દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો/પોતાનો દાખલો

વિકિસ્રોતમાંથી
← કંકુડી ને કાનિયો દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો
પોતાનો દાખલો
રામનારાયણ પાઠક
સૌભાગ્યવતી !! →





પોતાનો દાખલો

લાંબી મુસાફરીના થાકથી, અને હજી ઘણી મુસાફરી કરવી બાકી છે તે વિચારના કંટાળાથી હું મારી બેઠક ઉપર લાંબો થઈ અર્ધનિદ્રિત અવસ્થામાં પડેલો હતો. મારી સામેની બેઠક ઉપર પ્રજ્ઞેશ અને વ્યંકટેશ એમની ટેવ પ્રમાણે વાતો અને ચર્ચા કરતા હતા. મારી બાજુની બેઠક ઉપર આશુતોષ બેઠા બેઠા કંઈક વાંચતા હતા. મને અર્ધનિદ્રિત અવસ્થામાં પ્રજ્ઞેશનો અવાજ સંભળાયો :

“તમારા સામાન્ય કથન સાથે હું સંમત છું કે છોકરા છોકરીઓને ઇચ્છાલગ્નો કરવા દેવાં જોઈએ. બાકી એકવાર એક તરફ મનનું વલણ બંધાઈ ગયું હોય તે ટળી જ ન શકે એ બાબતને હું એટલું મહત્ત્વ આપતો નથી.”

“પ્રજ્ઞેશ, તમે જૂના મતના છો માટે આમ બોલો છો. તમે કહો તો કાયદાનાં પુસ્તકોમાંથી, અને તમે કહો તે ચિત્તશાસ્ત્રનાં પુસ્તકોમાંથી બતાવું કે કામવૃત્તિ જેવી દૃઢ અને આગ્રહશીલ, બીજી કોઈ વૃત્તિ નથી. એક વખત એક પાત્ર તરફ એ વૃત્તિ થઈ પછી તે કદી નિર્મૂળ થઈ શકતી નથી. તેનું તમે દમન કરી શકો છો, પણ તેથી તો તે વિકૃત થાય છે. નિર્મૂળ થતી નથી.”

પ્રજ્ઞેશ: “મારા નસીબમાં કંઈક એવું આવે છે કે હું તમારા સામાન્ય મત સાથે સંમત હોઉં છું અને છતાં મારે વ્યક્તિગત દાખલામાં તમારાથી જુદાં પડવું પડે છે. અહીં પણ તમારી સાઇકોલૉજીની વાતોમાં ઘણું માનવા જેવું—સમજવા જેવું છે તે હું કબૂલ કરૂં છું, અને છતાં એને વેદવાક્ય માનતો નથી.”

વ્યંકટેશે જવાબ આપ્યો: “પણ સાંભળો, સાંભળો ! આ ચિત્તશાસ્ત્રનાં પુસ્તકો બધાં નિરીક્ષણ કરેલા દાખલા ઉપરથી લખાયેલાં છે એ તો ખરું ના ? તે તેની સામે દાખલા વગર અમે શી રીતે તમારી વાત માનીએ”

પ્રજ્ઞેશ “સાંભળો !” વાતનો કસ વધતો જતો હતો. “જો આંખો ને કાન ઊઘાડાં રાખીએ તો દાખલાનો પાર નથી. કૉલેજમાં કેટલાં ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વિશે તેમની વચ્ચે પ્રેમ હોવાના દાખલા બન્યા છે. એમાંનાં ઘણાંએક થોડી વાર પ્રેમ કરી, કોઈ સાચાં જૂઠાં ગમે તેવાં કારણોથી લડીને જુદાં પડે છે, ને બીજે પરણે છે, તેમને પછીથી કંઈ પહેલાંનો પ્રેમ યાદ આવતો નથી !”

વાતમાં રસ પડવાથી આશુતોષ મારી બેઠક પર આવ્યા ને બોલ્યા : “અરે પેલાં પ્રબોધ અને વિમલા ! વિમલાએ કહ્યું: ‘ચાલો આજે સિનેમા જોવા જઈએ.’ પ્રબોધ કહે: ‘મારી પાસે પૈસા થઈ રહ્યા છે. ઊછીના ન લેવાનો મારો સિદ્ધાંત છે, એટલે આજે નહિ. બાપુની પાસેથી પૈસા આવશે પછી જઈશું.’ વિમલાએ વળી કોણ જાણે કેવાય મિજાજમાં આવી જઈ કહ્યું: ‘પણ મારી ખાતર એટલું ન કરે ?’ પેલો કહે : ‘પણ કોઈની ખાતર પણ સિદ્ધાન્ત કેમ તોડાય ?’ વિમલા કહે : ‘ત્યારે તો તું પરણ્યા પછી પણ હું તને કંઈ કહું ને તું આમ જ સિદ્ધાન્ત વચમાં લાવવાનો ?’ ‘હાસ્તો, સિદ્ધાન્ત વિના જીવન શા કામનું ?’ આ....એ તો એમ જ લડી પડ્યાં ! મેં પછી પ્રબોધને કહ્યું, અલ્યા એકવાર સિનેમા જોવા ગયો હોત તો શું બગડી જાત ? ત્યારે કહે, જીવનમાં એવા તો અનેક પ્રસંગો આવે, તે બધી વખતે હું મારો સિદ્ધાન્ત કેમ છોડું ? મેં કહ્યું, વળી એવા પ્રસંગો શા આવવાના હતા ? તો કહે, કેમ ! પૈસાની તાણના પ્રસંગો તો પાર વિનાના આવે ! અને નવાઈની વાત ! પછી બન્ને જણાં માબાપે સગાઈ કરેલ સાથે પરણી ગયાં ને અત્યારે બન્ને જોડાં સુખી છે. કોઈને સિનેમા એ આડો નથી આવતો ને સિદ્ધાન્તે આડો નથી આવતો !”

વ્યંકટેશ: “એ પ્રેમ જ પૂરો પક્વ નહિ થયેલો ! પ્રેમને માટે જે સ્વભાવસંવાદ આવશ્યક છે, તે પૂરો નહિ. જ્યાંથી સંવાદ અટક્યો, ત્યાંથી પ્રેમ અટક્યો !”

પ્રજ્ઞેશે જરા આકળા થઈ જઈને કહ્યું: “જો સમજતા હો, તો આ તર્કદોષ છે. હું જ્યાં જ્યાં પ્રેમ બંધ પડવાના દાખલા આપીશ ત્યાં ત્યાં તમે એમ જ કહેવાના કે એ પ્રેમ પૂરો સંવાદી નહિ. એનો એક જ અર્થ કે તમારે કોઈ દાખલો સ્વીકારવો નથી.”

વ્યંકટેશ : “અને આ દાખલામાં બીજી મુશ્કેલી એ છે, કે દાખલો નૉર્મલ હોવો જોઈએ. એ પ્રબોધ વિમલા કદાચ નૉર્મલ જ ન હોય !”

પ્રજ્ઞેશે કહ્યું : “દાખલા ન સ્વીકારવાનું આ બીજું બહાનું ! તમે લોકો નૉર્મલની વાતો કરો છો, પણ વેદાન્તના વન્ધ્યાપુત્રની પેઠે નૉર્મલ ટાઇપનું અસ્તિત્વ કોને કહો છો ?”

વ્યંકટેશ : “દાખલા તરીકે હું તમને નૉર્મલ ગણું છું.”

પ્રજ્ઞેશે કહ્યું : “હા, તો હું મારો પોતાનો દાખલો આપું, પછી કાંઈ !”

આશુતોષ ઊભા થઈ ગયા અને બોલ્યાઃ “સાંભળો, સાંભળો ! ચર્ચા જવા દો. એમની વાત જ કઢાવો.”

હું બેઠો થઈ ગયો ને મેં કહ્યું : “ભાઈ, અમે તો તમને સારા માણસ ધારતા હતા. ત્રિવેણી બહેનને કહી દેવા દેજો, તમારાં પરાક્રમો !”

વ્યંકટેશ પણ ચર્ચાને પાટેથી લપસી પડ્યા ને બોલ્યાઃ “હવે રામાંટામાં માર્યે નહિ ચાલે, વાત પૂરી કહેવી પડશે.”

કવિ કહે છે કે લોકો ઉત્સવપ્રિય છે. તેથી પણ વધારે, લોકો વાતરસિયા છે.

પ્રજ્ઞેશે જરા ડોકી ઊંચી કરી, ખભા હલાવી, જાણે સ્મૃતિ તાજી કરી, કહ્યું : “તમે ત્રિવેણીનું નામ લીધું ત્યારે ત્યાંથી જ વાત કહું છું.”

“હું ઈન્ટર આર્ટ્સમાં ભણતો હતો ત્યારે અમારાં લગ્ન થયેલાં. તમે જાણો છો, ત્રિવેણી બુદ્ધિશાળી છે. હું ધારત તો એનો ગર્વ કરી શકત એવો એનો દેખાવ હતો, અત્યારે પણ એવો છે. એ મને ચાહવા પણ લાગી હતી, પણ માબાપે પરણાવ્યાં માટે ચાહવા માંડવું એમાં મને હીણપત લાગી, અને મેં પ્રથમ મિલનથી જ એના તરફ અણગમો સેવવા માંડ્યો. પરણીને થોડા દિવસે મુંબઈ આવી, બી. એ. ના ક્લાસો ભરવા માંડ્યો ત્યારે, જાતે પસંદગી કરી પરણ્યો નહિ તેની, મનમાં ને મનમાં, મને વધારે નામોશી લાગવા માંડી. હું દુ:ખી થવા લાગ્યો. અમારા વખતમાં એવું મનાતું, કે મનમાં દુઃખ રહ્યા જ કરે એ એક સંસ્કારિતાની, ઊંચા ધ્યેયની અને સૂક્ષ્મ લાગણીની નિશાની છે.

“હું સીનિયર બી. એ.માં આવ્યો ત્યારે મારે જૂનિયર બી. એ.ની એક બાઈની એાળખાણ થઈ. ઓળખાણ તો બહુ સાદી રીતે થઈ. એ બાઈ—”

આશુતોષ : “ એમ નહિ, નામ કહીને વાત કરો.”

પ્રજ્ઞેશ : “નામ વગર સમજી જ ન શકાતું હોય તો ગમે તે નામ આપું—લો ને ઉર્વશી. બાકી એનું નામ તો નહિ આપું લૂંટારાઓમાં પણ પરસ્પરનો ધર્મ હોય તેમ અમારે જાર—”

વ્યંકટેશ: “ખરાબ શબ્દો વાપરવાથી, તમારો કેસ સાબિત થઈ જવાનો નથી.”

પ્રજ્ઞેશ : “મને એમ થાય છે, હાલનો જમાનો બધી કેટલીએ બાબતોમાં પહેલાં ન બોલાતું બોલે છે, ને ન કરાતું કરે છે, ને નામથી કેમ ભડકે છે? એ જારી કે યારી નહિ તો બીજું શું? પણ વાત તો સાંભળો. હું કહેતો હતો કે,—જાઓ એ શબ્દ નહિ વાપરું—લગ્ન બહારના સંબંધમાં પણ આબરૂદારીનાં ધોરણો હોય છે. લગ્નની અંદર પળાય છે તે કરતાં આ ધોરણો વધારે સંભાળથી પળાય છે. લગ્ન સંબંધમાં પતિ કહે તે વખતે ઘેર ન જાય, પણ આ સંબંધમાં બંદો કહે એ વખતે બરાબર હાજર થાય છે!”

આશુતોષ : “ઠીક, પણ હવે વાત આગળ ચલાવો.”

“મારે અને ઉર્વશીને—હવે એ નામ ચલાવીશ— ઓળખાણ બહુ સાદી રીતે થઈ. એ બી. એ.માં નવી નવી આવેલી. ઇતિહાસનો પ્રોફેસર બીજું કાંઈ ન કરતો, માત્ર નોટો ઉતરાવતો, અને એટલી ઝડપથી ઉતરાવતો કે બહુ ઓછા પૂરું લખી શકતા. મારી નોટો હમેશાં બરાબર લખાતી, એ એના જાણવામાં આવ્યું, તે એણે મારી પાસે માગી. મેં આપી.

“મારી નોટમાં, હાંસિયામાં, મથાળે, આડેઅવળે, હું ઘણીવાર મારી અસાધારણુ દુઃખી અવસ્થાની, મારી રચેલી કે બીજા કવિઓની મુખ્યત્વે કલાપીની કવિતાની લીટીઓ લખતો, એકવાર જરા એકાન્ત જેવું મળતાં મને ઉર્વશીએ પૂછ્યું: ‘તમને કંઈક આવાં જ કાવ્યો લખવાં બહુ ગમે છે?’ મેં કહ્યું: ‘મારું દુઃખ અસાધારણ છે. મારું દુઃખ કોઈ સમજી શકે એમ નથી.’ પણ આ દુ:ખ સમજવાની અનન્ય શક્તિ ઉર્વશીમાં હતી. તેણે પૂછ્યું: ‘પણ એવું શું છે? હું સમજી શકીશ.’ મેં કહ્યું: ‘મારું હૃદય પ્રેમથી ઊભરાઈ ગયું છે પણ તેને યોગ્ય કોઈ પાત્ર નથી.’ અને ખરેખર ઉર્વશી બધું સમજી ગઈ, તરત જ !

“હું બી. એ. પાસ થયો. એલએલ. બી. ની ટર્મ્સ ભરવા માંડ્યો, ક્યાંક નાની સરખી નોકરી લીધી, એક ઓરડીમાં રહ્યો, અને હવે ઉર્વશીને અભ્યાસ માટે સવારસાંજ લાંબો વખત મારી ઓરડીમાં બેસવાની જરૂર પડવા લાગી !

“અમને બન્નેને ધીમે ધીમે લાગવા માંડ્યું કે અમે બન્ને એક બાબતમાં સમાનધર્મી હતાં; અને તે અસાધારણતામાં ! અસાધારણતા એવી છે. મારી અસાધારણતાથી તેની અસાધારણતા જાગૃત થઈ. મને જેમ પ્રેમ ઘણો હતો પણ પ્રેમનું પાત્ર નહોતું, તેમ તેને પણ સમજાયું કે તેને પણ એમ જ હતું ! જેમ મારું દુ:ખ કોઈ સમજી શકે તેમ નહોતું, તેમ તેનું પણ નીકળ્યું ! જેમ હું બીજા બધાં માણસો કરતાં જુદા જ સ્વભાવનો હતો, તેમ તે પણ હતી ! અને પછી એ અસાધારણતાના સમાનધર્મથી અમને સમજાયું કે અમારામાં પ્રેમ ઉત્પન્ન થવા માંડ્યો છે ! અલબત મારાં અનેક દુઃખોમાં મોટામાં મોટું દુઃખ કે હું પરણ્યો હતો, તે મેં તેને કહેલું હતું, અને તેથી પછી અમે હવે પરણી શકીશું નહિ, આ કઠોર લાગણીહીન નિષ્ઠુર રૂઢિજડ સમાજ અમારો પ્રેમ સમજશે નહિ, અમને પરણવા દેશે નહિ, પરણીશું તો અમારા પર અનેક જાતના જુલમો કરશે, એમ પરણવાનાં અને નહિ પરણવાનાં અનેક દુઃખો એક સામટાં અમારા પર પડી અનેક ગણાં મોટાં ભારે અને વસમાં થઈ અમને વધારે અસાધારણ બનાવવા લાગ્યાં !”

આશુતેષે કહ્યું: “આ માણસ તો આમ બસ પોતાને જે પ્રેમપ્રસંગ અત્યારે નથી ગમતો તેની મશ્કરીઓ જ કર્યાં કરશે તે નહિ ચાલે. અમારે વાર્તા સાંભળવી છે.”

મેં કહ્યું: “સાંભળો પ્રજ્ઞેશ ! અમારે તમારા એ પ્રેમ વિષેના અભિપ્રાયો કે કટાક્ષો નથી સાંભળવા. અમને તો એ જણાવો કે તમે ભેગાં થતાં ત્યારે શું કરતાં, શી વાતો કરતાં. એ જણાવો.”

પ્રજ્ઞેશઃ “હા, હા ! ખુશીથી. એ આવતી ત્યારે તેને આવકાર આપવા અથવા પ્રેમ બતાવવા હું ઊભો થતો, જરા સામો જતો, ને એ કહેતી ‘મારા સમ!’ ને સાથે હું પણ કહેતો ‘મારા સમ !’ જો કે હું શેને માટે સમ ખાતો હતો તે સ્પષ્ટ સમજી શકતો નથી. હું માનું છું, એક બીજાના પ્રેમનો અને લાગણીનો પડઘો પાડવાની અમને ટેવ પડી ગઈ હતી. ઘણીવાર—”

આશુતોષ : “એમ નહિ. તમે કોઈવાર ભેટતાં નહિ, કાઈવાર ચુંબન કરતાં કે નહિ ?”

પ્રજ્ઞેશઃ “તમને તો વાર્તા કરતાં કશોક બીજો જ રસ આવતો જણાય છે. પણ અમે બહુ ભેટતાં નહિ. અત્યંત દુઃખમાં અમળાતાં, એક બીજાનો હાથ ઝાલતાં, એક બીજાને છાનાં રાખવા માથે હાથ ફેરવતાં, દુઃખને લીધે જમીન પર ઢળી પડતાં, પણ ભાગ્યે જ ભેટતાં કે ચુંબન કરતાં. એટલે સુધી જતાં અમને હમેશાં ભય લાગતો, પણ વિશેષ તો એ કે તૃપ્તિ મેળવવા કરતાં અતૃપ્તિની આર્તિ વધારવામાં જ અમને અમારા પ્રેમનું સાર્થક્ય લાગતું. દુઃખ એ જ પ્રેમનું સાચું સ્વરૂપ લાગવાથી અમે દુઃખ વધારવામાં જ અમારી પ્રતિભા અને પ્રેમની પ્રેરણા વાપરતાં.

“સાધારણ રીતે તો, એ કહેતી કે હું તને બહુ દુઃખી કરું છું; હું કહેતો કે હું દુઃખી કરું છું. અમે બન્ને એક બીજાને તું કહીએ એટલે દૂર પ્રેમમાં ગયાં હતાં. વચમાં વચમાં અમે દરેક કહેતાં, ‘હું તારે માટે આપઘાત કરીને મરી જાઉં, પછી તું સુખી થજે, મને ભૂલી જજે.’ અને દરેક સામેથી ઉત્તર આપતું, ‘હું નહિ ભૂલી શકું માટે મને મરવા દે.’ અને પછી અમે બન્ને રડતાં. એક વાર તો દરેકના એકલા આપઘાત ઉપરથી અમને ભેગાં આપઘાત કરવાનો વિચાર આવ્યો. કેવી રીતે આપઘાત કરવા એના અમે તર્કો કરતાં. દરિયામાંથી આપણી એકબીજાને ભેટેલી લાશો મળે તો આ નિષ્ઠુર જગતને કાંઈક લાજ વળે, એવો વિચાર પણ આવ્યો. દરિયા કિનારાની કઈ જગા અમારા આપઘાતને લાયક છે. તે જોવા અમે બન્ને એકવાર દરિયાકિનારે ફર્યાં, પણ કોઈ જગા અમને લાયક જણાઈ નહિ ! કેટલીક અતિસાધારણ લાગી—કોઈપણ સાધારણ માણસને આપઘાત કરવાનું સૂઝે એવી ! કેટલીક અવરજવર વાળી જણાઈ. કોઈક એટલી દૂર જણાઈ કે અમારાં મુડદાં ઘણાં મોડાં ગંધાઈ ગયા પછી હાથ આવે ને તેને કોઈ ઓળખે નહિ, તો પછી દુનિયાને અમારા આપઘાતની શિક્ષા શી રીતે લાગે, એમ વિચાર આવ્યો. અને પછી તો આ ફરવા જવાનો વખત ન મળ્યો, ને જગાની પસંદગી રહી ગઈ. પણ તેથી કાંઈ અમારી આપઘાત કરવાની વાતો રહી ગઈ નહિ ! કારણકે અમારો પ્રેમ અથાગ હતો તેમ જ અથાક હતો ! એમ આપઘાતથી અમે થાકી જઈએ એમ નહોતાં.

“હું માનું છું, મારી પત્ની મુંબઈ મારી સાથે રહેવા આવી તે પછી પણ અમે આપઘાતની વાતો કરતાં. કારણકે મને યાદ આવે છે કે અમને મરેલાં સાંભળીને એને શું લાગશે એ વિચાર આવતાં અમે બન્ને એકવાર હસેલાં !”

આશુતોષ : “તે તમારાં પત્ની આવ્યા પછી એ ઉર્વશી તમારે ઘેર મળવા આવતી ?”

“ના, ન જ આવી શકે. ત્રિવેણીનો મારી સાથે રહેવા આવવાનો કાગળ આણ્યો. તેને આવવાની ના પડાય એમ નહોતું. ત્યાં અમને એક ત્રીજો મિત્ર મળી ગયો. દરેક ઉચ્ચ પ્રેમવાળાં નાયકનાયિકાને, તેમના તરફ આશ્ચર્ય આદર અને સેવાભાવ ધરાવતો ઉપનાયક મળી રહે છે, તેમ અમને આ મિત્ર મળી ગયો. તે અત્યંત વફાદાર, સેવાભાવી અને અમારી દરેક વાત અને દરેક તર્કથી ચકિત થનારો હતો. અને ત્રિવેણીના આવવાથી હવે અમારું પ્રેમતંત્ર વધારે મૂર્ત વાસ્તવિક કાર્યક્રમવાળું, વૈવિધ્યવાળું, સ્ફૂર્તિમય બન્યું હતું. અત્યારસુધી અમારો પ્રેમ વન્ધ્ય હતો, અમારા બેની બહાર જઈ શકતો નહોતો, ત્રિવેણી આવવાથી તેને બહાર નીકળવાનો પ્રસંગ મળ્યો.

“એક દિવસ ઉર્વશી આવી ને કોણ જાણે કેમ એકાન્તમાં મને ચુંબન કરવાની ઊર્મિ આવી ગઈ ! મેં તેનું મોં બે હાથમાં પકડ્યું તેણે તુરત ના પાડી. આપણા જેવાં દુઃખીઓએ ચુંબન થાય ? આમાંથી વાત આગળ ચાલતાં તેણે મને મારા અને ત્રિવેણીના સંબંધ વિશે પૂછપરછ કરી. બધી વાત નથી કહેતો. પણ તે દિવસે અમે બન્નેએ નક્કી કર્યું કે મારાથી મારી પત્નીનો સ્પર્શ ન થાય. મેં તેનો સ્પર્શ તજ્યો. તે પછી અમે મળ્યાં ત્યારે સ્પર્શ તજવાના મારા પગરણથી મારી પત્નીને કેવું દુ:ખ થયું, તે કેટલું રોઈ, ઊંઘી નહિ, તેણે ખાધું નહિ, વગેરે મેં અનેક હકીકત કહી, અને ઉર્વશીના જીવનમાં પહેલી વાર વિજય દેખાયો. તે પછીથી અમારી વાતો વધારે વૈવિધ્યવાળી અને રસિક બની ! મે ત્રિવેણીની સેવા, તેની મદદ એકે એક તજવા માંડ્યું. એ મારી થાળી પીરસતી તે પણ મેં બંધ કરાવ્યું. તે રાંધીને ઊઠી જાય પછી મેં હાથે લઇ ને જમવા માંડ્યું.

“આટલે સુધી પ્રેમમાં પ્રગતિ કર્યાં પછી આગળ શું કરવું? હવે કશું નવું કરવા જેવું મને દેખાતું નહોતું. અને વળી પાછી અમારા જીવનમાંથી નવીનતા સરકી જવાનો ભય પ્રત્યક્ષ દેખાવા લાગ્યો. પણ ઉર્વશી પ્રતિભાશાળી હતી. તેણે કહ્યું કે ‘તારા પ્રેમ ખાતર મેં નાટક સિનેમા જોવાં છોડી દીધાં છે.’ મેં પણ પછી છોડી દીધાં. પણ આ નવો માર્ગ જડ્યા પછી અમે એકે એકે કેરી, દહીં, આગળ જતાં સાકર, અને છેવટે દૂધ પણ છોડી દીધું. મારી પત્નીનો સંતાપ વધવા માંડ્યો. તે દૂબળી પડવા માંડી. હું પણ દૂબળો પડવા માંડ્યો હતો. પણ તેથી અમારા પ્રેમને સંતોષ મળવા માંડ્યો. અમારા પ્રેમનાં પરિણામો અમારામાં અને બીજાંમાં દેખાવા માંડ્યાં ! ઉર્વશીએ મારી પત્નીને કદી જોઈ નહોતી, પણ એક અજ્ઞાત બાઈ ઉપર તટસ્થ રીતે મેળવેલા વિજયથી તે કૃતાર્થ થવા લાગી.

“એક દિવસ મુંબઈમાં એક પ્રખ્યાત હાથ જોનાર આવ્યો. આખા શહેરમાં તેની ખ્યાતિ હતી. વકીલો, ડૉક્ટરો, મિનિસ્ટરો, સટોડિયાઓ, બધા પુષ્કળ પૈસા આપીને તેની પાસે હાથ જોવરાવતા. ઉર્વશી મને કહે: ‘તું ત્રિવેણીને હાથ જોવરાવવા લઈ જા ને !’ મેં કહ્યું: ‘મારું અને તેનું નસીબ ક્યાં એક છે કે તેનો હાથ જોવરાવું ?’ ઉર્વશી કહે: ‘તું તો સમજતો નથી. લઈ તો જા ! એને લગ્નસુખ કેવું છે, આયુષ્ય કેટલું છે એ બધું પૂછ તો ખરો. એ તો જે થવાનું હશે તે થશે, પણ કંઈક ખબર તો પડશે.’ મેં કહ્યું: ‘પણ મારે કહ્યે એ આવશે શેની?’ તે કહેઃ ‘એક જરા પ્રેમ બતાવજે ને, એટલે બધાની હા પાડી દેશે. એ તે ટાંપી જ રહી હશે.’ અને ત્રિવેણીના માનસની લઘુતાના અમે બાંધેલા ખ્યાલથી અમે બન્ને હસ્યાં !

“અને ઉર્વશીની વાત અક્ષરશઃ સાચી પડી. ત્રિવેણીને લઈ ને હું હાથ જોનારને ત્યાં ગયો. એ માણસે બતાવેલી ખુરશી પર એ બેઠી અને નવા અનુભવના ઉપસ્થિત થયેલા પ્રસંગનો વિચાર કરતાં મારા સામું જોઈ જરા હસી. મને એ માણસે પૂછ્યું: ‘તમારે શું જોવરાવવું છે?’ મે કહ્યું: ‘તેનું લગ્નસુખ કેવું છે, તેનું આયુષ્ય કેવું છે?’ અને ત્રિવેણી ફરી હસી. તે એકીટસે મારા સામું જોઈ રહી હતી, અને હું સામુદ્રિકના મોં સામે, અને તે ફેરવી ફેરવીને હાથ જોતો હતો તે સામે જોઈ રહ્યો હતો. થોડી વારે તેણે ઓચિંતાં કહ્યું: “પૂરા લગ્નસુખવાળું લાંબું આયુષ્ય છે.” હું કાળો ધબ પડી ગયો ! કોઈ ઊંચા ક્લાસમાં પાસ થવાના ખબર સાંભળવા જાય ને નાપાસ થયાના ખબર સાંભળે તેમ મને થયું. ત્રિવેણીએ તો બરાબર જોયું અને તે એકદમ બેઠી હતી ત્યાંથી મૂર્છિત થઈ નીચે પડી ગઈ. સામુદ્રિક ચમકી ગયો, તેના હાથમાં રેખા જોવાનો કાચ ઊડીને ક્યાંઈ પડી ગયો. હું ગભરાઈ ગયો. ત્રિવેણી તદ્દન બેભાન થઈને પડેલી હતી. તેને શરીરે શેદ વળી ગયા. તેના હાથપગ ઠંડા થઈ ગયા. તેના શ્વાસ દેખાય પણ નહિ તેવા ધીમા ચાલતા હતા. મેં નજીકમાં નજીક હોય તે ડૉક્ટરને બોલવવા કહ્યું. નીચે જ ડૉક્ટર હતો તે આવ્યો. તેણે શીશી સૂંઘાડી, હાથે પગે બ્રાન્ડી લગાડી ત્યારે ત્રિવેણી જરા સચેત થઈ. તેણે ઘેલછાવાળી આંખે ફાટેલે ડોળે, જાણે મને ઓળખ્યા વિના મારા સામે જોયું. હું એ જોઈ બી ગયો. મેં ડૉક્ટરને કારણ પૂછ્યું. હાથપગ હૃદય આંખ જોઈ ડૉક્ટરે કહ્યું: ‘આ બાઈને મહિનાઓ થયાં પોષણ જ મળ્યું નથી. ને તેના મનને કાંઈ આઘાત લાગવાથી તે બેભાન થઈ ગઈ છે. તેને સંભાળજો નહિતર કાંઈ ગમે તે થઈ બેસશે. બાઈ મરી જશે અથવા ગાંડી થઈ જશે. આમાંથી તેને બ્રેઈન ફીવર ન આવે તો સારું. ગરમ ઉપચાર કરજો. બ્રાન્ડી દૂધ પાજો. ને તાવ આવે તો તરત દાક્તરની મદદ લેજો. જો કાંઈ ગંભીર નહિ થાય ને સાચવશો તો પાંચેક દિવસમાં સારી થઈ જશે.’

‘હું ત્રિવેણીને ઘેર લઈ ગયો. એક દિવસ તે બેભાન જેવી રહી. બેભાનમાં કરેલી લવરી ઉપરથી હું સમજી શક્યો કે અમારા વિશેની કશી પણ હકીકત જાણ્યા વિના તે મારા અભાવનું સ્વરૂપ પૂરેપૂરું સમજતી હતી. વિશેષ તો કહેતો નથી પણ... પણા”

પ્રજ્ઞેશના મોં પરનો આવેશ અને એ સર્વ દબાવવાનો તેનો પ્રયત્ન અમે જોઈ શક્યા. તે એક બે વાર ‘પણ’ ‘પણ’ બોલ્યો તે સાથે તેણે ખોંખારા કર્યાં. અમે સમજી ગયા કે આ ‘પણ પણ’માં અને ખોંખારામાં વાર્તાનો અત્યંત કોમળ ભાગ લુપ્ત થાય છે, પણ એ પૂછવાની અમારી કોઈની હિંમત ચાલી નહિ. તેણે આગળ વાત ચલાવીઃ

“મને મારી ક્રૂરતા સમજાઈ, તમને લાગણીવેડા કે નીતિવેડા લાગશે, પણ થોડા જ માસ પહેલાં અમારા પાડોશના એક માણસે બૈરીને સળગાવી મારી નાંખેલી તે મને યાદ આવ્યું.” મોં પર હાથ ફેરવી તેણે ફરી કહેવા માંડ્યું: “મારી સારવારથી તે તરત સારી થઈ ને તે મારા ભાવનો ફેરફાર તરત સમજી ગઈ, સાતમે દિવસે તો તેણે મારી ના છતાં રાંધ્યું. તેણે પીરસ્યું ને હું જમ્યો તે તો તેને મન એક ઉત્સવ હતો ! મારા અભાવમાં જેમ તેણે કદી કુતૂહલ બતાવ્યું નહોતું, તેમ હવે મારા સદ્‌ભાવમાં પણ તેણે કશું મને પૂછ્યું નહિ. પણ એક રાતે મેં જ તેને બધી વાત કરી. કારણકે તેનો પ્રસંગ આવેલો હતો. થોડા દિવસથી હું ઉર્વશીને મળ્યો નહોતો એટલે એનો પત્ર આવ્યો હતો. મેં તેને અમુક દિવસે સવારે મળવાનો અને બધી વાત રૂબરૂ કહેવાનો જવાબ લખ્યો હતો. તેને મળવાની સવારની આગલી રાતે મેં ત્રિવેણીને બધી વાત કરી. ને છેવટે કહ્યું: “હવે કાલે સવારે જઈને તેને મારે કહી દેવું છે કે એ સબંધ હવે આટલેથી પૂરો થયો છે. મારે તેને સ્પષ્ટ કહી દેવું છે.” એમ કહ્યું ત્યારે એના મોંમાંથી ‘બિચ્ચારી !’ એટલું નીકળી ગયું.

“સવારે હું નીકળ્યો. વાત કરી નાંખવાનો નિશ્ચય હતો, પણ કેમ વાત કરવી તેનો ઉપાય સૂઝતો નહોતો, હું વિચારમાં ને વિચારમાં આગળ જતો હતો ત્યાં પુલ ઊતરતાં તે સામે મળી. ઠેઠ મારી સામે આવીને ઊભી ત્યારે જ મેં તેને જોઈ. અમે મળ્યાં એ જ વખતે એક પારસણ ઠસ્સાદાર વેષમાં અમને વટાવીને પસાર થઈ, અને ઉર્વશીએ મારા સામે જોઈ, જરા સ્મિત કરીને હોઠ મરડ્યો.

મેં કહ્યું: ‘કેમ ?’

‘શું રૂપનું અભિમાન છે!’

‘કેમ ન હોય ? તારા કરતાં રૂપાળી છે’ મારાથી બોલાઈ ગયું.

ઉર્વશીએ મશ્કરીનો ભાવ જોવાની અપેક્ષાએ મારા મોં સામે જોયું, પણ તે ન જોતાં કહ્યું: ‘એમ કેમ કહો છો ?’

‘હા, પણ તારા મોંથી એનું મોં સુંદર છે.’

‘એ જ તમારી લાગણી છે ?’

ખૂન કરવાના અધૂરા નિશ્ચયે કોઈને ઘા થઈ જાય, તે પછી તો તેને અરધો હણાયેલો રાખવા કરતાં પૂરો કરવો એ એક જ ઉપાય રહે, તેમ મેં કહ્યું: ‘એમાં લાગણીનો પ્રશ્ન જ નથી. લાગણીથી કાંઈ હકીકતના નિર્ણયો. અન્યથા ન કરાય. એમ તો ત્રિવેણી પણ તારા કરતાં વધારે સુંદર છે!’

‘અને એ તમે મને કહો છો ?’

‘હું જાણું છું, તે હું જ કહુંના ! તેં તો કદી તેને દીઠી નથી.’

ઉર્વશી મારા તરફ ફરી, તેના હોઠ ફફડી ઊઠ્યા, તે અપમાનના ક્રોધમાં કાંઈ બોલી શકી નહિ, તેના હાથપગ ધ્રૂજી ઊઠ્યા, અને મારા તરફ અનંત તિરસ્કારની દૃષ્ટિ કરી તે ચાલતી થઈ.

લાંબે સુધી હું તેને જતી જોઈ રહ્યો. તેણે પાછું ફરી મારા સામું જોયું નહિ. વચમાં ફૂટપાથ પૂરો થઈ પગથિયાપૂર જમીન નીચી આવતી હતી, ત્યાં તેનો પગ ધ્રચકાયો તે મેં જોયું. મને થયું કે તેની આંખમાં આંસુ છે પણ હું એ જાણી ન જાઉં માટે તેણે હાથ ઊંચો કરી એ લૂછ્યાં નથી.” પ્રજ્ઞેશે લાંબો શ્વાસ લઈ અમારા સામું જોયું.

થોડીવાર પછી વ્યંકટેશે પૂછ્યું: “પછી તમે એમને કોઈવાર મળેલા છો ?”

“ના.”

“મળવાનું મન પણ નથી થયું ?” મૂળ ચર્ચાતા મુદ્દાને લગતો આ ઊલટ તપાસનો પ્રશ્ન હતો. પણ તેવા ભાવથી પુછાયો નહોતો. એ ચર્ચાનો ભાવ તો ક્યારનો ઊડી ગયો હતો.

“એ અને એનો પતિ મારા જ શહેરમાં ઘણે વરસે આવ્યાં. બન્ને સુખી હતાં. બે વરસ પછી કક્...” ફરી શ્વાસ લઈ પ્રજ્ઞેશે કહ્યું. “હાં! એ વરસ પછી ઉર્વશી માંદી પડી, મેં સાંભળ્યું કે તે મરણ પથારીએ છે. એક વાર થયું કે જઈને એની માફી માગી આવું. પણ શી રીતે જવાય?” પ્રજ્ઞેશે ફરી નિઃશ્વાસ નાંખ્યો.

આશુતોષે પૂછ્યું: “પછી તમે ત્રિવેણીબહેનને એ વાત કહી!”

“હાં ! એ વાત કહેવી ભૂલી ગયો. ઉર્વશીનો સંબંધ તોડી તે સવારે હુ ઘેર આવ્યો ત્યારે ત્રિવેણીએ પૂછ્યું ‘કાં શું થયું ?' તેણે તો માત્ર દિલસોજીથી જ પૂછેલું, પણ કોઈ સ્ત્રીનું મેં એટલી ખરાબ રીતે અપમાન કરેલું તે હું તેને શી રીતે કહી શકું? મેં કહ્યું: ‘એ તો બધું થયું.’”

આશુતોષ : “એ નથી પૂછતો. ઉર્વશી ગુજરી ગયાની વાત તમે કરી?”

પ્રશ્ન તદ્દન નકામો હતો, છતાં પ્રજ્ઞેશે જવાબ આપ્યો “ઉર્વશી ગુજરી ગયા પછી એ વાત હમણાં કરવાનો પ્રસંગ આવ્યો. મારા પડાશીની જુવાન દીકરી એક ખોટા આકર્ષણમાં પડી હતી. તેમાંથી ખસેડવા તેનાં માબાપના કહેવાથી ત્રિવેણી તેને મારી પાસે લઈ આવી. ત્યારે આખી વાત મેં કરી. એ વાત કરવાથી એક સ્ત્રીના અપમાનનું કંઈક પ્રાયશ્ચિત્ત થાય છે એમ મેં માન્યું.”

આશુતોષને જવાબથી સંતેષ નહિ જ થયો હોય. અને વ્યંકટેશને ઘેર ગયા પછી, જે મૂળ મુદ્દા ઉપર આ વાત કહેવાઈ હતી તેનું તે કેટલે અંશે સમર્થન કરે છે તે વિશે અનેક તર્કો થયા હશે, પણ તે વખતે તો અમે એક શબ્દ પણ પૂછી કે ચર્ચી શક્યા નહિ. અમે સર્વ એક દુઃખદ પણ ગહન આશ્ચર્યમાં ડૂબી ગયા હતા !