લખાણ પર જાઓ

નિહારિકા/અંતરના સ્નેહ

વિકિસ્રોતમાંથી
← પનઘટ નિહારિકા
અંતરના સ્નેહ
રમણલાલ દેસાઈ
મુજ અંતર ડગમગ થાય →


અંતરના સ્નેહ


૦ ગરબી ૦

આશાવરી-અગર-સ્નેહીનાં સોણલાં આવે સાહેલડી

અંતરના સ્નેહ સખી કોણ કોણ ઝીલશે ?
ઉરમાંહ્ય પ્રેમપૂર ઊભરાયાં જાય.
છાનાં છાનાં અશ્રુ સખી કોણ કોણ વીણશે ?
નયણાંના નીર કોથી ખાળ્યાં ખળાય?

સાખી]

એકલડી મુજ જાતડી અંધારે અટવાય;
સ્નેહ નિરર્થ વહી જતો;
મારે હૈયે નિઃશ્વાસ ના સમાય રે સાહેલડી !
ઉરમાંહ્ય પ્રેમપૂર ઉભરાયાં જાય.

વસંતતિલકા

અશ્રુ સમાં હૃદયનાં સુલલિત પુષ્પો
ભાવામૃતે ટપકતાં જ વીખરાઈ જાયે !
કો પ્રેમી માળા કહીંથી સખી લાવ્ય ગોતી;
પુષ્પો તણા રસભર્ચા ગજરા બનાવે.


ઊંચી ઊંચી આશા અટારીએ ચઢીને, બહેન !
નયણાંને નીચે નિહાળવું રહ્યું.
ચંદ્રીને ખીલવું આકાશમાંહ્ય તો ય, બહેન !
અંતે આ ભૂમિમાંહ્ય ભાળવું રહ્યું.

સાખી ]

ચંદ્રી તણાં અશ્રુ વીણી ગગનરાય સોહાય.
મુજ અશ્રુ ઝરી જાય છે,
કોણ આંસુ ઝીલે એ બતાવ્ય, રે સાહેલડી !
ઉરમાંહ્ય પ્રેમપૂર ઉભરાયાં જાય.