નિહારિકા/ઈશ કે અલ્લા?
Appearance
< નિહારિકા
← પાર ઉતારો | નિહારિકા ઈશ કે અલ્લા? રમણલાલ દેસાઈ |
મનને → |
ઈશ કે અલ્લા ?
૦ ગઝલ ૦
ઊઠે આવાઝ કાબાથી :
સુણે પંડિત ! ‘યા અલ્લા !’
ઊઠે એ શબ્દ કાશીથી :
સુણો ‘ૐકાર’ અય મુલ્લાં !
અયે કાઝી ! અહો બ્રાહ્મણ !
બતાવો ભેદ ક્યાં ભાળ્યો?
કહો એ ઈશ કે અલ્લા
વસે ક્યાં? ક્યાંઈ નિહાળ્યો ?
ચરાચરમાં રમે તેને
પુકારી રામ પૂજે છે!
કહેશો કે યવનહૃદયે
કદી ના રામ ગુંજે છે ?
કહો છો પાક અલ્લાની
રહમ દુનિયા ભરી ફેલે !
પૂછું, કાફર જિગરમાં શું
રહમ દરિયાવ ના રેલે ?
ન પૂછો પંડિતોને, ના
પકડશો કાઝીના છલ્લા.
મિલાવી હાથ ને હૈયાં
પુકારો : ઈશ એ અલ્લા!