નિહારિકા/ગુર્જર વીર

વિકિસ્રોતમાંથી
← હિંદમાતા નિહારિકા
ગુર્જર વીર
રમણલાલ દેસાઈ
સાચના સિપાહી →


ગુર્જર વીર

૦ રાગ માઢ ૦

અમે તો ગરવા ગુર્જર વીર !
અમારા તેજી તોખાર અધીર ! અમે.

કેસરીહાક અમારી ભયાનક
ગજવે ગહ્ વર ગીર;
દુશ્મનના રણરંગી સંગે
ખેલનકાજ અધીર. અમે૦

વિદ્યાસમ અમ બાહુ ફેલ્યો,
હિંદ ધ્રુજાવે ધીર;
આંખલડીમાં અગ્નિ સમાવ્યો,
કેસરરંગ્યાં ચીર ! અમે૦

છાંટી આભ જયોન્મત્ત ઘૂઘવે
ઘેરાં સાગરનીર;
તેને મસ્તક નર્તન ખેલી
બાંધ્યા બલજંજીર. અમે૦

કાળે કમાન કુટિલ બનાવી,
સૂર્યે ઝબોળ્યાં તીર;
વીજલ ઘોર ઘનેથી ઊતરી
ભેટે અમ શમશિર. અમે૦

મૃત્યુના મિજબાન સદાના
પ્રાણ ઉદાર અમીર !
કાળ તણે કુમકુમચાંદલિયે
અમ્મર યશની લકીર. અમેo