નિહારિકા/હિંદમાતા
Appearance
< નિહારિકા
← શૂર સિપાહી | નિહારિકા હિંદમાતા રમણલાલ દેસાઈ |
ગુર્જર વીર → |
હિંદમાતા
૦ લાવણી ૦
એ એ જ અમારી માત પુનિત રઢિયાળી
જંગ ઝંખવતી અહ! ઊભી પ્રકાશિત બાળી.
એ જુઓ, ગગનપટ ફોડી ધ્વજા ફરફરતી :
સ્મિત દિગંત ઝરતી માત વત્સલા મૂર્તિ.
ઘૂઘવે રત્નાકર ૨ત્નભર્યો નિજ ખોળે,
જગમુકુટ હિમગિરિ ઊભો ગગનને તોળે .
જગજનતાનાં શિર ઝૂકે માતને ચરણે,
સહુ તૃષા નિવારે હિંદપ્રેમને ઝરણે.
જુઓ હિંદ તણા સંતાન દેવસમ સોહે,
ઇતિહાસ હિંદના પ્રેમશૌર્ય પર મોહે.
સહુ સંયમી ને શીલવાન પ્રતાપી પવિત્ર !
વિધિ આલેખે શું જગ પર પ્રભુનાં ચિત્ર ?
જનકુલ ઉદ્ધારતી માત પ્રણામ અનેક !
જય જય જગમાં ચિરકાલ ! માત અહાલેક!