લખાણ પર જાઓ

નરવીર લાલજી/વીરોનો પણ વીર

વિકિસ્રોતમાંથી
← દીનબંધુ બે દેશ દીપક
વીરોનો પણ વીર
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
ધૈર્યનો સાગર →


હથેળીમાં લઈ આત્મસમર્પણની તૈયારી કરી. મહારાષ્ટ્રમાં લો. મા. તિલક જ્વાલા ચેતાવી રહ્યા હતા અને પંજાબમાં ત્યાંની સરકાર જમીન પરનો કર વધારી જાટ કૃષિકારોની કમબખ્તીનો એક ખરડો ઘડતી હતી તેની સામે લાલાજી અને જાટ કોમના નેતા સરદાર અજીતસિંહની જોડલીએ જાહેર મતનો બળવો જગાવવા ઝુમ્બેશ માંડી. લાલાજી તો એના બનારસ મહાસભાના વ્યાખ્યાન પછીથી સરકારપક્ષનાં છાપાંઓએ 'બળવાખોર' શબ્દે ડામી દીધા હતા. એના ઉપર લશ્કરમાં વિદ્રોહ જગાવવાના નિર્મૂલ આક્ષેપો પણ થઈ રહ્યા હતા. સરકાર ચોગમ વિપ્લવના ઓળા દેખતી હતી. એવે વખતે લયલાપૂરમાં જાટોની મેદની મળી. અંગ્રેજ સૈન્યને ઉત્તમોત્તમ સિપાહીઓ જે કોમમાંથી મળતા હતા તે જ આ જાટ કોમની સામે લાલાજીએ જોશીલું ભાષણ કર્યું અને સરકારે સમય વર્તી લીધો. રાવલપીંડીના જે પાંચ નેતાઓને કારાગૃહમાં પૂરવામાં આવ્યા, એ પાંચેને માટે જામીન મેળવવા, ઉશ્કેરાએલા પ્રજાસાગરને શાંત પાડવા, અને જરૂર પડે તો જેલમાં મિત્રોને સાથ કરવા લાજપતરાય યત્નશીલ હતા. સરકારને એક તક સાંપડી.

એક મિત્રે કહ્યું, 'લાજપતરાય, તમારા લયલાપુર ખાતેના ભાષણમાંથી 'રાજદ્રોહ'નું ટીપું નીચેાવવા માટે જમીન આસમાન એક થઈ રહ્યાં છે.'

બીજાએ કહ્યું “કુકા, લોકોના આગેવાન ભાઈ રામસીંગના જેવી તમારી પણ વલે કરવાની ગોઠવણ ચાલી રહી છે.' [ભાઇ રામસીંગ શીખોના એક ધાર્મિક સંપ્રદાયનો નેતા હતો. ૧૮૭૨ માં એને ૧૮૧૮ ના કાયદા નં. ૩ ની રૂઈએ, મુકર્દમો ચલાવ્યા વગર બ્રહ્મદેશ કાળા પાણીએ ઉપાડી જવામાં આવ્યો હતો ત્યાં એ તુરત જ મરણ પામ્યો હતો.]

ત્રીજા મિત્રે સલાહ આપી કે 'ચાલો લાહોરમાંથી નીકળી જઈએ. વાદળું પસાર થઈ જવા દઈએ.'

લાલાજીએ જવાબ આપ્યોઃ 'નહિ, નહિં; એ કાયદાની ચુંગાલમાં આવવા જેવું એક પણ કામ મેં કર્યું નથી. કાયદેસર મને સરકારની આંગળી અડકી શકે જ નહિ. મને કશો ભય નથી. મારા મગજમાં તો એક જ વિચાર ઘૂમે છે કે રાવલપીંડીવાળા પાંચ મિત્રોને માટે હું કાંઈક કરી છૂટું. અત્યારે એ પાંચ જણા બંદીખાનામાં છે ને હું ઘરમાં સુખે નિદ્રા કરૂં છું, એ વિચાર મને જંપવા દેતો નથી. હું રાવલપીંડી જઈને જેમ બને તેમ તેઓની નિકટમાં રહું તો ઠીક.'

લાલાજી જ્યાં આ વિચાર કરે છે ત્યાં એમને ખબર મળ્યા કે એ પાંચે જણાના સ્નેહી–સંબંધીઓ ઇચ્છે છે કે લાજપતરાય દૂર જ રહે તો ઠીક. તેઓનું માનવું છે કે પાંચ જણ પર પડેલી આ આફત લાલાજીની જ રાવલપીંડી ખાતેની હાજરીને આભારી છે અને તેઓ લાલાજી સાથેનો સંબંધ તજી દેવા ઇચ્છે છે. લાજપતરાયે આ માગણીને શિર પર ચડાવી. પરંતુ એનું હૃદય રહેતું નહોતું. એણે પાંચ પરહેજ થયેલાઓને કારાગૃહમાં સંદેશો પહોંચાડ્યો કે 'મારી જરૂર પડે ત્યારે તૈયાર જ ઊભો છું. અત્યારે તો નથી આવતો, કેમકે મને ના પાડવામાં આવી છે.'

પોતાના પર ઘેરાતાં વાદળાંની વાતો વધવા લાગી. ૧૮૧૮નો કાળો કાયદો ઉઘાડીને વાંચી જોયો: માથું ધુણાવ્યું: ના, ના, આમાં વર્ણવેલું કૃત્ય મેં કદિ કર્યું જ નથી, મને પકડે જ નહિ. હું એવો કયો મોટો માણસ !

છતાં અફવાઓ વધવા લાગી. કદાચ ગામતરૂ કરવું પડશે એવું માનીને લાલાજીએ તૈયારી કરવા માંડી. અને શી શી તેયારી કરી ?

૧. પત્ની તો બહાદુર છે. એ નહિ મુંઝાય. એ તો બચ્ચાંને હિમ્મતથી ઉછેરશે. એની મને ચિંતા નથી.

૨. પિતાજીનો પ્રેમ અપરંપાર છે: એ ડોસો ઝૂરીઝૂરીને મરશે ! માટે એના પર હિમ્મત દેનારો પત્ર લખી કાઢું:

' વ્હાલા પિતાજી,

મારી ગિરફતારીની અફવાઓ જોરથી ચાલી રહી છે. એ કેટલી પાયાદાર છે તે ખબર નથી. છતાં આપને વિનયપૂર્વક પ્રાર્થના કરૂ છું, કે મારા પર ચાહે તે વિપત્તિ પડે તોયે આપ ગભરાશો નહિ. અગ્નિ સાથે ખેલનારનું મોં કવચિત દાઝે, તો તેથી શું થઈ ગયું ? રાજસત્તાનાં કૃત્યો પર ટીકા કરવી એ અગ્નિ સાથે રમત રમવા બરોબર છે. મને બીજી કશી ફિકર નથી. માત્ર આપના ઉપર પાછળથી આવી પડનારી મુસીબતોની ચિંતા છે. માટે મને ખાત્રી આપો કે મારી ગિરફતારીથી આપ ગભરાશો નહિ. હંસરાજ, ગુરૂદાસ અને અમોલખરામ જેવા કેદમાં ગયા છે, તો હું બચાડો શી ગણતરીમાં ! ગમે તે થાઓ, પણ કાયરતા દાખવવાનું આ ટાણું નથી, ઊલટું જે કાંઈ ગુજરે તે મર્દની રીતે સહવાનું છે.....……....મને કશી વ્યાકૂલતા નથી. આપ પણ મારી કશી ચિંતા કરતા નહિ.

લી. આપનો નમ્ર સેવક

લાજપતરાય

 

૩. બીજા પ્રાંતોના નેતાઓને તેમજ વિલાયતના મિત્રોને પંજાબની દમન-નીતિ વિષે વાકેફ કરનારા કાગળો લખ્યા.

૪. તે દિવસ અદાલતમાં તો કશું કામ નહોતું, પરંતુ એક અસીલે અમૂક વ્યવસ્થા કરવા માટે રૂા. ૩પ૦ બે દિવસ ઉપર આપેલા, તેની વ્યવસ્થા કરવા પોતે તૈયાર થયા. મોટરગાડીની વરધી દીધી.

ત્યાં તો બે પોલીસ અમલદાર આવીને ઊભા રહ્યા. 'લાલાજી, આપને કમીશ્નર સાહેબ યાદ કરે છે.'

'શા માટે ?'

'એ ખબર નથી.' લાલાજીને લાગ્યું કે લોકોનો ઉશ્કેરાટ શાંત કરવાના કામમાં કદાચ મદદે બોલાવતા હશે, કહ્યું, “હમણાં અદાલતમાં જઈને વળતાં મળી જાઉં છું.'

'પણ લાલાજી, હમણાં જ આપનું કામ છે; થોડી જ મિનિટનું.'

લાજપતરાય વહેમાયા, નક્કી કંઈક આફત છે. સ્મિત કરીને કહ્યું 'બહુ સારૂં, ચાલો મારી ગાડીમાં જ સહુ જઈએ.'

વિપત્તિના પ્રવાસ પર લાજપતરાય સ્મિત કરતા ચાલ્યા. ત્યાં તો સામે બીજા અંગ્રેજ અમલદારોની ગાડીઓ મળી. કૂદીકૂદીને એ બે ગોરાઓ લાજપતરાયની ગાડીની પગથી પર ચડી ગયા. લાજપતરાયે પોલીસ ઉપરી રૂન્ડલને તો પિછાન હોવાથી કહ્યું 'અંદર આવી જાઓને !' બે મિનીટમાં પોલીસ કચેરીએ પહોંચ્યા.

કમિશ્નરે ગવર્નર જનરલ તરફથી આવેલો કાળાપાણીનો હુકમ દેખાડ્યો. હસીને લાજપતરાય બોલ્યાઃ 'તૈયાર જ છું.'

'કેાઈને મળવું છે ?'

'ના રે !'

'કંઈ કાગળ પત્ર લખવો છે ?'

'હા, હા, જરૂર.'

કાગળ, શાહી ને કલમ હાજર થયા, પુત્ર પ્યારેલાલને લખ્યું : 'હું કયાં જાઉ છું તેની ખબર નથી. ક્યારે આવીશ તે પણ જાણતો નથી. તું આ એક કામ કરજે આ સાથે રૂ. ૩૫૦ની નોટો મોકલું છું. તે આપણા અસીલને પાછી દેજે અથવા એ કહે તેવી વ્યવસ્થા કરજે. બીજા થોડા મુકદ્દમાઓ ચલાવવાનું મેં અસીલોને વચન દીધું છે તે તેઓ કબૂલ થાય તો તું ચલાવજે. મોટાબાપુને હિમ્મત દેજે, એની આજ્ઞામાં રહેજે !'

કાગળ બીડી, પોલીસને આપી, પોતે પોલીસની ગાડીમાં બેઠા. ડેપ્યુટી કમિશનર પોતે જ મોટર હાંકતો હતો. ડે. પો. સુપ્રી. રીવોલ્વર લઈને બાજુમાં બેઠો હતો. પાછળની બેઠકમાં લાલાજીને પડખે ફોજદાર બેઠો હતો.

સ્વસ્થ લાલાજીએ તે વખતે ત્યાં ઊભેલા એકના એક દેશબાંધવને-પોલિસ ઈન્સપેકટરને સલામ કરી, આગળ વધ્યા પુલ ઓળંગતાં તો એણે એક મોટું સૈન્ય પોતાની તરફ આવતું દીઠું. યુરોપી અને દેશી : પેદલ અને ઘોડેસ્વાર: સાથે થોડું તોપખાનું ! આ બધું લાલાજી પર જાપ્તો રાખવા માટે! જોઈને કેદીના હૈયામાં હસવું આવ્યું, પરંતુ હાસ્ય એણે રોકી લીધું. * * * * કોટડીમાં પુરાઈ ગયા.

સંપૂર્ણ સ્વાસ્થ્ય સાચવ્યું : કશી જીકર, પૂછપરછ, ઉગ્રતા અથવા દહેશત નહિ, એકે રેખામાં કે રૂંવાડામાં પણ ઉશ્કે રાટ નહિ. જાતે વૈશ્ય: ધર્મે મૂળેથી જૈનઃ શાણા ઠરેલા વૈશ્ય રીતે લાલાજીએ ભાઈ રામસીંગની વલેને ભેટવા કાળાપાણીની મુસાફરી આદરી. દુકાન વધાવી લેતો ડાહ્યો વણિક પાઈ યે પાઇની વ્યવસ્થા કરીને વેપાર સંકેલી લે, તેટલી સ્વસ્થતા લાલાજીએ આ નવા જીવન-પ્રવાસે પળતી વેળા બતાવી. રાતે કારાગૃહમાં એકલા પડતાની વારજ આત્મનિરીક્ષણ આરંભ્યું. એના જ શબ્દો ટાંકીએ:

'પ્રથમ પહેલાં તો મેં પરમાત્માનો પાડ માન્યો કે હું પરહેજ થતી વેળા કૌટુંબિક કરૂણ નાટ્યપ્રવેશોમાંથી બચી ગયો; પત્ની અથવા બચ્ચાં તે સમે હાજર હોત તો ન બચાત. પિતાને માટે હું દિલગીર હતો, પરંતુ એમના ચારિત્ર્યના બળ ઉપર તેમજ સંકટ વેળાની એમના ચિત્તની સ્વસ્થતા ઉપર મને એટલી બધી શ્રદ્ધા હતી કે એમની વ્યાકૂળતાનો વિચારભાર મારા મન પર બહુવાર ન રહ્યો. પત્ની અને બચ્ચાંને તો પિતાની ગોદમાં સુરક્ષિત માન્યાં. એ રીતે કુટુંબના વિચારમાંથી મનને મુક્ત કરી લીધું. પછી મેં મારૂં નૈતિક તથા માનસિક બળ માપી જોયું. મને લાગ્યું કે એ બળ તૂટવાની જરીકે ધાસ્તી નહોતી. બચપણથી જ જગત્કર્તાના ડહાપણમાં મને આસ્થા હતી, ઉપરાંત ચાહે તેવી કટ્ટાકટીમાં પણ મને ટટ્ટાર રાખનાર ફાજલ આત્મશ્રધ્ધાની ઝીણી દીવી મે મારામાં બળતી દીઠી.

'આ રીતના આત્મનિરીક્ષણમાંથી નહાઈધોઈને હું જીવનમાં પૂર્વે હતો તેથી સવિશેષ બળવાન ને નિશ્ચયવાન થઈ બહાર નીકળ્યો. અંતમાં પ્રભુને પ્રાર્થના કરી કે હે પિતા ! મર્દનો સીનો રાખવાની મને શક્તિ દેજે ! અને મારા સ્વદેશનું હિત જરી પણ જોખમાય તેવું કશું પગલું જાણે અજાણે પણ ભરવાના પ્રલોભનમાંથી મને ઉગારી લેજે !'

*

આત્મનિરીક્ષણ પૂરૂં થયું. પછી સાંભરી સરકાર. સરકારની આ ચાલબાજી પર લાજપતરાય હસી પડ્યા. સરકારને એના જાસૂસોએ આવી સજ્જડ થાપ દીધેલી દેખીને લાજપતરાયને બડી રમૂજ ઉપજી.

સૂર્યદેવ નમ્યા, કારાગૃહના દ્વાર પરના તાળામાં ચાવી ફરતી સંભળાઈ અને અવાજ આવ્યો: ' લાજપતરાય !'

આવનાર મનુષ્ય ડીસ્ટ્રીકટ સુપરીન્ટેન્ટેન્ડ મી. રૂન્ડલ હતા. એણે કહ્યું 'બહાર નીકળો' લાલાજી નીકળ્યા. મોટર તૈયાર હતી. બેસી ગયા. મોટર ચાલી સ્ટેશન આવ્યું. પરોણાને માટે એક સ્પેશયલ ટ્રેન ઊભી હતી. હુકમ મુજબ કેદી ડબ્બામાં ચડ્યા.

મી. રૂન્ડલ બેાલ્યા ' લાજપતરાય, સાંજની સલામ !'

'સલામ તમને પણ !' કેદીએ સ્વસ્થ ઉત્તર દીધો.

અને ગાડી સુસવાટા મારતી લાહોરની સીમ વટાવવા લાગી. લાલાજી લખી ગયા છે કે 'હું માત્ર ટૂંકી મુસાફરીએ જતો હોઉં, એવી સાક્ષી મારૂં અંતઃકરણ પૂરતું હતું. લાહોરને જીવનની છેલ્લી સલામ કરતો હોઉં એવું મને તે દિવસે થયું જ નહોતું.'

*

આર્યાવર્તનો કિનારો પણ અદૃશ્ય થયો, કલકત્તાથી ઉપડેલી નૌકાએ અગાધ પાણીમાં પંથ કાપવા માંડ્યો અને કેદી ઉપર એના ગોરા ચોકીદારોની સતાવણી શરૂ થઈ ગઈ સ્વજનોના વિયોગની અને જન્મભૂમિના અદર્શનની ઊંડી વેદનામાં પહેરગીર પોલીસ કમીશનરે આપેલા અપમાનભર્યા વર્તાવનો વધારો થતો ગયો. પરંતુ મૂળ પ્રકૃતિ તો ઘડીઘડીમાં છેડાઈ જવાની હોવા છતાં લાજપતરાયનું વીરત્વ તે દિવસે પોતાના સંગી સમુદ્ર જેવું જ અક્ષુબ્ધ બની ગયું. પછી ઇરાવદી નદીના આરા વચ્ચે નૌકા દાખલ થતાં તો કેદીએ બ્રહ્મદેશી પુરૂષો, એારતો અને બાળકોના ચહેરા દીઠા. અંતરમાં માધુર્ય ઉભરાવા લાગ્યું. એ કહી ગયા છે કે–

'હું નથી સમજતો કે તે ક્ષણે જ મને શા કારણે બ્રહ્મદેશની ભૂમિ અને પ્રજા પ્રત્યે માયા ઉપજી. કદાચ મારે એ લોકોની દિલસોજી પર જીવવું હતું તેથી; કદાચ મને એક એશિયાવાસી તરીકે આ પ્રથમપહેલો એશિયાઈ મુલક જોતાં આખા એશિયા ખંડની પ્રજાની પરાધીનતાનું સ્નેહભીનું સ્મરણ થયું તેથી અથવા બ્રહ્મદેશે પોતાનો ધર્મ આર્યાવર્ત પાસેથી મેળવ્યો હોઈને મારો તેના પ્રતિ ભાતૃભાવ જાગ્યો તેથી. ગમે તેમ હો, મને ન લાગ્યું કે હું અજાણ્યા દેશમાં આવી પડ્યો છું.' સાચો વીર એ, કે જે સાચો વીતરાગ થઈ શકે, કાળાપાણીની સજા ભોગવવા સંચરતા લાજપતરાયની આ રીતે વીતરાગ- દૃષ્ટિ ઊઘડી ગઈ. પરંતુ ખરી કસોટી હજુ ચાલી આવતી હતી. એ પોતે જ નેાંધી ગયા છેઃ

'લાહોરથી માંડલે સુધીની મારી આખી મઝલમાં મારા હિન્દુ ને મુસ્લિમ બન્ને કોમના પોલીસ ચેકીદારોએ મને પ્રેમથી જ નવરાવ્યો છે. એક ખૂબસુરત ચહેરાવાળા નૌજવાન મુસ્લિમ કોન્સ્ટેબલની ઊંડી માયા હું કદી નહિ ભૂલું. મારી વિપત્તિ પર એ રડતો હતો. પોતાની અને માતૃભૂમિની લાઈલાજીને એ કરૂણ શબ્દે ગાતો હતો. બીજો એક જણ બર્માનાં ઝમરૂખ લાવીને મને આપી ગયો. મેં એને રીઝવવા થોડાં લીધાં. એણે જીદ કરી કે 'ના, બધાં જ લો. કોને માલૂમ કદાચ આપનું દર્શન છેલ્લી વારનું હશે !' મેં કહ્યું 'ભાઈ, હિમ્મત ધર, પ્રભુ પરની આસ્થા ન છોડ. મારો અંતરાત્મા બોલે છે કે હું તુરતમાં જ પાછો વળીશ.' મારા શબ્દો સાંભળીને હર્ષગદ્દગદિત બનેલા એ પોલીસે મારા પગ ઝાલી લીધા. આજ જીવનમાં પહેલી જ વાર, પાશ્ચાત્ય સુધારાના દંભી ચળકાટથી અલિપ્ત રહેલી એવી હિન્દી હૃદયની ભવ્ય નિર્મળતા એના સંપૂર્ણ અને શુદ્ધ સ્વરૂપે મારા આત્મા પર છવરાઈ ગઈ. આ એક હિન્દી : મારો વિધર્મી : ગરીબીમાં પિસાયેલી ખેડુ કોમમાંથી વખાનો માર્યો સાત આઠ રૂપિયાની અધમ નોકરી કરવા આવેલો આ ગામડિયો : મારા પ્રતિની વેદના બતાવવાને માટે પોતાનો રોટલો કુરબાન કરવા તૈયાર થયો. આ મુસલમાન સિપાહીઓને મારા વિધર્મી ગણીને મારા પર ચોકી કરવા મોકલનાર સત્તાધીશે કેવી થાપ ખાધી !.... …...માંડલેમાં એ બધાથી જુદા પડતાં મને ઘણી વેદના થઈ.'

'અરે ! આ મારા પગમાં કેાણ પડ્યું !'

'મેં જોયું તો ગોખલેજીના હિન્દ સેવકસમાજવાળા ભાઈ દેવધર : સ્ટેશન છોડું તે પહેલાં તો એ મારા પગમાં બાઝી પડ્યા છે; ઓચીંતો, મારા કાળાપાણીના સ્ટેશન પર, એ મિત્રના હાથનો મીઠો સ્પર્શ લાગતાં હું રડી ઉઠત. માંડ માંડ મેં મારા હૃદયને રૂંધી રાખ્યું. પલવાર તો મને ભય લાગ્યો કે ખુદ ગિરફતારી અને હદપારીથી જે સંયમ મેં નથી ખોયો તે આ કદી ન ધારેલા મિત્રના ઓચીંતા સ્નેહલ સ્પર્શથી હું ગુમાવી બેસીશ. પરંતુ દેવધરભાઈ મારા પગને હજુ અડક્યો ત્યાં તો પોલીસ ઈન્સપેકટર દોડ્યો આવ્યો : એને લાગ્યું કે દેવધર મને છૂટો કરવા મથે છે ! એણે મારૂં કાંડું ઝાલ્યું અને એક ગોરા સાર્જન્ટે દેવધરને ઝટકો મારી મારા પગેથી જુદો પાડ્યો. એ મિત્રના આલિંગન પ્રત્યે મારાથી કેવળ મૂંગા જ નમન દઈ શકાયા. કેમકે મારા હાથ ઈન્સપેકટરના હાથમાં ઝકડાએલા હતા.'

*

'લાજપતરાય ! આ હજામને હજામતના પૈસા કેમ ચૂકવતો નથી ?' માંડલેની જે કિલ્લામાં લાલાજી કેદ હતા તે કિલ્લાના ગોરા દરોગાએ બૂમ મારી. 'મારી સમજ એવી છે કે ૧૮૧૮ ના ત્રીજા કાયદા મુજબ સરકારે જ એ પૈસા ચૂકવવાના છે, કેમકે એ કાયદાની રૂઈએ રાજદ્વારી કેદી તરીકે મારા દરજ્જા પ્રમાણે મને ભરણપોષણ દેવા સરકાર બંધાયેલી છે.' કેદીએ શાંતિથી જવાબ વાળ્યો.

'બિલકુલ નહિ, હું આવો કોઈ કાયદો જાણતો નથી. બાકી તો મારો શબ્દ એજ આંહીં કાયદો છે અને હજામત તો વૈભવની વસ્તુ છે. તારે હજામત કરાવવી જ જોઈએ એવી ક્યાં જરૂર છે ? સરકાર એવા મોજશોખના પૈસા નહિ આપે. મુસલમાન પોતાનું માથું મુંડાવવાની માગણી કરે એ તો સમજી શકાય તેવી વાત છે, પણ તારે હિન્દુને વળી દાઢી બોડાવવાની શી જરૂર હોય ! ઘેર શું તું દાઢી નહોતો વધારતો ? ત્યાં શું તું હજામ પાસે બેસતો? હોય નહિ.'

જવાબની રાહ જોયા વિના ઉપરાઉપરી આવા સવાલોની ઝડી વરસાવનાર એ દરોગાને ભાન નહોતું કે હજામત જેવી ક્ષુદ્ર વાતમાં એક અત્યંત પ્રતિષ્ઠાવંત હિન્દી ઉપર એ જૂઠનું આળ મૂકતો હતો. કેદીનું પંજાબી સ્વમાન આ આક્ષેપનાં બાણથી વીંધાતું હતું, પણ અપમાનોને લાલાજી વીરને છાજતી રીતે ગળી ગયા.

જૂન મહિનો હતો . માંડલેની ગરમી અસહ્ય હતી. પંખા તો બન્ને ઓરડામાં લટકતા હતા, પણ એ તાણનાર કોઈ નહોતું. લાલાજીએ એક પંખો ખેંચનારની માગણી કરી. એ માગણી સાંભળીને ગોરો દરોગો તો ચકિત જ થઈ ગયો. 'આંહીં માંડલેમાં તો કોઇ પંખા ખેંચનાર રાખતો કેદી જાણ્યો નથી. તું નવી નવાઈને આવ્યો છે !'

'સાહેબ, મારે ખર્ચે રાખવા દો. મારાથી ઊંઘી શકાતું નથી.'

ઉનાળાના દિવસેામાં ખુલ્લા ચોગાનમાં સૂવા ટેવાયેલ કેદીને છાપરાબંધ મકાનમાં પંખા વગર ઊંઘ આવતી નહિ. આખી રાત હાથમાં પંખો લઈ બેઠા રહેતા. વચ્ચે જરીક ઝોલું આવી જાય ત્યાં પંખો હાથમાંથી પડી જાય. ગરમી થવાથી જાગી જવાય. ફરી પાછો પંખો ઉપાડીને જાગવાનું ચાલે. તે છતાં ફરી કોઈવાર એણે પોતાની એ માગણી બતાવી જ નહિ, છાનામાના સહ્યા જ કર્યું.