નિહારિકા/કોયલડી!

વિકિસ્રોતમાંથી
← પનિહારીને સાદ નિહારિકા
કોયલડી!
રમણલાલ દેસાઈ
ખંડિતા →


કોયલડી


લય-સ્નેહીનાં સોણલાં આવે સાહેલડી

બોલને બોલ કાંઇ મીઠું કોયલડી !
ઉરમાં અંધાર ગાઢ રેલી રહ્યા.
સુખનું ન સ્વપ્ન હજી દીઠું, હો બહેનડી !
અન્તરનાં દુઃખ જાય કોને કહ્યાં ?

ફુલડાં સમ સોહામણું ઊતર્યું શીતળ પ્રભાત
ભીંજે જગત પ્રકાશમાં,
મારે નયણેથી ખસતી ન રાત, હો કોયલડી !
ઉરમાં અંધાર ગાઢ રેલી રહ્યા.

વસંતતિલકા]
બિન્દુ તુષાર ટપકન્ત ઝીલી ઝીલીને
ઊભી પૃથિવી પ્રિય કુમ કુમથી વધાવે !
ક્યારે કહે સખી બિડાયું ભવિષ્ય ખીલી
એ પ્રેમયોગ-રસયોગ હવે સધાવે.

આશાનાં ગીત સંભળાવવો, હો બહેન !
મારાં આંસુ હજી નથી રહેતાં ખળ્યાં.
સંદેશ મીઠડા લાવો, હો બહેન !
રસઝરણાં હજી નવ દરિયે ભળ્યાં.

નમણી આંબા ડાળ પર કાં બેઠી બની શૂન્ય ?
સંગીત વરસી મૃદુમૃદુ.
મારે હૈયે જગાવ રસધૂન રે, હો બહેન !
મારાં આંસુ હજી નથી રહેતાં ખળ્યાં.

વસન્તતિલકા]

લાગે સ્મશાન સરીખો જગવાસ હાવે:
ભૂતાવલી શી જનની ઘટમાળ આખી;
હૈયે હવે કુજન એકલું તારું ભાવે;
તે બંધ રાખી મુજને ક્યમ શોષી નાખી?

શાને વિજોગ વીંધી બાળા રિઝાવે બહેન ?
સ્નેહસંબંધીમાં તું એકલી સખી ?
હૈયાની પીડ તારો ટહુકો ભુલાવે,
તો ગાને જરાક રસધેલી સખી!