દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો/સૌભાગ્યવતી !!

વિકિસ્રોતમાંથી
← પોતાનો દાખલો દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો
સૌભાગ્યવતી !!
રામનારાયણ પાઠક
બે ભાઈઓ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.





સૌભાગ્યવતી ! !

લ્લિકા બહેન આવ્યાં ત્યારથી મારે તેમની સાથે મૈત્રી શરૂ થયેલી. બધામાં કંઈક તેમના તરફ મારું મન ઘણું આકર્ષાતું. એવી નમણી અને સુંદર બાઈ મેં દીઠી નથી. ઉંમર કાંઈ નાની ન ગણાય, પાંત્રીસ ઉપર શું, ચાળીસની હશે, પણ મોં જરાપણ ઘરડાયેલું ન લાગે. છોકરાં નહિ થયેલાં એ ખરું, પણ કોઈ કોઈ એવાં નથી હોતાં. જેમને ઘણાં વરસ જુવાની રહે ? કશી ટાપટીપથી નહિ, સ્વાભાવિક રીતે જ.

અને ખાસ તો મને એટલા માટે આકર્ષણ કે મને બન્નેની જોડ બહુ સુખી ને રસિક લાગેલી, વિનોદરાય પણ સુંદર, પડછંદ શરીરવાળા ! મને બરાબર યાદ છે, એમની સાથે અમારે કેમ ઓળખાણ થઈ તે. રાતના દસ વાગે ઓચિંતા ‘ડૉક્ટર સાહેબ’ ‘ડૉક્ટર સાહેબ’ કરતા આવ્યા ! હું અને ડૉક્ટર ચાંદનીમાં બહાર ખુરશીઓ નાંખી બેઠેલાં. અલબત, સાધારણ રીતે જાણીએ કે નવા આવેલા એક્સાઈઝ ઇન્સ્પેક્ટર છે. આવકાર આપી બેસાડ્યા, પૂછ્યું, તો કહે, જુઓને ડૉક્ટર, ગાલે ઝરડું ઘસાયું છે. ડૉક્ટરે ટોર્ચ નાંખી જોયું તો ખાસ્સા અરધોક ઇંચ ઊંડા ઘા પડેલા. તે ને તે વખતે પાટો બાંધી આપ્યો. એ ગયા પછી ડૉક્ટર કહે, આપણા દેશમાં મિલિટરી ખાતામાં આપણા લોકો જઈ શકતા હોત તો વિનોદરાય તો લશ્કરમાં શોભે એવા છે ! અને ખરેખર એવા જ હતા. ઘોડદોડની શરતમાં સાહેબો સાથે પણ ઊતરે અને ઘણીવાર ઈનામ લઈ જાય !

કંઈક મારું એ દંપતી તરફ વધારે ધ્યાન ગયેલું તેનું કારણ મને તેમના જીવનમાં રોમાન્સ દેખાતું તે પણ હશે. માણસને ઘણીવાર પોતાથી વિરુદ્ધ સ્વભાવવાળાં માણસો તરફ આકર્ષણ થાય છે. અમે બન્ને શાન્ત સ્વભાવનાં, અને આ વિનોદરાય ! અદમ્ય પ્રેમવાળો ! એકવાર મળવા આવ્યા હતા, અમારે પછી તો ઘણો નિકટનો પરિચય થયેલો, ત્યારે ડૉક્ટર કહે, “વિનુભાઈ રાતમાં એટલા બધા શા માટે ઘોડા દોડાવતા આવ્યા કે ઝરડું વાગ્યું ?” ત્યારે કહે—મને બરાબર યાદ છે, એ મશ્કરીના અવાજથી બોલતા હતા પણ તેમનો આવેશ સાચો હતો—કહેઃ “મારો ઊંટવાળો એક દૂહો ઘણીવાર ગાય છેઃ

પાંચ ગાઉ પાળો વસે, દશ કોશે અશવાર;
કાં ગોરીમાં ગુણ નહીં, કાં નાવલિયો નાદાર !

તે હું છતે ઘોડે દૂર પડી રહું તો નાદાર ગણાઉં ના ? દસ ગાઉમાં હોઉં તો નક્કી જાણવું કે રાત અહીં જ ગાળવાનો !” અને એ આવેશ એમના જીવનમાં સાચો હતો. એકવાર બપોરે હું મલ્લિકાને ત્યાં બેસવા ગઈ હતી. વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં લાંબું રહેવાના હોય ને મલ્લિકા એકલાં હોય ત્યારે ઘણીવાર એમને ઘેર હું બેસવા જતી. એકવાર અમે બન્ને વાતો કરતાં હતાં ત્યાં ધબ ધબ કરતા વિનોદરાય દાદર ચડ્યા અને ઑફિસે ય ગયા વિના, પરભાર્યા ઘરમાં જ

કાં ગોરીમાં ગુણ નહીં, કાં નાવલિયો નાદાર !

ગાતા ગાતા વેગથી અંદર ધસ્યા. મલ્લિકાનું મોં પડી ગયું, અને સારું થયું તેમણે અંદર આવ્યા પછી મને તરત જોઈ! પછી પોતે મોં ધોવા ચાલ્યા ગયા. હું પણ કામનું બહાનું કાઢી ચાલી નીકળી.

મને થયું: હું અને ડૉક્ટર જેવાં માણસોની વાત જુદી છે. પણ સામાન્ય લોકોમાં, દંપતીને પ્રસંગે પ્રસંગે થોડું, જુદું રહેવાનું આવે, તો તેમના જીવનનો કંટાળો, પરસ્પરની ઉદાસીનતા ઓછી થઈ, પ્રેમ તો શી ખબર, પણ જીવનમાં રંગ તો આવે.

પણ એક વાત મને નહોતી સમજાતી. ઘણીવાર મલ્લિકાને ઊંડે ઊંડે કોઈ દુઃખ હોય એવું મને જણાતું. એને છોકરાં નહોતાં, પણ છોકરાંનું દુઃખ કરે એવી એ નહોતી. અને એ દુઃખ સાચું હોવું જોઈએ, એ કાલ્પનિક દુઃખથી દુઃખી થાય એવી નબળા મનની નહોતી. એનો સ્વભાવ જોતાં હું પૂછવાની હિંમત કરી શક્તી નહિ. એ પોતાનું દુઃખ પોતે જ કોઈની સહાનુભૂતિ વિના સહી લે એવી માનિની હતી. દહાડા જતા ગયા તેમ તેમ તેના દુઃખની ખાતરી મને વધતી ગઈ અને તેનું કૌતુક પણ વધતું ગયું.

એક વાર વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં હતા અને મલ્લિકા મારે ઘેર બેઠી હતી. બપોરના ત્રણેકને સુમારે નોકર કહેવા આવ્યો કે સાહેબ આવ્યા છે. મારાથી કહેવાઈ ગયું કે “પધારો ગુણવંતી ગોરી, તમારા નાવલિયા આવ્યા.” પણ એમ કહીને તેમની સામે જોઉં છું તો એટલી જુગુપ્સા સંતાપ તિરસ્કાર વ્યથા મલ્લિકાના મોં પર દેખાઈ કે હું આભી જ બની ગઈ. એ લગભગ મારી ઉંમરની જ, છતાં મેં તે તદ્દન જુવાન હોય એવી મશ્કરી કરી તેથી, કે મારી મશ્કરીમાં તે છોકરાં વિનાની છે એવા કટાક્ષનો એને વહેમ પડ્યો, કે તેના ઉપર પ્રેમની સ્થૂલતાનો કે ઘેલછાનો તેને આક્ષેપ જણાયો તેથી તેને માઠું લાગ્યું કે શું તે હું કશું જ ન સમજી શકી. તેને પૂછવાને, તેની માફી માગવાને, મેં તેની સામે જોયું પણ તે મારી સામું જોયા વિના ચાલી ગઈ. બે ત્રણ દિવસ પછી પાછી મને મળવા આવી ત્યારે, પહેલાં મળવા આવી ત્યારે હતી તેટલી જ ખુશમિજાજમાં તેને જોઈ એટલે પછી મારા મનનો વહેમ જતો રહ્યો. મેં તેને પૂછ્યું નહિ, પણ મારું કૌતુક દહાડે દિવસે વધતું ગયું.

એક દિવસ બપોરે મલ્લિકા મારે ઘેર હતી. અમે બન્ને એક કોચ પર બેઠાં હતાં. ત્યાં અમારી દૂધવાળી જીવી તેની નાની છ વરસની દીકરીને લઈને આવી. જીવી એક ખરેખર પ્રભાવશાળી વ્યક્તિ છે. ઊંચી અને કદાવર ! તેનું શરીર જુવાનીમાં જાડું નહિ પણ પુષ્ટ અને ભરાવદાર હશે. વર્ણે ગોરી છે, જાણે ક્યાંકની રાણી થવા સર્જાયેલી હોય એવી ગોરી અને ગંભીર ચાલે તે ચાલે છે. તેની ચામડી તેજસ્વી છે જોકે આંખના ખૂણાની કરચલી તેનો ઘરડાપો અને જીવનની ઉપાધિઓ સૂચવે છે. ત્રણેક વરસ ઉપર અહીં આવી ચડેલી. અમારે ઘર માટે અને દવાખાનાના દરદીઓ માટે ઠીક ઠીક દૂધ જોઈએ પણ દૂધ ખરાબ આવતું. અમને હંમેશનો અસંતોષ રહેતો. ત્યાં આ બાઈએ આવી ઘરાકી બાંધવાનું કહ્યું. ભાવ પણ તેણે જરાક ઓછો બતાવ્યો; અને મને તેના બોલવામાં શ્રદ્ધા આવવાથી મેં ડૉક્ટરને કહ્યું, ને ત્યારથી તેનું જ દૂધ અમે લેવા માંડ્યાં. કદી ભેગ નહિ, કદી બગડે નહિ. એના સામું જોઈ મેં કહ્યું. “કેમ આવી અત્યારે ?”

મલ્લિકા કહેઃ “તમે ઘણી વાર વાત કરો છો જે બાઈની તે આ?”

મેં કહ્યું : “હા, કેમ જીવી આજ આટલું વહેલું દૂધ કેમ લાવી ?”

જીવી કહે : “બહેન, દૂધ તો નીતને વખતે લાવીશ. આ તો મારી પાડી વિયાણી, તે કહ્યું લાવ બહેનને આપી આવું ! બળી કરીને શાબને ને છોકરાંને ખવરાવજો. પહેલવેતરી છે. નહિ તમારી પાસેથી પૈસા લઈને વેચાતી લીધી’તી,-એ પાડી ! રૂપાળી બળી થશે.”

મેં કહ્યું : “ઠીક, સારું. પાડીને શું આવ્યું? પાડી કે પાડો.”

“બહેન,આવી છે તો પાડી!” કહેતાં જીવીથી જરાક મલકાઈ જવાયું.

હું ઊભી થઈને ક્બાટમાંથી પૈસા લેવા જતી હતી, તે જીવી સમજી જઈને બોલી : “મારા સમ બહેન ! તમારે પરતાપે તો અહીં હું ઠરીને રહી છું. અને આ તો શી વિસાત છે, પણ તમ જેવાં મારે ઘેર આવ્યાં હો ના, તો હું તો તમારા દૂધે પગ ધોઉં ! મેં તો ચાર ચાર ભેંશનાં વલોણાં કર્યાં છે, ને મહેમામોને હોંશે હોંશે દૂધ ને ઘી પીરસ્યાં છે.”

મેં પૂછ્યું : “તે અલી તારું ગામ કયું ?”

“આ નહિ રહ્યું જીવાપર ? અહીંથી આઠ ગાઉ થાય.”

“તે ત્યારે ત્યાંથી ઢોરબોર બધું ફેરવી નાંખ્યું ?”

“ના બહેન, ત્યાં બધું ય છે. ચાર ભેંશું છે, ચાર બળદ છે.”

“ત્યારે એ બધાંનું કોણ કરે છે ?”

“કાં, દીકરાની વવું છે ને ! ચાર દીકરા છે, એની વવું છે, એકની હમણાં આવશે, એ દીકરિયું છે, તેમાં એક તો આણું વળાવવા જેવડી છે. મારો પટેલે બેઠો છે!”

મને વાતમાં વધારે રસ પડ્યો. મે કહ્યું, જીવી, આજ તો વહેલી આવી છે તો બેસ, અમે કરેલી બળી ચાખતી જા. નોકરને બળી કરવાની સૂચના આપી ને પાછી આવી હું ફરી કોચ પર બેઠી, ટીપાઈ જીવી આડી આવતી હતી. તે એક બાજુ મૂકી તેની સાથે વાત શરૂ કરી.

“લે જીવી, નીરાંતે બેસ. વાત કર. મને કહે, એવું ઘર મૂકીને અહીં કેમ આવી ?”

“કંઈ નહિ બહેન, વળી અહીં આવી, બીજું શું ?”

“કેમ, છોકરાની વહુઓ સાથે ન બન્યું, કે દીકરીઓને પરણાવવામાં કાંઈ તકરાર થઈ, થયું શું? કહે. ”

“અરે બહેન ! હું તો વવુંઓને હથેળીમાં રાખું એવી છું. મારે દીકરીઓ ને વહુવારુમાં જરાય વહેરોવંચો નહિ. બધાંયને સાથે લૂગડાં લઉં.!”

મેં કહ્યું : “ડાહી થઈને કહે છે, પણ જરૂર વહુઓ સાથે નહિ બન્યું હોય. એવી જબરી છે, કે બધું ધાર્યું કર, તે ધાર્યું કરવા જતાં નહિ બન્યું હોય.”

ફરી જીવીએ કહ્યું : “ના બહેન સાચું કહું છું.”

એટલામાં બળી તૈયાર થઈને આવી. ટેબલ ઉપર મૂકી. જીવી કહે : “બહેન, ઊની ઊની ચાખી જુઓ. ગોળ લઈ ને ખાઓ. ગોળ સાથે સારી લાગે.” પણ મને તોફાન સૂઝ્યું તે કહ્યું : “ના, એ તો તારી વાત કહે તો જ ખાઉં, નહિ તો ભલે ટાઢી થઈ જાય; એમ ને એમ પડી રહેશે, હાથ અડાડે એ બીજાં !”

જીવી જરા હસી. “બહેન તમે ય તે.” પછી ધીમે રહીને છોકરીને “જા બેટા, લોટો લઈને ઘેર જા, ભેશું આવવા વેળા થશે. જા, હું હમણાં આવી હોં.” કહીને તેને ઘેર મોકલી. મેં કહ્યું : “ભલે ને બેઠી.” જીવી કહે : “ના, મોટાંની વાતુંમાં છોકરાંને બેસાડવા સારાં નહિ. જા બેટા.” મેં તાજી બળી પાંચ છ ચોસલાં છોકરીના હાથમાં માય તેટલાં આપ્યાં, ને લોટામાં ગોળનું દડબું નાંખ્યું ને કહ્યું, “સંભાળીને જજે હોં !” છોકરી ગઈ એટલે મેં કહ્યું : “આને કેવડી લઈ ને આવેલી ?”

“બે વરસની.”

“ત્યારે કહે, કેમ આવેલી ? લડી નહોતી ત્યારે ઘર છોડીને કેમ ચાલી આવી ? કેમ કાંઇ ઘરડી થઈ એટલે પટેલે બહાર ફરવા માંડ્યું, કે શું થયું કહે ?”

“બહેન ! એની પીઠ સાંભળે છે, મારાથી ખોટું ન બોલાય. પટેલ એવો નથી.”

“ત્યારે રિસાઈ હો તા તારા પટેલને બોલાવું. તને મનાવીને લઈ જાય. તારા જેવી બાઈ તો ઘરમાં કેવી શોભે !”

“અરે, એ તો હું કહું એટલું કરીને લઈ જાય એમ છે. પાડી લઈને આવી, એને ખબર પડી, મને તેડવા આવ્યો, ને કહે શહેરમાંથી કહે એ લૂગડાં ને ઘરેણાં લઈ દઉં હાલ્ય, બસેં રૂપિયા બાંધીને આવ્યો છું. હાલ્ય જાણે શહેરમાં માલ લેવા આવ્યાં’તાં. તને ગમશે એમ રાખીશ. પણ મેં જ ના પાડી.”

મને બહુ આશ્ચર્ય થયું. બાઈને પટેલ માટે ભાવ હતો, સ્નેહ હતો, એ હું જોઈ શકતી હતી. અને છતાં આ બાઈ આટલી ઉંમરે એકલી રહેવા નીકળી આવી! મને તે સમજાયું નહિ. મારું કુતૂહલ વધ્યું. “ત્યારે કેમ આવી કહે મારા સમ ન કહે તો !”

જીવી બોલી : “બહેન એવા સમ શા સારુ દેતાં હશો? તમ જેવાં નસીબદારને મારે શું કહેવું?”

“ના જો, મારા સમ દીધા ને ! મને કહે.”

“જુઓ બેન ! હું ઘરડી થઈ. હવે મને છોકરાં થાય એ ખમાતું નથી. એટલે આ છેલ્લી છોકરીને લઈને ચાલી નીકળી.”

“પણ એવું હોય તો તને છોકરાં ન થાય એવું કરાવી આપું. હવે આ મોટાં મોટાં માણસો એવું કરે છે, જોતી નથી ? આ દેસાઈ સાહેબ. ત્રણ છોકરાં છે. નાનું છોકરું આઠ વરસનું થયું, પણ તે પછી છોકરાં નથી !”

“પણ બહેન, મારે તો સંસાર વહેવાર જ નથી જોઈતો. હું ધરાઈ રહી છું. હું ઘરડી થઈ ને એ તો એવો ને એવો જુવાન રહ્યો ! હું વીસ વરસની આવી ને હતો, એવો ને એવો છે. મૂઈ હું મરી એ ન ગઈ, નહિ તો એ એની મેળે જુવાન બૈરી લાવત ને એના બધા કોડ પૂરા થાત. પણ બહેન, હવે આ ઘરડા શરીરે, એક જરા અડે છે એ ય નથી ખમાતું ! કોણ જાણે કેમ, એને મારાં હાડકાં ચામડાંની માયા હજી નથી છૂટતી ! હોય, માણસને જુવાનીમાં મદ હોય, મારેય જુવાની હતી, પણ બધી વાતનો નેઠો હોય કે નહિ ? આ તો એવો ને એવો જ રહ્યો !”

હું તો બાઈના સામું જ જોઈ રહી. થોડી વારે કહ્યું: “જો જીવી ! આવી વાત હોય તો ધણીને સમજાવવી જોઈએ. એમાં શરમાવું શું ! ચાખ્ખેચોખ્ખું કહી દેવું જોઇએ કે આનું આમ છે.”

“બહે…ન, મેં નહિ કહ્યું હોય ? કેટલી વાર કહ્યું. ઘરમાં કહ્યું. ખેતરે કહ્યું. એકવાર તો સાનમાં કહ્યું. મારા નાનો છોકરો, કેરી ચૂસી રહ્યા પછી એકલાં ગોટલાનાં છોતાં ચૂસતો હતો, અને પટેલે કહ્યું, “અલ્યા, હવે તો છાલ મેલ. એમાં શું રહ્યું છે તે ચૂસ ચૂસ કર છ ?” મોટાં છોકરાછોકરી કોઈ ઘરમાં નહોતાં તે મેં પટેલને સભળાવ્યું : “એને કહો છો ત્યારે તમે જ સમજો ને!” એ સમજ્યા, હસ્યા, પણ રાત પડી ત્યાં એના એ ! ને રાતે મોટાં છોકરાં છોકરીઓ હોય એમના દેખતાં મારાથી ભવાડા થાય ? અમારા ઘરે ય નાનાં, ઉતાવળું બોલાયે ય નહિ ! ને બહેન, સાચું માનશો ? હું ના કહું એમ એમ એને વાતનો કસ વધતો જાય. મારી ના સમજે જ નહિં ને ! જાણે પચીસ વરસના જુવાન ! કેટલાં વરસ તો મેં ખમી લીધું, કોક કોક વાર તો એટલી ચીતરી ચડે એ વાતથી, પણ શું કરું? બૈરીનો ઓશિયાળો અવતાર ! કોકવાર તો ચિડાઈ ને, જે થાય તે થવા દીધું, જાણે એ મારી કાયા જ નથી. પણ છેવટે ન ખમાયું ત્યારે નક્કી કર્યું કે હવે આ છોકરી જરા મોટી થાય એટલી વાર છે. એ તો સારું છે, બહેન, મારો ઉબેલ[૧] લાંબો છે, નહિતર સવાસૂરિયાં છોકરાં હોય તો કોઈ દી ઊઠવા વારો ન આવે ! બહે…ન ! હું બધી હિંમત હારી ગઈ ત્યારે પછી નાઠી! નહિતર, ઘર ખેતર, વહેવાર વભો,[૨] છોકરાં છૈયાં, બધું છોડીને કોઈને જવું ગમે? તે ગામમાં તો અમારી બેઇની કેવી આબરૂ ! હું અખોવન,[૩] તે નવી વહુઓ તે બધી મને પગે લાગવા આવે. ભગવાને મને બધી રીતે સુખ આપ્યું. પણ છેવટે આ એક વાતથી હું થાકીને હારીને નાઠી ! ”

હું તો આ બાઈની વાત સાંભળીને તેના સામે જ જોઈ રહી ! મને તેના તરફ ખૂબ માન થયું. તેની હિંમત, સમજણ, ડહાપણ ! થોડી વાર રહી મેં કહ્યું : “અલી, તારી જબરી હિંમત. તને એકલાં એકલાં ખાશું શું એવી ફિકર ન થઈ?”

“ના બહેન ! અમે ક્યાં તમારા જેવાં નસીબદાર છીએ, તે એવો વિચાર આવે. કામ કરીએ તો રોટલો તો મળી રહે. તમ જેવાં મળી જ રહ્યાં ના ! અમારામાં એક ભેંશ ઉપર તો રાંડીરાંડ જન્મારો કાઢે ! તો મારે તો શું છે? એક છોકરી છે તે મોટી કરીને સારી રીતે પરણાવીશ. અમે તો મહેનતુ વર્ણ તે કામ કરીને અમારું ફોડી લઈએ !”

અત્યાર સુધી મલ્લિકા શાંત બેઠી હતી તે બોલી : “અરે બાઈ, તું જ સાચી નસીબદાર છે, તે આમ છૂટી શકી, અને અમે નસીબદાર ગણાઈએ છીએ, તે જ અભાગિયાં છીએ. અમારા જેવાંને આવું હોય તો અમે શી રીતે છૂટી શકીએ, કહે જોઈએ.”

જીવીએ કહ્યું: “બહેન, એવું તમારા જેવાં નસીબદારને હોય જ નહિ. એ તો અમે ભણ્યા ગણ્યા વગરનાં, કશું સમજીએ નહિ, અમારો તે કાંઈ અવતાર છે. લ્યો, પણ હવે બેસો; બળી ખાઓ, છેવટે ટાઢી તો થઈ જ ગઈ. અમારા જેવાંની વાતમાં નકામો તમને ઉદવેગ થયો.” મેં તેને થોડી બળી ચાખવા કહ્યું, પણ અમારી આગળ ખવાય નહિ કહી માન્યું નહિ. મેં આપવા માંડી એટલે લ્યો, તમારો શુખન રાખું છું કહી બે ચોસલાં લઈ ચાલતી થઈ. હું તેને ઊંબરા સુધી વળાવવા ગઈ, ને એ મોટી ક્યાંકની અધિકારી હોય એવી નિર્ભય ચાલે ચાલી ગઈ. એને જતી જોઈ ને થોડીવાર પાછી ફરી કોચ ઉપર બેસવા જાઉં છું, તો મલ્લિકા બહુ જ ગમગીન બેઠેલી. મેં કહ્યું: સાંભળ્યું બહેન, બિચારાં ગરીબ માણસોને કેવી કેવી પીડાઓ હોય છે?” અને મલ્લિકાએ એકદમ જવાબ આપ્યો “માત્ર ગરીબને જ હોય છે એમ શા માટે કહો છો ? એણે કહ્યાં એવાં નસીબદારને પણ હોય છે, માત્ર એટલું કે એ નશીબદાર જ ખરાં કમનસીબ છે કે એનો કશો જ ઉપાય કરી શકતાં નથી !”

મેં કહ્યું: “સાચું કહે છે મલ્લિ ?” અમે એકબીજાને ટૂંકે નામે બોલાવીએ એટલા મિત્ર થયાં હતાં.

“સાચું જ નહિ પણ અનુભવથી કહું છું.”

“શું કહે છે!”

“હા; એ બોલતી હતી તે જાણે એકેએક મારી જ વાત કરતી હતી. એની પેઠે જ મને પણ સ્પર્શની સૂગ થઇ છે, એટલે વાત આવી છે. એની પેઠે જ મેં ઘણી યે વાર તિરસ્કારથી અને જુગુપ્સાથી કોઈ ચીજ કૂતરાને નીરી દઇએ, એમ મારો દેહ સોંપી દીધો છે. એની પેઠે જ મેં નાસી જવાનો વિચાર કર્યો છે ને નાસી શકી નથી. આજ સુધી બે વાતની મને શંકા હતી તે આજ સમજાઈ ગઈ. મને એમ લાગતું કે મારે છોકરાં ન થયાં, તેથી જીવનમાં જે બીજું આકર્ષણ થવું જોઇએ તે ન થવાથી મારી આ દુર્દશા હશે. પણ આજ સમજી કે એવું નથી. બીજું એ કે મને જરા આશા હતી, કે જ્યારે ઘરડી થઈશ ત્યારે આ દેહનું આકર્ષણ કંઈક એની મેળે ઘટશે. આજ એ બન્ને વાત ખોટી પડી છે. મારી નજર આગળ મને મારી પીડાનો કાંઠો દેખાતો નથી. હવે તે મૃત્યુ જ મને ઉગારી શકે.”

જ્વાલામુખીમાંથી જ્વાલા નીકળે એમ એનો અંત:સ્તાપ ભભૂકી નીકળતો હતો. મેં એને બાથમાં લીધી, આશ્વાસન આપ્યું. તે એકદમ અનર્ગળ આંસુએ રડી પડી. મેં તેને પાણી પાયું. તેને ઉઠાડી મોં ધોવડાવ્યું. તેને થોડી બળી ખાવાનું કહ્યું, પણ મને કહેઃ “આજે હવે નહિ ખાઈ શકું. મને આવું થાય છે ત્યારે ગળે ડચૂરો બાઝે છે.” પછી મેં કૉફી પાઈ, ઘણી વાર બેસારી તેને ઘેર મેાકલી.

થોડી વારે ડૉક્ટર આવ્યા. ટેબલ પર રકાબીઓમાં પીરસેલી બળી જોઈ કહેઃ ‘કેમ, મારા આવ્યા પહેલાં બધું પીરસી રાખેલું છે ?” મેં કહ્યું, “આ બળી ઉપર એવો શાપ છે કે એ ખાવાની વાત કરીએ ને ખવાય નહિ. મેં ગરમ ગરમ ખાવાનો વિચાર કરેલો ને બે અઢી કલાકથી એમ ને એમ પીરસેલી પડી છે. એવી ભયંકર વાતો સાંભળી કે ખાઈ જ ન શક્યાં.”

ડોક્ટરે કહ્યું : “એવી શી વાત હતી વળી ?”

મેં કહ્યું : “એક વાર ખાઈ લો પછી કહીશ.”

“અરે, પણ અમે તો મડદું ચીરીને પણ તરત ખાવા બેસીએ. ઑપરેશનમાં જીવતા માણસને કાપીને પણ તરત પછી ખાવા બેસીએ.”

મેં કહ્યું : “ના, તોય ખાઈ લો. પછી કહીશ.”

ડૉક્ટર કહેઃ “ના, ત્યારે હવે તો સાંભળ્યા પછી જ ખાઈશ. નહિતર નહિ ખાઉં.”

ડોક્ટર માન્યા નહિ, મેં જીવીની ને મલ્લિકાની બન્નેની આખી વાત કહી સંભળાવી. વાત પૂરી થયે મેં કહ્યું : “એ પેલો દૂહો બોલતા ત્યારે તો મને એમના જીવનમાં કવિતા હશે એમ લાગેલું.”

ડૉક્ટરે કહ્યું : “ખરાબ માણસ બૈરીને અને કવિતાને બન્નેને બગાડે છે.”

પછી એક ખાવા ખાતર બળી ખાધી, પણ એ વિચારમાં પડી ગયા. મને કહે: “હું વિનોદરાયને વાત તો કરીશ જ.” મે કહ્યું : “એને મલ્લિકા વિશે ખરાબ નહિ લાગે ?” મને કહ્યું : “અમે ડોક્ટરો તો ગમે તે વાતમાંથી ગમે તે વાત કરી શકીએ. હું તો એને છોકરાં નથી એ વાતમાંથી પણ તે વાત કાઢી શકું.”

પછી એમણે વાત તો કરી પણ મલ્લિકાને મેં વધારે સુખી કોઈ દિવસ જોઈ નહિ. આઠેક મહિને એમની બદલી થઈ ત્યારે મલ્લિકા મને મળવા આવી. મારી પાસે પોસપોસ આંસુ રોઈ. મને કહેઃ “હવે ઝાઝું નહિ જીવી શકું. કદાચ તમને કાગળ ન લખી શકું, પણ મરતાં તમને સંભારતી મરીશ એમ માનજો.” મને થયું માણસની ધ્રુવી નિરાધારતા છે? અમે કે કોઈ એને કશી જ મદદ ન કરી શકીએ !

અને વરસેકમાં તેણે પોતાના જીવનનો અંત આણ્યો. વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં હતા ને એ મરી ગઈ. તેના મરણના ખબર આવ્યા ત્યારે અમારાં ઓળખીતાં મારે ઘેર આવ્યાં. અને મારે મોઢે ખરખરો કરવા લાગ્યાં. બધાં કહેતાં હતાંઃ ‘કેવી રૂપાળી !’ ‘કેવી નમણી !’ ‘કેવી ભાગ્યશાળી !’ ‘ એને જોઈએ ને સૌભાગ્યવતી સ્ત્રીનો ખ્યાલ આપણને આવે !’ ‘ને સૌભાગ્યવતી જ મરી ગઈ !’

મને મનમાં થયું: “ સૌભાગ્યવતી ! !”

  1. બે છોકરા વચ્ચેનું વરસોનુM અંતર.
  2. ૧. વૈભવ.
  3. ર. જે સ્ત્રીનું એક પણ બાળક મર્યું ન હોય તેને ‘અખોવન’ કહે છે.