દ્વિરેફની વાતો/પહેલું ઇનામ

વિકિસ્રોતમાંથી
← મુકુન્દરાય દ્વિરેફની વાતો
પહેલું ઇનામ
રામનારાયણ પાઠક
નવો જન્મ →




પહેલું ઈનામ


મદાવાદમાં ૧૯૨૦-૨૧ માં માત્ર અસહકારની ચળવળ જ શરૂ થઇ નથી. ઇતિહાસકારને હિલચાલ પણ તે જ અરસામાં શરૂ થયાની નોંધ લેવી પડશે. અસહકાર ધીમે ધીમે ક્ષીણ થતો જાય છે, પણ આ બીજી હિલચાલ હજી વધતી જ ચાલી જાય છે. આ હિલચાલ તે સવારમાં શહેર બહાર પૂલ પેલી પાર કરવા જવાની હિલચાલ. તેનો કોઈ નેતા નથી, તેની સભા ભરાઈ નથી, તેના મેમ્બરો નોંધાયા નથી અને છતાં આ હિલચાલ એ જ સમયે શરૂ થઇ છે તે હજી વધતી જ જાય છે. હું આ હિલચાલને માનનારો એક ઉત્સાહી આગ્રહી માણસ છું.

એક દિવસ હું હંમેશની માફક સવારે ઉતાવળો ઉતાવળો ફરવા ચાલ્યો જતો હતો. ત્યાં ઍલિફ્રન્ટ રોડના મુખ આગળ ખ્રિસ્તી દેવળની પાસે મને જુનો શાળામિત્ર હરજીવન મળ્યો. એકલાં ફરવા કરતાં કોઈ વાત કરનાર સાથે હોય તો સારું કરી મેં કહ્યું: “ ઓ: ! હા! હરજીવન ! ઘણે દિવસે મળ્યો, સાથે આવે છે? ક્યાં જતો હતો ? ” “ ક્યાંઈ નહિ " કહી તે મારી સાથે ચાલવા લાગ્યો.

અને 'ક્યાંઇ નહિ' એ એનો ઉત્તર અક્ષરશઃ સાચો હતો. હરજીવન કોઇ પણ અમુક જગ્યાએ જતો હોતો જ નથી. તેણે છઠ્ઠી અંગ્રેજીમાંથી નિશાળ છોડી ત્યારથી મેં તેને નવરા જ અથવા નવરાનાં કામ કરતો જ જોયો છે; કાં તો કોઇ ડૉક્ટરને ત્યાં બેઠો બેઠો તડાકા મારતો હોય. વાંચવામાં ન્યૂસપેપરો વાંચે, પણ તેમાં પણ જાહેર ખબરો ને એવી નક્કામી વાતો વધારે વાંચે. વાર્તા વાંચે પણ જરા પણ કલા સમજતો હોય એમ મને કદી નથી લાગ્યું. મિલમજૂરોનાં ઘરો આગળ ફરતો મેં તેને વારંવાર જોયો છે. એક વાર પોસ્ટ ઑફિસના ઓટલા પર બેઠો બેઠો લોકોને કાગળ લખી આપતો હોય, તો બીજી વાર વળી કાબુલીઓના વંડામાં ખેાટી હિન્દી ભાષામાં તેમની સાથે મશ્કરી કરતો યોય, તા વળી ત્રીજી વાર રાત્રે સિનેમા કે નાટકનાં થિયેટરમાં ડોરકીપર તરીકે સીટી વગાડતો બેઠો હોય. ભાઈ સાહેબ અસહકારી થયા ત્યારથી વળી અખાડાનું ચેટક લાગ્યું છે. સાંજે એકાદ અખાડામાં નાનાં છોકરાંને પોતાના ખભા પર ચઢાવી ધિંગામસ્તી કરતો હોય. આગના બંબાનું ભૂંગળું ઝાલી ઊભો રહેતો, બજારમાં હજારો રોગો મટાડવાની દવા વેચનારાના ટોળામાં, માણભટોના, વાજાની પેટી વગાડનારાના, જાદુગરોના, મદારીના, ટૂંકમાં હલકી જાતના તમાશાના દરેક ટોળામાં મેં તેને જોયેલો છે. માત્ર એક વાર મારી પ્રેક્ટિસની શરુઆતમાં એક ખૂનકેસમાં વાઘરીના બચાવનો કેસ મને અપાવેલો અને બધો બચાવ સરસ રીતે મને સમજાવેલો તે સિવાય બુદ્ધિ કે ઉપયોગિતાનો તેણે હજી સુધી કોઇ પુરાવો આપ્યો જાણ્યો નથી. તેમાં પણ તે કામ ઉપયોગી તો મને હતું. તેણે વાધરી પાસેથી પાઈએ લીધી નહોતી અને અમારા રિવાજ પ્રમાણે મેં તેની મહેનત જાણવા મરજી બતાવી ત્યારે તેણે કાંઈ પણ લેવાની ચોખ્ખી ના પાડી. સ્વભાવે તે વિલક્ષણ અને સાથે સાથે વિચિત્ર રીતે મશ્કરો છે. અને પરણ્યો નથી એટલે આ બધી વિલક્ષણતાઓ તેને પોસાય છે. અત્યારે તેનો જીવ મૂંગી નાડે ચાલતો હતો. તેથી મૂંગો મૂંગો મારી સાથે ચાલ્યો.

પૂલની ચોકી વટાવી પૂલના ફૂટપાથ પર હું આગળ અને તે પાછળ અમે ચાલવા લાગ્યા. કંઈક વાતચીત કરવા મેં કહ્યું: "સવાર સુંદર છે, નહિ ? ” પણ કાંઈ જવાબ ન મળ્યો. મારી પછવાડે પગલાંનો અવાજ બંધ થયો હતો એમ મને લાગ્યું અને પાછું વાળી જોઉ તો ભાઈ સાહેબ ઊભા ઊભા નદીના પટમાં માણસોનું ટોળું ભેગું થયેલું તે જુએ.

મેં કહ્યું: “ અલ્યા હરજીવન, એમાં તે શું જુએ છે? એવાં તો ધરમઘેલાં લોકો ઘણીએ વાર નદીમાં નાહવા આવે છે.”

હરજીવનઃ "પણ આ તો પાણીથી દૂર ટોળું ઊભું છે. હિન્દુ મુસલમાન છારા બધા ભેગા થયેલા છે. આજે કોઈ પૂર્વ નથી."

મેં કહ્યું: “ ત્યારે અસહકારનું કાંઇ ભાષણ બાષણ હશે.”

હરજીવનઃ "ના. આજે ભાષણ નથી અને આટલું વહેલું હોય પણ નહિં. અંદર કોઈ બોલતું નથી. ટોળું સાંભળતું હોય એવું નથી, જોતું હાય એવું છે. ” એટલામાં ટોળું જરા પહોળું થયું અને વચ્ચે અમે જોઇ શક્યા. મેં કહ્યું: “આ તો કંઇક પંચક્યાસ થાય છે, એમાં શું જોવું'તું? તને તો આવી નક્કામી બાબતો ઉપર જ ધ્યાન આપતાં આવડે છે." હરજીવનઃ "એ ખૂન છે. હું તો જઈશ."

મેં કહ્યું: “ ત્યારે તું જા. મારે તો અમુક ચાલવું જ જોઇએ. આટલામાં જ પાછો મળીશ ના!" હું આગળ ચાલવા માંડ્યો. તે નદીના પટમાં ઊતરવા પાછો ફર્યો.

પોણાએક કલાક પછી હું પાછો ફર્યો ત્યારે હરજીવનને પૂલ પર મારી રાહ જોતો ઊભેલો મેં જોયો. મારી પાસે આવી તેણે રૂપિયા માગ્યા. મેં કહ્યું: “આ નીચે જોવા ગયા'તા તેમાં રૂપિયા કમાયા કે શું ? ” “ ના, કમાયો શું તે તો તને હમણાં બતાવીશ પણ રૂપિયા આપ.” મેં રૂપિયા આપ્યા. અમે ચાલતા હતા પણ હરજીવનનું મન કંઈક વિચારમાં પડી ગયેલું મને લાગ્યું. તે મૂંગો મૂંગો આસપાસ ચકળવકળ જોતો ચાલ્યો. રસ્તામાં એક જગ્યા બતાવીને મને કહેઃ “ આ જુઓ ! ” હું આસપાસ જોવા લાગ્યા, પણ મને કશું દેખાયું નહિ. મને ફરી કહેઃ “ અહીં જુઓ, અહીં. " કંઇક માખીઓ બેઠેલી હતી. તે ધૂળ લઇ સૂંઘીને મને બતાવી કહેઃ "આ લોહીનાં ટીપાં છે.” મને તેમાં કાંઇ રસ પડ્તો નહિ. પોતે પોલિસ ચોકીમાં જઇ આવ્યો અને ઉતાવળો ચાલી મને મળીણે કહે: "જુઓ આ કમાયો. ” મેં કહ્યું: "પણ આની કિંમત્ રૂપિયાની નથી. બહુ બહુ તો પાવલું અરધો છે."

હરજીવનઃ “એક રીતે પાવલું અરધો પણ નથી અને બીજી રીતે એ અમૂલ્ય છે."

મેં કહ્યું: “ પણ નીચે વાત શી થઇ તે તો કહે."

હરજીવન ધીમે સાદે કહેવા લાગ્યો: “નીચે પંચનામામાં હું ચ પંચ થઇ આવ્યો. ” મેં કહ્યું: “પોલિસને કોઇ બીજો ન મળ્યો તે તારા જેવા અસહકારીને પંચ કર્યો?"

હરજીવનઃ "તેમને કોઇ ભણેલેા માણસ જોઇતો હતો. અને આટલું વહેલું પંચક્યાસમાં રોકાવા કોણ નવરું હોય? તમે વકીલો ફરવા નીકળો છો પણ પંચક્યાસમાં કામ ન આવો. ”

મેં કહ્યું: “ પછી હતું શું ?"

“કોઇ મુસલમાનનું મડદું પડેલું હતું. તેની ડોક ભાંગી ગયેલી હતી. અકસ્માતથી મુઆનો પંચક્યાસ કર્યો.

“ અકસ્માત કેવી રીતે થયો એ કાંઇ જણાયું ? ”

"લખ્યું કે પૂલના ફૂટપાથના નળ પર બેઠેલો ત્યાંથી પડી જવાથી ડોક ભાંગી જવાથી મૃત્યુ થયું."

"ત્યારે તો તું ખૂન જોવા ગયેલો તે નિરાશ થયો હોઇશ ?"

“ના, હું તો ખૂન જ માનું છું. ”

" ત્યારે તારા જેટલી બુદ્ધિ કોઈ પોલિસમાં નહોતી શું ? ”

“ના, નહોતી. એલિસબ્રિજને થયાં મારા જેટલાં વરસ થયાં. તેમાં હજી કોઈ વાર આવું ખૂન થયું નથી. અકસ્માત થયો! નથી, અને આવું બને એ વિચાર જ પોલિસને આવી શકતો નથી. કોઈ દિવસ નથી બન્યું તે બને જ કેમ ? એમને મન તો એલિસબ્રીજની ચોકી એટલે જતા આવતા વાધરી પાસેથી શાક, દાતણ, લાકડાં વગેરે લેવાં, ચીભડાં, તરબૂચ, જામફળ વગેરે ઋતુ ઋતુના મેવા લેવા, ટોલ નથી આપ્યો કહી ગાડાંવાળાને રોકવા, અને ગુનામાં ગુનો ખોટી બાજૂ ચાલનારા કે દીવા વિનાની સાઈકલોને પકડવી એટલું જ. એથી મોટો ગુનો થવા માટે એલિસબ્રિજ છે જ નહિ, એમ એ બધા માને છે. એટલા પોલિસો ધાંધલ કરતા હતા તેમાં માત્ર એકને બુદ્ધિ હતી. પણ એટલા બધા બેવકૂફોમાં એક માણસ શું કરી શકે ?"

મેં કહ્યું: "એમ કેમ?"

મૈયતના હાથમાં કોઈ સ્ત્રીના લૂગડાનો આ જરીવાળો છેડો હતો. તેના તરફ એ પોલિસનું ધ્યાન ગયું હતું. પંચક્યાસ લખાતાં તે એ કડકા સામું જ જોઈ રહ્યો હતો અને ફોજદારને તેણે દૂર લઈ જઇ વાત કરી. તે હું સમજી ગયો. પણ ફોજદારને ખૂનકેસ નહોતે! જોઈતો એટલે એણે કહ્યું કે એ તો અકસ્માતથી હોય. ”

મુસલમાનના હાથમાં હિંદુ સ્ત્રીનો જરીવાળા લૂગડાનો કડકા એ બધાએ કેમ માન્યું ?"

“ મેં બચાવી લીધા. મેં કહ્યું કે મુસલમાન છે તે છેડાતાર વેચાતાં લેવાનો ધંધો કરતો હશે અને હાથમાં તારવાળો છેડો રહી ગયો હશે. પંચને તે પંચક્યાસમાંથી ઝટ છૂટવું હતું. વળી મરનારનો કોઇ સગોસાગવો નહિ, એટલે એ વાત જ લખી નહિ. છેડો ફોજદારે ખીસામાં મૂક્યો તે મેં રૂપિયો આપવો કરી લઇ લીધો."

“ તમે એને શું કરશો ? ”

“ એ ખૂન જ છે. મરનારના પગ પર કઠેડાથી પડી જવા જેવા ઘસારા નહોતા અને મારામારીનાં ચિહ્નો હતાં. વળી મેં તમને રસ્તામાં લોહી પણ દેખાડયું. હું તપાસ કરીશ.”

"તમારામાં આ શક્તિ છે તો તમે પોલિસની સાથે રહી આ ધંધો કરો તો પુષ્કળ કમાઓ." "પરદેશી સરકારની પોલિસ સાથે કામ ન જ થઈ શકે."

“ આ તમે અસહકારી થયા ત્યારથી તમને ભૂત ભરાએલું છે."

“ના, એ ભૂત પહેલેથી હતું માટે અસહકારી થયો."

"પહેલાં આવા નહોતા. “

"હા, તમને કેસ આણી આપ્યો ત્યારે ડાહ્યો હતો અને હવે નથી આણી આપતો ત્યારે ડાહ્યો નથી !"

મને હવે હરજીવન અસલ થઈ પડ્યો. પણ સદ્ભાગ્યે અમારા રસ્તા ફંટાયા. અમે સાહેબજી કરી જુદા પડ્યા.

પાંચેક દિવસ પછી હું સવારે એ જ ફૂટપાથ પર જતો હતો. ત્યાં હરજીવન ફૂટપાથના કઠેડા પર તેના નળમાં પગના ફણા ભરાવી બેઠો હતો. મેં કહ્યું. “ તમારા ખૂન વિશેનો મત મને તે તદ્દન ખોટો લાગે છે. તે વિશે 'પ્રજાબંધુ'માં નોંધ આવી છે. તે ઉપરથી તો ખાતરી થાય છે કે અકસ્માત જ હોવો જોઈએ.”

હરજીવનઃ “એ પંચક્યાસ જ ફરી ગયો. મરનારના મોંમાંથી દારૂની વાસ આવતી હતી એ ખોટું છે. મેં મોં સૂંઘી જોયું હતું. અકસ્માત ઠરાવવા માટે એમ લખ્યું છે, અને એ લખવા નવો પંચક્યાસ કર્યો. અમારાવાળો પંચક્યાસ અદશ્ય થયો.”

મેં કહ્યું: “એવું તે હોય !" તેણે કહ્યું "હા એમ જ્ છે અને એ મારે માટે સારું છે." મને એમાં સાર ન લાગ્યો. મારે હજી ફરવા જવાનું હતું અને હરજીવન કાંઇ ત્યાંથી ઊઠે એવો એનો ઢંગ દેખાતો નહોતો. હું ચાલ્યો ગયો. તે પછી મને કેટલાક દિવસ હરજીવન ક્યાંઇ દેખાયો નહિ. તેને મળવાની ઇચ્છા પણ નહોતી. એની તાછડાઈ અને કડકાઇ મને પસંદ નહોતી. પણ બે ત્રણ મહિના પછી મળવાનું થયું. સમસ્ત ગુજરાત અખાડા મંડળોનો ઉત્સવ હતો. આખા ગુજરાતના અખાડામાંથી રમનારા આવ્યા હતા. મને આમંત્રણ હતું. તેમના લાંબા કાર્યક્રમામાં મને રસ નહિ હોવાથી કુસ્તી વગેરેના કાર્યક્રમો પૂરા થઈ રહે એટલો મોડો હું ગયો.અતિ ઉત્સાહમાં દોડતાં નાનાં છોકરાંને વટાવી હું અંદર ગયો ત્યાં એક સાતેક વરસનો છોકરો પોતાથી નાના પાંચેક છોકરાઓને કહેતો હતો: "આવા હું મહાસુખ થાઉં અને તમે પાંચે ય મારી સાથે કુસ્તી કરો. ” આ દૃશ્ય જોઇ, હું પ્રેક્ષકો બેઠા હતા તેમાં મારી પ્રતિષ્ઠાને છાજતા ઊંડાણ સુધી અંદર ગયો અને સારા દેખાતા માણસો સાથે બેઠો. અસહકારીઓએ ખુરશી તો કાઢી નાખી છે. બધાને નીચે બેસવાનું હતું. એક સ્વયંસેવકે મારા હાથમાં સંસ્થાઓનો હેવાલ અને કાર્યક્રમનું કાગળિયું મૂક્યું. પાસેનાને પૂછતાં સમજાયું કે હું જોઇએ તેટલો જ મોડો હતો. મગદળ, લાઠી, બનેટી, મલખમ, કુસ્તી વગેરેના લાંબો કાર્યક્રમ હમણાં જ બંધ થયો હતો અને માણસો રમતો તરફ જોઇને બેઠા હતા તે હવે પ્રમુખ તરફ ફરતા હતા. આખા મંડળમાં એક ઉત્સાહ પૂરો થઈ બીજો શરુ થતો હતો. મારી પાસે બેઠેલા કોઇ શેઠિયાને મેં પૂછ્યું: “ કેમ કેવું થયું ? " તેણે કહ્યું: “ આખું ય સરસ હતું પણ છેલ્લી બે વિગતો બહુ સરસ હતી. કુસ્તીનું છેલ્લું દ્વંદ્વ અને પંચમુખી કુસ્તી. છેલ્લામાં હરજીવન હાર્યો." પંચમુખી કુસ્તી નવો જ શબ્દ હતો, પણ મને હરજીવન હાર્યો એ જાણવાની વધારે ઇચ્છા થઇ. મેં કહ્યું: "હરજીવન કેવી રીતે હાર્યો ?" પેલા શેઠે કહ્યુંઃ "હારત તો નહિ, ઘણી સરસ કુસ્તી કરતો હતો.” મારી બીજી પાસથી એક માણસે મારો હાથ ઝાલી કાઠિયાવાડી ઉચ્ચારમાં કહ્યું: “ઇ તો વાત જ જાવા દ્યો. જેમ ઓલી કાબર્યું વઢે ના કાબર્યું, એમ ગોટો થઈ ગ્યા તા. કિયો હેઠે કિયો ઉપર કાંઈ વરતાય જ નહિ." હું એની સામું જ જોઈ રહ્યો પણ એને કાંઈ લાગ્યું નહિ. મેં આગળ વાત ચલાવવા પેલા શેઠને કહ્યું: "ત્યારે એમ કેમ થયું ? ” તેણે કહ્યું: "હરજીવન પણ જબરો ઘણો હતો, પણ મહાસુખ વધારે ચપળ હતો એટલે હરજીવન હાર્યો." વળી પેલા કાઠયાવાડીએ કહ્યું: “ એ હાર્યો પણ જીત્યો જ કહેવાય. આજનું આખું કામ ગોઠવ્યું એણે, હલાવ્યું એણે એટલે એ જીત્યો જ કહેવાય." આ વગર પૂછ્યે બોલાતાં હરજીવનનાં વખાણ મારાથી ખમાતાં નહોતાં. મેં કહ્યું: “ ત્યારે તો આ પંચમુખી કુસ્તી હરજીવનભાઇએ ગોઠવી હશે? પંચમુખી હનમાન ઉપરથી નામ પાડયું કે શું ? " પેલા શેઠે કહ્યું: " એ સૌથી સરસ હતું. મહાસુખે એકલે બીજી પંક્તિના ચાર મલ્લોને હરાવ્યા. આટલું જોયું પણ એવું ક્યાંઈ જોયું નહોતું.” મને પણ જિજ્ઞાસા વધી. મેં પૂછ્યું: "એકલે શી રીતે હરાવ્યા ? ” પેલા શેઠે કહ્યું: “ પહેલાં તો અમને લાગ્યું કે આમાં કાંઇ નથી. પેલા લડવા આવે તેમ તેમ મહાસુખ નાસતો। જાય, અમને તા થયું કે આ તો નાસભાગની રમત છે."

“ એટલામાં ઘુમરી દેતાંક ને જે ઝપાટો માર્યોના તે એક તો ચીતાપાટ પડ્યો. ” પેલા કાઠિયાવાડીએ વચમાં ઝુકાવ્યું.મને ચીડ ચઢી, પણ ગમ ખાઇને પેલા શેઠ સામું જોયું. તેણે વાત આગળ ચલાવી. “સરત એવી હતી કે એક વાર ચીત થઇ જાય તે ફરી લડવા ન આવી શકે. અને બીજાને તો તેણે રમત રમતમાં પછાડી દીધા. અને પછી તો ઊલટા બાકીના બે સાથે રહી તેનાથી નાસવા લાગ્યા. તેમાંથી એકને પાછો પછાડ્યો. પણ તેમાં મહાસુખને ઈજા થઇ એટલે હરજીવને સીસેાટી વગાડી એ વિગત પૂરી કરી."

મેં પૂછ્યું; “ એ મહાસુખ કોણ ?"

“એં! ઓલો મહાસુખ મૂંગો, નથી ઓળખતા !” પેલા કાઠિયાવાડીએ મારા હાથને આંચકો મારીને કહ્યું. હવે તેને કંઈક સમજાવવાની મને જરૂર જણાઇ. મેં કહ્યું: "તમે ઓળખો તે કાંઇ બધાય તો ઓછા ઓળખે ? એમાં..." “ "પણ અમેય ક્યાંના ઓળખનાર વળી ! આ તો બધાય અખાડાના માણસો માતર અને મહાસુખ મૂંગો કહે છે એટલે તમને કહ્યું.”

પેલા શેઠે કહ્યું: " શાહપુરના અખાડાનો ઉસ્તાદ છે અને અહીં અભ્યાસ કરવા રહ્યો છે. તે બહુ થોડાબોલો છે એટલે તેને બધા મહાસુખ મુંગો કહે છે. ગણી ગણીને અક્ષર બોલે એવો છે."

મેં કહ્યું: “ મને બતાવો જોઇએ. " બન્નેએ એને શોધ્યો પણ દીઠો નહિ.

હવે ટેબલ પર ઈનામો ગોઠવાઈ ગયાં હતાં. અખાડાવાળાઓએ પણ હવે નાગડા બાવાનો સ્વાંગ કંઇક કાઢ્યો હતો. નાનાં નાનાં ઈનામો અપાઈ ગયાં. મોટાંનો વારો આવ્યો. "હનમાન કૂદકો, પહેલું ઈનામઃ હરજીવન." અને હનુમાન જેવો હરજીવન આવીને લઇ ગયો. "અગદ કૂદકો, પહેલું: મહાસુખ. " મારી જ પાછળથી એક પાતળો ગૌર વર્ણનો જુવાન હજી મૂછનો દોરો પણ માંડ ફૂટેલો, ઊઠીને લઈ આવ્યો. આખી સભાએ તાળીઓના ગડગડાટથી એને વધાવ્યો, પણ તેનું મોં મલક્યું કે ફરક્યું પણ નહિ. પછી ટૂંકી દોડમાં અને લાંબી દોડમાં તથા મલખમમાં પણ મહાસુખ જ પહેલો આવેલો. મહાસુખ એક પછી એક ઈનામ લઈ જતો હતો તેને હરજીવને મશ્કરીમાં કહ્યું: “અલ્યા આટલાં બધાં ક્યાં સંઘરીશ ?" પણ એ શાન્ત ગહન મૂર્તિ, એ ને એ, ઊભી થઈ, લઈ, ખાલી જગ્યા પર બેસી જાય. બધાં ઈનામો વહેંચાઈ રહેતાં છેલ્લું કુસ્તીનું પણ મહાસુખને મળ્યું. લોકોમાં ગડગડાટનો જાણે સમુદ્ર ઊછળ્યો, પણ એ એ જ અચલ મુદ્રાથી ઈનામ લઈ અમારી પાસે બેસી ગયો. પ્રમુખે ભાષણ શરૂ કર્યું:

"બહેનિ અને ભાઇઓ ! ગુજરાતમાં અખાડાની પ્રવૃત્તિ આટલી સારી ચાલે છે એ કાર્યકર્તાઓને ખરેખર અભિનન્દન આપવા ચાગ્ય છે. આપે મને આ સ્થાન આપ્યું અને જુવાન ભાઈના હર્ષમાં ભાગ લેવાની તક આપી એ માટે આપનો સર્વને હું ઘણો જ આભાર માનું છું. આજના કાર્યક્રમથી જોતાં આપને સર્વને જણાશે, કે દરેક રમતમાં અને કસરત વગેરેમાં જુવાન ભાઇઓએ ઘણી પ્રગતિ કરી છે. મને માત્ર એક જ બાબતનો ખેદ રહે છે. આપ જાણો છો કે મરહુમ શે. મોતીચંદે આખા ગુજરાતમાં ‘સમસ્ત ગુજરાત અખાડા મંડળ ’નો જે સભ્ય લોકરક્ષણનું કામ બહાદુરીનું કામ કરે તેને માટે જે ઇનામ કાઢેલું છે તે આજે ત્રણ વરસથી ખાલી રહે છે. આ વરસે પણ હજી સુધી તે ઇનામને માટે કોઈ ઉમેદવાર આવ્યો નથી તેમ કોઈના તરફથી તે આપવા સંબંધી સૂચના થઈ નથી. ” પાસે બેઠેલામાંથી હરજીવને ઊભાં થતાં થતાં કહ્યું: “ આ વરસ એક નામ હું સૂચવી શકું એમ છું."

પ્રમુખઃ “કોનું? ટ્રસ્ટની કલમ પ્રમાણે એ બાબત સાબીત કરી આપવી પડશે."

“ નામની પછી વાત. પહેલાં સાબીત કરી આપું તે સાંભળો. પછી સાબીત થયું ગણો તો નામ આપું.”

પ્રમુખઃ “ ભલે.”

કોઇ વકીલ કેસ ચલાવતો હોય તેમ હરજીવન ટેબલ પાસે ઊભો રહ્યો. થેલીમાંથી તેણે તા, ૨૮ મી ઑગસ્ટનું 'પ્રજાબંધુ' કાઢ્યું, અને વાંચ્યું: “ 'એલિસર્પાબ્રજ ઉપર થયેલો અકસ્માત. ગઇ તારીખ ૨૨ મીના રોજ નદીના વેણામાંથી એક મુસલમાનની લાસ મળી આવેલી છે. તેની લાસ વિશે તપાસ કરતાં માલૂમ પડયું છે કે મૈયત એલિસબ્રિજના ફૂટપાથના કઠેડાના નળે પગ ભરાવીને બેઠેલો ત્યાંથી દારૂના ઘેનમાં નીચે પડી જવાથી ડોક ભાંગવાથી તેનું મરણ નીપજેલું છે. મૈયતનાં કોઇ સગાં કે વારસ મળી આવતાં નથી. તેમ તેનું નામ ઠામ જણાતું નથી."

“ આ લાસ જડી તે દિવસે સવારે હું તથા મારા મિત્ર, અરે વિદ્વાન મિત્ર, વકીલ મિ. વિષ્ણુપ્રસાદ જાની એલિસબ્રિજ ઉપર ફરવા ગયા હતા અને નીચે લાસની તપાસ થતી અમે જોઇ હતી. મારા મિત્ર ફરવા ચાલ્યા ગયા અને હું લાસ જોવા નીચે ગયો હતો. ત્યાં શું શું થયું તે સંબંધી અહીં હું કશું કહેવા માગતો નથી. એ કહેવાથી આપણી પોલિસ, જે દૈવી શક્તિ ધરાવે છે તેની સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા અને પરમ ન્યાયીપણાને બાધ આવે એવું છે. તેમ જ એ કહેવાની અહીં જરૂર નથી, પણ મારા મિત્ર એટલો પુરાવો આપશે કે હું તે લાસ જોવા નીચે ગયો હતો અને ત્યાંથી આ જરીવાળો સાડીનો છેડો લેતો આવ્યો હતો.”

હરજીવને થેલીમાંથી એક જરીની સાડીનો છેડો કાઢી બતાવ્યો અને મારા સામું જોયું. શું બોલવું તેના ગભરાટમાં હું તેના સામું જોઈ રહ્યો હતો એ સ્થિતિનો લાભ લઇ તે બોલ્યો: "કેમ વકીલ સાહેબ બોલતા નથી ? સરકારી કોરટોમાં ન જવાનો અમે અસહકાર કર્યો છે તેવો તમે અમારી સાથે તો નથી કર્યો ? અથવા સાક્ષીના ભાડા ભથ્થા વિના જવાબ નહિ આપો કે શું ?" મેં જરા ચીડાઇને બેઠાં બેઠાં જવાબ આપ્યો “ હા, હજી એ રૂપિયો પણ તમે પાછો નથી આપ્યો.”

હરજીવનઃ “ જુઓ, રૂપિયાની વાત હું નથી કાઢતો, તમારે કાઢવી હોય તો તમારી જવાબદારી ઉપર કાઢજો."

પ્રમુખે આ નક્કામી વાતથી વખત જાય છે એમ કરી કહ્યું: “ હા, હા. એમાં તે શું છે તે પુરાવાની જરૂર પડે? તમે તમારે આગળ ચલાવો. ” કોઇ દિવસ નહિં તે આવી બાબત પહેલવહેલી આ પ્રમુખને શિર પડી તેથી પ્રમુખ જરા ગભરાયા હતા અને ઉતાવળા થતા હતા.

બધા માણસો એકચિત્તે શાંત થઈ સાંભળતા હતા. હરજીવને આગળ ચલાવ્યું: "તે જગ્યાએ મેં તે જ દિવસે તપાસ કરી હતી. એ ખૂન હતું એમ મારા મનમાં ખાતરી થઇ છે. પૂલ ઉપર લોહીની ધાર પણ મેં જોયેલી અને તે જ વખતે વકીલ સાહેબને પણ બતાવેલી, ઝપાઝપી નાનીસૂની ન હોવી જોઇએ. કેમ ખરું ને? "

મારે ફરી હા પાડી પડી. "આ ઉપરથી હું માનું છું કે કેટલાક બદમાસોએ આ જરિયાન સાડી પહેરનાર ઉપર હલ્લો કરેલો. અને તે હલ્લામાં આ વસ્ત્ર પહેરનારે પેલા મુસલમાનને નદીમાં ફેંકી દીધેલો.”

પ્રમુખે સવાલ કર્યો: “ જો નદીમાં ફેંકી દીધેલો તો પૂલ પર લોહી ક્યાંથી હોય ?

હરજીવન: "હલ્લો કરનાર બદમાસો બે ત્રણ હોવા જોઈએ. અને તેમાંના એકને નીચે ફેંકી બાકીનાની સાથે મારામારી થયેલી હોવી જોઇએ.”

અત્યાર સુધી હરજીવને મારી મશ્કરી કરેલી તેનું સાટું વાળવાનો હવે મને વખત મળ્યો. મેં ઊભાં થઈ પૂછ્યું: “ ઊભા રહા, મને જવાબ દો. ખૂન થતી વખતે સ્ત્રી એકલી હતી કે સ્ત્રી સાથે કોઇ મરદ હતો ? તમે શું માનો છો?"

હરજીવન: “ સાથે મરદ હોય તો વળી હલ્લો કરે ખરા ? માણુસને એકલું જોઇને જ હલ્લો કરેલો."

મેં કહ્યું: “ ત્યારે તમે જરા વિચાર તો કરો કે સ્ત્રી એમ ત્રણ બદમાસોને શી રીતે હરાવી શકે ? એક પુરુષ પણ ત્રણ પુરુષોને હરાવી ન શકે.”

હરજીવનઃ "ગયા યુગમાં એ સત્ય હતું પણ અખાડાની હિલચાલ શરૂ થઈ ત્યારથી એ સત્ય ખોટું પડ્યું છે."

પ્રમુખે હવે મને પોતાની પાસે બોલાવ્યો, અને હરજીવનની સામે દલીલ કરવા તરફ તેનું વલણ હતું તે સ્પષ્ટ બતાવ્યું.

મેં કહ્યું: “ તે તમારી સ્ત્રી એમ અખાડામાં કસરત કરવા ગઈ હશે ?" હરજીવન હાથમાં પેલા જરીનો છેડો બતાવી બોલ્યો: "આ પહેરનાર અખાડામાં ગયેલ એમ અનુમાન કર્યાં વિના છૂટકો જ નથી."

પ્રમુખે વચમાં પડી કહ્યું: “ તમે તમારી સાબીતી તરત આપો. આમ નક્કામી જરિયાનની વાત ન કરો. હું કેવી રીતે માનું કે એક સ્ત્રી ત્રણ પુરુષોને હરાવી શકે ?"

પ્રમુખની ટીકાથી હરજીવન જરા પણ દબાયો નહોતો. તેણે પાછું ભાષણ શરુ કર્યું: “ સાહેબ, તેમાં આ જરિયાન જોવા જેવું છે, જુઓ છેડો અનિયમિત ફાટેલો છે, તાાણાતાણમાં ફાટેલો છે, અને આ જરી જુઓ. આપ વેપારી છો. જુઓ આ બધું ખોટું છે. અંદર કશું સાચું નથી. અને છતાં કપડું કેવું ભભકાદાર છે? ગમે તેવી શોખાન અને ભપકો ઇચ્છતી આછકલી હિંદુ સ્ત્રી આ પહેરવાનું પસંદ કરે ? દિવસે આ ખોટું છે તે પરખાઈ આવે. રાત્રે જ માત્ર ચળકાટ મારે." પ્રમુખે કંટાળીને કહ્યું : "તમે આગળ ચલાવો, હું કાંઈ સમજતો નથી.: હરજીવનઃ "મારું કહેવું છે કે એ પહેરનાર પુરુષ હતો અને તેણે આ ઝપાઝપી કરેલી."

પ્રમુખઃ “ એવી રીતે સ્ત્રીને વેષે પુરુષોને મારવાનું કાંઇ કારણ ?"

હરજીવનઃ “ આ અરસામાં કેટલાક બદમાસ લોકો એલિસબ્રિજ ઉપર બેસી રહેતા અને મોડી રાતે જતી આવતી સ્ત્રીઓને સતાવતા. તે સંબંધમાં તે જ અરસાના એટલે ૧૪મી ઓગસ્ટના 'પ્રજાબંધુ'માં એક ફકરો છે. સાંભળો ‘હાલમાં અમારા ધ્યાન પર એવી ફરિયાદ વારંવાર આવી છે કે કેટલાક બદમાસોની ટોળીઓ એલિસબ્રિજ ઉપર બેસી રહે છે અને રાત્રે મોડી પસાર થતી એકલદોકલ સ્ત્રીને રોકી તેનું અપમાન કરે છે અને તેના પર અત્યાચાર કરવા સુધી જાય છે. ગુજરાતની સ્ત્રીઓ આવી બાબતમાં ફરિયાદી થવાને અને કોરટે ચઢવાને નાખુશ હોય છે એ જાણીતી વાત છે. પૂલનો રસ્તો રાત્રે માણસ વિનાનો અને ત્યાંથી નાસી છૂટાય એવું ન હોવાથી બદમાસો લોકોને બેધડક પજવે છે. આવો ધંધો કરનાર ઘરબાર વિનાના કેટલાક ગુંડા હોય છે અને આબરૂદાર પ્રજાજનને તેમના તરફ કશી સહાનુભૂતિ ન હોવા છતાં તેઓ પોતાના કામમાં અત્યાર સુધી ફાવતા આવ્યા છે. પોલિસ આ બાબતમાં તપાસ કરી આવા ધોરી રસ્તાને સહીસલામત રાખશે એવી આશા છે.’ આ બાબત ખરી છે. કોચરબ, પાલડી, જમાલપુર, મીઠાખળી વગેરેનાં બૈરાં આ ત્રાસથી નવ વાગ્યા પહેલાં જ શહેર છોડી ચાલ્યાં જાય છે. પાલડીની ઢેઢડી બાઈ તેલી, મીઠાખળીની દૂધ વેચવા જનારી બાઇ રૂપાં, ગલબાઇને ટેકરે રહેનારી મારવાડી ભીખારણ બાઇ ટેટી, અને સરખેજને રસ્તે વાડા કરનારી વાધરણ બાઇ રાજી આ લોકોના ત્રાસનો ભોગ થઇ પડેલી. નદીની તેડ ઉપર વસતી છારી બાઇ ગોમી ઉપર પણ બદમાસોએ હલ્લો કરેલો, પણ તે સામી થઇ છૂટી ગયેલી. આ અપમાનથી ઉશ્કેરાઈ કેટલાક છારા પુરુષો બદમાસો ઉપર ચઢી ગયેલા, પણ ગુના કરનારી જાત તરીકે તેઓ પોલિસના દાબમાં હોવાથી, બદમાસોએ પોલિસની મદદથી તેમને હાંકી કાઢ્યા. આ પુરાવા હજી ખાનગી રીતે મળી શકે એમ છે. આ જુલમમાંથી આ લાચાર અબોલ સ્ત્રીઓને બચાવવા આ માણસ સ્ત્રીને વેષે ત્યાં ગયેલો. તેના ધારવા પ્રમાણે બદમાસોએ તેના પર હલ્લો કર્યો અને ઝપાઝપીમાં એકને પૂલથી હૈટ્ઃએ નાખી દઈ બેને તેણે મારીને નસાડ્યા. ત્યારથી આ બદમાસોનો ત્રાસ બંધ થયો છે. આસપાસનાં ગામોમાં તપાસ કરતાં સર્વ કહે છે કે એ લાસ જડી ત્યારથી એ બદમાસી બંધ થઈ છે. હવે હું પૂછું છું કે આ પ્રમાણે પોતાના જીવને જોખમે અબોલ સ્ત્રીઓનું રક્ષણ કરનાર માણસ જો હું બતાવી શકું તો તમે તેને ઈનામને યોગ્ય ગણવા તૈયાર છે ? જો તૈયાર છો તો નામ આપું. અને સર્વ હકીકત સાબીત કરી આપું. જો તૈયાર ન હો તો આટલેથી બંધ કરું. ”

હજી સુધી કશું સાબીત થયું નહોતું, માત્ર હરજીવને રસિક લાગે એવી રીતે એક ઉઠાઉ વાત રજુ કરી હતી, પણ લોકોને વાતનો રસ લાગ્યો હતો એટલે બધા એકે અવાજે બોલી ઊઠયાઃ “ ચલાવો ચલાવો, હાંકયે રાખો.” પ્રમુખને મરજી વિરુદ્ધ આ અવાજના પૂરમાં ઘસડાવું પડયું અને કંઈક તેમના મનમાં ખાતરી હતી કે આવું કશું સાબીત થવાનું નથી.

મારાથી ન રહેવાયું. મેં કહ્યું: ‘ પણ તમારી પાયાની દલીલ જ ખોટી છે. તમે કહેા છો કે કોઈ સ્ત્રી આવી સાડી પહેરે નહિ માટે એ સાડી પહેરનાર પુરુષ હોવો જોઇએ. પણ આવી સાડી જો કોઇ સ્ત્રી પહેરતી ન હોય તો બજારમાં આવી સાડીઓ થાય જ નહિ. આવી સાડી થઈ છે એ જ એમ બતાવે છે કે આવી સાડી પહેરનાર કોઈ સ્ત્રીવર્ગ તો હોવો જોઇએ જ."

હરજીવનઃ "આવી સાડી પહેરનાર સ્ત્રીવર્ગ નથી જ પુરુષવર્ગને માટે જ આ સાડી થાય છે.” હરજીવનની આ બેશરમ મૂર્ખતા હું ન સમજી શક્યો તેમ શ્રોતાવર્ગ પણ કોઈ ન સમજી શક્યો. સ્થિતિભેદને લીધે હું ચીડાયો અને શ્રોતાઓ ખૂબ હસ્યા. પ્રમુખે વચમાં પડી કહ્યું: “ પુરુષને પહેરવાની સાડી એવી ખોટી હકીકત કહેશો તો હું તમને બોલતા બંધ કરીશ."

હરજીવને ઠંડે પેટે જવાબ આપ્યો: " જી, હું અક્ષરે અક્ષર ખરું કહું છું. વકીલ સાહેબના પ્રશ્નોથી આપને મારો અર્થ ખોટો લાગે છે. આ સાડી નાટકમાં સ્ત્રીનો વેષ લેવાને માટે ખાસ કરવામાં આવે છે. અને નાટક કંપનીની જ આ સાડી છે."

શ્રોતાવર્ગ ગભીર આશ્ચર્યમાં પડી ગયો અને મોં પહોળું કરી હરજીવન સામું જોઈ રહ્યો. મેં કહ્યું: “ ત્યારે એ માણસ ખૂન કરવા જતી વખતે નાટક કંપનીની સાડી શા માટે લેવા જાય? પોતાના ઘરમાંથી જ સ્ત્રીનું કપડું લઇને ન જાય ? ”

હરજીવનઃ “ સ્ત્રીતરીકે વધારે આકર્ષક દેખાવા. અને કદાચ એવું કારણ પણ હોય કે તેને ઘરમાં સ્ત્રી જ ન હોય, અથવા સ્ત્રી હોય તો પણ અહીં અમદાવાદમાં એકલો જ રહેતો હોય.અને ધર ને સ્ત્રી બન્ને અહીં હોય તો પણ, વકીલ સાહેબ ! આવું કામ કરવા તમારા ઘરનાં માબહેન કે કોઈ પણ સ્ત્રી તમને કપડું આપે ખરાં કે ? તેણે નાટક કંપનીમાંથી જ લેવું પડે."

લોકો હસવા લાગ્યા. આખી સભામાં માત્ર પ્રમુખ જ મારા પક્ષના હતા. તેમણે કહ્યુંઃ “ ત્યારે સાબીત કરો કે એ માણસ નાટકમાંથી લઇ આવેલો હતો. ”

હરજીવને વળી થેલીમાં હાથ ધાલી એક ખોટી જરીની સાડી કાઢી અને બધા દેખે તેમ પેલો છેડો તેની સાથે મેળવી બતાવ્યો અને કહ્યું: “જુઓ હવે ખાતરી થઈ ?"

લોકો ચકિત નયને જોઈ રહ્યા હતા. તેમાંથી એક માણસે કહ્યું: "ત્યારે હવે નામ જ કહો ને?”

હરજીવનઃ “ના, એક વાર પૂરાવો પૂરેપૂરો ખરો કરી આપું પછી જ નામ આપું. હવે જુઓ એ અરસાનું ‘પ્રજાબંધું.’ ઑગસ્ટમાં અમદાવાદમાં એક જ નાટકમંડળી હતી: ‘ આર્ય નાટ્ય કલોત્તેજક મંડળી.' તેના માલિક પાસે હું ગયો હતો. તેની પાસે થોડાં નાટકનાં કપડાં ભાડે માગ્યાં. તે માટે ઓળખીતો હતો. મને કહેઃ ‘ ભાઈ સાહેબ! હવે કપડાં તો કોઇ દિવિસ ન આપું. તે દિવસ ભાડે આપ્યાં હતાં તેમાંથી એક સાડી તદ્દન ફાટીને આવી.' ' મેં કહ્યું: ‘ એમ તે કોઇ ફાડી નાખે ખરું વળી ?’ ‘હા, હા, સાહેબ, તમારી પાસે ખોટું શા માટે બોલું? જા, અલ્યા લાલિયા, પ્રમીલાના પાઠની સાડી લઈ આવ.' સાડી આવી, મેં જોઇ, ઓળખી. મેં કહ્યું: ‘ લાવો, જો તમને નુકસાન થયું હોય તો એ સાડી હું લઇ લઉં.’ ૧૫ રૂપિયા નક્કી કરી સાડી લીધી. મેં કહ્યું: ‘ પહેાંચ આપો. એટલે એ લોકો પાસેથી પૈસા હું લઇ શકું. તેણે હા કહી. પહોંચ લખતાં મેં કહ્યું: ‘ કોઇ અણઘડ છોકરો હશે તે ફાડી હશે.' તે કહેઃ ' અરે, ના રે સાહેબ. અણઘડ તો કાંઇ નહોતો. પેલો જેનો પાઠ સૌથી વખણાયો હતો તે જ હતો. નામ તો મને યાદ નથી. અને પાઠ શેનો હતો? એવાં નામો પણ યાદ ન રહે. પણ બધાં પેપરોમાં તેનાં વખાણ આવેલાં હતાં. તેણે ફાડી હતી. અને નાટક પછી બે દિવસ બધાં કપડાં મોડાં મળ્યાં. સાહેબ, ગમે તેમ પણ છોકરા: તેમને કશી જવાખદારી મળે જ ના.’ મેં કહ્યું: ‘ આ બધી હકીકત પહોંચમાં લખો. મારે એ છોકરો શોધી કાઢવો સહેલો પડે. જુઓ આ પહોંચ. તેમાં આ બધી હકીકત લખેલી છે. હવે કહો, તમારે બીજી શી સાબીતી જોઇએ છીએ?"

બધા લોકોએ બૂમ પાડી: “ નામ કહો, નામ કહો." હરજીવને પ્રમુખ સામું જોયું. પ્રમુખે પણ હા પાડી. તેણે ફરી પૂછ્યું: “ નામ આપું તે કરતાં માણસ રજુ કરું તો ?' બધાએ કહ્યું: “માણસ લાવો, બોલાવો, રજુ કરો." હરજીવન તેની પાસે બેઠેલા અખાડાના મલ્લો સાથે કાંઈ ગુપચુપ કરતો હતો. મને આ બધું ખોટી દિશાએ જતું લાગ્યું. મેં ઊભા થઈને કહ્યું: "જો માણસ અહીં જ હોય તે પોતે જ કેમ ઊભો થઇને ન કહે કે ઈનામ મારું છે ?" હરજીવને તરત જ જવાબ આપ્યો: "પણ માણસ મૂંગો હોય તો ?" આખી સભામાં તોફાન થવા પહેલાં પાંદડાંનો અવાજ થવા માંડે તેમ આ કોણ હશે તે વિષે વાતો થવા માંડી. એટલામાં હરજીવનના ઈસારાથી એક અખાડિયાઓનું ધાડું દોડ્યું. બધા એ ધાડા તરફ જોવા લાગ્યા તો મહાસુખ મૂંગો છાનોમાનો નાસવાનું કરતો હતો તેને અખાડિયાઓએ જઇને પકડ્યો. સભાજનો હવે જ સમજ્યા કે એ મૂંગો તે ‘ મહાસુખ મૂંગો' જ હતો અને તાળીઓ અને બૂમો શરૂ થઈ તે બંધ કરવી મુશ્કેલ થઇ પડી. મહાસુખને પકડીને હરજીવનની પાસે લાવ્યા. હરજીવને હાથ ઊંચા કરી બૂમો પાડી બધાને શાન્ત કર્યાં. પછી મહાસુખને કહ્યું: “ તેમાં નાસભાગ શું કરે છે? હજી ક્યાં સાબીત થયું છે કે તું જ તે હતો ?" અને પછી સભાજનો તરફ જોઇ હરજીવને કહ્યું: "હજી થોડી સાબીતી બાકી રહે છે. જુઓ આ તા. ૨૧ મી ઑગસ્ટનો ‘પ્રજાબંધુ’નો અંક. ગુજરાત યુવક મંડળ તરફથી જાહેરમાં નાટ્યપ્રયોગો થયા હતા. સઘળા જ સફળ થયા હતા. સારા નટોને ઇનામ મળેલાં હતાં. તેમાં તિલોત્તમાના પાઠ માટે સ્ત્રીપાઠનું પહેલું ઈનામ લેનાર ભાઈ મહાસુખ છે. અને બીજો પુરાવો. લાસ તા. ૨૨ મીના રોજ મળો અને તે જ રોજથી ડૉ. શંભુપ્રસાદને ત્યાં મહાસુખનો કેસ છે. માથાના પાછલા ભાગમાં લાંબો ઘા પડેલો હતો, ડૉક્ટરને પૂછતાં તે કહે છે કે મહાસુખને અખાડામાં વાગેલું તેનો એ ઘા હતો, પણ અખાડામાં તપાસ કરતાં તેને અખાડામાં વાગ્યું જ નહોતું. એ ઘા પેલી ઝપાઝપીનો હોવો જોઇએ. હવે પ્રમુખ સાહેબને તે ઇનામ ભાઈ મહાસુખને આપવા હું વિનંતિ કરું છું."

પ્રમુખ: "પણ એવી રીતે ખૂનીને ઇનામ કેમ અપાય ? એમ કરવા જતાં આપણે બધા અને આ અખાડાની સંસ્થા જોખમમાં આવી પડીએ."

હરજીવનઃ "પણ સરકારી દફતરમાં એ ખૂન જ નથી."

પ્રમુખ: "ત્યારે સરકારમાં જે ખૂન નથી તેને આપણાથી ખૂન શી રીતે ઠરાવાય ?"

મેં પ્રથમ પ્રમુખને સમજાવ્યા અને તે સંમત થતાં સુધારો મૂક્યો: “આ બધા પુરાવાની તપાસ કરી નિર્ણય કરવા એક કમિટિ નીમવી."

હરજીવનઃ “ તમારા સુધારાને કોઇનો ટેકો છે ? ” આખી સભામાંથી એક પણ માણસે ટેકો ન આપ્યો. પ્રમુખે કહ્યું: "પણ મારો ટેકો છે." હરજીવન કહે: “ એ ન ચાલે." પ્રમુખ કહે: "હું એ સુધારો મંજૂર કરું છું.” અને આ શબ્દો કહેતાં આખી સભામાં જબરો ક્ષોભ થઇ ગયો. “બીતો હો તો ખુરશી છોડી ચાલ્યો જા" "બીકણ્" “બાયલો" "ઈન્કમ ટેક્ષ" "ત્યારે પ્રમુખ શું જોઇને થયો હતો" વગેરે અનેક બૂમો, એક પણ પૂરી સંભળાય નહિ એવી રીતે આવવા લાગી. "તમે આ પ્રમાણે વ્યવસ્થા ન રાખો અને તમારા પ્રમુખની સલાહ ન જ માનો તો પ્રમુખ રહેવું નથી," એમ સ્વગત ઉક્તિ કરી પ્રમુખ લોકોની ઠઠમાંથી માંડ માંડ રસ્તો કરતા લોકોની તાળીઓના ગડગડાટ અને 'હૂરિયો'ના પોકાર વચ્ચે ચાલ્યા ગયા. હરજીવને અને બધા સ્વયંસેવકોએ પછી સભાને શાન્ત કરી. હરજીવને મોટે અવાજે કહ્યું: "પ્રમુખ સાહેબ ચાલી ગયા છે માટે આજનું કામ પૂરૂં કરવા કોઈ બીજો પ્રમુખ નીમવો જોઇએ." લોકોએ "હરજીવન" "હરજીવન"ના પોકારો કર્યા. હરજીવને પણ કાંઇ પણ વિવેક વિના "આપનો સર્વનો મત હોય તો હું એ સ્થાન લઉં છું." કહી પ્રમુખસ્થાન લીધું. પછી પૂછ્યું: "આ ઈનામ ભાઈ મહાસુખને આપવા વિરુદ્ધ હોય તે હાથ્ ઊંચો કરો." મને પણ હવે હાથ ઊંચો કરવો નિરર્થક લાગ્યો. "પક્ષના:" આખા ચોગાનમાં એક હાથોનું વન્ થઈ રહ્યું. "ત્યારે એ ઈનામ હું ભાઈ મહાસુખને આપું છું." કહી હરજીવને ઈનામ આપ્યું.

હરજીવને કહ્યું: "છૂટા પડતા પહેલાં મારે થોડું કામ કરવાનું રહે છે. શેઠ મોતીચંદનું ઈનામ તો મહાસુખને મળ્યું. મારે પણ એક ઈનામ આપવું છે. મહાસુખને આમ લાવો." લોકો બધા શાન્ત થઇ ગયા. અખાડિયાઓએ મહાસુખને પકડી આણ્યો. તેના પર હરજીવને પેલી ખોટી જરીની સાડી ઓઢાડી, દીવાના ઝળહળતા પ્રકાશ તરફ્ તેનું મોઢું ફેરવ્યું અને લોકો તરફ જોઈ કહ્યું: "જુઓ આ મોઢું ઓછું મોહક છે? જાણે વિષ્ણુનો મોહીની સ્વરૂપ અવતાર!" અખાડિયાઓએ તરફડતા મહાસુખને ઝાલી ચારે તરફ ફેરવ્યો. હરજીવને સભા બરખાસ્ત કરી. પણ અખાડિયાઓનું એ તાંડવ ઘણી વાર સુધી ચાલુ રહ્યું.

આટલી ઘેલછા મેં કોઈ સભામાં જોઈ નથી. ત્યારથી કોઇ પણ અસહકારીઓની સભામાં જવાનું મેં બંધ કર્યું છે.