નિહારિકા/આશા
← ચોર ઊભા | નિહારિકા આશા રમણલાલ દેસાઈ |
જોગીને સંદેશ → |
આશા
૦ ગઝલ o
સનમના ચશ્મમાં દીઠી
ઝબકતી રૌશની મીઠી;
જિગર વાર્યું રહે શાનું?
ગયું એ ઊઠી પરવાના !
જિગર જોડે બદન દોડે,
પૂછે માશુક ક્યાં પોઢે !
સૂવા માગે સનમ સોડે !
અમે મિસ્કિન મરવાના.
મરીશું તો ભલે મરતા;
જિગર અંગાર છો ખરતા;
ન વારો કો દીવાનાને,
અમે બસ ઈશ્ક કરવાના.
સનમના હાથમાં પ્યાલી,
અજબ સમશેર ત્યાં ચાલી.
ઝૂકી તલવારની ધારે
અમે બસ પ્યાલી ભરવાના.
ભલા શી માૈતની ભીતિ?
સનાતન પ્રેમની રીતિ :
કબરની મિટ્ટી માંહેથી
પ્રણયપલ્લવ ઊછરવાના.
બની ગુલ મોગરો લાલા,
ચમેલી કે બકુલમાલા,
કઠિન માશુકની છાતી
ઉપર આશક ઊતરવાના.
ઝુકાવી કિશ્તી ભરદરિચે
અમો પાગલ નહીં ડરીએ,
સનમ-દિદારની આશા
તણા દોરે જ તરવાના,
ન પરવા કિશ્તી છો ડૂબે;
ભયાનક વારિ છો ચૂમે;
રસીલું નામ માશુકનું
અમે અંતે ઊચરવાના.
ન સિંધુ: એ જીવનવારિ!
ન મૃત્યુ : એ અમર ક્યારી !
સનમને ઓળખી હૈયે
મરીને બસ ઊગરવાના.
મરી જાશું, મટી જાશું,
જગતમાંથી ફીટી જાશું;
સનમની યાદમાં મરતાં
સજીવન સ્નેહ ઝરવાના !