નિરંજન/દાદર પર

વિકિસ્રોતમાંથી
← પ્રત્યેક મહિને નિરંજન
દાદર પર
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૬
દીવાનસાહેબ →


5
દાદર પર

બાપાએ લખી મોકલેલ ઠેકાણું શોધતાં નિરંજનને લાંબો સમય લાગ્યો. કોઈ રસ્તે ચાલનારાની મદદથી જ્યારે મકાન જડ્યું, ત્યારે નિરંજનથી સહજ બોલાઈ ગયું: “અહીંથી તો હું દસ વાર જોતો જોતો પસાર થયો હતો!”

પેલો મદદગાર આ બોલ સાંભળીને સહેજ થંભ્યો, નિરંજનની સામે તાકી રહ્યો, ચશ્માં જરા ઉતારી લીધાં ને પછી મોંનો એક ખૂણો ત્રાંસો કરીને પૂછ્યું: “વિદ્વાન લાગો છો !”

વિદ્યા ઉપર વ્યંગ થયો સાંભળી નિરંજનનું મોં પડી ગયું. ત્યાં તો – “એ કવિરાજ, કેળાંની છાલથી સંભાળજો, હો કે?” – એટલો છેલ્લો ગોળીબાર કરીને મદદગાર નાક પર ચશ્માં ગોઠવતો ચાલ્યો ગયો. નિરંજને પોશાક પરથી અનુમાન કર્યું કે કોઈક કચ્છી મિસ્ત્રી હશે. મુંબઈના ફૂટપાથ ઉપર પડતી કેળાની છાલ, પોતાના ઉપર અજાણ્યે પગ મૂકનાર અનેક 'કવિરાજો' કહેતાં શૂન્યમનસ્કોને પૃથ્વીના દંડવત્ પ્રણામ કરવા ફરજ પાડે છે એ તો જાણીતું છે.

ઉપરથી અપમાન થયું સમજતો, છતાં અંતરથી પોતાની શૂન્યમનસ્ક સ્થિતિનો વિચાર કરતો નિરંજન 'રમામહાલ’નાં પગથિયાં ચડવા લાગ્યો. એક સીડી ઓળંગી ત્યારે એણે ઉપરથી એક પરિચિત વ્યક્તિને નીચે ઊતરતી દીઠી. પણ હમણાં જ પેલી હાંસી થઈ હતી તેથી પોતે એટલી બધી સાવધતા રાખીને પગથિયાં ચડતો હતો કે છેક ભટકાતાં સુધી એણે સામે આવનારનું મોં ન જોયું. સામેથી અવાજ આવ્યો:

“ટેઈક કેર! કોલિઝન!” (સાચવીને ચાલો! અથડામણ કરી ન બેસતા!)

બોલનાર ઓળખાયો: હોસ્ટેલની પેલી અળખામણી ક્લબનો એ સેક્રેટરી જુવાન જ હતો. નિરંજનને પેલો, પોતાનો હુડકારનો દિવસ યાદ આવ્યો. આ માણસ તેને તે દિવસથી ગમતો નહોતો, એટલે નિરંજન એનાથી કાયમ તરીને જ ચાલતો. કોઈ કોઈ વાર એની નજીક થઈ જવાનું બનતું, ત્યારે નિરંજનને નાકે એનાં સુંદર રેશમી કોટપાટલૂનમાંથી હિનાના અત્તરની ભભક છંટાઈ રહેતી. અનેક વાર નિરંજન એના જુદા જુદા પોશાકો સામે તાકતો પણ હતો. રોજ સાંજે હાથમાં રેકેટને રમાડતો આ ફાંકડો સેક્રેટરી ફલાલીનના પાટલૂન પર નેવી-બ્લ્યૂના ખેલાડી ડગલાની અકબંધ ગડીઓવાળી બાંયો લોડાવતો નીકળતો, ત્યારે અણગમો હોવા છતાંયે નિરંજનનાં નેત્રો એ ફાંકડા સેક્રેટરીની દેહશોભાની પાછળ પાછળ ઘણે દૂર સુધી ચાલ્યાં જતાં. એકાદ વાર તો નિરંજનને આ માણસના પોશાક પર પોતાનો હાથ ફેરવી જોવાની પણ ગુપ્ત ઇચ્છા થઈ આવેલી. ઘણી વાર એને વિચાર ઊપડતો કે, મને આ બધું નથી મળતું તેથી તો હું એ ભભકા કરનારાઓનો નિંદક નહીં બન્યો હોઉં ને?

પણ અહીં ‘રમામહાલ'ની સીડી પર નજરે પડેલો એ સેક્રેટરી જુવાન કંઈક જુદા જ સ્વાંગમાં સજ્જ થયેલો હતો. સામાન્ય એક ધોતી, તેના ઉપર જૂના કોઈ પીળા કપડાનો લાંબો કોટ, ધોબીએ કેટલીય વાર ધોઈ ધોઈ ચૂંથી નાખેલ એ કોટનો કોલર, અંદર સાદું, સહેજ કરીને ફસકાઈ ગયેલું ખમીસ, ને માથા પર સફેદ ખાદી ટોપી. નિરંજનને અજાયબી લાગી, છતાં કોણ જાણે કેમ પણ આ પોશાકેય પેલાને ભળતો હતો. એને છટાથી પહેરતાં આવડતું હતું. કોઈકના ભરેલા બદન પર બંધબેસતાં સાદાં કપડાં તરફ પણ હરકોઈ દૂબળા દેહના આદમીને ઈર્ષ્યા આવે છે.

પણ આ ભાઈસાહેબ આજે આવે વેશે અહીં શા માટે? પૂછવા કરવાની તો નિરંજનને ટેવ નહોતી. ફક્ત 'કેમ છો?'થી જ પતાવ્યું.

પણ પેલો એમ શે પતાવે? એણે પૂછ્યું: “કેમ? અભિનંદન દેવા ક્યારે આવું? ઉજાણી ક્યારે આપો છો?”

“શાની ઉજાણી?”

“એન્ગેજમેન્ટની (સગાઈની).”

“શું બોલો છો? શાનું એન્ગેજમેન્ટ"

“મિસ સુનીલા જોડેનું !”

નિરંજનની જીભ પર વિસ્મયનો પથ્થર ચંપાયો. પેલાની જીભને તો નિરંજનના મૌને પાનો ચડાવ્યો.

“સરસ જોડી થશે. ખરેખર, એકની પ્રતિભા અને બીજીનું સૌંદર્ય, બેઉનો મેળ જામી જશે. પણ બર્નાર્ડ શૉએ પેલી નર્તકી ઈઝાડોરા ડંકનને જવાબ આપ્યો હતો તે યાદ કરજો, હો નિરંજન – કે કદાચ એની પ્રતિભા અને તમારું સૌંદર્ય ભેગાં મળીને એક વિચિત્ર રસાયન ન કરી બેસે!”

નિરંજનની છાતી ધડક ધડક થતી હતી. એના દેહમાં શોણિતનો ચરુ ઊકળી ઊઠ્યો. એણે આ મશ્કરીમાં પોતાની સમગ્ર માનવતાનું અપમાન દીઠું. પણ એના હાથને તો પિતાજીએ સહુને જે જે કરવાને જ પળોટેલા. એ હાથ પોતાની સામે તૈયાર પડેલા ગાલો પર પણ ન ઊપડી શક્યા. એ હાથની આંગળીઓથી મુક્કીઓ ન ભીડી શકાઈ. એ એક ઘડીએ એને જગતનો એક પામર, વીર્યહીન, ચગદાતો જંતુ, પથ્થરનો પાળિયો બનાવ્યો. દુઃખને પી જનારા સો પ્રસંગો સારા છે; હાંસીજન્ય અપમાન ને નરી નાતાકાતને કારણે ભોગવી લેવાની એકાદી પળ પણ અગ્નિશયન સમી છે. માનસિક કંગાલિયત સમું કોઈ દુઃખ નથી, કોઈ વિષ નથી, કોઈ મૃત્યુ નથી.

જાણે ડુંગરા ઓળંગતો હોય તેમ એ બે-ત્રણ પગથિયાં ચડી ગયો, ને ચોથા પગથિયા પર પગ ઠેરવવા મથ્યો ત્યાં તો નીચેના સાતમા પગથિયાથી ફરી મજાકનો અવાજ આવ્યોઃ “સંભાળજો હો ! રસાયન બગડે નહીં !”

દુનિયા કહે છે કે, 'પછી તો કીડોય બદલે છે'. માનવજાત માંહ્યલો કીડો નિરંજન પણ બદલ્યો. એ ફર્યો. ધબ ધબ ધબ એ પગથિયાં ઊતર્યો; પોતાના પ્રતિસ્પર્ધીની સામે જઈ ઊભો, પૂછ્યું: “શું કહ્યું?”

સેક્રેટરીનું ખેલાડી બદન ટટાર થયું. એણે હાથ ઊંચકીને, નિરંજનની છાતીમાં ગોદા મારતે મારતે, પોતાના વાક્યમાં વિરામચિહ્નો મૂકતો હોય એવી અદાથી, ક્રમે ક્રમે કહ્યું:

"કહેતો હતો – કે મિસ સુનીલા છે ને – તેમની જોડે આપનો લગ્નસંબંધ થાય – ત્યારે એક ઉજાણી આપો, ને બીજું તમારી જુગલજોડલીના જોડાણમાંથી – કોઈ વિચિત્ર રસનું રસાયન ન થઈ બેસે – તેટલા પૂરતા સાવધ રહો!”

ઉપરના વાક્યમાં અમે જે ચિહ્નો કર્યા છે, તે વિરામચિહ્નો નથી, પણ સેક્રેટરીની આંગળીના, નિરંજનની છાતીમાં જે ગોદા વાગ્યા તેની નિશાનીઓ છે.

“ફરી કહો જોઉં?” નિરંજનનું ઝનૂન આથી આગળ ન ચાલ્યું.

"ફરી? – ફરી કહું?” સેક્રેટરીએ નિરંજનનો ડાબો હાથ પકડીને પોતાનાં બે આંગળાંનાં ટેરવાં વચ્ચે મસળ્યો: “ફરી કહું છું કે, સુનીલાની પછવાડે જવું છોડી દેજે; સુનીલા મારી છે, સમજ્યો?”

નિરંજનના કાનને એણે આંગળાં વડે વળ ચડાવ્યો.

ત્રીજા માળથી પડતા માણસને જો એક ખીટી પણ હાથમાં આવી ગઈ, તો તો એ બચ્યો; નહીં તો એનો નાશ થાય છે. નિરંજન તે ક્ષણે જીવનની ટોચથી લસર્યો હતો. એક ક્ષણ જો વીતી જાત તો તો એનો પત્તો ન લાગત. પણ એના માર્ગમાં આધાર મળ્યો. એણે પોતાનો હાથ ઉપાડ્યો, વિરોધીના શરીર પર ચલાવ્યો. વિરોધી એના હાથને તરછોડી ફેંકી નાખે અથવા પકડીને મરડી નાખે તે પહેલાં તો નિરંજનના હાથમાં વિરોધીના કોટનો કોલર આવી ગયો. કોલર પર એ હાથે મડાગાંઠ વાળી.

“લે લે લે!” એમ બોલતો વિરોધી નિરંજનના માથાની, ગરદનની, છાતીની, પેટની, કમરની, તમામની પોતાના મુક્કા વડે ખબર લેવા લાગ્યો. પણ નિરંજનના હાથની મડાગાંઠ એના કોલર પરથી ન છૂટી. ફક્ત કોલર, ફક્ત કપડું જ એ હાથમાં હતું. એ હાથ પ્રતિસ્પર્ધીને કશી જ ઈજા ન કરી શક્યો. પ્રતિસ્પર્ધીએ તો નિરંજનને મારી મારી ખોખરો કરી નાખ્યો. છતાં નિરંજનના હૃદયમાં શારીરિક વિજયની પહેલી ભાવના પ્રગટ થઈ ચૂકી. 'જે જે' કરવા ટેવાયેલા હાથે આજે નવું કશુંક કરી દેખાડ્યું.

ઉપરથી દાદરનાં પગથિયાંએ કોઈકના ઊતરવાનો અવાજ દીધો. કોઈક ગાતું ગાતું ઊતરતું હતું.

નીચે ઊભેલા પ્રતિસ્પર્ધીએ ઉપરથી ઊતરનારનો અવાજ પારખ્યો.

એણે કહ્યું: “છોડ !”

“નહીં છોડું !” નિરંજનના મોં પર ચડેલું લોહી જાણે યુદ્ધની રાતી પતાકાઓ ફરકાવતું હતું.

નીચે ઊતરનારું નજરે પડ્યું. સ્ત્રી હતી. નજીક આવતાં ઓળખાઈ - એ સુનીલા હતી.

સેક્રેટરીના હાથ નિરંજનના શરીર પરથી અળગા થયા. નિર્દોષ સજ્જન જેવો બનીને એ ઊભો રહ્યો.

નિરંજનના લલાટ પર વીખરાયેલા વાળની જાળી થઈ ગઈ હતી. નિરંજનની આંખો પર એ જાળીનો પડદો થયો હતો. જાળી વાટેથી એની નજર આવનારને ન ઓળખી શકી. આંખોમાં રતાશ ઊભરાઈ હતી. શરીર કંપતું હતું. શત્રુનો કોલર એણે ન છોડ્યો.

સુનીલાએ મવાલિયતનું દ્રશ્ય જોયું.

"જુઓ છોને?” પ્રતિસ્પર્ધીએ, આ હેવાનિયતની જવાબદારી કયા મસ્તક પર છે તેનું, સુનીલાને ગર્ભિત સૂચન કર્યું.

“કોણ, નિરંજન?” સુનીલાએ ઓળખ્યો.

નિરંજન કદાચ કશુંક બોલી નાખશે એ બીકે પ્રતિસ્પર્ધીએ પાણી આડે પાળ બાંધી: “બધુંય સહેવાય, સુનીલા ! પણ તમારું અપમાન, તમારા વિશેનો વિપરીત ખ્યાલ, તમારી સસ્તી મુલવણી, મારાથી ન સહેવાઈ. તમે એને માટે કાલે જે કર્યું, તેનો શું એણે આવો અર્થ બેસારી નાખ્યો?”

સુનીલા શબ્દ પણ ન બોલી. માથા પરથી સરી પડેલી સાડીને એણે સરખી કરી. કશુંક લજ્જાસ્પદ, ધૃણાજનક, પુરુષને ન છાજે તેવું જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે સ્ત્રીનો મૂંગો તિરસ્કાર આ રીતે પ્રદર્શિત થાય છે. સ્ત્રી પોતાનાં વસ્ત્રો સંકોરી લે છે. સ્ત્રી જાણે, કે પોતાની માનસિક રક્ષા ધારણ કરે છે. પોતાની ઈજ્જતના દીવા આડે પાલવ ધરી બહારની હવાથી દીવાને ઓલવાતો રોકે છે.

એ ચાલી ગઈ. ઉપર એક મકાનનાં કમાડ બિડાતાં સંભળાયાં. નિરંજનના માથામાં આ નવા દાવથી તમ્મર આવ્યાં. એણે પેલાનો ડગલો છોડી દીધો.

વિજયી પ્રતિસ્પર્ધી હસતો હસતો, બાકી રહેલું અપમાન પૂરું કરતો ચાલતો થયો.

નિરંજન એકલો પડ્યો, ગમ ખાઈ ગયો. આ શું? સુનીલા અહીં ક્યાંથી? હું મકાન તો ભૂલ્યો નથી? દીવાનસાહેબને શોધવાના બહાના તળે મારું મગજ કોઈ બીજી જ શોધ તો નહોતું, કરી રહ્યું?

પોતે હસ્યો: નાહક વિચારો આવ્યા, એમાં શું? એ અહીં રહેતી હશે, ને દીવાનસાહેબના યજમાન પણ અહીં રહેતા હશે.

પણ આજે સુનીલાના હૃદયમાં કેવી કાળી છાયા પડી હશે? પેલાએ સુનીલાની હૃદયકુંજમાં કેવો ઝેરી નાગ રમતો મૂકી દીધો ! ને એનું કહેલું તો જરૂર જરૂર માન્ય ગણાશે. મારા પ્રત્યેના ગઈ કાલના ઉપકારને સુનીલાના હૃદયના અનુરાગે રંગાયેલો માની લઈ જરૂર મેં એવી ડંફાસ મારી હશે, એમ માનવું મારે માટે – એક કોલેજિયનને માટે – શું નવું છે?

એમ એક પછી એક તમામ વિચારો પોતપોતાનો હવાલો આપતા પસાર થઈ ગયા ત્યારે છેવટે એક જ ભાવ, બજી ચૂકેલા ઘંટના ગુંજારવ સમો, તેના અંતરમાં રમતો થયો. સાચે જ શું, મારામાં મારું લોહી તપવા જેટલો અગ્નિ હજુ રહ્યો છે? આજે મારાથી ચડિયાતું શરીરબળ છો મને છૂંદી ગયું. પણ મેં કેવળ માર ખાઈ જ લીધો નથી. એના મારથી મારું મનોબળ તૂટી નથી પડ્યું. મેં એના કોટનું ગળું ઝાલ્યું હતું. ને કોટના ગળાથી દેહનું ગળું ઝાઝું દૂર નથી હોતું. કાલે મામલો ઊભો થશે તો મારો પંજો એટલા અંતરને પણ વટાવી શકશે.

એ મનોભાવે એને માણસાઈ આપી. નિરંજન જાણે કોઈક રૂના ઢગલામાંથી બહાર નીકળ્યો. નાનપણથી માંડી તે દિવસ સુધી એણે ન ગણાય તેટલાં અપમાનો ગળ્યાં હતાં. સામે નહોતો ઊઠ્યો તેથી દુનિયાએ એને ભલો, ભદ્રિક, વિનયી, સુશીલ કહ્યો હતો. એ એક પાખંડ હતું. પોતે મારની સામે માર, ગાળની સામે ગાળ, અપમાનની સામે અપમાન રોકડું ચૂકતે કર્યું નહોતું, કેમ કે એ કરવાની હિંમત નહોતી. ગાળો એના હોઠ પર ફફડી ફફડીને ચાલી ગઈ હતી. અપમાનના બોલ એની જીભના ટેરવા પર તમતમતા રહ્યા હતા. અને પોતાને મારી જનાર ગામના છોકરાઓની ગરદનને પોતે પોતાના હાથ વચ્ચે કલ્પી કલ્પી અનેક વાર હાથ દબાવ્યા હતા. પોતાને ત્રાસ દેનાર બાળકનાં પિતામાતા કે બહેનભાઈ મરી જતાં તો પોતે મનમાં રાજી થયો હતો. એક છોકરાનું ઘર બળી ગયું તે વખતે પોતે એ સળગતા ઘરના ભડકાઓને અજવાળે ચોપડી પણ વાંચી હતી !

આજે એને ભેદ સમજાયો કે હિચકારાપણું કોને કહેવાય ને મર્દાનગી કોને કહેવાય.

એનો વિજયી હાથ વાળ પર ફરી વળ્યો. કપાળ ખુલ્લું થયું. કપડાં ઉતરડાયાં હતાં તે તો શરમની વસ્તુ મટી જઈ ગર્વની નિશાની બની.

એણે ઉપર જઈ ઘંટડીની ચાંપ દાબી.