નિહારિકા/પનિહારીને સાદ
← શાને વીંધો, મદનરાજ ! | નિહારિકા પનિહારીને સાદ રમણલાલ દેસાઈ |
કોયલડી! → |
પનિહારીને સાદ
૦ ગરબી ૦
શીળો સૂર્ય હસી વેરે કુસુમ વેગળે રે લાલ;
મીઠી સુરભિ શું ભરીભરી બાથ, પનિહારી રે લોલ.
જલમાલાની સાથ અનિલ જે લળે રે લોલ !
થાકી તારલી ના માંડે મીટે ભાળતી રે લોલ; .
તેનાં પોપચાં મીંચાય વારવાર, પનિહારી રે લોલ,
હજી નીંદ શું તમારાં નેણ ઢાળતી રે લોલ ?
કહો કંકણોના સૂર આજ કયાં ભળ્યા રે લાલ ?
નવ મીઠા નૂપુર ખણકાર, પનિહારી રે લોલ,
કોણ ઘાટે તમારાં પગલાં વળ્યાં રે લોલ ?
ભૂલ્યાં ઘેર રૂડી રૂપલા ઓઢણી રે લોલ ?
ક્યહાં મૂક્યું સોનાબેડલું સવાર પનિહોરી રે લોલ,
રમે હૈયું શું સ્વપ્નની ભુલામણી રે લોલ !
હજી વાડીનાં પુષ્પ ના વેડી રહ્યાં રે લોલ !
કે ન આવે વલોણે પરવાર? પનિહારી રે લોલ,
કહો કોણે બે વેણ કડવાં કહ્યાં રે લોલ ?
તજી નીંદ મૂકી ખાટ મધરાતની રે લોલ,
કોક તરસ્યો નિહાળે તમ વાટ, પનિહારી રે લોલ,
એને આશા તમારી એક વાતની રે લોલ.