ સ્પષ્ટ રીતે સમજાવવો જોઈએ, અને પછી પ્રતિજ્ઞા કરી શકે તો જ તે વધાવી લેવી, અને ન કરી શકે તો મારે સમજી લેવું કે લોકો હજી અંતિમ કસોટીએ ચડવા તૈયાર નથી થયા. તેથી મેં પ્રમુખની રજા માગી કે શેઠ હાજી હબીબના કહેવાનું રહસ્ય મને સમજાવવા દો. મને રજા મળી અને હું ઊઠ્યો. અને જે પ્રમાણે મેં કહ્યું તેનો સાર અત્યારે મને જેવો યાદ છે તેવો હું નીચે આપું છું :

“આજ સુધીમાં જે ઠરાવો આપણે કર્યા છે અને તે જેવી રીતે કર્યા છે, તે ઠરાવોમાં અને તે રીતમાં અને આ ઠરાવમાં અને આ ઠરાવની રીતમાં ઘણો તફાવત છે એ હું આ સભાને સમજાવવા ઈચ્છું છું. ઠરાવ ઘણો ગંભીર છે, કેમ કે તેના પૂરેપૂરા અમલમાં દક્ષિણ આફ્રિકામાં આપણી હસ્તી છુપાયેલી છે. એ ઠરાવ કરવાની રીત જે આપણા ભાઈએ સૂચવી છે, એ જેમ ગંભીર છે તેમ જ નવીન છે. હું પોતે એ રીતે ઠરાવ કરાવવાનો વિચાર કરી અહીં આવ્યો ન હતો. તે યશના ધણી કેવળ શેઠ હાજી હબીબ છે, અને એ જવાબદારીનું જોખમ પણ એમની જ ઉપર છે. એમને હું મુબારકબાદી આપું છું. એમની સૂચના મને બહુ ગમી છે. પણ જો એમની સૂચનાને તમે ઝીલી લો તો તેની જવાબદારીમાં તમે પણ ભાગીદાર થશો. એ જવાબદારી શું છે એ તમારે સમજવું જ જોઈએ, અને કોમના સલાહકાર અને સેવક તરીકે એ પૂરેપૂરી સમજાવવી એ મારો ધર્મ છે.

“આપણે બધા એક જ સરજનહારને માનનારા છીએ. તેને મુસલમાન ભલે ખુદાને નામે પોકારે, હિંદુ ભલે તેને ઈશ્વરને નામે ભજે, પણ તે એક જ સ્વરૂપ છે. એને સાક્ષી કરી, અને દરમ્યાન રાખી, આપણે પ્રતિજ્ઞા લેવી કે કસમ ખાવા એ નાનીસૂની વાત નથી. એવા કસમ ખાઈને જો આપણે ફરી જઈએ તો કોમના, જગતના અને ખુદાના ગુનેગાર થઈએ. હું તો માનું છું કે, સાવધાનીથી, શુદ્ધ બુદ્ધિથી જે માણસ પ્રતિજ્ઞા લે અને પછી તેનો ભંગ કરે તે પોતાની ઈન્સાનિયત અથવા માણસાઈ ખોઈ બેસે છે; અને જેમ પારો ચડાવેલો તાંબાનો સિક્કો રૂપિયો નથી એમ માલૂમ પડતાં તેની કંઈ કિંમત રહેતી નથી, એટલું જ નહીં પણ એ ખોટા સિકકાનો માલિક સજાપાત્ર થાય છે, તેમ ખોટા કસમ ખાનારની પણ કિંમત રહેતી નથી, એટલું જ નહીં પણ તે આ લોક અને પરલોક બન્નેમાં સજાને પાત્ર થાય છે. આવા કસમ ખાવાનું શેઠ હાજી હબીબ સૂચવે છે. આ સભામાં એવો કોઈ નથી કે જે બાળક અથવા અણસમજુ ગણાય. તમે બધા પીઢ છો, દુનિયા જોયેલી છે, ઘણાઓ તો પ્રતિનિધિ છો, ઘણાએ વત્તાઓછા પ્રમાણમાં જવાબદારી ભોગવી છે, એટલે આ સભામાંનો એક પણ માણસ “સમજ્યા વિના મેં પ્રતિજ્ઞા લીધી” એમ કહીને કદી છટકી નહીં શકે.

'હું જાણું છું કે પ્રતિજ્ઞાઓ, વ્રતો વગેરે કોઈ ભારે પ્રસંગે જ લેવાય છે અને લેવાવાં જોઈએ. હાલતાંચાલતાં પ્રતિજ્ઞા લેનાર માણસ જરૂર પાછો પડે. પણ જો આપણા સમાજજીવનમાં આ મુલકમાં પ્રતિજ્ઞાને લાયક કોઈ પણ પ્રસંગ હું કલ્પી શકું તો તે જરૂર આ પ્રસંગ છે. ઘણી સંભાળપૂર્વક અને ડરી ડરીને આવાં પગલાં ભરવાં એ ડહાપણ છે. પણ ડર અને સંભાળની પણ હદ હોય છે. એ હદે આપણે પહોંચી ગયા છીએ. સરકારે સભ્યતાની મર્યાદા મૂકી દીધી છે. આપણી ચોમેર જ્યારે તેણે દાવાનળ સળગાવી મૂકેલો છે ત્યારે પણ આપણે યાહોમ ન કરીએ અને વિમાસણમાં પડી રહીએ તો આપણે નાલાયક અને નામર્દ ઠરીએ. એટલે આ અવસર કસમ લેવાનો છે એ વિશે તો જરાયે શંકા નથી. પણ એ કસમ લેવાની આપણી શક્તિ છે કે નહીં તે તો દરેક માણસે પોતાને સારુ વિચારી લેવાનું રહ્યું છે. આવા ઠરાવ ઝાઝે મતે પસાર નથી થતા. જેટલા માણસો કસમ ખાય તેટલા જ તે કસમથી બંધાય છે. આવા કસમ દેખાવને સારુ નથી ખવાતા. તેની અસર અહીંની સરકાર, વડી સરકાર કે હિંદી સરકાર ઉપર કેવી પડશે એનો ખ્યાલ કોઈ મુદ્દલ ન કરે. દરેકે પોતાના હૃદય ઉપર હાથ મૂકીને પોતાનું હૃદય જ તપાસવું રહ્યું. અને એમ કર્યા પછી જે એનો અંતરાત્મા જવાબ આપે કે કસમ લેવાની શક્તિ છે, તો જ કસમ લેવા, અને તે જ ફળે. “હવે બે બૉલ પરિણામ વિશે. સારામાં સારી આશા બાંધીને તો એમ કહી શકાય કે જે બધા પોતાના કસમ ઉપર કાયમ રહે અને હિંદી કોમનો મોટો ભાગ કસમ ખાઈ શકે તો આ કાયદો પસાર પણ ન થાય, અથવા પસાર થાય તો તુરતમાં રદ થાય જ. કોમને ઘણું સહન ન કરવું પડે. એમ પણ બને કે કાંઈ સહન ન કરવું પડે. પણ કસમ ખાનારનો ધર્મ એક તરફથી શ્રદ્ધાપૂર્વક આશા રાખવાનો છે, તેમ જ બીજી તરફથી કેવળ નિરાશાવાન રહીને કસમ ખાવા તૈયાર થવાનો છે. તેથી જ આપણી લડતમાં જે કડવામાં કડવાં પરિણામ આવી શકે એનો ચિતાર હું આ સભાની પાસે ખડો કરવા ઈચ્છું છું. આપણે અહીંયાં રહેલા કસમ ખાઈએ, બહુમાં બહુ આપણી સંખ્યા ત્રણ હજારની હોય. બાકીના દસ હજાર કસમ ન ખાય એમ પણ બને. અારંભમાં તો આપણી હાંસી થવાની જ. વળી આટલી બધી ચેતવણી આપ્યા છતાં એમ બનવું તદ્દન સંભવિત છે કે કસમ ખાનારાઓમાંના કેટલાક અથવા ઘણા પહેલી કસોટીએ જ નબળા માલૂમ પડે. આપણે જેલમાં જવું પડે. જેલમાં અપમાનો સહન કરવાં પડે. ભૂખ, ટાઢ, તડકા પણ સેવવા પડે. સખત મજૂરી કરવી પડે. ઉદ્ધત દારોગાઓના માર પણ ખાવા પડે. દંડ થાય અને સેજી(ટાંચ)માં માલ પણ વેચાઈ જાય. લડનારા ઘણા થોડા રહી જઈએ તો આજે આપણી પાસે ઘણો પૈસો હોય છતાં કંગાલ પણ બનીએ, દેશપાર પણ થવું પડે, અને ભૂખો ખેંચતાં, જેલનાં બીજાં દુ:ખો વેઠતાં કોઈ માંદા પણ પડે, અને કોઈ મરે પણ ખરા. એટલે ટૂંકમાં જે દુઃખ તમે કલ્પી શકો તે બધાં આપણે સહન કરવાં પડે એમાં કશુંયે અશક્ય નથી, અને ડહાપણ તો એ કે એ બધું સહન કરવું પડશે એમ માનીને જ આપણે કસમ લેવા મને કોઈ પૂછે કે આ લડાઈનો અંત શું આવે અને ક્યારે આવે તો હું કહી શકું કે જે આખી કોમ કસોટીમાંથી સાંગોપાંગ ઊતરે તો આ લડાઈનો નિકાલ તુરત આવે. પણ જે આપણામાંના ઘણા ભીડ અાવ્યે પડી જાય તો લડાઈ લાંબી ચાલે. પણ એટલું તો હું હિંમતથી અને નિશ્ચયપૂર્વક કહી શકું છું કે, જ્યાં સુધી મૂઠીભર માણસો પણ પ્રતિજ્ઞાને જીવંત રાખનારા હશે ત્યાં સુધી આ લડતનો એક જ અંત સમજવો; એટલે કે તેમાં આપણી જીત જ છે.

“હવે મારી અંગત જવાબદારી વિશે બે શબ્દ. હું જોકે પ્રતિજ્ઞા લેવામાં રહેલાં જોખમો બતાવી રહ્યો છું છતાં તમને સોગન લેવા પ્રેરી પણ રહ્યો છું. તેમાં હું મારી જવાબદારી બરાબર સમજું છું. એવું પણ બને કે આજના આવેશથી અથવા ગુસ્સામાં આવી જઈને આ સભાનો મોટો ભાગ પ્રતિજ્ઞા લે, પણ ભીડને સમયે નિર્બળ નીવડે અને માત્ર મૂઠીભર જ છેવટનો તાપ સહન કરી શકે એવા રહે તોપણ મારા જેવાને સારુ તો એક જ રસ્તો રહ્યો છે : મરી છૂટવું પણ કાયદાને વશ ન થવું, હું તો એમ માનું છું કે ધારો કે એવું બને – તેવું બનવાનો જરાયે સંભવ નથી જ પણ માની લઈએ – કે સહુ પડયા અને હું એકલો જ રહ્યો, તોપણ પ્રતિજ્ઞાનો ભંગ મારાથી ન જ થાય એમ મારી ખાતરી છે. આ કહેવાનો હેતુ સમજી લેશો. આ મગરૂરીની વાત નથી, પણ મુખ્યત્વે કરીને આ માંચડા ઉપર બેઠેલા આગેવાનોને સાવધાન કરવાની વાત છે. મારો દાખલો લઈ અાગેવાનોને હું વિનયપૂર્વક કહેવા ઈચ્છું છું કે તમે, એક જ બાકી રહી જાઓ તોપણ મક્કમ રહેવાનો નિશ્ચય કે તેમ કરવાની શક્તિ ન હોય તો, તમે પોતે પ્રતિજ્ઞા ન લેશો, એટલું જ નહીં, પણ લોકોની સમક્ષ આ ઠરાવ મૂકી પ્રતિજ્ઞા લેવામાં આવે તે પહેલાં તમારો વિરોધ લોકોને જાહેર કરજો અને તમે પોતે તમારી સંમતિ ન આપશો. અા પ્રતિજ્ઞા જોકે આપણે બધા સાથે મળીને લેવા ઈચ્છીએ છીએ, તોપણ કોઈ એવો અર્થ તો ન જ કરે કે એક અથવા ઘણા પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે તો બીજાઓ સહેજે બંધનમુક્ત થઈ શકે છે. સૌ પોતપોતાની જવાબદારી પૂરી સમજીને સ્વતંત્ર રીતે પ્રતિજ્ઞા લે અને બીજા ગમે તેમ કરે તે છતાં પોતે તો મરતાં સુધી પણ તેનું પાલન કરશે એમ સમજીને જ લે.”

આવા પ્રકારનું બોલીને હું બેસી ગયો. લોકોએ અતિશય શાંતિથી શબ્દેશબ્દ સાંભળ્યો, બીજા આગેવાનો પણ બોલ્યા. બધાએ પોતાની જવાબદારી અને સાંભળનારની જવાબદારી ઉપર વિવેચન કર્યું. પ્રમુખ ઊઠયા. તેમણે પણ સમજાવ્યું અને છેવટે આખી સભાએ ઊભા રહીને હાથ ઊંચા કરીને, ઈશ્વરને સાક્ષી ગણીને, કાયદો પસાર થાય તો તેને શરણ ન થવાની પ્રતિજ્ઞા કરી. એ દેખાવ હું તો કોઈ દિવસ ભૂલી શકું એમ નથી. લોકોના ઉત્સાહનો પાર નહોતો. બીજે જ દિવસે એ નાટકશાળામાં કંઈ અકસ્માત થયો અને આખી બળીને ભસ્મ થઈ ગઈ. ત્રીજે દિવસે લોકો મારી પાસે એ ખબર લાવ્યા અને કોમને મુબારકબાદી દેવા લાગ્યા કે નાટકશાળાનું બળવું એ શુભ શુકન હતા; જેમ નાટકશાળા બળી ગઈ તેમ કાયદો પણ બળી જશે. આવી નિશાનીઓની કોઈ દિવસ મારી ઉપર અસર થઈ નથી એટલે મેં તેની ઉપર વજન ન આપ્યું, એ વસ્તુની અહીંયાં નોંધ લઉં છું તે લોકોનું શૌર્ય અને શ્રદ્ધા બતાવવાની ખાતર. એ બંનેની બીજી ઘણી નિશાનીઓ હવે પછીનાં પ્રકરણોમાં વાંચનાર જોશે.

ઉપરની મહાન સભા ભરાયા બાદ કામ કરનારાઓ બેસી ન રહ્યા. ઠેકઠેકાણે સભાઓ ભરાઈ અને બધી જગ્યાએ સર્વાનુમતે પ્રતિજ્ઞાઓ લેવાઈ. 'ઈન્ડિયન ઓપીનિયન'માં હવે મુખ્ય ચર્ચાનો વિષય ખૂની કાયદો જ રહ્યો. બીજી તરફથી સ્થાનિક સરકારને મળવાને પણ પગલાં ભર્યા. એ ખાતાના ઉપરી પ્રધાનની પાસે એક ડેપ્યુટેશન ગયું. પ્રતિજ્ઞાની વાતો પણ સંભળાવી. શેઠ હાજી હબીબ જે એ ડેપ્યુટેશનમાં હતા એમણે કહ્યું, "જો મારી ઓરતનાં અાંગળાં લેવા કોઈ પણ અમલદાર આવશે તો હું મારા ગુસ્સાને જરાયે કાબૂમાં રાખી શકીશ નહીં. તેને હું ઠાર મારવાનો અને હું મરવાનો." પ્રધાન ક્ષણ વાર શેઠ હાજી હબીબના મુખ સામું જોઈ રહ્યા. તેણે કહ્યું, “આ કાયદો ઓરતોને લાગુ પાડવા બાબત સરકાર વિચાર કરી જ રહેલી છે. અને એટલી ખાતરી તો હું હમણાં જ આપી શકું છું કે ઓરતોને લગતી કલમો ખેંચી લેવામાં આવશે. એ બાબતમાં તમારી લાગણી સરકાર સમજી શકી છે અને તેને માન અાપવા ઈચ્છે છે. પણ બીજી કલમો વિશે તો, મારે તમને દિલગીરીની સાથે જણાવવું જોઈએ કે, સરકાર દૃઢ છે અને દૃઢ રહશે. જનરલ બોથા ઈચ્છે છે કે તમે પુખ્તપણે વિચાર કરી અા કાયદાને કબૂલ રાખો. ગોરાઓની હસ્તીને સારુ સરકાર તેની જરૂર જુએ છે. કાયદાના હેતુને જાળવીને વિગતો બાબત તમારે કંઈ પણ સૂચના કરવાની હોય તો તે ઉપર સરકાર અવશ્ય ધ્યાન આપશે, અને મારી ડેપ્યુટેશનને એવી સલાહ છે કે કાયદાનો સ્વીકાર કરી વિગતો બાબત જ સૂચનાઓ કરવાનું તમે રાખશો તો તેમાં તમારું હિત છે." પ્રધાનની સાથે થયેલી દલીલો અહીં હું નથી નોંધતો, કેમ કે તે બધી દલીલો પાછળ આવી ગઈ છે. પ્રધાનની આગળ રજૂ કરવામાં માત્ર ભાષાભેદ જ હતો – દલીલો તો એ જ હતી. પ્રધાનની સલાહ છતાં પણ કોઈ એ કાયદાનો સ્વીકાર નહીં કરી શકે એમ કહીને અને ઓરતોને કાયદામાંથી મુક્ત રાખવાના સરકારના ઈરાદાને સારુ આભાર માનીને ડેપ્યુટેશને વિદાયગીરી લીધી. અોરતોની મુક્તિ કોમની હિલચાલને લીધે થઈ કે સરકારે જ વધુ વિચારે મિ. કર્ટિસની શાસ્ત્રપદ્ધતિનો ઈન્કાર કરી કંઈક લૌકિક વહેવારને પણ નજરમાં રાખ્યો એ કહેવું મુશ્કેલ છે. સરકારપક્ષનો એ દાવો હતો કે કોમની હિલચાલને લીધે નહીં પણ સ્વતંત્ર રીતે જ સરકાર એ વિચાર ઉપર આવી હતી. ગમે તેમ હો, પણ કાગતાડના ન્યાય પ્રમાણે કોમે તો માની લીધું કે કેવળ કોમની હિલચાલની જ એ અસર હતી અને તેથી લડવાનો ઉમંગ વધ્યો.

કોમના આ ઈરાદાને અથવા હિલચાલને શું નામ આપી શકાય એ અમે કોઈ જાણતા ન હતા. એ વખતે મેં એ હિલચાલને 'પેસિવ રિઝિસ્ટન્સ'ના નામથી ઓળખાવી. પેસિવ રિઝિસ્ટન્સનું રહસ્ય પણ એ વખતે હું પૂરું જાણતો કે સમજતો ન હતો. કંઈક નવી વસ્તુનો જન્મ થયો છે એટલું હું સમજ્યો હતો. લડત જેમ આગળ વધતી ગઈ તેમ પેસિવ રિઝિસ્ટન્સ નામથી ગૂંચવાડો થતો ગયો અને આ મહાન યુદ્ધને અંગ્રેજી નામે જ ઓળખાવવું એ મને શરમભરેલું લાગ્યું. વળી કોમની જીભે એ શબ્દો ચડી પણ ન શકે એવા હતા. તેથી 'ઈન્ડિયન ઓપીનિયન'માં સારામાં સારો શબ્દ શોધી કાઢે તેને સારુ એક નાનુ સરખું ઈનામ જાહેર કર્યું, તેમાં કેટલાંક નામો આવ્યાં. આ વખતે લડતનું રહસ્ય 'ઈન્ડિયન ઓપીનિયન'માં સારી રીતે ચર્ચાઈ ગયું હતું, તેથી હરીફોની પાસે શોધ કરવાને સારુ પ્રમાણમાં પૂરતો સામાન હતો એમ કહી શકાય. મગનલાલ ગાંધીએ પણ એ હરીફાઈમાં ભાગ લીધો. તેમને સદાગ્રહ નામ મોકલ્યું. એ શબ્દ પસંદ કરવાનું કારણ જણાવતાં તેમણે લખ્યું કે કોમની હિલચાલ એ એક ભારે આગ્રહ છે અને એ આગ્રહ સદ્ એટલે શુભ છે તેથી તેમણે એ નામ પસંદ કર્યું છે. મેં એમની દલીલનો સાર ટૂંકામાં આપેલો છે. મને એ નામ પસંદ પડ્યું, છતાં હું જે વસ્તુ સમાવવા ઈચ્છતો હતો એનો સમાવેશ તેમાં નહોતો થતો. તેથી મેં દ્ નો ત્ કરી તેમાં ય જેડીને 'સત્યાગ્રહ' નામ બનાવ્યું. સત્યની અંદર શાંતિનો સમાવેશ માની, કંઈ પણ વસ્તુનો આગ્રહ કરતાં તેમાંથી બળ ઉત્પન્ન થાય છે તેથી અાગ્રહમાં બળનો સમાવેશ કરી, હિન્દી હિલચાલને 'સત્યાગ્રહ' એટલે સત્ય અને શાંતિથી નીપજતા બળનું નામ અાપી ઓળખાવવાનું શરૂ કર્યું. અને ત્યારથી પેસિવ રિઝિસ્ટન્સ શબ્દનો ઉપયોગ આ લડતને અંગે બંધ કર્યો. તે એટલે સુધી કે અંગ્રેજી લખાણોમાં પણ ઘણી વખતે પેસિવ રિઝિસ્ટન્સનો ઉપયોગ ત્યજી સત્યાગ્રહ અથવા તો કંઈ બીજા અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આમ જે વસ્તુ સત્યાગ્રહને નામે ઓળખાવા લાગી તે વસ્તુનો અને સત્યાગ્રહ નામનો જન્મ થયો. પેસિવ રિઝિસ્ટન્સ અને સત્યાગ્રહ વચ્ચેનો ભેદ, આપણા ઈતિહાસને આગળ ચલાવ્યા પહેલાં જ, સમજી લેવો એ આવશ્યક છે, તેથી આવતા પ્રકારણમાં આપણે એ ભેદ સમજી લઈશું.