દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/શેઠ દાઉદ મહમદ વગેરેનું લડતમાં દાખલ થવું

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← સોરાબજી શાપુરજી અડાજણિયા દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
શેઠ દાઉદ મહમદ વગેરેનું લડતમાં દાખલ થવું
મોહનદાસ કરમચંદ ગાંધી
દેશનિકાલ →


૬. શેઠ દાઉદ મહમદ વગેરેનું લડતમાં દાખલ થવું


જ્યારે કોમે જોયું કે સરકાર કોમને કંઈ જ પગલાં ન ભરી થકવી દેવા માંગે છે ત્યારે કોમને બીજાં પગલાં લેવાની ફરજ પડી. સત્યાગ્રહીમાં જ્યાં લગી દુ:ખ સહન કરવાની શક્તિ હોય ત્યાં સુધી તે થાકતો જ નથી. તેથી સરકારની ગણતરી કોમ ખોટી પાડવા સમર્થ હતી.

નાતાલમાં એવા હિંદીઓ વસતા હતા કે જેઓને ટ્રાન્સવાલના વસવાટના પુરાણા હક હતા. તેમને ટ્રાન્સવાલમાં વેપાર અર્થે દાખલ થવાની જરૂર ન હતી. પણ તેઓને આવવાનો હક હતો એવી કોમની માન્યતા હતી. વળી તેઓને થોડુંઘણું અંગ્રેજી જ્ઞાન તો હતું જ. એ ઉપરાંત સોરાબજીના જેટલી તાલીમવાળા હિંદીઓને પણ દાખલ કરવામાં તો સત્યાગ્રહના નિયમનો કંઈ ભંગ હતો જ નહીં. એટલે બે પ્રકારના હિંદીઓને દાખલ કરવાનો ઠરાવ કર્યો. એક તો જેઓ પૂર્વે ટ્રાન્સવાલમાં રહી ગયા હતા તેઓ, અને બીજા જેઓએ ખાસ અંગ્રેજી તાલીમ લીધી હતી તેવા કે જે કેળવાયેલા' વિશેષણથી ઓળખાતા હતા.

આમાં શેઠ દાઉદ મહમદ, પારસી રુસ્તમજી એ બે મોટા વેપારીઓમાંથી હતા અને સુરેન્દ્રરાય મેઢ, પ્રાગજી ખંડુભાઈ દેસાઈ, હરિલાલ ગાંધી, રતનશી સોઢા વગેરે કેળવાયેલામાંથી હતા.

શેઠ દાઉદ મહમદની ઓળખાણ કરાવું. એ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસના પ્રમુખ હતા. દક્ષિણ આફ્રિકામાં આવેલા હિંદી વેપારીઓમાં છેક પુરાણા હતા. તેઓ સુરતી સુન્નત જમાતના વોરા હતા. ચતુરાઈમાં તેમની સરખામણી કરી શકે એવા થોડા જ હિંદીઓ મેં દક્ષિણ આફ્રિકામાં જોયેલા. તેમની સમજશક્તિ ઘણી સરસ હતી. તેમનું અક્ષરજ્ઞાન થોડું હતું પણ અનુભવથી તેઓ અંગ્રેજી ને ડચ સારું બોલી જાણતા. અંગ્રેજી વેપારીઓની સાથે પોતાનું કામ સારી રીતે ચલાવતા. તેમની સખાવત પ્રખ્યાત હતી. તેમને ત્યાં હમેશાં પચાસેક મહેમાનોનું જમવાનું તો હોય જ. કોમી ફાળાઓમાં તેમનું નામ અગ્રેસરોમાં જ હોય. તેમને અમૂલ્ય દીકરો હતો. તે તેમનાથી ચારિત્ર્યમાં બહુ જ ચડી જાય. એનું હૃદય સ્ફટિકમણિ સમાન હતું એ દીકરાના ચારિત્ર્યવેગને દાઉદ શેઠે કદી રોકેલ નહીં. પોતાના દીકરાને દાઉદ શેઠ પૂજતા એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પોતાની એક પણ એબ હસનમાં ન હોય એમ ઈચ્છતા. તેને વિલાયત મોકલી સરસ તાલીમ આપી હતી. પણ દાઉદ શેઠ તે રત્નને ભરજુવાનીમાં ખોઈ બેઠા. હસનને ક્ષયના રોગે ઘેરી લીધો ને તેના પ્રાણનું હરણ કર્યું. એ જખમ કદી રુઝાયો નહીં. હસનની સાથે હિંદી કોમની મહાન આશાઓ પણ ડૂબી. હસનને હિંદુ-મુસલમાન ડાબીજમણી આંખ હતા. તેનું સત્ય તેજસ્વી હતું. આજે દાઉદ શેઠ પણ નથી. કાળ કોઈને કયાં મૂકે છે ? પારસી રુસ્તમજીની ઓળખ હું કરાવી ગયો છું. કેળવાયેલાઓમાંના ઘણાખરાને વાંચનાર જાણે છે. કંઈ પણ સાહિત્ય પાસે રાખ્યા વિના આ પ્રકરણો હું લખી રહ્યો છું. તેથી નામો રહી ગયાં હશે. તેને સારુ તે તે ભાઈઓ મને માફ કરશે. આ પ્રકરણો નામ અમર રાખવા સારુ નથી લખાતાં, પણ સત્યાગ્રહનું રહસ્ય સમજાવવા તથા એનો વિજય કેમ થયો, તેમાં કેવાં વિઘ્નો આવે છે અને તેમને કેમ દૂર કરી શકાય, તે બતાવવા લખાય છે. જ્યાં જ્યાં નામો અને નામધારીઓની ઓળખ આપું છું ત્યાં પણ મુદ્દો એ જ છે કે, દક્ષિણ આફ્રિકામાં નિરક્ષર ગણાય એવા માણસોએ કેવાં પરાક્રમ કર્યા. ત્યાં પણ હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી વગેરે કેમ સાથે મળી શક્યા ને કેમ વેપારી, કેળવાયેલા વગેરેએ પોતાની ફરજ બજાવી, એ વાંચનાર જાણી શકે. જ્યાં ગુણીની અોળખ કરાવી છે ત્યાં તેનું નહીં પણ કેવળ તેના ગુણનું સ્તવન કર્યું છે.

આમ જયારે દાઉદ શેઠ પોતાની સત્યાગ્રહી ફોજ લઈને ટ્રાન્સવાલની સરહદ પર પહોંચ્યા ત્યારે સરકાર તૈયાર હતી. આટલા દળને તે ટ્રાન્સવાલમાં પ્રવેશ કરવા દે તો તેની હાંસી થાય, એટલે તેઓને તો પકડ્યે જ છૂટકો. તેઓ પકડાયા, કેસ ચાલ્યો ને વૉકસરસ્ટ સરહદી શહેરની જેલમાં દાખલ થયા. કોમી જુસ્સો વધ્યો. નાતાલથી મદદે આવેલાઓને છોડાવી ન શકે તો છેવટે તેમને સાથ તો ટ્રાન્સવાલના હિંદીઓ દે, આ વિચારથી ટ્રાન્સવાલના હિંદીઓ પણ જેલનો માર્ગ શોધવા લાગ્યા.

તેઓને પકડવાના ઘણાયે રસ્તા હતા. જેમાં રહીશ પરવાના ન બતાવે તો વેપારના પરવાના ન મળે. વેપારના પરવાના વિના વેપાર કરે તો ગુનો ગણાય. નાતાલમાંથી સરહદમાં દાખલ થવું હોય તો પરવાનો બતાવવા જોઈએ. તે ન બતાવે તો પકડાય . પરવાના તો બાળ્યા જ હતા, એટલે રસ્તો સાફ હતો. બંને રસ્તા લીધા. કોઈ વગર પરવાને ફેરી કરવા લાગ્યા ને કોઈ સરહદમાં દાખલ થતાં પરવાના ન બતાવ્યાથી પકડાવા લાગ્યા.

હવે લડત જામી કહેવાય. બધાની કસોટી થવા લાગી. નાતાલથી . બીજા આવ્યા. જોહાનિસબર્ગમાં પણ પકડાપકડી શરૂ થઈ. જેની ઇચ્છા હોય તે પકડાઈ શકે એવી સ્થિતિ થઈ રહી. જેલો ભરાવા માંડી.

હવે કંઈ સોરાબજી છૂટા રહી શકે ? તેઓ પણ પકડાયા. નાતાલથી આવેલા બધાને છ છ માસની જેલ મળી, ટ્રાન્સવાલનાને ચાર દિવસથી ત્રણ માસની.

આમ પકડાયેલામાં આપણા ઇમામસાહબ બાવાઝીર પણ હતા. તેમની શરૂઆત ચાર દિવસથી થયેલી. ફેરી કરીને પકડાયેલા. તેમનું શરીર એવું નાજુક હતું કે લોકો તેમના જવાથી હસતા. મને આવીને કેટલાક કહી જતા કે, "ભાઈ, ઇમામસાહેબને ન લો તો સારું. તે કોમને લજવશે.” મેં એ ચેતવણી ન ગણકારી. ઇમામસાહેબની શક્તિનો અાંકનાર હું કોણ ? ઇમામસાહેબ કોઈ દહાડો ઉઘાડે પગે ન ચાલતા, શોખીન હતા, તેમને મલાયી ઓરત હતી, ઘર શણગારેલું રાખતા અને ઘોડાગાડી વિના કયાંય જતા નહીં. એ બધું સાચું, પણ તેમના મનને કોણ જાણતું હતું? એ ઇમામસાહેબ ચાર દિવસની જેલ ભોગવી પાછા પણ જેલમાં ગયા. તેમાં આદર્શ કેદી તરીકે રહ્યા, ત્યાં સખત મજૂરી કરીને જમે, ને નિત્ય નવા ખોરાક ખાવાની ટેવ હતી. તેમણે મકાઈના આટાની રાબ પીને ખુદાનો પાડ માન્યો. તે હાર્યા તો નહીં જ, પણ તેમણે સાદાઈ ગ્રહણ કરી, કેદી તરીકે પથ્થર ફોડ્યા, ઝાડુ વાળ્યું ને બીજા કેદીઓની હારે ઊભા રહ્યા. છેવટે ફિનિકસમાં પાણી ભર્યા ને છાપખાનામાં બીબાં પણ ગોઠવ્યાં. ફિનિકસ આશ્રમમાં રહેનારને બીબાં ગોઠવવાની કળા જાણી લેવાની ફરજ હતી. તે ફરજ ઈમામસાહેબે યથાશક્તિ જાણી લીધી હતી. આ ઇમામસાહેબ અત્યારે હિંદુસ્તાનમાં પોતાનો ફાળો ભરી રહ્યા છે.

પણ એવા તો ઘણાયે જેલમાં શુદ્ધ થયા.

જેસક રૉયપૅન બૅરિસ્ટર, કેમ્બ્રિજનો ગ્રૅજ્યુએટ, નાતાલમાં ગિરમીટિયા માબાપને ઘેર જન્મેલ, પણ સાહેબલોક થઈ ગયેલ; તે તો વળી ઘરમાંયે બુટ વિના ન ચલાવે. ઇમામસાહેબને વજૂ કરતી વેળા પગ ધોવા જોઈએ. નમાજ ઉઘાડે પગે પઢવી જોઈએ. બિચારા રૉયપૅનને તો એટલુંય નહીં. બૅરિસ્ટરીનો ત્યાગ કરી બગલમાં ભાજીપાલાની ટોપલી નાખી, ફરી શરૂ કરીને પકડાયો. તેણે પણ જેલ ભોગવી. 'પણ મારે ત્રીજા વર્ગમાં મુસાફરી કરવી ?' રૉયપૅને પૂછયું, 'જો તમે પહેલા કે બીજા વર્ગમાં મુસાફરી કરો તો મારે કોની પાસે ત્રીજા વર્ગમાં મુસાફરી કરાવવી ? જેલમાં તમને બૅરિસ્ટર તરીકે કોણ ઓળખશે ?' મેં જવાબ આપ્યો.. જોસફ રૉયપૅનને સારુ એ જવાબ બસ હતો. તે પણ જેલમાં સિધાવ્યા.

સોળ વર્ષના જુવાનો તો કેટલાયે જેલમાં પહોંચ્યા.

જેલમાં સત્તાવાળાઓએ દુઃખ દેવામાં બાકી ન રાખી. પાયખાનાં સાફ કરાવ્યાં. તે હિંદી કેદીઓએ હસતે મુખે સાફ કર્યા. પથ્થર ફોડાવ્યા. અલ્લા કે રામનું નામ લેતાં તે તેમણે ફોડ્યા. તળાવો ખોદાવ્યાં. પથ્થરવાળી જમીનો ખોદાવી. હાથમાં અાંટણો પડ્યાં, કોઈ અસહ્ય દુ:ખથી મૂર્છા પણ પામ્યા; પણ હાર્યા નહીં.

જેલમાં માંહોમાંહ તકરારો ને અદેખાઈ ન થાય એમ કોઈએ ન સમજવું. વધારે જોરાવર તકરાર ખાવા વિશે હોય તેમાંથી પણ અમે ઊગર્યા.

હું પણ બીજી વાર પકડાયો હતો. વૉક્સરસ્ટની જેલમાં એક વેળા અમે લગભગ ૭૫ હિંદી કેદીઓ ભેગા થયેલા. અમારી રસોઈ અમે અમારે હાથ લીધી. તકરારોનું નિવારણ મારે જ હાથે થાય એમ હતું. તેથી હું રસોઇયો બન્યો. પ્રેમને વશ થઈ મારે હાથે થયેલી કાચીપાકી, સાકરખાંડ વિનાની રાબ પણ સાથીઓ પી લેતા.

સરકારને લાગ્યું કે મને નોખો પાડે તો હું પણ જરા તવાઉં ને કેદીઓ હારે એવો રૂડો અવસર તેણે ન જોયો.

મને પ્રિટોરિયા લઈ ગયા. ત્યાં તોફાની કેદીઓને સારુ રાખવામાં આવતી એકાંત કોટડીમાં મને પૂર્યો. માત્ર બે વખત કસરતને સારુ બહાર કાઢે. વૉક્સરસ્ટમાં ધી અપાય. અહીં તો તે પણ નહીં. આ જેલનાં પેટા દુ:ખોમાં હું પડવા નથી ઈચ્છતો. જેને જિજ્ઞાસા હોય તેણે દક્ષિણ આફ્રિકાની જેલના મારા અનુભવો વાંચી લેવા.*

આમ છતાં હિંદીઓ ન હાર્યા. સરકાર વિમાસણમાં પડી. જેલમાં કેટલા હિંદીઓને પુરાય ? ખર્ચ વધે. હવે શું કરે ?


*'મારો જેલનો અનુભવ' , નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-૧૪