લખાણ પર જાઓ

દીનાનાથની ઢાળો/ઢાળ ૪થી

વિકિસ્રોતમાંથી
← ઢાળ ૩જી દીનાનાથની ઢાળો
ઢાળ ૪થી
કેશવલાલ ભટ્ટ
ઢાળ ૫મી →


ઢાળ ૪ થી

મારા હાથ પડ્યા છે હેઠા, હરિ હું શું કરૂં રે;
શરણે આવ્યો છું કરૂણા કર, કરશો તે ખરૂં રે; એ ટેક.

ક્યાં સંતાયા કુશલ કરાણી, તરણી નટવર જાય તણાણી;
ભાઠે હાય ભરાણી, કઇ રીતે તરૂં રે. મારા૦

થતું હશે શું સમજણ ન પડે, ગોતું પણ માર્ગ મને ન જડે;
ભવસાગરના દુઃખ વડે, હ્રદયે ડરૂં રે. મારા૦

ધરાણીધર શું ધાર્યું મારૂં, રટણ કરૂં છું નિત્ય તમારૂં;
આવડું શું અંધારૂં, મરણ વિના મરૂં રે. મારા૦

સાધન સર્વ ગયા છે ખુટી, કપટી કાળે માર્યો કુટી;
બગડ્યાની નહિ બુટી, ઠાકર ક્યાં ઠરૂં રે. મારા૦

અતિ તાપથી તપી રહ્યો છું, ભાષ્ય કંઠથી અંધ થયો છું;
ભુલી ભાન ગયો છું, ધીરજ શું ધરૂં રે. મારા૦

અદ્ભુત માયા નાથ તમારી, મન વાણી નહીં પોંચે મારી;
કેશવ હરિ હારી ફટકેલ થઈ ફરૂં રે. મારા૦