નરવીર લાલજી/ધૈર્યનો સાગર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વીરોનો પણ વીર બે દેશ દીપક
ધૈર્યનો સાગર
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
અમેરિકામાં →ધૈર્યનો સાગર


જેલના ગેારા દરોગાને રસોડેથી જ જમવાનું આવવા લાગ્યું. પરંતુ લાલાજીને એ ફાવ્યું નહિ. એણે કાયદેસર માગ્યું કે 'મારી રસોઈ મને જુદી રંધાવવાની સગવડ આપો.' આવી આવી કાયદેસર માગણીઓ સાંભળીને ગોરા અધિકારીને કાળ ચડતો ગયો. એણે રસોયા તરીકે એક નાનો મદ્રાસી છોકરો ગોઠવ્યો. પરંતુ ન આપ્યાં પૂરાં વાસણો, કે ન આપે સૂકાં લાકડાં. આખરે કેદીનું સીધું પાછું ગોરા દરોગાને રસોડે જ પડવા લાગ્યું, અને લાલાજીને શું ખવરાવવું તે નક્કી કરવાની કુલમુખત્યારી સાહેબના બબરચીને જ સુપરદ થઈ. લાલાજી કંઈ ફરતાં ફરતાં શાકદાળ માગે તો સાહેબ કહે કે 'કહો બબરચીને.' બબરચી ધૂળરાખ જેવી સામગ્રી લાવીને એનું મોટું બીલ કરે, તેને મૂંગે મોંયે સાહેબની મંજૂરી મળે. કેદી તરફથી વારંવાર હલકા ખોરાકની ફરિયાદ થતાં અધિકારી ખીજાઈને કહે કે 'તારૂં ખરચ તો મારા કરતાં પણ વધુ આવે છે ! સરકારને તારા જેવા નાચીજ કેદીના વૈભવ શી રીતે પોસાય ?'

લાલાજી શાંતિથી સમજાવે કે 'અરે ભાઈ ! બીલ શી રીતે વધે ? મારો આહાર તો અત્યંત ઓછો છે.'

ખરી વાત એ હતી કે બબરચી લાલાજીના બાકી રહેલા ખોરાકમાંથી એક સાર્જન્ટને જમાડી રોજનો એક એક રૂપિયો રળતો હતો !

એક દિવસ લાલાજીએ પોતાની થાળી જમ્યા વિના જ પાછી મોકલી, એ ખબર પડતાં જ સાહેબનો પિત્તો ફાટી ગયો; રાતોચોળ બનીને એ ધસી આવ્યો, ધમકી દેવાનું શરૂ કર્યું : 'તું તારા મનમાં શું જાણે છે! તેં શા માટે થાળી પાછી મોકલી ?' કેદીએ કહ્યું 'મને રૂચીકર હતું તે મેં ખાધું, બાકીનું પાછું મોકલ્યું. મને તમારાથી અમુક જ જાતનો ખોરાક લેવાની ફરજ ન પાડી શકાય. હું કહું છું કે મારે વધુ પ્રમાણમાં તેમજ ફરતું ફરતું શાક જોઈએ છે, તે તમે શા માટે નથી આપતા ?'

'એમ ! આંહી માંડલેમાં જે શાક નથી ઊગતાં તે શું હું તારે માટે વાવવા બેસું ? અને આઠ આઠ બાર બાર આને હું શું તારે માટે કોબીજ મંગાવું ?'

'અરે ભાઈ, ફળ, બિસ્કીટ અને મુરબ્બાના પૈસા તો હું મારા પદરથી આપું છું અને આહાર પણ ઓછો લઉં છું, તો પછી મારી ખેારાકીના વ્યાજબી પૈસામાંથી જ મને ફરતાં શાક કાં ન મળે ? આંહીં શાક નથી મળતાં એમ કોણે કહ્યું ? આ તમારો સાર્જન્ટ જ કહે છે કે મળે છે.'

ગોરો દરોગો સાર્જન્ટ તરફ ફર્યો, ભ્રકૂટી ચડાવી કહ્યું, 'મારા બંદોબસ્તમાં દખલ કરવાની તારે જરૂર નથી.' એટલું કહીને એણે કેદીને કહ્યું: 'ઠીક ઠીક, તારે નોકરો પાસે ફરિયાદ ન કરવી. મારી પાસે જ કરવી.હું તારી માગણીઓ વિચારી જોઈશ.'

'ના જી, મારે તો ફરિયાદ કરવી જ નથી. હું તો એટલું જ માગું છું કે મારે પૈસે મને જોઈતી વસ્તુ નોકરો આણી આપે અને એક પંજાબી રસોયો આપો તો પાડ તમારો !' 'ઠીક, પંજાબી રસોયો તને મળે તેવી ગોઠવણ કરીશું.'

'મારે માટે નક્કી કરેલ ભથ્થું જો મને જ આપો તો હું જ બધી વ્યવસ્થા કરીશ. હિસાબ પણ હું રાખીશ.'

'ભલે, જોઈશું.'

એ પ્રસંગ પૂરો થયો, તે પછી કદી પણ એમની સૂચવેલી ગોઠવણ કરવામાં આવી જ નહોતી. એક તો શરીર રોગીઅલ હતું જ, તેમાં ખરાબ ખેારાકે, બફારાએ અને બેઠાડુ દશાએ ઉમેરો કર્યો. ઝાડા થયા, ઉજાગરા થયા, અનેક વ્યાધિઓ કેદીને સતાવવા લાગ્યા.

એવો હુકમ થયો કે સવારસાંજ કેદીએ ચોકીપહેરા નીચે નજીક ફરવા જવું, પરંતુ એના પહેરગીર સાર્જન્ટોને આ વાત અકારી થઇ પડી. રાતે તેઓને જાગવું પડતું હોવાથી સવારમાં વહેલા ઊઠવા તેઓ રાજી નહોતા. અને કેદીની સાથે ભરેલી રીવોલ્વર, તલવાર તથા ચોવીસ કારતુસોનો બેાજાદાર પટ્ટો પહેરીને ફરવામાં તેઓને અગવડ પડતી. સાંજે ગોધૂલિ પહેલાં તો એ લોકો કેદીને પાછા વળવાની ફરજ પાડતા, માંડલેની ગરમીમાં વહેલા ફરવા નીકળવું કેદીને પાલવે તેમ નહોતું.

તેમાં ભળ્યો નવો સંતાપ, કેદી ફરવા નીકળે ત્યારે અનેક દેશપ્રેમી નરનારીએ રસ્તામાં એને સલામ કરવા લાગ્યા. ગેર પહેરગીર સાર્જન્ટેને લાગ્યું કે આ સલામવિધિમાં કોઈ ગુપ્ત સંકેતો ચાલી રહ્યા છે. એટલે તેઓએ કેદી સામે આ નમસ્કાર કરનારાઓનાં નામ નેાંધપોથીમાં લખી લઈ, ધમકી દઈ અટકાવવા માંડ્યું. છૂપી પોલીસના એ છાયા તેઓની પછવાડે છોડવામાં આવ્યા.' એક દિવસ સાંજે સાચેસાચ બે હિન્દીઓને, કેદીના રસ્તા પર આંટા મારવાના આરોપસર પકડીને ચોકી પર લાવવામાં આવ્યા હતા. એકને તો તાકીદ આપી રજા દીધી, પણ બીજો કે જે શીખ હતો, તેને પોલીસ ઉપરીએ ઊલટતપાસના સપાટામાં લીધો. તું કોણ છે ? ક્યાં રહે છે ? એ બધું પૂછ્યું. એ બિચારો નિવૃત્ત ઓવરસીઅર હતો ને તે વખતે બર્માના બાંધકામ ખાતામાં કંટ્રોકટર હતો, એને પૂછવામાં આવ્યું 'શા માટે તેં આ કેદીને સલામ કરી ?'

પેલાએ કહ્યું 'એ તો સંત છે, મહાપુરુષ છે, એટલે જ્યારે જ્યારે હું એને જોઉં ત્યારે ત્યારે એને નમન કરવાની મારી ફરજ છે.'

'એ નહિ ચાલે. હવે પછી કદી સલામ નહિ કરે તેના હાથમુચરકા આપવા પડશે.'

'એ હું નહિ આપી શકું, સાહેબ !' સ્વમાની શીખે સામે સીનો બતાવ્યો.

'ઠીક જાઓ, ફરીવાર આ બાજુ કદી આવશો નહિ.' એટલું કહીને એને છોડી દીધો. વળતા જ દિવસથી લાલાજીએ ફરવા જવું બંધ કર્યું અને પોતાના મિત્રોને સવિસ્તર પત્ર લખી વિનવણી કરી કે 'કોઈ પણ રીતે બર્મામાં વસતા હિન્દી ભાઈઓને સલાહ પહોંચાડજો કે તેઓ મને સલામ ન ભરે. કેમકે એથી કોઈનું ભલું નથી થતું. તમારાં અપમાન થાય છે ને મારી મુશ્કેલીઓ વધે છે.' પરંતુ આ કાગળને વાંધા પડતો લેખીને દરોગાએ રોકી લીધો.

ફરવાનું બંધ શા માટે કર્યું, તેનું કેદીને કારણ પૂછ્યું. લાજપતરાયે સલામની કથની કહી. ફરીવાર એને ખાત્રી અપાઈ કે 'હવે તે લોકોને મના નહિ કરવામાં આવે, માટે ફરવા જવું.'

ફરીવાર ફરવાનું શરૂ થયું. પહેરગીર સાર્જન્ટે એ ફરી વાર રંઝાડ આદરી, પણ હિન્દીઓ ન માન્યા. ખાસ કરીને હિન્દી સિપાહીઓ પણ વારંવાર આવી, લાલાજી દૂરથી હાથને ઈશારે 'ના' સૂચવે છતાં પણ સલામ કરવા લાગ્યા. કેટલાક તો ટુકડીબંધ નીકળે ત્યારે લશ્કરી સલામ પણ ભરતા હતા. લાલાજીએ એ અટકાવવા ઘણી તરકીબો આદરી: પંજાબીઓને આવતા દેખે કે તુરત જ પોતે માર્ગ બદલીને ઊલટી દિશામાં ચાલી નીકળે, જો મકાનની ઓસરીમાં ફરતા હોય તો હિન્દીઓને એ તરફ આવતા દેખી પાછળની ઓસરીમાં ચાલ્યા જાય. છતાં અમૂક લોકો તો લાલાજીનાં દર્શન કર્યા વગર ત્યાંથી ખસતા જ નહોતા. એકવાર એક સજ્જન શીખ રસ્તા પર લાલાજીની રાહ જોઈ ઊભેલો. એને ઓસરીમાં જોતાં જ પોતે નમસ્કાર કર્યા. તુરત એને પકડીને પોલીસના ડીસ્ટ્રી. સુપરી. પાસે ખડો કરવામાં આવ્યો. એ પાણીદાર હતો. એની અને ફોજદારની વચ્ચે ગરમ ટપાટપી બોલી. ફોજદારે ગાળો કાઢી, તેનો આ 'ખાલસા'એ પણ ઉગ્ર પ્રત્યુત્તર દીધો. ફોજદાર પૂછે કે 'સરકાર નાપસંદ કરે છે છતાં તમે શા માતે આ શખ્શને નમન કરો છો?'

જવાબ મળ્યો કે 'કોઈ પણ કાયદાની રૂઇએ સરકાર અમને નમન કરતાં અટકાવી શકે તેમ નથી.'

રોકડા જવાબો ચૂકવનાર એ શીખને છોડી દેવો પડ્યો. પરંતુ લાલાજીએ આ ગાલીપ્રદાન અને આ ધમકી કાનોકાન સાંભળ્યાં. એનાથી આ સહેવાયું નહિ. એ બીજું તો શું કરી શકે ? ફરવાનું અધૂરું મૂકી એ ચાલ્યા આવ્યા.

એક વખત એક દસ જ વર્ષનો મુસલમાન બાળક પોતાના પિતાની સાથે ફરવા નીકળેલો. દૂરથી લાલાજીને દેખી દોટ મૂકીને એ બાળક સલામ કરવા જતો હતો; પાછળથી એને બૂમ પાડીને પિતા વારી રહ્યો હતો કે 'કરીશ ના, સલામ કરીશ ના, પોલીસ પકડી જશે.'

કેદીને ફરવા માતે મુક્કરર કરેલા રસ્તા પર કેટલાક યુરિપીઅન બંગલા હતા. એ બંગલાવાળાને મદ્રાસી હિન્દી નોકરો હતા. આ મદ્રાસીઓને ૩ થી ૧૦ વર્ષ સુધીનાં નાનાં નાનાં બચ્ચાં હતાં. રોજ એ બચ્ચાં લાલાજીની વાટ જોઈ ઊભાં રહેતા. કેદીને નીકળવાનું ટાણું થાય કે તુરત જ એ બધાં બહાર દોડ્યાં આવતાં, રસ્તે ઊભાં રહેતાં અને કેદીને દેખતાંની વાર જ સલામ ભરતાં. બાળકના પ્રેમી તરીકે પંકાયેલા, ખુદ પોતે પણ બાળક શા હૃદયના લાલાજી સહેજે સામા સલામ કરતા અને કોઈ કોઈ વાર એ બાળકોને થાબડીને પૈસા આપતા. આ બાલપ્રેમમાં પણ એક ચોકીદારને કોઈ બૂરી ગંધ આવી. એણે કેદીને પૂછ્યું 'તારે આ બચ્ચાં સાથે કાંઈ સગપણ છે ?'

'ના રે ભાઈ, અગાઉ કદી મેં જોયાં જ નથી.'

'તો પછી તારા તરફ એ આટલાં માન અને મમતા શી રીતે બનાવે છે ?'

એ સવાલના જવાબમાં કેદી એક તિરસ્કારભર્યું સ્મિત જ કરતા. શો જવાબ દેવો તેની પોતાને ગમ નહોતી પડતી.

એક દિવસ પ્રભાતના ચાર વાગે કેદીએ પથારીમાં બેઠા બેઠા ધ્યાન ધરેલું છે. તેવામાં એક પંજાબી શીખે બુલંદ નાદે 'જપજી સાહેબ' નામના ગુરૂ નાનક કૃત ધર્મગ્રંથમાંથી શીખ-પ્રાર્થના ગાવાનું શરૂ કર્યું.

'એય ! ચુપ કરો !' પહેરા પરના સાર્જન્ટે હાકલ દીધી.

એણે શીખને પ્રાર્થના ગાતો અટકાવી દીધો. કારણ કે પંજાબી ભાષામાં એ શીખ રખે કેદીને કાંઈક છુપી વાતો કહી દેતો હોય એવો એને સંદેહ આવ્યો. વિશેષ ચોકસી કરવા માટે સાર્જન્ટ મેડી ઉપર આવીને જોઈ ગયો કે કેદી જાગે છે કે ઉંઘે છે ! કેદીને એણે જાગતો દીઠો. એનો સંદેહ સબળ બની ગયો.

કેદીના મકાનની બન્ને બાજુએ ખુલ્લાં વિશાળ ગૌચરનાં મેદાનો હતાં, કે જ્યાં કિલ્લા માંહેની દેશી પલ્ટનના ગોવાળો ગાયોભેંસો ચારતા હતા. આ ગોવાળીઆ હમેશાં પંજાબી હિન્દુમુસ્લિમ જાતના ગામડીઆ છોકરા હતા. એને પોતાની ભાષા સિવાય અન્ય એકેય ભાષા આવડતી નહોતી. પોતાના વતનમાંથી પેટગુજારા માટે દૂર દૂર ફેંકાયેલા, પોતાના ગોઠીયાઓથી વિખૂટા પડેલા અને બેગુનાહ કાળાપાણીની સજા ભોગવી રહેલા આ ગોપાલ બાળકોને પોતાનાં ગામડીઆં ગીતો લલકારવા કરતાં અધિક આનંદ અન્ય શામાં હોય ? મેદાનમાં ઢોર ચારતા ચારતા આ બિચારા કોઈ કોઈ વાર પોતાનાં દેશી ગીતો ગાતા. પરંતુ એનો સૂર સાંભળતાંની વાર જ સંત્રીની ત્રાડ છૂટતી, છોકરા દોટ મૂકી નાસી જતા, અને કેદીના મકાનની લગોલગ ચરવા આવી પહોંચેલી ગાયોભેંસોને પણ હાંકી કાઢવામાં આવતી હતી. કેમકે એ ગોવાળોનાં ગીતોમાં પણ પહેરેગીરોને કોઈ વિપ્લવની ગાથાઓ ભરેલી ભાસતી.

એક દિવસ પ્રભાતના દશ બજેલા: કેદી બીજે માળે ઓસરીમાં બેસીને વાંચે છે, અચાનક એણે એક લાકડાની ભારીવાળાને ચોગાનના ઉગમણા દરવાજા પર ઊભો રહેતો દીઠો. ભારી એણે ભોંય પર ઉતારી, માથા પરની પાઘડી ઊચકી, અંદર સંતાડેલાં બે સુંદર ગુલાબો બહાર કાઢ્યાં, ફૂલો હાથમાં રાખીને એણે ચારે બાજુ નજર નાખી, પણ ત્યાં કોઈ નહોતું, ફરી એણે પાઘડી બાંધી. ભારી ઉપાડી અને હાથમાં ગુલાબ લઈ ચાલ્યો. આથમણે દરવાજે જ્યાં સંત્રી ટેલતો હતો ત્યાં આવ્યો. સંત્રીને એણે પૂછ્યું કે 'ભાઈ, અંદર લાલાજીની પાસે આ મારાં ફૂલોની ભેટ લઈ જઈશ ?'

સંત્રીએ કઠીઆરાને ના પાડી હાંકી કાઢ્યો. કઠીઆરાએ થોડાં કદમ દૂર જઈ, ઝાડ નીચે ઉભા રહી, લાલાજીની સામે મીટ માંડીને જોયા કર્યું. પછી એણે એ ફૂલો ઝાડના થડ ઉપર ધરી દીધાં, હાથ જોડીને લાલાજીને દૂરથી નમસ્કાર કર્યા અને ચાલ્યો ગયો. થોડી વારે લાલાજીએ પોતાના મદ્રાસી રસોયાને ઝાડ પાસે મોકલી બન્ને ફૂલો મંગાવી લીધાં, પોતે લખે છેઃ 'મારે મન તો એ ફૂલો મારા દેશબંધુના પ્યારનાં પ્રતીકો હતાં.'

માર્ગ પર નીકળનારાં હિન્દી કુટુંબો કેદીનું મકાન થોડે દૂર રહેતું ત્યારથી જ પોતાની ગાડીનો વેગ ધીરો પાડી દેતાં. ધીરે ધીરે ગાડીઓ ચલાવીને કેદીના દિદાર કરવાં મથતાં. સેંકડો આંખો એ પૂજનીય શરીરની શેાધમાં તીવ્ર વેગે મકાનની બારીએ બારીએ ભમી વળતી, છૂપીચોરીથી એ ભવ્ય મુખનાં દર્શન કરી લેતી અને પહેરેગીરો વહેમ ન પામી જાય તે સારૂ ઘણે દૂર નીકળી ગયા પછી જ ગાડીઓ વેગે ચડતી.

કેદી આ બધાં કરૂણ દૃશ્યો દેખી દેખીને એક તરફ અગાધ દેશપ્રીતિથી પીગળતો, અને બીજી તરફ સત્તાની અધોગત મનોદશા ઊપર ઘૃણા અનુભવતો. જેલ-સત્તા કેટલી નીચી ઊતરી ગઈ હતી ! કેદીને સલામ ભરવી એ પણ તેમની નજરે અપરાધ હતો.

ધીરે ધીરે જેલના ગોરા દરોગાએ માઝા મેલી દીધી હતી. એનું કર્તવ્ય હતું કે કેદીનાં આરોગ્ય, આહારવિહાર અને જરૂરિયાતો વગેરેની સંભાળ રાખવી. કાયદેસર એ લાલાજીનો દરજ્જો સાચવવા અને એનો દેહ રક્ષવા બંધાયેલો હતો. પરંતુ એને મન તો રાજદ્વારી કેદી તો આખરે કેદી જ હતો, અથવા કદાચ પશુ હતો. શરુશરુમાં એ રોજરોજ મુલાકાતે આવી તબિયતના ખબર પૂછતો અને વાતો કરતો, પરંતુ પછી તે એ નીચે ઊભો રહીને, અને ઘણીવાર તો દૂર રસ્તા પર ઊભો ઊભો રાડ નાખતો -

'કેમ લાજપતરાય ! તારી તબિયત સારી છે ? તારે કાંઈ જોઈએ છે ?'

બે જ પ્રશ્નો: 'તારી તબિયત સારી છે? તારે કાંઈ જોઈએ છે !' બસ ફક્ત બે જ પ્રશ્નો ! પહેલા પ્રશ્નનો જવાબ જો 'હા જી !' હોય, અને બીજા પ્રશ્નનો જવાબ જો 'ના જી !' હોય, તો એ સંતોષ પામીને ગાડી હાંકી જતો; પણ જો એ અનુકૂલ પ્રત્યુત્તરોમાં કોઈ દિવસ પણ ફેરફાર પડે, તો ત્યાં ને ત્યાં રોષ અને અપમાનનું નાટક ભજવાતું. એવાં થોડાંક નાટક નીચે મુજબ ભજવાયાં હતાં:

કેદીએ વિનંતિ કરી કે 'મને બર્મી ભાષા શીખવાનું દિલ છે. મારે ખરચે મને પુસ્તકો લઈ આપો.'

જવાબ મળ્યો કે 'ઉપલી સત્તા તરફથી તને બર્મી ભાષા શીખવા દેવાની મનાઈ થઈ છે.'

'કારણ ?'

'કારણ ટુંકું ને ટચ. general political ground: એકંદર રાજદ્વારી કારણસર ! '

એક વાર લાલાજીએ એક મિત્રને કાગળ લખ્યો કે 'હું બિમાર છું.'

કાગળ-પત્રનો વ્યવહાર દરેગાની મારફત જ ચાલી શકતો. આ કાગળ વાંચતાં જ ધુંધવાતો ગોરો આવી પહેાંચ્યો. કેદીના દરજ્જાને ભૂલી જઈને જૂઠાણાનો આક્ષેપ મૂકી બોલ્યો : 'હાં, હું જાણું છું કે તું બિમાર હોવાનો ઢોંગ કરે છે. એમ કરીને તારે તારા છૂટકારા માટે તારા મિત્રે પાસે ચળવળ ઉપડાવવી છે ! તું જૂઠો છે !' ખામોશ પકડીને કેદી બેસી રહ્યો.

'લાજપતરાય ! તારી તબિયત સારી છે કે ?' દરોગાએ એક પ્રભાતે રસ્તા પરથી બૂમ મારી.

નીચે ઊતરીને કેદીએ પોતાના પગના અંગૂઠા પરનું ગૂમડું બતાવ્યું, કહ્યું કે 'જોડા પહેરાતા નથી અને તેથી તાપમાં ફરવા જવાતું નથી.'

'ઠીક છે, હું મલમપટો મોકલાવું છું.'

બપોર થયા. દવા આવી નહિ. ફરીવાર કેદીએ દરોગાને સંભારી દેવા માણસ મોકલ્યો, પણ જવાબ ન આવ્યો. બીજે દિવસે સવારે રૂબરૂમાં વિનંતિ કરી, રોષભર્યો જવાબ મળ્યો કે 'મહેરબાની કરીને આટલી બધી અધીરાઈ ન બતાવતો ! મારે બીજા ઘણાં કામ છે.'

તે પછીથી કેદી પોતાનાં દુઃખો અંતરમાં સંઘરીને જ બેઠો રહેતો, વિનંતિ કરતો નહિ.

બ્રીટીશ પાર્લામેન્ટમાં હિન્દી સચીવ પર પ્રશ્નોને હલ્લો ચાલ્યો : 'વિના મુકરદમે હદપાર થયેલા કાળાપાણીના કેદીને પોતાનાં સગાંવહાલાં સાથે પત્રવ્યવહાર કરવાની છૂટ છે કે ?'

પેલો ફિલ્સુફ-રાજનીતિજ્ઞ અને શાંતિવાદી સચીવ મોર્લે જૂઠું બોલ્યો : 'હા, પરંતુ એ પત્રવ્યવહારમાં સુલેહભંગ કરનારા સંદેશા ન પેસી જાય તે માટે તેની તપાસ રહે છે. અને અત્યાર સુધી ફક્ત એક જ કાગળ એ રીતે અટકાવવામાં આવ્યો છે.'

જવાબ દેનારી જબાન જૂઠી હતી. પત્રવ્યવહાર રૂંધવામાં તો જેલના અધિકારીએ લાલાજી પર માછલાં ધોયાં હતાં. કેવા નિર્દોષ કાગળો અટકાવવમાં આવેલા તેનો એક જ નમૂનો :

લાહોર તા. ૧૬ : અક્ટો : ૧૯૦૭


"માન્યવર બાબુજી,

હું અને ભાઈ આથવલે આનંદમાં છીએ, આશા રાખીએ છીએ કે તમે પણ મઝામાં હશો.

લી. માન સહિત
(સહી) જસવંતરાય”

સરકારના પ્રતિનિધિની નજરે આવા અનેક કાગળો સુલેહભંગની સુરંગ સમાન હતા, પણ એને કેદીની આંતર્વેદનાની કદર નહોતી.. લાલાજીને કેવળ એટલી જ ચિંતા હતી કે 'રખેને મારા જર્જરિત પિતા મારી હાલત વિષે ભયભીત બની મારા અને માતૃભૂમિના સ્વમાનને હાનિ પહોંચાડનારૂં કોઈ પગલું ભરી નાખે !' એટલે જ એને પિતા સાથે પત્રવ્યવહારની જરૂર હતી. માત્ર કુશળ સમાચા૨ની જ અરસ્પરસ અપેક્ષા હતી. પણ એવા પત્રો આવ્યા પછી ત્રણચાર દિવસ દરોગાના ટેબલ પર પડ્યા રહેતા કોના કોના પત્રો એ સદંતર રોકી રાખે છે તે પણ જણાવતો એ બંધ પડ્યો હતો. લાલાજી એક દાખલો ટાંકે છે:

'૩ જી નવેમ્બરે એણે મને બૂમ પાડી નીચે બોલાવ્યો; પૂછ્યું કે તારે કોઈ ધનપતરાય નામનો ભાઈ છે ? અને એ તને મળવા માગે છે?'

'મેં કહ્યું 'હા જી, જુઓને, મારા પિતાનો કાગળ આવેલો તેમાં લખેલું કે ધનપતરાયે મને મળવાની અરજી કરી હતી અને સરકારે તે નામંજુર કરી હતી.'

'એ ચાલ્યો ગયો. હું એના પ્રશ્ન પર વિચાર ચલાવવા લાગ્યો. મેં તુરત એને વિનયપૂર્વક ચિઠ્ઠી લખી કે 'કદાચ આપે મારા ભાઈની અરજી વિષે ખબર દેનારો મારો કોઇ કાગળ રોક્યો હોય, તો અગાઉ આપ કહેતા તે રીતે મને માત્ર લખનારનું નામ જણાવશો ? હું આપનો ઘણો જ આભારી બનીશ.'

'આ ચિઠ્ઠીમાં મેં કશું જ અપમાનકારક લખાણ કર્યું નહોતું. બહુ બહુ તો એ માગેલી હકિકત કહેવાની ના પાડશે એવી ધારણા મેં રાખેલી. પરંતુ વાચક ! તને કલ્પના આવી શકે છે, કે આ માણસે, મારા કરતાં ઉમ્મરે નાના અને શિક્ષણે તેમજ સામાજીક દરજજે મારાથી કોઈ રીતે ચડિયાતા નહિ એવા આ ગોરાએ મને પ્રત્યુત્તરમાં કેવો ધૂતકારી કાઢ્યો ! વળતા પ્રભાતે એ આવ્યો. હું ઉપરના રવેશમાં ઊભો હતો. નીચે સંત્રીઓ એને સલામી દેતા હતા. એ વખતે એણે નીચે ઊભીને જ રોષભેર બરાડા પાડ્યા કે 'આવા સામા સવાલો કરવામાં તું સમજે છે શું ! હું તને કાંઈ પૂછું ત્યારે ખબરદાર સામા ઊલટ-સવાલો કરતો નહિ, અસંગત સવાલો કરતો નહિ.'

'મેં કહ્યું 'મેં અસંગત ઊલટ–સવાલો પૂછ્યા છે જ ક્યારે? શા માટે નિષ્કારણ રોષ કરો છે ?'

એણે વધુ વરાળ કાઢી : 'હું તારી સાથે વાદ કરવા નથી માગતો. ખબરદાર, ફરી આવું કરીશ નહિ.'

'એટલું બોલીને એ ચાલ્યો ગયો.'

*

માનવી એટલો બધો ઘાતકી બને છે, ત્યારે એના ભક્ષ થયેલા માનવી પર બેમાંથી એક અસર થાય છેઃ કાં તો એનો વીરાત્મા કાયર બની તૂટી પડે છે ને કાં એ પોતાના જાલિમ જેવો જ પિશાચ બનીને બહાર આવે છે. કારાગૃહની એકલદશા આ અધોભ્રષ્ટતાને મદદ કરનારી થઈ પડે છે. પણ લાલાજી એવી નબળી માટીમાંથી બનેલા નહોતા. એના મન:સંસારમાં કેવળ એ પોતે અને પોતાનો જાલિમ બે જ જણાં નહોતાં વસતાં. અંગ્રેજ સરકારનું સામ્રાજ્ય ચાહે તેટલું સુવિશાળ હોવા છતાં લાલાજીના આત્મ-જગતના સીમાડાનો કબજો નહોતું લઈ શક્યું. પ્રતિહિંસા, કિન્નાખોરી ને પુણ્યપ્રકોપ, એ ત્રણે લાગણીઓને ઓળંગીને એનો પ્રાણ માનવતા તથા ઇશ્વરનાં મહોજ્જવલ સ્વપ્નોમાં વિહાર કરતો હતો. એકલદશા એણે પૂર્વે કદી જ નહોતી ભોગવી. હમેશાં સગાંસ્નેહીઓની ભરચક વસ્તીની વચ્ચે જ એના દિવસો વહ્યા હતા. એકલતા એને ખાઈ ગઈ હોત. પરંતુ એ એકાંતની ચીરાડો વચ્ચેથી વહ્યો આવતો જયોતિ- પ્રવાહ એણે છાનોમાનો પીધા કીધો. એ પ્રવાહ વહેવડાવનારાં કોણ હતાં ? વેદ, ઉપનિષદ્દ અને ગીતાનું અધ્યયન; બિલાડીનાં બે બચોળિયાં અને એક મેના.

બચોળિયાં બને ભાઈબહેન હતાં. એકનો રંગ સૂંઠ સરખો, વાઘણ શો હતો ને બીજાને શરીરે કાળા પટા હતા. કેદીએ એને ખવરાવવા માંડ્યું. ભાઈબહેન કેદીનાં પ્રેમી બની ગયાં. પરંતુ તુરત જ કેદીને માલૂમ પડ્યું કે આ પ્રેમમાં કાંટા યે રહ્યા છે. એ ભાઈબહેને તો પોતાના નવા ભેરૂ પાસે રાતનો સહવાસ પણ સ્વીકારાવવા જીદ બતાવી. રાતે ભેરૂની પથારીમાં જ સુવા અને મસ્તી કરવાનો આગ્રહ રાખ્યો. કેદીની થોડી ઘણી નીંદ પણ આ નવા દોસ્તોએ હરી લીધી, કેદીએ નિરૂપાયે રાત્રિ પડતાં દોસ્તોને બીજા ઘરમાં પૂરી દેવાનું આદર્યું. પણ થોડા દિવસમાં એ ડાહ્યા દોસ્તો પોતાના માનવ-મિત્રની તાસીર સમજી ગયાં અને આપોઆપ રાતે અળગાં રહેવા લાગ્યાં. બન્નેને પરસ્પર ચાટતાં, ચૂમતાં ને ગેલ કરતાં દેખી કેદી મિનિટો સુધી જોઈ રહે અને રાજી થાય, પરંતુ કેદી કહે છે કે ' કેટલી અજબ અસંગતિ ! ખાવાનું આપું તે વખતે બને કેટલા ઝનૂનથી લડી પડે ! જાણે એકબીજાને ફાડી જ ખાશે. પછી મેં નબળાનો પક્ષ લઈ ખવરાવવામાં એની રક્ષા કરવાનું આદર્યું. ધીરે ધીરે એક જ કટોરામાંથી ભેળાં ખવરાવી પીવરાવી મેં એને ન્યાય અને નીતિના પાઠ ભણાવવા માંડ્યા. રોજ બે કલાક હું એ બન્નેનો વહીવટ કરવા લાગ્યો, બન્ને વારા ફરતાં મારી ગોદમાં બેસે, ખભા પર ચડે, હાથ ચાટે ને મમતા બતાવે. ઓહો ! એ આખા મકાનમાં મને ચાહનારા બે જીવાત્માઓ જોઈને હું કેટલું સુખ અનુભવતો ! ધીરે ધીરે તો તેઓ શાંતિથી ભેળાં જમતાં થઈ ગયાં. આમ એ બે જણાં વચ્ચે શાંતિ અને પ્રીતિ કેળવી શક્યાનો મને ગર્વ થવા લાગ્યો.'

'મેડીના છાપરામાં આડીઓની ઓથે માળો બાંધીને એક મેનાનું કુટુંબ રહેતું હતું. એ કુટુંબ ગાયન ગાઈને મારું મનોરંજન કરતું. પરંતુ કમભાગ્યે એક સાર્જન્ટને એ પક્ષીનો શોખ લાગ્યો. માદા તો બહુ હઠીલી હોવાથી એને હાથ ન પડી, પણ એ બે બચ્ચાંને ઉઠાવી ગયો. સાંજરે મા માળે આવી, બચ્ચાંને ન દીઠાં, ગભરાઈને એણે કાળી ચીસોથી તેમ જ કરૂણ આક્રંદથી આખું મકાન ગજાવી મૂક્યું. થોડા દિવસ સુધી માળાની આસપાસ ટળવળીને આખરે એણે નિરાશામાં સદાને માટે મકાન તજી દીધું. આ રીતે મારા એ ચોકીદાર કે જેનામાં અંગ્રેજ તેમ જ હિન્દી બન્ને જાતિની નરી પશુતા જ ઊતરી હતી, તેની નિર્દયતાને પ્રતાપે હું એ માયાળુ પંખીની સોબત હારી બેઠો.' '૧૧ મી તારીખની સવારે મારાં બે બચોળિયાં મિત્રો બહાર ફરવા ગયાં હતાં, તે વખતે ઓચિંતી મારી કેદની સજા ખતમ થઈ. ત્વરાભેર મને ગાંસડાં પોટલાં સહિત સ્ટેશન ભેળો કરવામાં આવ્યો. બચોળિયાંની વાટ જોવા જેટલો પણ વખત મને ન અપાયો, કેમકે મારે માટે સ્પેશ્યલ ગાડી રાહ જોતી હતી અને પોલીસ અધિકારીઓએ મને ઉતાવળ કરવાનું કહ્યું, એ બંદીખાનું છોડી જતાં મને મારાં નાનાં બચોળિયાં દોસ્તોનો વિયોગ ઊંડી વેદના દેવા લાગ્યો. મારા કારાવાસ દરમિયાન હું કવિ બાયરનનું 'શીલોનનો કેદી' નામનું કાવ્ય વાંચતો. તેમાંથી આ વિયોગે મને નીચેની કડીનું દુઃખદ સ્મરણ કરાવ્યું: શીલોનના કેદીએ છૂટતી વેળા ગાયું હતું કે–

'આખરે જ્યારે તેઓ આવ્યા અને મારી બેડીઓ ખોલી નાખી ત્યારે તો એ પ્રચંડ દિવાલો મને પર્ણકૂટી સમી થઈ પડી હતી–મારું સર્વસ્વ બની ગઈ હતી. મને લગભગ એમ જ લાગ્યું કે તેઓ આજ મને મારૂં બીજું ઘર છોડાવવા આવ્યા છે. કરોળિયા મારા મિત્રો બની ગયેલા, અને એનો ઉદાસ અબોલ જાળ-ગૂંથણીનો ઉદ્યમ મેં નિરખ્યા કર્યો હતો. ઉંદરોને મેં ચંદ્રને અજવાળે ખેલતા જોયા હતા અને આજનો વિયોગ મને એ બધાના કરતાં ઓછો વસમો કેમ લાગે ! અમે બધાં એક જ ઘરનાં નિવાસી સ્વજનો હતાં અને હું એ દરેક જન્તુની જાતને મારવા જીવાડવાની સત્તા ધરાવતો હતો, છતાં અજબ વાત–કે બધાં સુલેહથી રહેવાનું શીખી ગયાં હતાં. મારી ખુદ બેડીઓ પણ મિત્ર બની ગઈ હતી. લાંબો સહવાસ કેવો આપણને આપણું અસલ સ્વરૂપ ધારણ કરાવી આપે છે ! હું છૂટયો-પણ એક નિઃશ્વાસ નાખીને.'

'પરંતુ આ પ્રકરણ ખતમ કરતા પહેલાં જો હું મને અગાધ બળ તથા સાંત્વન દેનાર બે વિભૂતિઓને વંદના દેતાં વિસરી જાઉં તો તો હું નગુણો ઠરું. એમાં એક હતા પ્રભુ શ્રીકૃષ્ણ, મહાન હિન્દી ગુરૂદેવ જેણે પોતાની ગીતા માંહેલી અમર ગાથાઓ વાટે મને વ્યવહાર-વિઘાના પાઠો ભણાવ્યા; અને બીજો સુવિખ્યાત કવિ હાફીજ, જેણે મને પ્યારના તથા પ્યારને પગલે હમેશાં ચાલી આવતી વેદનાઓનાં ગાન સંભળાવ્યાં. મારી વેદનાઓ પણ પ્યાર- માંથી ( સિદ્ધાંતો તથા સ્વદેશ પ્રત્યેના પ્યારમાંથી) જ જન્મેલી હતી ને તેથી જ હાફિજની આરજૂઓ ને આક્રંદ સીધાં મારા હૃદયના મર્મને સ્પર્શતાં અને મારામાં સાંત્વન ભરતાં. હાફિજને બચપણમાં પિતાજીની સાથે બેસી માણેલો તે કરતાં તો કારાવાસમાં ઘણો ઘણો વધારે રસથી માણ્યો. બીજા અનેક ગ્રંથકારો, જેમના ગ્રંથોએ મારા જીવનની આ પ્રથમ પહેલી એકલદશામાં મને સંગાથ દીધો, તેનું ઋણ પણ હું કેમ ભૂલું ? જેને જેને જીવનની હરકોઈ હાલત વચ્ચે પણ આવી મહાન વિભૂતિઓનો પવિત્ર સમાગમ સુલભ છે, તેણે કદી પણ હતાશ થવાની જરૂર નથી.' સ્વભાવે ઉગ્ર, શરીરે રોગી, સ્થિતિના અમીર અને જાહેર જીવનમાં બિલોરી કાચ શા નિર્દોષ લાલાજીએ આ સરકારી સખતાઈ અને આ અપમાનિત બંદીજીવનમાંથી પણ અપાર જ્ઞાન, શક્તિ અને શાંતિ કામ્યાં અને કારાવાસ દરમિયાન નાનાથી માંડી મોટા સુધી જેની જેની સાથે પનારાં પડયાં તેની સમાલોચના લેવામાં કેટલો સમતોલ વિવેક દાખવ્યો તેનું દષ્ટાંત તો એમણે પોતાના ગોરા દરોગાની સતાવણી પર લખીને લીધું છેઃ

'હું માનું છું કે એ સાચેસાચ દુષ્ટ નહોતો, એકંદર તો એ મારા આરોગ્ય માટે અત્યંત કાળજી બતાવતો, અને મને લાંબી લટારો લેવાનો આગ્રહ કરતો. મને ખરાબ ખોરાક મળે અથવા મને ભાવતી ચીજો ન અપાય એવી કાંઈ એની ઈરાદાપૂર્વકની ગોઠવણ નહોતી; પરંતુ ખરી વાત એ છે કે એ બિચારાને આ તપાસ રાખવાનાં સમય કે સાધન નહોતાં, વળી ત્યાર પછી એને જેલ-સુપરી. તથા સિવિલ સર્જન બન્નેની કામગરીનો બેાજો વધ્યો હતો. મને નથી માલૂમ કે એને રાજદ્વારી કેદીઓની સંભાળ બદલ કાંઈ ફાલતું ભાથું મળતું હતું કે નહિ. જો ન મળતું હોય તો પછી મારી સંભાળની તકલીફ સ્વાભાવિક રીતે એને ન જ ગમે. ઉપરાંત વળી રાજદ્વારી કેદીએાના સંબંધમાં એટલી બધી ખાનગી રાખવાની હોવાથી પણ એની માથાકૂટ વધતી હતી. તે ઉપરાંત એની પ્રકૃતિને વિકૃત કરનાર મોટામાં મોટું કારણ એ હતું કે એ બિચારો જેલનો ઉપરી હતો. એને હજારો કેદીઓ સાથે કામ લેવાનું હતું, એ કેદીઓ પર એની બહોળી સત્તા હતી. એ કેદીઓ તરફ સભ્યતા બતાવવાનું આવશ્યક નહોતું, કેદીની રોજિંદી જરૂરિયાતનો એનો ખ્યાલ એણે રોજના અનુભવ ઉપરથી બાંધેલો હતો એટલે કોઈ પણ કેદી બરફ લેમન અથવા મેવાની માગણી કરી શકે એ તો એને મન ધૃષ્ટતાની અવધિ સમ હતું વગેરે.'

રાજસત્તાએ એને પીંજરે નાખી એનું જોર હણી નાખવાની ગણતરી રાખી હશે. કારાવાસના ગૌરવ તે સમયમાં હજુ સમજાયાં નહોતાં. કાચાપોચાનો જુસ્સો દબાઈ જાય એવો યુગ ચાલતો હતો. પરંતુ લાલાજી તો વજ્રમાંથી ઘડેલા હતા. બહાર આવીને એણે ઈશ્વર પાસે આવી પ્રાર્થના કરી:

'એક હિન્દુ તરીકે પ્રભુ પાસે મારી એક જ પ્રાર્થના છે કે હું ફરી ફરી આ વેદોની ભૂમિમાં અવતાર પામું અને આખી પ્રજાના કર્મ-સમુચ્ચયમાં મારાં અલ્પ કર્મોનો પણ હિસ્સો નોંધાવું.'

પોતે વિજયની કલગીથી વિભૂષિત બનીને બહાર આવ્યા. પંજાબના જાટ ખેડૂતો પર કરવધારાનો જે સરકારી ખરડો લાલાજીના કારાવાસના ઉગ્ર કારણ રૂપ હતો, તે તો સરકારે પાછો ખેંચી લીધો અને છેક પાલૉમેન્ટમાં સુદ્ધાં પંજાબ સરકારની ફજેતી થઈ.